લેબલ Geopolitics સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Geopolitics સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 8 જૂન, 2026

નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી!Trump એ તો કર્યું છે સાબિત

આનંદ શુક્લ: ભારતીય ચિંતન (Indian Philosophy) માં યુદ્ધ (War) , શાંતિ (Peace)  અને અહિંસા (Non-violence) ને લઈને ઘણું ઊંડુ વૈચારિક ખેડાણ છે. ભારતીય ચિંતનનો આધાર સર્વના કલ્યાણ, વૈશ્વિક બંધુત્વ અને માનવતાના સંરક્ષણની સાથે સૃષ્ટિના સંરક્ષણની પણ વાત કરવામાં આવી છે.

 

આદર્શવાદ (Idealism) વિરુદ્ધ વ્યવહારિક શક્તિ (Real Power) નો સિદ્ધાંત

 

ચિંતન હંમેશા આદર્શ સ્થિતિ તરફની માનવીય જીવનની ગતિને દિશા આપવા માટે હોય છે. વ્યવહારમાં આમા ઘણું અંતર આવી જાય છે.

 

દુનિયામાં જ્ઞાનને શક્તિ, ધનને શક્તિ, બુદ્ધિને શક્તિ અન્ય ઘણી વસ્તુઓને શક્તિની ઉપમા આપવામાં આવે છે. પણ શક્તિ એટલે શક્તિ (Power is Power) અને તેની સાથે કોઈ મુકાબલો કરી શકે નહીં. જ્યારે બળનો ઉપયોગ થાય છે, શક્તિનો ઉપયોગ થાય છે ત્યારે અન્ય તમામ પ્રકારની શક્તિઓ છિન્નભિન્ન થઈ જાય છે.

 

વિશ્વયુદ્ધ (World War)  અને મહાસત્તા (Super Power) ઓનો શક્તિ પ્રદર્શનનો ઇતિહાસ

 

છેલ્લા 100 વર્ષમાં આવા શક્તિના પ્રયોગો કરનારા બે લોકો છે, એક જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાખોની સંખ્યામાં યહૂદીઓની કત્લેઆમ કરી અને આખી દુનિયામાં યુદ્ધનો વિસ્તાર કરીને લાખોના જીવ લીધા, એ જર્મનીનો તાનાશાહ એડોલ્ફ હિટલર હતો.

 

બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના સાથીદેશ જાપાને પર્લ હાર્બરનો હુમલો કર્યો અને અમેરિકાએ વિશ્વનો પહેલો પરમાણુ હુમલો જાપાનના બે શહેરો હીરોશિમા-નાગાસાકી પર કર્યો અને આ મહાયુદ્ધ આટોપાઈ ગયું. એટલે શક્તિનો કોઈ તોડ નથી.

 

વિધ્વંસક તાકાત: અમેરિકા (US) , ચીન  (China) અને ઉત્તર કોરિયા (North Korea) નું સંતુલન

 

બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં અમેરિકા અને તત્કાલિયન સોવિયત સંઘ બે મહાસત્તાઓ હતી. અમેરિકાએ પોતાની પ્રતિસ્પર્ધી મહાસત્તા સોવિયત સંઘને ઘણાં પ્રકારની પડદા પાછળની લડાઈઓથી વિખંડિત કરી દીધી અને હવે તેનું વારસદાર રશિયા મહાસત્તા તો ગણાય છે, પણ તેની સોવિયત સંઘ કાળ જેવી ગણતરી અમેરિકા કરતું નથી. જો કે અમેરિકા હજીપણ સીધું રશિયાને છંછેડવા માંગતુ પણ નથી. તેનું પણ કારણ શક્તિ છે. રશિયા પાસે એવો શસ્ત્રભંડાર છે કે અમેરિકા જ નહીં આખી પૃથ્વીનો વિનાશ કરી શકે. એટલે અમેરિકા સૌથી શક્તિશાળી હોવા છતાં રશિયાની વિધ્વંસક તાકાતને જોતા તેને સીધું છંછેડવાથી બચે છે.

 

આવી જ સ્થિતિ ચીનની છે. ચીન પહેલા અમેરિકા (US) અને પછી સોવિયત સંઘ (USSR) ના તૂટયા પછી રશિયા (Russia) ની મદદથી વિશ્વની એક મોટી સૈન્ય-આર્થિક શક્તિ બની ચુક્યું છે. તેની વિધ્વંસક શક્તિ જ અમેરિકાને તેના પર કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કરતા રોકે છે. બાકી તેની સામે પણ અમેરિકાને ઘણાં ગંભીર વ્યૂહાત્મક વાંધા છે.

 

આ સિવાય ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) દ્વારા પણ અમેરિકા-જાપાન-દક્ષિણ કોરિયાને વારંવાર છંછેડવામાં આવે છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે અને તેની પાસે અમેરિકાની મુખ્ય ભૂમિ સુધી પ્રહાર કરવાની ક્ષમતા પણ છે. કિમ જોંગ ઉન સનકી તાનાશાહ પણ છે અને ઉત્તર કોરિયાને છંછેડવાની સ્થિતિમાં અમેરિકા માટે પરમાણુ હુમલા સુધીની શક્યતાના વળતા પ્રહારની શક્યતા જ તેને આની સામે કોઈ કાર્યવાહી કરવાથી રોકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા જઈને કિમ જોંગ ઉન સાથે થોડાક વર્ષો પહેલા મંત્રણા પણ કરી આવ્યા છે. પણ તેમ છતાં દુનિયાના શક્તિશાળીથી માંડીને નબળા દેશો શક્તિની જ ભાષા સમજે છે.

 

તેથી જ તો ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને તેની પત્ની સાથે ઉપાડીને અમેરિકા લઈ જવાની હિમાકત કરી, કારણ કે અમેરિકા પાસે શક્તિ છે. ટ્રમ્પે ઈરાન પર પરમાણુ કાર્યક્રમને લઈને હુમલો કર્યો અને 40 દિવસ લશ્કરી કાર્યવાહી કરી. બુધવાર સુધીમાં સ્થાયી ડીલ નહીં થવાની સ્થિતિમાં ફરીથી બોમ્બમારો કરવાની ધમકી આપી છે. જ્યારે શાંતિ વાટાઘાટો ઈસ્લામાબાદમાં થવાની હતી, તેના એક દિવસ પહેલા જ જો ઈરાન આના માટે તૈયાર ન થાય તો આખી સભ્યતાને મિટાવી દેવાની ધમકી આપી અને આખી દુનિયા મૌન રહી, કારણ કે અમેરિકા પાસે શક્તિ છે અને ટ્રમ્પ શક્તિશાળી દેશના રાષ્ટ્રપ્રમુખ છે.

