લેબલ Political History India સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Political History India સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 મે, 2026

દીનદયાલ દ્રષ્ટિ દર્શન: "કાર્યકર્તા નિર્જીવ નથી કે ચાહો ત્યાં ચોંટાડી દો"

 

આનંદ શુક્લ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે (Pandit Deendayal Upaddhyay) ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) નું કામ ઉભું કરતી વેળાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સંસ્કાર સિંચન મુજબ જ એક સંગઠકની ભૂમિકા નીભાવી હતી. પોતાના સાદા, સરળ અને સાલસ સ્વભાવથી તેમણે કાર્યકર્તાઓને એક નિશ્ચિત રાજકીય દિશા માટે પ્રવૃત્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

 

પ્રચારકને મદ્રાસ મોકલવાનું થયું હતું નક્કી

 

પક્ષમાં સંગઠનનું કામ કરતી વખતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay) વ્યક્તિત્વ નિર્માણનું સંઘ દ્વારા સિંચિત કાર્ય  પણ ખૂબ જ લગનથી કરતા હતા. પક્ષના કાર્યકર્તાઓ તેમના માટે સાધન પણ હતા અને સાધ્ય પણ હતા. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હંમેશા કહેતા કે કાર્યકર્તા કોઈ નિર્જીવ વસ્તુ હોતા નથી કે પોસ્ટરની જેમ તેમને જ્યાં ઈચ્છયું ચોંટાડી દો. (कार्यकर्ता कोई निर्जीव वस्तु नहीं होता कि पोस्टर कि भाँति उसे जहाँ चाहा चिपका दिया.)

 

(પૃષ્ઠ - 17, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)

 

જનસંઘના પૂર્ણકાલિક સંગઠક રામદાસ કલસકરે (Ramdas Kalsekar) પોતાના અનુભવને ટાંક્યો છે કે જેમાં દીનદયાલજી (Deendayalji) કાર્યકર્તાઓને નિર્જીવ વસ્તુ નહીં ગણતા હોવાની ઉદ્દાત ભાવનાને રજૂ કરી છે. રામદાસ કલસકરે ઘટનાને લઈને એક હ્રદયસ્પર્શી ઘટના વર્ણવી છે.

 

1968ની શરૂઆતમાં રામદાસ કલસકરને મદ્રાસ (Madras,નામ બદલ્યા વગર આજે તેને ચેન્નઈ- Chennai તરીકે ઓળખવામાં આવે છે) માં જનસંઘના પૂર્ણકાલિન સંગઠક બનાવવામાં આવ્યા હતા. તેમના મદ્રાસ જવા માટે ખુદ દીનદયાલજીએ તેમની સાથે વાત કરી હતી. નાગપુર ખાતેની બેઠક બાદ રામદાસ કલસકરનું મદ્રાસ (Madras) જવાનું નક્કી થઈ ગયું હતું.

 

પરિસ્થિતિને જોતા કાર્યકર્તાને મદ્રાસ ન મોકલાયા

 

ત્યારે મદ્રાસ જનસંઘ (Jansangh) ના કાર્યકર્તાઓએ કહ્યુ કે હાલના દિવસોમાં વાતાવરણ કંઈક એવું બની ગયું છે કે મહારાષ્ટ્ર (Mharashtra) થી કોઈ પ્રચારક (Pracharak) નું મદ્રાસમાં આવવું સારું નહીં રહે. મહત્ત્વપૂર્ણ છે કે આ અરસામાં મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ (Mumbai) ખાતે શિવસેના (Shivsena) નું એક આંદોલન વેગ પકડી રહ્યું હતું અને તેમાં લક્ષ્ય મદ્રાસી-મલયાલી સહીતના દક્ષિણ ભારતીય લોકો હતા. જેને કારણે તમિલનાડુ-કેરળ (Tamilnadu - Kerala) સહીતના દક્ષિણ ભારતીય રાજ્યોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો હતો.

