Friday, March 17, 2017

ઉત્તરપ્રદેશ બચ્યું, ભાજપ પણ બચ્યું

રાજનીતિનું હિંદુકરણ કરી દેશ બચાવવોનો મોકો
ઉત્તરપ્રદેશ બચ્યું, ભાજપ પણ બચ્યું
-         પ્રસન્ન શાસ્ત્રી


ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોની 19.2 ટકા જેટલી વસ્તી છે. એટલે કે ઉત્તરપ્રદેશમાં 23 કરોડની કુલ વસ્તીમાંથી 3.84 કરોડ મુસ્લિમો છે. આખા ભારતમાં લગભગ વીસ કરોડ જેટલા મુસ્લિમો છે. ભારતમાં સૌથી વધારે મુસ્લિમોની વસ્તી (ટકાવારી નહીં) ઉત્તરપ્રદેશમાં છે. ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકો હોવાને કારણે દિલ્હીની ગાદીનો રસ્તો અહીંથી પસાર થાય છે. તેને કારણે ઉત્તરપ્રદેશ જાતિગત રાજકારણની સાથોસાથ મુસ્લિમ વોટના સોદાગરો માટેનો પણ મોટો રાજકીય અખાડો છે.

ખાસ કરીને 1989માં રામજન્મભૂમિ આંદોલનને કારણે ઉત્તરપ્રદેશમાં રાજનીતિનું હિંદુકરણ શરૂ થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેની સાથે દેશની રાજનીતિનું હિંદુકરણ પણ થઈ રહ્યું હતું. પરંતુ કમંડલની કાટ તરીકે મંડલ રાજનીતિનું કાર્ડ ખેલવામાં આવ્યું હતું. જેને કારણે જાતિગત રીતે સંવેદનશીલ યુપી મુસ્લિમ વોટના સોદાગરો માટે રાજકીય કુશ્તીનો મોટો અખાડો બની ગયો હતો. તેની સાથે યાદવ અને મુસ્લિમ સમીકરણોના આધારે સમાજવાદી પાર્ટી અને દલિત વોટરોનો જનાધાર ધરાવતી બીએસપી પણ ઉત્તરપ્રદેશમાં છેલ્લા સત્યાવીસ વર્ષમાં એક પછી એક સત્તામાં આવતા રહ્યા છે. જો કે તેમાં 2007માં બીએસપીને અને 2012માં સમાજવાદી પાર્ટીને પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. ફરી એકવાર યુપીનો હિંદુ સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ અને બીએસપી સામે જીત્યો છે. ફરી એકવાર ભાજપને 2017ની વિધાનસભામાં જીતાડીને યુપીના હિંદુઓએ રાજનીતિના હિંદુકરણનો અને રાષ્ટ્રવાદને મજબૂત બનાવવાનો મોકો આપ્યો છે.