 

ભારતીય રાજનીતિમાં આદર્શવાદનો અતિરેક અને ક્રાંતિકારીઓનું સ્થાન

 

હવે જ્યારે દુનિયામાં શક્તિની ભાષા જ વ્યવહારમાં છે, ત્યારે ભારતના નેતાઓ છેલ્લા 100 વર્ષથી શું કરી રહ્યા છે? તેનો પણ વિચાર કરવો જોઈએ. આદર્શવાદને સ્વતંત્રતા સંગ્રામમાં લઈ આવવામાં આવ્યો. આદર્શવાદ ખોટો નથી અને તેનો સ્વતંત્રતા સંગ્રામમાં લાવવો કંઈ ખોટું નથી. પણ સ્વતંત્રતા મેળવવી દરેક વ્યક્તિનો અધિકાર છે અને તે પોતાનો માર્ગ અપનાવી શકે છે. પરંતુ આવા સંજોગોમાં આદર્શવાદના ઓઠાં નીચે ક્રાંતિકારી ચળવળકારોના બલિદાનોને ઓછાં આંકવા કે મહત્ત્વહીન ગણાવી દેવા વીરોને ગાળ આપવા સમાન છે. પણ આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.

 

ખિલાફત આંદોલન (Khilafat Movement) અને મોપલા (Mopala) કાંડ: તુષ્ટિકરણના જોખમો

 

ખિલાફત આંદોલન વિશુદ્ધપણે તુર્કી સાથે સંકળાયેલું એક મજહબી આંદોલન હતું. તેમાં ભારતને કોઈ લેવાદેવા ન હતી. ભારતના હિંદુઓની તેની સાથે કોઈ લેવાદેવા ન હતી. પણ ખિલાફત આંદોલનને સ્વતંત્રતા આંદોલનમાં ટેકો આપવામાં આવ્યો. ત્યારે પણ આંદોલનમાં અહિંસાનો માર્ગ અપનાવાયો હતો. પણ મોપલા કાંડ થયો અને હિંદુઓ સામે ઘણાં મોટા હુમલા કેરલના મલાબારમાં થયા અને ત્યારે પણ ભારતના નેતાઓ કંઈપણ બોલવાથી બચતા હતા. કારણ માત્ર એટલું હતું કે ખિલાફત આંદોલનને ટેકો આપવાથી કથિતપણે સધાયેલી હિંદુ-મુસ્લિમ એકતા મોપલા કાંડ પર હિંદુઓ પરના અત્યાચાર મામલે બોલવાથી ક્યાંક તૂટી ન જાય!

 

ભારતીય નેતાઓએ છેલ્લા 100 વર્ષમાં ભારતના લોકો પર જેટલું જોર અજમાવ્યું છે, તેટલું જ વિદેશી નેતાઓની આસપાસ તેમની આવભગત જેને સામાન્ય બોલચાલની ભાષામાં ચમચાગિરી કહેવામાં આવે છે, તે કક્ષાએ જોવા મળ્યા. આ વાત મૌલાના મુહમ્મદ અલી (Maulana Muhammad Ali) અને મૌલાના શૌકત અલી (Maulana Shaukat ALi) થી માંડીને મુહમ્મદ અલી ઝીણા (Muhammad Ali Jinnah) એ પણ જોઈ હતી. વિંસ્ટર્ન ચર્ચિલથી માંડીને બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રપ (Donald Trump) સુધીના નેતાઓએ પણ જોઈ છે.

 

Donald Trump અને વૈશ્વિક સત્તાના ખેલમાં Pakistan નું બદલાતું વલણ

 

ભારતીય નેતાઓને મહાત્મા, વિશ્વગુરુ કે તેના જેવી અજૈવિક પદવીઓ મેળવીને ભારતના લોકો વચ્ચે જ ખુશ રહેવાની આદત પડી ચુકી છે. પાકિસ્તાન જેવા આતંકી દેશ સાથે પણ અમન કી આશામાં દેશની આઝાદીના 67 વર્ષ બરબાદ કરી નાખવામાં આવ્યા. આજે દુનિયાની પાવર ગેમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેબલ જ ફેરવી નાખ્યું છે. પહેલગામ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા પાકિસ્તાની જેહાદી નેટવર્ક (Jihadi Network) અને આઈએસઆઈના સંચાલક પાકિસ્તાની સેનાધ્યક્ષ ફીલ્ડમાર્શલ આસિમ મુનિર (Asim Munir) હવે આતંકી નહીં, પણ ટ્રમ્પને કારણે શાંતિદૂત બની ગયો છે. વ્હાઈટહાઉસથી માંડીને ઈરાન સુધી આંટાફેરા મારી રહેલો ફીલ્ડ માર્શલ આસિમ મુનીર વોશિંગ્ટન - તહેરાન વચ્ચે સુલેહ કરાવી રહ્યો છે અને વૈશ્વિક સત્તાના ખેલના મુખ્ય ખેલાડી ડોનાલ્ડ ટ્રમ્પ તેના વખાણ કરી રહ્યા છે.

 

નેતાભક્તિનું સિન્ડ્રોમ અને સામાજિક એકતાનો અભાવ

 

ભારતમાં 1896થી 1899 સુધી સૈન્યકર્મી તરીકે રહેલા એક મહાન બ્રિટિશ નેતાએ 1942માં સ્પષ્ટપણે જોયું હતું અને પોતાના રાજકીય અનુભવ તથા રાજકીય અવલોકનોના આધારે તારવ્યું હતું કે હિંદુઓમાં શાસનની ક્ષમતા નથી, માટે આખરમાં અહીં ફરીથી મુસલમાનો જ શાસન કરશે. આ મહાન બ્રિટિશ નેતા ઘણાં મોટા ઈતિહાસકાર પણ હતા. તેમણે હિંદુને વિન્ડબેગ ગણાવીને હવાઈ કિલ્લા બનાવવામાં એક્સપર્ટ પણ ગણાવ્યા હતા.  આ બ્રિટિશ નેતાની વાતને સાચી નહીં પડવા દેવી ભારતના રાષ્ટ્રવાદી હિંદુ નેતાઓની જવાબદારી છે. તેને કારણે જ્યારે તાત્કાલિક નિર્ણય કરીને કાર્યવાહી કરવાની જરૂર હોય ત્યાં હાથ ઉંચા કરી દેવાના સ્થાને નક્કર પરિણામદાયક કામગીરી કરવાની પરિસ્થિતિજન્ય માંગને દૂરદ્રષ્ટિથી જવાબદારીપૂર્ણ રીતે પુરી કરવી તેમનું લક્ષ્ય હોવું જોઈએ.