 

આવી સ્થિતિમાં મદ્રાસ (Madras) ના કાર્યકર્તાઓની મુશ્કેલી સમજીને પં. દીનદયાલજીએ તાત્કાલિક નિર્ણય કર્યો કે રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ને મદ્રાસ મોકલવામાં ન આવે.

 

બંગાળમાં પ્રચારક માટે કરવામાં આવી માગણી

 

આ નિર્ણય લેવાતો હતો, ત્યારે બંગાળના કાર્યકર્તાઓ ત્યાં બેઠા હતા. એક પૂર્ણકાલિન પ્રચારકને બંગાળ (Bangal) માં મોકલવાની તેમની માગણી હતી. આ ચર્ચા દરમિયાન રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ત્યાં પહોંચ્યા ન હતા. ત્યારે દીનદયાલજી (Deendayalji) એ કહ્યુ કે રામદાસને આવવા દો, તેમની સાથે વાત કરીને નક્કી કરીશું. ત્યારે એક નેતાએ કહ્યુ કે આમા રામદાસને શું વાત કરવાની છે? તે તો પૂર્ણકાલિક પ્રચારક જ છે. તેમના માટે શું મદ્રાસ, શું બંગાળ? તમે જ્યાં મોકલી દેશો, ત્યાં જવાનું તેમનું કામ છે.

 

દીનદયાલજીએ સંબંધિત પ્રચારક સાથે ચર્ચા બાદ નિર્ણયની કરી વાત

 

દીનદયાલજી (Deendayalji) એ સસ્મિત જવાબ આપ્યો કે અરે ભાઈ, અમારો પ્રચારક કોઈ નિર્જીવ વસ્તુ તો છે નહીં. તે પ્રચારક જરૂર છે, પરંતુ તેની પણ કોઈ સંમતિ હોય છે, તેનું પણ એક મન હોય છે. ક્યાં કામ કરે તેનો નિશ્ચય કરવાની સ્વતંત્રતા મારા વિચારથી તો તેને હોવી જ જોઈએ. જો તેના આટલા સ્વાતંત્ર્યનો પણ જો તમે સ્વીકાર નથી કરતા, તો તેના કાર્ય દ્વારા સ્વતંત્ર અને સ્વાભિમાની સમાજના નિર્માણની અપેક્ષા તમે કેવી રીતે કરી શકો છો? (अरे भाई, हमारा प्रचारक कोई निर्जीव वस्तु तो है नहीं. वह प्रचारक अवश्य है, किंतु उसकी भी कोई सम्मति होती है, उसका एक मन भी होता है. कहाँ काम करे, यह निश्चय करने की स्वतंत्रता मेरे विचार से तो उसे होनी ही चाहिए. उसके इतने स्वातंत्र्य को भी यदि आप स्वीकार नहीं करते, तो उसके कार्य द्वारा स्वतंत्र एवं स्वाभिमानी समाज के निर्माण की अपेक्षा आप कैसे कर सकते है? )

 

(પૃષ્ઠ-17,18,  पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)

 

બીજા દિવસે રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay) સાથે મુલાકાત થઈ હતી. ચર્ચાવિચારણા બાદ પં. દીનદયાલજીએ તેમને બંગાળ મોકલ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે પં. દીનદયાલજીએ એક કાર્યકર્તા-પ્રચારકની વ્યક્તિગત સ્વતંત્રતા, રુચિ-અરુચિને પ્રાધાન્ય આપ્યું હતું.

Nehru ની લોકશાહીને સૈન્ય પ્રભાવથી દૂર રાખતી સમજે દેશમાં 'Pakistan' જેવી સ્થિતિ ટાળી!

