લેબલ Indian Army સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Indian Army સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 મે, 2026

Nehru ની લોકશાહીને સૈન્ય પ્રભાવથી દૂર રાખતી સમજે દેશમાં 'Pakistan' જેવી સ્થિતિ ટાળી!

 

આનંદ શુક્લ :  દેશની સેના રાષ્ટ્રભક્ત, દેશભક્ત છે. તેથી જ તે રાષ્ટ્ર-દેશને અક્ષુણ્ણ રાખવાનું કામ પુરા સમર્પણથી કરે છે. ભારતમાં 15 ઓગસ્ટ, 1947 પહેલા રાજકીય પરિસ્થિતિ અલગ હતી. દેશ અંગ્રેજોની ગુલામી નીચે હતો. જહાંગીરના સમયમાં ઈંગ્લેન્ડના રાજા જ જેમ્સ-1ના રાજદૂત તરીકે મુઘલ દરબારમાં સર ટોમસ રૉ આવ્યા હતા. તેમણે સુરત બંદરે કોઠી સ્થાપીને ઈંગ્લેન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વ્યાપાર કરવા દેવાની મંજૂરી માંગી હતી. વ્યાપારની મંજૂરી મુઘલ દરબારમાંથી મળી. પણ જેમજેમ સમય વીતતો ગયો, તેમ તેમ વ્યાપાર માટે આવેલા અંગ્રેજોને ભારતની રાજકીય-સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક સ્થિતિઓ સમજાવા લાગી હતી. વ્યાપારમાંથી તેમણે પોતાના સૈન્ય જથ્થા બનાવવાનું શરૂ કર્યું હતું.

 

વેપારી કોઠીઓથી સૈન્ય છાવણીઓ દ્વારા અંગ્રેજોને સત્તા પ્રાપ્તિ

 

1757માં બંગાળમાં રોબર્ટ ક્લાઈવના નેતૃત્વમાં નવાબ સિરાજુ દૌલાને મીરજાફરની મદદથી હરાવીને અંગ્રેજોએ ભારતમાં શાસન કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અંગ્રેજોનું શાસન અમુક વિસ્તારોમાં મર્યાદીત હતું. પરંતુ 1857 સુધીમાં ભારતના ઘણાં મોટા ભાગમાં અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેના દ્વારા સત્તા સ્થાપિત કરી દીધી હતી.

 

રાજાઓ-મહારાજાઓ-નવાબો-સુલ્તાનો અને ખુદ મુઘલ બાદશાહ પણ અંગ્રેજોની સેનાના પ્રભાવમાં આવી ચુક્યા હતા. આમ આર્થિક અને સૈન્ય રાહે ભારતના તત્કાલિન મોટાભાગના શાસકો અંગ્રેજોની કંપની સેના સામે પ્રત્યક્ષ અને પરોક્ષ સમર્પણ કરી ચુક્યા હતા. પંજાબમાં મહારાજા રણજીતસિંહ હતા, ત્યાં સુધી અંગ્રેજોને રોકનારી શક્તિ ભારતમાં હતી. પરંતુ મહારાજા રણજીતસિંહના નિધન બાદ ભારતનો મોટાભાગનો નકશો અંગ્રેજોની સત્તા નીચે આવી ચુક્યો હતો.

 

1857ના પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ બાદ ભારતમાં આઝાદીના લડવૈયાઓએ ક્રાંતિકારી માર્ગની સાથે લોકતાંત્રિક અહિંસક માર્ગે લડવાનું પણ શરૂ કર્યું હતું. ભારતને આખરે લાંબી લડાઈ બાદ ભાગલા સાથેની આઝાદી આપવા માટેનો તખ્તો બ્રિટિશરોએ બીજા વિશ્વયુદ્ધ પછી પોતાની તત્કાલિન વ્યૂહાત્મક જરૂરિયાતો મુજબ ઘડી નાખ્યો હતો.

