Wednesday, July 20, 2022

હિંદુ જનાક્રોશ સામે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીને માગવી પડી હતી માફી........

આનંદ શુક્લ

--------0----------

ખામ થિયરી: માધવસિંહ સોલંકીને હાથના કર્યા હૈયે વાગ્યા-------

ભાગલાની પીડામાંથી પસાર થયેલા ભારત અને ભારતના લોકોને ખંડિત સ્વતંત્રતાના માત્ર 30 વર્ષ જેટલા ઓછા સમયમાં વોટબેંકની રાજનીતિના માઠાં પરિણામો અનુભવાયા હતા. વિભાજનની વિભિષિકામાંથી પસાર થયેલા દેશવાસીઓને જાતિવાદનું ધીમું ઝેર રાજકારણીઓ દ્વારા પીવડાવાય રહ્યું હતું. આજે જે ગુજરાતને હિંદુત્વની રાજનીતિની પ્રયોગશાળા તરીકે સ્યૂડો-સેક્યુલર પક્ષો અને સંગઠનો દ્વારા ઓળખાવામાં આવે છે, તે ગુજરાત નવું રાજ્ય બન્યા બાદથી છેક 1989 સુધી જ્ઞાતિવાદી રાજકારણની પ્રયોગશાળા બનાવી દેવાયું હતું. ગુજરાતમાં વોટબેંકની રાજનીતિના પ્રયોગો કરનારાઓમાં કૉંગ્રેસના તત્કાલિન નેતાઓ ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતા હતા. તેમણે દેશમાં કટોકટી બાદની ગુજરાતની ચૂંટણીમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) જ્ઞાતિસમીકરણનો એક પ્રયોગ કર્યો હતો. આ વોટબેંકના પ્રયોગને કારણે રાજ્યમાં હિંદુ સમાજમાં વૈમનસ્યની સ્થિતિ પેદા થઈ હતી. 1981માં માધવસિંહ સોલંકી ખામ થિયરીના પ્રયોગથી સત્તામાં આવ્યા અને તેની સાથે અનામત અને અનામત વિરોધી આંદોલન શરૂ થયા હતા. જોકે માધવસિંહ સોલંકીએ પાંચ વર્ષની ટર્મ પુરી કરી હતી.

1985ની વિધાનસભાની ચૂંટણીમાં ખામ થિયરીના વધુ જલદ પ્રયોગે ગુજરાતમાં હિંદુ સમાજમાં વધુ જ્ઞાતિગત વૈમનસ્ય પેદા કર્યું હતું. પરંતુ જ્ઞાતિવાદી સમીકરણોને સાધીને માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાં કૉંગ્રેસે 149 બેઠકો પ્રાપ્ત કરી હતી. પરંતુ તેની સાથે જ જ્ઞાતિવાદી વોટબેંકની પ્રયોગશાળા બનેલા ગુજરાતમાં ફરી એકવાર અનામત અને અનામત વિરોધી આંદોલનો શરૂ થયા હતા. શરૂઆતમાં જ્ઞાતિવાદી આંદોલનો બાદમાં હિંદુ-મુસ્લિમ રમખાણોમાં બદલાયા હતા. 20 જૂન, 1985ના રોજ પ્રતિબંધ છતાં અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. જો કે આખરે રાજ્યમાં બેકાબુ હિંસાની સ્થિતિને જોતા 6 જુલાઈ, 1985ના રોજ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના નિર્દેશ પ્રમાણે માધવસિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1985માં હિંસાની ઘટનાઓ ઓગસ્ટ માસ સુધી ચાલુ રહી હતી.