 

આનંદ શુક્લ :  દેશની સેના રાષ્ટ્રભક્ત, દેશભક્ત છે. તેથી જ તે રાષ્ટ્ર-દેશને અક્ષુણ્ણ રાખવાનું કામ પુરા સમર્પણથી કરે છે. ભારતમાં 15 ઓગસ્ટ, 1947 પહેલા રાજકીય પરિસ્થિતિ અલગ હતી. દેશ અંગ્રેજોની ગુલામી નીચે હતો. જહાંગીરના સમયમાં ઈંગ્લેન્ડના રાજા જ જેમ્સ-1ના રાજદૂત તરીકે મુઘલ દરબારમાં સર ટોમસ રૉ આવ્યા હતા. તેમણે સુરત બંદરે કોઠી સ્થાપીને ઈંગ્લેન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વ્યાપાર કરવા દેવાની મંજૂરી માંગી હતી. વ્યાપારની મંજૂરી મુઘલ દરબારમાંથી મળી. પણ જેમજેમ સમય વીતતો ગયો, તેમ તેમ વ્યાપાર માટે આવેલા અંગ્રેજોને ભારતની રાજકીય-સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક સ્થિતિઓ સમજાવા લાગી હતી. વ્યાપારમાંથી તેમણે પોતાના સૈન્ય જથ્થા બનાવવાનું શરૂ કર્યું હતું.

 

વેપારી કોઠીઓથી સૈન્ય છાવણીઓ દ્વારા અંગ્રેજોને સત્તા પ્રાપ્તિ

 

1757માં બંગાળમાં રોબર્ટ ક્લાઈવના નેતૃત્વમાં નવાબ સિરાજુ દૌલાને મીરજાફરની મદદથી હરાવીને અંગ્રેજોએ ભારતમાં શાસન કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અંગ્રેજોનું શાસન અમુક વિસ્તારોમાં મર્યાદીત હતું. પરંતુ 1857 સુધીમાં ભારતના ઘણાં મોટા ભાગમાં અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેના દ્વારા સત્તા સ્થાપિત કરી દીધી હતી.

 

રાજાઓ-મહારાજાઓ-નવાબો-સુલ્તાનો અને ખુદ મુઘલ બાદશાહ પણ અંગ્રેજોની સેનાના પ્રભાવમાં આવી ચુક્યા હતા. આમ આર્થિક અને સૈન્ય રાહે ભારતના તત્કાલિન મોટાભાગના શાસકો અંગ્રેજોની કંપની સેના સામે પ્રત્યક્ષ અને પરોક્ષ સમર્પણ કરી ચુક્યા હતા. પંજાબમાં મહારાજા રણજીતસિંહ હતા, ત્યાં સુધી અંગ્રેજોને રોકનારી શક્તિ ભારતમાં હતી. પરંતુ મહારાજા રણજીતસિંહના નિધન બાદ ભારતનો મોટાભાગનો નકશો અંગ્રેજોની સત્તા નીચે આવી ચુક્યો હતો.

 

1857ના પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ બાદ ભારતમાં આઝાદીના લડવૈયાઓએ ક્રાંતિકારી માર્ગની સાથે લોકતાંત્રિક અહિંસક માર્ગે લડવાનું પણ શરૂ કર્યું હતું. ભારતને આખરે લાંબી લડાઈ બાદ ભાગલા સાથેની આઝાદી આપવા માટેનો તખ્તો બ્રિટિશરોએ બીજા વિશ્વયુદ્ધ પછી પોતાની તત્કાલિન વ્યૂહાત્મક જરૂરિયાતો મુજબ ઘડી નાખ્યો હતો.

 

નહેરુનું સેનાને પ્રશાસન-શાસનથી દૂર રાખવાનું સ્પષ્ટ વલણ

 