 

બ્રિટિશ શાસનની પિછલગ્ગૂ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી છેક ડાયરેક્ટ એક્શન ડે (Direct Action Day) મોડમાં પહોંચી ત્યારે આવા તત્વોને નેતાઓએ શક્તિથી જવાબ આપવાનો હતો. પણ ત્યારે પણ અહિંસાગાન કરીને આવા તત્વોને મોકળું મેદાન આપીને પાકિસ્તાન બનવા દીધું. વિભાજનની વિભીષિકાઓથી ઈતિહાસના પૃષ્ઠો ભરાયેલા પડયા છે અને તેની ચર્ચામાં જવું નથી. પણ 2 કરોડથી વધુ વિસ્થાપિત થયા અને 15-20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા એવો એક આંકડો રજૂ કરાય છે.

 

ભારતના સ્વતંત્ર થયા બદા કાશ્મીર, આસામ, બંગાળ  વગેરે સ્થાનો પર આક્રમક નિંદનીય ઘટનાઓ બનતી રહી છે. પાંચ વર્ષ પહેલા બંગાળમાં ચૂંટણી બાદ જે સ્થિતિ થઈ હતી, તેમાં હત્યાઓ, અપમાન, વિસ્થાપન સહીતનો ઘટનાક્રમ થયો પણ આને રોકવાની જવાબદારી નિભાવનારાની સ્થિતિ શું હતી? જે જવાબદારી જેની છે, તે તેને નિભાવવા કરતા પરિસ્થિતિ માટે અન્ય પર દોષનો ટોપલો ઢોળે તેવી સ્થિતિ દેશે અનેક વખત જોઈ છે અને હવે આ દેશના લોકો આવી સ્થિતિ ઈચ્છતા નથી, કોઈપણ ભોગે નથી ઈચ્છતા.

 

મદ્રાસ (હાલ ચેન્નઈ) માં 14 ફેબ્રુઆરી, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda) એક જાહેરસભામાં કહ્યુ હતુ કે મહિલાઓ મને માફ કરશે, પરંતુ વાત એ છે કે સદીઓથી ગુલામી કરતા કરતા આપણું રાષ્ટ્ર સ્ત્રીઓના રાષ્ટ્ર જેવું બની ગયું છે. ચાહે આ દેશમાં હોય અથવા કોઈ અન્ય દેશમાં, ક્યાંય પણ તમે ત્રણ સ્ત્રીઓને ભાગ્યે જ ક્યારેક એકસાથે પાંચ મિનિટથી વધુ વાર ઝઘડો કર્યા વગર જોઈ શકશો. આ ભારતના લોકોની સામાજિક એકતાને લઈને સૌથી મોટો વ્યંગ છે. અંદરો-અંદરની લડાઈએ ભારતને ગુલામ બનાવ્યું.  લગભગ 1000 વર્ષ ભારત ગુલામીકાળમાં સંઘર્ષ કરતું રહ્યું. પણ હકીકત એ છે કે વિદેશી શાસક જેમાં મુઘલ અને અંગ્રેજો સામેલ છે તેમના ઝંડા નીચે ભારતીયો લડીને મોટી-મોટી જીત મેળવતા રહ્યા છે. અફઘાનિસ્તાનથી માંડીને પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોની વીરગાથાઓથી ઈતિહાસના પાના ભરાયેલા છે. પણ ભારતના લોકો ભારતીય બનીને વિદેશીઓને દેશમાં શાસન સ્થાપિત કરતા રોકી ન શક્યા તે મોટું આશ્ચર્ય છે.

 

ભારતીયોની નેતાભક્તિ તેમનામાં સામાજિક-રાજકીય-આર્થિક શક્તિપાત થતો રોકે છે. આ નેતાભક્તિ સિન્ડ્રોમથી ભારતીયો છેક 1920થી વધુ ખરાબ રીતે પીડિત થયા છે. નેતાનું સમ્માન કરવું અને નેતાની અંધભક્તિમાં લીન થઈને સમાજ, રાષ્ટ્ર, દેશ, સંસ્કૃતિના હિતોને તાક પર મૂકવા એ આખી અલગ માનસિકતા છે કે જેણે આપણા દેશને નુકશાન કર્યું છે.

 

દુર્બળતા ક્યારેય શક્તિ તરીકે સાબિત કરી શકાતી નથી. પણ આપણી નેતાગીરી આપણી દુર્બળતાને શક્તિ ગણાવીને આદર્શવાદની ગુલબાંગો પોકારતી રહે છે.

 

આ એ જ નેતાગીરી,  જે મોપલા જેહાદીઓ સામે મૌન પાળી ચુકી છે. આ જ નેતાગીરીએ મુસ્લિમ લીગનો સામનો કરવામાં વ્યૂહરચનાની વાતો કરીને તેનાથી દૂર ભાગતી રહી છે,  કાશ્મીર (Kashmir) માં હિંદુ (Hindu) ઓના વિસ્થાપનને ચુપચાપ સ્વીકારી લેવું, બાંગ્લાદેશમાં હિંદુ વિનાશ પર ચુપકીદી દેખાડી છે. આ બધાં માટે તર્કો તૈયાર જ હોય છે. પણ સમાજ માટે સ્વરક્ષા માટે શક્તિથી જવાબ આપવાની કોશિશ સુદ્ધાં થઈ નથી.

