Wednesday, July 20, 2022

સ્વતંત્ર ભારતે લડેલા 5 યુદ્ધોની શૌર્યગાથા-

 ભારતે સ્વતંત્રતા બાદ પોતાના બે પાડોશી દેશો સાથે કુલ પાંચ યુદ્ધો લડયા છે. જેમા ચાર યુદ્ધો પાકિસ્તાન સાથે અને એક યુદ્ધ ચીન સાથે ભારતને લડવું પડયું છે. આ યુદ્ધના સંક્ષિપ્ત વિવરણ પર એક નજર કરીએ-

1)    1947-48નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ:  22 ઓક્ટોબર, 1947

અંત : 5 જાન્યુઆરી, 1949

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 441 દિવસ

ભારતની જાનહાનિ: 1104 મૃત્યુ, 3154 ઘાયલ

પાકિસ્તાન ખુવારી: 6000 મૃત્યુ, 14000 ઘાયલ

યુદ્ધનું વિવરણ-

બંને દેશો વચ્ચે સ્વતંત્રતા સાથે જ કાશ્મીર સમસ્યા કેન્દ્રમાં હતી. ભાગલા બાદ મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રિયાસતના હિંદુ શાસક મહારાજા હરિસિંહે સ્વતંત્ર રહેવાનું સપનું જોયું હતું. સપ્ટેમ્બર-1947માં કાશ્મીરના પશ્ચિમ વિસ્તારોમાં વિદ્રોહ દ્વારા આઝાદ કાશ્મીર સરકારની ઘોષણા કરવામાં આવી હતી. પાકિસ્તાને તકનો લાભ ઉઠાવતા કબાયલીઓને અહીં મોકલ્યા અને તેઓ રાજધાની શ્રીનગરથી માત્ર 15 માઈલ દૂર હતા. મહારાજા હરિસિંહે ભારતની મદદ માંગી હતી. ત્યારે તેમને સરકાર તરફથી વિલિનીકરણ માટેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા જણાવાયું હતું. મહારાજા હરિસિંહે હસ્તાક્ષર કર્યા અને નેશનલ કોન્ફરન્સ ઓફ કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાએ આના પર સંમતિ આપી હતી. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના વિલયને માન્યતા આપી હતી. બાદમાં ભારતે કાશ્મીરમાં પોતાની સેના મોકલી હતી. પાકિસ્તાને આઝાદ કાશ્મીર આંદોલનને મદદ કરવા માટે સૈન્ય સહાયતા કરી હતી. ભારતીય સેનાઓ આગળ વધી રહી હતી.. ત્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનની અનિયમિત સેનાઓને પાછી બોલાવવા માટેની કોશિશ માટે નવનિર્મિત સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી રાજદ્વારી સંશાધનોનો આદર્શવાદી માર્ગ અપનાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના પ્રસ્તાવ-39 અને 47 ભારતની તરફેણમાં ન હતા અને પાકિસ્તાને આ પ્રસ્તાવોને માનવાનો ઈન્કાર કર્યો હતો. 1947-48માં થયેલું કાશ્મીર માટેનું યુદ્ધ ભારતીય સેનાઓની પાકિસ્તાન પર સરસાઈ સ્થપાવા છતાં અનિર્ણાયક રહ્યું અને મામલો સ્વતંત્રતાના સાત દાયકાથી પણ વધુ સમયથી લટકેલો છે.

પરિણામ:

પાકિસ્તાને મહારાજા હરિસિંહના તાબા હેઠળની રિયાસત-એ-જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પોતાના ગેરકાયદેસર કબજા હેઠળ લીધો હતો. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ગિલગિત અને બાલ્તિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતે રિયાસત-એ-જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલંબથી થયેલા વિલિનીકરણ છતાં સેનાના શૌર્યથી જમ્મુ,કાશ્મીર ખીણ અને લડાખને પાકિસ્તાનના કબાઈલીઓ અને રેગ્યુલર્સના કબજામાં જતું બચાવ્યું હતું. આ યુદ્ધમાં 1 જાન્યુઆરી, 1949ના રોજ યુદ્ધવિરામનું યુએન દ્વારા એલાન કરાયું હતું.