આઝાદી પહેલા 1946માં થયેલી ચૂંટણીઓ બાદ બનેલી વચગાળાની સરકારમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. વાયસરોયની કાર્યકારિણીના તેઓ ઉપાધ્યક્ષ પણ હતા. આ કારોબારી દેશના પ્રશાસનનું કેન્દ્રબિંદુ હતી. તેમાં બ્રિટિશ સેનાના સેનાધ્યક્ષની સદસ્યતા અનિવાર્ય હતી. પરંતુ વાયસરોયની કારોબારીના ઉપાધ્યક્ષ તરીકે નહેરુએ નિર્ણય કર્યો હતો કે નાગરિક વ્યવસ્થા અને રાજકીય નિર્ણયોની બેઠકોમાં સેનાધ્યક્ષનું કંઈ કામ નથી અને માટે તેઓ આના સદસ્ય નહીં હોય. તેમણે વાયસરોય કાર્યકારિણીમાં સેનાધ્યક્ષને સદસ્ય નહીં બનાવવાની ભલામણ કરી અને વલણ સ્પષ્ટ કર્યું કે શાસન-પ્રશાસનથી સેનાને દૂર રાખવામાં આવે. જેથી સત્તાનું સંતુલન નાગરિક નેતૃત્વની પાસે રહે. ભારતમાં વિદેશી શાસન સૈન્ય છાવણીના દમ પર જ સદીઓ સુધી ચાલ્યું હતું. આને કારણે ભવિષ્યના લોકશાહી દેશ તરીકે ભારતમાં પણ સેનાને શાસનથી દૂર રાખવાનો પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ અને તેમના સાથી નેતાઓએ નિર્ણય કર્યો હતો.

 

નહેરુએ વાયસરોય કારોબારીમાં સેનાધ્યક્ષના સ્થાને સેનાના પ્રતિનિધિ મંત્રી તરીકે રાજકીય નેતા સરદાર બલદેવસિંહને સદસ્ય બનાવ્યા હતા. એટલે કે સેનાના પ્રતિનિધિ તરીકે પણ નાગરિક સરકારના મંત્રીને પ્રશાસનિક મામલાઓની કારોબારીમાં સ્થાન મળ્યું. આમ સ્વતંત્રતા પછી પણ સેનાધ્યક્ષને પ્રશાસનિક મામલાઓથી દૂર રાખીને (1951-52ની પ્રથમ લોકસભાની ચૂંટણી સુધીના સમયગાળામાં અને તેના પછી પણ ) ધ્યાન લોકશાહી  ઢબે ચૂંટાયેલી સરકારની પ્રશાસન-શાસન પર મજબૂત પકડ બને તેના પર ધ્યાન કેન્દ્રીત કરતી સિસ્ટમ વિકસાવવાનું શરૂ કરાયું હતું. આમા તકેદારી રખાઈ કે સેનાધ્યક્ષ કે સેનાનો હસ્તક્ષેપ થાય નહીં કે નીતિગત નિર્ણયોમાં નીતિ-નિર્ધારક કે ભાગીદાર બને નહીં.

 

નાગરિક-સૈન્ય સંતુલન માટે મિકેનિઝ્મ પણ બનાવ્યું

 

લોકશાહીને સ્થિર અને ટકાઉ બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે કેબિનેટ સમિતિનું ગઠન કરાયું. તેનાથી નાગરિક અને સૈન્ય નેતૃત્વ વચ્ચે એક સંસ્થાગત સંતુલન અવશ્યપણે સ્થાપિત કરાયું હતું.

 

નહેરુએ વરિષ્ઠ સૈન્યાધિકારીઓના કાર્યકાળનો સમયગાળો પણ નિશ્ચિત કરી દીધો હતો. તેના કારણે સૈન્ય પદો પર બિનજરૂરી રાજકીય પ્રભાવને રોકવામાં પણ સફળતા મળી. શરૂઆતમાં ભારતીય સેનાના સેવાનિવૃત્ત સેનાધ્યક્ષોમાંથી કેટલાકને દૂરના દેશોમાં રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓ દ્વારા નિરીક્ષણનું તંત્ર પણ વિકસિત કરવામાં આવ્યું.

