Wednesday, July 20, 2022

BSF: ‘ડ્યૂટી અન ટૂ ધ ડેથ’ના જોશથી છલોછલ ભારતની ‘ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ’

 બીએસએફનો પરિચય-

બીએસએફ એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ભારતની સુરક્ષાની પ્રથમ હરોળ ગણાય છે. ભારતના સૌથી મહત્વના અર્ધલશ્કરી દળોમાં સીમા સુરક્ષા દળનો સમાવેશ થાય છે. બીએસએફની પાસે ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમાઓની શાંતિકાળમાં સુરક્ષા કરવાની જવાબદારી છે. બીએસએફની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965ના યુદ્ધ બાદ કરવામાં આવી હતી. 1 ડિસેમ્બર, 1965ના રોજ સ્થપાયેલા બીએસએફના સંસ્થાપક અને પહેલા નિદેશક એફ. રુસ્તમજી હતા. બીએસએફે તેની સ્થાપના સાથે જ પોતાના કૌવતનો પરિચય દુશ્મનને આપવાનું શરૂ કર્યું હતું. બીએસએફ પાસે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના સીમાડાઓની સુરક્ષાના દાયિત્વો હતા. 1971માં બાંગ્લાદેશ બન્યા બાદ પૂર્વ પાકિસ્તાનની સીમા ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમા બની હતી અને બીએસએફ તેની સુરક્ષા પણ કરે છે.

બીએસએફનું સૂત્ર છે- જીવન પર્યંત કર્તવ્ય એટલે કે ડ્યૂટી અનટૂ ડેથ.બીએસએફમાં હાલ 2.50 લાખથી વધુ જવાનો છે. તેમા 190થી વધારે બટાલિયનો છે. તેનું વાર્ષિક બજેટ 19650.74 કરોડ રૂપિયા છે. સીમા સુરક્ષા દળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત બીએસએફ એક્ટ-1968 હેઠળ બનાવવામાં આવ્યું હતું. તેનું મુખ્યમથક દિલ્હીમાં છે અને તેના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાના છે. 24 વિમાનો અને 400થી વધારે બોટ્સ તથા આર્ટિલરી વિંગ ધરાવતું બીએસએફ પોતાના તમામ મિશનોને યોગ્ય રીતે પાર પાડે છે.

બીએસએફની સ્થાપનાનું કારણ----

1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું હતું. 1965 સુધી ભારતીય સીમાડાંઓની સુરક્ષા સ્ટેટ આર્મ્ડ પોલીસ બટાલિયનોના હાથમાં હતી. 1965ના યુદ્ધ પહેલા પાકિસ્તાને 9 એપ્રિલ-1965ના રોજ કચ્છ બોર્ડર પર સરદાર ચોકી, છાડબેટ અને બેરિયા બેત પર હુમલો કરી દીધો હતો. સ્ટેટ આર્મ્ડ પોલીસ અને સીઆરપીએફે મોટા બલિદાનો આપીને પાકિસ્તાની સેનાને જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતું. સ્ટેટ આર્મ્ડ પોલીસ અને સીઆરપીએફે પાકિસ્તાનની એક બ્રિગેડને પાછળ ધકેલવામાં સફળતા મેળવી હતી. પરંતુ 1965ના યુદ્ધ પછી ભારત સરકારને કેન્દ્ર સરકારને આધિન એક વિશેષ સીમા સુરક્ષા દળની જરૂરિયાત મહેસૂસ થઈ હતી. તેને જોતા સશસ્ત્ર અને તાલીમબદ્ધ ફોર્સની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તત્કાલિન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા માટે 1 ડિસેમ્બર, 1965ના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી.

આમ તો 1962ના ચીન યુદ્ધના પાંચમા દિવસે સીમા સુરક્ષા માટે મોટી પહેલ કરતા ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસની રચના કરવામાં આવી હતી. જો કે તેમ છતાં 1962ના યુદ્ધમાં ભારતની હાર થઈ હતી. તે વખતે પણ સીમા સુરક્ષા માટે સ્ટેટ આર્મ્ડ પોલીસ ફોર્સના સ્થાનને ટ્રેન્ડ કેન્દ્રીય સીમા સુરક્ષા દળોની જરૂરિયાત હોવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ તેનો અમલ 1965ના યુદ્ધમાં પાકિસ્તાન સામે જીત્યા બાદ થયો હતો.