 

રહસ્યવિદ્યાનો મોહ છોડો, પરિણામદાયક શક્તિસાધના અપનાવો

 

રાજનીતિનું કામ દુષ્ટોનું દમન અને સજ્જનોનું સંરક્ષણ છે. પણ હિંદુ નેતાગીરીની માનસિકતા છે કે આપણે હિંદુ આપણી જ જમીન પર નિરાશ લઘુમતી બનતા જઈ રહ્યા છીએ. આ બધું 60 વર્ષોમાં થઈ ગયું છે. આપણે આપણી સંસ્કૃતિ, આપણી જમીન, આપણાં મંદિરો ગુમાવી ચુક્યા છીએ. કાયદો આપણને કોઈ ઉપચાર આપો નથી. માટે આપણે નિરાશ છીએ. તો પછી આટલો મોટો શસ્ત્રસરંજામનો ખર્ચો અને પરમાણુ શક્તિ શેના માટે છે? છતાં જે સમસ્યાઓ છે તેને નષ્ટ કરવા માટે શક્તિનો એટલા મોટા પ્રમાણમાં ઉપયોગ કેમ નહીં કરાતો હોય? યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવી સમસ્યાઓ સામે બુલડોઝર મોડલ આપી દીધું છે. તેને ફરજિયાતપણે આખા દેશમાં લાગુ કરવામાં આવે તેવી સ્થિતિ પહેલા જ કોઈ તોડ શોધવો જરૂરી છે. તેથી જ મનઘડંત વાર્તાઓ, ખોટા આરોપો અને કોરી દલીલો પ્રત્યેની પોતાની રુચિને ભારતીયોએ છોડવી પડશે. એટલે જ વ્યૂહરચના કે કોઈ ગુપ્ત રણનીતિની વાતોમાં ન પડવું અને પરિણામદાયક નક્કર કાર્યવાહીનો આગ્રહ રાખવો પડશે. તેથી જ સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda)  કહેલી વાતને આ બધી બાબતોના સંદર્ભમાં સમજવી પડશે.

 

મદ્રાસ (હાલ ચેન્નઈ)માં 9 ફેબ્રુઆરી, 1897ના રોજ એક સભામાં સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda)  કહ્યુ હતુ કે આપણે લોકો શક્તિહીન થઈ ગયા છીએ. માટે ગુપ્તવિદ્યા અને રહસ્યવિદ્યા- આ રોમાંચક વસ્તુઓએ ધીરેધીરે આપણામાં ઘર કરી લીધું છે. ભલે તેમાં અનેક સત્ય હોય, પરંતુ તેણે લગભગ આપણને નષ્ટ કરી નાખ્યા છે. મારો આ જીવનભરનો અનુભવ છે. હું ભારતના લગભગ તમામ સ્થાનોમાં ફરી ચુક્યો છું, તમામ ગુફાઓને જોઈ ચુક્યો છું અને હિમાલય પર પણ રહી ચુક્યો છું. હું એા લોકોને પણ જાણું છું, જે જીવનભર ત્યાં રહે છે. આખરમાં એ તારણ પર પહોંચ્યો છું કે આ બધી રહસ્યવિદ્યાથી મનુષ્ય દુર્બળ જ થાય છે.

 

તેથી જ કોઈ નેતા કહે કે ગુપચુપ બધું થઈ રહ્યું છે કે બધાં કામ જણાવીને નથી થતા, આવી વાતોમાં પરિણામ દેખાય નહીં ત્યાં સુધી ભરોસો કરવાની જરૂર નથી. ભારતીયોએ હવે શક્તિ સંધાન કરનારી નેતાગીરીને જ પ્રાધાન્ય આપવું પડશે. ગઈકાલની નેતાગીરી અને આજની નેતાગીરીમાં ઘણું પરિવર્તન થઈ ચુક્યું છે. પણ હજીપણ પ્રબળ શક્તિસાધનાનો સંકલ્પ સાકાર થવો જરૂરી છે.

બુધવાર, 27 મે, 2026

પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી ભારત ન આવે તો સારું!

 

આનંદ શુક્લ : અમેરિકાના ઉદ્યોગપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ (Donald J. Trump) અમેરિકા (America) ના સૌથી જૈફવયે રાષ્ટ્રપ્રમુખ બનનારા વ્યક્તિ છે. રાષ્ટ્રપ્રમુખ તરીકેની ટ્રમ્પ (Trump) ની આ બીજી ટર્મ છે, સારું છે કે અમેરિકામાં બે ટર્મથી વધારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ રહી શકતો નથી.

 

વિશ્વ પર "ટ્રમ્પકાળ" (Trump Kal)

 

જ્યોતિષમાં વ્યક્તિના કઠિનકાળ માટે રાહુકાળ જેવી સમયની ગણતરી હોય છે. તેવી રીતે જ જાણે કે વિશ્વ પર ટ્રમ્પકાળ બેસ ગયો છે અને વિશ્વના ઘણાં દેશો તેની દહેશતમાં છે.  ટ્રમ્પે દશ માસમાં આઠ યુદ્ધો રોકાવાનો દાવો કરીને જે રીતે નોબલ શાંતિ પુરસ્કારની માગણી કરતું દબાણ કર્યું હતું અને તેના પછી વેનેઝુએલા (Venezuela) ના રાષ્ટ્રપ્રમુખને તેમની પત્ની સહિત ઉઠાવીને અમેરિકા લઈ ગયા હતા, તે ઘટનાક્રમ બાદ દુનિયા આખી દહેશતમાં છે. ટ્રમ્પ ક્યારે શું કરે તે કોઈ વિચારી શકે તેમ નથી. કેનેડા (Canada) ને અમેરિકાના 51મા રાજ્ય તરીકે પોતાના દેશમાં ભેળવવા સુધીની વાતો ટ્રમ્પ (Trump)  કે ટ્રમ્પના ટેકેદારો કરી ચુક્યા છે. ગ્રીનલેન્ડ (Greenland) પર કબજો કરવાની ટ્રમ્પ નેમ ધરાવે છે અને તેને કારણે આખું યુરોપ દહેશતમાં છે. યુક્રેન - રશિયા યુદ્ધને પાંચ વર્ષ થયા છે અને ટ્રમ્પ કથિતપણે તેમાં શાંતિ સ્થાપવા માટે વાટઘાટોમાં મધ્યસ્થી તરીકે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેંસ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી રહ્યા છે.

