Friday, June 29, 2012

કેશુભાઈ પટેલે હિંદુત્વ વિચારધારાની દ્રષ્ટિએ મોદી કરતા સુપિરિયર સાબિત થવું પડશે

- આનંદ શુક્લ
રાજનીતિ વ્હાલા અને દવલા, માનીતા અને અણમાનીતા વચ્ચે શક્તિ સંતુલનનું તંત્ર છે. દરેક પક્ષ-સંગઠનમાં નેતાના વ્હાલા અને દવલા, માનીતા અને અણમાનીતા જૂથ-કાર્યકરો હોય છે. જ્યારે શક્તિ સંતુલન બગડે છે, ત્યારે સત્તાના સમીકરણોમાં પરિવર્તન આવે છે. વ્યક્તિપૂજા હંમેશા શક્તિ સંતુલનોને અસર પહોંચાડીને સત્તાના સમીકરણો બગાડે છે. ગુજરાતમાં હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કદાચ નહીં ચાહવા છતાં તેમની વ્યક્તિપૂજાનો એક દાયકો વીતી ગયો છે. ગુજરાત ભાજપના સંગઠનમાં કેશુભાઈ પટેલ સરીખા નેતાને પણ હવે લાગવા માંડયુ છે કે તેમની ઉપેક્ષા થઈ રહી છે. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભૂતપૂર્વ કરવા માટે મોરચો ખોલી નાખ્યો છે.

આઝાદી પહેલા કોંગ્રેસ પક્ષમાં તત્કાલિન સર્વોચ્ચ નેતા ગાંધીજીની આસપાસના નેતાઓનું જબરૂ વર્ચસ્વ હતું. જેના કારણે પહેલા મહંમદ અલી ઝીણા અને ત્યાર બાદ સુભાષચંદ્ર બોઝ જેવા કદાવર નેતાઓએ કોંગ્રેસ છોડીને પોતપોતાના રસ્તા પકડવા પડયા. મહંમદ અલી ઝીણાએ મુસ્લિમ લીગના અધ્યક્ષ બનીને ભારતને તોડનારી પાકિસ્તાન ઉભું કરનારી ચળવળ ચલાવી. જ્યારે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સ્વીકારીને દ્વિતિય વિશ્વ યુદ્ધમાં અંગ્રેજો સામે જાપાની અને જર્મની સત્તાધીશોની મદદથી મોરચો ખોલ્યો હતો. ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યારે સરોજિની નાયડુએ તેમને હિંદુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા. પરંતુ 1947 સુધીમાં ગાંધીજીની ઉપેક્ષાના પરિણામે મુસ્લિમ લીગના અધ્યક્ષ મહંમદ અલી ઝીણા હિંદુ-મુસ્લિમ એકતાના દૂત મટીને પાકિસ્તાનના સર્જક થઈ ચુક્યા હતા. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના મતે ઝીણા સેક્યુલર હતા. અડવાણી સહીતના ઘણાં સંઘવિચારકોનું માનવુ છે કે ઝીણા ગાંધીજીની ઉપેક્ષાને કારણે મુસ્લિમ લીગ તરફ ખેંચાયા, કારણ કે ગાંધીજી ઝીણા જેવા આધુનિક અને સાક્ષર મુસ્લિમ નેતાઓની જગ્યાએ ખિલાફત આંદોલનમાં રૂઢીવાદી મુસ્લિમ નેતાગીરીને આગળ કરી રહ્યા હતા.

બીજી તરફ સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના અતિઅહિંસાવાદી વિચારો સાથે સંપૂર્ણપણે અસહમત હતા. ગાંધીજીનો વ્યક્તિ તરીકે પૂર્ણ આદર કરતા હોવા છતાં સૈદ્ધાંતિક રીતે મહાત્મા સાથે સુભાષબાબુ મતભેદ ધરાવતા હતા. ગાંધીજીના ઉમેદવારને હરાવીને સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. જો કે ગાંધીજી માટે આંધળો અહોભાવ ધરાવતા નેતાઓના અસહકારપૂર્ણ વલણને કારણે સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવી પડી હતી. તેમણે ભારતની બહાર અફઘાનિસ્તાનના રસ્તે જર્મની અને જાપાન જઈને ભારતીય યુદ્ધકેદીઓની સેના તૈયાર કરીને અંગ્રેજી હકૂમત સામે જંગનું બ્યૂગલ વગાડયું હતું. આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ પોતાના હાથમાં લેતી વખતે ભારતીયોને કરાયેલા સંબોધનમાં સુભાષબાબુએ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે આદરપૂર્વક સંબોધ્યા હતા.

