Tuesday, August 23, 2011

જનમત વગરની લોકશાહી એટલે સામંતી લોકશાહી


-આનંદ શુક્લ

લોકશાહીમાં લોકો સાર્વભૌમ અને સર્વોચ્ચ હોય છે. લોકોની સાર્વભૌમિકતા અને સર્વોચ્ચતાનો મુસદ્દો દેશનું બંધારણ હોય છે. લોકતંત્ર લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતુ તંત્ર હોય, પણ તે પુરતું નથી, લોકોને તેવું લાગવું પણ જોઈએ. ભારતની સંસદીય લોકશાહીની સૌથી મોટી ખામી એ છે કે ભારતના લોકોને લોકતંત્રનો સીધો અહેસાસ થતો નથી. આ અહેસાસ તેમને ચૂંટણી વખતે જ થાય છે. આ પ્રકારનું લોકતંત્ર પૂર્ણ લોકતંત્ર કઈ રીતે કહી શકાય? લોકતંત્રની પૂર્ણતા ત્યારે જ છે, જ્યારે લોકોને દેશના મહત્વપૂર્ણ નિર્ણયોમાં સીધા સામેલ કરવામાં આવે. ભારતના લોકતંત્રમાં લોકો વોટ દ્વારા પોતાનું પ્રતિનિધિત્વ સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરોમાં રૂપાંતરીત કરે છે. ત્યારે બને છે, એવું કે આ જનપ્રતિનિધિઓ કુલડીમાં ગોળ ભાંગીને ક્યારેક, હવે તો અવાર-નવાર એવા નિર્ણયો કરે છે, કે જેની સાથે જનતા સંમત ન હોય. પણ પ્રણાલીની ખામી છે કે આવી બાબતોનો પડઘો જનતા તુરંત પાડી શકતી નથી. તેના માટે તેમને ચૂંટણી સુધીની રાહ જોવી પડે છે, તેના માટે તેઓ સત્તા પરિવર્તન કરવાની અથવા એક અન્ના હજારેની રાહ જોતા રહે છે. હકીકતમાં લોકશાહીના સ્વાસ્થ્ય માટે આવી પરિસ્થિતિ ઉભી થવી યોગ્ય નથી. પૂર્ણ લોકશાહીમાં આંદોલનોનો અધિકાર હોવા છતાં આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થતી નથી અથવા ઓછી ઉભી થાય છે.


બંધારણના ઘડવૈયાઓની આમા કોઈ ભૂલ હોવાનું કહેવાનું કોઈ તાત્પર્ય નથી. બંધારણના ઘડવૈયાઓએ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે કેટલીક જોગવાઈઓને બંધારણમાં સામેલ કરી નહીં હોય. તેના માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય, સામાજીક-રાજકીય અને અન્ય તમામ પ્રકારના પરિબળો કારણભૂત હશે.
ખેર તેની ચર્ચા અત્યારે અસ્થાને છે. પરંતુ એક વાત ચોક્કસ કરવી જોઈએ કે દેશમાં 1990થી શરૂ થયેલી લઘુમતી સરકાર અને ગઠબંધનની સરકારના ચાલે એવી લાગણી-માગણી અને જરૂરત ઉભી કરી છે કે જનભાવનાઓનો પ્રણાલી અને તંત્ર પૂર્ણ ખ્યાલ રાખે. આના માટે પ્રણાલી અને તંત્ર લોકોની ભાવના પ્રમાણે વર્તે તેવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની છે. જેથી જનતાએ સત્તા પરિવર્તન અથવા અન્ના હજારે જેવા વ્યક્તિઓના અનશન-આંદોલન સુધી રાહ ન જોવી પડે. કોઈપણ સમસ્યાના અસ્થાયી હલની જગ્યાએ તેનો તાત્કાલિક ઉકેલ કરીને સ્થાયી નિવારણની દિશામાં વિચાર કરવો જોઈએ. આવી નીતિમાં લોકતંત્રની પરિપકવતા પ્રતિબિંબિત થશે.

