Saturday, March 4, 2017

અમેરિકાના દબાણ સામે કાર્યવાહીની પાકિસ્તાનની લાચારી

દુનિયામાં આતંકવાદ અને હિંસા સામે જનમત તૈયાર થઈ રહ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદો વચ્ચેની જીત પણ આતંકવાદને સહન નહીં કરવા માટેના દુનિયામાં બની રહેલા જનમતનું એક કારણ માનવામાં આવે છે. ત્યારે આતંકના એપી સેન્ટર પાકિસ્તાનમાં ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે આસિન થયા બાદ ખળભળાટનો માહોલ છે. કેટલીક ઘટનાઓ પણ પાકિસ્તાનને દબાણમાં આતંકનો ખેલ છૂપાવવા માટેની મજબૂરીની ચાડી ખાઈ રહી છે. 

20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા હતા. ટ્રમ્પે પોતાના પહેલા ભાષણમાં જ રેડિકલ ઈસ્લામિક ટેરરિજમને ખતમ કરવાની વાત કરી છે. અમેરિકન કોંગ્રેસમાં પણ પોતાના પહેલા ભાષણમાં તેમણે આઈએસના ખાત્મા અને આતંકને નાબૂદ કરવાની વાત કરી છે. 

31 જાન્યુઆરી-2017ના રોજ પાકિસ્તાની સેનાએ પોતાના બગલબચ્ચા આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને નજરકેદ કર્યો હતો. 
તો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બીજી સ્ટ્રેટજીક એસેટ ગણાતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએનમાં પ્રતિબંધિત કરવાનો મામલો પણ અમેરિકાએ પોતાના હાથમાં લીધો છે. 7 ફેબ્રુઆરી-2017ના રોજ અમેરિકાના યુએન ખાતેના કાયમી પ્રતિનિધિ નિક્કી હેલીએ યુએનએસસીમાં મસૂદને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ આગળ વધાર્યો છે. મહત્વપૂર્ણ છે કે પઠાનકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરને યુએનમાં પ્રતિબંધિત બનાવવાની ભારતે કોશિશો કરી છે. પરંતુ તેમા ચીને અડંગો લગાવ્યો છે. 

16 ફેબ્રુઆરી-2017ના રોજ સિંધના સેહવાનમાં લાલ શાહબાજ કલંદરની દરગાહ ખાતે આઈએસના આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી વિસ્ફોટમાં એકસોથી વધુ લોકોના જીવ ગયા હતા. 22 ફેબ્રુઆરીથી પાકિસ્તાની સેનાએ આઈએસના આતંકીઓ સામે રાદ-ઉલ-ફસાદ નામથી સૈન્ય અભિયાનની શરૂઆત કરી છે. પરંતુ આમા પણ પાકિસ્તાન ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટનો ભેદભાવ કરીને જ કાર્યવાહી કરશે તેવું નક્કી માનવામાં આવે છે. 
19થી 24 ફેબ્રુઆરી દરમિયાન પેરિસમાં ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની પાંચ દિવસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેરર ફંડિંગના મામલે વાટાઘાટો હાથ ધરાઈ હતી. પાકિસ્તાનને અમેરિકા અને ભારતે ટેરર ફંડિંગના મામલે ઘેર્યુ હતું. બેઠકના છેલ્લા દિવસે ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાનને નોટિસ ફટકારવામાં આવી હતી અને નેવું દિવસની અંદર લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ટેરર ફંડિંગ સામે નક્કર કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. નહીંતર એફએટીએફની મર્યાદામાં કાર્યવાહી કરવાની ચિમકી પણ પાકિસ્તાનને આપવામાં આવી છે. 

ત્યારે પાકિસ્તાને હાફિઝ સઈદ સામે મજબૂરીમાં કાર્યાવાહી કરી હોવાનુ માનવામાં આવે છે. પાકિસ્તાનના એક એનાલિસ્ટે હાફિઝને અફઘાની આતંકીઓથી જોખમ હોવાને કારણે કાર્યવાહી કરાઈ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જો કે હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આનું કારણ ગણાવી રહ્યો છે. અમેરિકાના એક ઉચ્ચ રાજદ્વારીએ ભૂતકાળમાં પાકિસ્તાન ખાતેની દેવબંધી મદરસાઓને બંધ કરવાની સલાહ આપી હતી. 

તાજેતરમાં અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત રહેલા હક્કાનીએ ટ્રમ્પ વહીવટી તંત્રને સલાહ આપી છે કે પાકિસ્તાનને આતંકવાદ સામેના યુદ્ધમાં મદદના નામે લશ્કરી અને આર્થિક સહાય પર કાપ મૂકવો જોઈએ અથવા તેને બંધ કરવી જોઈએ. ત્યારે આશા સેવાઈ રહી છે કે શું પાકિસ્તાનના આતંકના સામ્રાજ્યને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખતમ કરી શકશે?  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેડિકલ ઈસ્લામિક ટેરરિજમ સામે લડવાની વાત કરી છે. પરંતુ પાકિસ્તાનમાં થઈ રહેલી કટ્ટરપંથની ખેતી અને તેમાથી પેદા થતા આતંકવાદને સમાપ્ત કર્યા વગર ટ્રમ્પને આ લડાઈમાં જીત મળી શકશે?  

No comments:

Post a Comment