લેબલ મોંઘવારી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મોંઘવારી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

મોદીના અચ્છે દિનના સ્વપ્નલોકની સચ્ચાઈ જનતાને કડવી દવા!

આનંદ શુક્લ

મોંઘવારી ક્યારે ઘટશે? દેશના આર્થિક આરોગ્ય સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર બનીને કડવી દવા પાઈ રહ્યા છે. જેના કારણે દૂધ… પેટ્રોલ-ડીઝલ.. રેલવે ભાડા… સબસિડી વગરના સિલિન્ડર.. ડુંગળી અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બની છે. 10મી જુલાઈએ બજેટમાં પણ મોદી સરકાર કમ્મરતોડ ભાવવધારાથી જનતાને કોઈ રાહત આપે તેવા સંકેતો સાંપડતા નથી. લોકોને મનમોહનોમિક્સ અને મોદીનોમિક્સમાં હજી સુધી કોઈ તફાવત દેખાયો નથી. ત્યારે જનતાનો સવાલ એ છે કે મોદીએ ચૂંટણી પહેલા અચ્છે દિનનો વાયદો કર્યો હતો, તે અચ્છે દિન ક્યાં ખોવાય ગયા છે? જનતાને મોદી સરકારની મુશ્કેલીઓ સાંભળવા કરતા પોતાની સમસ્યાઓના ઉકેલમાં વધારે રસ છે.

લગભગ 10 વર્ષ સુધી મોંઘવારીના ભાર તળે દબાયેલી જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિનના વાયદામાં આશાનો સંચાર થયો હતો. પરંતુ ત્યાર બાદ દૂધ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુઓમાં ભાવવધારા થવાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવા ખાતે આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે પોતાની સરકારની મજબૂરી ગણાવી. તેમણે દેશની આર્થિક દુર્દશા માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી અને અર્થતંત્રના આરોગ્યને સુધારવા માટે કડવી દવા આપવાની વાત કરી હતી.

દેશના અર્થતંત્રને કડવી દવા પાવા માટે વડાપ્રધાન મોદી ડોક્ટરની ભૂમિકામાં આવ્યા. તેમની સરકારે રેલવે ભાડામાં આઝાદી બાદનો સૌથી મોટો 14 ટકા જેટલો વધારો જનતાના માથે ઝીંક્યો અને નૂરભાડા પણ વધાર્યા. મોદી સરકારના મંત્રીઓએ યુપીએ સરકારની જેમ તર્કો આપવા માંડયા અને નિર્ણયને પુરોગામી સરકારનો ગણાવીને પોતાના હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો. રેલવે ભાડમાં વધારા સામે લોકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે.

ડોક્ટર મોદીની કડવી દવાના ડોઝ અપતા હતા અર્થતંત્રને પણ તેનાથી મોઢું કડવું થવા લાગ્યું જનતાનું. મોદી સરકારે પેટ્રોલમાં 1.69 રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો તાજેતરમાં કર્યો. ડુંગળી સહીતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા. તો સબસિડી વગરના રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા 50 પૈસાનો વધારો કરાયો છે. જેના પરિણામે જનતાએ ઉપરાઉપરી ભાવવધારા સામે દેશભરમાં દેખાવો થયા અને મોદીના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યુ છે કે નબળા ચોમાસાની મીડિયામાં આવતી ખબરોને કારણે જમાખોરી વધી રહી છે અને જમાખોરીથી મોંઘવારી વધી રહી છે. દિલ્હીમાં જમાખોરોના ઠેકાણાઓ પર છાપામારી શરૂ થઈ છે અને રાજ્યોને પણ તેના માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

તો કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટ પહેલા સંકેત આપ્યા છે કે તેઓ સામાન્ય બજેટમાં સસ્તી લોકપ્રિયતાના સ્થાને અર્થતંત્રની સ્થિતિ સુધારવા પર જોર આપશે.

તેવામાં જનતાને આગામી સપ્તાહે રજૂ થનારા મોદી સરકારના બજેટમાં આકરા નિર્ણયો જોવા મળી શકે છે. જેટલીએ કહ્યુ છે કે મહેસૂલી ખાદ્ય એક મોટો પડકાર છે. મોંઘવારી પણ અત્યારે આસામાને છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટટોને એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. જેટલીએ કહ્યુ છે કે અત્યારે મોંઘવારી સ્વીકાર્ય મર્યાદાથી ઉપર છે. તેમ છતાં ત્રણ-ચાર વર્ષની નિરાશા બાદ આશા દેખાઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પગલા લેવાથી પરહેજ કરશે,કારણ કે તેનાથી રાજકોષની હાલત બગડી જશે.

આર્થિક સુધારાને નામે કેન્દ્રમાં આવેલી છેલ્લી કેટલીક સરકારોએ મોંઘવારીને ખુબ જ સોંઘી કરી નાખી છે. જેના કારણે સોંઘવારીની આશામાં સેવતી જનતાનું જીવન દુભર બન્યું છે. ભારતમાં સત્તામાં કોઈપણ આવે પણ સત્તાપક્ષની ભાષા અને નીતિઓમાં હાલના તબક્કે કોઈ જ ફરક લાગી રહ્યો નથી. વળી જાણકારો પ્રમાણે, સબસિડી હટાવી લેવાની નીતિ આગળ કરનારી સરકારોએ ઉદ્યોગો માટે અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની રાહતોની લ્હાણી કરી છે. ત્યારે સવાલ એ છે કે કલ્યાણરાજ્ય ભારતની સરકાર પ્રોફિટ મેંકિગ કંપનીમાં ફેરવાઈ ગઈ છે? લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે આ કેવા આર્થિક સુધારા છે..જેમાં મોંઘવારી સતત વધતી રહે છે. આ આર્થિક વિકાસના સુધારાના નામે કોનો વિકાસ થઈ રહ્યો છે?

ચૂંટણી પ્રચારમાં મોદી લોકોને પુછતા હતા કે યુપીએ સરકારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો પુરો કર્યો છે? પણ હવે મોદી ખુદ સત્તામાં છે અને મોંઘવારી મામલે લોકોને નિરાશા પ્રાપ્ત થઈ છે. ત્યારે મોદી 200 દિવસમાં પણ મોંઘવારીને ઘટાડે તો તેમની અચ્છે દિન આવ્યાની વાત થોડી-ઘણી સાચી સાબિત થાય..

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

મનમોહન સિંઘમ બન્યા, પણ સરકારનું ભવિષ્ય અધ્ધરતાલ


-          આનંદ શુક્લ
મનમોહન સિંહ છેલ્લા આઠ વર્ષમાં પહેલી વખત ઈકોનોમિસ્ટ અને વડાપ્રધાન તરીકે વર્તતા નજરે પડયા છે. મનમોહનસિંહ માટે મૌનીમોહનસિંહ જેવા વિશેષણો એક કરતા વધારે વખત વપરાયા છે. પરંતુ પોતાના પહેલા અને બીજા કાર્યકાળ દરમિયાન રાતોરાત મનમોહન સિંઘમ બની ગયા છે. 1.86 લાખ કરોડના કોલ બ્લોક કૌભાંડમાં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજના મોટા માલવાળા નિવેદનથી વ્યથિત થયેલા વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પહેલી વખત પોતાનું મોઢું ખોલ્યું છે. એક અંગ્રેજી અખબારના સમાચાર પ્રમાણે, વડાપ્રધાને કોલ બ્લોક ફાળવણી મામલે સોનિયા ગાંધીના ખાસમખાસ પોલિટિકલ એડવાઈઝર અહેમદ પટેલને લપેટયા છે. અખબારના સમાચાર પ્રમાણે, મનમોહનસિંહે પોતાનું મૌન તોડીને સોનિયા ગાંધીને સ્પષ્ટ જમાવી દીધુ છે કે કોલ બ્લોકની ફાળવણીના નિર્ણય તેમના પોલિટિકલ સેક્રેટરી અહેમદ પટેલની ભલામણથી કર્યા હતા. આને મનમોહન સિંહનું અત્યાર સુધીનું સૌથી વધારે બોલ્ડ રાજકીય પગલું માનવામાં આવે છે.