ત્યારે સવાલ એ છે કે આવી વ્યવસ્થા શું હોઈ શકે? દેશમાં જ્યારથી ગઠબંધન સરકારોનો તબક્કો આવ્યો છે, ત્યારથી રાષ્ટ્રીય અસ્થિરતા અને રાષ્ટ્રીય નીતિઓમાં સ્પષ્ટતાની કમી વર્તાય રહી છે. સંસદ અને ધારાસભાઓમાં લોકોના પ્રતિનિધિ એવા સાંસદો અને ધારાસભ્યો મનફાવે તેમ જનતાની ભાવનાની અણદેખી કરીને તકવાદી જોડાણો ઉભા કરીને પક્ષીય કે વ્યક્તિગત હિત સાધના માટે ઘણી વસ્તુઓ કરતાં રહે છે. અન્ના હજારે ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના પવિત્ર ઉદેશ્યથી આંદોલન કરી રહ્યાં છે. તેમનું આંદોલન સફળ થાય. શીર્ષસ્થ સ્તરે ભ્રષ્ટાચાર પર કાબૂ કરીને તેના પર લગામ લગાવવાની અન્નાની ટીમની થિયરી આંશિકપણે સાચી છે. તેના માટે લોકપાલ જેવી વ્યવસ્થા કરવામાં આવે, તેનો પણ વાંધો નથી. પરંતુ તેમાં જનભાવનાને સારી રીતે પરખવાની અને તપાસવાની જરૂર છે. તેના માટેની કોઈ પદ્ધતિનો વિચાર થવો જોઈએ. આવી પદ્ધતિમાં જનમત સંગ્રહ એટલે કે રેફરેન્ડમનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે જનમત સંગ્રહ લોકતંત્રમાં લોકોને પ્રત્યક્ષ ભાગીદારીનો અવસર આપે છે. પણ ભારતના બંધારણમાં જનમત સંગ્રહની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કે આવી જોગવાઈઓને ઉમેરવામાં ન આવે, તેવી કોઈ પાબંધી પણ કરવામાં આવી નથી.

અમેરિકી રાજનેતા જેફરસને બહુસારગર્ભિત વિચાર વ્યક્ત કર્યા હતા કે-“અમે પ્રત્યેક પેઢીને એક નિશ્ચિત રાષ્ટ્ર માની શકીએ છીએ, જેને બહુમતની મનસા દ્વારા ખુદને પ્રતિબંધિત કરવાનો અધિકાર છે, પરંતુ જેવી રીતે તેને કોઈ અન્ય દેશના નાગરીકોને પ્રતિબંધિત કરવાનો અધિકાર નથી, ઠીક તેવી જ રીતે ભાવિ પેઢીઓને બાંધવાનો પણ અધિકાર નથી.” આ વાતનો ઉલ્લેખ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની પહેલી બંધારણ સભાના સમાપન ભાષણમાં ટાંકી હતી. જેફરસનને ટાંકીને બાબાસાહેબે બીજી વાત કરી હતી કે-“રાષ્ટ્રના ઉપયોગ માટે જે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, તેમને પોતાના કૃત્યો માટે ઉત્તરદાયી બનાવવા માટે પણ તેમના સંચાલન માટે નિયુક્ત કરવામાં આવેલા લોકોના અધિકારો સંદર્ભે ભ્રાંત ધારણાઓને આધિન એ વિચાર કે તેમને છેડી શકાય નહીં અથવા બદલી શકાય નહીં, તે એક નિરંકુશ રાજા દ્વારા સત્તાના દુરુપયોગ વિરુદ્ધ એક પ્રશંસનીય જોગવાઈ છે, પરંતુ એક રાષ્ટ્ર માટે આ બિલકુલ બેતુકુ છે.”

પરંતુ આવી કોઈ વ્યવસ્થા પરિવર્તન વખતે આપણે જોન સ્ટુઅર્ટ મિલની લોકશાહી જાળવી રાખવા માંગતા લોકોને આપેલી ચેતવણી પર પણ ધ્યાન આપવું જોઈએ કે- “પોતાની સ્વતંત્રતાને એક મહાનાયકના ચરણોમાં પણ સમર્પિત ન કરે અથવા તેના પર વિશ્વાસ રાખીને તેને એવી શક્તિઓ પ્રદાન ન કરી દે કે તે સંસ્થાઓને નષ્ટ કરવા માટે સમર્થ બની જાય.” અન્ના હજારેના આંદોલનમાં જે વાત ખુલીને સામે આવી રહી છે, તે એ છે કે તેઓ દેશની બંધારણીય સંસ્થાઓને તેઓ (અન્ના) ઈચ્છે છે, તે કરવા માટે મજબૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમના તર્ક ગમે તેટલા સાચા હોય, પણ લોકતંત્રમાં આ પ્રકારની હરકત ચાલી શકે નહીં. તેના માટે કોઈ યોગ્ય લોકતાંત્રિક પ્રક્રિયા હોવી જોઈએ કે જે લોકોની ભાવના જાળવે અને માને, તથા બંધારણીય સંસ્થાઓની શક્તિ અને સમ્માનને પણ જાળવે. આવી જો કોઈ વ્યવસ્થા હોય, તો તે જનમત સંગ્રહ એક વિકલ્પ તરીકે સામે આવી શકે છે.

