Wednesday, July 20, 2022

નડાબેટ: નડેશ્વરી માતાજીના મંદિરનો મહિમા

ભારત-પાકિસ્તાન બોર્ડર પર કચ્છના રણમાં ઘણાં રણદ્વીપ એટલે કે બેટ આવેલા છે. આ એવો વિસ્તાર હોય છે કે જ્યાં આસપાસ અફાટ રણનો રેતનો દરિયો દેખાય છે અને આ બેટ પર લીલોતરી જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના જલોયા ગામની નજીક આવેલું નડાબેટ પણ એક આવો જ રણદ્વીપ છે. નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીનું સ્થાનક છે. નડેશ્વરી માતાને આ વિસ્તાર અને સમગ્ર દેશના રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે. નડાબેટ સરહદ પરની એવી બીજી જગ્યા છે કે જ્યાં દેશના સૈનિકો માતાજીના મંદિરમાં પૂજા કરે છે. સુઈગામથી 20 કિલોમીટર દૂર આવેલા જલોયા ગામમાં બીએસએફની છાવણી છે. આ છાવણીની નજીક આવેલું નડેશ્વરી માતાનું મંદિર ચમત્કારીક માનવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર નોમના દિવસે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે ઉમટે છે. અહીં કોઈ પૂજારી નથી, બીએસએફના જવાનો જ નડેશ્વરી માતાની આરતી ઉતારે છે. જો કે આ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા નિયુક્ત પૂજારી પણ  પૂજા કરાવે છે.

નડેશ્વરી માતાજીના મંદિરની દંતકથા-

માનવામાં આવે છે કે નડેશ્વરી માતાનું મંદિર હજાર વર્ષ જૂનું છે. પહેલા તે એક ડેરી સ્વરૂપે હતું અને બાદમાં તેને આજના મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એક દંતકથા મુજબ, જૂનાગઢના રાજા રા નવઘણ પોતાની વિશાળ સેના સાથે સિંધના મુસ્લિમ રાજાની કેદમાં રહેલી પોતાની બહેન જાસલને મુક્ત કરાવવા માટે અહીંથી પસાર થયા હતા. નાડાબેટ ખાતે ચારણ કન્યા આઈ વરુડી (આઈ વરુવડી)એ રા નવઘણના સૈન્ય કાફલાને જમાડીને રણનો સલામત માર્ગ બતાવીને વિજયશ્રીના આશિર્વાદ આપ્યા હતા. આ ચારણ કન્યાના આશિર્વાદથી રા નવઘણને સિંઘના મુસ્લિમ રાજાને હરાવીને બહેન જાસલને મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. આ ચારણ કન્યા આઈ વરુડી, શ્રીનડેશ્વરી માતાજી તરીકે અઙીં પૂજાયા છે.

નડાબેટ-વાવનો પ્રાચીન ઈતિહાસ-

નડાબેટ-સુઈગામનો વિસ્તાર ચૌહાણોની જાગીર વાવમાં આવતો હતો. વાવનો પ્રાચીન ઈતિહાસ છે. વાવ પ્રાચીન સમયમાં દરિયાકિનારે આવેલું હતું. આ વિસ્તાર હડપ્પાની સંસ્કૃતિના સમયમાં ખૂબ સમૃદ્ધ હતો. આ વિસ્તારમાં કેટલાક બંદરો પણ હતા અને અહીંથી વિદેશોમાં વેપાર પણ થતો હતો. આ વાવ તાલુકાના બેણપ ગામનો ઉલ્લેખ મળે છે. બેણપને બેનાતટ બંદર તરીકે ઓળખવામાં આવતું હતું. બેણપ ગામથી સમુદ્રકિનારાના કેટલાક અવશેષો મળી આવ્યા છે. ઈ.સ. પૂર્વે 2400માં હડપ્પાની સંસ્કૃતિના સમયમાં બેણપ ગામના બંદરેથી ઈરાન, ઈજીપ્ત, દક્ષિણ ભારત વગેરે સાથે સમુદ્રી વેપાર થતો હતો. જૂના જમાનામાં સોમનાથ મહાદેવને ચઢાવવા માટેના કાશ્મીરથી આવતા કમળ પણ વાવ-થરાદના માર્ગેથી જ પસાર થતા હતા.

હાલ અફાટ રણ વચ્ચે આવેલા નડાબેટે તેની જાહોજલાલી ગુમાવી દીધી છે. પરંતુ પ્રાચીન સમયમાં નડાબેટની પણ જાહોજલાલી હતી. લગભગ એક સદી પહેલા નડાબેટમાં પુષ્કળ ખડીઘાસ થતું હતું. અહીં જાગીરદારો અને માલધારીઓ રહેતા હતા. કુદરતી ઝરણાંઓ પણ વહ્યા કરતા હતા. દુકાળ વખતે જ્યારે આસપાસથી લોકો સિંઘ તરફ જતા ત્યારે નડેશ્વરી માતાના દર્શન કરીને પ્રસાદી ચઢાવીને જતા હતા. નડેશ્વરી માતાના મંદિરથી 35 કિલોમીટર દૂર પાકિસ્તાનના સિંધ પ્રાંતનું નગરપારકર શહેર આવેલું છે. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલી છે. જ્યારે બી.એસ.એફ.નો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરેલી છે.

