Saturday, March 4, 2017

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો આતંકવાદી દોરીસંચાર

અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓને પાકિસ્તાન દ્વારા મદદ મળવા અને પાકિસ્તાનના આતંકવાદી જૂથો દ્વારા ઉભા થયેલા ખતરાને મામલે અમેરિકાની સેના, કોંગ્રેસના સેનેટર અને થિંક ટેંકો તરફથી ચિંતાઓ વ્યક્ત કરી છે. જેને કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ આતંકવાદીઓને સમર્થન મામલે પાકિસ્તાન સામે પગલાં ભરવા માટે આશા રાખવામાં આવે છે. 

પાકિસ્તાની સેનાના રાદ-ઉલ-ફસાદના નામ શરૂ કરવામાં આવેલા આતંકવાદી વિરોધી સૈન્ય અભિયાનોને અધકચરો પ્રયાસ માનવામાં આવે છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે પાકિસ્તાની સેનાના જનરલ કમર જાવેદ બાજવા સાથે વીસ મિનિટ લાંબી ટેલિફોનિક વાતચીત કરી છે. મેટ્ટિસે આતંકવાદને ડામવા માટે પાકિસ્તાની સેનાની ભૂમિકાને સમર્થન આપ્યું છે. પરંતુ અફઘાનિસ્તાન ખાતે અમેરિકાની સેનાના કમાન્ડર જનરલ જોન નિકલ્સને કહ્યુ છે કે અમેરિકાની આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ 98 જૂથોમાંથી વીસ ગ્રુપ્સ અને ત્રણ હિંસક, કટ્ટરપંથી જૂથો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે. જનરલ નિકોલ્સને આને હિંસક અને આતંકવાદી ગ્રુપ્સનો દુનિયાભરમાં સૌથી મોટો જમાવડો ગણાવ્યો છે. 

અમેરિકાની સેનેટની પેનલ સમક્ષ જનરલ નિકોલ્સને પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરવાની દલીલ રજૂ કરી છે. તેમણે દલીલ કરી હતી કે તાલિબાનો અને હક્કાની નેટવર્ક માટે પાકિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનો છે અને તેને કારણે તેમની અસર ઓછી કરવામાં અડચણો છે. પાકિસ્તાન ખાતેના સુરક્ષિત આશ્રયસ્થાનોને કારણે અમેરિકા માટે માનવીય ખુવારી, સમય અને નાણાંની પણ બરબાદી થઈ રહી છે. જનરલ નિકોલ્સન જેવી જ ચિંતા રિપબ્લિકન સેનેટર જોન મેક્કેન અને ડેમોક્રેટ સેનેટર જેક રીડે વ્યક્ત કરી છે. 

રિપબ્લિકન સેનેટર જોન મેક્કેને સ્પષ્ટપણે જણાવ્યુ છે કે અફઘાનિસ્તાનમાં સફળતા માટે પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધોની નિખાલસ આકરણી કરવાની જરૂર છે. પાકિસ્તાનમાં ઘણાં બધાં આતંકવાદી સંગઠનો સક્રિય છે અને તેઓ પાડોશી દેશો અને અમેરિકાના સૈનિકોને નિશાન બનાવે છે. આપણા દુશ્મનોને પાકિસ્તાનમાં સુરક્ષિત શરણસ્થાનો મળશે... તો અફઘાનિસ્તાનમાં અમેરિકાનું મિશન અશક્ય નહીં.. તો મુશ્કેલ ચોક્કસ બનશે. આ આતંકી અભ્યારણો ચોક્કસપણે નષ્ટ થવા જોઈએ. 

ડેમોક્રેટ સેનેટર જેક રીડે પણ સૂરમાં સૂર પુરાવતા કહ્યુ છે કે જો અમેરિકા અને અફઘાનિસ્તાનમાં જરૂરી સ્તરની સુરક્ષા સ્થાપિત કરવી હશે... તો અફઘાનિસ્તાન ખાતે સક્રિય આતંકવાદી જૂથોને પાકિસ્તાને સહાયતા કરવાનું બંધ કરવું પડશે. 
અમેરિકાના ફોરેન રિલેશન્સ કમિટીના અધ્યક્ષ એડ રોયસે કહ્યુ છેકે પાકિસ્તાને લશ્કરે તૈયબા જેવા સમૂહો પર કાર્યવાહી કરવાની સાથે આવા પરિસરોને બંધ કરવાની જરૂર છે. પાકિસ્તાન આતંકવાદી હુમલાના દોષિતોને ન્યાયના કટઘરામાં લાવી શકે નહીં.. તો તેણે આવા ગુનેગારોને હેગ કોર્ટને સોંપી દેવા જોઈએ. જેથી આંતરરાષ્ટ્રીય અદાલત તેમની વિરુદ્ધ સુનાવણી કરીને ચુકાદો ફરમાવે. પાકિસ્તાન 600થી વધુ દેવબંધી મદરસાઓને બંધ કરવા બાબતે ગંભીરતાથી વિચારવાની પણ જરૂર છે. અમેરિકાની કોંગ્રેસ અને ટ્રમ્પ વહીવટી તંત્રને લાગે છે કે આવી મદરસાઓ આતંકવાદીઓના પાંગરવાના સ્થાન છે. 
સેનેટ પેનલના હિયરિંગ દરમિયાન કરવામાં આવેલી નીતિગત ભલામણોનું પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાની.. ચાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખોના સલાહકાર અને સીઆઈએના ભૂતપૂર્વ અધિકારી બ્રુસ રીડલ.. હેરિટેજ ફાઉન્ડેશન.. હડસન ઈન્સ્ટિટ્યૂટ.. મિડલ-ઈસ્ટ ઈન્સ્ટિટ્યૂટ.. ન્યૂ અમેરિકા ફાઉન્ડેશન અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીએ પણ સમર્થન કર્યું છે. નિષ્ણાતોએ પાકિસ્તાનની વ્યૂહાત્મક દિશા બદલવા માટે આર્થિક અને લશ્કરી સહાયતા આપવાની નીતિને મૃગજળ સમાન ગણાવીને તેને બંધ કરવાના સૂચનો કર્યા છે. 

નિષ્ણાતોનો સ્પષ્ટ મત રહ્યો છે કે અમેરિકાએ પાકિસ્તાની સેનાને મજબૂત બનાવવા માટે દશકાઓ ખર્ચી નાખ્યા છે. પરંતુ આના કારણે ભારત પાસેથી સૈન્ય શક્તિના દમ પર કાશ્મીર ખૂંચવી લેવાની મનસા ધરાવતા તત્વો જ મજબૂત બન્યા છે. તેથી ટ્રમ્પ વહીવટી તંત્રને તમામ પ્રકારના વિકલ્પો અપનાવવા માટેની સલાહ પણ વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાનનો મેજર નોન-નાટો એલાઈનો દરજ્જો રદ્દ કરવા સુધીની સલાહ ટ્રમ્પને આપવામાં આવી છે. ટ્રમ્પ આતંકવાદ સામેની લડાઈ માટે સંકલ્પબદ્ધ માનવામાં આવે છે. તેથી તેમના દ્વારા પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરવાની શક્યતાઓ હોવાનું પણ જાણકારોનું માનવું છે. 

No comments:

Post a Comment