Friday, August 26, 2011

ભ્રષ્ટતંત્રને લોકતંત્રમાં ફેરવવાનો જનમાર્ગ


-આનંદ શુક્લ

ભારતમાં લોકતંત્ર ક્યાં છે? અહીં તો પાર્ટીનું, પાર્ટી દ્વારા અને સત્તા માટે ચાલતુ પાર્ટીતંત્ર જ અસ્તિત્વમાં છે. ભારતની સંસદીય લોકશાહી હકીકતમાં સંસદીય પાર્ટીશાહી છે. લોકશાહીમાં લોકો, લોકોની લાગણી અને લોકોની માગણી બધું જ અદ્રશ્ય છે. દેશની સંસદમાં પાર્ટીઓ પોતાને ફાવે તે રીતે, પોતાને ફાવે તેવી વ્યવસ્થા ઉભી કરીને દેશનું શોષણ અને દોહન કરે છે. તેના પુરાવા તરીકે ઘણી વસ્તુઓ મળી શકે તેમ છે. ભારતમાં 78 કરોડ લોકો ગરીબોની શ્રેણીમાં આવે છે. તેમ છતાં દેશની સંસદે ગરીબોને કેટલું પ્રતિનિધિત્વ આપ્યું છે, તેની જાણકારી દેશના સાંસદોએ જાહેર કરેલી સંપત્તિ પરથી મળી શકે તેમ છે. દેશની સંસદ અને વિધાનસભા કરોડપતિઓ અને અબજોપતિઓના હાથમાં છે. દેશની સંસદમાં 150થી વધારે સાંસદો ગુનેગારની શ્રેણીમાં આવે છે. છેલ્લા એક વર્ષમાં લોકોની સામે આવેલા ભ્રષ્ટાચાર અને ગોટાળાના મામલા જણાવે છે કે દેશની પાર્ટીશાહીએ આપણને લૂંટવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ આયોજન, નોઈડા જમીન અધિગ્રહણ, આદર્શ હાઉસિંગ સોસાયટી, કર્ણાટક ખનન અને જમીન કૌભાંડ. આ તો ખાલી લોકો સામે ખુલ્લા પડી ગયેલા ગોટાળાનું નાનું લિસ્ટ છે. કહેવામાં આવે છે કે દેશની જનતાના સાડા સાત લાખ કરોડ રૂપિયા ભ્રષ્ટ નેતાઓ ચાઉ કરી ગયા છે. આટલો ભ્રષ્ટાચાર થાય, ત્યારે તેને રોકવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં? પણ જ્યારે વાડ જ ચિંભડા ગળતી હોય, ત્યારે કોઈ વ્યવસ્થા કામ આવે કે કેમ?

અન્ના હજારે જનલોકપાલ બિલથી ભ્રષ્ટાચાર પર 60-65 ટકા રોક લાગવાની આશા સેવી રહ્યાં છે. પરંતુ સવાલ એ છે કે ભ્રષ્ટ પાર્ટીશાહી એવી કોઈ વ્યવસ્થા બનાવવા દેશે કે જે તેમના દ્વારા થતાં ભ્રષ્ટાચારમાં કોઈ બ્રેક મારી શકે? વળી જનલોકપાલની નિમણૂક અને પસંદગી પાર્ટીશાહીની દેખરેખ નીચે જ થવાની છે. ત્યારે જનલોકપાલ ભ્રષ્ટ નહીં હોય તેવું કોઈ ખાતરીપૂર્વક કહી શકે તેમ નથી. હાલમાં કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન કર્યું છે કે આજે દરેક ભારતીય ભ્રષ્ટાચારથી પરેશાન છે, પરંતુ માત્ર એક કાયદાથી ભ્રષ્ટાચાર દૂર થશે નહીં. આ બુરાઈના ખાત્મા માટે કાયદો અને મજબૂત સરકારી ઈચ્છાશક્તિની જરૂરત છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એવી ધારણા છે કે જનલોકપાલ બિલ પાસ થઈ જવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, પરંતુ મને તેમા ગંભીર શંકા છે. જો લોકપાલ ભ્રષ્ટ થઈ ગયો તો પછી શું થશે, માટે આપણે શા માટે લોકપાલને ચૂંટણી પંચની જેમ મજબૂત બંધારણીય સંસ્થા ન બનાવીએ? તેમણે અન્ના પર પરોક્ષ નિશાન સાધતા કહ્યું કે વ્યક્તિઓના રૂપમાં લોકોએ દેશને મહાન યોગદાન આપ્યું છે. તેમણે દેશની આઝાદી અને વિકાસ માટે લોકોને એકજૂટ કર્યા. પરંતુ વ્યક્તિગત ફરમાન કેટલું પણ નેક ઈરાદાથી કેમ ન થાય, લોકતાંત્રિક પ્રક્રિયાને કમજોર કરે છે. ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન પણ વિચારવા યોગ્ય તો છે જ? જો કે ભારતનું લોકતંત્ર ભ્રષ્ટતંત્રના કબજામાં છે. ત્યારે સવાલ એ પણ છે કે ભારતના લોકતંત્રને ભ્રષ્ટતંત્રમાંથી બચાવીને કેવી રીતે મુક્ત કરવું?