બીજી તરફ 1991-92ના આર્થિક સુધારા વખતે નરસિંહરાવના નેતૃત્વમાં તત્કાલિન નાણાંમંત્રી મનમોહન સિંહે દેશને આર્થિક ઉદારીકરણની રાહ પર ચલાવનારી નીતિનો પાયો નાખ્યો હતો. જો કે નાણાંમંત્રી તરીકે મનમોહનસિંહે નરસિંહરાવના નેતૃત્વમાં જેટલા આર્થિક સુધારાના પગલા લીધા હતા, તેવા અને તેટલા પગલાં પોતાના વડાપ્રધાનકાળમાં લીધા નથી. જેને કારણે તેમના જ આર્થિક સલાહકારો કહી રહ્યા હતા કે દેશના વિકાસમાં ગઠબંધન અને ભ્રષ્ટાચાર મોટી અડચણો છે. પરંતુ જઈશું તો લડતા લડતા, તેવા નિર્ધાર સાથે વડાપ્રધાન મનમોહન સિંહે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ કોલગેટ કાંડની કાળી છાયા વચ્ચે આર્થિક સુધારાના નામે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને રાંધણગેસના સિલિન્ડરમાં રેશનિંગ કરીને રાહત ભાવે એક પરિવારને વર્ષ દરમિયાન માત્ર છ સિલિન્ડર આપવાનું ઠરાવ્યું. આ પગલું આમ આદમીને પસંદ પડયું નથી, કારણ કે તેનાથી દેશમાં મોંઘવારી વધવા લાગી છે. ડીઝલના ભાવવધારા સાથે જ ટ્રાન્સપોર્ટરોએ પોતાના ભાડાંમાં 10થી 15 ટકાનો ધરખમ વધારો કર્યો છે. જેની અસર જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ પર પણ પડવા લાગશે. ડીઝલના ભાવવધારાની સૌથી વધારે અસર સરકારને પણ થશે, કારણ કે દેશમાં સૌથી વધારે ડીઝલના વપરાશકાર ભારતીય સેના અને ભારતીય રેલવે છે. બની શકે કે આગામી બજેટમાં રેલવેના મુસાફર ભાડામાં અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભાવવધારો કરવામાં આવે.

વડાપ્રધાન મનમોહનસિંહ આટલેથી અટક્યા નથી, તેમણે રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગત ડીસેમ્બરમાં તેમની સરકારને તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીના દબાણમાં શરમજનક રીતે પાછો લેવો પડયો હતો. નિર્ણય પાછો ખેંચતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ રીટેલમાં એફડીઆઈના નિર્ણયને રદ્દ નહીં, પણ સ્થગિત કરી રહ્યા છે. તેમણે તમામ પક્ષો સાથે ચર્ચા કરીને તેને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મમતા બેનર્જીએ આ નિર્ણય પર 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે આ નિર્ણય લેતી વખતે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. તેમણે 72 કલાક બાદ ટેકો પાછો ખેંચવા સુધીના કડક નિર્ણયો થઈ શકે છે, તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે રેલવે મંત્રી મુકુલ રોયે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને જાણ કરી હોવાનું આધિકારીક સૂત્રોનું માનવું છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પણ રીટેલમાં એફડીઆઈનો વિરોધ કર્યો છે. તેમણે પણ આનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પણ 10 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપી દીધું છે. ભાજપ અને ડાબેરીઓ પહેલેથી જ રીટેલમાં 51 ટકા એફડીઆઈ સાથે સૌદ્ધાંતિક રીતે વિરુદ્ધમાં છે.

તેથી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સરકાર પાસે માત્ર બે વિકલ્પ છે- કાં તો સરકાર રીટેલમાં એફડીઆઈ અને ડીઝલમાં ભાવવધારાના નિર્ણયને પાછો ખેંચે અથવા તો ન્યૂક્લિયર ડીલની જીદ્દ વખતે વિશ્વાસ મત લેવાયો હતો તેમ ફરીથી સંસદમાં બહુમતી સાબિત કરે. તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ટેકો પાછો ખેંચે તો પ્રવર્તમાન યુપીએ સરકારને બહુમતી સાબિત કરવામાં તકલીફ પડે તેવી છે. આવી સ્થિતિમાં દેશમાં મધ્યસત્ર ચૂંટણીની શક્યતાઓ પણ જાણકારો નકારતા નથી. રાજકીય નિરીક્ષકોના મત પ્રમાણે, કોલગેટ કાંડમાં ફસાયેલી સરકાર ભ્રષ્ટાચારના મુદ્દે નામોશી સાથે જવા કરતા ભાવવધારા અને રીટેલમાં એફડીઆઈ જેવા કથિત આર્થિક સુધારાના મુદ્દે શહીદ થવાનું પસંદ કરે તેવી શક્યતા વધારે છે. મનમોહન સરકારે આ સિવાય એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના હાલના નિર્ણયો અમેરિકાના દબાણમાં લેવાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરો પર છે.

યોજનાપંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ તાજેતરના આમ આદમીને મારી નાખનારા કથિત આર્થિક સુધારા સંદર્ભે કહ્યુ છે કે આ દેશની પ્રગતિ માટે જરૂરી હતા. અહીં પાયાનો સવાલ એ છે કે દેશનો આમ આદમી મરણ પથારીએ પડે, તો તેવી દેશની પ્રગતિને શું કરવાની? દેશની અર્થવ્યવસ્થામાં સતત ઉછાળો મારતું શેરબજાર અને સોનાબજાર છે, તો બીજી તરફ રૂપિયાનું સતત ધોવાણ અને સસ્તી થતી મોંઘવારી છે. ભારતની અર્થનીતિમાં કોઈ બીમારી છે, તો અહીં છે. પરંતુ તેની કોઈ સારવાર કરવામાં આવતી નથી. તાજેતરના કથિત આર્થિક સુધારાથી ફરી એકવાર શેરબજારમાં ઉછાળો આવ્યો અને રૂપિયામાં બે  પૈસા મજબૂત પણ બન્યો, પરંતુ મોંઘવારીમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. ત્યારે ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહનસિંહના આર્થિક સુધારાનું મનમોહનોમિક્સ પણ શંકાના દાયરાથી પર નથી. માનવામાં આવે છે કે દેશમાં આર્થિક સુધારા કોર્પોરેટોને વધારે ફાયદો કરાવે તેવા સાબિત થાય છે, કારણ કે તેને આમ આદમીને ધ્યાનમાં રાખીને નહીં પણ રેટિંગ એજન્સીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

મનમોહનોમિક્સમાં માત્ર મોંઘવારી જ સસ્તી!