 

નહેરુનું સેનાને પ્રશાસન-શાસનથી દૂર રાખવાનું સ્પષ્ટ વલણ

 

આઝાદી પહેલા 1946માં થયેલી ચૂંટણીઓ બાદ બનેલી વચગાળાની સરકારમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. વાયસરોયની કાર્યકારિણીના તેઓ ઉપાધ્યક્ષ પણ હતા. આ કારોબારી દેશના પ્રશાસનનું કેન્દ્રબિંદુ હતી. તેમાં બ્રિટિશ સેનાના સેનાધ્યક્ષની સદસ્યતા અનિવાર્ય હતી. પરંતુ વાયસરોયની કારોબારીના ઉપાધ્યક્ષ તરીકે નહેરુએ નિર્ણય કર્યો હતો કે નાગરિક વ્યવસ્થા અને રાજકીય નિર્ણયોની બેઠકોમાં સેનાધ્યક્ષનું કંઈ કામ નથી અને માટે તેઓ આના સદસ્ય નહીં હોય. તેમણે વાયસરોય કાર્યકારિણીમાં સેનાધ્યક્ષને સદસ્ય નહીં બનાવવાની ભલામણ કરી અને વલણ સ્પષ્ટ કર્યું કે શાસન-પ્રશાસનથી સેનાને દૂર રાખવામાં આવે. જેથી સત્તાનું સંતુલન નાગરિક નેતૃત્વની પાસે રહે. ભારતમાં વિદેશી શાસન સૈન્ય છાવણીના દમ પર જ સદીઓ સુધી ચાલ્યું હતું. આને કારણે ભવિષ્યના લોકશાહી દેશ તરીકે ભારતમાં પણ સેનાને શાસનથી દૂર રાખવાનો પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ અને તેમના સાથી નેતાઓએ નિર્ણય કર્યો હતો.

 

નહેરુએ વાયસરોય કારોબારીમાં સેનાધ્યક્ષના સ્થાને સેનાના પ્રતિનિધિ મંત્રી તરીકે રાજકીય નેતા સરદાર બલદેવસિંહને સદસ્ય બનાવ્યા હતા. એટલે કે સેનાના પ્રતિનિધિ તરીકે પણ નાગરિક સરકારના મંત્રીને પ્રશાસનિક મામલાઓની કારોબારીમાં સ્થાન મળ્યું. આમ સ્વતંત્રતા પછી પણ સેનાધ્યક્ષને પ્રશાસનિક મામલાઓથી દૂર રાખીને (1951-52ની પ્રથમ લોકસભાની ચૂંટણી સુધીના સમયગાળામાં અને તેના પછી પણ ) ધ્યાન લોકશાહી  ઢબે ચૂંટાયેલી સરકારની પ્રશાસન-શાસન પર મજબૂત પકડ બને તેના પર ધ્યાન કેન્દ્રીત કરતી સિસ્ટમ વિકસાવવાનું શરૂ કરાયું હતું. આમા તકેદારી રખાઈ કે સેનાધ્યક્ષ કે સેનાનો હસ્તક્ષેપ થાય નહીં કે નીતિગત નિર્ણયોમાં નીતિ-નિર્ધારક કે ભાગીદાર બને નહીં.

 

નાગરિક-સૈન્ય સંતુલન માટે મિકેનિઝ્મ પણ બનાવ્યું

 

લોકશાહીને સ્થિર અને ટકાઉ બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે કેબિનેટ સમિતિનું ગઠન કરાયું. તેનાથી નાગરિક અને સૈન્ય નેતૃત્વ વચ્ચે એક સંસ્થાગત સંતુલન અવશ્યપણે સ્થાપિત કરાયું હતું.

 

નહેરુએ વરિષ્ઠ સૈન્યાધિકારીઓના કાર્યકાળનો સમયગાળો પણ નિશ્ચિત કરી દીધો હતો. તેના કારણે સૈન્ય પદો પર બિનજરૂરી રાજકીય પ્રભાવને રોકવામાં પણ સફળતા મળી. શરૂઆતમાં ભારતીય સેનાના સેવાનિવૃત્ત સેનાધ્યક્ષોમાંથી કેટલાકને દૂરના દેશોમાં રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓ દ્વારા નિરીક્ષણનું તંત્ર પણ વિકસિત કરવામાં આવ્યું.