 

ટ્રમ્પ ઈરાન (Iran) ને પરમાણુ હથિયાર નહીં બનાવવા દેવાનું કહીને તેની સાથે ઓમાનમાં વાટાઘાટો સાથે મોટો સૈન્ય કાફલો ખડકીને તેને યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. બે-બે વિમાનવાહક જહાજો અને 1991-92 બાદ ખાડી દેશો (Gulf Countries) માં સૌથી મોટો યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દેવાનું કામ કર્યું છે.  વેનેઝુએલા બાદ તેઓ પનામા (Panama) , ક્યૂબા (Quba) અને મેક્સિકો (Maxico) સહીતના લેટિન અમેરિકન (Latin American) દેશોને ધમકાવી ચુક્યા છે અને પશ્ચિમી ગોળાર્ધમાં અમેરિકાના પ્રભુત્વને અખંડ રાખવાનો સંકલ્પ કરી ચુક્યા છે. વિશ્વમાં આવું ક્યારેય જોવા મળ્યું નથી કે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ દુનિયા આખીને પોતાની લશ્કરી તાકાતથી ડરાવી રહ્યો હોય. આવી દહેશતને જોતા લાગે છે કે દુનિયા પર ટ્રમ્પકાળ ચાલે છે.

 

Tarrif Terror નો ભારત સામે પણ ઉપયોગ!

 

આમ તો ભારત અમેરિકાનું એક રણનીતિક ભાગીદાર છે. ભારત અને અમેરિકાની વચ્ચે છેલ્લા બે દાયકાથી ઘનિષ્ઠતા વધી છે. તેમ છતાં આ ટ્રમ્પકાળમાં ભારતે અમેરિકાના પ્રવર્તમાન રાષ્ટ્રપ્રમુખથી બચીને રહેવાની જરૂરત છે, કારણ કે પહેલા તો ટ્રમ્પે રશિયા (Russia) પાસેથી ખનીજતેલ (Crude Oil) ની ખરીદીના મામલે ભારત પર 25 ટકાનો ટેરિફ લગાવ્યો અને તેના પહેલા તેઓ રેસિપ્રોકલ ટેરિફ (Tarrrif) ના નામે આમા વધારો કરી જ ચુક્યા હતા. હવે ઈરાન (Iran) સાથે જ્યારે યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યારે અચાનક અમેરિકા-ભારત વચ્ચે વચગાળાની વ્યાપારિક ટ્રેડ ડીલ પણ કરી લીધી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટેરિફના મામલે પાછી પાની થયા પછી પણ તેમણે દુનિયાના તમામ દેશો પર પહેલા 10 ટકા ટેરિફ અને પછી 15 ટકા ટેરિફ કરી દીધો છે. હવે તેઓ અમેરિકાના નાગરિકોને કહી રહ્યા છે કે ટેરિફના કારણે તેમના પર ટેક્સનો બોજો નહીં રહે.

 

ટ્રમ્પની ઈતિહાસમાં અમર થવાની મનસા

 

બીજી ટર્મમાં ટ્રમ્પની જીત ઘણી કટોકટ રહી છે અને આવા સંજોગોમાં ટ્રમ્પ પોતાની છેલ્લી ટર્મમાં ઈતિહાસમાં અમર થઈ જવાની મનસા સાથે મોટી ઉથલ-પાથલો દેશ-દુનિયામાં કરી રહ્યા છે. તેની સાથે તેમણે પોતે વધુ લાંબું જીવશે નહીં તેવી વાત પણ કરીને પોતાની સરખામણી અમેરિકાના બે અસરકારક રાષ્ટ્રપ્રમુખો અબ્રાહમ લિંકન અને જહોન એફ. કેનેડી સાથે કરી છે. લિંકન અને કેનેડીની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી હતી. આવી જ ભીતિ ટ્રમ્પને પણ સતાવી રહી છે. જો કે ટ્રમ્પની વય હાલ 80 વર્ષની છે.

 

જમ્મુ-કાશ્મીર વિવાદમાં ટ્રમ્પે કરી હતી મધ્યસ્થતાની ઓફર

 

પહેલી ટર્મ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની હેસિયતથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના જમ્મુ-કાશ્મીરના વિવાદમાં મધ્યસ્થતા કરવાની ઘણી ઓફરો કરી હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુદ્દે સિમલા કરાર મુજબ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો સ્વીકાર નહીં કરવાની નીતિ સાથે ભારતે આ ઓફર ફગાવી હતી. આતંકવાદને લઈને ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ અને વાતચીત સાથે ચાલી શકે નહીં.

 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફરને દરકિનાર કરીને ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણના અનુચ્છેદ-370ની જોગવાઈઓને બિનઅસરકારક કરી અને તેની સાથે જ બંધારણના અનુચ્છેદ-35-એને પણ સમાપ્ત કર્યો.

 

ભારતમાં હિંદુત્વવાદીઓને ટ્રમ્પથી હતી મોટી આશા

 

ટ્રમ્પ જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની પહેલીવાર ચૂંટણી લડયા તો તેમણે પોલિટિકલ ઈસ્લામ અને ઈસ્લામિક ટેરરિઝમ સામે લડવાની વાત કરી હતી. પાકિસ્તાનની પણ આકરી ટીકા કરી હતી. ત્યારે ભારતમાં ઘણાં હિંદુત્વવાદી સંગઠનો અને લોકોએ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બને તેના માટે હવન કરીને ભાવનાત્મક સમર્થન આપ્યું હતું.

 

અફઘાનિસ્તાન તાલિબાનોને સોંપી અમેરિકા નીકળી ગયું

 

પરંતુ ટ્રમ્પ જેવા સત્તામાં આવ્યા તેવું જ તેમણે પોતાની નીતિ-રણનીતિઓને બદલી હતી. અફઘાનિસ્તાનમાં આતંક સામે યુદ્ધમાં ફસાયેલી અમેરિકાની સેનાને કાઢવા માટે તેમણે પ્લાન પણ બનાવ્યો અને તેને પોતાની બીજી ટર્મમાં લાગુ પણ કર્યો. અફઘાનિસ્તાનનું શાસન ડેઝિગ્નેટે઼ડ આતંકવાદી જૂથ તાલિબાનને સોંપીને અમેરિકા-નાટો સેનાઓ અહીંથી દક્ષિણ એશિયા કે ભારતની પરવાહ કર્યા વગર બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાના બહાર નીકળ્યા પછી ટ્રમ્પે સૈન્યશક્તિની દાદાગીરી તબક્કાવાર શરૂ કરી.