-          આનંદ શુક્લ
દેશમાં આજે મોંઘવારી સસ્તી છે અને બાકીનું બધું મોંઘું છે. મોંઘવારીનું વિષચક્ર દેશના આમ આદમી માટે મૃત્યુઘંટ વગાડી રહ્યું છે. ખોટી અર્થનીતિ અને આર્થિક વિકાસમાં અસંતુલનને પરિણામે વિકાસના ઘણાં ફૂગ્ગા ફૂટી રહ્યા છે. જે વિકાસ દેશના લોકોનું કલ્યાણ કરવામાં અસમર્થ હોય અને માત્ર કોર્પોરેટો અને સરકારની તિજોરીઓનો ખ્યાલ રાખતો હોય, તો તેવા વિકાસની ખરેખર કોઈ જરૂરત હોતી નથી. દેશમાં આજે થયેલા વિકાસમાં ગરીબો અને અમીરો વચ્ચે અસંતુલનની ખાઈ મસમોટી બની છે. અમીરો વધારે જલ્સા કરી રહ્યા છે, જ્યારે ગરીબો વધારે દુભર જિંદગી જીવવા માટે સરકાર દ્વારા મજબૂર બનાવાયા છે.

પેટ્રોલના ભાવવધારાનું દમનચક્ર ચલાવ્યા બાદ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારે દેશમાં એક જ ઝાટકે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને રાંધણગેસમાં રેશનિંગ કર્યું. હવે વર્ષમાં માત્ર 6 ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે. ત્યાર બાદ સિલિન્ડર લેવા જનારને 746 રૂપિયા જેટલી મોટી રકમ ચુકવવી પડશે. આ કેન્દ્ર સરકાર આટલેથી જ અટકી નથી, જનતાવિરોધી નિર્ણયો લેવામાં મશહૂર મનમોહની અર્થનીતિને પરિણામે રીટેલમાં 51 ટકા એફડીઆઈ, એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેરક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની પણ સરકારે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ ઘોષણા કરી છે.

સરકારના આર્થિક સલાહકારો ઘણાં વખતથી કહેતા આવ્યા છે કે ગઠબંધન અને ભ્રષ્ટાચાર દેશના વિકાસમાં સૌથી મોટી અડચણ છે. ગઠબંધનને કારણે કડક આર્થિક નિર્ણયો લેવાતા નહીં હોવાની વાત પણ મનમોહન સિંહ એકથી વધારે વખત કહી ચુક્યા છે. પરંતુ એક ડોલરની કિંમત 40 રૂપિયાથી વધીને 58 રૂપિયાની આસપાસ સ્થિર થઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વર્લ્ડક્લાસ ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહન સિંહે રૂપિયાના આટલા અવમૂલ્યન વખતે કેમ કોઈ સાવધાની રાખી નહીં? અત્યારે દેશમાં વસ્તુઓની આયાત ખૂબ મોંઘી છે અને નિકાસ તેના પ્રમાણમાં સસ્તી છે. સરકાર ચાહત તો આ સ્થિતિ ટાળી શકી હોત. મોંઘવારી વધારવાના સ્થાને રૂપિયાને ગબડતો અટકાવી શકી હોત. રૂપિયો ગબડી રહ્યો છે, તે મોંઘવારીનું સૌથી મોટું તાત્કાલિક કારણ છે.

રૂપિયો ગબડવા માટે માત્ર વૈશ્વિક બજારની પરિસ્થિતિ જ જવાબદાર નથી, પરંતુ ભારતની ખોરંભે પડેલી અર્થનીતિ પણ કારણ છે. ભારતમાં ખાદ્યાન્નોની કિંમતો ઉંચી છે, પરંતુ વિદેશ મોકલાતા ખાદ્યાન્નોની કિંમતમાં રૂપિયાના અવમૂલ્યનને કારણે ખાસ કોઈ વધારો થઈ શક્યો નથી. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને માંગનારને આટો છે!! વિદેશમાં ભારતથી જનારી તમામ વસ્તુઓમાં પરિસ્થિતિ લગભગ આવી જ છે. પરંતુ બહારથી આવતી ચીજ-વસ્તુઓના ભાવ રૂપિયાના અવમૂલ્યનને કારણે ઘણાં ઉંચા હોય છે. ભારતમાં મોટા ભાગની પેટ્રોલિયમ પેદાશો વિદેશ ખાસ કરીને ખાડી દેશોથી આયાત કરવામાં આવે છે. પરંતુ સરકારે હજી સુધી રૂપિયાને ડોલરના મુકાબલે ઉપરની સપાટીએ સ્થિર કરવા માટે કોઈ જવાબદાર પગલા ભર્યા નથી.

હાલ દેશનો વિકાસ દર 5.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવાય છે. બજેટ અને વેપારનું નુકસાન તથા ફૂગાવાનો દર એકસાથે વધી રહ્યા છે. ત્યારે સરકાર જણાવી રહી છે કે વધતી રાજકોષીય ખાદ્ય અને ઓઈલ કંપનીઓના વધતા નુકસાનને નિયંત્રણમાં લેવા માટે ડીઝલમાં ભાવવધારો અને રાંધણગેસમાં રેશનિંગ જરૂરી છે. આંકડા તપાસવામાં આવે, તો આ એક સરકારી જૂઠ્ઠાણું છે. સચ્ચાઈ એ છે કે આપણા જીડીપીના 6.9 ટકાના ઉંચા સ્તરે પણ રાજકોષીય ખાદ્ય લગભગ 5.22 લાખ કરોડ રૂપિયા થશે. પરંતુ ગત નાણાંકીય વર્ષમાં જ તો આ સરકારે કોર્પોરેટ ખેલાડીઓ અને ધનિકોને 5.28 લાખ કરોડ રૂપિયાની રાહતો આપી છે. આ સરકાર આમ આદમીને રાહત આપવામાં ખાદ્ય અને નુકસાનની ગણતરી કરે છે, પરંતુ કોર્પોરેટો અને ધનિકોને રાહતો આપવામાં સૌથી આગળ રહે છે.

યુપીએ-2ની મનમોહનસિંહની સરકારનું કહેવું છેકે ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ ભીમકાય ઓઈલ અને પ્રાકૃતિક ગેસ કંપની, ઓએનજીસીએ 2011-12 માટે 25,123 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો કર્યાનું એલાન કર્યું છે. આ પ્રકારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 2011-12માં 4,265.27 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ ઘોષિત કર્યો હતો. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પણ નફાની ઘોષણા કરી હતી. રસપ્રદ વાત એ છે કે ગત નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિક સમયગાળામાં આ કંપનીએ પોતાના શુદ્ધ નફામાં 312 ટકાનો વધારો દર્શાવ્યો હતો.