 

ત્યાં સુધી રાષ્ટ્રપતિ ભારતીય સૈન્ય પાંખોના સુપ્રીમ કમાન્ડર બનાવાયા. પણ આર્મી, નેવી, અને એરફોર્સના સૈન્ય વડાંઓને એક કમાન્ડ નીચે મૂક્યા નહીં, ત્રણેય પાંખના પ્રમુખ અલગ-અલગ રાખવામાં આવ્યા. ચીનના હુમલા બાદ ત્રણેય સેનાની કમાનથી ઉપર એક પ્રમુખની નિયુક્તિની સલાહ અપાઈ હતી. પરંતુ લોકશાહી પરિપકવ સ્તર પર પહોંચ્યાની અનુભૂતિ થઈ નહીં, ત્યાં સુધીના વડાપ્રધાનોએ એક શક્તિશાળી સૈન્ય પદ લોકશાહી માટે ખતરારૂપ બનવાની શક્યતાને નહીં અવગણનારી સમજ તરીકે ત્રણેય સૈન્ય કમાનથી ઉપર એક પ્રમુખની સલાહને અમલમાં લાવવાનું ટાળ્યું.

 

લોકશાહીની પરિપકવતા સાથે CDS પણ બન્યા

 

કારગીલ યુદ્ધ બાદ પણ આવી જ સલાહ ફરી એકવાર અપાઈ હતી. પણ બાદમાં બદલાતા વૈશ્વિક પ્રવાહો અને વ્યૂહાત્મક પડકારોને જોતા 2020માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદે જનરલ બિપિન રાવતની નિયુક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના બીજા કાર્યકાળમાં કરવામાં આવી હતી. તેનું જ પરિણામ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક, ગલવાન ઘર્ષણ, ડોકલામ સ્ટેન્ડઓફ, ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સૈન્ય પાંખોએ સાથે મળીને દુશ્મનોને વધુ પ્રભાવી ઢંગથી કચડી નાખ્યા.

 

ભારતમાં પાકિસ્તાન છાપ તાનાશાહી આવી નહીં

 

ભારતીય લોકશાહીની પરિપકવતાનું જતન તેની શરૂઆતની સરકારો ખાસ કરીને નહેરુના સમયગાળામાં થયું અને તેને કારણે ભારત એ પાકિસ્તાન બન્યું નહીં, કારણ કે ભારતમાં ચૂંટાયેલી સરકાર સર્વેસર્વા છે. બાકી પાડોશી દેશમાં નાગરિક સરકારો સત્તામાં આવી હોવા છતાં કમાન્ડ તો સેનાના હાથમાં જ રહી છે. પાકિસ્તાનમાં જનરલ અય્યૂબ ખાનથી માંડીને જનરલ યાહ્યાખાન, જનરલ ઝિયા ઉલ હકથી માંડીને જનરલ પરવેઝ મુશર્રફ સુધીના સૈન્ય તાનાશાહ આના ઉદાહરણ છે. જ્યારે ભારતમાં 1971ના પાકિસ્તાનના 93,000 સૈનિકોના સરન્ડરવાળા ભારતીય સેનાના મહાવિજય છતાં ભારતની લોકશાહી પર સૈન્યનો પ્રભાવ  પડયો નથી અને લોકશાહી તેની રીતે જ પોતાની સફર કરી રહી છે. સૈન્ય નેતૃત્વ જ નહીં નાગરિક સરકાર પણ તાનાશાહી બની શકે નહીં તેવી ભારતની જનતાની શક્તિ 1975-76ની કટોકટી દરમિયાન જોવા મળી. ભારતની જનતાના દ્રઢ મનોબળ અને સંકલ્પશક્તિએ જ કટોકટી હટાવવાનો નિર્ણય લેવા માટે નહેરુના જ પુત્રી અને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને રાજકીય રીતે મજબૂર પણ કર્યા હતા. કટોકટીકાળને બાદ કરતા ભારતમાં લોકશાહી અવિરત ચાલુ છે અને તેના મૂળમાં નહેરુની સૈન્ય પ્રભાવથી શાસન-પ્રશાસનને દૂર રાખવાની સમજ છે.

વ્યૂહાત્મક શતરંજ: અમેરિકા ચીન સામે ભારતનો, ચીન પાકિસ્તાનનો અને પાકિસ્તાન બાંગ્લાદેશનો કરી રહ્યા છે ઉપયોગ!

