મંગળવાર, 30 જૂન, 2015

સ્માર્ટ સિટી ઉપેક્ષિત શહેરીકરણની સમસ્યાઓના ઉકેલનું એક પગલું

- પ્રસન્ન શાસ્ત્રી

ગામડાંઓમાં વસેલા ભારતમાં શહેરીકરણને એક ઉપેક્ષિત દ્રષ્ટિકોણથી જોવામાં આવતું રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે સિંઘુ ઘાટીની સભ્યતાના મળેલા અવશેષોમાં ધોળાવીરા-લોથલથી માંડીને હડપ્પા-મોહેન-જો-દડો સુધીના શહેરી જીવનની ઝલક જોવા મળે છે. 1992થી ઉદારીકરણને અપનાવ્યા બાદ વૈશ્વિકરણના વાવાઝોડામાં શહેરીકરણ ઉપેક્ષા છતાં રોકી શકાયું નથી. શહેરીકરણની ઉપેક્ષા આજે સમસ્યા બની ચુકી છે. શહેરીકરણને શરૂઆતમાં ઉપેક્ષિત દ્રષ્ટિકોણથી જોવાયું હોત નહીં તો વિકાસ અને આર્થિક સમૃદ્ધિના એન્જિન તરીકે દેશની પ્રગતિને વધુ ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકત. 

ભારતમાં હાલ 31 ટકા લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. 2050 સુધીમાં વિશ્વમાં સૌથી વધુ શહેરી વસ્તી ભારતમાં હશે. હાલ ભારતના શહેરો દેશના કુલ જીડીપીના 60 ટકા હિસ્સેદારી ધરાવે છે. 2030 સુધીમાં શહેરોની ભાગીદારી ભારતના જીડીપીમાં 75 ટકા સુધી પહોંચી જશે. 

કટોકટીની 40મી વરસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે બેહદ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી ત્રણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાઓના ઉદ્ઘાટન વખતે કહ્યુ હતુ કે શહેર દેશની અર્થવ્યવસ્થાની શક્તિ અને વિકાસના એન્જિનની જેમ કામ કરે છે. ગત 25થી 30 વર્ષોમાં દેશમાં શહેરીકરણે ખૂબ ઝડપ પકડી છે. તે વખતે જો શહેરીકરણને એક અવસર તરીકે જોવામાં આવ્યું હતો, તો આજે ભારતના શહેરો દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોની બરાબરી કરી શકે તેવા હોત. તેમણે કહ્યુ કે જૂના અનુભવો ભલે ખરાબ રહ્યા હોય. પરંતુ તેનાથી નિરાશ થયા વગર સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે આગળ વધવું આપણું લક્ષ્ય હોવું જોઈએ.


શહેરીકરણ વિકાસનો અવસર બને

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે એફડીઆઈની જરૂરિયાત રહેશે. તેના માટે સ્માર્ટ સિટીનો વિકાસ મહાનગરો અને મોટા શહેરોના ઉપનગરો તરીકે કરવાનો ઉદેશ્ય છે. તેની પાછળનો મુખ્ય હેતુ લોકોને શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધા, રોજાગર વગેરે ઉપલબ્ધ કરાવવાની સાથે શહેરોમાં વધતી ભીડના નિયંત્રણ માટે પણ આવા સ્માર્ટ સિટી જરૂરી છે.

અંગ્રેજીમાં કામકાજ કરવાની ક્ષમતા, સસ્તી મજૂરીને કારણે વૈશ્વિકરણના યુગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં વ્યવસાય સ્થાપિત કરવા માટે સારા એવા પ્રમાણમાં આકર્ષિત કરી છે. ગત બે દશકોમાં ભારત દુનિયાનું સૌથી મોટા પ્લેસમેન્ટ સેન્ટરમાંથી એક બની ગયું છે.

વૈશ્વિકરણનો ભારતની વિકાસ યાત્રામાં વધુ અસરકારક રીતે લાભ ઉઠાવવા માટે શહેરોને સુનિયોજિતપણે વિકસિત કરવા એક મોટી પ્રાથમિકતા છે. શહેરો આધુનિક માળખાગત સુવિધાઓ, પરિવહન અને સંચાર સાધનોથી સુસજ્જિત હોવા જોઈએ. શહેરોમાં વિકાસની મૂળભૂત સંરચના, માનવ સંસાધનનો સારો ઉપયોગ, જીવનની મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષાના પડકારોને પહોંચી વળવા યોજનાબદ્ધ કોશિશોની પણ જરૂરિયાત છે. 

દુનિયાના વિકસિત અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશોમાં શહેરીકરણ ઘણું મોટા પ્રમાણમાં થયું છે. વિકાસના મામલે ભારતનું મુખ્ય સ્પર્ધક ગણાતું ચીન શહેરીકરણના મામલે ભારત કરતા ઘણું આગળ છે. કેટલાંક જાણકારો પ્રમાણે, આયોજનબદ્ધ શહેરીકરણ વિકાસ અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈપણ દેશ માટે એક તક છે.

વિશ્વ બેન્ક પ્રમાણે, 1990માં ભારત અને ચીનમાં શહેરીકરણ સમાન સ્તરે હતું. 2012માં ભારતમાં 32 ટકા અને ચીનમાં 52 ટકા જેટલું શહેરી વસ્તીનું પ્રમાણ થયુ છે. 2020 સુધીમાં ચીન પોતાની 60 ટકા વસ્તીને શહેરોમાં વસાવવાની ઈચ્છા ધરાવે છે.

ભારતને વિકાસ પથ પર આગળ વધારવા માટે હાલના સંજોગોમાં શહેરી જીવનની અવગણના શક્ય નથી. ભારત સરકારે 100 નવા સ્માર્ટ સિટી બનાવવાની યોજના જાહેર કરી છે. આ યોજના ઘણી મહત્વકાંક્ષી છે. સ્માર્ટ સિટીના વિચારને ભારતીય સંદર્ભોમાં અને કોઈપણ પ્રકારના તકનીક કેન્દ્રીત પક્ષપાત વગર તમામ સમસ્યાઓના સમાધાન તરીકે જોવો જોઈએ નહીં. 

નવા સંશોધન, સારું આયોજન, વધુ ભાગીદારીનું વલણ, ઉચ્ચ ઊર્જા ક્ષમતા, સારી જાહેર પરિવહન વ્યવસ્થા, ઈન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજીનો સારો ઉપયોગ સ્માર્ટ સિટીનો પાયો રહેશે. 

માનવીય જીવનના સ્તરને ઉંચે ઉઠાવવું અને માનવકેન્દ્રીત વિકાસને ઝડપી બનાવવા માટે સ્માર્ટ સિટી અને તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ એક અસરકારક માધ્યમ બની શકે છે. જો કે સ્માર્ટ સિટી ટેક્નોલોજી સેન્ટ્રિક મિકેનિકલ શહેર હોવાની માન્યતા તોડવી જરૂરી છે. આવી માન્યતા ઘણાં મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. ત્યારે સ્માર્ટ સિટી માનવ કેન્દ્રીત વિકાસ માટે ટેક્નોલોજીના સારા ઉપયોગ સાથે દેશના વિકાસ એન્જિન તરીકે અગ્રણી ભૂમિકામાં આવે તેવી આશા હોય તે સ્વાભાવિક છે. 

સ્માર્ટ સિટીનો વિચાર મૂળભૂત રીતે યુરોપિયન વિચાર છે. પશ્ચિમની દુનિયાના અનુભવ, સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાના આધારે તેમણે તેને વિકસિત કર્યો છે. પરંતુ તેની બિલકુલ નકલખોરીના જોખમો ઘણાં વધારે છે. યુરોપિયન વિચાર હોવાથી તેનો વિરોધ કરવો તેવું વલણ પણ યોગ્ય નથી. માત્ર તેમણે પોતાના અનુભવોના આધારે આ વિચારને પોતાના પરિવેશમાં ઢાળ્યો છે. ત્યારે સ્માર્ટ સિટીના વિચારને ભારતીય સંદર્ભોમાં જોવો ખૂબ જરૂરી છે. 

સ્માર્ટ સિટી શહેરીકરણની ચરમસીમા ગણી શકાય. શહેરીકરણ ભારત માટે કોઈ નવી વાત નથી. પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણોના અત્યાર સુધી મેળવવામાં આવેલા પડાવોમાં ભારત અમેરિકા, યુરોપ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો કરતા પાછળ છે. શહેરીકરણના તબક્કામાં પ્રવર્તમાન સમયમાં સૌથી ઉપલી કક્ષામાં સ્માર્ટ સિટીના વિચારને મૂકી શકાય છે. 

ભારતનો મોટા ભાગે અનુભવ છે કે કોઈ વિચારને યુરોપ, રશિયા, અમેરિકા, ચીન, બ્રાઝીલની તર્જ પર ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે, તો તેના સારા પરિણામોના સ્થાને દુષ્પરિણામો અને નવી સમસ્યા સમયસમય પર સામે આવી છે. એટલે કે અન્યોના વિચારના આધારે ભારતના વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે સ્વદેશી પરિપ્રેક્ષ્યો અને સંદર્ભોને અવગણી શકાય તેમ નથી. 

ભારતીય જીવન પદ્ધતિ, સાંસ્કૃતિક મૂલ્યોને સંરક્ષિત કરીને દુનિયાની અગ્રણી હરોળમાં અગ્રક્રમે વિકાસિત દેશ તરીકે ભારતે સ્થાન અવશ્ય ઉભું કરવું જોઈએ. તેના માટે શહેરીકરણનો વિરોધ જ કરવો તેવું કોઈ વલણ જોખમોથી પર નથી. સાથે સ્માર્ટ સિટીની દિશામાં આગળ વધવા માટે ભારતમાં હજી લગભગ 6 લાખ જેટલા નાના-મોટા ગામડા છે, તેની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. સ્માર્ટ સિટી તકોને અમુક શહેરો સુધી મર્યાદીત કરવાના સ્થાને તેને વિકેન્દ્રિત કરવાની દિશામાં ભૂમિકા ભજવે તેવી એક પ્રામાણિક કોશિશોનો પરિપાક હોવો જોઈએ. તેનાથી 100 જેટલા સ્માર્ટ સિટી દેશભરમાં તેની આજુબાજુના ઘણાં વિસ્તારોમાં રહેતા લોકોને સારી તકો પુરી પાડશે. ભારત સરકારના મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાના પ્રોજેક્ટો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ તેના માટે યુરોપિયન સ્માર્ટ સિટી દ્રષ્ટિકોણનું અંધાનુકરણ યોગ્ય નથી.

ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો છે. પ્રાચીન સમયમાં જનપથનો વિચાર હતો. ગામડાઓ અને શહેરો વચ્ચે પ્રાચીન કાળથી જ ભારતમાં સામંજસ્યપૂર્ણ વ્યવસ્થા હતી. આપણે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ વિચારમાં આગળ વધીને સારા પરિણામો પ્રાપ્ત કરી શકીશું. પ્રાચીન ભારતમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેર વચ્ચે કોઈ વિભાજન હતું નહીં. કોશલ જનપથની રાજધાની અયોધ્યા, માલવા જનપથનું પાટનગર ઉજ્જૈન અને વિજયનગર સામ્રાજ્યના શહેરો તેના ઉદાહરણ છે. 


સ્માર્ટ સિટીની સફળતા તેના સૂત્રધારોના સ્માર્ટ હોવા પર નિર્ભર કરશે. તેના માટે નાગરિકોની માનસિકતામાં પરિવર્તન જરૂરી છે. મોટી જનભાગીદારી માટે જાગરૂકતા ઉભી કરવી જરૂરી છે. સ્માર્ટ સિટીના પ્રબંધનના જવાબદાર લોકોને વિશિષ્ટ રીતે તાલીમબદ્ધ કરવા જરૂરી છે. સ્માર્ટ સિટીનો અર્થ માત્ર સોફ્ટવેર અથવા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા સંચાલિત અસ્વાભાવિક શહેરો નથી. સ્માર્ટ સિટી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને સમૃદ્ધ બનાવવા આધાર ઉભો કરવા માટે મદદરૂપ થાય તેવી એક મોટી અપેક્ષા જરૂરથી દેશના લોકોની રહેશે. 

સ્માર્ટ સિટીની સ્માર્ટનેસમાં ઊર્જા, ટ્રાન્સપોર્ટ અને આઈટીને પરસ્પરાવલંબી અને સમાંતર ભૂમિકા રહેશે. સ્માર્ટ ગવર્નન્સ તેની કરોડરજ્જૂ હશે. ભારતના શહેરોના પ્રબંધનમાં ઘણી બધી કોઓર્ડિનેશનની ઉણપો દેખાય છે. તેનું સરળીકરણ કરીને તેને વધારે અસરકારક બનાવવામાં આવશે.


ભારતના શહેરીજીવનના પડકારો

હાલ ભારતના શહેરી જીવનના બે કલાક દરરોજ ટ્રાફિકના નામે કુરબાન થાય છે. પ્રવર્તમાન સમયમાં ભારતમાં એક કિલોમીટર સડક પર 170 વાહનોનું ઘનત્વ છે. આગામી 20 વર્ષોમાં ટ્રાફિક જામનો સમય બે ગણો થવાનું આકલન છે. ખાનગી પરિવહનના વાહનોને ભારતમાં વધારે વિસ્તરણ થવાની તકો આપવામાં આવી છે. તેને કારણે જાહેર પરિવહન સેવાઓ બેહદ કમજોર થઈ ગઈ છે. આજે ભારતના શહેરી વિસ્તારોમાં 70 ટકા જેટલો વાહનવ્યવહાર ખાનગી રાહે થાય છે. તેને અડધો કરવાની જરૂરત છે. 

કાર્બન ઉત્સર્જન, દુર્ઘટનાઓ અને તણાવ પણ ટ્રાફિકની અવ્યવસ્થાના મોટા પરિણામ છે. પાણી પુરવઠો, કચરાનો નિકાલ અને વીજળીની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ભારતના શહેરોની મળખાગત સુવિધા વૈશ્વિક માપદંડોના આધારે બિલકુલ નબળી છે.

તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 908 શહેરો દરરોજ 3.80 અબજ લિટર પ્રદૂષિત પાણી પેદા કરે છે. જેમાંથી 2.80 અબજ લિટર ગંદૂ પાણી કોઈપણ પ્રકારના ઉપચાર વગર સીધું જ નદીઓમાં છોડી દેવામાં આવે છે. 113 શહેરો દ્વારા ગંગા અને તેની સહાયક નદીઓના વિસ્તારમાં દરરોજ દોઢ અબજ લિટર પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે.

પ્રોફેસર સુરેશ તેન્ડુલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે, 25.7 ટકા શહેરી ગરીબી રેખાની નીચે છે. મકાનોની ઉપલબ્ધતા સંદર્ભે નિષ્કર્ષો શહેરી વિસ્તાર માટે ઘણાં ગંભીર છે. આજની જરૂરિયાત પ્રમાણે કુલ ત્રણ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત છે. આ અંતર 2030ના સમયગાળામાં ખૂબ વધવાનું છે. ત્યારે લગભગ પાંચ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત રહેશે.

2007માં 83 અબજ લિટરપાણીની જરૂરિયાત હતી. પરંતુ માત્ર 56 અબજ લિટર પાણીની આપૂર્તિ થઈ શકી હતી. એટલે કે 27 અબજ લિટર પાણીની અછત હતી. વર્ષ 2030માં 189 અબજ લિટર પાણીની જરૂરિયાત સામે માત્ર 95 અબજ લિટર પાણી જ ઉપલબ્ધ રહેશે. એટલે કે પાણીની ઉણુપ 27 અબજથી વધીને 96 અબજ ડોલર સુધી થઈ જશે. હાલ દર વર્ષે 5.10 કરોડ ટન કચરો પેદા થાય છે. 2030માં વધીને 37.70 કરોડ ટન થઈ જશે. આ સિવાય સડકોની અછત અને રેલવે વ્યવહારના મામલામાં સમસ્યાઓ ખૂબ વધે તેવી શક્યતા છે.

આજે ત્રણ ભારતીયોમાંથી એક વીજળીથી વંચિત છે. જે વિસ્તારોમાં વીજળી પહોંચી રહી છે, ત્યાં તેની આપૂર્તિ ઘણી ઓછી છે. હાલમાં દેશમાં પ્રતિ વ્યક્તિ વીજળીનો ઉપયોગ વિશ્વની સરેરાશના 1/3 જેટલી છે. ચીનના સરેરાશ વીજ ઉપયોગના 35 ટકા અને બ્રાઝીલના સરેરાશ વીજ ઉપયોગના 28 ટકા છે. વીજળીની અછત શહેરીકરણ અને વિકાસની સૌથી મોટી અડચણ છે. વીજળી, પાણી, સીવર, મકાન, વાહનવ્યવહાર,શિક્ષણ સહીતની સમસ્યાઓ સિવાય આરોગ્ય, આર્થિક,સામાજિક અને પર્યાવરણના અભૂતપૂર્વ સંકટની શક્યતાઓ આયોજનની ઉણપને કારણે વિકરાળ બને તેવી શક્યતા છે.

