Wednesday, July 20, 2022

1987માં ગેંગસ્ટર અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખ બન્યો ગુજરાતના રાજકારણનો ટર્નિંગ પોઈન્ટ

 - આનંદ શુક્લ

--0-

ગુજરાતમાં અમદાવાદ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં રાજકીય વર્ચસ્વ ગાંધીનગરની ગાદી પર બેસવા માટે જરૂરી ગણાય છે. અમદાવાદમાં ગુજરાતના તમામ જિલ્લાઓના લોકો વસવાટ કરે છે. ક્યારેક ટેક્સટાઈલ મિલોને કારણે ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદમાં ભારતના વિવિધ રાજ્યોના લોકો પણ આવીને સ્થાયી થયા છે. પરંતુ અમદાવાદ કોમવાદી દ્રષ્ટિકોણને લઈને બેહદ સંવેદનશીલ શહેરોમાંથી એક છે. અમદાવાદના કોટ વિસ્તાર અને પશ્ચિમ અમદાવાદની પેટર્ન પણ આવી સંવેદનશીલતાનું પ્રતિબિંબ પુરું પાડે છે. 1987માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત ગુજરાતના રાજકારણ માટેનો એક ટર્નિંગ પોઈન્ટ પણ માનવામાં આવે છે. આ ચૂંટણીમાં ભાજપનો વિજય કૉંગ્રેસના રાજ્યમાં વળતાપાણી અને ગાંધીનગરના કેસરિયાં ગઢમાં પરિવર્તિત થવાનના સંકેત હતા. જો કે AMCને સર કર્યા પહેલા ભાજપને રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં 1982માં જીત મળી ચૂકી હતી. પરંતુ તેમ છતાં 1984ની લોકસભાની ચૂંટણી હોય કે 1985ની વિધાનસભાની ચૂંટણી હોય, ભાજપને રાજ્યમાં કોઈ ખાસ સફળતા મળી શકી ન હતી. પરંતુ 1987માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત સાથે ગુજરાતમાં રાજકીય પાસાંઓ બદલાવાની શરૂઆત થઈ હતી. તેને કારણે આ ચૂંટણીમાં મળેલી ભાજપની જીતને ગુજરાતના રાજકારણમાં હિંદુત્વના પ્રગટીકરણ માટે એક ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.

 ખામ થિયરીથી હિંદુઓમાં જાતિવાદનું ઝેર વધ્યું-----------------

ગુજરાતમાં હિંદુત્વ માટેની ભાવના સદીઓથી વણાયેલી છે. નિશંકપણે હિંદુત્વ ગુજરાતના હ્રદયની ધડકન છે. સામાજીક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ હિંદુત્વ ગુજરાતના લોકજીવનમાં અભિવ્યક્ત થતું રહ્યું છે. પરંતુ 1960થી 1985 સુધીના સમયગાળામાં કટોકટીના અપવાદરૂપ વર્ષોને બાદ કરતા ગુજરાતમાં કૉંગ્રેસ મોટી બહુમતી સાથે સત્તામાં આવતી હતી.

જૂની કેટલીક ચૂંટણીઓના આંકડા પર નજર કરીએ, તો 1962માં તત્કાલિન વિધાનસભામાં 154 બેઠકોમાંથી કૉંગ્રેસને 113, સ્વતંત્ર પાર્ટીને 26 બેઠકો મળી હતી. 1962માં ભારતીય જનસંઘે લડેલી 26માંથી એકપણ બેઠક પર તેને જીત મળી ન હતી.

1967માં રાજ્યની વિધાનસભાની તત્કાલિન 168 બેઠકોમાંથી કૉંગ્રેસને 93, સ્વતંત્ર પાર્ટીને 66 અને ભારતીય જનસંઘને માત્ર એક બેઠક પર જીત મળી હતી. 1967માં ભારતીય જનસંઘ માત્ર 16 બેઠકો પર ચૂંટણી લડયું હતું.

1972ની વિધાનસભાની ચૂંટણી 1969ના અમદાવાદ ખાતેના હુલ્લડો બાદ પ્રથમ વખત યોજાઈ રહી હતી. જો કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતે આપેલી કારમી હારની અસરતળે 1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને 140, NCOને 16 અને ભારતીય જનસંઘને માત્ર 3 બેઠકો મળી હતી. ભારતીય જનસંઘે 1972માં વિધાનસભાની ચૂંટણીમાં 99 ઉમેદવારો ઉતાર્યા હતા.