વોટબેંકની રાજનીતિએ ગુજરાતની શાંતિ ભરખી----------

ખામ થિયરીના જ્ઞાતિવાદી રાજકારણે ગુજરાતની શાંતિને જાણે કે ભરખી લીધી હતી. આવી સ્થિતિનો ફાયદો લઈને મુસ્લિમ સમુદાયના અસામાજીક તત્વોની ગુંડાગીરી પણ વધી હતી. મુસ્લિમ બુટલેગરો દ્વારા દારૂ સહીતના ગેરકાયદેસર ધંધાઓ પર દાદાગીરી ચાલતી હતી.તેને કારણે તો 26 જુલાઈ,1985ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ ઘોષણા કરી હતી કે જે પોલીસ અધિકારીઓના અધિકાર ક્ષેત્રમાં બુટલેગરો પોતાના કારોબાર કરતા હશે, તેના માટે તેમને (સંબંધિત પોલીસ અધિકારીને) જવાબદાર ઠેરવીને તેમને સજા કરવામાં આવશે. જેને કારણે હંગામી ધોરણે ત્યારે પોલીસ, રાજકારણીઓ અને ગેરકાયદેસર કારોબારીની પ્રવૃત્તિ પર લગામ લાગી હતી. પોલીસે ઘણાં ગેંગસ્ટર્સની ધરપકડ કરી હતી અને શસ્ત્રો પણ ઝડપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 8 મે, 1985ની રાત્રિએ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં પોલીસ સબઈન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણા કોમવાદી હુમલો ખાળવાની કાર્યવાહી દરમિયાન ગોળી વાગવાથી વીરગતિ પામ્યા હતા. મહેન્દ્રસિંહ રાણાના બલિદાન માટે બુટલેગર અબ્દુલ લતીફની ગેંગ પર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
જો કે કૉંગ્રેસના નેતાઓની ખામ થિયરીના પરિણામે ગુજરાત કોમવાદી હિંસાની આગમાં ઝોકાયું હતું. 9 જુલાઈ, 1986ના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી, ત્યારે તેના પર હુમલો કરાયો હતો. રથયાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 11 લોકોના જીવ ગયાનું નોંધાયું હતું. જ્યારે અન્ય કેટલાકે ગણતરીના દિવસોમાં જીવ ગુમાવ્યો હતો. તેની સાથે હુલ્લડની શરૂઆત પણ થઈ હતી.

હુલ્લડખોરો સામે હિંદુ જનાક્રોશ-----

રથયાત્રા પર હુમલાના પગલે થયેલી હિંસાના વિરોધમાં હિંદુ રક્ષા સમિતિ દ્વારા 12 જુલાઈ, 1986ના રોજ ગુજરાત બંધની ઘોષણા કરવામાં આવી હતી. હિંદુ રક્ષા સમિતિના બંધના એલાનની અસર મુખ્યત્વે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં થઈ હતી. અમદાવાદની કપડાં મિલો સહીત શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત પણ સજ્જડ બંધ રહ્યું હતું. જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાં બંધની મિશ્ર અસર રહી હતી. આ બંધ દરમિયાન હિંસક ઘટનાઓમાં 24 લોકોના જીવ ગયા હતા. 1986માં થયેલા હુલ્લડમાં 80 જેટલા લોકોના મોત નીપજ્યા અને એક સપ્તાહની હિંસામાં 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

જો કે 1985ની સરખામણીએ 1986ની કોમવાદી હિંસાને ઝડપથી ડામી દેવામાં આવી હતી. તત્કાલિન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી પી. ચિદમ્બરમ અમદાવાદ દોડી આવ્યા હતા. એસઆરપી, સીઆરપીએફ, બીએસએફની 54 કંપનીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓની તહેનાતી કરી દેવામાં આવી હતી. આંતરીક સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી પી. ચિદમ્બરમે 24 કલાકમાં સ્થિતિ પર કાબુ મેળવ્યાનો દાવો કર્યો હતો. કાર્યવાહીમાં 3401ની ધરપકડ કરાય હતી અને તેમા 61 લોકોને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