આ સાથે રીટેલ ભારતમાં ઘણું મોટું કારોબારનું સેક્ટર છે. તેમાં ચાર કરોડથી વધારે નાના કારોબારીઓ પોતાનું પેટિયું રળી રહ્યા છે. રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરીથી ચાર કરોડથી વધારે નાના ભારતીય કારોબારીઓના કારોબાર પર જોખમ તોળાઈ રહ્યું છે. રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરીથી બેરોજગારી અને ખાદ્યાન્નોમાં ધરખમ ભાવવધારાનું જોખમ પણ લાંબાગાળે દર્શાવવામાં આવી રહ્યું છે. વોલ માર્ટ જેવા મોટા ખેલાડીઓ ભારતના રીટેલ કારોબારને ગળી જવા માટે તૈયાર બેઠા છે. આજે રીટેલમાં એફડીઆઈ નહીં હોવાથી હજી પણ ગામડાઓમાં અથવા નાના શહેરોમાં સસ્તા ભાવે ખાદ્યાન્નો અને અન્ય વસ્તુઓ મળવાની સંભાવના બાકી રહેલી છે. પરંતુ રીટેલમાં એફડીઆઈ અને મોટા ખેલાડીઓના આવવાથી ભારતમાં 20 લાખથી ઉપરની વસ્તીવાળા 400 શહેરોમાં તેઓ નક્કી કરશે તેટલા મોંઘા ભાવે જ લોકોને વસ્તુઓ મળશે, નફામાં નાના કારોબારીઓ ધંધો ગુમાવશે તે નક્કી છે.

મનમોહન સરકારના તાજેતરના નિર્ણયોને ધરખમ આર્થિક સુધારા તરીકે ગણાવવામાં આવે છે. જેનાથી દુનિયાની રેટિંગ એજન્સીઓમાં ભારતનું રેટિંગ વધવાની આશા દેખાડવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારનું દેશના આમ આદમીમાં રેટિંગ એક ઝાટકે ઘટી ગયું છે. આ કથિત આર્થિક સુધારાથી આમ આદમીને ભારે પીડા પહોંચી રહી છે, ત્યારે તેને સુધારા કરતા સજા કહેવા વધારે યોગ્ય લેખાશે. 1991-92માં ભારતે પકડેલી આર્થિક ઉદારીકરણની રાહ ખરેખર દેશના લોકોને ઉંડી ખાઈમાં ધકેલનારી સાબિત થઈ રહી છે. આજે દેશમાં વિકાસની પેટર્નને પણ તપાસવાનો સમય આવી ગયો છે. અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. રોટલો મોંઘો થઈ રહ્યો છે, બીમારી મોંઘી પડી રહી છે, શિક્ષણ પહોંચ બહાર થઈ રહ્યું છે, સામાજિક સેવાઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આમ આદમી પાસે મોઢું વકાસીને બેસવા સિવાય હવે કોઈ વિકલ્પ બચતો નથી. આ મનમોહનોમિક્સ આમ આદમીની કરપીણ હત્યાનું મોટું કાવતરું છે!

મંગળવાર, 5 જૂન, 2012

ભારતની આર્થિક સમસ્યાની જડ અણઘડ આર્થિક ઉદારીકરણ


-આનંદ શુક્લ
1991-92માં તત્કાલિન નાણાંપ્રધાન ડૉ. મનમોહન સિંહના માર્ગદર્શન નીચે દેશ વૈશ્વિકરણ હેઠળ ઉદારીકરણના રસ્તે સરપટ દોડવા માટે તૈયાર થયો. ઉદારીકરણના તબક્કમાં ભારતે વિકાસના ઘણાં ઉચ્ચ માપદંડો સિદ્ધ કર્યા. વૈશ્વિક મંદીમાં પણ દેશ પ્રખર અર્થશાસ્ત્રી એવા વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં 2008માં ઉગરી ગયો. પરંતુ 2010-11ના 8.4 ટકાના જીડીપી વિકાસ દરમાં ઘટાડો થઈને 2011-12માં વિકાસ દર 6.5 ટકાએ પહોંચ્યો છે. જ્યારે 2012ના પહેલા ક્વાર્ટરમાં માત્ર 5.3 ટકાનો વિકાસ દર નોંધાયો છે. પ્રખર અર્થશાસ્ત્રી ગણાતા વડાપ્રધાન મનમોહન સિંહ પાસે પણ હાલ એ વાતનો જવાબ નથી કે જ્યારે અમેરિકાની ખુદની અર્થવ્યસ્થા ઘણાં પડકારો સામે ઝઝુમી રહી છે, ત્યારે રૂપિયો ડોલર સામે કેમ ઘસાઈ રહ્યો છે? ભારત છેલ્લા એક દશકાથી ફૂગાવાના ઉંચા દરનો સામનો કરી રહ્યું છે. ફૂગાવાનો દર ડબલ ડિઝિટમાં છેલ્લા દશકામાં ઘણી વખત પહોંચ્યો છે. 2002માં 30 રૂપિયા આસપાસ લિટર પેટ્રોલનો ભાવ હાલ 76 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ સ્થિર થયો છે.
આવી પરિસ્થિતિમાં ખરેખર પ્રશ્ન ઉપસ્થિત થાય કે  છેલ્લા 20 વર્ષથી જે ઉદારીકરણ હેઠળ આપણી અર્થવ્યવસ્થા વિકાસના ગાણાં ગાતી થઈ છે, તેમાં કંઈક ખામી છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું  કામ થયું છે. જો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાડા છ લાખ ગામડાંને સ્થાને 400 શહેરો સુધી જ કેન્દ્રીત હોય તેવું પણ લાગ્યા વગર રહેતું નથી. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લોકો ઉપયોગ કરે છે, પરંતુ તેના કરતાં વધારે એવું પ્રતિપાદિત થઈ રહ્યું છે કે દેશમાં આવેલા ઔદ્યોગિક કોર્પોરેટ સમૂહોની સવલત વધારે સચવાય રહી છે.
આજે પણ દેશમાં આમ આદમી માટે જીવનજરૂરિયાતોની વસ્તુઓ, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ તેમને પોષાય તેવા દરે ઉપલબ્ધ નથી. ફૂગાવાને કારણે જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ સાથે તમામ સેવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજી, અનાજ, કઠોળના ભાવ દેશના 32 રૂપિયા રોજ કમાનારા વ્યક્તિની પહોંચની બહાર થઈ રહ્યા છે. શિક્ષણમાં સેલ્ફ ફાયનાન્સને પ્રોત્સાહનને કારણે ગરીબી રેખા નીચે જીવનાર વ્યક્તિ માટે ઉચ્ચ શિક્ષણ દીવાસ્વપ્ન સમાન જ બની રહ્યું છે. જ્યારે આરોગ્ય સુવિધાઓ દેશના સાડા છ લાખ ગામડાં સુધી હજી સુધી પહોંચી શકી નથી. આરોગ્ય સુવિધાનું સરકારી તંત્ર દેશના આમ આદમીને સવલતો પુરી પાડવામાં ઉણું ઉતરી રહ્યું છે. જ્યારે આમ આદમી મોંઘીદાટ પ્રાઈવેટ-કોર્પોરેટ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતો નથી.
ત્યારે પ્રશ્ન જરૂરથી થાય કે શું ભારતે ખરેખર ઉદારીકરણમાં વિકાસ કર્યો છે? હકીકતમાં ભારતનો વિકાસ જરૂરથી થયો છે, પરંતુ તે અસંતુલિત થયો છે. દેશમાં સવા લાખની આસપાસ કરોડ-અબજપતિઓ  છે. અંબાણી બંધુઓ સહીતના દેશના  ઘણાં ઉદ્યોગપતિઓ દુનિયાના અમીરોની યાદીમાં સ્થાન પામે છે. દેશમાં 1990ની સરખામણીએ હાલ અમીરોની સંખ્યા ઘણી વધારે છે.
પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે ગરીબોની ગરીબી અને તેમની સંખ્યામાં પણ ભારતે ઉદારીકરણના સમયગાળામાં ઘણો વિકાસ કર્યો છે. હાલ દેશમાં 42 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. આ એવા લોકો છે કે જેઓ શહેરી વિસ્તારમાં 32 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં 26 રૂપિયા રોજના મેળવે છે. જો કે બીજી હકીકત એ છે કે સારી બ્રાન્ડના એક લિટર પાણીના બોટલની કિંમત 15થી 20 રૂપિયા છે! ભારતમાં અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ ઉદારીકરણના દોરમાં છ ગણી વધી છે. અમીરો-ગરીબો વચ્ચે આવકનો તફાવત છ ગણો વધ્યો છે.
દેશની 70 ટકા સંપત્તિ પર દેશના અમીરોનો કબજો છે. દેશની લોકસભા અને  રાજ્યોની ધારાસભાઓમાં કરોડપતિ સાંસદો અને ધારાસભ્યોની  અછત નથી. દેશની લોકસભા અને ધારાસભામાં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા ગરીબી રેખાની નીચે જીવનારો એકપણ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે  પહોંચ્યો નથી. દેશના 82 કરોડ લોકોને એક ટંકનું ખાવાનું  માંડમાંડ મળી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવ વિકાસના તાજેતરના ઈન્ડેક્સ પ્રમાણે, 187 દેશોની યાદીમાં ભારત 134મા સ્થાન પર છે. તેનો ક્રમાંક પાકિસ્તાન, બાંગ્લાદેશ અને રવાંડા જેવા દેશોથી પણ નીચે છે. લૈંગિક વિષમતાના માપદંડ પર 147 દેશોની યાદીમાં ભારત 129મા સ્થાને છે. ભારત સર્વાધિક બાળ મૃત્યુ દરવાળા દેશોની યાદીમાં સામેલ છે. ભારતની લગભગ 15.8 કરોડ વસ્તી શહેરોમાં એવી ઝૂંપડીઓમાં વસવાટ કરે છે કે તેને જોયા પછી સ્લમડોગ મિલિયનિયર ફિલ્મના દ્રશ્યો ઝાંખા પડે.
બાળકોના કુપોષણને વડાપ્રધાન મનમોહન સિંહે ખુદ રાષ્ટ્રીય શરમ ગણાવી છે. પરંતુ  ખરેખર વડાપ્રધાન તરીકે તેમને પણ શરમ આવવી જોઈએ કે વિકાસના ગાણાં ગાવા છતાં બાળકો માટે યુપીએ-1 અને યુપીએ-2 સરકાર કંઈ કરી શકી નથી. સંયુક્ત રાષ્ટ્રના સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના 42 ટકા બાળકોનું વજન લઘુત્તમ માપદંડથી નીચે છે અને 59 ટકા બાળકો રોગિષ્ટ છે. પર્યાવરણીય સંતુલનના માપદંડ પર 132 દેશોમાં ભારતનો ક્રમ 125મો છે. આ ક્રમાંક પાકિસ્તાન, માલદીવ અને કિર્ગિજસ્તાનથી પણ ઉતરતો છે. ત્યારે આર્થિક ઉદારીકરણના દેશના હિતને જોખમાવતા રસ્તા પર 19 વર્ષ ચાલેલા ભારતના કર્ણધારોએ વિચાર કરવો જોઈએ કે શું આ તમામ લક્ષણો દેશને આર્થિક મહાશક્તિ બનાવવાના દાવાનો સ્વીકાર કરનારા લાગે છે?