સંસદીય લોકશાહીની મર્યાદા સંદર્ભે ગાંધીજી અને આંબેડકરના વિચારો

ભારતે આઝાદી વખતે જવાહરલાલ નેહરુની આગેવાનીમાં સંસદીય લોકશાહી પ્રણાલી અંગિકાર કરી હતી. પરંતુ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સંસદીય લોકશાહી પ્રણાલીની તરફેણમાં ન હતા. મહાત્મા ગાંધીએ તેમના જગવિખ્યાત પુસ્તક હિંદ સ્વરાજમાં 1909માં બ્રિટનની સંસદીય લોકશાહી અને સંસદ પર સ્પષ્ટ અને ધારદાર ટિપ્પણી કરી હતી. મહાત્મા ગાંધીએ બ્રિટનની સંસદને વેશ્યા (અનૈતિક) અને વાંઝણી (અરચનાત્મક) કહી હતી. તેમણે કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં આજે (1909) જે પરિસ્થિતિ છે, તે ખરેખર દયનીય છે. ઈંગ્લેન્ડની સંસદે આજ સુધી પોતાની મેળે એકપણ સારું કામ કર્યું નથી. જો તેના પર કોઈ જોર-દબાણ કરનારું ન હોય, તો તે કંઈપણ ન કરે તેવી તેની કુદરતી સ્થિતિ છે. અને તે એ અર્થમાં એક વેશ્યા સમાન છે કે જે મંત્રીમંડળ તેના પર કાબિજ રહે છે, તેની પાસે રહે છે. સંસદ સભ્ય બનાવટી અને સ્વાર્થી મળે છે. બધાં પોતાનો મતલબ સાધવાનું વિચારે છે કોઈ લોકોનું ભલાઈ માટે વિચારતુ નથી. માત્ર ડરને કારણે જ સંસદ કંઈક કામ કરે છે. જે કામ આજે કરે છે, તે કાલે તેને રદ્દ કરવું પડે છે. જેટલો સમય અને પૈસા સંસદ ખર્ચ કરે છે, જો તેટલો સમય અને પૈસા સારા લોકોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. બ્રિટિશ સંસદ માત્ર પ્રજાનું રમકડું છે અને આ રમકડું પ્રજાને ભારે ખર્ચામાં નાખે છે. શું 1909માં બ્રિટનની પાર્લામેન્ટ માટે કહેલી ગાંધીજીની વાતો આજે ભારતની સંસદ માટે સાચી નથી?

આંબેડકરની સ્પષ્ટ માન્યતા હતી કે સંસદીય લોકતંત્ર જનતાની મૂળ સમસ્યાઓનું સમાધાન કરી શકતું નથી. 1943માં ઈન્ડિયન ફેડરેશનના કાર્યકર્તાઓની એક શિબિરમાં ભાષણ કરતાં તેમણે કહ્યું હતું કે દરેક દેશમાં સંસદીય લોકશાહી પ્રત્યે ઘણો અસંતોષ છે. ભારતમાં આ પ્રશ્ન પર વિચાર કરવાની ઘણી જરૂરત છે. ભારત સંસદીય લોકશાહી પ્રાપ્ત કરવા માટે વાતચીત કરી રહ્યું છે. એ વાતની જરૂરત છે કે કોઈ યથેષ્ઠ સાહસ સાથે ભારતવાસીઓને કહે કે- સંસદીય લોકતંત્રથી સાવધાન. આ એટલું સારું ઉત્પાદ નથી કે જેટલું દેખાતું હતું. તેમણે આ ભાષણમાં કહ્યું હતું કે સંસદીય લોકશાહી ક્યારેય જનતાની સરકાર રહી નથી, ન તો જનતા દ્વારા ચાલનારી સરકાર રહી. ક્યારેય એવી સરકાર પણ રહી નથી, જે જનતા માટે હોય. આંબેડકરે સંસદીય લોકશાહીની વ્યાખ્યા કરતાં લખ્યુ છે કે સંસદીય લોકશાહી શાસનનું એવું સ્વરૂપ છે જેમાં જનતાનું કામ પોતાના માલિકો માટે વોટ આપવો અને તેમને શાસન કરવા માટે છોડી દેવા થાય છે.