1974માં હોસ્ટેલની મેસમાં ભાવવધારાએ નવનિર્માણ આંદોલનને જન્મ આપ્યો હતો. આ આંદોલનમાં ભારતીય જનસંઘની વિદ્યાર્થી વિંગ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ દેખાવકારો સાથે જોડાયા હતા. તો લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા સંપૂર્ણ ક્રાંતિની હાકલ, ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા કટોકટી લાગુ થવી અને નાગરિક પ્રતિકાર આંદોલન વચ્ચે તત્કાલિન રાજકીય ઘટનાક્રમ બેહદ ઝડપથી બદલાય રહ્યો હતો. જનમત પણ પોતાની પરંપરાગત રાજકીય અસરથી મુક્ત થવા લાગ્યો હતો. આ ઘટનાક્રમોમાં ભારતીય જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા તેના આનુષંગિક સંગઠનો નાગરિક હિતોને લઈને આંદોલનમાં સામે થયા હતા.

1975માં 182 વિધાનસભા બેઠકોમાંથી કૉંગ્રેસને 75 અને ભારતીય જનસંઘને 18 બેઠકો પર જીત મળી હતી. જનસંઘે 1975માં 40 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો કે કટોકટી બાદ પરિવર્તિત થયેલા જનમતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓએ રાજકારણને કલુષિત જાતિવાદનો અખાડો બનાવ્યો હતો. કૉંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતાની તિકડીએ ખામ (KHAM) થિયરી હેઠળ જાતિવાદનું રાજકારણ શરૂ કર્યું હતું. જેમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતોના સમીકરણથી સત્તા મેળવવાનો રાજકીય પેંતરો બનાવવામાં આવ્યો હતો.

1980ની વિધાનસભાની ચૂંટણીમાં ખામ થિયરી હેઠળ કૉંગ્રેસને 141 અને ભાજપને 9 બેઠકો પર જીત મળી હતી. જાતિવાદના આધારે સત્તા મેળવ્યા બાદ માધવસિંહ સોલંકીની સરકારે જાતિવાદી રાજકારણને આગળ વધારીને ગુજરાતના સામાજીક તાણાંવાણાને નુકસાન પહોંચાડતું રાજકારણ ખેલવાની શરૂઆત કરી હતી. એસસી-એસટી અનામત સિવાયની શ્રેણીમાં વધુ કેટલાક સમુદાયોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની જોગવાઈ માધવસિંહ સોલંકીની તત્કાલિન સરકારે કરી હતી. આની સામે 1982માં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો હતો. જો કે આ નવી અનામતની જોગવાઈ સામેનો વિરોધ અનામત વિરોધી અને અનામત તરફી આંદોલનોમાં બદલાયો હતો.

આની પાછળના કારણોમાં મિનાક્ષીપુરમ ધર્માંતરણ મામલામાં તત્કાલિન ઈન્દિરા ગાંધીની સરકાર સામે હિંદુ સમુદાયમાં આક્રોશ મુખ્ય કારણ હતું. હિંદુ સમાજમાં ધર્માંતરણ સામે વ્યાપેલા આક્રોશના વિખેરણ માટે આયોજનબદ્ધ રીતે દેશભરમાં અનામતના રાજકારણને સંબંધિત રાજ્યોમાં રોષની તીવ્રતા પ્રમાણે આગળ વધારવામાં આવી રહ્યું હતું. જો કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ધર્માંતરણના મુદ્દાને લઈને ગુજરાત સહીત દેશભરમાં જનજાગરણ શરૂ કરાયું હતું. આ સિવાય રામજન્મભૂમિને મુક્ત કરાવી ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને પણ જનતા સમક્ષ લઈ જવાનું શરૂ કરાયું હતું. 1983માં ગુજરાત ખાતે ગંગાજળ યાત્રા પણ કાઢવામાં આવી હતી. 1983માં જ ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીમાં જીત સાથે પહેલી સફળતા મળી હતી.