શોભાયાત્રા-જુલૂસ પર પ્રતિબંધ-----

અમરસિંહ ચૌધરીની સરકાર સામે તત્કાલિન પરિસ્થિતિઓમાં હિંસા રોકવી સૌથી પહેલી પ્રાથમિકતા હતી. તેના કારણે રાજ્યમાં શોભાયાત્રાઓ અને જુલૂસ કાઢવા પર રોક લગાવાય હતી. 1986માં 27 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાઓ કાઢવાની કોશિશો થઈ હતી. જેમા ફરીથી હિંસા થવાની આશંકાઓએ પણ આકાર લીધો હતો. હિંદુ સુરક્ષા સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાની ઘોષણાઓ થઈ હતી. પોલીસે આવા શોભાયાત્રા કાઢવાના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. જેમાં ઘણાં લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

જન્માષ્ટમીની શોભાયાત્રા રોકવા બેફામ બળપ્રયોગ-

અમદાવાદ ખાતેના શાહપુરમાં આવેલા અદ્વૈત આશ્રમ તરફથી જન્માષ્ટમીના રોજ શોભાયાત્રા કાઢવાની ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલે કરી હતી. ઘોષણાના પગલે કાર્યવાહીની ચિમકી આપતી નોટિસ પોલીસ દ્વારા અદ્વૈત આશ્રમ ખાતે ચોંટાડવામાં આવી હતી. જો કે અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલ અને ડૉ. પ્રવીણ તોગડિયા સહીતના નેતાઓ શાહપુરમાં શોભાયાત્રા કાઢવા માટે મક્કમ હતા. જેને ધ્યાનમાં રાખીને પોલીસે અમરસિંહ ચૌધરીની સરકારના આદેશથી અદ્વૈત આશ્રમની 10 સ્તરીય ઘેરાબંધી કરી હતી.

આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પર કાર્યક્રમ બંધ રાખવા સરકાર- પોલીસ દ્વારા દબાણ કરાયું હતું. સંન્યાસ આશ્રમના મહંત સહીતના લોકોએ તેમને શોભાયાત્રા બંધ રાખવા સમજાવવાની કોશિશો કરી જોઈ હતી. તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહના દબાણમાં તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ મોહનભાઈ સાથે કાર્યક્રમ રોકવા મામલે વાતચીત કરી હતી. મોહનભાઈ પંચાલ આ ઘટનાને યાદ કરતા જણાવે છે કેચારથી પાંચ વખત આવી વાતચીત થઈ હતી. શોભાયાત્રાને લઈને અડગતાને જોતા પોલીસ ફોર્સ વધારવામાં આવી અને શાહપુરમાં 25 હજાર પોલીસકર્મીઓની તહેનાતી કરાય હતી. તત્કાલિન મુખ્યમમંત્રી અમરસિંહ ચૌધરીના કહેવાથી દ્વારકાના તત્કાલિન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ મોહનભાઈને ફોન કરીને કાર્યક્રમ રોકવા જણાવ્યું અને સંદેશાવાહકોને પણ મોકલ્યા હતા.

જો કે જન્માષ્ટમીના દિવસે પોલીસ ફોર્સની તહેનાતી વચ્ચે શોભાયાત્રા કાઢવાનું નિર્ધારીત કરાયું હતું. જન્માષ્ટમીના દિવસે મોહનભાઈ અને તેમના ધર્મપત્નીને આશ્રમના દરવાજે પોલીસે રોકયા હતા. પરંતુ તેમણે ટ્રસ્ટી હોવાનું જણાવીને અંદર જવા માટે ખાસી રકઝક કરી હતી. બાદમાં તેમને પોલીસે અંદર દીધા હતા..

મંદિરમાં ગયા બાદ મોહનભાઈ પંચાલ અને તેમના ધર્મપત્નીએ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાને હાથલારીમાં મૂકીને પૂજા કરી હતી અને અદ્વૈત આશ્રમમમાં જ શોભાયાત્રાની શરૂઆત કરી હતી. જ્યારે તેઓ પગથિયાં તરફ આગળ વધ્યા તો આસપાસ એકઠાં થયેલા સેંકડો લોકોમાંથી કોઈએ દરવાજો ખોલી નાખ્યો હતો. જેને કારણે રસ્તા પર પ્રતિમા સાથે હાથલારી લઈને મોહનભાઈ અને તેમના ધર્મપત્ની પહોંચ્યા હતા. લોકો સ્વયંભૂ શોભાયાત્રામાં જોડાવા લાગ્યા હતા.