ગાંધીજી અને આંબેડકર બંને સંસદીય લોકશાહી માટેના પોતાના મંતવ્યો પર સાચા પુરવાર થઈ રહ્યા છે. ભારતમાં દર પાંચ વર્ષે જનતાને માત્ર વોટ આપવાનો અધિકાર મળે છે અને પાંચ વર્ષ માટે જનપ્રતિનિધિઓને રાજ કરવાનો અધિકાર મળે છે. પાંચ વર્ષ સુધી સત્તા પરિવર્તન માટે આંદોલનો સિવાય અન્ય કોઈ રસ્તો ભારતીય સંસદીય લોકશાહીમાં ખુલ્લો રાખવામાં આવ્યો નથી. 1977માં જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં થયેલા આંદોલનોના પરિણામે કટોકટી બાદ શક્તિશાળી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસે સત્તામાંથી દૂર થવું પડયું. 1989માં બોફોર્સ મુદ્દે વી.પી.સિંહ દ્વારા બિનકોંગ્રેસી રાષ્ટ્રીય મોરચા થકી સત્તા પરિવર્તન થયું. ત્યાર બાદ 1996થી 2004 સુધી બિનકોંગ્રેસી સરકારો સત્તામાં રહી. પણ આ સમયગાળામાં પ્રજાએ અનુભૂતિ કરી લીધી કે કોંગ્રેસી રાજકારણી હોય કે બિનકોંગ્રેસી રાજકારણી તેમની માનસિકતા અને સત્તાની હિતસાધનામાં કોઈ તફાવત હોતો નથી. પ્રજાને રાજકારણીઓથી થયેલા મોહભંગને કારણે દેશમાં એક નિરાશાની સ્થિતિ પ્રવર્તી રહી છે. દેશમાં મોંઘવારીનો મુદ્દો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, આતંકવાદનો મુદ્દો હોય, નક્સલવાદનો મુદ્દો હોય પણ વિરોધ પક્ષ અને સત્તાપક્ષ વચ્ચે જાણે કે કોઈ સમજૂતી થઈ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દેખાડા માટે પ્રતીકાત્મક ધરણાં અને રેલીઓથી પ્રજા કંટાળી ગઈ છે. તેવા સમયે દેશના રાજકારણમાં ઉભા થયેલા મહાશૂન્યને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ આંદોલને ભરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે આ મહાશૂન્ય લગભગ ભરાઈ ગયું છે. વિપક્ષો-ભાજપ અને ડાબેરી બંને અન્નાની પડખે ગમા-અણગમા સાથે ઉભા રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે ભારતની સંસદીય લોકશાહી લોકતંત્રની પૂર્ણતા સ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ છે? શું ભારતમાં જનભાવનાને પ્રતિબિંબિત કરતું લોકતંત્ર સ્થાપિત કરી શકાય? તેના માટે સંસદીય લોકશાહીમાં કોઈ વ્યવસ્થા ઉભી કરીને પ્રયોગ કરી શકાય?

લોકતંત્રને ભ્રષ્ટતંત્રમાંથી મુક્ત કરવાનો જનમાર્ગ

લોકોની લાગણી વિરુદ્ધ વર્તન કરતાં જનપ્રતિનિધિઓને પક્ષપલટા, ભ્રષ્ટાચાર, દાદાગીરી કરતાં રોકવા માટે જનભાગીદારી વધારવાનો એક પ્રયોગ ભારતની લોકશાહીમાં થવો જોઈએ. આ પ્રયોગ માટે જનતાને વધારે શિક્ષિત અને જાગરૂક કરવાની સાથેસાથે તેને નવા અધિકારો આપીને જનપ્રતિનિધિઓ પર લગામ નાખવી જોઈએ. તેના માટે સાત પ્રકારની જોગવાઈઓને તબક્કાવાર અમલમાં લાવી શકાય-(1) પક્ષોમાં આંતરીક લોકતંત્રની સ્થાપના (2) ચૂંટણી ફંડના ધારાધોરણો નક્કી કરવા (3) રાઈટ ટુ રિજેક્ટ (4) રાઈટ ટુ રિકોલ (5) વ્હિપ નહીં, અંતરાત્મા અને જનભાવનાને આધારે નિર્ણય (6) રેફરન્ડમ કે જનમત લેવાનો વિકલ્પ ખુલ્લો રાખવો (7) રાષ્ટ્રીય સરકારની જોગવાઈ કરવી

આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશના તમામ પક્ષોમાં વત્તાઓછા પ્રમાણમાં વંશવાદ, આઈડિયોલોજીકલ જોહૂકમી, સત્તા-સ્વાર્થ સાધના, તકવાદ, સિદ્ધાંતવિહીનતા વગેરે અનિષ્ટો જોવા મળી રહ્યાં છે. રાજકીય પક્ષોમાં યોગ્યાતા નહીં, ચમચાગીરીથી આગળ વધી શકાય છે, તેવી એક આમ ધારણા રહેલી છે. પક્ષોને અમુક પરિવારો, જૂથ કે લોકો પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે ચલાવે છે. ભાજપની સામે તાજેતરમાં પક્ષમાં પાછા ફરેલા ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે આવા આરોપો મૂક્યા હતા. કોંગ્રેસ પાર્ટી ગાંધી-નેહરુ પરિવારની છત્રછાયામાં ચાલે છે. સમાજવાદી પાર્ટી મુલાયમ સિંહના પરિવારની જાગીર છે. શિવસેનાને બાલ ઠાકરે રિમોટ કંટ્રોલથી ચલાવે છે. ડીએમકેને કરુણાનિધિ વર્ષોથી પારિવારીક જાગીરની જેમ ચલાવે છે. તેલગુદેશમ પાર્ટી પણ ચંદ્રાબાબુ નાયડુને સસરાની વારસાઈમાં મળી છે. ત્યારે આ તમામ પક્ષોમાં ટિકિટ વહેંચણી અને પદો પરની નિમણૂકમાં કોઈપણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર દેખાતું નથી. તેમાં લોકતંત્રનો અભાવ હંમેશા વર્તાય છે. પરંતુ ભારતના લોકોની સામંતી માનસિકતાને કારણે પાર્ટીના આંતરીક લોકતંત્ર માટે પાર્ટીમાંથી કોઈ અવાજ ઉભો થતો નથી. તો ચૂંટણી પંચે રાજકીય પક્ષોના આંતરીક લોકતંત્ર માટે ચોક્કસ નીતિ-નિયમોની આચારસંહીતા પણ બનાવવી જોઈએ. કારણ કે સંસદીય લોકતંત્રમાં લોકોમાંથી પાર્ટી અને પાર્ટીમાંથી સત્તાપક્ષ અને વિપક્ષ બંને આવે છે. લોકોની ભાવના તંત્રમાં ત્યારે જ પ્રતિબિંબિત થાય કે જ્યારે રાજકીય પક્ષોમાં આંતરીક લોકશાહીની શરૂઆત થાય.

આ સિવાય ચૂંટણી ફંડોમાં ઘણાં કાળા નાણાંનો ઉપયોગ થતો હોવાની વાત કોઈનાથી છુપી નથી. રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચાના ખોટા હિસાબ આપતા હોવાની અથવા ઉમેદવારો પણ આ સંદર્ભે ખોટી માહિતી આપતા હોવાની બાબત ચર્ચામાં છે. વળી ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની જે મર્યાદા છે, તે મર્યાદામાં ચૂંટણી ખર્ચ આટોપવો અઘરો છે. ત્યારે ચૂંટણી ફંડની એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કે જેમાં પક્ષો અને ઉમેદવારો ખોટું બોલવા પ્રેરાય નહીં અને સાચી માહિતી આપે. વળી બ્લેક મનીના ઉપયોગને સદંતર ટાળવા માટે ચૂંટણી ફંડ અથવા અન્ય વૈકલ્પિક યોજના વિચારી શકાય.