-------------------------------0---------------------------------------

2)  2)1962નું યુદ્ધ

શત્રુ: ચીન

પ્રારંભ: 20 ઓક્ટોબર, 1962

અંત : 21 નવેમ્બર, 1962

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 32 દિવસ

ભારતની જાનહાનિ: 1383 મૃત્યુ, 548થી 1047 ઘાયલ

ચીનની ખુવારી: 722 મૃત્યુ, 1647 ઘાયલ

યુદ્ધનું વિવરણ-

ભારતની સ્વતંત્રતા બાદ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન સાથે મિત્રતાભર્યા સંબંધો રાખવા માટે પુરતી કોશિશ કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સુરક્ષા  પરિષદમાં ચીનના કાયમી સભ્યપદ માટે પણ 1950માં સમર્થન કર્યુ હતું. પરંતુ તિબેટ પર કબજો કર્યા બાદ ચીને મેકમોહન લાઈનને માનવાનો ઈન્કાર કરીને દાદાગીરી શરૂ કરી હતી. 1954માં ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર થયા અને હિંદી-ચીની ભાઈ ભાઈના સૂત્રો ગાજવા લાગ્યા હતા. 1959માં દલાઈ લામા ચીનના અત્યાચારોથી તંગ આવીને ભારતમાં રાજ્યાશ્રય માટે આવ્યા હતા. તેના પછી ચીન એક તરફ પંચશીલના કરારો કરતું રહ્યું અને બીજી તરફ 1959થી 1962 વચ્ચે ભારત અને ચીન વચ્ચે નાનામોટા ઘર્ષણો થતા રહ્યા હતા. 10 જુલાઈ-1962નારોજ 350 ચીની સૈનિકોએ ચુશુલ ખાતેની ભારતીય ચોકીને ઘેરી લીધી હતી. 20 ઓક્ટોબર, 1962ના રોજ ચીને લડાખ અને નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સીમાં મેકમોહન લાઈન પાર કરીને હુમલા કર્યા હતા. ભારતના તત્કાલિન સત્તાધીશો આ યુદ્ધમાં ઉંઘતા ઝડપાયા હતા અને ચીને દોસ્તીનો રાગ આલાપતા દોસ્તીની પીઠમાં ખંજર ભોંક્યું હતું. ભારતે યુધ ક્ષેત્રમાં માત્ર બે ટુકડીઓની તહેનાતી કરી હતી અને ચીને ત્યાં ત્રણ રેજિમેન્ટ્સ તહેનાત કરી હતી. ચીની સૈનિકોએ ભારતીય ટેલિફોનલાઈન કાપી નાખી હતી અને તેથી ભારતીય સૈનિકો માટે મુખ્યમથકનો સંપર્ક કરવો મુશ્કેલ થયો હતો. 24 ઓક્ટોબર સુધીમાં ચીની સેના ભારતીય ક્ષેત્રમાં 15 કિલોમીટર અંદર સુધી આવી ગઈ હતી. ચીનના તત્કાલિન વડાપ્રધાન જો ઈનલાઈએ નહેરુને પત્ર લખીને સંઘર્ષવિરામનો પ્રસ્તાવમૂક્યો હતો. જેમાં નેફામાંથી ચીને પાછા હટવાનો અને અક્સાઈ ચીનમાં યથાસ્થિતિ બનાવી રાખવાની વાત કહી હતી. નહેરુએ ચીનનો પ્રસ્તાવ નકારીને કહ્યુ કે અક્સાઈ ચીન પર ચીનનો દાવો ગેરકાયદેસર છે. તો તત્કાલિન સોવિયત યૂનિયને પોતાનું વલણ બદલતા ચીનને સમર્થન આપતા કહ્યુ હતુ કે મેકમોહન લાઈન બ્રિટિશ સામ્રાજ્યવાદનું ખતરનાક પરિણામ છે. ભારતીય સંસદે ભારતની પવિત્ર ભૂમિ પરથી આક્રમણકારીઓને ખદેડવા માટે એક પ્રસ્તાવ પારીત કર્યો હતો. 14 નવેમ્બરથી ફરીથી બંને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં એક સપ્તાહ બાદ ચીને એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી દીધી હતી. પરંતુ ચીન અક્સાઈ ચીન પર કબજો કરીને પૂર્વોત્તરના વિસ્તારોમાંથી પાછું હટી ગયું હતું.

