Wednesday, July 20, 2022

ભારતની સૈન્ય શક્તિ

 

ભારતની સશસ્ત્ર સેનાઓ-

ભારતીય સૈન્યની ત્રણ પાંખ છે, ભૂમિસેના, નૌસેના અને વાયુસેના. ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડર દેશના રાષ્ટ્રપતિ છે. ભારતીય સશસ્ત્ર સેનાઓના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ 1 જાન્યુઆરી, 2020ના રોજ બનાવવામાં આવ્યું હતું. ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ બિપિન રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. સીડીએસ ભારતીય સશસ્ત્ર સેનાઓના પ્રોફેશનલ ટ્રાય સર્વિસ ચીફ છે અને ભારત સરકારના સૌથી વરિષ્ઠ ગણવેશધારી સૈન્ય સલાહકાર પણણ છે. 24 ડિસેમ્બર, 2019ના રોજ ભારતની સુરક્ષા મામલાની મંત્રીમંડળીય સમિતિએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદના સર્જનની ઘોષણા કરી હતી. આ પદ માટે કારગીલ યુદ્ધ બાદ સમીક્ષા સમિતિ દ્વારા સત્તાવાર રીતે ભલામણ કરાઈ હતી.

ભારતીય ભૂમિસેના-

ભારતીય સેનાની સ્થાપના 1 એપ્રિલ, 1895ના રોજ બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સ્વતંત્ર ભારતમાં સેના દિવસની ઉજવણી 15 જાન્યુઆરીએ કરવામાં આવે છે. ભારતીય સેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે. ભારત કરતા વધુ સારી ભૂમિસેનામાં અમેરિકા, રશિયા અને ચીનના સ્તાન છે. જ્યારે ભારતનું પાડોશી પાકિસ્તાન ભૂમિસેનાની શક્તિમાં છેક 13મા ક્રમાંકે છે. ભારીતય સેનાની ઉત્પતિ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાઓમાંથી થઈ હતી. તે આગળ જતા બ્રિટિશ ભારતીય સેના કહેવાઈ અને આઝાદી બાદ તે રાષ્ટ્રીય સેના બની ગઈ. 15 ઓગસ્ટ-1947ના રોજ સ્વતંત્રતા બાદ પણ 14 જાન્યુઆરી, 1949 સુધી ભારતીય સેનાના કમાન્ડર જનરલ રૉય ફ્રાંસિસ બૂચર હતા. પરંતુ 15 જાન્યુઆરી, 1949ના રોજ ફીલ્ડ માર્શલ કે. એમ. કરિઅપ્પા સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય સેનાધ્યક્ષ બન્યા અને આ દિવસને ભારતીય સેના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્રતા સમયે ભારતીય સેનામાં 2 લાખ સૈનિકો હતા, પરંતુ હાલ ભારતીય સેનાના સક્રિય સૈનિકોની સંખ્યા 14 લાખથી પણ વધારે છે.

ગ્લોબલ ફાયર પાવરના 2021ના રિપોર્ટ મુજબ, ભારતીય સેનામાં 14,45,000 નિયમિત સૈનિકો છે. જ્યારે 11, 55, 000 રિઝર્વ સૈનિકો છે. ભારત પાસે 25,27,000ના અર્ધલશ્કરી દળોના સૈનિકો પણ ઉપલબ્ધ છે. આમ ભારતમાં જરૂર પડે યુદ્ધમાં લડી શકે તેવા કુલ તાલીમબદ્ધ લશ્કરી-અર્ધલશ્કરી દળોના 51,27,000 સૈનિકો છે. ભારતીય ભૂમિસેનાની શક્તિ પણ તેના આકારને અનુરૂપ છે. ભારતીય ભૂમિસેના પાસે 4730 ટેન્કો, 10000 આર્મ્ડ વ્હીકલ્સ, સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી 100, ટોવ્ડ આર્ટિલરી 4040 અને રોકેટ પ્રોજેક્ટર્સ 374 છે.

ભારતીય વાયુસેના-

ભારત પાસે વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે. ભારતીય વાયુસેનાની સ્થાપના બ્રિટિશકાળમાં 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. તેને એરફોર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. સ્વતંત્રતા પહેલા ભારતીય વાયુસેના રોયલ ઈન્ડિયન એરફોર્સ તરીકે ઓળખાતી હતી. પરંતુ સ્વતંત્રતા બાદ તેમાથી રોયલ શબ્દ હટાવીને ઈન્ડિયન એરફોર્સ નામકરણ કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ દ્વિતિય વિશ્વયુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય વાયુસેના પાંચમાંથી ચાર યુદ્ધોમાં મહત્વની કાર્યવાહી કરી ચુકી છે. જ્યારે 1962ના ચીનયુદ્ધમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ થયો ન હતો. ભારતીય વાયુસેના ઓપરેશન વિજય- ધ એનેક્શેસન ઓફ ગોવા,ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન પૂમલાઈ, મ્યાંમાર અને પાકિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી કાર્યવાહીઓમાં પોતાના પરાક્રમ દેખાડી ચુકી છે.