પરંતુ આગળ વધી રહેલી હિંદુત્વના ભાજપના માધ્યમથી રાજકીય પ્રગટીકરણની સંભાવનાઓને ત્યારે ગ્રહણ લાગ્યું કે જ્યારે તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી. ત્યાર બાદ 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને દેશભરમાંથી માત્ર બે બેઠકો પર જીત મળી હતી. જો કે ગુજરાત હિંદુત્વના રાજકીય પ્રગટીકરણનો મજબૂત કિલ્લો બનશે, તેવા સંકેત કૉંગ્રેસને મળેલી મોટી જીત છતાં મળ્યા હતા. 1984ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી બે બેઠકોમાંથી એક બેઠક  ગુજરાતના મહેસાણાની હતી.

1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય શતરંજ પર ખામ થિયરીની ચાલ ચાલનારા માધવસિંહ સોલંકીએ ક્વોટા થકી અનામતનું રાજકારણ આગળ વધાર્યું હતું. 1985ની વિધાનસભાની ચૂંટણીમાં અનામતના રાજકારણ થકી માધવસિંહ સોલંકીએ કૉંગ્રેસને 149 બેઠકો પર જીત અપાવી હતી અને ભાજપને માત્ર 11 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે અનામત આંદોલન 1985માં કોમી રમખાણોમાં ફેરવાયા હતા.

ખામ થિયરીના રાજકારણે મુસ્લિમ ગુંડાને છાવર્યો--------------------

ભારતમાં લોકશાહીને સત્તાલોલુપ રાજકારણીઓએ સૌથી વધુ મતો મેળવવાનો ખેલ બનાવી દીધો છે. મતસમીકરણો ગોઠવવામાં અસામાજીક તત્વોને છાવરવાનું પણ સત્તાલોલુપ તત્વો કરતા રહ્યા છે. ગુજરાતમાં પણ ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતોના ખેલે આવા તત્વોની રાજકીય ઢાલ બનવાનું કામ કર્યું છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરીને દારૂબંધી લાગુ કરાય છે. પરંતુ દારૂબંધીને ગેરકાયદેસર દારૂના વેપાર થકી ભ્રષ્ટાચારનું એક માધ્યમ પણ જાતિવાદી રાજકારણ સાથે 1980ના દાયકાથી બનાવી દેવાયું છે. આ ખેલમાં બુટલેગરો, રાજકારણીઓ અને પોલીસની સાઠગાંઠના આરોપો સતત લાગતા રહ્યા છે.

દારૂબંધી વચ્ચે દારૂનો ધંધો--------------------------

અબ્દુલ લતીફ પણ આવી જ સાઠગાંઠનું પરિણામ હતો. 1980ની આસપાસ અબ્દુલ લતીફે વિદેશી દારૂની હેરાફેરી શરૂ કરી હતી. ત્યારે લતીફ એક સ્થાનિક બુટલેગર માત્ર હતો. પરંતુ બે નંબરના ધંધા અને નાણાંના ખેલે લતીફનું કદ વધાર્યું હતું. 1985ની ચૂંટણીમાં અબ્દુલ લતીફે સ્થાનિક ધારાસભ્યોમાંથી એક મોહમ્મદ હુસૈન બારૈજાને મદદ કરી હતી. મુંબઈની અંધારીઆલમની જેમ અમદાવાદમાં પણ અંડરવર્લ્ડ વોટબેંકની રાજનીતિને કારણે ખતરનાક હદે ફાલવા લાગ્યું હતું.

હુલ્લડોમાં લતીફની સંડોવણી----------------

1985માં અનામત આંદોલન કોમી હુલ્લડોમાં ફેરવાયું અને ત્યારે લતીફે મુસ્લિમ વિસ્તારોમાં સક્રિયતા દાખવી હતી. લતીફે દવા, ભોજન, હુલ્લડમાં ભોગ બનેલા મુસ્લિમોને નાણાંકીય મદદ પણ પુરી પાડી હતી આરોપો તો ત્યાં સુધી લાગ્યા હતા કે લતીફે હુલ્લડો દરમિયાન હથિયારો પણ પુરાં પાડયા હતા. હુલ્લડોમાં લતીફના ગોડફાધર આલમઝેબે દરિયાપુર-કાળુપુર, શાહઆલમ, શાહપુર, જમાલપુર અને ગોમતીપુરના સ્થાનિક મુસ્લિમ ગુંડાઓને બંગડીઓ મોકલીને તેમની રમખાણો માટે ઉશ્કેરણી કરી હતી. જેને કારણે વાત વણસી હતી. અમદાવાદમાં રમખાણોને કારણે સતત કર્ફ્યૂ રહેતો, પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે એકાદ બે કલાકની કર્ફ્યુ મુક્તિ વચ્ચે લતીફની ગેંગના ગુંડાઓ રસ્તાઓ પર ઉતરીને સામુહિક છૂરાબાજી કરતા હતા. માત્ર એકાદ કલાકમાં 100થી 150 લોકો છુરાબાજીનો ભોગ બનીને ઘાયલ થતા હતા. ભોગ બનનારાઓમાં મોટાભાગના હિંદુઓ જ હતા. આમા દરરોજ સરેરાશ 10થી 15 લોકોના મોત પણ થતાં હતા. જેને કારણે લતીફના નામનો ખોફ પણ વધવા લાગ્યો હતો. તો લતીફ એક ગુંડામાંથી અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં મસીહા કે નેતા તરીકે સ્થાપિત થવા લાગ્યો હતો.