પરિણામ:

ચીને અક્સાઈ ચીનનો 1960માં ક્લેમ લાઈન સુધીનો વિસ્તાર કબજે કર્યો. ચીને 1962ના યુદ્ધમાં ભારતનો 38 હજાર વર્ગ કિલોમીટરનો વિસ્તાર ચીને દબાવી દીધો હતો. આ યુદ્ધમાં ચીને એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી હતી.

--------0-----------

3)1965નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 5 ઓગસ્ટ, 1965

અંત:  23 સપ્ટેમ્બર, 1965

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 50 દિવસ

ભારતની જાનહાનિ: 3000 મૃત્યુ

પાકસ્તાનની ખુવારી: 3800 મૃત્યુ

યુદ્ધનું વિવરણ-

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં બીજું યુદ્ધ થયું હતું. આ યુદ્ધની પાછળ ઘણાં વિવાદો કારણભૂત હતા. જેમાં વિભાજન વખતે ભારતમાંથી પસાર થતી સિંધુ, ચિનાબ, સતલજ, બિયાસ અને રાવીના પાણીની વહેંચણીનો વિવાદ હતો. 1948માં ભારતે આ નદીઓના પાણી બંધ કર્યા હતા. 1960માં જવાહરલાલ નહેરુ અને અયૂબખાન વચ્ચે સિંધુ જળ સંધિ દ્વારા આ વિવાદનો અંત થયો હતો. પાકિસ્તાન ઝેલમ, ચિનાબ, સિંધુના પાણી અને ભારત સતલજ, બિયાસ અને રાવીના પાણીનો ઉપયોગ કરી શકશે તેવી સંધિ થઈ હતી. જળ વિવાદ બાદ સીમા આયોગ દ્વારા સીમા વિવાદને ઉકેલવાની કોશિશો થઈ હતી. 1965માં કચ્છ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના પરિણામે વિવાદ શરૂ થયો હતો. ભારતે આ મામલો યુએનમાં ઉઠાવ્યો હતો. આને ભારતની કમજોરી સમજીને પાકિસ્તાને કાશ્મીરમાં ઉપદ્રવ મચાવવાની કોશિશ કરી હતી.

5 ઓગસ્ટ, 1965ના રોજ પાકિસ્તાને અંકુશ રેખા પર સેનાની મોટી તહેનાતી અને આક્રમણ શરૂ કર્યું હતું.જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના અનિયમિત જેહાદી દળોની ઘૂસણખોરી અને તેના ઓપરેશન જિબ્રાલ્ટર સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી. 1965ના યુદ્ધમાં ભારતીય સેનાઓ લાહોરના સીમાડાઓ સુધી પહોંચી ચુકી હતી. યુએન નિર્દિષ્ટ યુદ્ધવિરામ બાદ લડાઈ સમાપ્ત થઈ હતી. તાશ્કંદમાં ભારતના તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અયૂબ ખાને 10 જાન્યુઆરી-1966ના રોજ સોવિયત સંઘની મધ્યસ્થતામાં વિવાદોના દ્વિપક્ષીય વાટાઘાટોથી ઉકેલ અને શાંતિ જાળવવા મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાશ્કંદમાં લાલબહાદૂર શાસ્ત્રીનું રહસ્યમયી સંજોગોમાં નિધન થયું હતું.

પરિણામ-

1965ના યુદ્ધમાં ભારતના સૈન્યની સરસાઈ રહી હતી. આ યુદ્ધમાં ભારતે 3000 સૈનિકો ગુમાવ્યા હતા. તેની સાથે 150થી 190 ટેન્કો, 60થી 75 યુદ્ધવિમાનો પણ ગુમાવ્યા હતા. પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં હુમલો કરીને 540 વર્ગ કિલોમીટરનો વિસ્તાર પોતાના કબજામાં લીધો હતો. તો સામે પક્ષે પાકિસ્તાનને પણ મોટી ખુવારી થઈ હતી અને તેના 3800 સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાની 200થી 300 ટેન્કો, 20 એરક્રાફ્ટ્સ પણ બરબાદ કરવામાં ભારતીય સેનાને સફળતા મળી હતી. ભારતીય સેનાએ સિંધ, લાહોર, સિયાલકોટ અને કાશ્મીર સેક્ટરમાં પાકિસ્તાનનો કુલ 1840 વર્ગ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. જો કે તાશ્કંદ કરાર બાદ ભારત અને પાકિસ્તાને એકબીજાના વિસ્તારો પરત કર્યા હતા.