 

આનંદ શુક્લ:  અમેરિકાનું હિત છે કે ભારત ચીન સાથે તણાવપૂર્ણ સ્થિતિમાં આવે અને ચીનના વૈશ્વિક મહાસત્તા તરીકેના વોશિંગ્ટનની બરાબરી કરવાના મનસૂબાઓ પર રોક લાગે.

ચીનનો મનસૂબો છે કે ભારત પાકિસ્તાનના મોરચે ખૂપેલું રહે, તેથી દક્ષિણ એશિયા કે એશિયામાં માથું ઉંચુ કાઢી શકે નહીં અને વૈશ્વિક મહાસત્તાઓની હરોળમાં પણ આવે નહીં.

પાકિસ્તાનની ચાહત છે કે ભારતની પૂર્વીય સરહદને અશાંત કરવા માટે બાંગ્લાદેશમાં અરાજકતા અને રાજકીય અસ્થિરતાની સ્થિતિ પેદા કરીને પાકિસ્તાન તરફી સત્તાધારીઓને સત્તાના સૂત્રો સોંપવામાં આવે.

 

પણ આવી સ્થિતિમાં ભારતનું હિત કેવી રીતે પાર પડશે અને ભારત આ ત્રણેયનો પાર કેવી રીતે પાડશે? તેના પર સૌની નજર છે.

 

ભારત છેલ્લા અઢી દાયકાથી સાતત્યપૂર્ણ રીતે વિકાસપથ પર અગ્રેસર છે. આવી સ્થિતિમાં ભારત વૈશ્વિક સ્તરે ખાસું ગજું કાઢવામાં સફળ થયું છે. વૈશ્વિક મંચો પર પણ ભારતની ઘણી મોટી નોંધ લેવાઈ રહી છે. પણ આ બધી બાબતો સ્થાપિત વર્લ્ડ ઓર્ડરમાં ઘણાં સ્થાપિત હિતો ધરાવતા તત્વોને ગમે તેવી નથી. જેને કારણે ભારત વિકાસપથ પર ઓછી ગતિથી આગળ વધે અથવા ભારત વિકાસપથ છોડીને અન્ય બાબતોમાં ફસાય તેવી સ્થિતિ પેદા કરવા માટે વૈશ્વિક સ્તરે એડી ચોટીનું જોર લગાવનારા સ્થાપિત વર્લ્ડ ઓર્ડરના સ્થાપિત હિતો ધરાવતા તત્વોમાં રાજકીય શક્તિઓ, ડીપ સ્ટેટ્સ અને આર્થિક શક્તિઓ સક્રિય છે. ભારતમાં પોલિટિકલ ઓર્ડર 1989થી બદલાવાના શરૂ થયા હતા અને 2014માં આ પરિવર્તનની ચરમસીમા હતી. છેલ્લી ત્રણ ટર્મથી પરિવર્તિત પોલિટિકલ ઓર્ડર થકી દેશની સત્તા ચાલે છે, જેમાં વિદેશી ચંચૂપાતને કોઈ સ્થાન નથી. બસ આ જ વસ્તુ સ્થાપિત વર્લ્ડ ઓર્ડરના વાહકોને નડી રહી છે. સવાલ થશે કે કેવી રીતે?

 

ચીન સાથે ભીડાવવાની અમેરિકાની ચાલબાજી

 

તો સૌથી પહેલી વાત ભારતના રશિયા સાથેના સંબંધો છે. બીજા વિશ્વયુદ્ધથી જ યૂરોપ-અમેરિકા પહેલા સોવિયત સંઘ અને પછી રશિયા સામે જ છે. તેમની હંમેશા ઈચ્છા રહી છે કે ભારત તેમની ભાષા બોલે. પણ ભારતની બિનજોડાણવાદી નીતિથી થયેલી વિદેશ નીતિની શરૂઆત એ સિદ્ધાંત પર ચાલે છે કે રાષ્ટ્ર-દેશહિત સર્વોચ્ચ છે અને તેથી મિત્ર-શત્રુની સ્થિતિ પણ વિદેશ નીતિમાં તેના પ્રમાણે જ રહેવાની છે. સોવિયત રશિયાના જમાનાથી ભારતીય વ્યૂહાત્મક હિતોને લઈને વૈશ્વિક મંચ પર મૉસ્કોની મિત્રવત ભૂમિકા રહી છે. 1971ના યુદ્ધમાં અમેરિકાના સાતમાના નૌસૈન્ય કાફલાની ધમકી વખતે સોવિયત રશિયાની સબમરીનોનું સમુદ્રમાં સપાટી પર આવવું આનું ઉદાહરણ છે. 1971માં અમેરિકાએ ભારતને પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં સૈન્ય કાર્યવાહી માટે ખૂબ ધમકાવ્યું હતું. પણ ભારતીય સેનાએ પોતાના અપ્રતીમ પરાક્રમ દ્વારા પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે આઝાદ કર્યું અને પાકિસ્તાનના 93 હજાર સૈનિકોને સરન્ડર કરાવીને 15 માસ પોતાની પાસે રાખ્યા હતા.