માત્ર સ્માર્ટ સિટીની સુવિધાઓ જ પુરતી નથી

વૈશ્વિક જરૂરિયાતોની પૂર્તિ કરનારા શહેરોના વિકાસની દ્રષ્ટિએ ભારત પાસે એક સારી તક છે. ભારતમાં હજી મોટાભાગના શહેરી માળખાનું નિર્માણ કરવાનું બાકી છે અને શહેરીકરણના પડકારોને ધ્યાનમાં રાખીને ભારત પાસે શહેરીકરણના મોડલને પરિવર્તિત કરવાની અને સારા વિચારબદ્ધ આયોજન સાથે શહેરોના વિકાસ માટે પુરતો સમય હજી ઉપલબ્ધ છે. શહેરીકરણમાં માનવીય ઉષ્મા, સમાજ અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી જેવા મામલાઓ પર પણ પુરતું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બનશે. માત્ર સુવિધાઓ ઉપલબ્ધ થઈ જવાથી આવા વિષયોની જાળવણી થવાની નથી. તેના માટે પણ વિશિષ્ટ બાંધણી અને કોશિશોની જરૂર રહેશે. માણસને મશીન તરીકે જોવો એ પણ સ્માર્ટ સિટીની કલ્પના નહીં જ હોય. સ્માર્ટ સિટી માણસ માટે બનવાના છે અને માણસ તેમાં માણસ બનીને રહી શકે તેવી એક અપક્ષા પણ જરૂરથી હોઈ શકે છે.



સોમવાર, 29 જૂન, 2015

સ્માર્ટ સિટી: શહેરીકરણને સમસ્યા નહીં, વિકાસના અવસર તરીકે જોવાની તક

- ANAND SHUKLA
કટોકટીની 40મી વરસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે બેહદ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી ત્રણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં 100 જેટલા સ્માર્ટ સિટીની યોજના, શહેરોના કાયાકલ્પ માટેની અટલ મિશન યોજના અને સાત વર્ષમાં બે કરોડ મકાનોના નિર્માણ માટેની વડાપ્રધાન આવાસ યોજનાનો સમાવેશ થાય છે. આ ત્રણેય યોજનાઓના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ચાર લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અમૃત મિશન યોજના હેઠળ એક લાખની વસ્તીવાળા પાંચસો શહેરોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું મહત્વપૂર્ણ લક્ષ્ય નક્કી કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાઓના ઉદ્ઘાટન વખતે કહ્યુ હતુ કે શહેર દેશની અર્થવ્યવસ્થાની શક્તિ અને વિકાસના એન્જિનની જેમ કામ કરે છે. ગત 25થી 30 વર્ષોમાં દેશમાં શહેરીકરણે ખૂબ ઝડપ પકડી છે. તે વખતે જો શહેરીકરણને એક અવસર તરીકે જોવામાં આવ્યું હતો, તો આજે ભારતના શહેરો દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોની બરાબરી કરી શકે તેવા હોત. તેમણે કહ્યુ કે જૂના અનુભવો ભલે ખરાબ રહ્યા હોય. પરંતુ તેનાથી નિરાશ થયા વગર સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે આગળ વધવું આપણું લક્ષ્ય હોવું જોઈએ.

100 સ્માર્ટ સિટીમાંથી યુપીમાં 13, તમિલનાડુમાં 12, મહારાષ્ટ્રમાં 10, મધ્ય પ્રદેશમાં 7,ગુજરાતમાં 6, કર્ણાટકમાં 6, રાજસ્થાનમાં 4 અને બિહારમાં ત્રણ સ્માર્ટસિટી બનાવવામાં આવશે. વિકાસ અને આર્થિક સમૃદ્ધિના પથ પર ભારતને આગળ વધવા માટે શહેરીકરણની સમસ્યાને અવસરમાં પલટવાની એક બહુ મોટી જરૂરિયાત હોવાનું જાણકારો પણ માની રહ્યા છે. તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે બિલ્ડરો નહીં જણાવે કે વિકાસ કેવો થશે. તેની પાછળ બિલ્ડરો દ્વારા રાજકીય મિલીભગતથી આયોજન વગર થતા શહેરીકરણ સામે આડકતરી નાખુશી પણ વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે ભાજપની સરકારે પોતાના કાર્યકાળના પહેલા સંપૂર્ણ બજેટમાં 100 સ્માર્ટ સિટીની યોજનાની ઘોષણા કરી હતી. તેના માટે સરાકરે 7000 કરોડ રૂપિયાની ફાળવણીની જોગવાઈ પણ કરી હતી.

શહેરીકરણ વિકાસનો અવસર બને

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે એફડીઆઈની જરૂરિયાત રહેશે. તેના માટે સ્માર્ટ સિટીનો વિકાસ મહાનગરો અને મોટા શહેરોના ઉપનગરો તરીકે કરવાનો ઉદેશ્ય છે. તેની પાછળનો મુખ્ય હેતુ લોકોને શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધા, રોજાગર વગેરે ઉપલબ્ધ કરાવવાની સાથે શહેરોમાં વધતી ભીડના નિયંત્રણ માટે પણ આવા સ્માર્ટ સિટી જરૂરી છે.

અંગ્રેજીમાં કામકાજ કરવાની ક્ષમતા, સસ્તી મજૂરીને કારણે વૈશ્વિકરણના યુગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં વ્યવસાય સ્થાપિત કરવા માટે સારા એવા પ્રમાણમાં આકર્ષિત કરી છે. ગત બે દશકોમાં ભારત દુનિયાનું સૌથી મોટા પ્લેસમેન્ટ સેન્ટરમાંથી એક બની ગયું છે.

વૈશ્વિકરણનો ભારતની વિકાસ યાત્રામાં વધુ અસરકારક રીતે લાભ ઉઠાવવા માટે શહેરોને સુનિયોજિતપણે વિકસિત કરવા એક મોટી પ્રાથમિકતા છે. શહેરો આધુનિક માળખાગત સુવિધાઓ, પરિવહન અને સંચાર સાધનોથી સુસજ્જિત હોવા જોઈએ. શહેરોમાં વિકાસની મૂળભૂત સંરચના, માનવ સંસાધનનો સારો ઉપયોગ, જીવનની મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષાના પડકારોને પહોંચી વળવા યોજનાબદ્ધ કોશિશોની પણ જરૂરિયાત છે.

સ્માર્ટ સિટીનો અર્થ ગામડાંની ઉપેક્ષા નથી

જો કે શહેરીકરણને પ્રોત્સાહન અને આયોજનનો અર્થ એવો બિલકુલ થતો નથી કે ભારતના આત્મા સમી ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની ઉપેક્ષા કરવામાં આવે. ગામડા ભારતનો આત્મા છે. પરંતુ તેની સાથે ભારતના ગામડાને સુવિધાયુક્ત અને વિકસિત કરવા માટે કેટલાક ચોક્કસ શહેરોમાં કેન્દ્રીકૃત થયેલી તકોને ભારતમાં અલગ-અલગ સ્થાનો પર ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. તેને કારણે ચોક્કસ શહેરોમાં ભીડને નિયંત્રિત કરીને વિકાસને પહોંચાડી શકાશે.

આયોજનબદ્ધ શહેરીકરણનો સ્વીકાર સમસ્યાનો ઉકેલ

વિશ્વનું 50 ટકા શહેરીકરણ થઈ ચુક્યું છે. હાલ દુનિયાની 50 ટકા જેટલી વસ્તી શહેરો અને કસબાઓમાં વસવાટ કરી રહી છે. ભારતમાં શહેરોમાં વસવાટ કરતા લોકોની સંખ્યા કુલ વસ્તીના 31 ટકા છે. આમ જોવામાં આવે તો વિશ્વના 50 ટકા શહેરીકરણની સરખામણીએ ભારતમાં શહેરોમાં વસવાટ કરતા લોકોનું પ્રમાણ લગભગ 20 ટકા ઓછું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યોમાં શહેરીકરણની સરેરાશ વિશ્વની સરેરાશ જેટલી એટલે કે 50 ટકાની આસપાસ છે. જ્યારે ભારતના આસામ અને બિહાર જેવા વિકાસની દોડમાં પાછળ રહેલા રાજ્યોમાં શહેરીકરણની સરેરાશ 10 ટકાથી પણ ઓછી છે.

વર્ષ-2014 માટેનો વિશ્વની વસ્તી અને શહેરીકરણ સંદર્ભેનો યુનોનો રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટમાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ભારતમાં વધી રહી છે. તેની સાથે ભારતનું વિશ્વમાં સૌથી વધુ ઝડપથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, વિશ્વની હાલની શહેરી વસ્તી 3.9 અબજ છે. 2050માં દુનિયાના કુલ 6.3 અબજ લોકો શહેરોમાં વસવાટ કરવા લાગે તેવું અનુમાન છે. હાલ ભારતના શહેરોમાં વસતા લોકોની સંખ્યા 41 કરોડ છે અને 2050માં તેમની વસ્તી 81.4 કરોડ થઈ જશે. એટલે કે 2050માં ભારતમાં દુનિયાની સૌથી વધુ શહેરી વસ્તી હશે.

શહેરીકરણ અને અર્થવ્યવસ્થાની સુદ્રઢતા વચ્ચે સંબંધ

દુનિયાના વિકસિત અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશોમાં શહેરીકરણ ઘણું મોટા પ્રમાણમાં થયું છે. વિકાસના મામલે ભારતનું મુખ્ય સ્પર્ધક ગણાતું ચીન શહેરીકરણના મામલે ભારત કરતા ઘણું આગળ છે. કેટલાંક જાણકારો પ્રમાણે, આયોજનબદ્ધ શહેરીકરણ વિકાસ અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈપણ દેશ માટે એક તક છે. જ્યારે સાડા છ લાખ કરતા વધુ ગામડા ધરાવતા ભારતમાં શહેરીકરણને એક સમસ્યા તરીકે જોવામાં આવતું રહ્યું છે.

ભારતમાં અત્યાર સુધીના શહેરીકરણમાં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા શહેરીકરણથી ઘણી સમસ્યાઓ પેદા થઈ હોવાની પણ હકીકત છે. જો કે 1992માં ઉદારીકરણને અપનાવ્યા બાદ વૈશ્વિકરણના યુગમાં ભારતમાં શહેરીકરણની ઉપેક્ષા શક્ય નથી. શહેરીકરણ રોકી શકાય તેમ નથી અને તેવા સંજોગોમાં જો તેને યોજનાબદ્ધ રીતે કરવામાં નહીં આવે તો તે ચોક્કસ સમસ્યા બની શકે છે.

ભારતની હાલની 31 ટકા શહેરી વસ્તીનું દેશના કુલ જીડીપીમાં યોગદાન 60 ટકા જેટલું છે. તો દેશની 69 ટકા ગ્રામ્ય વસ્તીનું જીડીપીમાં યોગદાન 40 ટકા છે. એક અનુમાન પ્રમાણે 2030 સુધીમાં એટલે કે આગામી 15 વર્ષના સમયગાળામાં ભારતની શહેરી વસ્તીનું દેશના જીડીપીમાં કુલ યોગદાન 75 ટકા જેટલું થઈ જશે. શહેરો દેશના આર્થિક વિકાસના એન્જિન તરીકે વધુ અસરકારક રીતે કામ કરવા લાગશે.

વિશ્વ બેન્ક પ્રમાણે, 1990માં ભારત અને ચીનમાં શહેરીકરણ સમાન સ્તરે હતું. 2012માં ભારતમાં 32 ટકા અને ચીનમાં 52 ટકા જેટલું શહેરી વસ્તીનું પ્રમાણ થયુ છે. 2020 સુધીમાં ચીન પોતાની 60 ટકા વસ્તીને શહેરોમાં વસાવવાની ઈચ્છા ધરાવે છે.

2050માં ભારતમાં હશે સૌથી વધુ શહેરી વસ્તી

વૈશ્વિક પટલ પર ભારત સહીત એશિયાના અન્ય દેશો શહેરીકરણમાં ડગ માંડનારા અપેક્ષાકૃત નવા ખેલાડી છે. લેટિન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોનું એશિયાથી ઘણું પહેલા શહેરીકરણ થઈ ચુક્યું છે.

1901માં ભારતની કુલ વસ્તીની 10.8 ટકા શહેરોમાં વસવાટ કરતી હતી. 1991 સુધીમાં દેશની શહેરી વસ્તી 26 ટકાએ પહોંચી હતી. 2011ના સેન્સસ પ્રમાણે, ભારતની શહેરી વસ્તી 31 ટકાએ પહોંચી છે. ગત એક દશકમાં 2800 નવા કસ્બાઓ અસ્તિત્વમાં આવ્યા હતા. 2011ના આંકડા પ્રમાણે, ભારતમાં નાના-મોટા કુલ મળીને 5161 શહેરો છે.તેમાં 100 સ્માર્ટ સિટીને જોડી દેવામાં આવે તો તેની સંખ્યા 5261 થઈ જશે.

2011થી 2030 સુધીમાં વૈશ્વિક શહેરી વસ્તીમાં 140 કરોડના વધારાનું અનુમાન છે. જેમંથી 27.6 કરોડ વૃદ્ધિ ચીનમાં અને 21.8 કરોડ શહેરી વસ્તી ભારતમાં વધશે. ચીન અને ભારત નવી શહેરી વસ્તીમાં દુનિયામાં 37 ટકા જેટલી હિસ્સેદારી કરવાના છે. 2030થી 2050 સુધીમાં ફરીથી પરિસ્થિતિ બદલાઈ જશે. ત્યારે વિશ્વની શહેરી વસ્તીમાં 130 કરોડનો વધારો થવાનું અનુમાન છે.

2011થી 2030 વચ્ચે શહેરી વસ્તી વૃદ્ધિની સરખામણીમાં 2030થી 2050 વચ્ચે તેમાં ઘટાડો નોંધાય તેવું અનુમાન છે. પરંતુ 2030થી 2050 વચ્ચે ભારતમાં 27 કરોડ જેટલી શહેરી વસ્તી વૃદ્ધિનું અનુમાન છે. ત્યાર પછીના ક્રમે નાઈજીરિયામાં 12.1 કરોડ શહેરી વસ્તી વધશે. આ સમયગાળામાં વિશ્વની શહેરી વસ્તીમાં ભારત અને નાઈજીરિયા 31 ટકાની ભાગીદારી કરશે. જ્યારે ચીનમાં 2030થી 2050ના સમયગાળામાં માત્ર 4.4 કરોડ શહેરી વસ્તી વધશે.

વૈશ્વિક દ્રષ્ટિકોણથી ભારતની શહેરીકરણની પ્રક્રિયા વધુ ઝડપી અને બેહદ મહત્વપૂર્ણ બની રહેશે તેવું જાણકારોનું અનુમાન છે. ભારતમાં 2030 સુધીમાં દશ લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોની સંખ્યા 70 જેટલી હશે. મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, બેંગલુર અને પુણે એક કરોડથી વધારે વસ્તીવાળા શહેરો હશે. મુંબઈ અને દિલ્હી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ મોટા શહેરોમાં સામેલ થશે.

શહેરીકરણની ઉપેક્ષા બની છે સમસ્યા

પરંતુ શહેરીકરણની તકોનો ભારતને ઓછો લાભ મળ્યો છે અને પડકારોનો વધુ સામનો કરવો પડયો છે. ભારતના શહેરીકરણની આ સમસ્યાનું મૂળ કારણ તેના પ્રક્રિયા પ્રબંધનમાં આયોજનનો અભાવ છે. ચીનની સરખામણીએ ભારતના શહેરોમાં વિકાસ મામલે રોકાણ ખૂબ ઓછું રહ્યું છે. યુનોના આકલનો પ્રમાણે, ભારતના શહેરી વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ રોકાણ માત્ર 17 ડોલર છે. આ રોકાણ ચીનની સરખામણીએ સાતમા ભાગનું અને ન્યૂયોર્કના 17મા હિસ્સા જેટલું છે. ભ્રષ્ટાચાર, સંસાધનોની ખોટી રીતની ફાળવણી અને ખરાબ અમલીકરણને કારણે રોકાણના પ્રમાણમાં અપેક્ષિત પરિણામો પણ પ્રાપ્ત કરી શકાયા નથી. ભારતમાં શહેરી જીવનનું સ્તર ઉપર ઉઠાવવા માટે શહેરોમાં મળખાગત સુવિધા પાછળ થનારા ખર્ચમાં સાતથી દશ ગણા વધારાની જરૂરિયાત છે. એક સરકારી અનુમાન પ્રમાણે,દર વર્ષ ભારતમાં 27 લાખ જેટલા લોકો ગામડાં છોડીને રોજગારની શોધમાં શહેરો તરફ સ્થળાંતરિત થાય છે.

શહેરીકરણ ભારત માટે નવું નથી

આખી દુનિયાની જેમ ભારતમાં પણ શહેરીકરણને આધુનિક વિકાસમાંથી પેદા થયેલા વિચારમાંથી પેદા થયું હોવાનું ગણી શકાય નહીં. સુનિયોજિત અને સુવ્યવસ્થિત શહેરીકરણની પરંપરા ભારતને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં દુનિયાના અન્ય દેશોથી અલગ ઓળખ અપાવે છે. પાંચ હજાર વર્ષ પહેલા સિંઘુ ગાટીની સભ્યતામાં શહેરી વસવાટના નિશાન ધોળાવીરા- લોથલથી માંડીને મોહેંજોદડો અને હડપ્પા સુધી મળે છે.

મધ્યયુગમાં સત્તા વ્યવસ્થાઓના ઉત્થાન અને પતનના પરિણામો શહેરોની સ્થાપના એક સતત ચાલનારી પ્રક્રિયા તરીકે જોઈ શકાય છે. ઘણીવાર તેને એક સાંસ્કૃતિક વ્યવહાર સાથે સાંકળીને પણ જોવાય છે.