ભારતમાં લોકશાહી છે. પરંતુ લોકશાહી હવે લોકોની, લોકોથી અને લોકો માટેની વ્યવસ્થા રહી નથી. કારણ કે ભારતની લોકશાહીમાં ગરીબીની નહીં, પણ ગરીબોની બાદબાકી થઈ રહી છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવનારા 42 ટકા લોકો છે. જ્યારે અન્ય 82 કરોડ લોકો દારૂણ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. ભારતની વ્યવસ્થામાં હવે તો મીડલ ક્લાસ પણ બાદબાકી થવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતની લોકશાહી અમીરોની, અમીરો માટે અને અમીરો દ્વારા ચાલતી વ્યવસ્થા ઉદારીકરણના તબક્કામાં બની  ચૂકી છે!
ત્યારે યુપીએ સરકારા વડાપ્રધાન તરીકે પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે જવાબ આપવો જોઈએ કે તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામના વિઝન-2020ના ડોક્યુમેન્ટ પર કેટલું કામ  કર્યું છે? ગરીબોની સંખ્યા ઘટાડવાના બે રસ્તા છે. ગરીબોની ગરીબી ઘટાડવી અથવા તો ગરીબોને મૃત્યુ તુલ્ય જીવન  આપીને ખતમ કરવા. ત્યારે યુપીએ સરકારે સ્પષ્ટતા  કરવી જોઈએ  કે તેઓ ક્યાં રસ્તે ગરીબી ખતમ કરશે? ગરીબી હટાવો સૂત્રો આ દેશમાં 80ના દાયકાથી લલકારવામાં આવે છે. પરંતુ ગરીબી હટતી નથી, ગરીબો હટાવાનો પ્રયત્ન થાય છે. જો કે આ પ્રયત્ન છતાં ગરીબોની  ગરીબી અને તેમની સંખ્યા સતત વધતી રહી છે. ત્યારે ભારતના નીતિ-નિર્ધારકો દેશની આર્થિક નીતિઓની સમીક્ષા દેશહિત, લોકહિતમાં ફરીથી કરી શકે નહીં?

શુક્રવાર, 25 નવેમ્બર, 2011

જનાક્રોશ સાથે રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી


-ક્રાંતિવિચાર
કૃષિ મંત્રી શરદ પવાર પર મોંઘવારી બેકાબુ થવા માટે ભૂતકાળમાં ઘણાં આરોપો લાગ્યા છે. પરંતુ તેમણે મોંઘવારી માટે પોતે જવાબદાર હોવાની વાતનો સદંતર ઈન્કાર કર્યા કર્યો છે. તેમણે મોંઘવારીને બેકાબુ થવામાં સરકારની સાંઝી જવાબદારી હોવાની વાત પણ કરી છે. પરંતુ દિલ્હીમાં ઈફ્કોના કાર્યક્રમમાં શરદ પવાર પર હુમલો કરવા માટે ટાંપીને બેઠેલા યુવક હરવિન્દર સિંહને શરદ પવારની કોઈ વાતની ખબર નહીં હોય અથવા તો તેને આવી કોઈ વાત ગળે ઉતરી નહીં હોય. દિલ્હીની કોર્ટે ભૂતકાળના એક ટેલિકોમ ગોટાળા માટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામને પાંચ વર્ષની સજા આપી હતી. ત્યારે પણ આ યુવક કોર્ટ પરિસરમાં હતો અને કોર્ટમાંથી સજા ખાઈને બહાર આવી રહેલા સુખરામ પર હુમલો કર્યો હતો. તેના ગણતરીના દિવસોમાં જ દિલ્હી ખાતે હરવિન્દર સિંહે કૃષિ મંત્રી શરદ પવારને મોંઘવારીના મુદ્દે થપ્પડ ઝીંકી દીધી છે. શરદ પવારને અંદાજો પણ નહીં હોય કે દેશમાં થઈ રહેલી બેકાબુ મોંઘવારીની ગુંજ તેમના ગાલે સંભળાશે. આ ઘટના વખોડવા લાયક છે. તમામ રાજકીય પક્ષોએ તેને વખોડી છે. પરંતુ સવાલ એ છે કે આવી ઘટના શા માટે ઘટે છે? તેની પાછળ ક્યાં કારણો છે? શું ભારતના લોકો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે? શું ભારતના રાજનેતાઓને તેમની લોકલાગણી અને જનાક્રોશ સાથેની રાજરમત હવે ભારે પડી રહી છે? આ તમામ સવાલોના જવાબ સામાજિક અને રાજકીય સ્તરે મેળવવાનો પ્રયાસ મીડિયા સહીત તમામ વર્ગોએ કરવો જોઈએ.

