Saturday, March 4, 2017

ISISના ખાત્માને પ્રાથમિકતામાં અફઘાનિસ્તાન નહીં ભૂલવાની ટ્રમ્પને સલાહ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં પોતાના ભાષણમાં રેડિકલ ઈસ્લામિક ટેરરીજમ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે રેડિકલ ઈસ્લામિસ્ટ ટેરરીજમ શબ્દ વાપર્યો નથી. તેથી વિશ્લેષકો માની રહ્યા છે કે ટ્રમ્પ આતંકવાદને મજહબી માન્યતાઓ સાથે સ્પષ્ટપણે સાંકળી રહ્યા છે. આ ભાષણ બાદ અમેરિકાના સેનેટર જોન મેક્કેને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી છે કે દેશમાં અરાજકતાનો માહોલ પેદા થાય તેના પહેલા સ્પષ્ટ યોજના સાથે અફઘાનિસ્તાન મામલે ધ્યાન આપવાની જરૂર છે. 

રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે રેડિકલ ઈસ્લામિક ટેરરિજમની વાત કરી અને આઈસના ખાત્માનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે.. પરંતુ અફઘાનિસ્તાન મામલે તેમણે સમજાય નહીં તેવી ચુપકીદી સેવી છે. જેને કારણે આગામી નીતિ સંદર્ભે અમેરિકાના અગ્રણી વિશ્લેષકો આશ્ચર્યમાં ગરકાવ થયા છે. 

અમેરિકાના સેનેટર જોન મેક્કેને કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્રે આઈએસ સામેની લડાઈ જેવી જ ઉતાવળ સાથે અફઘાનિસ્તાનના મામલે કામ કરવું પડશે. નહીંતર આ મડાગાંઠ એક વ્યૂહાત્મક નિષ્ફળતા સાબિત થશે. આપણે ભૂલ કરવી જોઈએ નહીં.. અફઘાનિસ્તાન નીડરતાપૂર્વક પોતાના દેશને સમાન શત્રુથી બચાવવા માટે લડી રહ્યું છે. 9/11નો હુમલો કરનારા આતંકવાદી દુશ્મનો સામે અમેરિકા હજીપણ અફઘાનિસ્તાનમાં લડી રહ્યું છે તેને આપણે નિશ્ચિતપણે સ્વીકારવું પડશે. 

પહેલી માર્ચે કાબુલ ખાતે બેવડા આતંકી હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી. ત્યાર બાદ મેક્કનની અફઘાનિસ્તાનની સ્થિતિ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતી સૂચક ટીપ્પણી આવી છે. યુનાઈટેડ નેશન્સ મિશન ઈન અફઘાનિસ્તાનના અહેવાલ મુજબ અહીં 2016માં 11 હજાર 418 નાગરિકોને નુકસાન થયું છે. જેમા 3498 લોકોના મોત નીપજ્યા છે અને 7920 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2015 કરતા 2016માં અફઘાનિસ્તાન ખાતે ખુવારીના આંકડામાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો છે. 

અમેરિકન સેનેટની પેનલ સમક્ષ અફઘાનિસ્તાન ખાતેના સૈન્ય કમાન્ડર જનરલ જોન નિકોલસને ટ્રમ્પ વહીવટી તંત્ર પાસેથી વધુ ફોર્સની માગણી કરી છે. જનરલ નિકોલસન પ્રમાણે અફઘાન ફોર્સિસને તાલીમ આપવા માટે અને નાટો-અમેરિકાની સેનાના સૈનિકોની અદલા-બદલી કરવાની જરૂર છે. અમેરિકાની સેનાના અફઘાનિસ્તાન ખાતેના કમાન્ડરે અફઘાનિસ્તાનમાં પ્રવર્તી રહેલી સ્થિતિને મડાગાંઠ સમાન ગણાવી છે અને તેમણે સ્વીકાર્યું પણ છે કે તાજેતરના વર્ષોમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કેટલાક વિસ્તારો પર નિયંત્રણ પણ સ્થાપિત કર્યું છે. 

સ્પેશયલ ઈન્સ્પેક્ટર જનરલ ફોર અફઘાન રિકન્સ્ટ્રક્શન ઓફિસ દ્વારા વર્ષના શરૂઆતમાં સોંપવામાં આવેલા રિપોર્ટમાં અમેરિકા સમર્થિત અફઘાન સરકારના નિયંત્રણમાં રહેલા વિસ્તારમાં મોટો ઘટાડો થયો હોવાનું જણાવાયું છે. તો તાલિબાન અને આઈએસ સહીતના અન્ય આતંકી જૂથોના વર્ચસ્વ હેઠળના વિસ્તારોમાં વધારો થયો છે. આ અહેવાલમાં ચિંતા ઉપજાવનારી સ્થિતિ રજૂ કરતા કહેવામાં આવ્યું છે  2016માં અફઘાન સરકારના નિયંત્રણમાં દેશનો 57.2 ટકા વિસ્તાર છે. 2016માં અફઘાન સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં 6.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અન્ય અહેવાલો મુજબ કુંદૂજ અને હેલમંડ જેવા મહત્વપૂર્ણ જિલ્લાઓ સહીતના સાત અફઘાની જિલ્લાઓ પર તાલિબાનોનું નિયંત્રણ છે. જનરલ નિકોલસને અફઘાનિસ્તાન ખાતે તાલિબાનોને રશિયાના સમર્થનનો આરોપ પણ લગાવ્યો છે. 

હાલ અફઘાનિસ્તાનમાં નાટો સેનાઓના 13 હજારથી વધુ સૈનિકો છે. તેમાથી મોટાભાગના અમેરિકન સૈનિકો છે. મહત્વપૂર્ણ છેકે મૂળ યોજના પ્રમાણે અમેરિકાના સૈનિકો 2014માં અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે હટી જવાના હતા. ટ્રમ્પે પણ જાહેરમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાઓની સંપૂર્ણપણે વાપસીની તરફદારી કરી છે. પરંતુ હવે જનરલ નિકોલસને અમેરિકામાં વધુ સૈનિકોની માગણી કરી છે. અફઘાનિસ્તાન સંદર્ભે નીતિમાં અસ્પષ્ટતા દેખાઈ રહી છે. ટ્રમ્પની ચુપકીદી અને જે પણ કંઈ થોડાઘણા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમા ઘણો વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. અફઘાનિસ્તાન ખાતે સુરક્ષા પરિદ્રશ્યમાં ચિંતા ઉપજાવનારું એક પરિમાણ અહીં વધી રહેલી આઈએસની હાજરી છે. તાજેતરમાં થયેલા ઘણાં હુમલાની જવાબદારી આઈએસ દ્વારા લેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે ટ્રમ્પ આઈએસના ખાત્માની વાત કરતા હોય.. ત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે અસ્તિત્વ ધરાવતા આ આતંકી જૂથની અવગણના કરી શકે તેમ નથી. તેથી આગામી સમયમાં ટ્રમ્પે અફઘાનિસ્તાન મામલે પોતાની ચુપકીદી તોડવાની ફરજ પડશે. 

No comments:

Post a Comment