આધુનિક ભારતમાં ઝડપી શહેરીકરણનો તબક્કો 18મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતમાં આવ્યા બાદ જોવા મળ્યો હતો. તેના દ્વારા વેપાર અને બાદમાં સત્તા પર કબજો જમાવવાના ઉદેશ્યોથી બંદરગાહોના નિર્માણ કાર્યને મોટા પ્રમાણમાં હાથમાં લીધું હતું. આવા બંદરગાહોની આસપાસ શહેરોની રચના અથવા તેને વિકસિત કરવામાં આવ્યા હતા.

એક દ્રષ્ટિકોણ પ્રમાણે ભારતના ગામડાના સંસાધનોને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે અંગ્રેજોએ શહેરોને માધ્યમ બનાવ્યા હતા. જો કે આઝાદી પછીના ગાળામાં ભારતના ગ્રોથ એન્જિન તરીકે મુંબઈ, દિલ્હી સહીતના મોટા શહેરોની ઘણી મોટી ભૂમિકા રહી છે. ગાંધીજી કહેતા હતા કે ભારત સાત લાખ ગણરાજ્યોનો દેશ છે અને વર્ષ-2001ની વસ્તીગણતરીના નિષ્કર્ષો જણાવે છે કે હવે દેશમાં પાંચ લાખ ત્રાણું હજાર સાતસો એકત્રીસ ગામો અસ્તિત્વમાં છે. એટલે કે અંદાજે બાણું હજાર જેટલાં ગામડાઓ ગાયબ થઈ ચુક્યા છે. એક અંદાજ પ્રમાણે 28 ગામોની કિંમતે એક નવું શહેર અસ્તિત્વમાં આવ્યું છે. હાલના દશકમાં 7863 ગામોને શહેરોની સરહદમાં સામેલ કરી દેવામાં આવ્યા છે.

ભારતના શહેરીજીવનના પડકારો

હાલ ભારતના શહેરી જીવનના બે કલાક દરરોજ ટ્રાફિકના નામે કુરબાન થાય છે. પ્રવર્તમાન સમયમાં ભારતમાં એક કિલોમીટર સડક પર 170 વાહનોનું ઘનત્વ છે. આગામી 20 વર્ષોમાં ટ્રાફિક જામનો સમય બે ગણો થવાનું આકલન છે. ખાનગી પરિવહનના વાહનોને ભારતમાં વધારે વિસ્તરણ થવાની તકો આપવામાં આવી છે. તેને કારણે જાહેર પરિવહન સેવાઓ બેહદ કમજોર થઈ ગઈ છે. આજે ભારતના શહેરી વિસ્તારોમાં 70 ટકા જેટલો વાહનવ્યવહાર ખાનગી રાહે થાય છે. તેને અડધો કરવાની જરૂરત છે. કાર્બન ઉત્સર્જન, દુર્ઘટનાઓ અને તણાવ પણ ટ્રાફિકની અવ્યવસ્થાના મોટા પરિણામ છે. પાણી પુરવઠો, કચરાનો નિકાલ અને વીજળીની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ભારતના શહેરોની મળખાગત સુવિધા વૈશ્વિક માપદંડોના આધારે બિલકુલ નબળી છે.

તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 908 શહેરો દરરોજ 3.80 અબજ લિટર પ્રદૂષિત પાણી પેદા કરે છે. જેમાંથી 2.80 અબજ લિટર ગંદૂ પાણી કોઈપણ પ્રકારના ઉપચાર વગર સીધું જ નદીઓમાં છોડી દેવામાં આવે છે. 113 શહેરો દ્વારા ગંગા અને તેની સહાયક નદીઓના વિસ્તારમાં દરરોજ દોઢ અબજ લિટર પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે.

પ્રોફેસર સુરેશ તેન્ડુલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે, 25.7 ટકા શહેરી ગરીબી રેખાની નીચે છે. મકાનોની ઉપલબ્ધતા સંદર્ભે નિષ્કર્ષો શહેરી વિસ્તાર માટે ઘણાં ગંભીર છે. આજની જરૂરિયાત પ્રમાણે કુલ ત્રણ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત છે. આ અંતર 2030ના સમયગાળામાં ખૂબ વધવાનું છે. ત્યારે લગભગ પાંચ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત રહેશે.

2007માં 83 અબજ લિટરપાણીની જરૂરિયાત હતી. પરંતુ માત્ર 56 અબજ લિટર પાણીની આપૂર્તિ થઈ શકી હતી. એટલે કે 27 અબજ લિટર પાણીની અછત હતી. વર્ષ 2030માં 189 અબજ લિટર પાણીની જરૂરિયાત સામે માત્ર 95 અબજ લિટર પાણી જ ઉપલબ્ધ રહેશે. એટલે કે પાણીની ઉણુપ 27 અબજથી વધીને 96 અબજ ડોલર સુધી થઈ જશે. હાલ દર વર્ષે 5.10 કરોડ ટન કચરો પેદા થાય છે. 2030માં વધીને 37.70 કરોડ ટન થઈ જશે. આ સિવાય સડકોની અછત અને રેલવે વ્યવહારના મામલામાં સમસ્યાઓ ખૂબ વધે તેવી શક્યતા છે.

આજે ત્રણ ભારતીયોમાંથી એક વીજળીથી વંચિત છે. જે વિસ્તારોમાં વીજળી પહોંચી રહી છે, ત્યાં તેની આપૂર્તિ ઘણી ઓછી છે. હાલમાં દેશમાં પ્રતિ વ્યક્તિ વીજળીનો ઉપયોગ વિશ્વની સરેરાશના 1/3
જેટલી છે. ચીનના સરેરાશ વીજ ઉપયોગના 35 ટકા અને બ્રાઝીલના સરેરાશ વીજ ઉપયોગના 28 ટકા છે. વીજળીની અછત શહેરીકરણ અને વિકાસની સૌથી મોટી અડચણ છે. વીજળી, પાણી, સીવર, મકાન, વાહનવ્યવહાર,શિક્ષણ સહીતની સમસ્યાઓ સિવાય આરોગ્ય, આર્થિક,સામાજિક અને પર્યાવરણના અભૂતપૂર્વ સંકટની શક્યતાઓ આયોજનની ઉણપને કારણે વિકરાળ બને તેવી શક્યતા છે.

માત્ર સ્માર્ટ સિટીની સુવિધાઓ જ પુરતી નથી

વૈશ્વિક જરૂરિયાતોની પૂર્તિ કરનારા શહેરોના વિકાસની દ્રષ્ટિએ ભારત પાસે એક સારી તક છે. ભારતમાં હજી મોટાભાગના શહેરી માળખાનું નિર્માણ કરવાનું બાકી છે અને શહેરીકરણના પડકારોને ધ્યાનમાં રાખીને ભારત પાસે શહેરીકરણના મોડલને પરિવર્તિત કરવાની અને સારા વિચારબદ્ધ આયોજન સાથે શહેરોના વિકાસ માટે પુરતો સમય હજી ઉપલબ્ધ છે. શહેરીકરણમાં માનવીય ઉષ્મા, સમાજ અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી જેવા મામલાઓ પર પણ પુરતું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બનશે. માત્ર સુવિધાઓ ઉપલબ્ધ થઈ જવાથી આવા વિષયોની જાળવણી થવાની નથી.



મંગળવાર, 23 જૂન, 2015

આઈએસઆઈએસના ભારત પર આતંકી જોખમની અવગણના ખતરનાક, બહુવિકલ્પીય વ્યૂહાત્મક સજ્જતા જરૂરી

-      પ્રસન્ન શાસ્ત્રી

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે પોતાને અન્ય ઈસ્લામિક આતંકી જૂથો કરતા અલગ સાબિત કર્યું છે. જેના કારણે તે ભૂતકાળના અને હાલના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરતા ખૂબ ઝડપથી વિસ્તરણ પામ્યું છે. ઈસ્લામિક સ્ટેટ આજનું આતંક ફેલાવામાં સૌથી સફલ અને ઈતિહાસનું સૌથી અમીર આતંકી સંગઠન છે. ઈસ્લામના નામે આતંક ફેલાવવાની આઈએસની ક્ષમતાઓને કારણે તેની તરફ મુસ્લિમ વિશ્વના કટ્ટરવાદીઓ મોટા પ્રમાણમાં આકર્ષાયા છે. આઈએસ અન્ય આતંકવાદી જૂથો સાથે મળીને ભારતને નિશાન બનાવવાની વેતરણમાં હોય તો તેનાથી નવાઈ પામવા જેવું નથી.

તાજેતરમાં ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા પહેલી વખત ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા દેશમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરાયું છે. ઈસ્લામિક સ્ટેટ તરફથી સંભવિત આતંકી હુમલાનું એલર્ટ ભારતમાં પહેલી વખત ઈન્ટેલિજન્સ એજન્સીએ જાહેર કર્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે, ઈસ્લામિક સ્ટેટના 35 જેટલાં જેહાદી મોડ્યુલ્સ ભારતમાં સક્રિય હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.તો જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓની સભાઓમાં પાકિસ્તાનના ઝંડા તો ફરકાવાયા જ છે.

પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે અહીં ભાગલાવાદીઓની સભાઓમાં ઈસ્લામિક સ્ટેટના વાવટા પણ છેલ્લા એક વર્ષ જેટલાં સમયગાળામાં છાશવારે ફરકતા રહે છે. હવે કાશ્મીર ખીણમાં ઈસ્લામિક સ્ટેટની તરફેણમાં લખાણો પણ કેટલાંક સ્થાનો પર દેખાયા છે.

એક વાત ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ ભારતમાં પાકિસ્તાનપરસ્ત ભાગલાવાદીઓ અને આતંકવાદીઓનું પ્રવેશદ્વાર રહી છે. હવે ઈસ્લામિક સ્ટેટ માટે ફરકી રહેલા વાવટા અને તેના તરફેણના લખાણો અરેબિયન ક્ષેત્રથી સંચાલિત દારુલ-ઈસ્લામની ખેવના ધરાવતા ઈસ્લામિક આતંકવાદીઓનું પણ પ્રવેશદ્વાર બની શકે છે. આ મામલો આખા દક્ષિણ એશિયા માટે ખતરનાક છે. પાકિસ્તાનમાં કરાચી ખાતે શિયા સમુદાયના લોકોની બસ પર હુમલો કરીને 45 લોકોને મારી નાખવાના મામલામાં ઈસ્લામિક સ્ટેટનું નામ ખુલ્યું છે. તો અફઘાનિસ્તાનમાં 10 તાલિબાનોને મારી નાખવામાં પણ ઈસ્લામિક સ્ટેટની સીધી સામેલગીરી હતી.

ઈસ્લામિક સ્ટેટની આતંકની આગ સીરિયા-ઈરાક થઈને અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન સુધી પહોંચી હોવાનું માનવામાં આવે છે. જો કે ઈસ્લામિક આતંકની ઈસ્લામિક સ્ટેટની આગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લાગેલી બીજી આગથી અલગ પ્રકારની છે. સાથે તેની વધુ ઉગ્ર પણ છે.

ઈસ્લામિક સ્ટેટ ભારત માટે જોખમ હોવાના મામલે ચર્ચા કરતા પહેલા એ જાણવું બેહદ જરૂરી છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હકીકતમાં છે શું? આઈએસઆઈએસને અલ-તવહિદ અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ પણ કહેવામાં આવે છે. તે સુન્ની ઈસ્લામિક આતંકવાદી જૂથ છે. હાલ ઈરાક અને સીરિયામાં તે બર્બર હિંસા અને આતંક ફેલાવી રહ્યું છે. સીરિયાનો લગભગ 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર આઈએસના કબજામાં છે. ઈરાકના પણ સુન્ની બહુલ વિસ્તારો મોસુલ જેવા ઘણાં મોટા શહેરો તેમના નિયંત્રણમાં છે. આઈએસ શરિયાના કાયદા હેઠળનું ઈસ્લામિક રાજ્ય બનાવવા ઈચ્છે છે. પોતાના ઈસ્લામિક સ્ટેટમાં સુન્ની પંથી આતંકી જૂથ સીરિયા, ઈઝરાયલ,જોર્ડન, લેબેનન,ઈજીપ્ત, દક્ષિણ તુર્કી અને પેલેસ્ટાઈનના ક્ષેત્રોને સામેલ કરવા ઈચ્છે છે.

અમેરિકા અને નાટો દળોના ઈરાક પર આક્રમણ બાદ ગુરિલ્લા યુદ્ધમાં આઈએસઆઈએસનો જન્મ થયો છે. અલકાયદા ઈન ઈરાક જૂથે અહીં સુન્ની બળવાખોરોની આગેવાની લીધી હતી. ગત વર્ષે 29 જૂને અબુ બકર અલ બગદાદીએ આઈએસઆઈએસ દ્વારા કબજે કરેલા વિસ્તારને ઈસ્લામિક સ્ટેટ જાહેર કરીને પોતે તેનો સ્વયંભૂ ખલીફા બની ગયો. અમેરિકા અને મિત્રદેશોની સેનાઓની ઈરાકમાંથી સ્વદેશ વાપસી બાદ અહીં નાગરિક યુદ્ધ શરૂ થયું અને પાવર વેક્યુમ સર્જાયું. આ પાવર વેક્યુએમ ઝડપથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ ભરી દીધું.

હાલ આઈએસઆઈએસ ભારતથી દૂરના વિસ્તારોમાં યુદ્ધો ખેલી રહ્યુ છે. દેખીતી રીતે ભારતને સીધો ખતરો આઈએસ દ્વારા હોય તેવું લાગતું નથી. આઈએસનો પ્રાથમિક ઉદેશ્ય ઈરાક અને સીરિયાના ક્ષેત્રો પર કબજો જમાવીને સ્વતંત્ર દેશ બનાવવાનો છે. જો કે તેનાથી દિગ્ભ્રમિત થઈને એમ માનવાની જરૂર નથી કે ભૌગોલિક રીતે ઘણું દૂર રહેલું ઈસ્લામિક સ્ટેટ ભારત માટે જોખમ નથી. ઈસ્લામિક સ્ટેટ પાસે ઈસ્લામિક આતંકની રણનીતિ હેઠળ વૈશ્વિક મહત્વકાંક્ષાઓ પણ છે. આઈએસ વિશ્વમાં વસતા મુસ્લિમોની ખિલાફત સ્થાપીને વૈશ્વિક શક્તિ બનવાનું અંતિમ લક્ષ્ય ધરાવે છે. ભારત વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરવતા પ્રથમ ત્રણ દેશોમાં સામેલ છે. ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં પણ 125 કરોડના દેશમાં 18 કરોડથી 20 કરોડ જેટલાં મુસ્લિમો હોવાનો અંદાજ છે. ભારતની વસ્તીના પ્રમાણમાં મુસ્લિમો 14 ટકાની આસપાસ છે. પરંતુ તેમની રાજકીય શક્તિઓ ભારતમાં ઘણી વધારે છે. આ સિવાય પાકિસ્તાન અને અન્ય ઈસ્લામિક વિશ્વના દોરીસંચાર હેઠળ આતંકી પ્રવૃત્તિઓને પણ ખાસું પીઠબળ સાંપડી રહ્યું છે. આવા સંજોગોમાં શક્તિશાળી બની રહેલું ઈસ્લામિક સ્ટેટ ભારતના મુસ્લિમોમાં પણ પોતાની પહોંચ બનાવી શકે છે. હાલ ભારતમાંથી ઈસ્લામિક સ્ટેટમાં કથિત જેહાદમાં સામેલ થયેલા 11 મુસ્લિમોની માહિતી છે. જેમાંથી એક ભારત પાછો ફર્યો છે અને હાલ એનઆઈએની કસ્ટડીમાં છે. પાંચ લોકો લડાઈમાં માર્યા ગયાનું માનવામાં આવે છે. જો કે હજી પણ ભારતમાંથી ગયેલા પાંચ મુસ્લિમો ઈરાક અને સીરિયાના મોરચાઓ પર લડી રહ્યા છે. તો બ્રિટનથી આઈએસમાં જોડાયેલા ભારતીય મૂળના બે આત્મઘાતીઓની વાત પણ સામે આવી છે. તેમાં ખાસ વાત એ છે કે આ આત્મઘાતી ઈસ્લામિક આતંકીઓના પૈતૃક ગામ ગુજરાતના ભરૂચ જિલ્લા સાથે સંબંધિત છે.
અબુ બકર અલ બગદાદીએ જેહાદીઓને કરેલા પહેલા સંબોધનમાં મુસ્લિમોને ચીન, ભારત, પેલેસ્ટાઈન, સોમાલિયા, અરેબિયન ક્ષેત્ર, સીરિયા, ઈજીપ્ત, ઈરાક, ઈન્ડોનેશિયા,અફઘાનિસ્તાન, ફિલિપિન્સ, ઈરાન,પાકિસ્તાન, ટ્યુનિશિયા, લીબિયા, અલ્જેરિયા અને મોરક્કોમાં સત્તા કબજે કરવા લડાઈ લડવાની વાત કરી હતી. બગદાદીનું કહેવું છે કે આ દેશોમાં મુસ્લિમો સાથે નાઈન્સાફી થઈ છે. તેની વેબસાઈટ પ્રમાણે, આઈએસની આખરી યોજનામાં ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહીતના ક્ષેત્રોને પોતાના વર્ચસ્વ હેઠળ લાવાવની શેખી હાંકી છે.