PSI મહેન્દ્રસિંહ રાણાની વીરગતિ----------------

1985માં અમદાવાદમાં હુલ્લડો વચ્ચે કાળુપુર અને દરિયાપુર વિસ્તારમાં વીજળી ડુલ થતાં અંધારપટ છવાયો હતો. અંધારપટ વચ્ચે કાળુપુર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ મહેન્દ્રસિંહ રાણાને સંદેશો મળ્યો કે ભંડેરીપોળ પર સતત પથ્થરમારો અને સળગતા કાકડા ફેંકવામાં આવી રહ્યા છે. મહેન્દ્રસિંહ રાણા અંધારા વચ્ચે ચોકીમાં હાજર માત્ર બે કોન્સ્ટેબલોને લઈને ભંડેરીપોળ પહોંચ્યા હતા. પીએસઆઈ રાણા પાસે સર્વિસ રિવોલ્વર, ટોર્ચ અને લાકડી જ હતી. અંધારાને કારણે ત્રણ ફૂટ દૂર પણ જોઈ શકાય તેમ ન હતું. ટોર્ચથી ચારે તરફ નજર દોડાવામાં આવી, તો કોઈ દેખાતું ન હતું. પરંતુ કાકડા અને પથ્થરો સતત પોળ પર ત્રાટકી રહ્યા હતા. લતીફ ગેંગ પાસે તો અત્યાધુનિક રાયફલ અને રિવોલ્વર આવી ગઈ હતી. અંધારામાં લતીફની ગેંગ તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં પીએસઆઈ મહેન્દ્રસિંહ રાણાને ગોળી વાગી હતી અને તેઓ વીરગતિ પામ્યા હતા. પીએસઆઈ રાણાની વીરગતિ સમયે તેમના પત્ની સગર્ભા હતા અને તેમને છેલ્લા દિવસો જતા હતા. મહેન્દ્રસિંહ રાણા રજા પર જવાના હતા. આ ઘટના બાદ લતીફ સામે જનાક્રોશ વધી રહ્યો હતો. તો લતીફ સામે તત્કાલિન કૉંગ્રેસ સરકારની નિષ્ક્રિયતા પણ હિંદુઓને ખૂંચી રહી હતી.

પોપટિયાવાડમાં લતીફનો અડ્ડો---------

રાજનેતાઓ અને પોલીસને પણ સમજાવા લાગ્યું હતું કે લતીફને મોટો બનાવીને તેમણે મોટી ભૂલ કરી હતી. લતીફ અમદાવાદના દરિયાપુરના પોપટિયાવાડ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો. પોપટિયાવાડ વિસ્તારમાં પોલીસ એકલ-દોકલ ઘૂસવાની હિંમત પણ કરી શકતી ન હતી. લતીફના નામે ઓક્ટ્રોય ચોરી સહીતના બેનંબરના ધંધા પુરજોર આગળ વધવા લાગ્યા હતા.

હુલ્લડો વચ્ચે ટર્નિંગ પોઈન્ટ-------------

1985માં અમદાવાદના હુલ્લડો બાદ કોટવિસ્તારમાંથી હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો પોળોમાંથી મકાનો વેચીને બહાર જવા લાગ્યા. હિંદુઓ નારણપુરા, સોલા સહીતના વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં જવા લાગ્યા હતા. તો મુસ્લિમો જુહાપુરા ખાતે સ્થળાંતરીત થવા લાગ્યા હતા. 1985માં રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તત્કાલિન રાજ્ય સરકારના હુકમ છતાં જગન્નાથ મંદિર ખાતેથી સ્વયંભૂ રથયાત્રા શરૂ થઈ હતી. રથયાત્રા જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે હિંસક ઘટનાઓ પણ બની હતી. જેને કારણે જનાક્રોશમાં વધારો થયો હતો.