કોઈ મતભિન્નતા અથવા જનતાની ભાવના સંદર્ભે તોડજોડ કરતાં રાજકીય પક્ષોની વાતને અટકાવા માટે જનમત સંગ્રહ શ્રેષ્ઠ રસ્તો છે. તેમાં જનતાની ભાવના સીધી પ્રતિબિંબિત થશે અને જનપ્રતિનિધિઓને જનતાનો આદેશ મળશે કે તેઓ જે-તે મુદ્દે કેવી રીતે વર્તે, કેવી નીતિ ઘડે, કેવો કાયદો બનાવે? જનમત હંમેશા અસમાન્ય પરિસ્થિતિમાં લેવો જોઈએ, તેના માટે કોમ્યુનિકેશનના નવા યુગમાં નવી નવી પદ્ધતિઓનો સુચારુરૂપથી ઉપયોગ થઈ શકે છે. આ સિસ્ટમ સંદર્ભેના વિચાર બાદમાં બધાં સાથે મળીને કરી શકે છે. પરંતુ ઉદાહરણ તરીકે મજબૂત લોકપાલ લાવવો કે નહીં? લોકપાલ હેઠળ વડાપ્રધાન અને ન્યાયતંત્રને લાવવા કે નહીં? અને અન્ય તમામ વાતોનો ઉપયોગ જનમત સંગ્રહ કરાવીને કરી શકાય છે. આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે, તો અન્નાના અનશન અથવા આંદોલનની સ્થિતિ ઉભી થવાની શક્યતાઓ ઘણી નહીંવત રહે છે.

આ સિવાય દેશમાં રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને પણ હલકી રાજનીતિ થઈ રહી છે. આમા મુદ્દો આતંકવાદ હોય, કાશ્મીરનો હોય, કોમન સિવિલ કોડનો હોય, વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ, નાણાંકીય નીતિ, સામાજીક ન્યાયના મુદ્દા, રામજન્મભૂમિ મંદિર-મસ્જિદ વિવાદ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે જોવું જોઈએ કે તમામ રાષ્ટ્રીય મુદ્દાઓને જનમત સંગ્રહથી ઉકેલી શકાય તેમ છે કે નહીં? જનતાની તેમા સીધી અભિવ્યક્તિ રહેશે અને એક વખત પરિણામ આવી ગયા પછી આ મુદ્દાઓ પરની રાજનીતિ અટકી જશે, વોટબેંકનું રાજકારણ અટકી જશે. આવા જનમત સંગ્રહ વિવાદીત કોમ્યુનલ વાયોલન્સ બિલ, મુસ્લિમ-ખ્રિસ્તી અનામત સંદર્ભે પણ કરી શકાય છે. જો કે સંસદ જનલોકપાલ મુદ્દે જે સ્ટેન્ડ લઈ રહી છે, તેવું જ જનવિરોધી સ્ટેન્ડ અવાર-નવાર શબ્દજાળ અને કાયદાના જાળામાં લેતી આવી છે. જેના કારણે દેશની રાષ્ટ્રનીતિ અને રાજનીતિ સ્પષ્ટ થઈ શકી નથી. માટે રાષ્ટ્ર નીતિને રાજનીતિની ભેળસેળમાંથી મુક્ત કરાવવા માટે લોકપાલના મુદ્દા સાથે રાષ્ટ્ર નીતિ સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ જનમત સંગ્રહ કરાવીને તેનો સ્થાયી ઉકેલ અને જનતાનો સીધો દિશા-નિર્દેશ જનપ્રતિનિધિઓએ મેળવવો જોઈએ. આ લોકશાહીની પૂર્ણતા અને પરિપકવતાની સર્વોચ્ચ સ્થિતિ હશે.

જો કે જનમત સંગ્રહ ક્યારે કરવો, કેવી રીતે કરવો, તેમા ક્યાં મુદ્દે જનતા પાસેથી ક્યારે નિર્દેશ લેવો, જનમત પહેલા જનજાગૃતિ માટે કેવી વ્યવસ્થા કરવી, તેવા સંજોગોમાં રાજકારણને કેવી રીતે અટકાવું- વગેરે બાબતોનો વિચાર કરીને એક ફૂલપ્રુફ સિસ્ટમ તૈયાર કરવી જોઈએ. ભારતની લોકશાહીની પૂર્ણતા જનતાની સીધી અભિવ્યક્તિને વાચા મળે તેમા રહેલી છે.

રેફરેન્ડમ કહીએ, પ્લેબિસાઈટ અથવા જનમત સંગ્રહમાં, આમ આદમી એ જ અર્થ કાઢે છે કે બહુમતી જનતાની હા અથવા ના- પ્રમાણે જ સરકાર કાયદો અને વ્યવસ્થા બનાવી શકે છે. ડાયરેક્ટ વોટના માધ્યમથી જનતા બંધારણમાં સંશોધન કરાવી શકે છે, જનપ્રતિનિધિઓને પાછા બોલાવવાનું કામ કરી શકે છે અને કાયદો બનાવી શકે છે. હાલના સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર આપવામાં આવ્યો છે. યૂરોપીય સંઘનું સભ્ય પદ લેતા પહેલા તમામ 27 દેશોએ પોતાને ત્યાં જનમત સંગ્રહ કરાવ્યો હતો. યૂરોપીય સંઘનું ચલણ યૂરો છે. પરંતુ બ્રિટનની જનતાએ જનમત સંગ્રહમાં યૂરોનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો, તો સરકારે જનતાની વાત માનવી પડી. ભારત સાર્કનું સંસ્થાપક સભ્ય છે. પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત એકલો એવો દેશ છે, જેની જનતાને આ અધિકાર મળ્યો નથી.