હાલ ભારતથી તેનું અંતર તેની મહત્વકાંક્ષાઓમાં મોટી અડચણ છે. પરંતુ તેના ભારત માટેના ઈરાદા ખૂબ જ સ્પષ્ટ છે. બગદાદીએ પોતાના ભાષણોમાં ઘણી વખત ભારતનો ઉલ્લેખ કર્યો છે. દક્ષિણ એશિયાના ઈસ્લામિક આતંકવાદમાં અલ-કાયદા અને તેના બગલબચ્ચાઓ તાલિબાન તથા લશ્કરે તોઈબાનું વર્ચસ્વ છે. તે ઈસ્લામિક સ્ટેટથી વિચારધારાત્મક રીતે ખૂબ નજીક છે અને ફક્ત ભારત પર ધ્યાન કેન્દ્રીત કરવાની વ્યૂહરચના પર આગળ વધવાને જાહેર કરી ચુક્યું છે.

આતંક ફેલાવવામાં સફળ રહેલું આઈએસ અન્ય ઈસ્લામિક આતંકી સંગઠનોથી પોતાને અલગ સાબિત કરતું રહ્યું છે. તેનું વિસ્તરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે અને ઈતિહાસનું સૌથી ધનિક આતંકી જૂથ પણ બન્યું છે. તેની તરફ યુરોપ, અમેરિકા, એશિયા, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ઘણાં લોકો આકર્ષિત થઈ રહ્યા છે. ટ્યુનિશિયા અને કેન્યાના આતંકવાદી હુમલામાં પણ ઈસ્લામિક સ્ટેટની સામેલગીરી સામે આવી છે. ત્યારે પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આઈએસની આતંકી પ્રવૃત્તિઓ સ્થાનિક તાલિબાનો અને અન્ય આતંકી જૂથો સાથે મળીને વધી રહી છે. આવા સંજોગોમાં ભારત પર આવા આતંકી હુમલાની આઈએસનું કોઈ ષડયંત્ર નકારી શકાય તેવી સ્થિતિ નથી.

આઈએસ સામે છેલ્લા એક વર્ષથી અમેરિકા અને ગઠબંધન સેનાઓએ હવાઈ હુમલા શરૂ કર્યા છે. પરંતુ તેની પાછળ અબજો ડોલરના ધૂમડા છતાં ધારી સફળતા મળી શકી નથી. આવા સંજોગોમાં ઈસ્લામિક સ્ટેટનું જોખમ અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો સેનાઓની વાપસી સાથે તેની ચરમસીમાએ હશે. ભારત પણ તેના આતંકી ખતરાથી પર રહી શકે તેવી સ્થિતિ આગામી સમયમાં ટકી નહીં શકે.

આવા સંજોગોમાં ભારતે અલગ-અલગ પ્રકારના આતંકવાદી જૂથોની નશ્યત માટે જુદી-જુદી વ્યૂહરચનાથી વિચારધારાત્મક સ્તરથી માંડીને સૈન્ય કાર્યવાહી સુધીના તમામ મોરચે મજબૂત વ્યૂહરચના સાથે નિર્ણાયક યુદ્ધ માટે ઉતરવું પડશે. જેમાં ભારતે જરૂર પડે ત્યારે મધ્ય-પૂર્વ અને ઉત્તર-પૂર્વ આફ્રિકામાં લશ્કરી કાર્યવાહીઓમાં ભારતના રાષ્ટ્રહિતોની સુરક્ષા માટે મર્યાદીત કે સંપૂર્ણ સામેલગીરી સુધીના વિકલ્પોને ખુલ્લા રાખવા પડશે.  આ સિવાય  મોરક્કો અને અલ્જેરિયાની જેમ મોડરેટ થિયોલોજીકલ રાહે કટ્ટરવાદની સમાપ્તિ માટે વિચારધારાત્મક સ્તરે પણ એક મોટું યુદ્ધ લડવું પડશે. તો ઈજીપ્ત અને જોર્ડન જેવા દેશોની જેમ આઈએસની વિચારધારા સાથે પોતાને જોડતા કટ્ટરવાદીઓને જેલભેગા કરીને કાર્યવાહી કરવાના વિકલ્પો પણ હાથ ધરવા પડશે.

આ સિવાય ઈસ્લામિક વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સંદર્ભે અને તેનાથી ભારતની અંદર તથા બહાર રાષ્ટ્રીય હિતોને નુકસાન સંદર્ભેની ઈન્ટેલિજન્સ શેરિંગની વ્યવસ્થા પણ વધુ મજબૂત નેટવર્કથી અન્ય દેશો સાથે સંકલનથી બહેતર બનાવવી પડશે. તેના માટે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મિડલ-ઈસ્ટ સહીતના ક્ષેત્રોમાં વધુ મજબૂત ઈન્ટેલિજન્સ નેટવર્ક બનાવવા માટે વ્યૂહાત્મક સ્વતંત્રતા આપવી જરૂરી છે. જેથી ઈસ્લામિક સ્ટેટ અને તેના જેવા અન્ય આતંકવાદી જૂથોને જરૂર પડે તેમની ભાષામાં જવાબ આપી શકાય. તો પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશો સાથે સિક્યુરિટી લિન્ક્સ પણ ઉભી કરવી જરૂરી છે.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરકારી આંકડા કરતા વધુ પ્રમાણમાં ગેરમાર્ગે દોરાયેલા ભારતના મુસ્લિમ યુવાનો ઈસ્લામિક સ્ટેટમાં જોડાયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાડી દેશોમાં ભારતના ઘણાં લોકો કામ કરી રહ્યા છે. તેમાંથી કેટલાંક ગેરમાર્ગે દોરાયેલા ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરીત થઈને ઈરાક અને સીરિયામાં જોડાયા હોય કે આગામી સમયમાં જોડાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે ખાડી દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો અને ભારતમાંથી ગયેલા નાગરિકોનો ડેટાબેસ ત્યાંના ભારતીય રાજદૂતાલયો દ્વારા તૈયાર કરવો જરૂરી છે. તેના સિવાય તેમના વિશે જરૂરી તમામ માહિતી હોવી પણ ખૂબ જ જરૂરી છે.

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં કાશ્મીર અને ગુજરાતના નામે ભારતમાં રહેતા ઘણાં મુસ્લિમ યુવાનોની સામેલગીરી ભૂતકાળમાં સામે આવી છે. હવે ભારત વિરુદ્ધ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા દ્વારા થઈ રહેલું નવું વિષવમન રાષ્ટ્રીય હિતો સામે નવા સામરિક પડકારો પેદા કરી રહ્યું છે. જેના કારણે ભારતે એક નવા જ પ્રકારનું લાંબુ યુદ્ધ લડવું પડશે. આ યુદ્ધ માત્ર જમીન પર સૈનિકો દ્વારા જ નથી લડાવાનું. પણ તેના વિચારધારાત્મક સ્તરે આવા તત્વોના મગજથી માંડીને તેમના વર્ચસ્વવાળા વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી સુધી માનવતાની જીત માટે લડવું પડશે. જો કે ઈસ્લામિક સ્ટેટના આતંકની હકીકત એ છે કે અહીં આરબ સામ્રજ્યવાદની બોલબાલા છે. બિનઆરબી મુસ્લિમોની તેવો કોઈ ગણતરી કરતા નથી અને તેને ઉતરતા ગણે છે.

મંગળવાર, 26 મે, 2015

અસંમતિઓના આકાશમાં સાથે-સાથે વિહરતી એકબીજાની મોદી સરકાર અને સંઘ સરકાર!!!

- આનંદ શુક્લ 
નરેન્દ્ર મોદીની શખ્સિયતમાં સૌથી મોટી ભૂમિકા એક સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. સંઘના પ્રચારકથી ભારતના પ્રધાનમંત્રી સુધીની મોદીની સફરમાં બંનેના સંબંધોમાં તણાવની કેટલીક ઘટનાઓ છતાં સહયોગનો માહોલ યથાવત રહ્યો છે. આમ તો સંઘને વિચારધારાના રસ્તે પ્રભાવ પાથરવા સરકાર જોઈએ છે.. અને મોદીને સરકાર ચલાવવા માટે સંઘ.. હાલ તો આરએસએસ અને મોદી બંને એકબીજાની સરકાર છે.

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઘણી મોટી ભૂમિકા રહી છે. 2002ની ગુજરાતની કમનસીબ ઘટનાઓ વખતે પણ સંઘે મોદીને ખુલ્લો ટેકો આપ્યો હતો. વિરોધ વચ્ચે પણ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં બાર વર્ષ સુધી નાગપુર રેશિમબાગ ખાતેના આરએસએસના ટોચના નેતાઓના સમર્થનથી મુખ્યપ્રધાન તરીકે મોટા વિરોધ વગર સરકાર ચલાવવાની તક મળી. તો 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાના વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદી આરએસએસના વરિષ્ઠ નેતાઓના ટેકાથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા.

2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદીને વડાપ્રધાન બનાવવા માટે ખૂબ સક્રિય ભૂમિકા નિભાવીને લોકસંપર્કો કર્યા હતા. તેનું પરિણામ 26 મે-2014ના રોજ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની શપથવિધિ હતી. ચૂંટણી પરિણામોમાં જ્વલંત સફળતા બાદ નરેન્દ્ર મોદી નાગપુરની મુલાકાત લઈ આવ્યા હતા અને સરસંઘચાલક મોહન ભાગવત સાથે લાંબી બેઠક પણ કરી હતી.

મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાન સેવન- આરસીઆર ખાતે આરએસએસના સંગઠન મહામંત્રીઓની એક બેઠક કરી હતી. આ પહેલો પ્રસંગ હશે કે જેમાં આરએસએસના સંગઠન મહામંત્રીઓની બેઠક સરકાર્યવાહ અથવા સરસંઘચાલક સિવાયના કોઈ સરકારમાં બંધારણીય પદે હોય તેવા નેતાએ લીધી હતી. સંઘ પણ વાજપેયી સરકારના કાર્યકાળના અનુભવ પરથી બોધપાઠ લઈને મોદી સરકાર સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ ઈચ્છતું નથી..

તેના સંકેતો પણ તેના દ્વારા શરૂઆતથી વડાપ્રધાનને આપવામાં આવ્યા હતા. ભાજપ અને સંઘ પરિવારની સંસ્થાઓ વચ્ચે નિયમિત સમન્વય બેઠકો બોલાવીને મહત્વના મુદ્દે સંયોજનનો માર્ગ અપનાવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અને સરકારના પ્રધાનો અવાર-નવાર નાગપુર ખાતે અને અન્ય ઠેકાણે સરસંઘચાલક મોહન ભાગવત તથા આરએસએસના શીર્ષસ્થ નેતાઓને મળતા રહે છે.

રાજનાથસિંહ ગૃહ પ્રધાન બનતા ભાજપના અધ્યક્ષ તરીકે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા અમિત શાહની નિમણૂક માટે લાંબી બેઠકોના દોર ચાલ્યા અને આખરે અમિત સાહને ભાજપની બાગડોર સોંપવામાં આવી. જેના કારણે ભાજપના સંગઠન માળખા પર મોદીનો પ્રભાવ સરકારની જેમ સંગઠન સ્તરે પણ રહે તેનો માર્ગ પ્રશસ્ત કરવા નાગપુર રેશિમબાગ ખાતેથી મંજૂરી આપવામાં આવી હતી.

તો ભાજપ અને સંઘ વચ્ચે સંયોજનનું કામ જોતા સુરેશ સોનીના સ્થાને સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલની સંઘ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. ડૉ. કૃષ્ણ ગોપાલ મથુરાના વતની છે અને પીએમ મોદી સાથે પણ તેમના સારા સમીકરણો છે. જેના કારણે સરકાર અને સંઘ વચ્ચે સંયોજનમાં વધુ સારા સમીકરણોની આશા પણ કરવામાં આવે છે.

આરએસએસની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં પહેલીવાર સરકારી ટેલિવિઝન ચેનલ દૂરદર્શન પરથી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું ભાષણ પ્રસારીત કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના ભાષણનું આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓમાં મોટું મહત્વ હોય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સરકાર્યવાહ વહીવટીય નિર્ણયો લેવા માટે સંગઠનના બંધારણ પ્રમાણે મુખ્ય ભૂમિકામાં હોય છે. ભૈય્યાજી જોશી આરએસએસના સરકાર્યાવહ છે. દર ત્રણ વર્ષે સરકાર્યવાહની ચૂંટણી થતી હોય છે. આ વખતે માનવામાં આવતું હતું કે યુવાનોને તક આપવાના નામે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા દત્તાત્રેય હોસબોલેની સરકાર્યવાહ પદે પસંદગી કરાશે. પરંતુ આરએસએસ દ્વારા ત્રીજી ટર્મ માટે ભૈય્યાજી જોશીની જ પસંદગી કરવામાં આવી છે. જેનો સીધો અર્થ છે કે સંઘના સંગઠનના માળખા પર મોદીનો પ્રભાવ એક મર્યાદીત હદ સુધી જ સ્વીકારવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભૈય્યાજી જોશીએ વડાપ્રધાન નિવાસ ખાતે મોદી સાથે મુલાકાત પણ લીધી છે. ભૈય્યાજી જોશી સેવન-આરસીઆરની મુલાકાત લેનારા સંઘના પહેલા સરકાર્યવાહ છે.

તો ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીનો વનવાસ ખતમ કરાવવા માટે આરએસએસ ઈચ્છુક છે. પરંતુ નરેન્દ્ર મોદીના અણગમાને કારણે સંજય જોશીનું ભાજપમાં હજી સુધી કોઈ પુનર્વસન થઈ શક્યું નથી. તેથી ભાજપમાં પણ મોદીના પ્રભાવ સામે સંજય જોશી મામલે સંઘ હજી સુધી કંઈ ધાર્યું કરાવી શક્યો નથી.

મોદી સરકારનું વર્ષ પુરું થયા બાદ પણ સંઘ પરિવાર સરકારની સાથે છે.. તો તેનું કરાણ મોદી સરકારને સંઘ પરિવારની જરૂરિયાત છે. તેની સાથે સંઘને પણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા માટે મોદીના ચહેરાની ચમક જોઈએ છે. તેથી છેલ્લે જમીન સંપાદન બિલ મામલે ખેડૂતોના હિતોની સુરક્ષાની ખાતરી આપ્યા બાદ હવે આરએસએસ મોદી સરકારને ટેકો આપવાના અહેવાલો આવી રહ્યા છે. તેનાથી એક વાત સ્પષ્ટ બને છે કે આરએસએસ મોદીના ચહેરાની ચમક ઘટે તેવું બિલકુલ ઈચ્છતું નથી. જો કે તેમ છતાં બંને વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે.

વડાપ્રધાન મોદીના એક વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકાર એકબીજા સામે ખુલ્લેઆમ ટીકા કરવાનું ટાળી રહ્યા છે. તથ્ય એવું પણ છે કે સંઘ અને સરકાર વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે. પરંતુ બંને એકબીજાની જરૂરિયાત હોવાથી હાલ પરસ્પર સહકારની સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે.

ઈતિહાસ ઘણું શીખવાડતો હોય છે. મોદી સરકાર અને આરએસએસ બંનેએ ઈતિહાસમાંથી ઘણું શીખવાની કોશિશ કરી છે. વાજપેયી સરકારના કાર્યકાળ વખતે થયેલી ભૂલોમાંથી બંનેએ ઘણાં બોધપાઠો ગ્રહણ કર્યા છે. મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં બંને વચ્ચે બધું સમુસુથરું શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે કોઈ મોટો વિવાદ ઉભરીને સામે નહીં આવવાથી સંઘ અને સરકાર વચ્ચે કોઈ અસંમતિઓ નથી.

સંઘ પરિવારના ઘણાં સંગઠનો વચ્ચે પરસ્પર મતભેદો પ્રવર્તી રહ્યા છે. ભાજપ પણ સંઘ પરિવારનો જ એક ભાગ છે. પરંતુ હજી સુધી તો અસંમતિઓથી સર્જાયેલા મતભેદોથી કોઈ મહાભારતે આકાર લીધો નથી. મતભેદોને સમન્વય સમિતિની બેઠકોમાં વાતચીતથી ઉકેલવાની કોશિશ થતી રહી છે. ખાસ કરીને સ્વદેશી જાગરણ મંચ, કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને કેટલીક હદે વિશ્વ હિંદુ પરિષદને મોદી સરકાર સાથે કેટલાંક મામલે મતભેદો છે. તેમ છતાં મોદી સરકાર વિરુદ્ધ કોઈ આકરા વિરોધના સૂર ઉજાગર થયા નથી. એવો ભાસ પણ થાય છે કે મોદી અને સંઘ વચ્ચે સારો તાલમે છે. જેનાથી અસંમતિઓમાંથી રાઈનો પહાડ બનવાનું અટકી ગયું છે.

વાજપેયી સરકારના કાર્યકાળમાં સંઘ સાથે ટકરાવની સ્થિતિ હતી. સંઘ પરિવારના ઘણાં સંગઠનો વાજપેયી સરકારની નીતિઓનો આકરો વિરોધ કરતા હતા. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘના સંસ્થાપક અને સ્વદેશી જાગરણ મંચના પ્રેરક દત્તોપંત ઢેંગડીએ વાજપેયી સરકારની કડક અને ખુલ્લેઆમ ટીકાઓ કરી હતી. આર્થિક ઉદારવાદના મુદ્દાઓ સાથે તમામ મુદ્દા પર વાજપેયી સરકાર અને સંઘ પરિવાર વચ્ચે ટકરાવ હતો. સ્થિતિ તો ત્યાં સુધી વણસી હતી કે દત્તોપંત ઠેંગડીને સંઘ પરિવારમાં વિપક્ષના નેતા તરીકે ગણવાના શરૂ કરાયા હતા. વાજપેયી સરકારે વિરોધ છતાં આર્થિક ઉદારીકરણની નીતિઓ પર જ આગળ વધવાનું શરૂ કર્યું અને સ્વદેશી જાગરણ મંચ હાંસિયામાં ધકેલાઈ ગયું.

