બુધવાર, 26 નવેમ્બર, 2025

સિંધનો ભારતમાં વિલય થાય તે સર્વોત્તમ, પણ 91% પાકિસ્તાનવાદીઓનું શું કરશો?

91% મુસ્લિમોવાળા સિંધને ભારતમાં ભેળવવું હાલ ભારત-હિંદુઓ માટે ખતરારૂપ !

- આનંદ શુક્લ


ભારતીય ઉપખંડ અથવા અખંડ ભારતના ક્ષેત્રમાં 1971માં ભૂગોળ બદલાઈ હતી. ત્યારથી અત્યાર સુધી એટલે કે 2025ના આખર સુધીમાં ભૂગોળ લગભગ યથાવત છે, પણ ધાર્મિક વસ્તી સંતુલનમાં ઘણાં મોટા ફેરફારો અવિરતપણે ચાલુ છે. આ ફેરફારો દુર્ભાગ્યે ધર્મનિરપેક્ષતાની ગુલબાંગો પોકારતા રાજનેતાઓના હાથમાં રહેલા ભારતીય વિસ્તારોમાં થઈ રહ્યા છે. ભારતના પાડોશી પાકિસ્તાનમાં હિંદુઓ નામશેષ થવાની અણિ પર છે. પાકિસ્તાનની કૂલ વસ્તીમાં હિંદુઓની સંખ્યા માંડ 1.5 ટકા જેટલી પણ નથી. હા, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુઓની પાડોશી દેશમાં સૌથી વધુ વસ્તી એટલે કે 8 ટકા વસ્તી સનાતનીઓની છે. પણ આ વસ્તી પણ કરાચી, હૈદરાબાદ અને નગરપારકર-થરપારકર જેવા જૂજ વિસ્તારોમાં છે. બાકીના સિંધમાં 91 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. આ મુસ્લિમોમાં સિંધી મુસ્લિમોની લગોલગ મુહાજિરો એટલે કે ભાગલા વખતે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલા મુસ્લિમો છે. પંજાબી, બલૂચી અને અફઘાની મુસ્લિમોની વસ્તી પણ ખાસી વધારે છે. આ તમામ પ્રાદેશિકતા ધરાવતા મુસ્લિમો બિનમુસ્લિમો ખાસ કરીને હિંદુ-શીખો પર અત્યાચાર કરવાના મામલે મૂકસંમતિ ધરાવે છે. જેને કારણે સિંધમાં હિંદુ-શીખો પર સતત એટ્રોસિટી થઈ રહી છે. 

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં  કહ્યુ હતુ કે સરહદો બદલાઈ શકે છે અને સિંધ કોઈ દિવસ ભારતમાં પાછું ફરી શકે છે. નવી દિલ્હીમાં સિંધી સમાજના સંમેલનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ટાંકતા તેમણે કહ્યુ હતુ કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિથી સિંધ હંમેશા ભારતનો હિસ્સો રહેશે અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, સમીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે આવતીકાલે સંધ ફરીથી ભારતમાં પાછું આવે. રાજનાથસિંહે કહ્યુ હતુ કે હું એ પણ કહેવા માંગુ છું કે લાલકૃષ્ણ અડવાણીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિંદુ આજેપણ સિંધને ભારતથી અળગ કરવાને સ્વીકારી શક્યો નથી. આ વાત ઘણાં ભારતીયો માટે સાચી છે, જે સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં હિંદુ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણાં મુસ્લિમ પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના આબ-એ-જમજમથી ઓછું પવિત્ર નથી. આ અડવાણીજીનું કથન છે. તેમણે આગળ ઉમેર્યું કે સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, હંમેશા આપણા પોતીકા રહેશે. તે ચાહે ક્યાંય પણ રહે, હંમેશા આપણા જ રહેશે. 