રાજકારણના અપરાધીકરણ અને તમામ રાજકારણીઓના એકસરખા અનુભવને કારણે જનતાને ચૂંટણીમાં ઉભા રહેનારા કોઈપણ ઉમેદવારને ચૂંટવામાં રસ હોતો નથી. તેના કારણે તેઓ મતદાન કરવા જતાં નથી. જે લોકો જાય છે, તેમની પાસે ચૂંટણીમાં ઉભા રહેલા એક ઉમેદવારને ચૂંટવાનો વિકલ્પ હોય છે. ત્યારે ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોને નાપસંદ કરવાનો અધિકાર રાઈટ ટુ રિજેક્ટની જોગવાઈથી આપવો જોઈએ. તેના કારણે મતદાનની ટકાવારી જે 50-70ની વચ્ચે રહે છે, તે વધારવામાં સફળતા મળશે. અત્યારે મતદાનની ટકાવારી ચૂંટણીઓમાં ઓછી રહે છે, ચૂંટણી મેદાનમાં ઘણાં બધાં ઉમેદવારો હોય છે. માટે જે ચૂંટાયેલો ઉમેદવાર હોય છે, તે 50-70 ટકા મતદાનમાંથી કુલ 30-40 ટકા મતદારોનો ટેકો મેળવી શકે છે. ત્યારે સવાલ એ છે કે આવા જનપ્રતિનિધિઓ કેવી રીતે જનતાના પ્રતિનિધિ ગણી શકાય?

આ સિવાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વહિત, સત્તાપ્રાપ્તિ અને સ્વાર્થને વશ થઈને સિદ્ધાંતોને છોડીને જનતાની ભાવનાને અવગણીને પક્ષપલટા કરે છે. ત્યારે એવી જોગવાઈ હોવી જોઈએ કે પક્ષપલટા તદ્દન અટકી જાય. અત્યારે પક્ષના એક તૃતિયાંશ સભ્યો સંમત હોય તો પક્ષપલટો કરે છે. પરંતુ જ્યારે સિદ્ધાંત અને વિચારધારા સિવાયના મુદ્દા પર પક્ષપલટો થતો હોય, ત્યારે જનપ્રતિનિધિનું સંસદ સભ્યપદ રદ્દ થાય અને તેને ફરીથી ચૂંટણીમાં ઉતારવા જેવી કડક જોગવાઈ કરવી જોઈએ. આના માટે જનતાને રાઈટ ટુ રિકોલનો અધિકાર પણ આપવો જોઈએ.
આ સિવાય સંસદ અને ધારાસભામાં પૂર્ણ લોકતંત્ર હોવું જોઈએ. ઉમેદવારોને કોઈપણ મુદ્દે સંસદ અને ધારાસભામાં મતદાન કરવા માટે પાર્ટી વ્હિપ આપવામાં આવે છે. જો સાંસદ કે ધારાસભ્ય પાર્ટી વ્હિપ પ્રમાણે વર્તે નહીં, તો તેની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થાય છે. જેના કારણે જનપ્રતિનિધિઓ અંતરાત્મા, જનતાના અવાજ અને સિદ્ધાંતને અવગણીને પણ ઘણીવાર પાર્ટીના વ્હિપ પ્રમાણે મતદાન કરતો હોય છે. લોકશાહી માટે આ એક ઘણી વિકટ વ્યવસ્થા છે. ત્યારે પૂર્ણ લોકશાહી માટે સંસદ અને ધારાસભામાં જનપ્રતિનિધિને જનતાની લાગણી પ્રમાણે અંતરાત્મા મુજબ પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે મત વ્યક્ત કરવાનો અધિકાર મળવો જોઈએ.

ભારતમાં રાષ્ટ્રીય નીતિ અને રાજનીતિ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદ રેખા નથી. જેના કારણે રાષ્ટ્રનીતિ પર રાજનીતિ થાય છે અને દેશના રાષ્ટ્ર હિતને ઘેરુ નુકસાન થાય છે. ભારતમાં રાષ્ટ્રીય મુદ્દાઓ સંદર્ભે ઘોર અસ્પષ્ટતાઓ અને અસમંજસતાઓ પ્રવર્તી રહી છે. આવી બાબતોમાં પાકિસ્તાન, ચીન, અમેરિકા, રશિયા સંદર્ભેની નીતિમાં અસ્પષ્ટતાઓ, પરમાણુ નીતિઓમાં મતભેદ, કાશ્મીર મુદ્દા પર નીતિભેદ, આતંકવાદ પર મતભેદ, નક્સલવાદ, કોમવાદ, જાતિવાદના મુદ્દાઓ ચોક્કસ નીતિનો અભાવ જોવા મળે છે. ત્યારે આ પ્રકારના મુદ્દાઓ કે જેના પર તમામ પક્ષો સંમત ન થઈ શકતા હોય અથવા જે લોકોની લાગણી વિરુદ્ધના લાગતા હોય, તેમાં સરકાર અને તંત્રએ જનતાનો સીધો મત જાણવા માટે જનમત લેવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેના દ્વારા જનતાની રાષ્ટ્રીય મુદ્દાઓમાં સીધી ભાગીદારી થશે અને પક્ષોને સત્તાસાધના માટે રાજનીતિ કરવાનો મોકો મળશે નહીં.

