Wednesday, July 20, 2022

નડાબેટ-સીમા દર્શન પ્રોજેક્ટ

 આમ તો સરહદી વિસ્તારો સામાન્ય લોકો માટે બંધ હોય છે. પરંતુ સીમા પર તહેનાત બીએસએફ-સેનાના જવાનોની કપરી કામગીરીનો અંદાજ દેશની અંદર સામાન્ય નાગરીક જીવનમાં આવી શકે તેમ નથી. યુવાવર્ગમાં દેશની સરહદો પ્રત્યે સ્વાભાવિકપણે આકર્ષણ હોય છે. આવા સંજોગોમાં સીમા દર્શન હેઠળ દેશની બોર્ડર પર આવા યુવાવર્ગ અને સામાન્ય લોકોની મુલાકાત થાય, તો તેનાથી તેમને આપણા સરહદે તહેનાત સુરક્ષાકર્મીઓની કપરી કામગીરીનો અંદાજ આવી શકે. તેમને પણ દેશ માટે સેના, અર્ધલશ્કરી દળો કે પોલીસમાં જોડાવાની પ્રેરણાનું એક બહુ મોટું ચાલકબળ બોર્ડર ટુરિઝમ પુરું પાડી શકે છે. આ સિવાય બોર્ડર વિસ્તારમાં વસ્તી પાંખી હોય છે અને મોટાભાગે રોજગારને કારણે ગામડાઓમાંથી પણ લોકો અંદર તરફના શહેરો-કસબાઓમાં ખસી જતા હોય છે. આવા સંજોગોમાં બોર્ડર પર લોકોની અવર-જવર એક ઘણું મહત્વનું ફેક્ટર છે. સીમા પર આવેલા ઘણાં એવા સ્થાનો છે કે જેનો ગૌરવમય ઈતિહાસ ત્યાં ગયા પછી જ ખબર પડે. બની શકે કે આવા સ્થાનો ઘણાં મોટા કે ભવ્ય ન હોય, પરંતુ તેની ગાથાઓ ભવ્ય ઈમારતોથી પણ મહાન હોય છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના રણવિસ્તારમાં રણોત્સવની શરૂઆત કરાવી હતી. ઘણાં મોટા આયોજન થકી રણોત્સવને પર્યટનના ઉદેશ્યથી ઘણી મોટી સફળતા મળી છે. નરેન્દ્રભાઈ મોદીનું ખેંચાણ હંમેશા દેશની સરહદો અને દેશના સૈનિકો રહ્યા છે. કચ્છ બોર્ડર પર તેમની અવાર-નવાર મુલાકાતો અને બીએસએફના જવાનો માટે બોર્ડર પર જરૂરી સુવિધાઓ પુરી પાડવાની કામગીરી તેમણે સતત કરી છે. 2014માં વડાપ્રધાન પદે પહોંચ્યા બાદ નરેન્દ્રભાઈ મોદી લડાખ, કાશ્મીર, રાજસ્થાન, પંજાબ સિક્કીમ, અરુણાચલ અને ગુજરાતના સરહદી વિસ્તારોની મુલાકાત લઈ ચુક્યા છે. ટૂરિઝ્મને લઈને તેમનો એક અલગ દ્રષ્ટિકોણ છે. બોર્ડર ટૂરિઝ્મની પરિકલ્પના તેમના મન-મસ્તિષ્કમાં હંમેશા રહેલી છે. સીમા દર્શન પ્રોજેક્ટ પ્રધાનમંત્રી યોજનામાં પણ સામેલ છે.

આપણે વર્ષોથી અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના જવાનોની જોશભેર થતી બીટિંગ ધ રિટ્રીટ પરેડ જોતા આવ્યા છીએ. અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના લોકો પરેડ દરમિયાન પોતપોતાના દેશના જવાનોના ઉત્સાહવર્ધન માટે સૂત્રો પોકરતા હોય છે અને ગીતો ગાતા હોય છે. આ દરરોજ થતી રિટ્રીટ પરેડમાં હજારોની સંખ્યામાં પર્યટકો બંને તરફથી બોર્ડર પર આવે છે. બોર્ડર ટૂરિઝમનો ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પરનો આ સૌથી મોટો પોઈન્ટ છે.