‘જન ગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્યવિધાત’, આપણું રાષ્ટ્રગાન અને તેની પંક્તિમાં સિંધનો ઉલ્લેખ આવે છે. કોઈપણ બાળક જ્યારે શાળામાં જવાનું શરૂ કરે અને જ્યારે તે રાષ્ટ્રગાન ગાય ત્યારે તેમાં સિંધનો ઉલ્લેખ આવે, જ્યારે તેને ખબર પડે કે સિંધ તો પાડોશી પાકિસ્તાનનું રાજ્ય છે અને તે ભારતમાં નથી. ત્યારે તેને પહેલો વિચાર આવે કે છતાં સિંધને ભારતીય રાષ્ટ્રગાનમાં શા માટે સામેલ કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ ભારતના એક રાષ્ટ્ર તરીકેના સનાતન ઐતિહાસિક પ્રવાહમાં છે. સિંધુ ઘાટીની સભ્યતા વિશ્વની પ્રાચીનત્તમ સભ્યતાઓમાંથી એક છે. ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ ભારતના સનાતન પ્રવાહને આકાર આપનારા વેદ-શ્રુતિ-સ્મૃતિના ઉલ્લેખોના આધારે સિંધુ ઘાટીની સભ્યતાથી પણ જૂનું છે. આમા કોઈ શંકા રાખવાની જરૂર નથી. ઐતિહાસિક બાબતોના પ્રવર્તમાન ઉલ્લેખો અને જૂના-નવા ઈતિહાસકારો તેમના વષયના માપદંડોના આધારે જે પણ કોઈ મુલવણી કરતા હોય, પણ એક ભારતીય તરીકે આપણા સૌની શ્રદ્ધા છે કે ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ સનાતન છે. 

પણ સિંધને પાછું લાવવાની વાત કરતી વેળાંએ સિંધ શા માટે ભારતમાં નથી, તેને વિસારી શકાય તેમ નથી. મજહબી આધારે ભારતના ભાગલા થયા અને તેમાં માત્ર સિંધ જ નહીં પણ અખંડ ભારતના ઘણાં વિસ્તારો પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનમાં ગયા હતા. અત્યારે પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં આવેલું સિંધ પાકિસ્તાનનું ત્રીજું મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે પાડોશી દેશનું બીજું મોટું રાજ્ય છે. સિંધી, સરાયકી અને બલૂચી સહિત ઘણી ભાષાઓ અહીં બોલાય છે. પંજાબી, ગુજરાતી અને રાજસ્થાની પણ બોલાય છે. શાળાઓમાં ઉર્દૂ અને સિંધી ભણાવાય છે. સિંધમાં 91 ટકા મુસ્લિમો અને માત્ર 8 ટકા હિંદુઓ છે. સિંધમાંથી હિંદુઓએ 1947માં મોટી હિજરતો કરી હતી અને ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુજાહિર તરીકે ઓળખતા મુસ્લિમોએ સિંધમાં જ વસવાટ કરવાનું શરૂ કર્યું હકતું. કરાચી સિંધની આર્થિક રાજધાની છે અને પાકિસ્તાનના સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેનો (સિંધનો) સમાવેશ થાય છે. 2023ની વસ્તીગણતરી મુજબ સિંધની કૂલ વસ્તી 5.6 કરોડ છે અને તેમાં અંદાજે 49 લાખ જ હિંદુ છે. આવા સંજોગોમાં સિંધનો ભારતમાં વિલય ધાર્મિક વસ્તી સંતુલનના આધારે શક્ય લાગતો નથી. વળી સિંધને કબજે કરવામાં આવે, તો પણ 5 કરોડથી વધુ મુસ્લિમો કે જેઓ આઝાદીના 78 વર્ષ સુધી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં ભારત અને હિંદુ વિરોધી ગણથૂથી પીને ઉછર્યા હોય, તેમને ભારતમાં ભારતના લોકોના સમોવડાં રાખીને સામેલ કરવા ભારતીયોની સુરક્ષા સામે જોખમો ઉભા કરી શકે છે. ભારતમાં આતંકવાદના હાથ બનનારાઓમાં પણ ભારતમાં રહેતા કટ્ટરવાદી મુસ્લિમોની ઘણી મોટી સંખ્યા રહે છે. છેલ્લે દિલ્હીમાં થયેલા ફિદાઈન એટેકમાં પણ કાશ્મીરી મુસ્લિમ ડોક્ટરની ભૂમિકા કોઈનાથી અજાણી નથી. 