દેશમાં છેલ્લા 7વર્ષથી મોંઘવારી સતત સરેરાશ બે અંકોમાં રહી છે. તાજેતરમાં મોંઘવારી માંડ બે અંકથી નીચે ગઈ છે. આ દેશમાં 70 કરોડ લોકો ગરીબ છે. ગરીબીની રેખા નીચે જીવતા રોજના માંડ 32 રૂપિયા પણ ન મેળવતા લોકોના જીવન માઝા મૂકી રહેલી મોંઘવારીમાં ભારે મુશ્કેલીવાળા બની ગયા છે. જો કે આવી દારૂણ પરિસ્થિતિમાં પણ સરકાર બેશરમીથી જવાબ આપી રહી છે કે દેશમાં ભૂખમરાથી છેલ્લા બે વર્ષમાં કોઈપણ મૃત્યુ થયું નથી. પરંતુ હકીકત એ છે કે દારૂણ ગરીબીવાળા અને વિકાસથી વંચિત વિસ્તારોમાં આજે પણ લોકોને અનાજના વિકલ્પ તરીકે જીવલેણ પાંદડાની ભાજી ખાઈને જીવન ગુજારવું પડે છે. તેમ છતાં વક્રતા એ છે કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો દેશના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીને મજબૂત લાગી રહ્યો છે. ભારતની અર્થ વ્યવસ્થા ચીન સાથે સ્પર્ધા કરી રહી છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનીને દુનિયાની સામે છે. હવે ભારતના મલ્ટિબ્રાન્ડ રિટેલમાં 51 ટકાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે.

ત્યારે સવાલ એ છે કે ભારતના મધ્યમ વર્ગથી ત્રણ ગણા મોટા ગરીબો માટે વિચારવા માટે ભારતના રાજનેતાઓ પાસે સમય નથી. દર વર્ષે મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગમાં ધકેલાનારા પરિવારોની સંખ્યા ઘણી મોટી છે. જો કે ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાં આવનારા લોકોની સંખ્યા ઘણી નહીવત છે. આ હકીકત હોવા છતાં આપણા ભારતનો વિકાસ દર 8-9 ટકા હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. વિકાસના રાગડા તાણતા રાજકારણીઓને ભારતની ગરીબી દેખાતી નથી. જો કે હકીકતમાં એવું છે કે તેઓ ભારતની ગરીબી પ્રત્યે અને ભારતના ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને મોંઘવારીનું ધીમું ઝેર આપીને ઠેકાણે પાડવા માંગે છે. આ દેશ માત્ર મૂડીવાદી માનસિકતા ધરાવતા કેટલાંક ધનવાનોનો દેશ બની ગયો છે. આ દેશનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ભારતનું ઝડપથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન છેલ્લા એક દશકમાં 10 લાખ હેક્ટર જેટલી ઓછી થઈ છે. માંસની નિકાસમાં ભારતે ડંકો વગાડયો છે. વિશ્વમાં ભારત માંસ નિકાસકર્તામાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વિશ્વનું સૌથી વધુ પશુધન છે. પરંતુ જે તીવ્રતાથી દેશમાંથી માંસની નિકાસ થઈ રહી છે અને કતલખાના વધી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આ દેશ માંસ નિકાસમાં પ્રથમ સ્થાને પહોંચશે પછી લાંબો સમય સુધી ત્યાં ટકી નહીં શકે. કારણ કે દેશનું પશુધન તો આપણે ખતમ કરી નાખ્યું હશે.

દેશમાં કુટિર ઉદ્યોગ અને ખેતી-પશુપાલન આધારીત ઉદ્યોગોનું નિકંદન નીકળી રહ્યું છે. રિટેલમાં વિદેશી નાણાંની ઘૂસણખોરી પણ ખતરનાક છે. તેના કારણે દેશમાં મોંઘવારી વધારે તીવ્રતાથી આગળ વધે તેવી શક્યતા છે. ત્યારે ગરીબ માણસને ભારતમાં જીવન જીવવું દુભર બની જશે. આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અને દેશના નીતિ-નિર્ધારકો કહે છે કે મોંઘવારી ઘટાડવા માટે તેમની પાસે જાદૂની લાકડી નથી. પરંતુ હકીકત એ છે કે મોંઘવારી વધારવા માટે તેમની પાસે જાદૂઈ લાકડી ઉપલબ્ધ હોય છે. છેલ્લા બે વર્ષથી દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને સક્ષમ નાણાં મંત્રી પ્રણવ મુખર્જી દેશની જનતાને આ ડિસેમ્બર કે માર્ચમાં ઘટી જશેના ઠાલા વાયદા કરતાં રહે છે. આવી સ્થિતિમાં ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દુભર બની રહ્યું છે અને વક્રતા એ છે કે સરકાર દેશના વિકાસ દરને ટકાવી રાખવાની ચિંતામાં દેશના આમ આદમીની ચિંતા કરવાનું ભૂલી ગઈ છે. ત્યારે દેશમાં આમ આદમી ક્યાં સુધી પોતાની ધીરજ ટકાવી શકશે? આમ આદમી ક્યાં સુધી દેશના રાજનેતાઓની લોકલાગણીને આંગળી કરવાની નીતિઓ સામે પોતાનો જનાક્રોશ દબાવી શકશે? માની લો કે હરવિન્દર સિંહ નામનો યુવાન પાગલ હશે, પરંતુ તેને પાગલ બનાવવામાં સરકારની શું ભૂમિકા છે? માની લો કે હરવિન્દરને મીડિયામાં ચમકવાની કોઈ મહત્વકાંક્ષા હશે. પરંતુ લોકોમાં તેના આવા વખોડવા લાયક કૃત્યથી તે હીરો બની જાય તેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે સરકાર કેટલી હદે જવાબદાર છે?