 

જ્યારે સોવિયત સંઘ તૂટયું અને હાલનું રશિયા અસ્તિત્વમાં આવ્યું, તો પણ રશિયાની ભારત સાથેની મિત્રતા અતૂટ રહી. ભારતીય સૈન્ય જરૂરિયાતોના 70 ટકા જેટલી આપૂર્તિ રશિયાથી જ થતી રહી. હવે આમા થોડાક ફેરફાર જરૂર થયા છે.

 

રશિયાએ ક્રીમિયા કબજે કર્યું અથવા યુક્રેન પર હુમલો કર્યો, ત્યારે યૂરોપ-અમેરિકાની ઈચ્છા હતી કે ભારત તેમની ભાષામાં વૈશ્વિક મંચો પર વાત કરે. પણ ભારતની પ્રતિક્રિયાઓ હંમેશા રશિયાની ભારત સાથેની સદાબહાર મૈત્રીને અનુકૂળ રહી. રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં ભારતે તેની પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરવાનું ચાલુ રાખ્યું. છેલ્લે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારે ટેરિફ ઝીંકીને પોતાની ખીજ કાઢી, પણ ભારતે પોતાની વિદેશ નીતિમાં અમેરિકાના હિત પ્રમાણે કોઈ ફેરફાર કરવાનું ગ્રાહ્ય કર્યું નથી.

 

હવે અમેરિકા ઈચ્છે છે કે ચીનને રોકવા માટે ભારત તેના વ્યૂહાત્મક હથિયાર તરીકે કામ કરે. તેના માટે ઈન્ડો-પેસિફિકમાં ભારતની મોટી ભૂમિકાની વાતો કરીને ઘણાં વૈશ્વિક મંચો પર આને લગતા નિવેદનો પણ અપાય છે. તાજેતરમાં અમેરિકાના યુદ્ધ મંત્રાલય-પેંટાગને દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરમાં ચીન તરફથી ભારત માટે આગળ વધી રહેલા પડકારોને એકસાથે રજૂ કર્યા છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશને વારંવાર દક્ષિણ તિબેટ કહીને તેના પર દાવો કરાય છે. મે-2020થી લડાખના લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના વિસ્તારોમાં ચીન દ્વારા સૈન્ય તણાવ વધારાયો છે. તેને ચીનની વિસ્તારવાદી નીતિઓ સાથે જોડવામાં આવ્યો છે. તેના પછી હવે ચીને અરુણાચલ પ્રદેશ પર નજરો માંડી હોવાનું કહેવામાં આવ્યું છે. આ ભારત માટે નિશંકપણે મોટી ચિંતાનો વિષય છે. પરંતુ અમેરિકાનું આકલન વ્યૂહાત્મક ગણતરી સાથે ભારતને ચીન સામે ભડકાવવાનું હોવાનું પણ માનવામાં આવે છે.