એક અખબારમાં ડિફેન્સ એક્સપર્ટ લેફ્ટિનેન્ટ કર્નલ (રિ.) જે. એસ. સોઢીએ કહ્યુ છે કે સિંધના ભારતમાં વિલયનો મતલબ છે કે સૈન્ય કાર્યવાહી કરવી અને બિનજરૂરી ટૂ-ફ્રન્ટ વૉર કરવું. આવામાં ભારતે પાકિસ્તાનની સાથે સાથે ચીન સાથે પણ લડવું પડશે. હાલ, ભારત ટૂ-ફ્રન્ટ વૉરની સ્થિતિમાં નથી. આમ પણ સિંધ જો પાકિસ્તાનથી સ્વયં સ્વતંત્ર થાય છે, તો પણ તે ભારતની સાથે મળવા રાજી નહીં થાય, કારણ કે 1947 બાદથી સિંધની ડેમોગ્રાફી બદલાઈ ચુકી છે. 

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરડોર એટલે કે સીપેકના નામથી ચીને પાડોશી દેશમાં અબજો ડોલર રોક્યા છે. આ સીપેક પીઓજેકેથી છેક સિંધ-બલૂચિસ્તાનના ગ્વાદર બંદર સુધી પહોંચે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં પોતાના અબજો ડોલર ડૂબતા બચાવવા માટે ચીન ભારત સામે પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિંધને કબજે કરવા જેવી કોઈ વાત સામે આવે તો મોરચો ખોલે તેવી શક્યતાને અવગણી શકાય તેમ નથી. 

વળી વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ જે રીતે ઓપરેશન સિંદૂર પછી નિવેદનો આપી રહ્યા છે, તેને જોતાં આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારતે ઘણી જહેમત ઉઠાવવી પડે તેવી શક્યતાઓ છે. આવા સંજોગોમાં સિંધ પર કબજો કરીને તેને ભારતમાં ભેળવી દેવું કે ભૂગોળ બદલવી તેના માટે સૈન્ય બાબતોની સાથે વૈશ્વિક કૂટનીતિક સ્તરે પણ ઘણું બધું હોમવર્ક કરવું પડે તેમ છે.સિંધને કબજે કર્યા પછી પણ તેના વિલિનીકરણને શાશ્વત બનાવવા માટે ડેમોગ્રાફિક સ્તરે પણ ઘણું કરવું પડશે. જો કે આવી ડેમોગ્રાફિક સ્તરની લડાઈ તો ભારતના નાના ગામડાંથી શરૂ કરીને છેક દિલ્હી સુધીના શહેરો સુધી લડવી પડે તેમ છે. 

જ્યાં સુધી વાત સિંધ અને અખંડ ભારતના પાકિસ્તાન બની ચુકેલા ભાગોનો સવાલ છે, તો તેના ભારતમાં સામેલ થવા કે વિલિનીકરણથી સાચા ભારતીયને હંમેશા ખુશી જ થશે. પણ એ યાદ રાખવું જોઈએ કે આવા જે પ્રદેશનું વિલિનીકરણ કરીશું, ત્યાં સાચો ભારતીય નહીં પણ પાકિસ્તાની છે. તેની માનસિકતા મોટેભાગે ભારત-હિંદુ વિરોધી છે. 