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા અને અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે પણ હુલ્લડોની શક્યતાઓને જોતા રાજ્યમાં ધાર્મિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 1986માં અદ્વૈત આશ્રમ ખાતેથી જન્માષ્ટમીની યાત્રા કાઢવાની કોશિશને પણ પોલીસબળ વાપરીને કચડી નાખવામાં આવી હતી. આ ઘટનાને લઈને પણ હિંદુઓમાં જનાક્રોશ વધ્યો હતો.

ગુજરાતમાં અશાંત સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે પણ ઘટનાક્રમો ઝડપથી બદલાય રહ્યા હતા. રામજન્મભૂમિ આંદોલન આગળ વધી રહ્યું હતું. 1987માં રામ-જાનકી યાત્રા કાઢવામાં આવી હતી. 1987માં જ નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી ભાજપમાં ભલે 1987માં મહત્વની ભૂમિકામાં આવ્યા હોય, પરંતુ અમદાવાદની સામાજીક-સાંસ્કૃતિક ઘટનાઓમાં તેમની સક્રિયતા ઘણાં સમયથી હતી. તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ નરેન્દ્ર મોદીને ક્યારેક મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં 1985ની સ્વયંભૂ રથયાત્રાની ઘટના કારણભૂત હતી. જોકે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી સામે સૌથી પહેલો પડકાર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવાનો હતો. આના માટે 1985થી અમદાવાદ અને ગુજરાતમાં ઘટી રહેલી ઘટનાઓ હિંદુ સેન્ટિમેન્ટ્સને રાજકીય વાચા આપવાનું એક માધ્યમ બનવાની હતી. નરેન્દ્ર મોદી સંગઠન અને વ્યૂહરચનામાં માહેર હતા.

લતીફની 5 બેઠકો પરથી ઉમેદવારી--------------

આ ઘટનાક્રમો વચ્ચે લતીફને જેલભેગો પણ કરવામાં આવ્યો હતો. જો કે લતીફ સાબરમતી જેલમાંથી બહારની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો હતો. જેલમાં બેઠાબેઠા લતીફને રાજનેતા બનવાની મહત્વકાંક્ષા પણ જાગી હતી. હુલ્લડોના 2 વર્ષ વીતવા છતાં લતીફનો અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં દબદબો યથાવત હતો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પર તેની નજર હતી. લતીફ જેલમાંથી પેરોલ મેળવવા માટે અવાર-નવાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરતો હતો અને કોર્ટ અરજી ફગાવી દેતી હતી. જો કે લતીફની માતાનું અવસાન થતા, તેને પોલીસ જાપ્તા સાથે જેલની બહાર લાવવામાં આવ્યો હતો. લતીફની માતાની અંતિમયાત્રામાં 40 હજારથી વધારે લોકો સામેલ થયા હતા. જેલમાં પાછા જતી વખતે લતીફે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાંચ બેઠકો પરથી અપક્ષ તરીકે ઉમેદવારી દાખલ કરી હતી. જેમાં દરિયાપુર, કાળુપુર, દાણીલીડા, જમાલપુર અને રાયખડની બેઠકો સામેલ છે. ચૂંટણી વખતે લતીફ જેલમાં જ હતો, તે એકપણ દિવસ પ્રચાર કરવા માટે આવ્યો ન હતો. તેમ છતાં અબ્દુલ લતીફને પાંચ બેઠકો પરથી જીત મળી હતી.

અબ્દુલ લતીફના એકસાથે પાંચ બેઠકો પરથી ઉમેદવારી નોંધાવાને કારણે ભાજપને એક મોટો મુદ્દો મળ્યો હતો. પ્રચારમાં ભાજપના નેતાઓ જનતાને પુછતા હતા કે તમારે કોણ જોઈએ, અમે કે લતીફ?