ભારતીય વાયુસેનામાં રફાલ, સુખોઈ-30-એમકેઆઈ, તેજસ, મિરાજ-2000, મિગ-29 મિગ-27, મિગ-21 બાઈસન, જગુઆર જેવા ફાઈટર જેટ્સ છે. જ્યારે ચિનૂક અને અપાચેથી માંડીને ચેતક-ચીત્તા જેવા હેલિકોપ્ટરો છે. ગ્લોબમાસ્ટર, સી-130-જે, સી-17, આઈએલ-76, એએ-32 અને બોઈંગ-737 જેવા ટ્રાન્સપોર્ટ પ્લેન અને અવાક્સ સિસ્ટમ પણ સામેલ છે.

ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી એરફોર્સ છે અને તેમા 139576 નિયમિત અને 140000 રિઝર્વ વાયુસૈન્યકર્મીઓ છે. ગ્લોબલ ફાયર પાવરના 2021ના રિપોર્ટ પ્રમાણે, ભારતીય વાયુસેનામાં કુલ 2119 એરક્રાફ્ટસ છે. જેમાં ફાઈટર્સ અથવા ઈન્ટરસેપ્ટર્સ એરક્રાફ્ટ 542, એટેક એરક્રાફ્ટની સંખ્યા 130, સ્પેશ્યલ મિશન માટેના 70 એરક્રાફ્ટ, 251 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સ, 6 ટેન્કર ફ્લીટ અને 345 ટ્રેનર એરક્રાપ્ટ છે. જ્યારે ભારતીય વાયુસેના પાસે 775 હેલિકોપ્ટરો છે અને 37 એટેક હેલિકોપ્ટર્સ છે.

ભારતીય નૌસેના-

ભારતીય નૌસેનાના મૂળિયા ઈતિહાસના પૌરાણિક કાળ સુધી જાય છે. ભારતીય નૌસેનાના આધુનિક સ્વરૂપની સ્થાપનાના મૂળિયા 1612ના વર્ષ સાથે સંબંધિત છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની મેરીન સ્વરૂપે સેનાની રચના કરી હતી. તેને બાદમાં બોમ્બે મરીને અને પછી રોયલ ઈન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું હતું.

18 ફેબ્રુઆરી, 1946ના રોજ એચઆઈએમએસ તલવાર નામના જહાજથી ભારતીય નૌસૈન્યકર્મીઓએ અંગ્રેજો સામે સ્વતંત્રતા યુદ્ધનું એલાન કર્યું હતું અને તેની અંગ્રેજોના ભારત છોડવામાં મોટી ભૂમિકા હતી. આ યુદ્ધમાં 1946ની રોયલ ઈન્ડિયન નેવીના 78 જહાજો અને 20 સમુદ્રીતટો પરના 20 હજાર ભારતીય નાવિકો સામેલ થયા હતા. સ્વંત્રતા પ્રાપ્તિ બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ રોયલ ઈન્ડિયન નેવીનું નામ બદલીને ભારતીય નૌસેના કરવામા આવ્યું હતું. જો કે ભારતીય નૌસેના દિવસની ઉજવી 4 ડિસેમ્બરે કરવામાં આવે છે. આની પાછળ એવું કારણ છે કે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનારી નૌસેનાએ ઓપરેસન ટ્રાઈડન્ટ હેઠળ 4 ડિસેમ્બર, 1971ના રોજ કરાચી નેવલ બેસને તબાહ કર્યું હતું. આ વિજયની યાદગીરી સ્વરૂપે દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નૌસૈન્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતીય નૌસેનામાં 67252 નિયમિત અને 75000 રિઝર્વ સૈનિકો છે. યુદ્ધજહાજોની કુલ સંખ્યાના મામલામાં ભારતીય નૌસૈના ગ્લોબલ ફાયર પાવર 2021 પ્રમાણે, વિશ્વમાં નવમા સ્થાને છે. ગ્લોબલ ફાયર પાવર 2021 પ્રમાણે, ભારતીય નૌસેના પાસે કુલ 285 યુદ્ધજહાજો છે. જેમાં 1 એરક્રાફ્ટ કેરિયર, 10 ડિસ્ટ્રોયર, 13 ફ્રિગેટ્સ, 23 કૉર્વેટ, 17 સબમરી,  અને 139 પેટ્રોલ વેસલ્સ છે.  

 

----0--------------

No comments:

Post a Comment