હાલ પણ મોદી સરકારના કાર્યકાળમાં સ્વદેશી જાગરણ મંચની હસ્તી નામમાત્રની રહી હોય તેવું લાગી રહ્યુ છે. મોદી સરકાર વાજપેયી વખતના આર્થિક ઉદારીકરણથી ઘણી આગળ નીકળી ગઈ છે. તેથી જ તો મોદીના આર્થિક સલાહકારોમાં એકપણ સ્વદેશીના ટેકદાર નથી. વળી મોદીનો મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સ્વદેશી જાગરણ મંચની પાયાગત વિચારધારાથી પણ વિરુદ્ધ છે. તેમાં વિદેશી રોકાણ.. અને વિદેશી કંપનીઓની મોટી અને મુખ્ય ભૂમિકા રહેવાની છે. જો સ્વદેશી તરફ મોદી સરકારનો સહેજ પણ ઝોક હોત તો મેક ઈન ઈન્ડિયા અભિયાનને સ્થાને મેઈડ બાય ઈન્ડિયા, મેઈડ ફોર ઈન્ડિયા અથવા મેઈડ બાય ઈન્ડિયન્સની નીતિ અપનાવાઈ હોત.

બીજી તરફ ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે મેક ઈન ઈન્ડિયા માટે ખેડૂતોની જમીનોની કુરબાની શા માટે.. કિસાન સંઘનો હાલ જો કે જમીન સંપાદન બિલના વિરોધમાં એવો બુલંદ અવાજ નથી. પણ વાંધાઓ યથાવત છે. તેવા સંજોગોમાં કિસાન સંઘનો વિચાર ગમે તે હોય.. પણ હાલ તે સરકારની સાથે જ દેખાઈ રહ્યું છે. બીજી તરફ નવી અર્થવ્યવસ્થાની મજબૂરીના નામે સમજી ગયેલું આરએસએસ પણ જમીન સંપાદન બિલના મામલે સરકારની સાથે ઉભેલું જોવા મળશે તેવું પણ નક્કી મનાય છે.

મોદી સરકારની નીતિઓના મામલે મહદ અંશે વિશ્વ હિંદુ પરીષદે ખામોશી ઓઢી રાખી છે. વાજપેયી સરકારના કાર્યકાળમાં પરિષદ દ્વારા અવાર-નવાર રામમંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ હાલની મોદી સરકાર માટે હજી સુધી વીએચપી દ્વારા રામમંદિર મુદ્દે જલદ વલણ અખત્યાર કરાયું નથી. જો કે અજમેર શરીફ ચાદર મોકલાયા બાદ રાજનાથસિંહ દ્વારા રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી રામમંદિર નિર્માણ મામલે કાયદો લાવી શકાય તેમ નહીં હોવાની મજબૂરી વ્યક્ત કરતા નિવેદન પર આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.

લવ-જેહાદ અને ઘરવાપસી જેવા કાર્યક્રમો મામલે વીએચપી અને સરકાર વચ્ચે ઘર્ષણની શક્યતા હતી. પરંતુ આ મામલે સરકાર અને વીએચપી બંનેએ સુજબુજથી કામ લીધું છે. વિપક્ષે મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી.. પણ તેમને બંને પક્ષો તરફથી દર્શાવાયેલી પરિપક્વતાને કારણે કોઈ કામિયાબી મળી નથી. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ગૌહત્યા પ્રતિબંધના કાયદા લવાયા હોવાથી હિંદુવાદી સંગઠન ખુશ છે. પરંતુ સાથે આવા કાયદા હોવા છતાં થઈ રહેલી ગૌહત્યાના મામલે પણ આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.

જો કે ચીન અને પાકિસ્તાન સામેની મોદી સરકારની નીતિઓમાં અસ્પષ્ટતાથી વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ટીકાના સૂર વ્યક્ત કરી ચુક્યા છે. તાજેતરની પીએમ મોદીની ચીન યાત્રા પર વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા અને આચાર્ય ધર્મેન્દ્રએ આકરા શાબ્દિક પ્રહારો કરીને સરકારને સાવધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ બહારથી આવતી કંપનીઓની સહુલિયત મામલે મજૂર કાયદામાં માલિક તરફી ફેરફારોના મામલે ભારતીય મજદૂર સંઘના કેટલાંક રિઝર્વેશન છે. જો કે તેના મામલે હજી સુધી એટલા ઉગ્ર મતભેદો સપાટી પર આવ્યા નથી. પણ ભવિષ્યમાં આવા મતભેદો સપાટી પર નહીં આવે તેવી કોઈ શક્યતા નકારી શકાય નહીં.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાનો મુદ્દો સંઘની વિચારધારા સાથે સંકળાયેલો કેન્દ્રીય મુદ્દો છે. પરંતુ અહીં સંઘ અને મોદીની સંમતિ સાથે રામ માધવના પ્રયત્નોથી ભાગલાવાદીઓના રાજકીય મંચ તરીકે ઓળખાવાયેલી પીડીપી સાથે ભાજપે સરકાર બનાવી છે. ત્યારે મસર્રત આલમની મુક્તિ, મુફ્તિના નિવેદનોથી વીએચપી જેવા હિંદુવાદી સંગઠનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. પરંતુ હકીકત એ પણ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુફ્તિ મોહમ્મદ સઈદ સાથે સરકાર બનાવવાની મંજૂરી આરએસએસ પાસેથી મળી ચુકી હોવાથી વીએચપીની પ્રતિક્રિયામાં અણગમાના સૂર ઘણાં નીચા રહે છે.

મોદીના શહેરીકરણ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટો પણ આરએસએસની પાયાગત ગ્રામલક્ષી વિચારધારાથી વિપરિત છે. 2009માં વિશ્વ મંગલ ગૌ-ગ્રામ યાત્રા કરનારા આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓ ભારતના સાડા છ લાખથી વધારે ગામડાંને સક્ષમ કરવાની નીતિને આગળ વધારવાની વાત અવાર-નવાર કરી ચુક્યા છે. પરંતુ મોદી શહેરીકરણને એક પડકાર નહીં.. પણ વિકાસની તક ગણાવી રહ્યા છે. આવા સંજોગોમાં આરએસએસ પણ ગામડાંના મહત્વની વાતો હવે પોતાના બૌદ્ધિક સુધી જ મર્યાદીત રાખે તેવી શક્યતા વધારે છે. મોદી સરકારનું ઔદ્યોગિકરણલક્ષી વલણ સંઘના કૃષિલક્ષી અર્થવ્યવસ્થાના પાયાગત વિચારને માત્ર પુસ્તકિયો પ્રેમ જ સાબિત કરે છે.

વિચારધારાના સ્તરે સરકાર અને સંઘ પરિવારની સંસ્થાઓના વિપરીત વલણો છતાં બંને વચ્ચે બિનજરૂરી ઘર્ષણમાં ઉતરીને એકબીજાના પગ પર કુહાડી નહીં વિંઝવાની સંમતિ સ્પષ્ટ જોઈ શકાય છે. મતભેદો પર આંદોલન પર પોતાની સરકાર વિરુદ્ધ આંદોલન કરવાના સ્થાને સમન્વય અને વાતચીતના માધ્યમથી મતભેદો ઉકેલવાની કોશિશો થઈ રહી છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે સંઘ મોદી અને તેમની સરકારના દરેક કામથી ખુશ છે. મોદીની કાર્યપદ્ધતિ સામે સંઘ પરિવારમાં વાંધાવચકાની વાત ઘણી જૂની છે. હજીપણ આ મામલે નારજગી પુરતા પ્રમાણમાં દૂર થઈ હોવાની શક્યતા નથી.

સંઘ હંમેશા ઈચ્છે છે કે મોદી વડાપ્રધાન તરીકે સૌને સાથે લઈને ચાલે.. તેમાં તેમનો પણ સમાવેશ થાય. ભૂતકાળમાં વાજપેયીએ સંઘ પરિવારના તમામ ઘટકોને સાથે લઈને એનડીએની સરકાર ચલાવી નહીં. તો મોદી વડાપ્રધાન તરીકે સંઘ પરિવારના તમામ ઘટક દળોને સાથે લેવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ પણ છે કે ભાજપના તમામ વર્ગોને મોદી સાથે લઈ શક્યા નથી. જો કે ભાજપના તમામ લોકોને મને-કમને પણ મોદીની સાથે કે પાછળ-પાછળ ચાલવું પડે છે. મોદીની કેન્દ્રીયકૃત કાર્યશૈલીને કારણે પાર્ટી અને સરકારમાં સામુહિક નેતૃત્વની સ્થિતિને કોઈ અવકાશ નથી. મોદી સરકારમાં આ ઉણપ આરએસએસને સૌથી વધારે ખૂંચે તેવી શક્યતા છે.

પીએમ મોદી @ 365 : મોદી સરકાર બની ગઈ છે યુટર્ન સરકાર

- આનંદ શુક્લ
વિદેશમાંથી બ્લેક મની પાછા આવે તો દરેકના ખાતામાં 15 લાખ જમા થવાની વાત હવે મોદી સરકારના ગાળાનો ગાળિયો બની ગયો છે. ચૂંટણી વખતે વાયદા કરવા અને સરકારમાં આવ્યા બાદ મજબૂરીઓનો અનુભવ કરનારી મોદી સરકારે પુરોગામી યુપીએ સરકાર જેવા વલણને અખત્યાર કરીને એક મોટો યુટર્ન લેતા પારકા અને પોતાના બંનેમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ચૂંટણી અભિયાનોમાં નરેન્દ્ર મોદી વિદેશમાં રહેલા ભારતીયોના કાળા નાણાં મામલે કોંગ્રેસ અને યુપીએ સરકાર પર આકરા વાકપ્રહાર કરતા રહ્યા છે. દેશની જનતાને વાયદો કરાયો હતો કે 100 દિવસની અંદર વિદેશોમાં જમા કાળું નાણું પાછું લાવવામાં આવશે. પરંતુ સત્તામાં આવ્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેને માત્ર ચૂંટણીલક્ષી વાત ગણાવી હતી. તેનું નુકસાન દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ઉઠાવવું પડયું અને લોકોમાં પુરોગામી યુપીએ સરકાર અને પ્રવર્તમાન મોદી સરકાર વચ્ચે વિદેશમાં કાળા નાણાં પાછા લાવવા માટે કોઈ તાત્વિક ફરક નહીં હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા વિદેશમાંથી કાળું ધન પાછું લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ સત્તામાં આવ્યા બાદ કાળા ધન મામલે એસઆઈટી રચનારી મોદી સરકારે બ્લેક મની ધરાવતા ખાતેદારોની માહિતી આપવાનો પુરોગામી યુપીએ સરકારની જેમ ઈન્કાર કરતા તેમના ઘણાં ટેકેદારોનો મોહભંગ થયો હતો. બ્લેક મની મામલે વિપક્ષના નિશાના પર રહેલી મોદી સરકારને પોતાના લોકોના વિરોધનો પણ સામનો કરવો પડયો છે. એનડીએ સરકારમાં કાયદા પ્રધાન રહેલા રામ જેઠમલાણીએ સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી બ્લેક મની મામલે મોદી સરકારને ગળે ગાળિયો કસ્યો છે. તો રામદેવ જેવા મોદીના ટેકાદોરોએ પણ આ મામલો તીખા સવાલો કર્યા છે.

ચારે તરફથી ઘેરાયેલી મોદી સરકારે રાજકીય નુકસાનની ભરપાઈ માટે નવો કાયદો લાવીને તેને સંસદમાં મંજૂર કરાવ્યો. પરંતુ હજીપણ વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવા મામલે સરકારની નિયત પર આશંકાના વાદળો છવાયેલા છે. સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં બનેલી એસઆઈટી છતાં સરકાર આ મામલામાં હજી સુધી કાયદાકીય દાવપેંચ દ્વારા માત્ર દેશને ગોળ-ગોળ ફેરવતી હોવાનું જ જનતા મોટેભાગે માની રહી છે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ એડવોકેટ રામ જેઠમલાણીએ બ્લેક મની મામલે કેન્દ્ર સરકારે દેશ સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવીને આકરું વલણ અખત્યાર કર્યું હતું. તેમણે એસઆઈટીમાં રહેલા અધિકારીઓ પુરોગામી સરકારમાં કાળા ધનની સ્વદેશ વાપસીમાં અડચણ બનનારા અધિકારીઓ હોવાનું જણાવીને સવાલો ઉઠાવ્યા છે. આ સવાલોના જવાબ મોદી સરકારે સુપ્રીમ કોર્ટ અને દેશની જનતાની સામે આપવાના છે.

વેપારીઓના મોટા સમર્થનવાળા ભાજપે ચૂંટણી અભિયાનો પહેલા અને પ્રચાર વખતે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈનો આકરો વિરોધ કર્યો હતો. પરંતુ સત્તામાં આવ્યા બાદ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈની મંજૂરીને પુરોગામી યુપીએ સરકારની જેમ ચાલુ રાખીને ગજબનો યુટર્ન મોદી સરકારે લીધો છે.

20 સપ્ટેમ્બર-2012ના રોજ એફડીઆઈના વિરોધમાં ભાજપે ભારત બંધનું એલાન આપ્યું હતું. ઉમા ભારતી કદાચ ભૂલી ગયા હોય તો યાદ કરાવવું પડે કે તેમણે ત્યારે કહ્યું હતું કે તેઓ પહેલા વ્યક્તિ હશે કે જે વોલમાર્ટની દુકાનની આગચંપી કરશે. સુષ્મા સ્વરાજ પણ તત્કાલિન વિપક્ષી નેતા તરીકે એફડીઆઈ વિરુદ્ધ એક ઠરાવ સંસદમાં લાવ્યા હતા. 7 માર્ચ-2013ના રોજ ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈનું જાહેરનામું પાર્ટીના સત્તામાં આવ્યા બાદ પાછું ખેંચવાનો વાયદો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મલ્ટી બ્રાન્ડમાં એફડીઆઈના વિરોધમાં 14 સપ્ટેમ્બર-2012ના રોજ ટ્વિટ કર્યું હતું. યુપીએ સરકારના કાર્યકાળમાં એફડીઆઈ મામલે સંસદની કાર્યવાહી ઘણાં દિવસો સુધી ભાજપે અટકાવી રાખી હતી.

પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી અને ભાજપે યુટર્ન લીધો છે. હવે તેઓ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈના તરફદાર તરીકે નજરે પડી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન તરફથી જારી કરાયેલા પ્રેસ સર્કુલરમાં મલ્ટીબ્રાન્ડમાં 51 ટકા એફડીઆઈ ચાલુ રાખવામાં આવી છે. યુપીએ સરકાર વખતે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈ માટેના નિયમો અને શરતોને મોદી સરકારે યથાવત રાખી છે. જો કે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારમણે દાવો કર્યો છે કે આ મામલા પર ભાજપના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.

જીએસટી બિલને દેશના કરમાળખાને ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે મહત્વનું માનવામાં આવે છે. મનમોહન સરકારે જીએસટી બિલ મંજૂર કરાવવા કોશિશ કરી હતી.. તો તેનો ભાજપે વિરોધ કર્યો હતો. હવે મોદી સરકારે સત્તામાં આવીને યુટર્ન મારીને જીએસટી બિલને આઝાદી બાદ ભારતના આર્થિક સુધારા માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી જીએસટી બિલને આઝાદી બાદ ભારતમાં આર્થિક સુધારા માટેનું સૌથી મોટું પગલું ગણાવી રહ્યા છે. પરંતુ પુરોગામી યુપીએ સરકારના કાર્યકાળમાં ભાજપ અને તેની સત્તાવાળા રાજ્યો જીએસટી બિલમાં અડચણ બનીને ઉભા હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકે યુપીએ સરકારમાં નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ જીએસટી બિલ સૌથી પહેલી વખત રજૂ કર્યું હતું. ત્યારે ભાજપે તેનો સૌથી જલદ વિરોધ કર્યો હતો.

હવે જ્યારે જેટલીએ જીએસટી બિલ રજૂ કર્યું તો ભાજપ અને કોંગ્રેસે પરસ્પર પોતાના સ્થાનની અદલા-બદલી કરી લીધી છે. લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પારીત જીએસટી બિલ રાજ્યસભામાં અટકી ગયું. રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નહીં હોવાને કારણે આ બિલ ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાવાળી 21 સાંસદોની પ્રવર સમિતિ પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ચોમાસુ સત્રમાં જીએસટી બિલ મંજૂર થાય તેવી આશા સેવાઈ રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાંક સ્થાનો પર સરહદી વિવાદ અને કન્ટૂર્સ છે. તેથી 41 વર્ષ જૂની સમસ્યાના ઉકેલ માટે મનમોહન સરકારે ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ સમજૂતીને મંજૂર કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતે વધુ જમીન છોડવી પડશેના મુદ્દે ભાજપે વિરોધ કર્યો હતો. આજે આ કરારને સંસદમાં મંજૂર કરાવવાને મોદી સરકાર પોતાના એક વર્ષના કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 41 વર્ષ જૂના સરહદી વિવાદના ઉકેલ માટે સંસદમાં મંજૂર કરાયેલા ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ કરારને મોદી સરકાર ઐતિહાસિક ગણાવી રહી છે. પરંતુ જ્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ આ સંધિને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે આખરી તબક્કાની સમજૂતીએ પહોંચ્યા હતા.. ત્યારે ભાજપે જ તેમાં અડચણ પેદા કરી હતી.

