Wednesday, July 20, 2022

1965માં પાકિસ્તાની દગાબાજીના રણમાં CRPFએ કચ્છ સીમા પર બલિદાનો દ્વારા કંડારી શૌર્યગાથા

કચ્છના રણમાં ગજનીના લૂંટારા મહમૂદ ગઝનવીને જીવતા અફઘાનિસ્તાન પહોંચવું ભારે પડયું હતું. કચ્છ અને કચ્છનું રણ સદીઓથી મોટીમોટી વીરગાથાના શૌર્યરસથી ભરપૂર છે. પરંતુ ધાર્મિક ઝનૂનમાં મદમસ્ત પાકિસ્તાને 1965માં કચ્છના રણમાં ધરબાયેલી વીરગાથાઓને ભૂલવાની મોટી ભૂલ કરી હતી અને પાકિસ્તાનને નામોશી ભરી હાર સાથે પારોઠના પગલા ભરવા મજબૂર પણ થવું પડયું હતું.

કચ્છ બોર્ડર પર આમ તો સ્વતંત્રતા બાદ પાકિસ્તાન કેટલાક વિવાદો પેદા કરતું રહ્યું હતું. સીરક્રીકનો વિવાદ પણ આમાનો એક છે. છાડબેટ-કંથકોટનો વિવાદ પણ પાકિસ્તાને 1965 પહેલા શરૂ કર્યો હતો. પાકિસ્તાનનો ડોળો મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર પર સ્વતંત્રતાથી હતો. 1962માં ભારતની ચીન સામેના યુદ્ધમાં હાર બાદ પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર કબજે કરવાની તક દેખાવા લાગી હતી. આના માટે પાકિસ્તાનના ખૂરાફાતી જનરલો અને સત્તાધીશોએ એક વ્યૂહરચના ઘડી હતી. આ વ્યૂહરચના હેઠળ 1965ના યુદ્ધને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. ઓપરેશન ડેઝર્ટ હૉક, ઓપરેશન જિબ્રાલ્ટર અને ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ.

પાકિસ્તાને એપ્રિલ-1965માં ભારતીય સીમાની એક સૈન્ય ચોકી પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ભારતીય સીમાની અંદરના કચ્છના રણના વિસ્તારોને કબજે કરવા માટે પાકિસ્તાની સેનાએ ઓપરેશન ડેઝર્ટ હૉક-1 શરૂ કર્યું હતું. 9 એપ્રિલ, 1965ના રોજ સવારે ત્રણ વાગ્યે પાકિસ્તાની સેનાની 51મી બ્રિગેડના 3500 સૈનિકોએ કચ્છના રણમાં આવેલી ટાક અને સરદાર પોસ્ટ પર ભીષણ હુમલો કર્યો હતો. 1965માં સીમાની સુરક્ષા ગુજરાત રાજ્ય પોલીસ ફોર્સ અને સીઆરપીએફ કરતી હતી. ત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના થઈ ન હતી.

પાકિસ્તાની સેનાને આંકડે મધ દેખાતું હતું, કારણ કે કચ્છના રણમાં સીમા સુરક્ષા કેન્દ્રીય પોલીસ દળ અને રાજ્યનું પોલીસ દળ કરી રહ્યા હતા. તેથી પાકિસ્તાની સેનાને હતું કે પોલીસ ફોર્સને હટાવીને તેઓ ભારતના રણવિસ્તારના મોટા ભાગને કબજે કરશે અને ભારતીય સેનાને કચ્છ બોર્ડર પર ગુંચવીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કરીને તેને પોતાના નિયંત્રણમાં લઈ લેશે.

તે દિવસે સીઆરપીએફની બીજી બટાલિયનની 4 કંપનીઓ સીમાડાઓની સુરક્ષામાં તહેનાત હતી. સ્વાભાવિકપણે સીઆરપીએફ અને ગુજરાત રાજ્ય પોલીસના જવાનોની તાલીમ સૈન્ય તાલીમની કક્ષાએ હોય નહીં અને પાકિસ્તાની બ્રિગેડ 3500 સૈનિકો સાથે ભારે હથિયારો લઈને હુમલાની તૈયારી સાથે ખાબકી હતી. પરંતુ 15 કલાક સુધીના જીવનસટોસટના જંગમાં સીઆરપીએફના જવાનોએ કચ્છના રણમાં ફરી એકવાર શૌર્યગાથાને જીવંત કરી. 15 કલાકના મહાભીષણ જંગમાં પાકિસ્તાને પોતાના 34 સૈનિકો ગુમાવ્યા અને 4 પાકિસ્તાની પીઓડબ્લ્યૂ તરીકે ઝડપાયા હતા. જો કે સીઆરપીએફના જવાનોએ પણ મોટું બલિદાન આપ્યું અને 9 જવાનો વીરગતિ પામ્યા તથા 19 જવાનો પાકિસ્તાની સેનાએ કેદ પણ કર્યા હતા. પરંતુ સીઆરપીએફની બીજી બટાલિયને પાકિસ્તાની બ્રિગેડના 3500 જવાનોને 12થી 15 કલાક સુધી સીમા પર પગ મૂકવા દીધો ન હતો. ભારતીય સેના વીગાકોટ, સરદાર પોસ્ટ સહીતના વિસ્તારોમાં આવી, ત્યાં સુધી સીઆરપીએફે પોસ્ટને બચાવવામાં સફળતા મેળવી હતી.