-------------0----------------------------

4) 1971નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 3 ડિસેમ્બર, 1971

અંત:  16 ડિસેમ્બર, 1971

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 13 દિવસ

ભારતની જાનહાનિ: 2500થી 3843ની વીરગતિ, 9851થી 12000 ઘાયલ

પાકસ્તાનની ખુવારી: 9000 મૃત્યુ, 25000 ઘાયલ

પાકિસ્તાનનું ઢાકામાં જાહેરમાં આત્મસમર્પણ : 93000 પાકિસ્તાની સૈનિકોનું સરન્ડર

 યુદ્ધ વિવરણ-

1965ના અનિર્ણાયક યુદ્ધનો આંશિક ફેંસલો 1971ના ત્રીજા યુદ્ધમાં થયો હતો. માત્ર 13 દિવસના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા થયા હતા. તેની સાથે મજહબી રાષ્ટ્રવાદનો પાકિસ્તાનનો વિચાર પણ ખોખલો સાબિત થયો હતો. મજહબી ઝનૂનથી અસ્તિત્વમાં આવેલા પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન 1947માં અસ્તિત્વમાં આવ્યા હતા. બંને ભાગ વચ્ચે ભારત હતું અને 1200 માઈલોનું અંતર હતું. આ સિવાય પૂર્વ પાકિસ્તાનમાં પંજાબી મુસ્લિમોનું વર્ચસ્વ હતું અને ઉર્દૂ ભાષાને પૂર્વ પાકિસ્તાનના બંગાળી ભાષી મુસ્લિમો પર થોપી દેવામાં આવી હતી.

પૂર્વ પાકિસ્તાનના નેતા શેખ મુજીબુર રહમાનને ચૂંટણી જીતવા છતાં સત્તાની સોંપણી નહીં કરવાનો મામલો બાંગ્લાદેશના નિર્માણ માટેનો ટર્નિંગ પોઈન્ટ હતો. રહમાનની પાર્ટીએ 1970માં 300માંથી 160 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને રાષ્ટ્રપ્રમુખ યાહ્યા ખાને મુજીબુર રહમાનને સત્તા સોંપણીનો ઈન્કાર કર્યો હતો. 26 માર્ચ-1971ના રોજ રાત્રે 1-15 કલાકે શેખ મુજીબુર રહમાનને પાકિસ્તાની સેનાની ત્રણ કમાન્ડો યુનિટ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા હતા. પૂર્વ પાકિસ્તાનમાં જનરલ યાહ્યાખાને દમનચક્ર ચલાવ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધમાં 70 લાખ યહૂદીઓની હત્યા કરનારા એડોલ્ડ હિટલર સાથે તેઓ સ્પર્ધામાં ઉતર્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા શરૂ કરાયેલા દમનચક્રમાં ત્રીસ લાખથી વધુ બંગાળીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તો 1971ના નવ માસમાં પૂર્વ પાકિસ્તાનમાં બે લાખથી વધુ મહિલાઓના પાકિસ્તાની સેના દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા બંગાળી મહિલાઓ પર સામુહિક બળાત્કારની કરુણતા પણ હ્રદય કંપાવનારી હતી...પૂર્વ પાકિસ્તાનમાં અત્યાચારોને કારણે શરણાર્થીઓના ધાડેધાડા ભારતમાં ઉતરી આવ્યા હતા. જેના કારણે ભારતને આના માટે પગલા ભરવા જરૂરી હતા.

3 ડિસેમ્બર-1971ના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સાથે યુદ્ધ શરૂ થયું હતું અને તેના 13 દિવસમાં 16 ડિસેમ્બર-1971ના રોજ પાકિસ્તાનના વિભાજન સાથે બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો... શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તો પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ઝુલ્ફિકારઅલી ભુટ્ટો જૂન-1972માં ભારત આવ્યા હતા. સિમલા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બહાલી માટે કરાર થયો હતો. સિમલા કરાર મુજબ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા વિવાદો અને સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલની સંમતિ સધાઈ હતી. બંને દેશ પ્રવર્તમાન સ્થિતિને એકતરફી રીતે બદલવાની કોશિશ નહીં કરે તેવી પણ સંમતિ બની હતી. જો કે પાકિસ્તાને સિમલા કરાર બાદ પણ પોતાની હરકતો ચાલુ રાખી છે.