 

ચીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકામાં પોતાની પહોંચને ઘણી મજબૂત કરી છે. પેંટાગનના રિપોર્ટ મુજબ, વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાઓની આમને-સામનેની સ્થિતિથી હટીને ચીન હાલ ભારત સાથે સંબંધોને સ્થિરતા પ્રદાન કરવાની કોશિશમાં લાગેલું છે. મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પના ટેરિફ વૉર બાદ બ્રિક્સના મંચ પર ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા એકસાથે આવ્યા છે. જેને કારણે ટ્રમ્પના પેટમાં પણ તેલ રેડાયું છે. ટ્રમ્પ પ્રશાસને ભારત અને અમેરિકાના મજબૂતાઈ પર પહોંચેલા સંબંધોમાં આક્રમક વ્યાપાર નીતિને અખત્યાર કરીને ભારતને નિશાન બનાવ્યું છે અને હવે વ્યૂહાત્મક બાબતોમાં ખોખલી હમદર્દી દર્શાવી રહ્યું છે. તેનું એક કારણ ચીનની દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય સક્રિયતા છે. જેમાં અમેરિકાના ખુદના વ્યૂહાત્મક હિતોને નુકસાન પહોંચવાની સ્થિતિ છે. આવી સ્થિતિમાં ભારતને ચીનની નજીક જતું રોકવું અમેરિકાની પ્રાથમિકતા છે. વિદેશ નીતિમાં કોઈ મિત્ર કે કોઈ શત્રુ હોતું નથી, રાષ્ટ્ર-દેશહિત સર્વોચ્ચ હોય છે અને આ નીતિગત સિદ્ધાંતને મોટાભાગે તમામ દેશો અપનાવતા હોય છે. ભારત પણ આમા બાકાત નથી. અમેરિકાના પેંટાગનના રિપોર્ટનું તાત્પર્ય એટલું જ છે કે ચીનના વ્યૂહાત્મક ખતરાની બીક બતાવીને ચીનની નજીક જતું તેને રોકવામાં આવે. આની પાછળનો ઉદેશ્ય ચીનની ગ્લોબલ પાવર તરીકે અમેરિકાને પડકારવાની મહત્વકાંક્ષાને નબળી પાડવાનો છે. ચીનને એશિયામાં કોઈ પડકારી શકે તેવી શક્તિ હોય, તો તે હાલ ભારત છે.  ભારતને ચીનની નજીક નહીં આવવા દઈને અમેરિકા પોતાના ચીનને લગતા વ્યૂહાત્મક પડકારોને વિરામ આપવા માંગે છે.

 

ચીનનું ભારત સામે વ્યૂહાત્મક હથિયાર પાકિસ્તાન

 

હવે ચીનને પણ ભારત પોતાનું એક પ્રતિસ્પર્ધી ઘણાં દાયકાઓ સુધી લાગતું રહ્યું છે. પણ ચીન કેટલાક વૈશ્વિક અને ઘરેલુ રાજકીય કારણોથી ભારત કરતા આગળ નીકળી ગયું. પોતાની ગ્લોબલ પાવરની યાત્રામાં ભારત તરફથી કોઈ અડચણ પેદા થાય નહીં, તેના માટે તેણે પાકિસ્તાનને લગભગ ચાર દાયકાથી પોતાના પડખામાં લીધું છે. હાલ પાકિસ્તાન અમેરિકાથી ખાસું દૂર છે, પણ ચીનની સાથે તેની સદાબહાર મૈત્રીનોકાળ ચાલી રહ્યો છે. ચીન તેને સૈન્ય સામગ્રી, આર્થિક મદદ અને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર જેવા 55 અબજ ડોલરના ભારેભરખમ પ્રોજેક્ટ્સમાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાનો-સૈન્યાધ્યક્ષો પણ ઘણીવાર બીજિંગની મહેમાનગતિ માણી ચુક્યા છે.

 