શરદ પવારને લાફો ઝીંકાયો ત્યારે ગાંધીવાદી અણ્ણા હજારેની પ્રતિક્રિયા હતી કે શું શરદ પવારને માત્ર એક જ લાફો મારવામાં આવ્યો? જો કે શરદ પવારની મજાક કર્યા બાદ અણ્ણા પોતાના સ્ટેન્ડમાંથી ફરી ગયા અને તેમણે સમગ્ર ઘટનાને વખોડી પણ તેમણે એવું તો કહ્યું જ કે લોકોમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સંદર્ભે ઘણો ગુસ્સો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ સરકારને મોંઘવારી સુપેરે કાબુમાં લેવાની ચેતવણી આપી હતી. તેમણે મોંઘવારી કાબુમાં લેવામાં નહીં આવે, તો દેશભરમાં હિંસા ફાટી નીકળવાની શક્યતા દર્શાવી હતી. યશવંત સિંહાના આ નિવેદનને કોંગ્રેસ શરદ પવાર પરના હુમલા માટે જવાબદાર ગણાવે છે અને તેમને વિપક્ષનું આમા ષડયંત્ર દેખાય છે. આની તપાસ થવી જોઈએ. પરંતુ વિશ્લેષણ એ પણ થવું જોઈએ કે શું યશવંત સિંહા દેશમાં માઝા મૂકતી મોંઘવારીથી ઉભી થનારી પરિસ્થિતિને સારી રીતે વાંચી રહ્યા છે?

દેશમાં છેલ્લા કેટલાંક સમયથી બની રહેલી ઘટનાઓ ચિંતાજનક છે. અમરનાથ યાત્રા અને અમરનાથના શિવલિંગ પર બેફટ લોકલાગણી વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ સ્વામી અગ્નિવેશને અમદાવાદમાં તમાચો પડયો. ટીમ અણ્ણાના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે જમ્મુ-કાશ્મીરમાં જનમત લઈને આઝાદી આપવાની તરફેણ કરી તો કેટલાંક માથા ફરેલા યુવાનોએ તેમને સુપ્રીમ કોર્ટ પરિસર ખાતેની તેમની ચેમ્બરમાં ઠમઠોર્યા અને હવે શરદ પવારને મોંઘવારીની થપ્પડ પડી. પરંતુ આમ આદમીમાં આ ઘટનાઓની પ્રતિક્રિયા જોઈએ તો મોટાભાગે લોકોને પોતાની લાગણીનો પડઘો પડયો હોવાની લાગણી થઈ રહી છે. વળી રાજકીય પક્ષો અને નેતાઓએ આવી ઘટનાને વખોડી છે. પરંતુ તેમણે આવી ઘટના શા માટે બની રહી છે, તેના કારણો શોધવાની વાત પણ એક યા બીજી રીતે કરી છે.

ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદીએ કહ્યું છે કે શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પારીત નહીં થાય, તો વધારે થપ્પડ પડશે. ત્યારે ખરેખર બ્લેકકેટ કમાન્ડોના સુરક્ષાચક્રમાં ઘૂમી રહેલા રાજકારણીઓએ વિચારવું પડશે કે જો ભારતનો આમ આદમી વિફરશે તો તેમને કોઈ બ્લેકકેટ કમાન્ડોનું સુરક્ષાચક્ર બચાવી શકશે નહીં. ભારતના રાજનેતાઓએ ભારતના લોકોની લાગણીઓ સાથેની રાજરમત બાજુએ મૂકીને જનકલ્યાણની નીતિ અખત્યાર કરવી પડશે. તેમની જનાક્રોશ સાથેની રમત તેમના રાજકીય જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

શુક્રવાર, 27 મે, 2011

કમજોર હાથ સંભાળી શકશે વિકસતા ભારતની બાગડોર?

મોંઘવારીની નાગચૂડના ભરડામાં ફસાયેલા ભારતીયો હાલ મુર્છિત અવસ્થામાં છે. મુર્છિત અવસ્થામાં આવેલી ભારતની પ્રજા માટે હવે તલાશ છે એક હનુમાનની કે જે સંજીવની લઈ આવે અને મૂર્છા ભાંગે. ભારતના નેતાઓ સરકારના વિકાસના રિપોર્ટ કાર્ડને બતાવીને 7 ટકાથી 8 ટકા વચ્ચેનો વિકાસ દર હોવાનું જણાવી રહ્યાં છે. સાથે કહી રહ્યાં છે કે મોંઘાવારીને નિયંત્રિત કરવા માટે તેમની પાસે કોઈ જાદૂઈ છડી નથી.

આજે ભારતના લોકોને પૈષ્ટિક આહાર મેળવવા માટે સક્ષમ નથી. કુપોષણનો દર સતત વધી રહ્યો છે. ગરીબીની રેખા નીચે જીવતા અને તેની આસપાસના 70 કરોડ લોકોને એક વખતના જમવાના જુગાડ માટે જદ્દોજેહાદ કરવી પડી રહી છે. ડુંગળી, દૂધ, દાળ, ચોખા, ઘઉંના ભાવ ખૂબ ઉંચા છે. આ એવા ભાવ છે કે ગરીબને તેના ખિસ્સાની મર્યાદા નડી જાય છે અને ખિસ્સાની મર્યાદાને કારણે ગરીબનું પેટ ભૂખ્યું રહી જાય છે. ગરીબનું પેટ ભરાતું ન હોવાના કારણે અન્ય સમસ્યાઓ સાથે કુપોષણ સમસ્યા બની જાય છે. જે દેશમાં બાળકો અને યુવાનોને પૌષ્ટિક આહાર મળી શકતો ન હોય, તે દેશની હાલત ખૂબ જ દયનીય હોય છે. કારણ કે ગમે તેટલી કહેવાતી પ્રગતિ કમજોર યુવાનો અને બાળકોને કારણે ટકી શકતી નથી. વિકાસને ટકવવા માટે પણ મજબૂત, સુદ્રઢ અને સ્વસ્થ બાળકો અને યુવાનોની જરૂર છે. દેશની આ જરૂરિયાત માત્ર પૌષ્ટિક આહારથી જ પૂર્ણ થઈ શકે છે. પરંતુ મોંઘવારીની નાગચૂડ ભારતની આ જરૂરિયાતને પૂરી થવા દેતું નથી. તેથી છેલ્લા ઘણાં વર્ષોથી 6 થી 8 ટકાના વિકાસ દરથી પ્રગતિ અને વિકાસના પથ પર આગળ ચાલી રહેલો દેશ કેટલાં વર્ષો સુધી આ વિકાસ ટકાવીને આગળ વધી શકશે તે પણ એક સમસ્યા બની છે.

મોંઘવારી માટે ગઠબંધનની રાજનીતિને દોષ દઈને છટકવાનો પ્રયત્ન કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સહીતના કેટલાંક નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી રહ્યાં છે. ક્યારેક જમાખોરો વિરુદ્ધ છાપામારી કરીને, તો ખાસ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ અને આયાત પર છૂટ આપીને સમસ્યાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. વોટ બેંકના છટકવાના ડર છતાં કૃષિ વ્યવસ્થાને ચોપટ કરનારી નીતિઓની સમીક્ષા કરવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કતરાય રહી છે.

ગત એક દશકથી ખેડૂતોની હાલત અતિશય ખરાબ છે. કૃષિક્ષેત્રો પર બહુરાષ્ટ્રીય કંપનીઓની ગિદ્ધ દ્રષ્ટિને કારણે આપણું ખાદ્યાન્ન ઘટયું છે. આ કંપનીઓના દબાણમાં આવવાથી પાક, કૃષિ ક્ષેત્રોની ઉપેક્ષા અને પારંપરિક બીજોની જગ્યાએ આપણા મોસમ માટે પ્રતિકૂળ બહુરાષ્ટ્રીય કંપનીના હાઈબ્રિડ બીજોના ઉપયોગને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે.