સીમા પર તહેનાત જવાનોની નજર 24 કલાક આ મંદિરની સુરક્ષા કરતી રહે છે. આ સ્થાન સમુદ્રના તળથી 50 મીટર જેટલી ઊંચાઈએ છે. તેથી વરસાદમાં રણમાં ભરાતા પાણી ક્યારેય મંદિરની આસપાસ આવી શકતા નથી. કહેવામાં આવે છે કે વર્ષણાં એકવાર વરસાદ દરમિયાન જોરથી પાણીની લહેરો આવે છે, પરંતુ તે વખતે મંદિર પ્રબંધન દ્વારા રણમાં દીવા પેટાવીને વિધિ કરવામાં આવે છે. જેના કારણે પાણી ધીરેધીરે ઉતરવા લાગે છે. જો કે ઉનાળામાં નડાબેટ ખાતે એક અલગ જ અનુભવ હોય છે. નડેશ્વરી માતાના મંદિરમાં કોરાનાકાળ પહેલા દૈનિક અંદાજે એકથી દોઢ હજાર લોકો નિશુલ્ક ભોજન કરતા હતા. દર મહીનાની પૂનમે અહીં મેળાનું પણ આયોજન થતું હતું. રામનવમી પર પણ મેળો ભરાય છે. આ સ્થાન પર 60ના દાયકામાં પડેલા દુકાળ વખતે સ્વામી સચ્ચિદાનંદજી પણ આવી ચુક્યા છે.

1971ના યુદ્ધમાં નડેશ્વરી માતાના ચમત્કારી પરચા-

એવું કહેવામાં આવે છે કે 1971ના યુદ્ધ દરમિયાન દાંતીવાડા બીએસએફ છાવણીના મુખ્ય અધિકારી નડેશ્વરી માતાના દર્શન માટે આવ્યા હતા, કારણ કે તેમને આ માર્ગે જ પાકિસ્તાનની સીમા પર જવાનું હતું. દર્શન કર્યા બાદ કર્નલ સાહેબે મંદિરના ટ્રસ્ટી ભાણાભાઈ રાજપૂતને મળ્યા અને કહેવા લાગ્યા કે કદાચ આ છેલ્લી મુલાકાત છે, કારણ તે ત્યારે યુદ્ધ ચરમસીમાએ હતું. પરંતુ કર્નલ સાહેબ કહે છે કે જ્યારે તેઓ પાકિસ્તાનના નગરપારકરની સીમા તરફ આગળ વધી રહ્યા હતા, તો માતાજીની જ્યોતિ આગળ-આગળ તેમનું માર્ગદર્શન કરી રહી હતી. આ યુદ્ધમાં તેમની બટાલિયનના એકપણ જવાને જીવ ગુમાવ્યો ન હતો. તો ભારતીય સેનાએ નગરપારકર સુધીના પાકિસ્તાનના 10 હજાર વર્ગ કિલોમીટરના વિસ્તાર પર જીત મેળવીને પોતાના નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. તે સમયથી સેનાનો એક જવાન આજે પણ દરરોજ માતાજીની પૂજાવિધિ કરે છે અને એવું માનવામાં આવે છે કે આજે પણ કોઈ જવાન આ રણમાં માર્ગ ભૂલી જાય છે, તો નડેશ્વરી માતા તેનું માર્ગદર્શન કરે છે.

અન્ય એક પ્રચલિત ચમત્કાર અને માતાના પરચાની ઘટના પ્રમાણે, 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેની લડાઈ વખતે ભારતીય સેનાની એક ટુકડી પાકિસ્તાનની સીમામાં પ્રવેસ કરી ગઈ હતી અને માર્ગભૂલી ગઈ હતી. પરંતુ આ ટુકડીના કમાન્ડરે માતા નડેશ્વરીને મનોમન સહાયતા કરવા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના માતાએ સાંભળી અને દીવાના પ્રકાશ દ્વારા ભારતીય સેનાની ટુકડીને માર્ગ દેખાડયો અને પાછા તેમને પોતાના બેસ કેમ્પ ખાતે સકુશળ પહોંચાડયા હતા અને કોઈપણ જવાનને એક ઘસરકો સુદ્ધા પડયો ન હતો. યુદ્ધ સમાપ્ત થયા બાદ માતા નડેશ્વરીના ચમત્કારની અનુભૂતિ કરનારા કમાન્ડરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં માતા નડેશ્વરી વિરાજમાન છે અને તેમના કારણે કોઈપણ જવાનને કંઈપણ થઈ શકે નહીં.

ભારતીય સેના અને બીએસએફ માટે ઘણાં મંદિરો આસ્થાના કેન્દ્ર છે. આવા આસ્થાના કેન્દ્રમાં નડેશ્વરી માતાના મંદિરનો પણ સમાવેશ થાય છે. સીમા પર પહેરો ભરનારા આપણા દેશના જવાનો બનાસકાંઠા બોર્ડર પર આવેલા આ મંદિરમમાં પોતાની ડ્યૂટી જોઈન કરતા પહેલા માથું ટેકવા ખુદ જાય છે. અતૂટ શ્રદ્ધા છે કે માતા નડેશ્વરી ખુદ જવાનોની સુરક્ષા કરે છે. આ મંદિરની બાજુમાં એક તળાવ છે અને બીએસએફની છાવણી આવેલી છે.


No comments:

Post a Comment