Wednesday, July 20, 2022

ભારતની સરહદોનું વિહંગાવલોકન

ભારતની ભૌગોલિક સ્થિતિ-

ભારત એક મોટા ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. ભારત ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. ભારતનું ક્ષેત્રફળ 3287263 વર્ગ કિલોમીટર છે. ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધીના ભારતનો વિસ્તાર 3200 કિલોમીટર અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં કચ્છ સુધીનો ભારતનો વિસ્તાર 2900 કિલોમીટર છે. ભારત ઉત્તરીય ગોળાર્ધમાં આવેલું છે. કર્કવૃત્ત ભારતની મધ્યમાં થઈને પસાર થાય છે.

ભારતની સમુદ્રી સીમા-

ભારત ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. ભારતના સમુદ્રતટની લંબાઈ 7516.6 કિલોમીટર છે. ભારતીય મુખ્ય ભૂમિનો તટવર્તી વિસ્તાર 6300 કિલોમીટર અને અંદમાન-નિકોબાર તથા લક્ષદ્વીપનો સંયુક્ત તટવર્તી વિસ્તાર 1216.6 કિલોમીટર છે. ભારતના તાબા હેઠળના આર્થિક ક્ષેત્રનું કુલ ક્ષેત્રફળ 2.02 મિલિયન વર્ગ કિલોમીટર છે. ભારતીય સમુદ્ર તટ પર 9 રાજ્ય અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. જેમાં ગુજરાતને સૌથી વધુ 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. ભારતની પાસે 1197 ટાપુઓ છે. ભારતીય તટવર્તી સીમા પર 11 મોટા, 20 મધ્યમ અને 144 નાના પોર્ટ આવેલા છે. ભારતની સમુદ્રી સરહદો પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમરા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાને સ્પર્શે છે. હાલમાં ભારતનો માત્ર પાકિસ્તાન સાથે સરક્રીક ક્ષેત્રની સમુદ્રી સીમાને લઈને વિવાદ છે અને તેને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ ચાલુ છે.

ભારતની જમીની સરહદ-

ભારતની તમામ સરહદો માનવનિર્મિત છે. ભારતની જમીની સીમાની કુલ લંબાઈ 15106.7 કિલોમીટરની છે. ભારતની જમીની સરહદો સાત પાડોશી દેશોને સ્પર્શે છે. જેમા પાકિસ્તાન સાથે 3323 કિલોમીટર, ચીન સાથે 3428 કિલોમીટર, નેપાળ સાથે 1751 કિલોમીટર, ભૂટાન સાથે 699 કિલોમીટર, મ્યાંમાર સાથે 1643 કિલોમીટર અને બાંગ્લાદેશ સાથે સૌથી વધુ 4097.7 કિલોમીટરની સીમા લાગે છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્તિસ્તાન પણ ભારતના અભિન્ન અંગ 1947ની સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રિયાસતનો ભાગ છે. પીઓકેની 106 કિલોમીટરની સરહદ અફઘાનિસ્તાનને સ્પર્શે છે.

ભારત-પાકિસ્તાન બોર્ડર-

ભારત અને પાકિસ્તાન સીમાની કુલ લંબાઈ 3323 કિલોમીટર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બોર્ડરને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. જેમાં પહેલી આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે રેડક્લિફ લાઈન, તેની લંબાઈ 2308 કિલોમીટર છે અને તે ગુજરાતથી લઈને જમ્મુ-કશ્મીર સુધી ફેલાયેલી છે. બીજી લાઈન ઓફ કંટ્રોલ- તે 1948 અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધો બાદ અસ્તિત્વમાં આવી છે. એલઓસીની લંબાઈ 776 કિલોમીટર છે અને તે રાજૌરી, પુંછ, બારામુલા, કુપવાડા, કારગીલ, લેહના કેટલાક વિસ્તારો અને જમ્મુના કેટલાક ભાગ સુધી છે. જ્યારે ત્રીજી સહહદનો પ્રકાર વાસ્તવિક ગ્રાઉન્ડ પોઝિશનિંગ લાઈન એટલે કે એજીપીએલ છે અને તેની લંબાઈ 110 કિલોમીટર છે. એજીપીએલ એનજે-9842ની ઉત્તરમાં ઈન્દિરા કેનાલ સુધી ફેલાયેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના સીમાવિવાદની સાથે સમુદ્રી સીમા નિર્ધારણ અને સરક્રીકના 96 કિલોમીટર લાંબા નદીના ત્રિકોણને લઈને વિવાદ છે. આ સિવાય ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઘણાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થાય છે. જેમાં આતંકવાદી ઘૂસણખોરી, ડ્ર્ગ્સ અને હથિયારોની તસ્કરી અને મની લોન્ડ્રિંગ જેવા મામલા મુખ્ય છે.

ભારતીય સીમાઓ પર સૌથી મોટા વ્યૂહાત્મક પડકાર તરીકે પાકિસ્તાન અને ચીનની જુગલબંધી અસ્તિત્વમાં છે. પાકિસ્તાને ચીન સાથે 1963થી મિલિટ્રી ગઠજોડ કરેલો છે. ચીન છેલ્લા ઘણાં વર્ષોથી હિંદ મહાસાગરમાં ઘણું સક્રિય છે. ચીને મ્યાંમારના હેંગ્યીમાં નેવલ બેઝ બનાવ્યો છે અને અંદમાન-નિકોબાર નજીક કોકો ટાપ પર લિસનિંગ પોસ્ટ સ્થાપિત કરી છે. ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ, શ્રીલંકાનું હંબનટોટા અને બાંગ્લાદેશના ચિટગાંવમાં વિભિન્ન પ્રકારની નૌસૈન્ય સુવિધાઓ ઉભી કરીને બેસ બનાવ્યા છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભારત સામે આનો ઉપયોગ કરવાની પણ વ્યૂહાત્મક ગણતરી ચીન ધરાવે છે.

ગુજરાતના સરહદી જિલ્લા-

ગુજરાત રાજ્ય પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની સીમા ધરાવે છે. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય જમીની સરહદ ધરાવે છે. જ્યારે ગુજરાતના કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ભરૂચ જિલ્લાઓ પાકિસ્તાન સાથેની સમુદ્રી સીમા ધરાવે છે.

----0-------------

No comments:

Post a Comment