બીએસએફની ભૂમિકા-

બીએસએફના જવાનો યુદ્ધ અને શાંતિ એમ બંને સમયમા સક્રિય રહે છે. શાંતિકાળમાં તેમની મુખ્ય જવાબદારી આપણી સીમાઓની સુરક્ષા, સીમા પારથી થનારા અપરાધો, તસ્કરી સહીતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાની છે. આ સિવાય ગેરકાયદેસર પ્રવાસ અને ઘૂસણખોરીને પણ બીએસએફ રોકે છે. ઘૂસણખોરીને રોકવા માટે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ એકઠા કરવાની જવાબદારી પણ બીએસએફ બેહદ સક્ષમ રીતે પુરી કરી રહી છે. બીએસએફ મર્યાદીત સ્તર પર આક્રમક કાર્યવાહી પણ કરે છે અને શરણાર્થીઓને નિયંત્રિત પણ કરે છે. દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની કાર્યવાહીઓમાં બીએસએફ સ્થાનિક પ્રશાસનની મદદ કરે છે. તેના સિવાય દેશમાં કોઈપણ ભાગમાં વિદ્રોહને રોકવાની કાર્યવાહી પણ બીએસએફ દ્વારા કરવામાં આવે છે. બીએસએફ ઘણાં આતંકવાદી વિરોધી અને નક્સલ વિરોધી ઓપરેશનમાં સામેલ છે.

બીએસએફની વ્યાપકતા-વિશાળતા-

બીએસએફ દુનિયાનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ છે. તેના સંગઠનાત્મક માળખાના વિસ્તરણ સાથે તેની જવાબદારી પણ વધી છે. બીએસએફ ભારતનું એકમાત્ર અર્ધલશ્કરી દળ છે કે જેની પાસે એરવિંગ, નેવલવિંગ, આર્ટિલરી વિંગ, કેમલ વિંગ અને ડોગ સ્ક્વોર્ડ છે. આ સિવાય ગુજરાતના તટવર્તી ક્ષેત્રો- સીરક્રીક, કોરીક્રીક જેવા દુર્ગમ વિસ્તારોની સુરક્ષા માટે બીએસએફ પાસે ક્રોકોડાઈલ વિંગ પણ છે. તેના ઓપરેશન્સમાં સંચાર તકનીક, ઈજનેરી, તકનીકી-પ્રશાસનથી લઈને કાયદાકીય, તબીબી અને હથિયાર સંબંધિત સહાયતાઓ સામેલ છે. હાલ બીએસએફ ભારતની પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમાની સુરક્ષાની સાથે આંતરીક માલાઓમાં પણ સ્થાનિક પ્રશાસનને જરૂરિયાત પ્રમાણે મદદ કરવાનું કામ કરે છે. બીએસએફની ત્રણ બટાલિયનો રાષ્ટ્રીય આફત નિવારણ દળમાં સામેલ છે. આ ત્રણેય બટાલિયનો કોલકત્તા, ગૌહાટી અને પટનામાં તહેનાત છે. તે બટાલિયનો અત્યાધુનિક તકનીકથી સુસજ્જ છે.

બીએસએફના જવાનો કચ્છ-રાજસ્થાનના ગરમીથી બળબળતા રણવિસ્તારો, કારગીલ જેવા ઠંડા ક્ષેત્રોની સીમાઓ અને બાંગ્લાદેશ બોર્ડર પર નદીઓના વહેણને કારણે દુર્ગમ બનેલા સીમાવિસ્તારોની સુરક્ષા કરે છે. આકરી તાલીમથી તૈયાર થયેલો બીએસએફના જવાનોના શૌર્યથી દુશ્મનો થરથર કાંપે છે.