 

પાકિસ્તાની સેનાધ્યક્ષ મુનીરને ટ્રમ્પ લડાવ્યા લાડ

 

ખેર, બીજી ટર્મમાં સત્તા પર આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે પરોક્ષપણે ભારત માટે કડવાશ સાથે ટેરિફવારથી શરૂઆત કરી અને પાકિસ્તાનને વધુ મહત્ત્વ આપવાની શરૂઆત પણ કરી. પાકિસ્તાનના સેનાધ્યક્ષને ક્યારેય વૈશ્વિક સ્તરે પાડોશી દેશના કર્તા-ધર્તા તરીકેની પ્રત્યક્ષ માન્યતા મળી ન હતી. પરંતુ પાકિસ્તાનના સર્વિંગ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને હવે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત ડીનર કરાવીને વ્હાઈટ હાઉસમાં આવભગત કરી છે. પાકિસ્તાન સાથે અમેરિકાએ ઘણાં મોટા કરારો પણ કર્યા છે અને ભારત કરતા પહેલા ટ્રેડ ડીલ પણ કરી હતી.

 

ભારત-પાકિસ્તાનના યુદ્ધને રોકવાના દાવા પર દાવા

 

પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે અને પહેલગામમાં ધર્મ પુછીને 26 લોકોને મોતને ઘાટ ઉતારવાનું કામ પાકિસ્તાન પ્રેરીત આતંકીઓએ કર્યું. આનો બદલો લેવા માટે ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને ચાર દિવસ સુધી ભારત -પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલ્યો. પાકિસ્તાન પર ભારતે સરસાઈ સ્થાપી દીધી હતી. ત્યારે અચાનક ટ્રમ્પે સોશયલ મીડિયા પર જાહેર કર્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થઈ ચુક્યું છે. તેની સાથે તેમણે પોતાના કાર્યકાળના 10 માસમાં 8 યુદ્ધોને રોકવાનો દાવો કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી.

 

ટ્રમ્પ શરૂઆતથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો દાવો કરીને કરોડોના જીવ બચાવવાની વાત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં ટ્રમ્પે સ્ટેટ ઓફ યૂનિયનમાં ક્હ્યુ છે કે તેમણે ભારતના ઓપરેશન સિંદૂરનેરોકવા માટે હસ્તક્ષેપ કરીને 3.5 કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને કહ્યુ કે જો તેઓ હસ્તક્ષેપ ન કરત, તો 3.5 કરોડ લોકો માર્યા જાત. મહત્ત્વપૂર્ણ છે કે ટ્રમ્પ ગત વર્ષ 10 મે બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ રોકવાનો શ્રેય 80થી વધુ વખત લઈ ચુક્યા છે.  જો કે ભારત સાથેના સંઘર્ષને રોકવામાં કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ભારત દ્વારા સતત ઈન્કાર કરાય રહ્યો છે. તેની સાથે ટેરિફ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાના કેટલાક કલાકો બાદ પત્રકાર પરિષદમાં પણ ટ્રમ્પે કહ્યુ હતુ કે મે જે આઠ યુદ્ધોને સમાપ્ત કરાવ્યા, તેમાંથી પાંચને સમાપ્ત કરાવવા માટે પણ ટેરિફનો ઉપયોગ કર્યો. મેં આઠ યુદ્ધો અઠકાવ્યા, ચાહે તમને પસંદ હોય કે ન હોય, જેમાં ભારત, પાકિસ્તાનનું મોટું યુદ્ધ કે પરમાણુ યુદ્ધની આશંકાવાળું યુદ્ધ પણ સામેલ છે.

 

ટ્રમ્પ 2029 સુધી ભારત ન આવે તો કેવું ?

 

હવે વિચારો કે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરના કહેવા મુજબ, ટ્રમ્પ જલ્દી ભારત આવવા માંગતા હોય અને તેઓ આવી જાય તથા જાહેરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ કે ટેરિફ કે ભારતની આંતરિક બાબતોને લઈને કંઈ બોલશે, તો આવા સંજોગોમાં ભારત અને ભારતના નેતાઓની સ્થિતિ કેવી થાય? ટ્રમ્પ ડિપ્લોમેટિક રીત-રસમોને માનતા પણ નથી અને પાળતા પણ નથી. નીતિગત સ્તરે વિદેશ નીતિલક્ષી સંમતિઓની પણ ઘણીવાર અવગણના તેઓ કરી શકે છે. જેમ કે જમ્મુ-કાશ્મીરને લઈને ભૂતકાળમાં તેમના દ્વારા મધ્યસ્થતાની આપવામાં આવેલી ઓફર છે. આવા સંજોગોમાં ભારત માટે ટ્રમ્પથી સુરક્ષિત અંતર જ બહેતર વિકલ્પ બની શકે છે. હવે ભારતની કૂટનીતિક કુશળતા જ દેશને ટ્રમ્પકાળની વક્રદ્રષ્ટિથી બચાવી શકે છે.તેથી ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2029 સુધી ભારત આવે નહીં તો સારું, કારણ કે ત્યારે તેમની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મ પૂર્ણ થશે. બાકી ટ્રમ્પ તો દુનિયાને હવે ટ્રમ્પલેન્ડ તરીકે જ ટ્રીટ કરી રહ્યા છે.

અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે

 

આનંદ શુક્લ : બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા (USSR) ના વિસ્તારવાદથી બચવા માટે યૂરોપિયન દેશોએ અમેરિકાની સાથે મળીને સૈન્ય ગઠબંધન NATOની સ્થાપના કરી. NATO માં મોટાભાગે પશ્ચિમી દેશો અને ખ્રિસ્તી બહુમતીવાળા દેશો જ સામેલ છે. આમ જોવો તો NATO એક રીતે ખ્રિસ્તી બહુલ યૂરોપિયન દેશોનું સૈન્ય ગઠબંધન છે અને કોઈ એક દેશ પર હુમલો આમા સામેલ તમામ દેશ પરનો હુમલો માનીને બધાં સાથે મળીને તેનો સામનો કરે છે.

 

સોવિયત સંઘમાંથી છૂટા પડેલા યુક્રેનને પણ NATO માં સામેલ કરવાના મામલે જ રશિયા સાથેના મતભેદોએ યુદ્ધનું સ્વરૂપ લઈને છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી લોહી વહી રહ્યું છે.