આમ તો ભારતની કેટલીક સદીઓથી તાસિર રહી છે કે સિદ્ધાંત અને મૂલ્યો કરતા વ્યક્તિને મહત્વ વધારે આપવામાં આવે છે. વ્યક્તિપૂજાને કારણે ભારતે ઘણું ગુમાવ્યું છે અને હજીપણ ઘણું ગુમાવી રહ્યું છે. જ્યારે વ્યક્તિપૂજા કરવામાં સમાજ આંધળો બની જાય છે, ત્યારે તે વ્યક્તિના સંમોહનમાં પોતાના હિત-અહિતને જોઈ શકતો નથી. માત્ર મુંગે મોઢે પૂજનીય વ્યક્તિનું અનુસરણ કરે જાય છે, પછી ભલે પોતાને ખાડા કે ખાઈમાં પડવું પડે.

ગુજરાત ભાજપમાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એકહથ્થુ સત્તા છેલ્લા એક દાયકાથી ચાલી રહી છે. એક રીતે જોઈએ તો ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદીની વ્યક્તિપૂજા થઈ રહી છે. અહીં મોદીજૂથના વ્યક્તિઓએ સંગઠનનો કબજો લઈ લીધો છે. રાજકારણમાં વ્હાલાં-દવલાં, માનીતાં-અણમાનીતાં વચ્ચે શક્તિ તથા સત્તાનું સંતુલન નથી. જેને કારણે સંગઠનમાં ઘર્ષણ અને સંઘર્ષની શક્યતાઓ ઘણી વધી જાય છે. 2007માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં આવો પ્રયત્ન થયો હતો. જો કે સંઘના વરિષ્ઠ નેતાઓના પ્રયત્નોથી કેશુભાઈએ સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવક હોવાની વાત કહીને પોતાના સંઘર્ષને વિરામ આપ્યો હતો. છતાં સત્તા-શક્તિનું સંતુલન નહીં જળવાતા ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ભાજપમાં નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ છે.

ગુજરાતમાં ભાજપને પોતાના લોહીપાણીથી પોષનારા વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે 2007 પછી ઘણાં લાંબા સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ ખુલ્લેઆમ આક્રમકશૈલીમાં અણગમો વ્યક્ત કર્યો છે. પહેલા કેશુભાઈ પટેલે સૂરત ખાતેના સંમેલનમાં ગુજરાતમાં એક દશકાથી પટેલો ભયભીત હોવાનું નિવેદન આપ્યું. તેના થોડા સમય બાદ તેમણે કહ્યુ કે રાજ્યના બધાં સમાજના લોકો ભયભીત છે. ગુજરાતમાં પટેલ સંમેલનોનો તબક્કો ચાલ્યો. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પટેલ નેતાઓને સાઈડલાઈન કરાયા હોવાની પ્રત્યક્ષ અને પરોક્ષ ચર્ચા પણ ઉભરી. કેશુભાઈ પટેલે રોહિત સમાજના સંમેલનમાં પણ મોદીને નિશાના પર લીધા. કેશુભાઈ પટેલ સાથે મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ દરેક મંચ પર દેખાવા લાગ્યા.

કેશુભાઈ સાથે મોદી વિરોધી ગણાતા સુરેશ મહેતા, કાશીરામ રાણા સહીતના નેતાઓ જોડાવા લાગ્યા. કેશુભાઈ તાજેતરમાં દિલ્હી ખાતે ભાજપના કેન્દ્રીય નેતાઓને મળ્યા અને ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને હટાવીને નેતૃત્વ પરિવર્તન કરવાની રજૂઆતો કરી. કેશુભાઈએ પોતાની રજૂઆતમાં મોદી સામેના વાંધા રજૂ કરતો 10 પાનાનો પત્ર પણ રજૂ કર્યો. તેમણે ભાજપના નેતાઓને એમ પણ કહ્યુ છે કે જો તેઓ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરશે નહીં, તો જનતા પરિવર્તન માટે મજબૂર બનશે. કેશુભાઈ પટેલે એક અગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે મોદીને વડાપ્રધાન બનાવો પણ ગુજરાતમાંથી હટાવો. ગુજરાતની પ્રજા મોદીથી થાકી ગઈ છે. મુલાકાતમાં કેશુભાઈએ મુખ્યમંત્રી બનવાનો અથવા કોઈ પદ સ્વીકારવાનો ઈરાદો હોવાના સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે.

કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમાજ અને ખાસ કરીને લેઉવા પાટીદારો મોદી વિરુદ્ધ ઘરી ઉભી કરે તેવી શક્યતા દેખાય રહી છે. 2001ના ઓક્ટોબર માસમાં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે તેઓ પોતાને હિંદુ નેતા તરીકે જ ઓળખાવા માંગતા હતા. પોતાને બક્ષીપંચના નેતા તરીકે ઓળખાવા બાબતે તેમને સખત અણગમો હતો. જો કે પરિસ્થિતિ બદલાતા તેમને પણ પોતે બક્ષીપંચના બેટા હોવાની વાત કહેવી પડી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, મોદીએ પોતાના શાસનમાં પટેલ સમાજના પોતાની વિરુદ્ધના મજબૂત નેતાઓનો રાજકીય આંકડો કાઢી નાખ્યો છે. જેની સામે મોદીએ નવી પટેલ નેતાગીરીને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. જો કે વિશ્લેષકોના મતે સામાજિક રીતે સક્રિય રાજનેતાઓના નવા વિકલ્પ ઘણાં સીમિત હોય છે. જાણકારોનું માનીએ તો મોદીના શાસનમાં ભૂતકાળની પ્રભાવી બ્રાહ્મણ અને પટેલ લોબીને ગણતરીપૂર્વક શાસનથી દૂર રાખવામાં આવી છે. તેની સામે ગુજરાતના 24 ટકા પટેલ સમુદાયના વોટરોને એકજૂથ કરવા માટે પટેલ સમાજના નેતાઓ વિવિધસ્તરે પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્નની અંતિમ રણનીતિના ભાગરૂપે કેશુભાઈ પટેલ ખુલીને મોદી વિરુદ્ધ બહાર આવી ગયા છે.

અખબારોના અહેવાલો પ્રમાણે, કેશુભાઈ પટેલ પોતાના ખૂનપસીનાથી સિંચેલા ભાજપને છોડીને નવી પાર્ટી બનાવે અથવા તો મહાગુજરાત જનતા પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ વહેતી થઈ છે. જો કે આનો જવાબ ભવિષ્યના ગર્ભમાં જ છુપાયેલો છે. તેથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોવી જ યોગ્ય રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેની ભાજપની પ્રદેશ કારોબારીમાં ગુજરાતમાં જ્ઞાતિવાદી રાજકારણ સંદર્ભે કેશુભાઈનું નામ લીધા વગર બિહાર-યૂપીની સ્થિતિ માટે ત્યાંનું જ્ઞાતિવાદી રાજકારણ જવાબદાર હોવાનું નિવેદન કર્યુ હતુ. જેનો રાષ્ટ્રીય સ્તરે ભડકો થયો અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સામા નિવેદનો કર્યા. પરંતુ સવાલ એ છે કે ગુજરાતમાં શું જ્ઞાતિવાદી રાજકારણ છેલ્લા દોઢ દાયકામાં દૂર થયું છે? ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં રાજકીય પક્ષો ટિકિટ વહેંચણી વખતે જે-તે બેઠકના જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખે છે. રામજન્મભૂમિ આંદોલન વખતે પણ યૂપીમાં જ્યારે ભાજપે લોકસભાની 60 બેઠકો કબજે કરી હતી, ત્યારે પણ ટિકિટની વહેંચણી જ્ઞાતિના આધારે જ કરી હતી. ગુજરાતમાં 1989થી લઈને 2007 સુધીની વિધાનસભા ચૂંટણીમાં દર વખતે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે. તો શું આ જ્ઞાતિવાદી રાજકારણ ન કહેવાય?