 

ત્યાં સુધી રાષ્ટ્રપતિ ભારતીય સૈન્ય પાંખોના સુપ્રીમ કમાન્ડર બનાવાયા. પણ આર્મી, નેવી, અને એરફોર્સના સૈન્ય વડાંઓને એક કમાન્ડ નીચે મૂક્યા નહીં, ત્રણેય પાંખના પ્રમુખ અલગ-અલગ રાખવામાં આવ્યા. ચીનના હુમલા બાદ ત્રણેય સેનાની કમાનથી ઉપર એક પ્રમુખની નિયુક્તિની સલાહ અપાઈ હતી. પરંતુ લોકશાહી પરિપકવ સ્તર પર પહોંચ્યાની અનુભૂતિ થઈ નહીં, ત્યાં સુધીના વડાપ્રધાનોએ એક શક્તિશાળી સૈન્ય પદ લોકશાહી માટે ખતરારૂપ બનવાની શક્યતાને નહીં અવગણનારી સમજ તરીકે ત્રણેય સૈન્ય કમાનથી ઉપર એક પ્રમુખની સલાહને અમલમાં લાવવાનું ટાળ્યું.

 

લોકશાહીની પરિપકવતા સાથે CDS પણ બન્યા

 

કારગીલ યુદ્ધ બાદ પણ આવી જ સલાહ ફરી એકવાર અપાઈ હતી. પણ બાદમાં બદલાતા વૈશ્વિક પ્રવાહો અને વ્યૂહાત્મક પડકારોને જોતા 2020માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદે જનરલ બિપિન રાવતની નિયુક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના બીજા કાર્યકાળમાં કરવામાં આવી હતી. તેનું જ પરિણામ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક, ગલવાન ઘર્ષણ, ડોકલામ સ્ટેન્ડઓફ, ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સૈન્ય પાંખોએ સાથે મળીને દુશ્મનોને વધુ પ્રભાવી ઢંગથી કચડી નાખ્યા.

 

ભારતમાં પાકિસ્તાન છાપ તાનાશાહી આવી નહીં

 

ભારતીય લોકશાહીની પરિપકવતાનું જતન તેની શરૂઆતની સરકારો ખાસ કરીને નહેરુના સમયગાળામાં થયું અને તેને કારણે ભારત એ પાકિસ્તાન બન્યું નહીં, કારણ કે ભારતમાં ચૂંટાયેલી સરકાર સર્વેસર્વા છે. બાકી પાડોશી દેશમાં નાગરિક સરકારો સત્તામાં આવી હોવા છતાં કમાન્ડ તો સેનાના હાથમાં જ રહી છે. પાકિસ્તાનમાં જનરલ અય્યૂબ ખાનથી માંડીને જનરલ યાહ્યાખાન, જનરલ ઝિયા ઉલ હકથી માંડીને જનરલ પરવેઝ મુશર્રફ સુધીના સૈન્ય તાનાશાહ આના ઉદાહરણ છે. જ્યારે ભારતમાં 1971ના પાકિસ્તાનના 93,000 સૈનિકોના સરન્ડરવાળા ભારતીય સેનાના મહાવિજય છતાં ભારતની લોકશાહી પર સૈન્યનો પ્રભાવ  પડયો નથી અને લોકશાહી તેની રીતે જ પોતાની સફર કરી રહી છે. સૈન્ય નેતૃત્વ જ નહીં નાગરિક સરકાર પણ તાનાશાહી બની શકે નહીં તેવી ભારતની જનતાની શક્તિ 1975-76ની કટોકટી દરમિયાન જોવા મળી. ભારતની જનતાના દ્રઢ મનોબળ અને સંકલ્પશક્તિએ જ કટોકટી હટાવવાનો નિર્ણય લેવા માટે નહેરુના જ પુત્રી અને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને રાજકીય રીતે મજબૂર પણ કર્યા હતા. કટોકટીકાળને બાદ કરતા ભારતમાં લોકશાહી અવિરત ચાલુ છે અને તેના મૂળમાં નહેરુની સૈન્ય પ્રભાવથી શાસન-પ્રશાસનને દૂર રાખવાની સમજ છે.