પરંતુ આ 27 વર્ષના સમયગાળામાં ઉત્તરપ્રદેશની રાજનીતિમાં ખતરનાક વળાંકો આવ્યા છે. અહીં મુસ્લિમ તુષ્ટિકરણનો રાજકીય દાંવપેચ દેશની રાજનીતિના રાષ્ટ્રવાદીકરણ અને હિંદુકરણને રોકવાનો હતો. જેને કારણે માત્ર 19.2 ટકા વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશમાં રાજ ભલે માયાવતી કરે, પણ અસલી સત્તા મુસ્લિમ મળતિયાઓ ભોગવતા. સમાજવાદી પાર્ટીના રાજમાં પહેલા મુલ્લા મુલાયમસિંહ અને બાદમાં તેમના પુત્ર અખિલેશ યાદવનું તો માત્ર નામ રહેતું, બાકી અસલી સત્તાનું કેન્દ્ર સમાજવાદી પાર્ટીનો મુસ્લિમ ચહેરો અને ભૂતકાળમાં ભારતમાતાને ડાકણ કહેનાર આઝમખાનની આસપાસ સ્થિર થતું હતું.
ઉત્તરપ્રદેશના ખાસ વિસ્તારો મુસ્લિમ કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓનો ગઢ બનતા ગયા છે. યુપીની વિધાનસભાની ચૂંટણીમાં કાકોરી પોલીસ સ્ટેશનની હદમાં લખનૌ ખાતે સૈફુલ્લાહ નામના આઈએસઆઈએસના એક આતંકવાદીને યુપી એટીએસે ઠાર કર્યો હતો. એટલે કે યુપીમાં પાકિસ્તાનની ખુરાફાતી ગુપ્તચર સંસ્થા આઈએસઆઈથી માંડીને બર્બર આતંકી સંગઠન આઈએસઆઈએસ સુધીના આતંકવાદી સંગઠનો લખનૌની ગાદીનો ભોગ કરનારા મુખ્યપ્રધાનોના નાક નીચે ફળતા-ફૂલતા રહ્યા છે. દાવા તો ત્યાં સુધીના થઈ રહ્યા છે કે કાનપુર રેલવે અકસ્માતમાં એકસોથી વધુ લોકોના જીવ ગયા અને તેની પાછળ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું ષડયંત્ર છે. આ સિવાય મુઝફ્ફરનગર હુલ્લડોના મૂળમાં જઈએ તો મુસ્લિમ ગુંડાઓની દાદાગીરી સામે જાટ અને હિંદુઓનો આક્રોશ જવાબ બનીને ઉભો હતો.
અખલાક નામનો મુસ્લિમ ગૌમાંસ રાંધીને ખાતો હોય તેવા ફોરેન્સિક રિપોર્ટની ચર્ચા છે. પરંતુ અખલાકના ઘરમાં ગૌમાંસ નહીં હોવાના દાવાઓ થતા રહ્યા છે. યુપીના તત્કાલિન મુખ્યપ્રધાન અખિલેશ યાદવ શહીદોના પરિવારોને તો ગળે લગાડીને માતબાર સહાય આપવામાં માનતા ન હતા. પરંતુ અખલાકના પરિવારને સ્પેશ્યલ વિમાન દ્વારા લખનૌ બોલાવીને અખિલેશ યાદવે લાખો રૂપિયાનું વળતર આપ્યું હતું. આખો મામલો હિંદુઓની આસ્થાની અવગણના કરીને મુસ્લિમ વોટબેંકની રાજનીતિ કરવાનો હતો.
કેરાનાના કાશ્મીર બનવાની ભીતિના પોકારો વચ્ચે અહીંથી હિંદુઓના પલાયનના મામલાને તત્કાલિન અખિલેશ યાદવની સરકાર અને મીડિયાએ પુરી તાકાતથી કર્યો હતો. છેલ્લે કેરાનામાંથી હિંદુઓના પલાયનનો દાવો કરનારા ભાજપના સાંસદ હુકુમસિંહે પણ પોતાના નિવેદનને ફેરવી તોળવું પડયું હતુ. પરંતુ કદાચ રજૂ કરવામાં આવેલા સરનામામાં તથ્યાત્મક ભૂલ હોય, તો પણ કેરાનામાંથી હિંદુઓનું પલાયન એક હકીકત છે. આવી જ સ્થિતિ યુપીમાં ઘણાં મુસ્લિમ પોકેટ્સની આસપાસ પ્રવર્તી રહી છે. તો આઝમગઢ પહેલા અંધારીઆલમની સાથેના સંપર્કોને કારણે બદનામ હતું અને બાદમાં આતંકવાદી નેટવર્કને કારણે વધુ બદનામ થયું છે. પરંતુ હિંદુઓના ભોગે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બીએસપી સહીતના રાજકીય પક્ષોએ મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ અપનાવીને તેને છાવરવાનું ચાલુ જ રાખ્યું હતું.
છાશવારે ભારતના બંધારણ અને ધર્મનિરપેક્ષતાની દુહાઈ આપનારા આવા રાજકીય પક્ષોએ મુસ્લિમોને વિશેષાધિકારો આપવાની તરફદારી જ કરી છે. દેશમાં તો મુસ્લિમો લઘુમતી હોવાના કારણે વિશેષાધિકારો તો ભોગવી જ રહ્યા છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં હિંદુને સેકન્ડ ક્લાસ પણ નહીં, થર્ડ ક્લાસ સિટિઝન બનાવીને મુસ્લિમોને વીવીઆઈપી સગવડો સાથેના વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. મુસ્લિમો માટે અલગ લઘુમતી મંત્રાલય, મુસ્લિમ મહિલાઓ-યુવાનો માટે અલગ નાણાંકીય જોગવાઈ અને મન ફાવે ત્યારે દાદાગીરી ઉધમ મચાવવાની ખુલ્લી છૂટ જેવા ઘોષિત-અઘોષિત વિશેષાધિકારો યુપીની બિનભાજપી સરકારોએ મોટા પ્રમાણમાં આપ્યા છે. પરંતુ આ વખતે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની બાજી પલટાઈ ચુકી છે. આ બાજી કોઈએ પલટી હોય, તો યુપીમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિથી ત્રસ્ત બનેલા હિંદુઓએ પલટાવી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે ચૂંટણીસભામાં કહેવું પડે કે કબ્રસ્તાન માટે જમીન આપો, તો સ્મશાન પણ બનાવો. રમઝાનમા વીજળી આપો, તો દિવાળીમાં પણ વીજળી આપો. વડાપ્રધાનના આ નિવેદન બાદ યોજાયેલી ચાર તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદીના નિવેદનના વિશ્વાસે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી હતી 194 જેટલી બેઠકોમાંથી 2012માં ભાજપને માત્ર 21 બેઠકો મળી શકી હતી. પરંતુ 2017માં ભાજપને અહીંથી 133 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે.