આને જોતો પોલીસે બેફામ બળપ્રયોગ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને મોહનભાઈ, તેમના ધર્મપત્ની સહીતના શોભાયાત્રામાં સામેલ થયેલા લોકોને ખૂબ માર્યા હતા. મૂર્તિને અદ્વૈત આશ્રમમાં પાછી મૂકવામાં આવી હતી. 25 હજાર જેટલા લોકોની સ્ટેડિયમ ખાતે અટકાયત કરાય હતી. જો કે બાદમાં સાંજે તમને છોડી મૂકવામાં આવ્યા હતા.

હિંદુ આક્રોશ સામે ઝુક્યા CM, અમરસિંહ ચૌધરીને માગવી પડી માફી----

પરંતુ શોભાયાત્રા રોકયા બાદ મંદિરમાં પોલીસ જોડાં પહેરીને ગર્ભગૃહમાં ગઈ હોવાના મામલે જનાક્રોશ હતો. આ સિવાય મંદિરની અંદર પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને કારણે આક્રોશિત લોકોએ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી માફી માંગે તેવી માગણી કરી હતી. આ માગણી સાથે હજારો લોકો એકઠા થયા હતા.

જ્યારે પોલીસની કાર્યવાહી અને વ્યાપેલા જનાક્રોશની જાણ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને થઈ, તો તેઓ પરિસ્થિતિનો તાગ પામી ગયા હતા. અમરસિંહ ચૌધરીએ આખા મામલામાં અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલ સાથે 10 વખત ચર્ચા કરી હતી. મોહનભાઈ પંચાલે ઘટનાને યાદ કરતા કહ્યુ હતુ કે માફી માંગવા માટે અમરસિંહ ચૌધરી તૈયાર થઈ ગયા હતા. તેમને માફી માંગવાનો ડ્રાફ્ટ લખીને અપાયો હતો. આના માટે રાત્રિના 11 વાગ્યાનો સમય નિર્ધારીત કરાયો હતો. આની પાછળનું કારણ એવું હતું કે રાત્રિના 11 વાગ્યે ભીડ પ્રમાણમાં ઓછી હશે.

જો કે જનાક્રોશિત ભીડ રાત્રિના 11 વાગ્યે પણ મંદિરમાં હાજર હતી. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી રાત્રે 11 વાગ્યે નક્કી કર્યા મુજબ આવ્યા અને આક્રોશિત ભીડ વચ્ચે મંદિરના મુખ્ય દરવાજાથી જ અંદર પ્રવેશ્યા હતા. અમરસિંહ ચૌધરીએ માફી માંગી હતી. પરંતુ લોકો વધુ ઉત્તેજીત થયા હોવાનું દેખાતા તેમને પાછલા દરવાજેથી સુરક્ષાકર્મીઓ લઈ ગયા હતા. જો કે આ દરમિયાન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી સાથે ટપલીદાવ થયો હતો. તેઓ રાત્રે 12 વાગ્યે અહીંથી નીકળી શક્યા હતા. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી દ્વારા માફી મંગાયા બાદ લોકો વિખરાયા હતા. પરંતુ જનાક્રોશને શાંત થવામાં અઠવાડિયાનો સમય લાગ્યો હતો.

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં હિંદુત્વની લાગણીઓ આસમાને હતી. અબ્દુલ લતીફ સહીતના મુસ્લિમ બુટલેગરો સાથેની રાજકારણીઓની સાઠગાંઠ સામે પણ જનાક્રોશ વધી રહ્યો હતો. આ ઘટના બાદ યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની જીત થઈ હતી. આ આખી ઘટના ગુજરાત માટે મહત્વના ટર્નિંગ પોઈન્ટ હતી, કારણ કે જ્ઞાતિવાદ કરનારા રાજકારણીઓને હિંદુ લાગણીઓ સામે ઝુકવું પડયું હતું.

No comments:

Post a Comment