NATO માં એક માત્ર મુસ્લિમ બહુલ પણ કમલ આતા તુર્કના શાસન સાથે સેક્યુલર બનેલો ઉસ્માની સામ્રાજ્યનો ભાગ રહેલું તુર્કી પણ સામેલ છે. પણ હવે તુર્કીમાં ફીઝા બદલાઈ રહી છે અને તેના ઘણાં મતભેદો તેને NATO સાથે કેટલો સમય બાંધી રાખી શકે છે, તેના પર પણ ભૂરાજકીય વિશેષજ્ઞોની નજર છે.

 

Islamic NATO ની કોશિશો નવી નથી

 

પણ NATO ની જેમ હવે ઈસ્લામિક દેશો પણ Islamic NATO બનાવવા માટેની કોશિશો ઘણાં લાંબા સમયથી કરી રહ્યા છે. હાલ પણ આની ચર્ચા થઈ રહી છે. પણ મધ્ય-પૂર્વમાં એક ઈસ્લામિક સૈન્ય ગઠબંધનનો વિચાર કોઈ નવો નથી. 1955માં પણ સોવિયત સંઘનો મુકાબલો કરવા માટે બ્રિટન-અમેરિકાના નેતૃત્વમાં બગદાદ પેક્ટ થયો હતો અને તમાં ઈરાક, તુર્કી, પાકિસ્તાન, ઈરાન સામેલ હતા. ત્યારે ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ ન હતી અને તે અમેરિકાના પ્રભાવમાં હતું. તે વર્ષે જ આ પેક્ટ સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (CENTO) માં ફેરવાઈ ગઈ. પણ 1979માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ અને ધાર્મિક શાસનના સત્તા પર આવ્યા બાદ ખાડી દેશો અને ઈસ્લામિક જગતમાં શિયા-સુન્ની વચ્ચેના પંથિક મતભેદોને કારણે ભૂરાજકીય સમીકરણોમાં મોટા પરિવર્તનો જોવા મળ્યા.

 

બાદમાં અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાનો પ્રવેશ અને કમ્યુનિસ્ટ શાસકોને હટાવવા માટે અમેરિકાના સહકારથી પાકિસ્તાનના લશ્કરી શાસકોએ ઈજાદ કરેલા આઈડિયોલોજિક વેપને મજહબી ઝનૂન સાથે લાલસેનાને મારી હટાવવા યુદ્ધ શરૂ કર્યું અને તેમાં તેમને સફળતા પણ મળી. પણ તેની સાથે બે મોટા પરિવર્તનો વૈશ્વિક ફલક પર જોવા મળ્યા. આઈડિયોલોજિકલ વેપન થકી ગ્લોબલ જેહાદી નેટવર્ક મજબૂત બની ગયું અને સોવિયત રશિયાનું વિખંડન થયું અને વિશ્વ દ્વિધ્રુવીયના સ્થાને અમેરિકાની એકમાત્ર મહાસત્તા તરીકેની સ્થિતિમાં ચીનના શક્તિશાળી થવા સુધી જાણે કે તેના જ વર્ચસ્વ નીચે રહ્યું.

 

9/11ના હુમલા બાદ ભૂરાજકીય સ્થિતિ બદલાઈ

 

2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના આતંકી હુમલા બાદ વૉર ઓન ટેરરના નામે અફઘાનિસ્તાનમાં અમેરિકા-નાટો દેશોની સેનાઓએ લાંબી લડાઈ લડી.

અલકાયદામાંથી જ આઈએસઆઈએસ બન્યું અને તેણે ઈસ્લામિક દેશોમાં પોતાનો ખૂની પંજો પસાર્યો હતો અને તેને ધ્યાનમાં રાખીને 2015માં આઈએસઆઈએસ વિરુદ્ધના યુદ્ધમાં આગળ વધવાના ઉદેશ્યથી સાઉદી અરેબિયાએ ઈસ્લામિક કાઉન્ટર ટેરરિઝ્મ કોએલિશન ગઠબંધનની ઘોષણા કરી અને 2017માં પાકિસ્તાનના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ રાહીલ શરીફને તેના પહેલા સૈન્ય કમાન્ડર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયા અમેરિકાનું ખાડી દેશોમાં સૌથી ઘનિષ્ઠ રણનીતિક સાથીદાર છે. પાકિસ્તાન ત્યારે ભલે ચીનના પ્રભાવમાં હોય, પણ તે પણ મોટાભાગે અમેરિકાના બગલબચ્ચાની જેમ જ વ્યવહાર કરતું હોય છે. એટલે આ સૈન્ય ગઠબંધન પણ એક રીતે સાઉદી-પાકિસ્તાનના હિતોને કેટલી સુરક્ષા આપતું હશે, પણ તેનાથી અમેરિકાના ભૂરાજકીય હિતોને ચોક્કસ સાધી શકાય તેમ હતા.

 

ઈસ્લામિક વિશ્વમાં બીજી એક બાબત ઉડીને આંખે વળગે તેવી છે. મોટાભાગના ઈસ્લામિક દેશોના શાસકો અમેરિકાના પ્રભાવમાં હોય છે, પણ ત્યાંની જનતા અમેરિકાના વલણોનો વિરોધ કરતી જોવા મળે છે. ખાસ કરીને પેલેસ્ટાઈનના મુદ્દે અમેરિકાના ઈઝરાયલ તરફી વલણનો મુસ્લિમ દેશોની જનતા ઉગ્ર વિરોધ નોંધાવતી રહે છે. પણ શાસકોનું ખુરશી ગણિત પાછું અલગ હોય છે, એટલે તેમની અમેરિકા સાથેની ઘનિષ્ઠતામાં કોઈ મોટી ઉથલ-પાથલ જોવા મળતી નથી.

 

ફરીથી ઈસ્લામિક નાટો ( Islamic NATO) ની કોશિશ

 

હવે પાકિસ્તાન-સાઉદી અરેબિયાએ રણનીતિક સંરક્ષણ સમજૂતી કરી છે. તેમાં નાટોની જેમ એ જોગવાઈ છે કે જો ગઠબંધનના કોઈ દેશ પર હુમલો થયા છે, તો તેને આખા સંગઠન પરનો હુમલો માનવામાં આવે અને સાથે મળીને જવાબ પણ આવવામાં આવે.

 

સાઉદી-પાકિસ્તાનની રણનીતિક સંરક્ષણ સમજૂતીમાં તુર્કી પણ સામેલ થવાની વિચારણા કરી રહ્યું છે. આ સૈન્ય ગઠબંધન ભલે ઈસ્લામિક નાટોના નામે કોઈ ઔપચારિક સંગઠન તરીકે અસ્તિત્વમાં ન હોય, પરંતુ તેની સંભાવનાના ગંભીર ભૂરાજકીય ગૂઢાર્થો છે.