પરંતુ હવે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષના સ્થાનોની અદલા-બદલી બાદ ભાજપ કહી રહ્યું છે કે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કામને આગળ વધાર્યું છે અને સંસદમાં ટેકો આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પણ માન્યો છે. આ કરારને મંજૂરી બાદ લગભગ 50 હજાર લોકોને ભારતની નાગરિકતા મળશે. તો પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેને એક રાજકીય ફાયદાના માધ્યમ તરીકે પણ જોઈ રહ્યું હોવાની ચર્ચા છે.

6 મે-1974ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી જમીન હસ્તાંતરણ સમજૂતીને લાગુ કરવા માટે બંધારણની પહેલી અનુસૂચિને સંશોધિત કરવામાં આવી છે. આ બિલમાં બાંગ્લાદેશની સાથે આસામ.. પશ્ચિમ બંગાળ.. ત્રિપુરા અને મેઘાલયના ક્ષેત્રોની આપ-લેના અમલીકરણની જોગવાઈ છે.

આતંકવાદ અને પાકિસ્તાન સાથે વાતચીત સાથે-સાથે નહીં ચાલે.. ઘૂસણખોરી અને ચીન સાથે વાટાઘાટો પર નારાજગી ભાજપ અને ખુદ નરેન્દ્ર મોદી દ્વારા પ્રચાર અભિયાનોમાં વ્યક્ત કરાઈ છે. સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાન અને ચીન બંનેના વલણો યથાવત છે.. પણ મોદી સરકારે યુટર્ન મારીને પાકિસ્તાન-ચીનની બેઈમાન હરકતો છતાં વાતચીત અને સારા સંબંધોની તૈયારી દેખાડવી પડી છે.

ભાજપ અને નરેન્દ્ર મોદી મનમોહન સરકારને પાકિસ્તાન અને ચીન સાથે ઢીલા વલણ માટે આકરી ઝાટકણી કાઢતા રહ્યા છે. ચૂંટણી અભિયાનોમાં તેઓ ગરજી-ગરજીને કહેતા રહ્યા છે કે જો સત્તામાં આવશે તો બંનેને જડબાતોડ જવાબ અપાશે. ચૂંટણીની રેલીઓમાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉભારીને વોટ મેળવવાની રણનીતિ ભાજપની સ્પષ્ટ બહુમતી મળવાને સાથે કામિયાબ થઈ છે.

પરંતુ પાકિસ્તાને સરહદે શસ્ત્રવિરામ ભંગ, ઘૂસણખોરી, આતંકવાદીઓને મદદ જેવા મુદ્દે પોતાના વલણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો ભારત સરકારની મનાઈ છતાં પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બાસિત કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળતા રહ્યા છે. ઓબામાની ભારત મુલાકાત બાદ પાકિસ્તાનના વલણમાં નોંધપાત્ર ફેરફાર વગર જ વિદેશ સચિવ એસ. જયશંકરને સાર્ક દેશોની મુલાકાતના બહાને ઈસ્લામાબાદ કુરનિશ બજાવવા મોકલવામાં આવ્યા હતા.

તો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત વખતે ચુમાર ખાતે ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો મામલો ખૂબ તણાવપૂર્ણ રહ્યો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત વખતે ત્યાંની સરકારી ચેનલ સીસીટીવીએ જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ વગરના ભારતના નક્શા દર્શાવીને હદ ઓળંગી છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે વાયદાનો વેપાર કરી રહ્યા છે.

બુલેટ ટ્રેન સહીતની રેલવે ક્રાંતિની મનસા રાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીએ સરકાર દ્વારા સંસદીય સત્ર પહેલા ઝીંકાયેલા ભાડા વધારાનો વિરોધ કરી ચુક્યા છે. પરંતુ એક મોટા યુટર્ન દ્વારા મોદી સરકારના સત્તામાં આવ્યાના ટૂંકાગાળામાં રેલવે બજેટ પહેલા જ 14 ટકા જેટલો રેલ ભાડાનો સૌથી મોટો વધારો ઝીંકાયો હતો.

7 માર્ચ-2012ના રોજ મોદીએ એક ટ્વિટ કરીને સંસદના સત્ર પહેલા રેલવેના ભાડા વધારવાને અયોગ્ય પગલું ગણાવ્યું હતું. તેમણે આ મામલે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને એક પત્ર પણ લખ્યો હતો.

પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાના ટ્વિટ અને પત્રને ભૂલીને 14 ટકા જેટલો ભારે ભરખમ વધારો ઝીંક્યો હતો. ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહની સરકાર પર સંસદની અણદેખી કરીને રેલવે ભાડમાં વધારો કરનારા મોદીની સરકારે યુટર્ન લઈને રેલવે બજેટ પહેલા જ ભાડામાં ભારે-ભરખમ વધારો કરી દીધો.

પારદર્શકતા, જવાબદેહી સુશાસન માટેની સૌથી મોટી જરૂરિયાતો છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી અભિયાનોમાં આ વાતો ગરજી-ગરજીને કહી હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ મહત્વની નિમણૂકો અને આરટીઆઈ મામલે વલણને એક મોટા યુટર્ન તરીકે જોવામાં આવે છે.. સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદીને તેમની વાતો યાદ કરાવીને સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

મોદીએ પોતાના મોટાભાગના ભાષણોમાં પારદર્શકતા અને જવાબદેહીની ગુલબાંગો પોકારી છે. પરંતુ મોદી સરકારના એક વર્ષના પ્રદર્શનમાં એવી છાપ ઉપસી રહી છે કે જાણે આ બધું માત્ર ચૂંટણી પ્રચારનો ભાગ હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલાઓ પર સરકાર પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. મુખ્ય માહિતી કમિશનર, સીવીસી અને લોકપાલની નિમણૂક હજી સુધી નહીં થવાના મામલે વડાપ્રધાન મોદી પર પારદર્શકતાના મામલે પલટી મારવાનો આરોપ મૂક્યો છે.

સોનિયા ગાંધીએ માહિતી અધિકારને અસરવિહીન બનાવવાની કોશિશ કરવાનો મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે. આરટીઆઈ હેઠળ હવે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને કેગની સાથે ભાજપ સરકારે પીએમઓ અને કેબિનેટ સચિવાલયને પણ મુક્તિ આપી છે. ત્યારે સામાન્ય જનતા હવે સરકારને સીધો સવાલ પુછી શકતી નહીં હોવાનો આરોપ પણ કોંગ્રેસ તરફથી લગાવાયો છે.

સોનિયા ગાંધીએ આઠ માસથી સીઆઈસીનું પદ ખાલી હોવાનું અને ત્રણ માહિતી કમિશનરોના પદ એક વર્ષથી ખાલી પડયા હોવાનો મુદ્દો ઉઠાવીને 39 હજાર આરટીઆઈ પેન્ડિંગ હોવાનો મામલો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે માહિતી આપવામાં વિલંબ જાણકારી નહીં આપવા બરાબર છે. તેમણે વડાપ્રધાન મોદીને પારદર્શકતા અને સુશાસનના વાયદા યાદ કરાવતા કહ્યુ છે કે ખોટા કામ કરનારાઓને સંરક્ષણ આપવું કોઈપણ સરકારના નૈતિક મૂલ્યોનો ભાગ હોઈ શકે નહીં.

મોદી @ 365 : બ્રાન્ડ ઈન્ડિયાના નામે બ્રાન્ડ મોદીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની રણનીતિ

- આનંદ શુક્લ
અમેરિકાના મેગેઝીન ટાઈમે બે વર્ષ પહેલા તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને મુખપૃષ્ઠ પર- ધ અન્ડરએચીવર ગણાવ્યા હતા. તો ટાઈમ મેગેઝીનના તાજેતરના અંકના મુખપૃષ્ઠ પર –વ્હાઈ મોદી મેટર્સ હેઠળ વડાપ્રધાનને ચમકાવ્યા છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ભારતના કરિશ્માને વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવા માટે બ્રાન્ડ ઈન્ડિયા ગણાવી રહ્યા છે.. તે હકીકતમાં બ્રાન્ડ મોદી માટે આંતરરાષ્ટ્રીય મંચો પર સ્થાન ઉભું કરવાની કોશિશ હોવાની માન્યતા પણ પ્રવર્તી રહી છે. બ્રાન્ડ ઈન્ડિયા માટે કરાયેલા કામોના વિશ્લેષણથી બ્રાન્ડ મોદીની હકીકતો પણ સામે આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 365 દિવસમાંથી 48 દિવસ સુધી વિદેશમાં રહ્યા છે. તેમણે 17 દેશોની મુલાકાત લીધી છે. મોદીએ હજારો કિલોમીટરનો ગગનવિહાર કરીને બ્રાન્ડ ઈન્ડિયાને સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો છે. 26 મે-2014ના રોજ શપથવિધિના 21મા દિવસથી જ તેમણે વિશ્વવિહાર શરૂ કર્યો હતો. 2015માં પણ આ વર્ષે 19 મે-2015 સુઘીમાં તેમણે 15 દિવસ વિદેશ પ્રવાસ કરીને તેમણે 10 દેશોની મુલાકાત લીધી છે. મોદી પોતાની દરેક વિદેશ યાત્રામાં ભારત સંદર્ભે બોલવાનું ચુકતા નથી.

ફ્રાન્સની યાત્રા દરમિયાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ સાથે નૌકાવિહાર કરીને ચર્ચા કરી હતી. તેમની દરેક વિદેશ યાત્રામાં આવી કોઈને કોઈ વિશેષતા હોય છે. મોદીની વિદેશ યાત્રા પાછળ ઈકોનોમિક ડીલ સાથે એનઆરઆઈ અને ભારતીય મૂળના લોકોની સાથે મુલાકાતો અને સભાઓને વડાપ્રધાને સંબોધનો કર્યા છે. અપ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોને ભારત સાથે જોડવાની કોશિશ અને તેમની સાથે વાતચીતથી બ્રાન્ડ ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે. સાથે વિદેશમાં વસતા ભારતીયોને દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાના પ્રયત્નો સાથે દેશના વડાપ્રધાન તેમને ભૂલ્યા નથી.. તેવો ભાવ પણ પેદા થઈ રહ્યો હોવાની માન્યતા પ્રવર્તી રહી છે.

મહત્વપૂર્ણ છે કે મોદીના મિશન પીએમ માટે વિદેશમાં વસતા ભારતીયોએ લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં મોટો રસ લીધો હોવાની વાત પણ ભૂલવી જોઈએ નહીં. નરેન્દ્ર મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે કે જેમણે વિદેશમાં વસતા ભારતીયો સાથે સૌથી વધારે સંવાદ કર્યો છે. ત્યારે બની શકે કે એનઆરઆઈમાં બ્રાન્ડ ઈન્ડિયા અને બ્રાન્ડ મોદી એકબીજાના સમાનાર્થી બનીને પ્રસ્થાપિત થાય.


દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિને પહોંચાડી છે. તેના માટે ભગવદ ગીતા.. મહાત્મા ગાંધી... ભગવાન બુદ્ધ... ભારતનું ચિંતન.. પર્યાવરણ અને શાંતિના સંદર્ભમાં કરતા રહ્યા છે.

નરેન્દ્ર મોદી 2002થી તેમની બની ચુકેલી એક કથિત છબી સામે યુદ્ધ ખેલતા રહ્યા છે. આ જંગમાં જીત મેળવીને તેઓ વડાપ્રધાન બનવામાં સફળ થયા છે. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી કેટલીક આશંકાઓને દૂર કરવા માટે મોદીએ એક અલગ પ્રકારની રણનીતિ સાથે પોતાને એક વિકાસવાદી.. શાંતિપ્રિય.. કુશળ પ્રશાસક તરીકે પ્રસ્થાપિત કરીને વૈશ્વિક નેતાઓની કક્ષામાં લાવવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા છે. ચોક્કસપણે ભારતના વડાપ્રધાન હોવાના નાતે આમ કરવું માત્ર મોદી માટે જ નહીં પણ ભારતના હિતોના સંરક્ષણ માટે પણ જરૂરી છે.

નરેન્દ્ર મોદીએ ભારતને સોફ્ટ પાવર તરીકે રજૂ કરવા માટે દેશની શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે ભગવાન બુદ્ધની મોટાભાગના વિદેશ પ્રવાસોમાં વાત કરી છે. તેમણે નેપાળ- ભૂટાન- જાપાન- શ્રીલંકા સહીતના દેશોમાં શાંતિ અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ ભારત સાથે જોડાણના ઈરાદે ભગવાન બુદ્ધને યાદ કર્યા છે.

ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમ સંદર્ભે એનપીટી પર હસ્તાક્ષર નહીં કરવાને કારણે યુરેનિયમનો પુરવઠો મેળવવામાં કેટલીક અડચણો હતી. પરંતુ આવા સંજોગોમાં અમેરિકા.. કેનેડા.. ઓસ્ટ્રેલિયા.. ફ્રાન્સ.. જાપાન.. જેવા દેશોમાં તેમણે મહાત્મા ગાંધીની અહિંસક લડતને અવાર-નવાર યાદ કરાવી છે. અમેરિકા.. ઓસ્ટ્રેલિયા.. ફ્રાન્સ.. જેવી વિદેશ યાત્રામાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતીમાની મુલાકાત લઈને માલ્યાર્પણ પણ કર્યું છે. આતંકવાદની લડાઈમાં પાકિસ્તાનની આતંકી માનસિકતાને હાસિયામાં ધકેલીને અમેરિકા અને પશ્ચિમના દેશો સાથે આતંક સામેના જંગમાં ભારતનો અભિપ્રાય રજૂ કરવા માટે પણ મહાત્મા ગાંધીના કેટલાંક સંદર્ભો અવશ્યપણે પરોક્ષપણે ટાંકીને ભારતની શાંતિપ્રિયતાનો મુદ્દો રજૂ કર્યો છે. જેના કારણે આતંકના આકાઓ દ્વારા જમ્મુ-કાશ્મીર મામલે ખેલાતા ખૂની ખેલને ખુલ્લો પાડી શકાય.

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પહેલીવાર વૈશ્વિક નેતાઓને શ્રીમદ ભગવદ ગીતા ભેંટ આપી છે. શ્રીમદ ભગવદ ગીતા હિંદુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. મહાભારતના યુદ્ધ વખતે અન્યાયને પરાજિત કરવા ન્યાયની લડાઈ લડવા અર્જુનને આપવામાં આવેલો ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ શ્રીમદ ભગવદ ગીતામાં છે. નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ગાંધીજી દ્વારા લિખિત શ્રીમદ ભગવદ ગીતાની પ્રતિ ભેંટ કરી હતી. તો જાપાનના વડાપ્રધાન શિંજો આબેને પણ તેમણે ગીતા ભેંટ કરી હતી. જાપાનમાં નરેન્દ્ર મોદીએ ગીતા ભેંટ કરવાના મામલે ઘરઆંગણે થઈ રહેલી સેક્યુલારિઝમના નામે ટીકાઓને જવાબ પણ આપ્યો હતો. જેના ગૂઢાર્થો ઘરઆંગણાની રાજનીતિ અને વિદેશ માટે પણ ઘણાં મહત્વના છે.

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના મુદ્દા ઉઠાવતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય તત્વચિંતનને વૈશ્વિક મંચો પર મૂક્યું છે. યુનો હોય.. જાપાન હોય.. અમેરિકા હોય.. ઓસ્ટ્રેલિયા હોય.. કે અન્ય કોઈ દેશ જ્યાં પણ સંદર્ભો હતા... ત્યાં તેમણે ભારતની પર્યાવરણપ્રેમી ભારતીય તત્વચિંતનને વિશ્વ સામે મૂક્યું... પછી તે ગાયનું દૂધ પીવાય..ગાયને કપાય નહીં તેવું જાપાનમાં કરેલું નિવેદન હોય કે પર્યાવરણની જાળવણી માટે ભારતીયોની જીવનપદ્ધતિ સાથે સંકળાયેલા મુદ્દા હોય.

ભારતને શાંતિપ્રિય.. પર્યાવરણ મિત્ર.. ન્યાયપ્રિય દર્શાવવા સાથે પોતે પણ આ મૂલ્યોમાં માનતા હોવાનું તેમણે વૈશ્વિક મંચો પર દર્શાવ્યું છે. જેનો સીધો અર્થ છે કે ભારત વિશ્વમાં એક મોટી ભૂમિકામાં આવે... તો તેના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પણ વૈશ્વિક નેતાની ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે.. આવા સમયે પ્રગતિશીલ અને શાંતિપ્રિયતા માટેની પ્રતિબદ્ધતા આંતરરાષ્ટ્રીય મંચો પર રજૂ કરવી પણ ખૂબ જરૂરી છે. તેમણે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય બનાવવા માટેની બાબતોની રજૂઆત પણ વિદેશમાં વસતા ભારતીયોની સભામાં કરી છે.

યુનો દ્વારા વિશ્વ યોગ દિવસની જાહેરાત કરવામાં આવી છે.. તેના માટે યોગની વૈશ્વિક મંચ પર પીએમ મોદીની રજૂઆતની સીધી અસર છે.

