Saturday, March 4, 2017

ISISના ખાત્માનો રસ્તો ISIની સમાપ્તિ

આઈએસઆઈએસ કરતા આઈએસઆઈ વધુ ખતરનાક

દુનિયાભરમાં ચાલતા આતંકના ખેલમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ઘણી મોટી ભૂમિકા છે. આઈએસઆઈને દુનિયાના સૌથી ખતરનાક ગણાતા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ કરતા પણ વધુ જોખમી માનવામાં આવે છે. 
આઈએસઆઈએસનો ખાત્મો તો જરૂરી જ છે. પરંતુ આતંકની જડમૂળથી સમાપ્તિ માટે આઈએસઆઈને ખતમ કરવું પણ જરૂરી છે. 

પાકિસ્તાન આઈએસઆઈએસના આતંકના રોદણા રડી રહ્યું છે. પરંતુ તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને દક્ષિણ એશિયા ખાતે આઈએસઆઈએસની સૌથી મોટી સમર્થક માનવામાં આવે છે. આઈએસઆઈ આ આતંકવાદી જૂથને વ્યૂહાત્મક અને ઈન્ટેલિજન્સ સમર્થન આપી રહી હોવાનું સિક્યુરિટી એનાલિસ્ટ ડૉ. અમરજિતસિંહ પોતાના એક બહુચર્ચિત આર્ટીકલમાં જણાવી ચુક્યા છે. તેથી ટ્રમ્પ દ્વારા આઈએસઆઈએસ સામે લડવાનો સંકલ્પ રજૂ કરાયો છે.. તેની પૂર્તિ આઈએસઆઈ સામેની કાર્યવાહી દ્વારા જ શક્ય બનવાની છે. 

પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં અમેરિકાના વોર ઓન ટેરરના શરૂ થયા બાદ મોટી આર્થિક અને સૈન્ય મદદ મળી છે. લગભગ એક અબજ ડોલર સુધીની મદદ પાકિસ્તાનને આતંકના ખાત્માના નામે મળી ચુકી છે. તેથી અફઘાનિસ્તાનમાં આતંકનો ખેલ ચલાવવો પાકિસ્તાનને અમેરિકાની મદદ મેળવવા માટે જરૂરી છે. અમેરિકાની મદદના સૌથી મોટા હિસ્સાનો ઉપયોગ આતંકની કાયનાત કાયમ કરનાર આઈએસઆઈ વાપરે છે. આવા સંજોગોમાં આઈએસઆઈની આકા પાકિસ્તાની સેના એક તરફ આતંકના ખાત્માના અભિયાનોના ડોળ કરી રહી છે અને બીજી બાજુ પાકિસ્તાનમાંથી પાડોશી દેશોમાં આતંકનો ખેલ ચલાવી રહી છે. આઈએસઆઈનો આ ખેલ દુનિયાના ઘણાં વ્યૂહરચનાકારો સામે ખુલ્લો પડી ચુક્યો છે. બલુચિસ્તાન ખાતે અમેરિકાના સૈન્ય કાફલા પર આઈએસઆઈ દ્વારા હુમલો કરાવાયો હતો અને નામ તાલિબાનોનું આપવાનો ખેલ પણ ખુલ્લો પડી ચુક્યો છે. જેને કારણે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ખાસો તણાવ પણ જોવા મળ્યો હતો. તેથી ટ્રમ્પના સત્તામાં આવતા પહેલા અમેરિકામાં પાકિસ્તાનને મદદ કરવી આગ સાથે રમત હોવા બાબતેની વિચારપ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. 

ઈરાકમાંથી સ્થિરતા સ્થાપિત કર્યા પહેલા અમેરિકાની સેનાએ વાપસીની ઘણી મોટી વ્યૂહાત્મક ભૂલ કરી છે. જેને કારણે આઈએસઆઈએસને આતંકનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો અવકાશ મળ્યો છે. આઈએસઆઈએસ પણ ઓસામા બિન લાદેનના આતંકી સંગઠન અલકાયદાનો એક ફાંટો છે. અલકાયદાના પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ સાથે સોવિયત સંઘ સામે અફઘાનિસ્તાન ખાતેના યુદ્ધ વખતથી ગાઢ સંબંધો છે. 2001ના હુમલા બાદ અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જ છૂપાવવામાં આવ્યો હતો. આ કામ આઈએસઆઈ દ્વારા જ કરવામાં આવ્યું હતું. જો કે એક ગુપ્ત ઓપરેશનમાં ઓસામા બિન લાદેનને અમેરિકન નેવી સીલ કમાન્ડોએ પાકિસ્તાની સૈન્ય એકેડમીથી નજીકના અંતરે એક મકાનમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. 
વૈશ્વિક જેહાદની વાતો કરનારા માટે આઈએસઆઈ દ્વારા દશકાઓ જૂના વ્યૂહાત્મક સંબંધો ઉભા કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓની વાપસી બાદ તાલિબાનોને ઉભા કરવાનું કામ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ દેવબંધી મદરસાઓ દ્વારા કર્યું હતું. 


તાલિબાનોને સંપૂર્ણપણે પાકિસ્તાની સેના અને આઈએસઆઈનો ટેકો હતો. અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેન અને તાલિબાનોના અમીર મુલ્લા ઓમરે જ અફઘાનિસ્તાનમાં આતંકનું સામ્રાજ્ય કાયમ કર્યું હતું. ઓસામા બિન લાદેન સાથે પાકિસ્તાનના હાલના વડાપ્રધાન નવાઝ શરીફે પણ ત્રણેક વખત મુલાકાત કરી હોવાનો ખુલાસો કેટલાક પુસ્તકમાં થયો છે. ઈરાક અને સીરિયામાં આતંકનો ખેલ અને અફઘાનિસ્તાન -પાકિસ્તાનમાં ચાલી રહેલો દહેશતગર્દીનો ખેલ બિલકુલ અલગ-અલગ નથી. આવા સંજોગોમાં આઈએસઆઈની આઈએસઆઈએસ સંદર્ભે પણ મોટી ભૂમિકાઓની પ્રબળ આશંકાઓ પ્રવર્તી રહી છે. ટ્રમ્પે આઈએસઆઈએસના ખાત્માની વાત અમેરિકન સંસદમાં કરી છે. ત્યારે તેના ખાત્માના માર્ગમાં આગળ વધવા માટે આઈએસઆઈની સમાપ્તિ પણ આવે છે. ત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બેફામ શક્તિઓને ઘટાડવા માટે ચોક્કસપણે પગલા લેશે તેવું માનવામાં આવે છે. 

No comments:

Post a Comment