પરંતુ આવું જ બોર્ડર ટૂરિઝમ અન્ય સ્થાનો પર પણ શરૂ થઈ શકે છે. આ બની શકે તેનું સ્વરૂપ અટારી-વાઘા બોર્ડર જેવું અથવા તેને મળતું આવતું હોય. આના માટે ગુજરાતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ બોર્ડર ટૂરિઝ્મને વેગ આપવાની યોજના બનાવવામાં આવી છે.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકામાં આવેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પરના નડાબેટમાં 125 કરોડ રૂપિયાના ખર્ચે સીમા પર્યટન કેન્દ્રને તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. આ ગુજરાતનું એકમાત્ર બોર્ડર ટૂરિઝ્મનું સેન્ટર હશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત-પાકિસ્તાનની બોર્ડર પર જઈને નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે દેશભરના પર્યટકો માટે અહીં સીમા પર્યટનને પ્રોત્સાહીત કરવામાં આવશે.

આ સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ રણવિસ્તારમાં આવેલા નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાનની સરહદના ઝીરો પોઈન્ટને પર્યટકો જોઈ શકશે. આ પ્રોજેક્ટ હેઠળ ફેઝ-1નું લગભગ 23 કરોડ રૂપિયાનું કામ પૂર્ણ થયું છે. જેમાં આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ,રિટેઈનિંગ વૉલ અને પીવાના પાણીની સુવિધા સિવાય ટોયલેટ બ્લોક સામેલ છે. પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પ્રવાસન નિગમે નડેશ્વરી માતાજીના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરી છે. મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બર, 2016માં નડાબેટ બોર્ડર ટૂરિઝ્મ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સે ઝીરો પોઈન્ટને સીમા દર્શન તરીકે માન્યતા આપી હતી. તેના પછી અહીં વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે.

જ્યારે ફેઝ-2ની કામગીરીમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન પરિસરની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુલાકાત લઈ ચુક્યા છે. બીજા ફેઝમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એક્ઝીબિશન સેન્ટર અને સરહદ સલામતની વિશેષ પ્રતિકૃતિ સમાન ગેઈટના કામ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યુ છે કે નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝ્મ ક્ષેત્રે વિશ્વ પ્રવાસનના નક્શામાં ગુજરાતને આગવું સ્થાન અપાવશે. આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસનની પ્રવૃત્તિ વધવાથી સ્થાનિક રોજગારીનું સર્જન પણ થશે.

 

 

 

નડેશ્વરી મંદિરની સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ રૂટ ઉપર ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી આ પ્રવાસન વિકાસ કામો ૪ ફેઇઝમાં હાથ ધરાવાના છે. આ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી પણ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ(Tourism) પ્રોજેકટમાં હાથ ધરવામાં આવી છે.

સીમાદર્શન માટે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી સારી રીતે પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, T-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસપ્લે કરવાની કામગીરી પણ હાથ ધરાય છે. નડાબેટ ખાતે એક સેલ્ફી ટાવર પણ બનાવવામાં આવ્યું છે. અહીંથી પર્યટકો બોર્ડર એરિયાની પૃષ્ઠભૂમિમાં સેલ્ફી પણ લઈ શકશે.

નડાબેટ પર પાકિસ્તાન દ્વારા હુમલાની ઘટના બની નથી. પરંતુ તેનું સૈન્ય મહત્વ ઘણું વધારે છે. 1971ના યુદ્ધ વખતે અહીંથી લઈને નગરપારક સુધીના પાકિસ્તાનના વિસ્તારને ભારતીય સેનાએ જીતી લીધો હતો. હવે આ બાબતોને દેશવાસીઓ જાણી શકે અને જોઈ શકે તેના માટે નડાબેટ પર બોર્ડર ટૂરિઝ્મ વિકસિત કરાઈ રહ્યું છે.

No comments:

Post a Comment