જે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાંમાર સંદર્ભે આપણે આકરી ટીકાઓ કરીએ છીએ કે આ દેશોની જનતાને કંઈ કહેવાનો અધિકાર નથી, ત્યાં પણ સરકારોએ જનમત સંગ્રહ કરાવ્યા છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ રહેશે અથવા વડાપ્રધાનનું, તેના પર 15 સપ્ટેમ્બર, 1991ના રોજ જનમત સંગ્રહ કરાવામાં આવ્યો હતો. રાજતંત્રથી લોકતંત્રની રાહ પર ચાલતા પહેલા ભૂટાનમાં પણ જનમત સંગ્રહ કરાવાયો હતો. 18 ઓગસ્ટ, 2007ના રોજ માલદીવમાં રાષ્ટ્રપતિ શાસન પદ્ધતિ અથવા સંસદીય શાસન વ્યવસ્થા, એ નક્કી કરવા માટે જનમત સંગ્રહ થયો હતો.

થાઈલેન્ડમાં નવા બંધારણ માટે 2007માં જનમત સંગ્રહ થયો હતો. નેપાળમાં 2 મે, 1980ના રોજ રેફરેન્ડમ થયું હતું, તેના દ્વારા જનતાએ રાજાની પંચાયતી વ્યવસ્થાને નકારી દીધી હતી. શ્રીલંકામાં સંસદની ટર્મ છ વર્ષ કરવાના સવાલ પર 22 ડિસેમ્બર, 1982ના રોજ જનમત સંગ્રહ કરાવાયો હતો. પરંતુ તમિલ બહુલ વિસ્તારોની સ્વાયત્તતાની માગણી પર શ્રીલંકામાં ક્યારેય જનમત સંગ્રહ થયો નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુદાનની જેમ જનમત સંગ્રહની માગણી કેટલાંક તમિલ સંગઠનોએ કરી, તો શ્રીલંકાની સરકારે તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે ભારતના બંધારણમાં હજી સુધી જનમત સંગ્રહની કોઈ જોગવાઈ નથી? તેની પાછળ તર્ક આપવામાં આવે છે કે આ જોગવાઈનો દુરુપયોગ કાશ્મીરી અલગતાવાદીઓ કરી શકે છે. રાષ્ટ્રવાદીઓ આ પ્રશ્ને પંડિત નેહરુને કોસવાનો કોઈ મોકો છોડતા નથી કે તેમણે કાશ્મીર પર જનમત સંગ્રહ કરાવવાની વાત કેમ કહી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે કાશ્મીર પર મતસંગ્રહ માત્ર કાશ્મીરમાં રહેનારાઓનો જ કરીશું? આખા દેશનો નહીં? અને શું આપણે શ્રીલંકાથી પણ કંઈ શીખી શકીએ નહીં? કાશ્મીરી અલગતાવાદીઓથી કેન્દ્રની કેમેસ્ટ્રી ન બેસવાને કારણે દેશ જનમત સંગ્રહના અધિકારથી વંચિત છે. આ ક્યાંનો ન્યાય છે?

લોકપાલ પર આજે નહીં તો કાલે કોઈને કોઈ હલ નીકળી આવશે. પરંતુ આ પ્રશ્ન અધૂરો રહી જશે કે દેશની કેટલી વસ્તી આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર હા અથવા ના કહે છે. સંસદમાં આગળ પણ ઘણાં કાયદા બનશે અને બંધારણ સંશોધન થશે. તો શું દરેક સવાલ પર દેશને એક અન્ના હજારે જોઈએ?


કેનેડામાં એક એનજીઓ છે- વોટ વર્લ્ડ ગવર્નમેન્ટ. 13 મે, 2009ની વાત છે, આ એનજીઓના માધ્યમથી 45 દિગ્ગજ લેખકોએ દુનિયાના તમામ દેશોમાં જનમત સંગ્રહના અધિકારની માગણી કરી હતી. આ લેખકોએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો દાવો કરનારા ભારતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉલ્લેખ પ્રશંસાના સૂરમાં નહીં, પણ ટીકાના સૂરમાં હતો કે આ કેવું લોકતંત્ર છે?!

No comments:

Post a Comment