લતીફ દરિયાપુર, વાડીગામ, જમાલપુર, રાયખડ અને દાણીલીમડા એમ કુલ પાંચ બેઠકો પરથી અપક્ષ ચૂંટણી લડયો હતો. આ ચૂંટણીમાં પાંચેય બેઠકો પરથી લતીફને 42698 જેટલા વોટ મળ્યા હતા. પરંતુ પાંચમાંથી એક બેઠક પરથી જ તે કોર્પોરેટર રહી શકે તેમ હોવાથી તેણે વાડીગામ વોર્ડની બેઠક ચાલુ રાખી હતી અને બાકીને ચાર બેઠકો છોડી હતી.

પરિણામે દરિયાપુરમાંથી ભામિની બેન (ભાજપ), જમાલપુરમાંથી ઇમ્તિયાઝ કાદરી (કોંગ્રેસ), દાણીલીમડામાંથી કાંતીભાઈ પરમાર (જનતાદળ) તથા રાયખડમાંથી ગુરુ પ્રસાદ નાયડુ (ભાજપ) ચૂંટાઈ આવ્યા હતા. વિજયી ઘોષીત થયા હતા. આમ મ્યુનિસિપલ બોર્ડમાં ભાજપ (BJP) નાં બે સભ્યોની સંખ્યા વધી હતી.


લતીફને વોર્ડ દીઠ મળેલા વોટ-----------

દરિયાપુર વોર્ડમાં અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને સૌથી વધુ 7729 વોટ મળ્યા હતા. આ બેઠક લતીફે ખાલી હતી. જેથી ભગવતીપ્રસાદ છગનલાલ પંચાલ 5489 અને ભામિનીબહેન કાલીદાસ પટેલ 5165 વોટ સાથે વિજેતા જાહેર થયા હતા.

વાડીગામ વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 9862 વોટ મળ્યા હતા અને આ બેઠક તેણે ચાલુ રાખી હતી. આ બેઠક પરથી અન્ય વિજેતા મોહમ્મદ હુસેન ઈસ્માઈલભાઈ પટેલને 8439 વોટ મળ્યા હતા.

જમાલપુર વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 9814 વોટ મળ્યા હતા. આ બેઠક તેણે ખાલી કરી હતી. જેને કારણે સિંધુભાઈ કાળીદાસ મકવાણા 2489, ખુરશીદઅહેમદ સૈયદઅહેમત સૈયદને 7198 અને ઈમ્તિયાઝ અહેમદમીયાં કાદરીને 3711 વોટ સાથે વિજેતા જાહેર કરાયા હતા.

રાયખડ વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 7617 વોટ મળ્યા હતા. આ બેઠક લતીફે ખાલી કરતા અનીસાબેગમ મિર્ઝાને 6810, અમરીશભાઈ જાગરિયાને 6199 અને ગુરુસ્વામી નાયડુને 5997 વોટ સાથે વિજેતા જાહેર કરાયા હતા.

દાણીલીમડા વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 7676 વોટ મળ્યા હતા. જો કે આ બેઠક લતીફે ખાલી કરી હતી. આ બેઠક પરથી કાંતિલાલ પરમાર 3521, ગઝનફરખાન પઠાણ 4433 અને ચંદુલાલ નાયક 4161 વોટથી જીત્યા હતા.



ગુજરાતના રાજકારણનું દિશા પરિવર્તન-----------

અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીમાં 1987માં ભાજપને મળેલી જીત આખા દેશમાં મહાનગરપાલિકામાં ભાજપને મળેલી પહેલી જીત હતી. ભાજપની આ જીતે ગુજરાતના રાજકારણની દિશા બદલી નાખી હતી. તો ગુજરાતના બદલાયેલા રાજકારણે ભારતની રાજનીતિની દિશામાં પણ પરિવર્તન આણ્યું હતું. 1989માં દેશભરમાં રામશિલા પૂજન થયા હતા. તેની વચ્ચે લોકસભા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે જનતાદળ સાથે ગઠબંધન કર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં જનતાદળના ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે 1989માં સત્તામાં આવ્યા હતા. 1990માં રામજ્યોતિ અને વિજયાદશમી યાત્રા અને લાલકૃષ્ણ અડવાણીની રામરથયાત્રાએ હિંદુઓનું રાજકીય મોબિલાઈઝેશન કર્યું હતું. 1995માં ગુજરાતમાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું અને શંકરસિંહના બળવા બાદનો સમયગાળો બાદ કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો ગુજરાતમાં કૉંગ્રેસ 1989થી વનવાસ ભોગવી રહી છે.


-----------0--------------------

No comments:

Post a Comment