આપણે ત્યાં ખેતીમાં સંશોધન માટેના કેન્દ્રો બેકાર બની ગયા છે, પરંતુ આપણે અમેરિકા સાથે ખેતીમાં સંશોધન કરવા માટે 1 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અમેરિકા પાસેથી જ્ઞાન હાસિલ કરશે. આ સમજૂતીને લાગુ કરનારી સમિતિમાં અમેરિકાની વોલ માર્ટ અને મોનસેંટો જેવી કંપનીઓના લોકો છે. સ્પષ્ટ છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના હિતોને અનુકૂળ કૃષિ જ્ઞાન આપશે.

અમેરિકા અને યુરોપની કોશિશ છે કે ભારતમાં ખેતીની લાગત વધારી દેવામાં આવે, ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ખતમ કરી દેવામાં આવે અને આયાત કરાયેલા ખાદ્યાન્નો પર નિર્ભર બનાવીને ભારતમાં પોતાના કૃષિ ઉત્પાદનોની ખપત વધારવામાં આવે. લાભ માટે ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમત હોવી જરૂરી છે. માટે મોંઘાવારી તો વધારમાં જ આવશે. ખાતરના કારખાના બંધ કરવા અને બિન-ખાદ્યાન્ન પાકોનું ઉત્પાદન વધારવું તેનું ઉદાહરણ છે.

કૃષિ તકનીકના મામલામાં પણ ભારત પાછળ પડી રહ્યું છે. દેશના કુલ રોજગારના 57 ટકા ભાગ કૃષિ અને કૃષિ આધારીત ક્ષેત્રોને આશ્રિત છે. ઔદ્યોગિક વિકાસના તમામ દાવા છતાં હજી પણ કુલ રાષ્ટ્રીય આવકનો ચોથો હિસ્સો આ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણાં વર્ષોથી આર્થિક વિકાસ છથી આઠ ટકાના દરથી વધી રહ્યો છે. જ્યારે આપણી કૃષિ ઉત્પાદકતા સતત ઘટી રહી છે.

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના દબાણમાં ભારતે અહીં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી દીધી છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોએ પોતાના ખેડૂતોની સબસિડી વધારી છે. ગત દશ વર્ષોમાં ભારતની વસ્તીમાં 21.33 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે તેની સામે પ્રતિ વ્યક્તિ ચોખાની ઉપલબ્ધતામાં 6.13 ટકા, ઘઉંની ઉપલબ્ધતામાં 25.6 ટકા અને દાળની ઉપલબ્ધતામાં 36.5 ટકાનો ઘટાડો થયો છે. આ જ પરિસ્થિતિ રહેશે, તો ગરીબો માટે દાળ-રોટી સપનું બની જશે. એક તરફ સતત અમીરી વધી રહી છે, તો બીજી તરફ કુપોષણનો શિકાર બનતા લોકાની સંખ્યા પણ વધી રહી છે.

ભારત સરકારે પેટ્રોલિયમ પેદાશોનો ઠેકો જ્યાં ખાનગી હાથોમાં સોંપી દીધો છે, તો આંતરરાષ્ટ્રીય બજારનું બહાનું બનાવીને ઓઈલ કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. છ માસમાં સાત વખત પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. ડીઝલના ભાવમાં પણ ખાસો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મોંઘવારીનો ચોતરફી હુમલો લોકો સહન કરી રહ્યાં છે. ખરેખર જરૂર છે ભારતમાં ખેડૂતોની પડતર કિંમત અને આવકના અંતરને યોગ્ય બનાવવાની યોજનાઓ બનાવવાની. મનરેગા જેવી યોજનાઓથી ખેત મજૂરોની પણ અછત પેદા થઈ રહી છે. ખેતીના કામો માટે ખેડૂતોને મજૂરો પણ મળી રહ્યાં નથી. ખાદ્યાન્નના ભંડારણની દિશામાં નક્કર કામ ન થવાને કાણે ખાદ્યાન્ન પણ બરબાદ થઈ ર્હયાં છે. ગત વર્ષ લાખો ટન અનાજ યોગ્ય રખ-રખાવના અભાવમાં સડી ગયું ગયું હતું. ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં કૃષિ ક્ષેત્ર સંદર્ભે યોગ્ય અને નક્કર નીતિ ઘડાય કે જે ભારતલક્ષી, પ્રજાલક્ષી હોય તો મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે.

ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી 60-70 રૂપિયે કિલોગ્રામ વેચાય, દૂધ 34 R લિટરને આસપાસ હોય, તુવેર, અડદ અને અન્ય દાળો 80 રૂપિયાની કિલોગ્રામ હોય, ટામેટાં 40-50 રૂપિયે કિલોગ્રામ વેચાતા હોય અને ઈંડાના ભાવમાં પણ ધરખમ વધારો થયો હોય, ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ શું થાય? તેમના માટે પૈષ્ટિક આહાર તો સપનું જ બની જવાનું ને? તેંડૂલકર કમિટી રિપોર્ટ પ્રમાણે, દેશમાં ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની સંખ્યા 70 કરોડથી વધારે છે. ત્યારે રોજની 20 રૂપિયાની આવક ન ધરાવતા લોકો પોતાના પરિવાર માટે એક વખતના જમવાનો જુગાડ કેવી રીતે કરી શકે?

આવી પરિસ્થિતિ દેશ માટે સર્વથા અયોગ્ય છે. તેના માટે સૌથી મોટું કારણ દેશની કૃષિને નજરઅંદાજ કરવાની નીતિ છે. આ વાત છેલ્લા દશકમાં કૃષિ ક્ષેત્રે ભારતના વૃદ્ધિદર પરથી માલૂમ પડી શકે છે. આ ભારતના ભવિષ્યનો પ્રશ્ન છે. કારણ કે આવી પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી ઉપર-નીચે થતાં ફૂગાવાના દર સાથે ચાલુ છે. લોકો પોતાના નાના બાળકોને દૂધ અને ઈંડા આપી શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિત આગામી વર્ષો દરમિયાન ચાલુ રહેશે, તો ભારત સરકારી રિપોર્ટો પ્રમાણે ‘વિકસિત’ હશે, પરંતુ સાથે સાથે કુપોષણના શિકાર બનેલી યુવા પેઢી પણ ભારત માટે સમસ્યા બનશે. કમજોર યુવાનોથી કોઈ દેશ મજબૂત, સુદ્રઢ બની શકતો નથી અને આવી પરિસ્થિતિમાં દેશના વિકાસને ટકાવવો પણ એક સમસ્યા બની શકે છે.

તમારો અભિપ્રાય

માટે મોંઘવારીના નાગચૂડથી કમજોર ભારતનું જે નિર્માણ થઈ રહ્યું છે. તેની સામે કોઈ અસરકારક રણનીતિની જરૂર છે. તમારા મતે ભારતને મોંઘાવારીની નાગચૂડમાંથી છોડવવા અને કમજોર, નિર્માલ્ય ભારતનું નિર્માણ અટકાવવા શું કરવું જોઈએ? તમારો અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં સબમિટ કરીને વિશ્વના વાચકો સાથે સંવાદ સાધો.....