પરિણામ-

પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ઢાકામાં જાહેરમાં ભારતીય સેના સમક્ષ હથિયાર નાખીને નામોશી સાથે આત્મસમર્પણ કર્યું હતું. 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર પણ થયો હતો. ભારતે 15010 વર્ગ કિલોમીટરનો પાકિસ્તાનનો વિસ્તાર કબજે કર્યો હતો અને તેને સિમલા કરાર બાદ પાકિસ્તાનને પાછો સોંપી દેવામાં આવ્યો હતો.પાકિસ્તાને બાંગ્લાદેશનો બદલોલેવા બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ પહેલા પંજાબ અને બાદમાં જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદ અને આતંકવાદને ઉછેરવાનું શરૂ કર્યું હતું.

----0-------

5) 1999નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 3 મે, 1999

અંત: 26 જુલાઈ, 1999

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 85 દિવસ

ભારતની જાનહાનિ: 527ની વીરગતિ, 1363 ઘાયલ

પાકિસ્તાનની જાનહાનિ: 737થી 1200ના મોત, 1000થી વધુ

યુદ્ધ વિવરણ-

જમ્મુ-કાશ્મીરના કારગીલ જિલ્લા અને નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સૈનિકો અને પાકિસ્તાનના ઉછેરેલા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ભારતીય સેના દ્વારા શિયાળામાં ખાલી કરવામાં આવેલી પોઝિશનો પર ઘૂસણખોરી કરીને નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાની કેપ્ટન સૌરભ કાલિયાની પેટ્રોલિંગ પાર્ટી સાથે પાકિસ્તાની સેના અને આતંકીઓએ બર્બરતાપૂર્ણ વ્યવહાર કરીને તેમના જીવ લીધા હતા. ભારતીય સેના અને સરકારને સમગ્ર હકીકતની જાણકારી મળ્યા બાદ કારગીલના ક્ષેત્રો પાછા લેવા માટે ઓપરેશન વિજય હાથ ધરાયું હતું. ભારતીય વાયુસેનાએ પણ ઓપરેશન વિજયમાં મિરાજ-2000 અને મિગ શ્રેણીના વિમાનો સાથે ભાગ લીધો હતો. 85 દિવસ ચાલેલા કારગીલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ શૌર્ય અને બલિદાનોની હેલી લગાવીને પાકિસ્તાની ઘૂસણખોરોને વીણીવીણીને ખદેડી મૂક્યા હતા.  મહત્વપૂર્ણ છે કે કારગીલ યુદ્ધ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી લાહોર બસ લઈને ગયા હતા અને પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે 21 ફેબ્રુઆરી, 1999ના રોજ લાહોર ડેક્લેશન પર બંનેએ હસ્તાક્ષર કર્યા હતા. વાજપેયીની લાહોર મુલાકાત વખતે પાકિસ્તાની સેનાના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફે અટલજીને સેલ્યૂટ કરી ન હતી. પાકિસ્તાની સેનાધ્યક્ષના દિમાગમાં ચાલતા ખુરાફાતના આનાથી સંકેત મળ્યા હતા. જો કે કારગીલ યુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાનમાં તખ્તાપલટ બાદ 2001માં જનરલ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે અટલ બિહારી વાજપેયી સાથે વાટાઘાટો કરવા માટે આગ્રા આવ્યા હતા.

પરિણામ-

ઓપરેશન વિજયને પાકિસ્તાની ઘૂસણખોરોને કારગીલમાંથી હાંકી કાઢવા સુધી ચાલુ રાખવામાં આવ્યું અને ભારતીય સેનાને આમા મોટા-મોટા બલિદાનો આપ્યા બાદ સફળતા મળી હતી. પાકિસ્તાની સેનાની પણ મોટી ખુવારી થઈ હતી. પાકિસ્તાની સેના પોતાના સૈનિકોની લાશો લેવા માટે પણ તૈયાર ન હતી. જનરલ મુશર્રફે કારગીલ યુદ્ધને લઈને મોટામોટા દાવા કર્યા અને તખ્તાપલટ કરીને નવાઝ શરીફને પાકિસ્તાનમાંથી દેશવટો આપ્યો હતો.

--------0--------

No comments:

Post a Comment