આટલા મોટા દેશમાં સતત ચૂંટણીઓ અને જનમત લેવાની વાત ઘણી કપરી, ખર્ચાળ અને ક્યારેક અવ્યવહારીક થઈ જાય છે. ત્યારે તેવી સ્થિતિમાં તમામ પક્ષો દ્વારા રાષ્ટ્રીય સરકારના વિકલ્પને ખુલ્લો રાખવો જોઈએ. રાષ્ટ્રીય સરકારોનો પ્રયોગ ઈઝરાયેલ અને અન્ય ઘણાં પશ્ચિમી દેશોમાં સફળતાથી થયો છે. ભારતની આઝાદીથી 1952માં પ્રથમ ચૂંટણી થઈ ત્યારે પંડિત જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રીય સરકાર સ્થાપીને દેશનો વહીવટ ચલાવ્યો હતો. તે વખતની રાષ્ટ્રીય સરકારને હજીપણ ઘણાં જાણકારો અને વડીલબંધુઓ શ્રેષ્ઠ સરકાર ગણાવે છે.

ત્યારે લોકશાહી એટલે લોકને તેમની ભાવના પ્રમાણે, તેમના દ્વારા અને તેમના માટે ચાલતા તંત્રની અભિવ્યક્તિ છે. આવું તંત્ર ત્યારે જ સંભવી શકે કે જ્યારે લોકોની સંસદીય લોકશાહી પ્રણાલીમાં ભાગીદારી વધારવામાં આવે. આવી ભાગીદારી વધારવા માટે ઉપરના તમામ પ્રયોગો એકસાથે અમલમાં લાવવાની જરૂરત નથી. પણ તેમના પ્રયોગાત્મક અમલ માટેની દિશામાં તબક્કાવાર વિચારવું જોઈએ. જે દેશના રાજકીય આરોગ્ય અને સંસદીય લોકશાહીને સફળ બનાવવા માટે બેહદ જરૂરી છે. ભ્રષ્ટાચાર એ વ્યસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે, તે કોઈ એક જનલોકપાલના આવી જવાથી ખતમ થવાનો નથી. તેમાં વ્યવસ્થા પરિવર્તન અથવા સુધારાને ઘણો બધો અવકાશ છે.

આંબેડકરની ધારણા હતી કે લોકપ્રિય સરકારના તામજામ વગર સંસદીય લોકશાહી વાસ્તવમાં આનુવંશિક શાસકવર્ગ દ્વારા આનુવંશિક પ્રજા વર્ગ પર હકૂમત છે. આ સ્થિતિ વર્ણવ્યવસ્થાથી ઘણી મળતી છે. ઉપરથી લાગે છે કે કોઈપણ વ્યક્તિ ચૂંટાઈ શકે છે, મંત્રી થઈ શકે છે, શાસન કરી શકે છે. વાસ્તવમાં શાસક વર્ગ એક પ્રકારે વર્ણ બની જાય છે. તેમાંથી જ થોડા ઉલટફેરની સાથે શાસકો ચૂંટાય છે. જે પ્રજા વર્ગ છે, તે સદા શાસિત બની રહે છે. આવી વ્યવસ્થા લોકતંત્રને ભ્રષ્ટતંત્ર બનાવે છે અને તેનાથી ભ્રષ્ટાચાર માઝા મૂકે છે. ત્યારે આવી વ્યવસ્થાને બદલવા માટે આપણી પાસે બે વિકલ્પ છે, કાં તો વ્યવસ્થા પરિવર્તન કરવું અને કાં તો વ્યવસ્થામાં તસવીર ધડમૂળથી બદલાય તેવા સુધારા અને ફેરફાર કરવા. જો કે દરેક સફળ તંત્ર, વ્યવસ્થાની સફળતા તેને અમલી બનાવનારા લોકો પર નિર્ભર કરે છે. જો કે સારી વ્યવસ્થા લોકોથી ખરાબ અને ખરાબ વ્યવસ્થા લોકોથી જ સારી થતી હોય છે. ત્યારે લોકોએ આના માટે દ્રઢ શરૂઆત કરવી જોઈએ. આખરે વ્યવસ્થા તેમના માટે છે.

No comments:

Post a Comment