દલિતોના હિત માટેની પાર્ટી હોવાનો દાવો કરનારી બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 98 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. દલિત પાર્ટી હોવાનો દાવો કરતી બીએસપીના ઉમેદવારોની આ યાદીમાં દલિત ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હતી. તો મુસ્લિમ વોટબેંક પર લાળ ટપકાવતા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે જોડાણ કરીને મુસ્લિમો ઉમેદવારોને મોટાપ્રમાણમાં મેદાનમાં ઉતાર્યા હતા. આ રાજકીય પાર્ટીઓનું કદાચ માનવું હશે કે યુપીમાં મુસ્લિમ વોટો જેને વધારે મળે તેને જીત મળી જશે. ખૈર પરિણામો બિલકુલ વિપરીત આવ્યા છે. એકપણ મુસ્લિમ ઉમેદવાર નહીં ઉતારનારી ભાજપને અભૂતપૂર્વ 312 બેઠકો પર જીત મળી છે. જ્યારે એનડીએને 325 બેઠકો પ્રાપ્ત થઈ છે.
2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુસ્લિમોના પ્રતિનિધિત્વની વાત કરીએ તો તે 2012માં 17.1 ટકથી ઘટીને સીધું 5.9 ટકા પર આવી ગયું છે. આ પહેલા 1992ના બાબરી મુદ્દે કરવામાં આવેલા હુલ્લડો બાદ 1993માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 5.9 ટકા રહ્યં હતું. જો કે 1991માં રામજન્મભૂમિ આંદોલન વખતે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ માત્ર 4.1 ટકા હતું. 1991માં યુપીની વિધાનસભામાં સૌથી ઓછા મુસ્લિમ ધારાસભ્યો હતા. ઉત્તરપ્રદેશમાં દેશમાં સૌથી વધુ 3.84 કરોડ મુસ્લિમો છે. પરંતુ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં યુપીમાં મુસ્લિમોની વસ્તીની ટકાવારી આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળ પછીના ક્રમાંકે આવે છે.
2017માં યુપી વિધાનસભામાં 24 મુસ્લિમ ધારાસભ્યો પહોંચી શક્યા છે. આમાના 14 મુસ્લિમ ધારાસભ્યોએ પોતાની બેઠક જાળવી રાખી છે. જેમાના છ મુસ્લિમ ધારાસભ્યો ગત ત્રણ ટર્મથી પોતાની બેઠકો પર ચૂંટાતા આવ્યા છે. જો કે 24 મુસ્લિમ ધારાસભ્યોમાં એકપણ મુસ્લિમ મહિલાનો સમાવેશ થતો નથી. 24 મુસ્લિમ ધારાસભ્યોના વિધાનસભા મતવિસ્તાર યુપીના રોહિલખંડ, અપર દોઆબ અને પૂર્વાંચલમાં આવે છે.

તો રાજ્યની 19.2 ટકા મુસ્લિમ વસ્તી સામે 2012માં યુપી વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ આઝાદી બાદ સૌથી વધારે 17.2 ટકા નોંધાયું હતું. પરંતુ 2017માં મુસ્લિમોનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ એક તૃતિયાંશ જેટલું ઘટયું છે.