પાકિસ્તાનની બ્રિગેડ સાથેની લડાઈના બીજા દિવસની સવારે કર્નલ કેશવ એસ. પુણતેંબાકરે આ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે લખ્યુ છે કે ઊંચાઈ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે દુશ્મનોને ઘણું વધારે નુકસાન પહોંચ્યું હતું. કદાચ તેથી જ તેમનું મનોબળ તૂટી ગયું અને તેઓ આ વિસ્તારને કબજે કરી શક્યા નહીં. આશ્ચર્યની વાત એ છે કે પુરા શસ્ત્રસરંજામ સાથે પાકિસ્તાની સેનાની એક આખી બ્રિગેડ ભારતીય સશસ્ત્ર પોલીસની એખ કંપનીને પોતાની પોસ્ટ પરથી ડગાવી શકી નહીં. એ પણ ત્યારે કે જ્યારે પાકિસ્તાની બ્રિગેડની પાસે તોપખાનાની મદદ પણ હતી. સીઆરપીએફના મીડિયમ મશીન ગનરોએ સારી રીતે ફાયરિંગ કર્યું અને પાકિસ્તાની બ્રિગેડને એટલું નુકસાન પહોંચાડયું કે તેણે લડાઈ ચાલુ રાખવાનો વિચાર છોડી દીધો હતો.

1965માં અહીં કોઈ ફેન્સિંગ ન હતું અને રાત્રે ફ્લડલાઈડ ચાલુ કરવામાં આવતી હતી. આખા વિસ્તારમાં રેતનો સમુદ્ર જ હતો અને માત્ર ઊંટો દ્વારા અહીં પહોંચી સકાય તેમ હતું. એટલે કે માંગવામાં આવેલી મદદને પહોંચતા પણ ઘણો સમય લાગે તેમ હતો. માણસને રહેવા લાયક આબોહવા તો અહીં આજે પણ નથી. ઉનાળામાં 50 ડિગ્રીની આસપાસનું તાપમાન અને રેતનું તોફાન-ચક્રાવાત માનવજીવનને અહીં કઠિન બનાવે છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે સીઆરપીએફની કંપનીના જવાનોએ વીરતાથી યુદ્ધ લડીને પાકિસ્તાનની આખી બ્રિગેડને પારોઠના પગલા ભરવા મજબૂર કરી હતી. જો કે 9 એપ્રિલ, 1965ના રોજ સરદાર પોસ્ટ, છાડબેટ અને બેરિયાબેટ પર પાકિસ્તાની હુમલાની ઘટનાએ એક વધુ સુસજ્જ અને વધુ તાલીમબદ્ધ સીમા સુરક્ષા દળની જરૂરિયાતને પણ ઉજાગર કરી હતી.

હાલ આ બોર્ડરની સુરક્ષા બીએસએફના હાથમાં છે. પરંતુ 9 એપ્રિલ, 1965ના રોજ લડાયેલા યુદ્ધના સ્થાન પર એક ચબૂતરો છે અને તેના પર સંગેમરમરના એક પથ્થર પર આ વીરતાની ગાથા કંડારવામાં આવી છે. આ સ્મારક સીમા પર છે અને ચારે તરફ કાંટાળા તારથી ઘેરાયેલું છે. સામાન્ય લોકો માટે અહીં પ્રવેશ વર્જિત પણ છે. તેથી ગુજરાત સરકારે 2013માં ગુજરાતના ધર્મશાળામાં એક સીમા ચોકી પર આ લડાઈની યાદમાં વધુ એક સ્મારક બનાવ્યું છે.

ધર્મશાળાના બહારના વિસ્તારમાં એક હનુમાન મંદિર છે.  આ મંદિર ક્યારેક પાકિસ્તાનમાં હતું. 1965ની લડાઈ પહેલા આ મંદિર જાટ તલાઈમાં હતું. જાટ તલાઈનો વિસ્તાર ભારતનો ભાગ હતો. લડાઈ બાદ ભારતે આ વિસ્તાર પાકિસ્તાનને સુપ્રદ કર્યો હતો. જ્યારે ભારતીય સેનાના જવાનો જાટ તલાઈથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે મંદિરમાંથી અવાજ આવ્યો કે મને પણ સાથે લઈ ચાલો. સૈનિકોએ હનુમાનજીની મૂર્તિ સાથે લઈ લીધી. લગભગ 27 કિલોમીટર બેદિયા બેટ પહોંચ્યા અને અહીં રાતવાસો કર્યો હતો. બીજા દિવસે સવારે હનુમાનજીની આ મૂર્તિ આપોઆપ ત્યાં સ્થાપિત થઈ ચુકી હતી. તેને જમીનમાંથી કાઢવી મુશ્કેલ બની ગઈ હતી અને તેથી અહીં એક નાનકડું મંદિર બનાવી દેવામાં આવ્યું હતું. આ હનુમાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા પુરી થયા બાદ ઘંટડી બાંધી જાય છે. આખા ભારતમાં શૌર્ય અને આસ્થાની ગાથાઓ વિખેરાયેલી છે અને સરદાર પોસ્ટનું સ્મારક તથા ધર્મશાળાનું હનુમાનમંદિર ભારતની આ સચ્ચાઈના બે રૂપક છે.

No comments:

Post a Comment