ગત ઘણાં સમયથી ચીન પાકિસ્તાનનો પોતાના વ્યૂહાત્મક હથિયાર તરીકે ભારત સામે ઉપયોગ કરે છે. પાકિસ્તાન ભારત સામે જે પ્રોક્સિવૉર લડી રહ્યું છે કે ક્રોસ બોર્ડર ટેરરિઝમ કરી રહ્યું છે, તેમાં વૈશ્વિક સ્તરે તેને આડકતરો ટેકો આપવાનું કામ ચીન દ્વારા થઈ રહ્યું છે. જ્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકી અઝહર મસૂદ પર પ્રતિબંધ લગાવવાની વાત હતી, ત્યારે તેને ચીને વીટો દ્વારા રોકવાની કોશિશો કરી હતી અને ઘણા પ્રયત્નો બાદ મસૂદ પર પ્રતિબંધો લાગ્યા હતા. પાકિસ્તાનના આતંકી નેટવર્ક સામેની લડાઈમાં ભારત સૈન્ય કાર્યવાહીઓ દ્વારા વ્યૂહાત્મક રીતે ગુંચવાયેલું રહ્યું છે અને તેને કારણે ચીનના વ્યૂહાત્મક પડકારો સામે ભૂતકાળમાં ખાસ મોટું ધ્યાન આપી શક્યું ન હતું, કારણ કે પાકિસ્તાની પ્રોક્સિવૉરમાં ભારતનું ઘરેલું રાજકારણ પણ ખાસું પ્રભાવિત રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ થયાનું ખુલ્લું પડયા બાદ સ્થિતિ ઝડપથી બદલાવા લાગી હતી. 26/11ના મુંબઈ હુમલામાં ભારત દ્વારા કોઈ વળતી કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ ઉરી એટેક બાદ સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામા એટેક બાદ બાલાકોટ એરસ્ટ્રાઈક અને પહેલગામ એટેક બાદ ઓપરેશન સિંદૂર કરીને ભારતે ઈરાદા સ્પષ્ટ કર્યા છે કે પ્રોક્સિવૉરમાં પાકિસ્તાનના આતંકી નેટવર્કને સીમાપાર પણ બક્ષવામાં નહીં આવે.

 

ઓપરેશન સિંદૂરને રોકાવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણીવાર દાવા કર્યા છે. પરંતુ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાની સૈન્યના મનોબળને તોડવાનું અને પોતાના લક્ષ્યોને પાર પાડવાનું ભારતીય સેનાએ શૌર્ય દેખાડયું છે. આને લઈને બંને દેશોમાં રાજકીય નિવેદનબાજીઓ થતી રહી છે. પણ ઓપરેશન સિંદૂર બંધ નથી થયું, માત્ર સ્થગિત થયું છે અને પાકિસ્તાનની કોઈપણ આતંકી હરકત બાદ કાર્યવાહી ફરી શરૂ થવાની સ્પષ્ટ વાત કહેવામાં આવી છે.

 

પાકિસ્તાનનો બાંગ્લાદેશને સ્ટ્રેટજિક વેપન તરીકે વાપરવાનો પ્લાન

 

આવી સ્થિતિમાં પાકિસ્તાનને પોતાના ભારત સામેના ઓછા ખર્ચાના વ્યૂહાત્મક હથિયાર જેહાદી ટેરર નેટવર્કને બચાવવા માટે થોડા સમય માટે બીજું અભ્યારણ શોધવાની જરૂર પડી છે. તેને કારણે જ પાકિસ્તાને ભારતની પૂર્વ સીમા પર સ્ટ્રેટજીક લોકેશન પર આવેલા બાંગ્લાદેશ કે જે ભૂતકાળમાં તેનો પોતાનો પૂર્વીય ભાગ હતો, તેના જેહાદી તત્વો-કટ્ટરપંથીઓના નેટવર્કને સક્રિય કર્યું અને તેમાથી પાકિસ્તાન તરફી-ભારત વિરોધીઓને એક મંચ પર લાવીને ભારતની મિત્ર સરકાર આવામી લીગની શેખ હસીના સરકારને પદભ્રષ્ટ કરી. બાંગ્લાદેશમાં રાજકીય અરાજકતા-અસ્થિરતા વચ્ચે હિંદુદ્વેષ ચરમ પર પહોંચી રહ્યો છે અને તેમને નિશાન બનાવાય રહ્યા છે. મુહમ્મદ યૂનુસની વચગાળાની સરકાર પર પાકિસ્તાનનો પ્રભાવ સ્પષ્ટ દેખાય રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી, પાકિસ્તાની સૈન્યના ઉચ્ચાધિકારીઓ, જેમાં આઈએસઆઈ ચીફ સામેલ છે તેમની ઢાકાની મુલાકાતો આની ગવાહી આપે છે. બાંગ્લાદેશી આર્મીના જનરલ પણ ઈસ્લામાબાદ-રાવલપિંડીમાં  મહેમાનગતિ માણી આવ્યા છે.