ગુજરાતમાં ઝીણાભાઈ દરજી અને માધવસિંહ સોલંકી જેવા કોંગ્રેસી નેતાઓના વખતે પટેલ પાવરને ગુજરાતના રાજકારણમાંથી દૂર કરવા માટે ખામ થિયરીની રચના કરીને અમલીકરણ કરવામાં આવ્યું હતું. ખામ (KHAM)) થિયરી એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતદારોના મત મેળવીને સત્તા કબજે કરવાના સમીકરણો ઉભા કરવા. ગુજરાતમાં ક્ષત્રિય 24 ટકા, આદિવાસી 12 ટકા, હરિજન 14 ટકા અને મુસ્લિમો 9 ટકા છે. ખામ થિયરીને કારણે ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રી આવવો ઘણી અઘરી વાત બની ગઈ હતી. જો કે કોંગ્રેસ સામેના રોષને કારણે ખામ થિયરીના સમીકરણો અસંતુલિત બનતા અને પટેલ સમુદાયના વોટ જનતાદળ અને ભાજપ તરફ જતાં ચિમનભાઈ પટેલ 1990માં મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી બન્યા. ઓક્ટોબર-2001માં કેશુભાઈ પટેલને હટાવીને નરેન્દ્ર મોદી સંઘના આશીર્વાદથી મુખ્યમંત્રી બન્યા, તો ફરીથી સ્થાપિત થઈ ચુકેલા પટેલ પાવરના હટાવવા માટે પ્રયત્ન થવા લાગ્યા. જેના માટે કેશુભાઈ પટેલ જેવા સ્થાપિત નેતાઓથી માંડીને ગોરધન ઝડફિયા સુધીના નેતાઓને પાર્ટીમાં કોરાણે મૂકવાની શરૂઆત થઈ. જેના પરિણામે ઝડફિયાએ ભાજપ છોડીને મહાગુજરાત પાર્ટીની રચના કરી. જો કે તેમને હજીસુધી ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવતા નથી.

પરંતુ કેશુભાઈ પટેલ દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલો મોદી વિરોધી મોરચો કાર્યરત થતા મહાગુજરાત પાર્ટી માટે રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સામે આવવાની તકો વધી ગઈ છે. ગુજરાતની 40થી 45 બેઠકો પર પટેલ સમુદાયનો પ્રભાવ છે. આ સિવાય ઘણી બેઠકો પર પટેલ સમુદાયના થોકબંધ વોટ છે. જેને કારણે કેશુભાઈ દ્વારા પાર્ટી છોડવાની સ્થિતિમાં પટેલ વોટ મોદી વિરોધી વોટમાં રૂપાંતરીત થાય તેવી શક્યતા વધી જાય છે. કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે, મહાગુજરાત જનતા પાર્ટી કેટલીક બેઠકો પર જીતે તેના કરતા ભાજપની 25-30 બેઠકો કાપે તેવી શક્યતા વધારે છે. તેવી સ્થિતિમાં ભાજપ માટે 151 બેઠકો લાવવાનું લક્ષ્ય અઘરું બનશે.

પરંતુ ગુજરાત રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી ડાર્ક હિંદુત્વનો ગઢ રહ્યું છે. ગુજરાતમાં હિંદુત્વના મોજા નીચે જ્ઞાતિવાદ પ્રભાવી હોવા છતાં પ્રછન્ન થઈ જાય છે. પરંતુ હાલ આવું કોઈ મોજું દેખાતું નથી જેના કારણે 2012ની ચૂંટણી 2002 પછીની વિધાનસભાની ચૂંટણીઓ બાદની પહેલી ચૂંટણી હશે કે જેમાં મતદારો ઉમેદવારને જોઈને વોટિંગ કરશે. એટલે કે દરેક પાર્ટી માટે મજબૂત ઉમેદવાર જરૂરી બની જશે.

જો કે કેશુભાઈ પટેલની તમામ રાજકીય કવાયતો રાજ્યમાં પટેલ મુખ્યમંત્રી લાવવાની રહેશે, તો તેમની સફળતા માટે શંકા ઉપજવી સ્વાભાવિક છે. એક તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દેશમાં હિંદુત્વવાદી વડાપ્રધાન કેમ ન બનવા જોઈએ? તેમ કહેતા હોય અને બીજી તરફ ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીની ચળવળ ચાલશે તો તેનાથી સૌથી મોટું નુકસાન સંઘપરિવારની હિંદુત્વાદી ચળવળને જ પહોંચશે. આવી સ્થિતિમાં કેશુભાઈ પટેલે શંકરસિંહ વાઘેલા બનવાથી બચવું પડશે. ભૂતકાળમાં ખજૂરાહો કાંડ વખતે હિંદુત્વના મુદ્દા પર સંઘ પરિવારે શંકરસિંહ વાઘેલા સામે કેશુભાઈ પટેલને સાથ આપ્યો હતો. હવે જ્યારે પરિસ્થિતિ કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચેના ઘર્ષણની છે. તો તેવા સમયે વિચારધારાની દ્રષ્ટિએ કેશુભાઈ પટેલનો મોરચો નરેન્દ્ર મોદીની સામે સુપિરિયર છે, તેવું પણ સાબિત કરવું પડશે. આમ થશે તો સંઘ પરિવારની સાથે લોકોનો ટેકો તેમને આપોઆપ મળી જશે.


No comments:

Post a Comment