બીએસએફની ક્રોકોડાઈલ વિંગ-

ગુજરાતના તટવર્તી ક્ષેત્રોની સીમાઓ ખાસ કરીને સીરક્રીકની પાકિસ્તાન દ્વારા વિવાદ પેદા કરીને તણાવગ્રસ્ત કરાયેલા તટવર્તી વિસ્તારોની સુરશ્રક્ષા બીએસએફ કરે છે. હંમેશા સજાગ, સતર્ક રહીને દુશ્મનની ગતિવિધિઓ પર બીએસએફ બાજ નજર રાખે છે. જરૂરિયાત ઉભી થયે મર્યાદીત યુદ્ધ લડવા માટે પણ તૈયારી ધરાવે છે. તેમને સુપર સોલ્જર પણ કહેવામાં આવે છે. તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખુદને ઢાળવા માટે સમર્થ છે. આ સીમા સુરક્ષા દળ 1882 જમીની અને 18 જળીય ચોકીઓ દ્વારા સીમા સુરક્ષા અને પ્રબંધનનું કાર્ય કરે છે.

બીએસએફના જવાનોની ટ્રેનિંગ –

બીએસએફની કપરી કામગીરીને જોતા તેના જવાનોની ટ્રેનિંગ પણ બેહદ કઠિન હોય છે. તેમને દરેક પરિસ્થિતિમાં લડવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આવી કપરી ટ્રેનિંગને કારણે જ બીએસએફનો જવાન શાંતિકાળમાં સીમાઓની સુરક્ષા કરી શકે છે અને યુદ્ધકાળમાં પ્રોફેશનલ સૈનિકની જેમ દુશ્મને પરાજીત પણ કરી શકે છે.

સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન એન્ડ ટેક્ટિસ –ઈન્દૌર તથા ટ્રેનિંગ સેન્ટર એન્ડ સ્કૂલ હજારીબાગ ઝારખંડ ખાતે તેમની ટ્રેનિંગ થતી હોય છે. આ સિવાય સીમા સુરક્ષા બલ અકાદમી ટેકનપુર, સેન્ટ્રલ સ્કૂલ ઓફ મોટર ટ્રાન્સપોર્ટ ટેકનપુર, નેશનલ ટ્રેનિંગ ફોર ડોગ્સ ટેકનપુર, બીએસએફ ટેકનપુરમાં 1976થી અલગ ટીયર સ્મોક યુનિટ પણ ચલાવે છે. ટીયર સ્મોક યુનિટ હુલ્લડો દરમિયાન ટિયરગેસ છોડવાને લઈને તાલીમ આપે છે.

બીએસએફમાં મહિલાઓની ભાગીદારી-

બીએસએફમાં પણ સમય પ્રમાણે નિયમો અને સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ અનેક સુધારા કરવામાં આવ્યા છે. જેમા મહિલાઓની ભરતી પણ સામેલ છે. હાલ બીએસએફમાં 1000થી વધારે મહિલા સુરક્ષાકર્મીઓની ભરતી થઈ ચુકી છે. બીએસએફના મહિલા સુરક્ષાકર્મીઓને પંજાબ અને જમ્મુ સહીતની બોર્ડર પર તહેનાત પણ કરવામાં આવ્યા છે. અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન રેન્જર્સને બીએસએફના મહિલા સુરક્ષાકર્મીઓએ બીટિંગ ધ રિટ્રીટ પરેડમાં જોશભેર સામે થઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. 2017માં બીએસએફના પહેલા ફીલ્ડ અધિકારી તનુશ્રી પારેખ હતા.

બીએસએફની સિદ્ધિઓ-

બાંગ્લાદેશની મુક્તિમાં મહત્વની ભૂમિકા-

1971ના યુદ્ધ વખતે બીએસએફની સ્થાપનાને પાંચ વર્ષ થયા હતા. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ બીએસએફના સંસ્થાપક મહાનિદેશક કે. એફ. રુસ્તમજીને બોલાવીને બાંગ્લાદેશની સ્વતંત્રતાના અભિયાનમાં મદદ કરવાની જવાબદારી સોંપી હતી. બીએસએફના અધિકારીઓ અને જવાનોએ બાંગ્લાદેશ મુક્તિવાહિનીને પૂર્વ પાકિસ્તાનની અંદર હુમલો કરવામાં મદદ કરી હતી. બીએસએફે બાંગ્લાદેશની પ્રાંતીય સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું બંધારણ તૈયાર કરવું અને એક રાષ્ટ્રધ્વજની પસંદગી કરવી. બાંગ્લાદેશની ક્રાંતિકારી સરકારે બીએસએફના કોલકત્તા ખાતેના ફ્રન્ટિયર મુખ્યમથકથી પોતાની કામગીરી શરૂ કરી હતી.