 

વ્યૂહાત્મક બાબતોના જાણકારોની નજર બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની ડિફેન્સ ડીલ પર છે. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે 1971 પહેલાની સ્થિતિએ બંને દેશોને લઈ જવાની કોશિશની વાત સામેલ છે. આવી સ્થિતિમાં 53 વર્ષ બાદ જેમ પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશા પોર્ટ્સ પર લાંગર્યા છે, તેવી રીતે પાકિસ્તાની સેનાના સૈનિકો પણ બાંગ્લાદેશમાં પહોંચે તેવી શક્યતા છે. આમ પણ બાંગ્લાદેશ હાલ ખુદને પૂર્વ પાકિસ્તાનની જેમ જ માની રહ્યું છે. પાકિસ્તાનથી પણ બાંગ્લાદેશમાં ભારતીય કાર્યવાહીની સ્થિતિમાં ઢાકાને મદદ કરવા સંબંધિત કેટલીક નિવેદનબાજી થઈ છે. ફેબ્રુઆરી-2026માં બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવાની છે, તેના પછી પાકિસ્તાનના પ્રભાવની સ્થિતિ એકદમ સ્પષ્ટ થવાની શક્યતા છે.

 

પાકિસ્તાનના બાંગ્લાદેશમાં વ્યૂહાત્મક હિતો છે. તેથી જ પાકિસ્તાની જેહાદી ટેરર નેટવર્કના ઘણાં સરગનાઓ બાંગ્લાદેશ જઈને ભડકાઉ કામગીરી કરી ચુક્યા છે. આની પાછળનો હેતુ છે કે જો ટેરર નેટવર્ક બાંગ્લાદેશથી ઓપરેટ થાય, તો પાકિસ્તાન ભારતમાં આતંકી કાર્યવાહીની સ્થિતિમાં વળતી કાર્યવાહીથી બચી શકે અને નિશાન બાંગ્લાદેશ બને. આમ પાકિસ્તાન ભારત સામે બાંગ્લાદેશની જમીનને પોતાની હિતપૂર્તિ માટે વાપરવા લાયક બનાવવાની સ્થિતિ પેદા કરવા માંગે છે.

 

ભારત માટે વ્યૂહાત્મક સતર્કતા જરૂરી

 

આવી સ્થિતિમાં ભારત પાસે જે રસ્તો છે, તે ઘરઆંગણેથી જ શરૂ થાય છે. દેશમાં રહેલા જેહાદી માનસિકતાવાળા તત્વો પર નજર રાખવી, ટેરર નેટવર્કના ટ્રાન્સ-બોર્ડર કનેક્શન્સ તોડવા અને સરહદ બહારથી થતી ગતિવિધિઓને રોકવી. બાંગ્લાદેશને પાકિસ્તાન બનતું રોકવું અને જો આમ ન થઈ શકે તો રાષ્ટ્રીય હિતને અનુરૂપ વ્યૂહાત્મક કાર્યવાહી માટે આગળ વધવું જોઈએ. ભારતની બાંગ્લાદેશ સાથેની 4,096 કિલોમીટરની સરહદ આસામ, ત્રિપુરા, મિઝોરમ,મેઘાલય, પશ્ચિમ બંગાળને સ્પર્શે છે. આ તમામ ભારતીય રાજ્યો સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે.  બાંગ્લાદેશમાં પાકિસ્તાન તરફી સરકાર હોવાનો મતલબ છે કે ભારતે પૂર્વની બાંગ્લાદેશ, પશ્ચિમની પાકિસ્તાન અને ઉત્તરની ચીન સરહદે સૈન્ય સક્રિયતા દાખવવી પડશે. ભવિષ્યમાં થ્રી ફ્રન્ટ વૉરની સ્થિતિ માટે પણ ભારતની સૈન્ય તૈયારીઓ આગળ વધારવી પડશે. કુલ મળીને ભારતે વ્યૂહાત્મક સ્તરે અમેરિકાના પ્રભાવ, ચીનની દાદાગીરી અને પાકિસ્તાનના આતંકને પાર પાડીને પાડોશી દેશોમાં પોતાનો પ્રભાવ વધારીને વ્યૂહાત્મક હિતોને જાળવવા માટે કૂટનીતિક, રાજનીતિક,  વ્યૂહાત્મક રીતે અને જરૂર પડે સૈન્ય સ્તરે સક્રિયતા દાખવવી પડશે.