સિંધ ભારતમાં ગેટ વે ઓફ ઈસ્લામ છે, કારણ કે ઈ.સ. 712માં સિંધના છેલ્લા હિંદુ રાજા દાહિરસેનને હરાવીને મુહમ્મદ બિન કાસિમે ઈસ્લામિક રાજ્ય સ્થાપ્યું હતું. સિંધના ઈતિહાસની વાત કરીએ, તો સિંધની સિંધુ ઘાટી સભ્યતા 2300થી 1750 ઈ.સ. પૂર્વેની છે. સિંધ પર દારા પ્રથમને આધિન ઈરાનીઓનું શાસન પણ રહી ચુક્યું છે અને એલેક્ઝાન્ડરે પણ તેના પર વિજય મેળવ્યો હતો. સેલ્યૂકસ પ્રથમ નિક્ટર, ચંદ્રગુપ્ત મૌર્ય, ઈન્ડો-ગ્રીક  અને પર્શિયન, સીથિયન, કુષાણો અને સસ્સાનિયોએ પણ અહીં શાસન કર્યું હતું. સિંધ પર મુહમ્મદ બિન કાસિમની જીત બાદ ઉમ્મૈદ અને અબ્બાસિદ સામ્રાજ્યોનું તે ભાગ બન્યું. મુઘલો અને સિંધી રાજવંશોની પણ તેના પર સત્તા  સ્થપાઈ. 1843માં અંગ્રેજોએ તેના પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. 3 માર્ચ, 1943ના રોજ સિંધે પાકિસ્તાનની સ્થાપનાનો પ્રસ્તાવ પારીત કર્ય હતો. 26 જૂન, 1947ના રોજ સિંધ વિધાનસભાએ એક વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાન બંધારણીય સભામાં સામેલ થવાનો નિર્ણય કર્યો. વિભાજન બાદ સિંધમાંથી હિંદુ-શીખો નિરાશ્રિતો તરીકે ભારતમાં મોટી સંખ્યામાં પહોંચ્યા. 

રાજનાથસિંહની ટીપ્પણીની જેય સિંધ મુત્તહિદા મહાજના અધ્યક્ષ શફી બરકતે પ્રશંસા કરતા કહ્યુ છે કે અમે સિંધને ન માત્ર સિંધી રાષ્ટ્રની ઐતિહાસિક માતૃભૂમિ માનીએ છીએ, પરંતુ પ્રાચીન સભ્યતાઓની માતૃભૂમિ પણ માનીએ છીએ. સિંધ, જેના પરથી ભારતનું નામ પડયું છે, માનવ સભ્યતાનું ઉદગમ સ્થાન અને માનવતાની સૌથી પ્રાચીન સાંસ્કૃતિક ઓળખોમાંથી એકનું જન્મસ્થાન છે. તેમણે લખ્યું છે કે અમારો દ્રઢવિશ્વાસ છે કે સિંધના લોકો ઐતિહાસિક રીતે ક્યારેય પણ ધર્મ અથવા વિચારધારાના આધારે આરબ અથવા તુર્ક શક્તિઓ સાથે જોડાયેલા નથી રહ્યા. તેના સ્થાને, અમારા સભ્યતાગત, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂળિયા હંમેશા સપ્તસિંધુદેશ ભારતની જમીન સાથે પ્રગાઢપણે જોડાયેલા રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંત સંદર્ભે ભારતીય સંરક્ષણ મંત્રીના ભ્રામક અને ખતરનાકપણે સંશોધનવાદી નિવેદનની આકરી ટીકા કરીએ છીએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું આ નિવેદન સ્વાભાવિક છે, પણ સવાલ એ છે કે  અવિભાજ્ય ભારતીય ક્ષેત્રો ખાસ કરીને  જમ્મુ-કાશ્મીર અને તેના ભાગ પીઓજેકે-ગિલગિત-બાલ્તિસ્તાનને લઈને કરવામાં આવતી નિવેદનબાજી અને પ્રાયોજિત ક્રોસ બોર્ડર ટેરરિઝ્મને લઈને પોતાના વલણને પાકિસ્તાન આયનામાં જોવા માટે તૈયાર છે?

1 ટિપ્પણી:

  1. करुणा शंकर ओझा26 નવેમ્બર, 2025 05:08 PM

    पाकिस्तान अब वैश्विक आतंकवादियों का अड्डा बन चुका है।‌ न सिर्फ भारत में बल्कि ब्रिटेन, अमेरिका व अन्य यूरोपीय देशों में जो आतंकवादी पकड़े जा रहे हैं वो ज्यादातर पाकिस्तान मूल के मुस्लिम है।‌ अतः सिंध की जमीन के साथ करोड़ों जिहादियों को भारत में लेना भारत के हित में नहीं होगा।

    જવાબ આપોકાઢી નાખો