Saturday, March 4, 2017

ટ્રમ્પની ઈચ્છા રેડિકલ ઈસ્લામિક આતંકવાદને ખતમ કરવાની

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રેડિકલ ઈસ્લામિક ટેરરીજમના ખતરાથી પોતાના દેશને સુરક્ષિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેના માટે તેમણે ઈમિગ્રેશનની નીતિમાં ફેરફાર જરૂરી હોવાનું ગણાવ્યું હતું. 

વિવાદોના વંટોળ વચ્ચે અમેરિકાની જનતાએ આઠમી નવેમ્બર-2016ના રોજ ચુકાદો ફરમાવ્યો હતો. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી-2017થી અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે પદાસિન થયા છે. પદ પર આવ્યા બાદ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરીકોના અમેરિકામાં પ્રવેશ પર હંગામી પ્રતિબંધ લગાવ્યો અને શરણાર્થીઓ પર પણ રોક લાગવી. અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પરંતુ અમેરિકાની કોંગ્રેસના સંયુક્ત સત્રને કરેલા પહેલા સંબોધનમાં ટ્રમ્પે પોતાની વિવાદીત ઈમિગ્રેશન પોલિસીનું સમર્થન કર્યું છે. તેમણે 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ અમેરિકામાં થયેલા હુમલાની ઘટનાઓ પણ આના સંદર્ભે ટાંકી હતી. 

ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસમાં પોતાના સંબોધનમાં અમેરિકાને રેડિકલ ઈસ્લામિક ટેરરીજમથી ખતરો હોવાનું પણ જણાવ્યું છે. તેમણે અમેરિકાની સુરક્ષા માટે ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરવાની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું છે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મેરિટ આધારીત ઈમિગ્રેશન પોલિસી બનાવવાની વાત કરીને તેને વધુ કડક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. 

ટ્રમ્પે પોતાના ભાષણમાં ઈસ્લામિક ટેરરીજમ નહીં પણ રેડિકલ ઈસ્લામિક ટેરરીજમ શબ્દ વાપર્યો છે. આ શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેકમાસ્ટરે અભિપ્રાય આપ્યો હતો. છતાં તેમણે ચૂંટણી પ્રચાર અભિયાનમાં વાપરેલા શબ્દને અમેરિકન કોંગ્રેસમાં પણ વાપર્યો છે. અમેરિકન કોંગ્રેસમાં તેમણે ઈમિગ્રેશન પર નવો હુકમ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત પણ કરી છે. માનવામાં આવે છે કે ટ્રમ્પ ઈમિગ્રેશન પોલિસીના ફેરફાર લાગુ કરવા માટે કાયદાકીય અડચણોને દૂર કરવા માંગે છે. તેની સાથે તેઓ ઈસ્લામિક દેશોમાંથી આવતા લોકો પર પણ આતંકવાદના મામલે કોઈ જોખમ લેવા માગતા નથી. 

અમેરિકાની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના ખાત્મા માટેની પ્રતિબદ્ધતા દ્રઢતાપૂર્વક વ્યક્ત કરી છે. તેમણે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી અમેરિકાની સુરક્ષા કરવા માટે કઠોર પગલા ઉઠાવાઈ રહ્યા હોવાનું પણ અમેરિકન કોંગ્રેસને જણાવ્યું છે. 
અમેરિકાએ ડબલ્યૂટીઓ એટેક બાદ અલકાયદા અને તાલિબાનોના ખાત્મા સાથે શરૂ કરેલું વોર ઓન ટેરર હવે સીરિયા અને ઈરાક તરફ કેન્દ્રીત થઈ ચુક્યું છે. અહીં આઈએસઆઈએસ નામના અલકાયદામાંથી પેદા થયેલા આતંકી સંગઠન દ્વારા વૈશ્વિક ખતરો પેદા કરવામાં આવ્યો છે. અમેરિકા આઈએસનું પહેલું નિશાન માનવામાં આવે છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પોતાની સંસદ સમક્ષ આઈએસના ખાત્માની ફરી એકવાર પ્રતિજ્ઞા કરી છે. ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકાને કટ્ટરપંથી આતંકવાદીઓનું આશ્રય સ્થાન બનાવા દેવાશે નહીં. 

ટ્રમ્પે અમેરિકાના સહયોગી મુસ્લિમ દેશોને પણ આતંકવાદ અને કટ્ટરવાદને ખતમ કરવા માટે હાકલ કરી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદાર છે અને વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્રબિંદુ પણ પાકિસ્તાન છે. ત્યારે સવાલ એ છે કે શું આ નિવેદન પાછળ પાકિસ્તાનને કોઈ કૂટનીતિક સંદેશો આપવામાં આવ્યો છે? 

અમેરિકામાં અલકાયદા દ્વારા 2001માં કરવામાં આવેલા સૌથી મોટા આતંકી હુમલા બાદ છેલ્લા કેટલાક સમયથી આઈએસના સમર્થક આતંકીઓ દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. આઈએસ દ્વારા અમેરિકાને ઘણી વખત ધમકીઓ આપવામાં આવી છે. હવે ટ્રમ્પે આઈએસને ખતમ કરવા માટે સંકલ્પ તો વ્યક્ત કર્યો છે.. પરંતુ સવાલ એ છે કે આવા સેંકડો આઈએસ પેદા કરી ચુકેલા પાકિસ્તાનમાંથી આતંકવાદની સાફસફાઈ કર્યા વગર શું ટ્રમ્પ અમેરિકાને સુરક્ષિત કરી શકશે?

No comments:

Post a Comment