27 સપ્ટેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે યુનોની અંદર વાજપેયીની પરંપરાને આગળ વધારતા હિંદીમાં સંબોધન કર્યું હતુ. આ ભાષણમાં તેમણે આખરી તબક્કામાં વિશ્વમાં લોકોના આરોગ્યનો મુદ્દો ઉઠાવીને યોગની જરૂરિયાત હોવાની વાત આગ્રહપૂર્વક આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગ સંદર્ભેની વાતની ઘણી મોટી અસર ઉભી થઈ હતી. મોદીની યોગ માટેની જરૂરિયાતનું 170થી વધારે દેશોએ સમર્થન કર્યું છે. તો 11 ડિસેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની ઘોષણા પણ કરી છે. ભારતીય યોગને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવા માટે બનેલી વૈશ્વિક સમજૂતી ભારતીય સંસ્કૃતિ અથવા તો બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્વિક પટલ પર મજબૂતી મળવા જેવું છે. સાથે વૈશ્વિક મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત સ્વીકારવામાં આવી રહી છે તેના પણ સંકેત મળી રહ્યા છે.

ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતની આઈટી ક્ષેત્રની કાબેલિયતનો દેશ માટે પુરો ઉપયોગ કરવાની મોદીની મનસા છે. પરંતુ તેની સાથે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વૈશ્વિક પટલ પર ભારતની સારી છાપ ઉપસાવીને દેશના સક્ષમ આઈટી પ્રોફેશનલ્સની શાખને આધારે ઉભી કરવા ઈચ્છ છે.

2011ના વસ્તીગણતરીના આંકડા પ્રમાણે ભારતમાં લગભગ 75 ટકા લોકો જ સાક્ષર છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવા કૃતસંકલ્પ દેખાઈ રહ્યા છે.

મોદીએ પોતાની જાપાન યાત્રામાં કહ્યુ હતુ કે કેટલાંક લોકો વચ્ચે ભારતની છબી સાપ સાથે ખેલતા મદારીઓના દેશની છે. મોદીએ કહ્યુ કે પહેલા સાંપથી રમતા હતા અને હવે માઉસથી રમીએ છીએ. તેમણે કહ્યુ કે જ્યારે ભારતીયો માઉસ ચલાવે છે.. ત્યારે દુનિયા ચાલે છે.

કેનેડાના પ્રવાસ દરમિયાન તેમણે દુનિયાભરમાં પોતાની આવડતનો ડંકો વગાડનારા આઈટી પ્રોફેશનલ્સના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ગુગલ.. માઈક્રોસોફ્ટ જેવી ડિજિટલ ક્ષેત્રમાં નિર્માણ થયા છે.. પરંતુ ભારતીયોની આઈટી ક્ષેત્રમાં મોટી આવડત છતાં દેશમાં આવી કોઈ વસ્તુ વિકસિત કરી શકાઈ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરેલો મુદ્દો બિલકુલ અર્થપૂર્ણ છે. મોદી એક તરફ દેશને ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામથી આખા દેશને ઈન્ટરનેટથી જોડવા તૈયાર છે. પરંતુ દેશની લચ્ચડ માળખાગત સુવિધાઓને કારણે આ સપનું શહેરો સુધી જ મર્યાદીત રહે તેવી શક્યતા વધારે છે. માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને દેશના ગામેગામ પહોંચાડવો હશે તો પહેલા માળખાગત સુવિધાઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવું પડશે.

ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ક્રાંતિની મનસા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની વાત તેમના મોટાભાગના ભાષણોમાં કરતા રહે છે. પરંતુ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ પર વિપક્ષે કટાક્ષ અને ખુદ રિજર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને કેટલાંક સૂચનો કર્યા છે.

મેક ઈન ઈન્ડિયા દ્વારા મોદીને ભારતના મૈન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને નિકાસ વધારવી છે. નિકાસ વિદેશી હૂંડિયામણ માટે ખૂબ મહત્વની હોય છે. ભારતમાંથી કાચોમાલ બહાર જાય છે અને તેને મેન્યુફેચર્ડ થયા બાદ આયાત કરવો પડે છે. આવી સ્થિતિમાં ભારતના અર્થતંત્રને ગગડતા રૂપિયા સાથે ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારત સૌથી વધારે ડિફેન્સ સેક્ટરમાં આયાત કરે છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ડિફેન્સ સેક્ટર સહીતના ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ મામલે ભારતને પગભર બનાવવાની મોદીની ઈચ્છા છે. જેનાથી ભારત વ્યૂહાત્મક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની સૈન્ય ક્ષમતા નોંધપાત્ર ખર્ચ ઘટાડીને હાસલ કરી શકશે. પરંતુ મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતને વિશ્વની ફેક્ટરી બનાવવાની મનસા ઘણો મોટો સમય માંગી લે તેમ છે.

પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પગભર થયેલું ભારત નિકાસ વધારી શકશે.. આવા સંજોગોમાં ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશોમાં ફેલાશે અને તેના કારણે બ્રાન્ડ ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં.. મેક ઈન ઈન્ડિયા દેશમાં નોકરીઓની અપાર સંભાવના પેદા કરી શકે છે.. તેનાથી બેરોજગારી ઘટવાની અને લોકોના જીવનસ્તરમાં વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

પરંતુ ભારતમાં સ્કિલ્ડ લેબરની અછત.. માળખાગત સુવિધાની ઉણપ.. વેપાર સ્થાપવા માટેની કાયદાકીય અડચણો.. સહીતના ઘણાં મુદ્દા મેક ઈન ઈન્ડિયા માટે પડકારજનક છે. તો વૈશ્વિક બજારોમાં ચીનના સસ્તા માલસામાન અને પશ્ચિમ તથા અમેરિકા-જાપાનના ગુણવત્તાસભર ઉત્પાદનો સામે ભારતના ઉત્પાદનોને પ્રતિસ્પર્ધાનો સામનો પણ કરવાનો છે.

બીજી તરફ મેક ઈન ઈન્ડિયા મામલે વિપક્ષે ખૂબ આકરા વાર કર્યા છે. ખેડૂતોના આપઘાતનો મામલો અને ખેતીની થઈ રહેલી ઉપેક્ષાના મુદ્દો ઉઠાવીને વિપક્ષે મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે. 56 દિવસની રજાઓ ગાળીને પાછા ફરેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ખેડૂતો- મજૂરો- ગરીબો મેક ઈન ઈન્ડિયા નથી કરતા શું..

તો બીજી તરફ રિજર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને મોદીને મેક ઈન ઈન્ડિયા પર સૂચન કર્યુ હતુ કે આ પ્રોગ્રામ ચીનની નિકાસ કેન્દ્રીત વૃદ્ધિની નીતિની નકલ છે. રાજને કહ્યુ હતુ કે આ સ્કીમ મેક ફોર ઈન્ડિયા હેઠળ ઘરેલુ બજાર માટે ઉત્પાદનો બનાવવા પર કેન્દ્રીત હોવી જોઈએ.

ભૂકંપ બાદ નેપાળમાં રાહત-બચાવ કાર્ય અને યમનમાંથી ભારતીયોની વાપસી કરાવવાના અભિયાનમાં 40 દેશોના કેટલાંક નાગરિકોને સુરક્ષિત કાઢવાની મોદી સરકારની કામગીરીના ખૂબ વખાણ થયા છે. સાર્ક દેશોના નેતાઓને શપથવિધિમાં આમંત્રણ અને ઓબામાને પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી માટે રાજી કરવાથી પણ બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત થતી હોવાની એક માન્યતા પ્રવર્તી રહી છે.

નેપાળમાં તાજેતરમાં આવેલા ખતરનાક ભૂકંપમાં સાત હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. પાડોશી દેશ તરીકે મુશ્કેલીમાં મુકાયેલા નેપાળને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન મૂકીને મદદ કરવાના પગલા ઉઠાવ્યા છે. ભારતીય સેના અને તબીબોની ટીમો તાત્કાલિક નેપાળમાં રાહત અને બચાવ કામગીરીમાં મોકલી દીધી હતી. નેપાળના વડાપ્રધાન સુશીલકુમાર કોઈરાલાએ પાડોશી દેશ તરીકેની ભારતની ભૂમિકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારતના રાહત અને બચાવ કાર્યના અભિયાનની અમેરિકા સહીતના દેશોએ પ્રશંસા કરી છે.

યમનમાં હૂતી વિદ્રોહીઓ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહ કેટલાંક દિવસ ત્યાં રોકાયા હતા. પાકિસ્તાન સહીતના અન્ય દેશોના લોકોને પણ ભારતે મદદ કરી હતી. જેની ઘણાં દેશોએ પ્રશંસા કરી છે.

ભારતને પ્રાદેશિક સ્તરે આગેવાન તરીકે સ્થાપિત કરવાના ઈરાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક દેશો સાથે સતત સારા સંબંધો માટે કોશિશો કરી રહ્યા છે. મોદીએ શપથવિધિમાં સાર્ક દેશોના શીર્ષસ્થ નેતાઓને આમંત્ર્યા હતા. આવું પહેલા ક્યારેય કોઈપણ વડાપ્રધાનના કાર્યકાળમાં બન્યું નથી. તો મંગળયાનના લોન્ચિંગ વખતે કરેલા સંબોધનમાં સાર્ક દેશો માટે સેટેલાઈટ બનાવવાની વાત પણ મોદી કરી ચુક્યા છે. સાર્ક દેશોમાં સહકાર ઉભો કરવાની વડાપ્રધાન મોદીની આ રણનીતિને ભારતની સારી છબીને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે એક સારું પગલું માનવામાં આવે છે.

26 જાન્યુઆરી-2015ના રોજ પ્રજાસત્તાક દિવસના સમારંભમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. બંને નેતાઓએ સાથે મળીને સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. રેડિયો પર મન કી બાત કરી.. તો 2005માં વીઝા વિવાદ બાદ ઓબામાના આમંત્રણ બાદ મોદીએ સપ્ટેમ્બર-2014માં કરેલી અમેરિકા યાત્રામાં ઓબામા સાથે બે વખત મુલાકાત કરી હતી. જેમાં બંને નેતાઓ વચ્ચે સારી કેમેસ્ટ્રી ઉભી થવાના સંકેતો મળ્યા હતા. ઓબામા અને મોદીએ અમેરિકી અખબારમાં સંયુક્ત તંત્રીલેખ પણ લખ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મ્યામાર ખાતેના આસિયાન સંમેલનમાં મોદીને મેન ઓફ એક્શન કહીને પ્રશંસા પણ કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ઘનિષ્ઠતાઓ વધી રહી છે.

ઓબામા પોતાના એક કાર્યકાળમાં ભારત આવનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ છે. જો કે તેમણે ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે ઉપદેશો આપીને મોદી સરકાર માટે કેટલીક વિમાસણભરી પરિસ્થિતિ ઉભી કરી છે. પરંતુ દિલ્હી ખાતેની સંયુક્ત પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને બરાક કહીને સંબોધિત કર્યા અને ટેલિફોન પર બંને નેતાઓ વચ્ચે વાતચીત થતી રહેતી હોવાનો ખુલાસો ખુદ વડાપ્રધાન મોદીએ કર્યો હતો. જેના કારણે ઓબામા સાથેની તેમની કેમેસ્ટ્રીના સારા સંકેત મળી રહ્યા છે. આ તમામ બાબતો સંકેત કરી રહી છે કે બ્રાન્ડ ઈન્ડિયાને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને તેની પાછળ વૈશ્વિક સ્તરે બ્રાન્ડ મોદી પણ પ્રસ્થાપિત થઈ રહી છે.

સ્વચ્છતા અભિયાન અને શૌચાલય બનાવવાના કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયા છે. જેના કારણે તેમની ટૂરિજમને પ્રોત્સાહન આપવાની નીતિને વધુ ઈંજન મળશે તેવા દાવા કરાય છે.. સાથે ભારતના લોકોને સારું આરોગ્ય પણ મળી શકશે અને ભારતની વિશ્વમાં છબી પણ ઘણી સારી રીતે ઉભરશે. પરંતુ સ્વચ્છતા અભિયાન માત્ર વડાપ્રધાનની નજરે ચઢવા માટેનું માધ્યમ ગણવામાં આવે તો તે આડંબરથી વધારે કંઈ થવાનું નથી.

15મી ઓગસ્ટે લાલકિલ્લા પરથી દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી ગંદકી ભગાડીને સ્વચ્છતા અભિયાન માટે સંકલ્પબદ્ધતા દેશ સામે મૂકી હતી. 2 ઓક્ટોબરે ગાંધીજયંતીના અવસરે સ્વચ્છતા અભિયાનની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડુંથી સફાઈ કરીને શરૂઆત કરી હતી. મોદીના સ્વચ્છતા અભિયાનમાં સચિન તેન્ડૂલકરથી માંડીને ઘણી મોટી સેલિબ્રિટિએ ભાગ લીધો છે. સરકારના પ્રધાનો.. ભાજપના નેતાઓ.. વિપક્ષના કેટલાંક નેતાઓએ પણ વડાપ્રધાનનના સ્વચ્છતા અભિયાનને આવકાર્યું અને તેમાં ભાગ પણ લીધો છે.

ગંદગીને હટાવીને સ્વચ્છ ભારત બનાવવાનો એક ફાયદો વિશ્વના પર્યટકોને ભારતમાં આકર્ષિત કરવામાં સફળતા મળવાની સંભાવના તરીકે જોવાઈ રહ્યો છે. ભારતમાં ગંદગી જોઈને પર્યટકો તેની ચર્ચા કરતા હોય છે. ત્યારે તેનાથી ભારતની છબી વૈશ્વિક સ્તરે પણ ખરડાતી હોય છે. આવા સંજોગોમાં સ્વચ્છતા અભિયાનથી બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત બનીને ભારતની વિદેશોમાં સારી છબી રજૂ કરી શકાય તેમ છે. જો કે મોદીના સ્વચ્છતા અભિયાન વખતે ઘણાં સવાલો પણ ઉભા થયા હતા. જ્યારે મીડિયામાં સફાઈના નામે પહેલા સૂકા પાંદડા બિછાવીને દિલ્હી ભાજપના કેટલાંક નેતાઓએ સ્વચ્છતા અભિયાનનો દેખાડો કર્યો હતો.

ગંગાનું શુદ્ધિકરણ અને ઘાટોની સફાઈનો પણ વડાપ્રધાનનો વાયદો છે. પરંતુ સ્વચ્છતા અભિયાનને કેટલી સફળતા મળી છે... તે અભ્યાસનો વિષય છે. જો કે સારી વાત એ છે કે સ્વચ્છતાનો મામલો લોકો માટે ચર્ચાનો મુદ્દો તો બની ચુક્યો છે. બીજો મામલો ખુલ્લામાં શૌચ કરવાના મામલે ભારત દુનિયામાં સૌથી આગળ હોવાનો છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી શૌચાલય દરેક ઘરમાં બનાવવાની વાત કરી છે.. તો મહિલાઓના સમ્માન સાથે શૌચાલયની જરૂરિયાતને જોડીને તેમણે વિદેશોમાં પણ કહ્યુ કે તેમને દરેક શાળામાં કન્યાઓ માટે શૌચાલય બનાવવાનું કામ હાથ પર લેવામાં કોઈ સંકોચ નથી.

સ્વચ્છતા અભિયાનમાં કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા એક નિવેદને વિપક્ષને ભડકાવ્યું છે. મોદીએ કહ્યુ હતું કે 60 વર્ષ ગંદકી કરનારા ગંદકી કરીને ચાલ્યા ગયા.. હવે તેઓ સફાઈ કરી રહ્યા છે.

હાલ સ્વચ્છતા અભિયાનને કેટલી સફળતા મળી છે.. તેના ક્યાસો અને દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે. સ્વચ્છતા અને શૌચાલય નિર્માણના અભિયાનો ખરેખર લોકોના આરોગ્ય સાથે સંકળાયેલા અને દેશની છબીને વિશ્વ સામે સારી બનાવનારા છે. પરંતુ તેનો ઉપયોગ માત્ર રાજકીય સરસાઈ મેળવવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજરોમાં વસી જવા માટે કરવો આડંબરથી વિશેષ કશું નથી. સ્વચ્છતા અભિયાન જન-જનનું અભિયાન બનવું જોઈએ... તે જીવનશૈલીનો ભાગ બનાવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે માત્ર ભાષણબાજી અને વાયદાબાજી કરનાર રાજનેતાની એક નકારાત્મક છબી પણ વિપક્ષો દ્વારા ઉપસાવાની કોશિશ થઈ રહી છે. ચૂંટણી વખતે કરેલા વાયદા પુરા નહીં થયા હોવાન મુદ્દો ઉછાળીને મોદીના બેવડા ધોરણો અને આડંબરો કરતા હોવાના મામલે પણ ચણભણાટ સપાટી પર આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ 700 જેટલી સભાઓ અને રેલીઓ ગજવીને વાયદા પર વાયદાઓ કરીને ભારતની જનતાના મબલખ વોટ મેળવ્યા છે. ત્રીસ વર્ષમાં પહેલી વખત પૂર્ણ બહુમતીવાળી સિંગલ પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી છે. પરંતુ એક વર્ષના અંતે મોદીના ભાષણો અને વિદેશ યાત્રાઓથી જ્યાં એક તરફ દેશને ફાયદો થયો છે.. તો બીજી તરફ તેના કારણે ખુદ વડાપ્રધાન મોદીની એક નકારાત્મક છબી પણ ઉપસી રહી છે. કોમોડિટી ટ્રેડિંગ ગુરુ અને હેજ ફંડ મેનેજર જિમ રોજર્સે કહ્યુ છે કે મોદી માત્ર બોલે છે.. કંઈ કરતા નથી. આમ જોવામાં આવે તો જિમ રોજર્સની મોદી માટેની ટીપ્પણી બ્રાન્ડ ઈન્ડિયા એટલે કે બ્રાન્ડ મોદી માટે એક આંચકો છે.