 

અમેરિકા-ઈઝરાયલ દ્વારા 12 દિવસનું યુદ્ધ, ઈઝરાયલ દ્વારા કતર પર બોમ્બમારો, યમનને લઈને સાઉદી-યુએઈ વચ્ચેનો તણાવ અને પાકિસ્તાની આતંકીઓ સામેનું ભારતનું ઓપરેશન સિંદૂર આ સમયગાળામાં જોવા મળેલી સૈન્ય ટકરાવની ઘટનાઓ છે. સાઉદી-પાકિસ્તાનની રણનીતિક સૈન્ય સમજૂતી પણ આવી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં થઈ છે. સાઉદી અરેબિયાએ અનુભવ્યું હશે કે મધ્ય-પૂર્વમાં ઈઝરાયલના વધતા પ્રભાવને કારણે તેને ભરોસાપાત્ર ભાડાંના સૈનિકોની જરૂર છે અને તે તેને ઈસ્લામિક વિશ્વમાં મજહબી ઝનૂની પાકિસ્તાનીઓ પાસેથી મળી શકે છે અને તેના બદલામાં પાકિસ્તાનની નષ્ટ થઈ રહેલી અર્થવ્યવસ્થામાં સાઉદી અરેબિયા પેટ્રોડોલરથી ચેતના લાવી શકે છે. આમ તો આ સમજૂતી ગીવ એન્ડ ટેક (Give & Take) પર જ આધારિત છે અને આને તથા મજહબને કોઈ લેવા દેવા નથી, પણ આકાર એવો અપાય તેવી પુરી સંભાવના છે.

 

ભૂતકાળમાં 1967માં સુરક્ષા સમજૂતી પછી અને તેના પછી 1979માં કાબામાં આતંકવાદી ઘૂસણખોરી અને ઈરાની ક્રાંતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સેના સાઉદી અરેબિયાને સુરક્ષા ઉપલબ્ધ કરાવી ચુકી છે. ઈસ્લામિક વિશ્વમાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જેણે પરમાણુ હથિયારો વિકસિત કરી લીધા છે. જો કે આ દોડમાં તુર્કી, ઈરાન સહીતના દેશો સામેલ હોવાની ચર્ચાઓ અવાર-નવાર થતી રહે છે. સાઉદી અરેબિયાને પણ પોતાના મિસાઈલ પ્રોગ્રામને આગળ વધારવો છે. યુએઈ જેવા દેશો શાંતિપૂર્ણ હેતુસર સ્પેસ મિશન તરફ પણ આગળ વધી ચુક્યા છે. વળી સાઉદી અરેબિયા, તુર્કી, પાકિસ્તાન વિશ્વમાં શસ્ત્રોની સૌથી વધુ આયાત કરનારા દેશોમાં પણ સામેલ છે અથવા રહી ચુક્યા છે.

 

પાકિસ્તાન (Pakistan) નું ગણિત

 

પાકિસ્તાન ઘણાં લાંબા સમયથી કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સમર્થનની શોધમાં છે અને ઐતિહાસિકપણે આ વિવાદને ઈસ્લામિક સંદરભમાં રજૂ કરવાની કોશિશ કરતું રહે છે. આવા સંજોગોમાં એક શક્તિશાળી ઈસ્લામિક સુરક્ષા ગઠબંધનની સદસ્યતા અને તેના કર્તા-ધર્તા તરીકેની ભૂમિકા પાકિસ્તાનનો કૂટનીતિક દબદબો પણ વધારી શકે છે, પછી ભલે અન્ય સદસ્ય દેશો કાશ્મીર મુદ્દાના સૈન્યકરણ કરવા પ્રત્યેની ઈચ્છા ધરાવતા ન હોય.

 

તુર્કી (Turkey) ની લાલચ

 

આવા ગઠબંધનમાં તુર્કીનો રસ મધ્ય-પૂર્વના ઘટનાક્રમો સાથે જોડાયેલો  છે. તુર્કી ક્યારેક ઉસ્માની સામ્રાજ્યનો ભાગ હતું. નાટોની સદસ્યતા હોવા છતાં હવે તુર્કીને ઈસ્લામિક જગતના ખલીફાના કે તેના જેવા રોલમાં આવવાની મહેચ્છા જાગી ચુકી છે અને પોતાની ગણતરીઓને ધ્યાનમાં રાખીને તુર્કી અમેરિકા પરની તેની નિર્ભરતાને ઘટાડવા માંગે છે. તુર્કીની સૈન્ય ક્ષમતા પણ ઘણી મોટી છે, તેથી તેને ઈસ્લામિક જગતની આગેવાની પણ મેળવવી છે. તુર્કીની પાસે સશક્ત ડિફેન્સ ઈન્ડસ્ટ્રી અને યુદ્ધક્ષેત્રનો પુરતો અનુભવ પણ છે.

 

અમેરિકા-ભારત સામે પણ પડકારો વધશે

 

આવી સ્થિતિમાં સૈન્ય ગઠબંધનલક્ષી સમજૂતીમાં અન્ય ઈસ્લામિક દેશોના સામેલ થયા બાદ પહેલા ખાડી ક્ષેત્ર, બાદમાં પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયાનું ભૂરાજકીય સમીકરણ મોટા પરિવર્તનોનું સાક્ષી બની શકે છે. અહીંથી વૈશ્વિક સ્તરે પણ થોડા દાયકાઓમાં ભૂરાજકીય સમીકરણોમાં ધરખમ પરિવર્તનો પણ થઈ શકે છે. ઈસ્લામિક નાટો આમ જોવો તો એક રીતે અમેરિકાના ખાડી દેશો પરના પ્રભાવ કે ઈસ્લામિક જગત પરના પ્રભાવ સામે "ખુલ્લો ભૂરાજનીતિક બળવો" હશે. આનાથી અમેરિકાનો પ્રભાવ ઘટવાની સાથે તેને લાંબા ગાળે એક પડકાર પણ મળી શકે છે. આ સિવાય આવા સંજોગોમાં એશિયાના અગ્રણી અને વૈશ્વિક સ્તરે પોતાનું કાઠું કાઢી ચુકેલા ભારતની સામે પણ ભૂરાજકીય પડકારોમાં વધારો થઈ શકે છે.