વર્ષ                    મુસ્લિમ                વિ.સભામાં પ્રતિનિધિત્વ  બેઠક
1951                   14.3 ટકા               9.5 ટકા                38
1957                   14.3 ટકા               8.6 ટકા                29
1962                   14.6 ટકા               7.0 ટકા                30
1967                   14.6 ટકા               5.4 ટકા                 23
1969                   15.5 ટકા               6.8 ટકા                 23
1974                   15.5 ટકા               5.9 ટકા                  24
1977                   15.5 ટકા               11.5 ટકા                 46
1980                   15.9 ટકા               11.1 ટકા                 46
1985                   15.9 ટકા               11.5 ટકા                 47
1989                   17.3 ટકા               8.9 ટકા                  30
1991                   17.3 ટકા               4.1 ટકા                   16
1993                   17.3 ટકા               5.9 ટકા                  24
1996                   17.3 ટકા               7.8 ટકા                   32
2002                  17.3 ટકા               11.7 ટકા                  46
2007                  18 ટકા                 13.9 ટકા                  46
2012                   19.3 ટકા               17.1 ટકા                  67
2017                   19.3 ટકા               5.9 ટકા                  24


ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 2012માં ભાજપને માત્ર 47 બેઠકો મળી હતી. પરંતુ 2017માં ભાજપને છ ગણી વધુ એટલે કે 312 બેઠકો પ્રાપ્ત થઈ છે. તો તેની સાથે જ યુપીની વિધાનસભામાં મસ્લિમ પ્રતિનિધિત્વમાં 65 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે અને તે 68 બેઠકો પરથી 24 બેઠકો પર સમેટાઈ ગયું છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં પણ યુપીની 80 બેઠકોમાંથી એકપણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયો  ન હતો. ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં 71 બેઠકો અને અપનાદલને બે બેઠકો પ્રાપ્ત થઈ હતી..

રામલલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે- માત્ર સૂત્ર નથી, પણ હિંદુ સમાજની આસ્થાની જ્યોતિમાંથી નીકળેલી આગ છે. જ્યાં સુધી શ્રીરામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિર નિર્માણ નહીં થાય, ત્યાં સુધી હિંદુઓની આસ્થાની આગ પ્રજ્વલિત રહેવાની છે. આ સિવાય ટ્રિપલ તલાક જેવા અમાનવીય ઢકોસલાને ભારતના બંધારણની ભાવના પ્રમાણે હટાવવાની કાર્યવાહી આગળ વધારવી જોઈએ. ટ્રિપલ તલાકનો મામલો ભલે સમાન નાગરીક ધારા સાથે સંકળાયેલો ન હોય. પરંતુ સમાન નાગરીક ધારાનો રસ્તો ચોક્કસપણે ટ્રિપલ તલાક જેવી અમાનવીય પરંપરા સામે બંધારણીય કાર્યવાહીમાંથી જ બનવાનો છે. તો રાજનીતિના હિંદુકરણથી રાષ્ટ્રવાદ વધુ મજબૂત બનશે અને જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી-આતંકવાદીઓના ખાત્મા માટે જરૂરી નૈતિક-રાજકીય બળ ઉભું થશે. તેની સાથે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને રદ્દ કરવાનો માર્ગ પણ આગળ વધશે. ધર્મનિરપેક્ષતાના નામે દેશની રાજનીતિનું કોમવાદીકરણ થયું છે. પરંતુ યુપીની જીત ભારતની રાજનીતિનું હિંદુકરણ કરીને રાષ્ટ્રવાદને મજબૂત કરવાની અનેરી તક છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશ મુલ્લાવાદી વોટબેંકની રાજનીતિમાંથી તો બચી ગયું છે. ભાજપ પણ દિલ્હી, બિહારની કારમી હાર બાદ આસામ પેટર્ન પર ફરી યુપીમાં જ્વલંત જીતના સહારે બચી ગયું છે. હવે દેશને અને દેશના હિંદુ સમાજને બચાવવા માટે રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ સાથે આગળ વધવાનો સમય પાકી ગયો છે.

No comments:

Post a Comment