જિમ રોજર્સના કહેવા પ્રમાણે... મોદી સરકાર સત્તામાં આવી છે.. ત્યારથી તેમણે માત્ર વાતોના વડા કર્યા છે અને તેણે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે કોઈ નક્કર પગલા ઉઠાવ્યા નથી. તેમણે ભાજપ સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક આક્રમણ કર્યું છે કે આ બંને રાજકીય પક્ષો પહેલા પણ ભારત માટે સારા ન હતા અને ક્યારેય સારા થઈ શકે તેમ પણ નથી.

જો કે તેની સાથે ઘણી વૈશ્વિક સંસ્થાઓ ભારતમાં નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા આર્થિક સુધારાના વખાણ કરી રહ્યા છે.. તેનાથી ભારતનો વિકાસ નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે તેવા અનુમાનો પણ કરી રહ્યા છે. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મોદીની પ્રશંસા કરતો એક અભિપ્રાય ટાઈમ મેગેઝીનમાં આપ્યો છે.

મોટી લોકચાહના સાથે મોદીનું કરિશ્માઈ વ્યક્તિત્વ ભાજપની જીત માટેની મોટું કારણ છે. વિદેશમાં વસતા ભારતીયો માટે નરેન્દ્ર મોદી માટેની ચાહના હજી પણ મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. પણ ઘણાં મામલે મોદીના બેવડા ધોરણો અને આડંબરોથી તેમના ચાહકો પણ વિચલિત થઈ રહ્યા છે. એક નેતા અને વ્યક્તિ તરીકે મોદી સામે કોઈને કોઈ પ્રકારનો વાંધો નથી. પરંતુ ચોક્કસ પણે તેમના આડંબરો અને એક્શન વગરની ભાષણબાજીથી લોકોનો હવે મોહભંગ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદી માટે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત બનાવવા માટે નક્કર પરિણામોનો અહેસાસ પણ પોતાના ચાહકોને ઝડપથી કરાવવો પડશે.

365 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 વિદેશ યાત્રાઓ અને કુલ 48 દિવસ દેશની બહાર રહેવાના મુદ્દાને વિપક્ષે ખૂબ વ્યંગાત્મક લહેજાથી ઉઠાવ્યો છે. સંસદથી માંડીને સડક સુધી મોદીના ઝંઝાવાતી ગગનવિહાર અને વિશ્વવિહારને કારણે એક નકારાત્મક છબી ઉપસી રહી છે.

ગ્લોબલ વિલેજ બની ચુકેલી દુનિયામાં રાષ્ટ્રહિતમાં દેશની વ્યૂહાત્મક અને આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે અન્ય દેશો સાથેના સંબંધો ખૂબ મહત્વના હોય છે. તેના માટે વિદેશ નીતિ અને વડાપ્રધાનના વિદેશ પ્રવાસનું મહત્વન વધી જાય છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ વિદેશ નીતિમાં વાઈબ્રન્સી લાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ છે.. પણ વિદેશ નીતિનું ડ્રાઈવિંગ ખુદ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. વિદેશ નીતિના સારા પરિણામો પણ દેખાઈ રહ્યા છે.

પરંતુ મોદીના વિદેશ પ્રવાસો વિપક્ષના નિશાને સંસદમાં રહ્યા છે... તો સામાન્ય માણસ પણ સમજી શકતો નથી કે આટલા મોટા પ્રમાણમાં વિદેશ પ્રવાસો કરવાની વડાપ્રધાન મોદીને જરૂર શું છે... તાજેતરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી હાલ ભારતના પ્રવાસે છે અને તેઓ પંજાબમાં જઈને ખેડૂતોના હાલચાલ પણ જાણે.. સંસદમાં મોદીના વિદેશ પ્રવાસનો મામલો મોટા વિવાદનું કારણ બન્યો છે. સંસદના મોદીજીને વીઝા મળી ગયા હોવા સુધીની ટીપ્પણી કરીને વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પર આકરા વ્યંગબાણ છોડવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના ખર્ચાની વિગતો માંગવામાં આવી છે. કરોડોના ખર્ચાના અંદાજ લગાવવામાં આવે છે. તો વિદેશ યાત્રાની ફળશ્રુતિ પર પણ કેટલીક આશંકાઓ અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આવા સંજોગોમાં વાસ્તવિક સ્થિતિ નહીં પહોંચવાથી દેશના એક મોટા વર્ગના મનમાં મોદીની છબી એક વિશ્વવિહારી વડાપ્રધાન તરીકેની જ ઉપસી રહી છે. ત્યારે એક તરફ મોદી વિદેશોમાં ભલે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત કરી રહ્યા હોય પણ દેશના એક મોટા વર્ગ પર તેની નકારાત્મક અસર દેખાઈ રહી છે. વિપક્ષના હાથમાં મોદી સામે મોરચો માંડવા માટે એક મોટો મુદ્દો પણ હાથ લાગ્યો છે. તેથી મોદીએ બ્રાન્ડ ઈન્ડિયાને ઝાંખપ લાગે નહીં તેના માટે કેટલાંક અસરકારક પગલા ભરવાની અને વિપક્ષ તથા લોકોની આશંકાઓ દૂર કરવાની પણ જરૂર છે.

દર વર્ષે 1.20 કરોડ નોકરીઓ પેદા કરવા ભારતને રોજગારલક્ષી આર્થિક નીતિ જરૂરી

- આનંદ શુક્લ
મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વકાંક્ષા ધરાવે છે. તેના સંદર્ભે કરતા દાવામાં દર વર્ષે 1 કરોડ 20 લાખ લોકોને રોજગાર પુરા પાડવાની વાતો ચર્ચાઈ રહી છે. પરંતુ 1991-92થી ઉદારવાદના વાવાઝોડામાં ભારતની આજ સુધીની સરકારો રોજગાર આપી શકે તેવી આર્થિક નીતિનું નિર્ધારણ કરી શકી નથી. ત્યારે મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા અને એક કરોડથી વધારે લોકોને દર વર્ષે રોજગારી આપવાની વાત કરે છે.. ત્યારે આર્થિક નીતિમાં પાયગત ફેરફારો વગર આ વાતો હથેળીમાં ચાંદ જોવા બરાબર જ ભાસી રહી છે.

8મી એપ્રિલે યોજના પંચને વિખેરી નાખીને નીતિ પંચને અમલી બનાવવામાં આવ્યું છે. નીતિ પંચના અધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ ઉદ્યોગગૃહની સીસીઆઈઆઈની વાર્ષિક સભામાં જણાવ્યું હતું કે વધુ મજૂરોને રોજગારી આપે તેવા ઉદ્યોગોમાં ઔદ્યોગિક ગૃહો તરફથી રોકાણ શા માટે કરાતું નથી? પનાગરિયાના સંબોધન પ્રમાણે.. દર વર્ષે ભારતની વસ્તીમાં એક કરોડ 20 લાખ લોકો રોજગારીને લાયક બને છે અને તેમને રોજગારી પુરી પાડવાની જરૂરી છે. તેમણે ભારતના ઔદ્યોગિક ગૃહોને ફૂડ પ્રોસેસિંગ.. ઈલેક્ટ્રોનિક એસેમ્બલી અને ચર્મ ઉદ્યોગમાં મોટું રોકાણ કરવા માટે સુચવ્યું છે.

પરંતુ મોદી સરકારના મેક ઈન ઈન્ડિયાના લક્ષ્ય અને નીતિ પંચના પહેલા અધ્યક્ષ અરવિંદ પનાગરિયાની વાતમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે ભારતીય તેમજ વિદેશી મૂડીરોકાણમાં મોટો વધારો કરવાનું છે. આખા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોદીની મનસા ઘેલછાની હદે ઉછળી રહી છે. જો કે આમા ઔદ્યોગિક વિકાસનો વિરોધ કરવાની કોઈ લાગણી નથી. માત્ર વાત એટલી જ છે કે ઔદ્યોગિક વિકાસમાં કેટલાંક દેશી-વિદેશી ઉદ્યોગગૃહોનો જ વિકાસ નહીં.. પણ લોકોને પણ તેના ફળ ચાખવા મળે.. ભારતની વસ્તીના 65 ટકા લોકો યુવાવર્ગના છે. ત્યારે તેમને સતત રોજગારી મળી રહે તેની તાતી જરૂરિયાત છે. પરંતુ માત્ર દેશીવિદેશી મૂડીરોકાણોના વધવાથી જ દેશમાં રોજગારી વધી જશે.. તેવી કોઈ શક્યતા ચોક્કસ નીતિ વગર હકીકત બનવાની નથી.

છેલ્લા 10 વર્ષના વિકાસની હકીકતો જોતા દર વર્ષે એક કરોડ 20 લાખ નોકરીઓ પેદા કરવાની વાત અત્યંત અઘરી લાગી રહી છે. 1999થી 2009-10 વચ્ચેના સમયગાળામાં જાહેર અને ખાનગી ક્ષેત્રોએ સાથે મળીને રોજગારી વર્ષે માત્ર એક ટકાના દરે વધી શકી છે. 2011માં ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ 5.6 ટકાના દરે વધી હતી. બીજી તરફ ખેતીનો જીડીપીમાં હિસ્સો ઘટીના માત્ર 14 ટકા થઈ ગયો છે. પરંતુ ભારતના અર્થતંત્રમાં રોજગારી પેટે ખેતી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રો દ્વારા ભારતની 58 ટકા રોજગારી આપી રહી છે.

1991-92થી ઉદારીકરણના યુગની શરૂઆતથી જ દેશના લગભગ પોણા ભાગની રોજગારી આપતા ખેતીના ક્ષેત્રની ઘોર અવગણના કરાઈ છે. જેના કારણે છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં અંદાજે સાડા ત્રણ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા છે. તાજેતરમાં કમોસમી વરસાદમાં બરબાદ થયેલા પાકને કારણે ફરીથી ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠયો છે. તો તેમાં જમીન સંપાદન બિલ સંદર્ભેની આશંકાઓ વચ્ચે ખેડૂતો વધુ ચિંતાતુર બન્યા છે. ત્યારે ખેતી પર ગમે તેવી રીતે નભતા 58 ટકા લોકોને તેના પ્રત્યે ઉપેક્ષિત વલણ સરકાર ઉદ્યોગ તરફી હોવાનું લાગવું સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ હોય તેવું પણ પ્રતિપાદીત લાગે છે.

હાલ ખેતીમાં મનરેગા કે ટૂંકી રોજગારી પર નભતી ભારતની જનતાને ગામડું છોડીને વધતી મોંઘવારી વચ્ચે શહેરોમાં હિજરત કરવાની ફરજ પડે છે. આજે ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શહેરોનો હિસ્સો છે. અહીં ગરીબો ગંદી વસ્તી અને ફૂટપાથ પર દિવસો કાઢી રહ્યા છે. તેમને કોઈ પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. હવે પાછું ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શાસકોને ખંટાઈ રહી છે. મોદી સરકાર હવે 500 સ્માર્ટ સિટી બનાવવાના લક્ષ્ય પર આગળ વધવા માંગે છે. 100 સ્માર્ટ સિટીની યોજનાને કેબિનેટની મંજૂરી પણ મળી ચુકી છે.

પરંતુ સવાલ એ છે કે આવી સ્માર્ટ સિટીમાં ભારતના ગરીબોને કેવી રીતે વસાવવામાં આવશે? બાકી શહેરમાં પલાયન નહીં કરનારા શ્રમજીવીને ઓછામાં ઓછું સ્વચ્છ હવા તો મળે છે... બાકી માની લેવામાં આવે કે વધુ રોજગારી તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રથી મળશે અને તેના કારણે ગામડામાં જમીન પરનું ભારણ ઓછું કરવા જમીન સંપાદન સરળ બનાવવું જોઈએ.. પરંતુ મેક ઈન ઈન્ડિયામાં કમ સે કમ ખેડૂતના સંતાનને પટાવાળા.. કલાર્ક અને ચોકીદારની નોકરી મળશે તેવી ગણતરી રાખવામાં આવે તો પણ ઔદ્યોગિક ઉત્પાદન નોકરીઓ ઉભી કરવાનું લક્ષ્યાંક પાર પાડશે તેવું શેના આધારે માની શકાય?

અત્યારે મેન્યુફકચરિંગક્ષેત્રનો જીડીપીનો હિસ્સા માત્ર 16 ટકા છે. 2014ના જૂન ત્રિમાસિક પરિણામો પ્રમાણે ભારતના 50 શહેરોમાંના 4500 ઉદ્યોગગૃહોએ 16 લાખ 64 હજાર 670 રોજગારી ઊભી કરી હતી. તે સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામોમાં ઘટીને 1 લાખ 31 હજાર 983 થઈ હતી. ટૂંકમાં,ઔદ્યોગિક ઉત્પાદનની હાલત સફળ થશે એવું કયા આધારે માનવું? લાંબા ગાળાની વાત કરીએ તો, છેલ્લા 10 વરસમાં ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રનો સરેરાશ ઉત્પાદન વૃદ્ઘિદર માત્ર 6થી 8 ટકા રહ્યો છે. આને 10 વર્ષમાં ત્રણ ગણો કરવો કોઈ સરળ બાબત નથી.

1991ની નવી આર્થિક નીતિના અમલ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે 70 ટકાથી વધુ મૂડીરોકાણ થયું છે. પરંતુ તેનાથી ધાર્યા લક્ષ્યાંકો પાર પાડી શકાયા નથી. જો કે આ આર્થિક નીતિઓએ ખેતી ક્ષેત્રની હાલત બગાડવામાં સફળ રહી છે. તેનો સીધો ફાયદો ડબલ્યૂટીઓમાં સામેલ દેશોને થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ભારતની આર્થિક નીતિઓ શું માત્ર દેશના જ નીતિનિર્ધારકોના હાથમાં છે કે તેમના પર ઝાકમઝોળ ધરાવતા વિકસિત દેશોના વિકાસથી સરકારો અસરગ્રસ્ત હોવાથી ખેતી વિરોધી વલણ અખત્યાર કરે છે?

એક તરફ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ દેશી-વિદેશી રોકાણ વધારવાની વાતો થઈ રહી છે. વડાપ્રધાન મોદી ઝંઝાવાતી ગગનવિહાર દ્વારા વિશ્વવિહાર કરી રહ્યા છે. પરંતુ એફઆઈઆઈમાંથી વિદેશી રોકાણકારો પોતાના ફંડો પાછા ખેંચી રહ્યા હોવાથી 7 મે-2015ના રોજ રૂપિયો છેલ્લા વીસ માસની સૌથી નીચલી સપાટી સુધી ગગડયો હતો. ત્યારે એક ડોલરનો ભાવ 64 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
તાજેતરમાં ભારત સરકારના ઉદ્યોગ વિભાગે પાછલા 23 વર્ષમાં થયેલા મૂડી રોકાણ અને એના કારણે થયેલા રોજગારીના વધારાની રાજ્યવાર વિગતો આંકડા સાથે બહાર પાડી હતી. તેના પ્રમાણે ગુજરાતમાં એક કરોડ રૂપિયાના રોકાણના કારણે ચાર વ્યક્તિને રોજગારી મળી છે. આનો ખુલાસો નવી આર્થિક નીતિના ટેકેદારો આજ સુધી આપી શક્યા નથી. ઊલટાનું વધુ જોરથી આર્થિક સુધારા અમલમાં મૂકવા વૈશ્વિક દબાણ ઊભું કરે છે. નાણાં પ્રધાન અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ એજન્ડાને લાગુ કરવા માટે તેમના નિર્દેશ પ્રમાણે રોકાણકારોને બધું આપવા કમર કસી રહ્યા છે.

પ્રખ્યાત અર્થશાસ્ત્રી આઈ. એમ. લીટર અને એની ક્રુગરનું કહેવું છે કે ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા દાયકામાં ધીમું પડયું છે. તેનું કારણ સરાકરોએ માત્ર મસમોટા ઉદ્યોગો વિકસિત કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી એની ક્રુગરનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં કારખાના કાં તો એક હજાર કે તેથી વધારે કામદારોવાળા છે. અથવા તો નાના વણનોંધાયેલા એકમોવાળા કારખાનાની ભરમાર ધરાવે છે. વૈશ્વિક વિકાસના ઈતિહાસમાં 100થી 500 સુધીના કામદારોની સંખ્યા ધરાવનારા કારખાના વધુ ઉત્પાદન કરનારા અને વધુ કાર્યક્ષમ સાબિત થતા આવ્યા છે.

મોટા કારખાના તીવ્ર ક્રોની કેપિટાલિસ્ટ એટીટ્યુટ તરફ ઝોંક ધરાવતા હોવાનું દેખાયું છે. તો નાના વણનોંધાયેલા કારખાના શ્રમજીવીના શોષણનો સ્ત્રોત બનતા હોય છે. આવા સંજોગોમાં શ્રમેવ જયતેનો સૂત્રોચ્ચાર મજૂરોનું કલ્યાણ કરી શકશે નહીં.. તેના માટે મજૂર નીતિમાં ધડમૂળના ફેરફારો અને 58 ટકાને રોજગારી આપતી ખેતીને 18મી સદીની અવસ્થામાં રાખતી સરકારી માનસિકતામાં પણ ક્રાંતિકારી ફેરફારની જરૂરિયાત છે. રોજી માટે ગામડાના ગરીબોને શહેરો તરફ ધકેલવાને બદલે કસ્બાઓમાં ખેતી આધારિત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઊભા કરવા તરફ ધ્યાન આપવું જરૂરી છે. રોજગારલક્ષી રોકાણ વધુ કરાય તેવી નવી આર્થિક નીતિના અમલ મારફત વધુ રોજગારી પેદા થઈ શકશે.