ઓપરેશન બ્લૂ સ્ટાર, ઓપરેશન બ્લેક થંડરમાં મહત્વની જવાબદારી-

80ના દશકમાં પંજાબમાં અશાંતિ ચરમ પર હતી, ત્યારે ઓપરેશન બ્લૂ સ્ટારની કાર્યવાહીમાં સેના સાથે મળીને બીએસએફના જવાનોએ મહત્વની જવાબદારીઓ સારી રીતે પુરી કરી હતી.

કારગીલ યુદ્ધ-

બીએસએફે કારગીલ યુદ્ધમાં સેનાની કાર્યવાહીમાં પણ ખભેખભો મિલાવીને સાથ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફથી હરકત થાય નહીં તેના માટે સજાગતા દાખવી હતી.

2001ના સંસદ હુમલાના માસ્ટરમાઈન્ડનો ખાત્મો-

2003ના એક ઓપરેશનમાં 11 કલાકના અભિયાન બાદ એક ઘરમાં છૂપાયેલા ગાઝીબાબાનો બીએસએફે ખાત્મો કર્યો હતો. ગાઝીબાબા છૂપાયો હતો, તે મકાનને મોર્ટારથી ઉડાડી દેવામાં આવ્યું હતું. આતંકવાદી ગાઝીબાબા આઈસી-814 કંદહાર અપહહરણ, કાશ્મીરમાં વિદેશીઓના અપહરણથી લઈને જમ્મુ-કાશ્મીર વિધાનસભા અને બાદમાં સંસદ પરના હુમલામાં આતંકીઓનો સરગના હતો.

આ સિવાય 2001ના કચ્છ ભૂકંપ વખતે પણ બીએસએફે રાહત અને બચાવ કામગીરી કરી હતી. આ સિવાય પણ દેશમાં કુદરતી આફતો વખતે બીએસએફે લોકોના જીવ બચાવવાની મોટી કામગીરીઓ કરી છે.

યુએન પીસકીપિંગ ફોર્સમાં બીએસએફનું યોગદાન-

યુએન પીસકીપિંગ ફોર્સમાં સૌથી વધુ સૈનિકો મોકલનાર દેશ ભારત છે. તેમા પણ સૌથી વધુ બીએસએફના જવાનોને અન્ય દેશોમાં શાંતિ સ્થાપિત કરવા માટે મોકલવામમાં આવે છે. બીએસએફના ઘણાં જવાનો યુએનના એવોર્ડથી પણ સમ્માનિત છે.

 

ભારતીય સેના અને બીએસએફ વચ્ચેનો તફાવત-

સશસ્ત્ર દળોના કાર્યો લગભગ એક જેવા હોય છે, પરંતુ દરેક ફોર્સની કાર્યપદ્ધતિઓ અલગ હોય છે. બીએસએફ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આવે છે. તે ગૃહ મંત્રાલયને આધિન છે. બીએસએફ શાંતિકાળ દરમિયાન તહેનાત કરવામમાં આવે છે.

જ્યારેસેના યુદ્ધ દરમિયાન સીમા પર તહેનાત થઈને દુશ્મનોનો મુકાબલો કરે છે. શાંતિ કાળમાં સેના સીમાડાઓથી દૂર રહીને યુદ્ધ માટે પોતાને તૈયાર રાખે છે. તે ક્રોસ બોર્ડર ઓપરેશન પણ કરે છે. ભારતી સેનાના જવાનોને બીએસએફના જવાનોથી વધુ સુવિધાઓ મળે છે. તેમાં કેન્ટીન, આર્મી સ્કૂલ વગેરે સેવાઓ સામેલ છે. ભારતીય સેના સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે.

-----------0---------

No comments:

Post a Comment