આનંદ શુક્લ: ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) છે. આ ચૂંટણી માટે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રવિવારે કેરલમમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તથા ભાજપ (BJP) નો વિરોધ કરવામાં એવું તે ભાન ભૂલ્યા કે ગુજરાતી (Gujarati) ઓ અને ઉત્તર ભારતીયોને અભણ ગણાવીને તેમના અપમાન કરવાની કક્ષાએ પહોંચી ગયા.
ખડગે (Kharge) સાહેબે ગુજરાતીઓને અભણ કહ્યા!
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge) એ કહ્યુ કે ન તો પીએમ મોદી (PM Modi) અને ન તો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન (Pinarai Vijayan) કેરલ (Kerala) ની જનતાને મૂર્ખ બનાવી શકે છે, કારણ કે તેઓ ઘણાં ચતુર છે અને શિક્ષિત છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ હતુ કે કેરળના લોકોને ગુમરાહ ન કરો. તેઓ ઘણાં ચતુર અને શિક્ષિત છે. મોદીજી, વિજયન, તમે બંને ગુજરાત કે અન્ય ઠેકાણાઓને અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો. પરંતુ કેરલના લોકોને મૂર્ખ નહીં બનાવી શકો.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કર્ણાટકના છે અને તેમના પાડોશી રાજ્ય કેરળમાં છેલ્લા એક દાયકાથી સત્તામાં રહેલી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ની પી. વિજયનની સરકારને હટાવીને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) હેઠળ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર આવવાની શક્યતા આ રાજ્યમાં દેખાઈ રહી છે.
ગુજરાતીઓને નિશાન બનાવીને કૉંગ્રેસને GUJARAT માં શું મળશે?
પણ સવાલ એ છે કે કોંગ્રેસ માટે પહેલેથી ગુજરાત (Gujarat) અને ગુજરાતી (Gujarati) ઓ કોઈ મહત્ત્વ ધરાવે છે કે નહીં? કૉંગ્રેસને 1990ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 33 બેઠકો સાથે ગુજરાતની જનતાએ રાજ્યની સત્તામાંથી હટાવી હતી. 1995માં ભાજપની પૂર્ણ બહુમતી આવી ત્યારે જનતાદળ ગુજરાતને કોંગ્રેસમાં ભેળવી દેનારા ચિમનભાઈ પટેલ (Chimanbhai Patel) ની સરકાર અને તેમના નિધન બાદ છબીલદાર મહેતા (Chhabidas Mehta) ની સરકાર સત્તામાં હતી. પછી 1995થી 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને સત્તા ક્યારેય મળી નથી.
કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ હંમેશા પોતાની રાષ્ટ્રીય રાજનીતિ ચમકાવવા માટે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતની અસ્મિતા (Pride Of Gujarat) ને નિશાને લીધી છે. 2002ની ગોધરાકાંડ (Godhra Kand) અને તેના પછીની હુલ્લડની ઘટનાઓને લઈને ગુજરાતની અસ્મિતાને ચોંટ પહોંચે તેવા નિવેદનો કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ થકી થયા હતા. રાજકીય લડાઈ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સામે હતી. પણ તેમાં ગુજરાતની અસ્મિતાને નિશાન બનાવવાની વાત ગુજરાતીઓને ત્યારે પણ સમજાઈ ન હતી. હુલ્લડો કંઈ બધાં ગુજરાતીઓએ કર્યા ન હતા અને હુલ્લડો થયા હતા તો આ કમનસીબ ઘટનાઓના ઘણાં કારણો પણ હતા.
કેટલાક અસામાજિક તત્વોના એન્કાઉન્ટરો થયા અને તેને લઈને ઘણી કાયદાકીય લડાઈઓ પણ થઈ. પણ 2007ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિશાન બનાવવા માટે મોત કા સોદાગર જેવા શબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. જો કે પરિણામમાં ગુજરાતીઓએ કોંગ્રેસનો ત્યારે હિસાબ કર્યો હતો.
ગુજરાત આમ પણ વેપાર જગતમાં અગ્રણી રાજ્ય છે. તેથી ગુજરાતીઓનો હિસાબ ઘણો પાક્કો છે. પણ ગુજરાતીઓને અભણ ગણાવનારું કોંગ્રેસનું નેતૃત્વ આ વાત કેમ ભૂલી જતું હશે? ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશભાઈ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમભાઈ અદાણી (Gautam Adani) ગુજરાતના છે. જેઓ ગુજરાતી હોવાના કારણે કોંગ્રેસના રાહુલ ગાંધી સહીતના નેતાઓના નિશાને પ્રત્યક્ષ કે પરોક્ષપણે રહેતા હોય છે.
ગુજરાતમાંથી રાષ્ટ્રીય રાજનીતિમાં ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ કોંગ્રેસ અને વિપક્ષી દળોને ખૂંચે તે સ્વાભાવિક છે. પણ આ બંને ગુજરાતીઓનો મુકાબલો તેમણે રાજકીય મુદ્દાઓથી કરવો જોઈએ, તેમના ગુજરાતી હોવાના મુદ્દાથી કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ થાય તે ગુજરાતીઓ કેવી રીતે સહન કરશે?
ખડગેસાહેબ ગુજરાતની સાક્ષરતાની પણ વાત કરીએ...
કેરળમાં જઈને ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા, તેની પાછળ ઘણાં કારણો છે. સૌથી પહેલા વાત કરી લઈએ સાક્ષરતા દર (Litaracy Rate) ની. તો ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરલ નથી. કેરળમાં 95.3 ટકા સાક્ષરતા દર છે અને કેટલાક રિપોર્ટમાં તે 96 ટકાથી પણ વધારે છે. જ્યારે ગુજરાતમાં 84.6 ટકા સાક્ષરતાદર છે. બની શકે કે ખડગે 2011ના આંકડા લઈને ચાલતા હોય કે જ્યારે ગુજરાતમાં સાક્ષરતા દર 80 ટકાથી નીચે હતો. 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં સાક્ષરતા દર 78.03 ટકા હતો. 2017માં એનએસી સર્વે મુજબ ગુજરાતમાં સાક્ષરતા દર 82.4 ટકા થયો અને 2024માં પીએલએફ રિપોર્ટ મુજબ, ગુજરાતનો સાક્ષરતા દર 84.6 ટકા થયો હતો. ગુજરાતમાં કેરલ જેટલો સાક્ષરતા દર ભલે ન હોય, પણ જે ભારત પર 55 વર્ષ રાજ્ય કર્યું તેવી કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે આખા દેશનો સાક્ષરતા દર હાલ 80.9 ટકા છે. એટલે કે ગુજરાતનો સાક્ષરતા દર તેના કરતા વધારે છે.
ગુજરાતમાં કેરલ જેટલા સાક્ષરો ભલે ન હોય, પણ 84.6 ટકા લોકો સાક્ષર છે.
અંગ્રેજી આવડવું જ સાક્ષરતા નથી, સૂટ-બૂટવાળી માનસિકતા છોડો ખડગેસાહેબ
હવે ખડગેની ગુજરાતીઓની અભણતાવાળી માનસિકતાની વાત કરીએ, તો ગુજરાતના લોકોને અંગ્રેજી આવડતું નથી કે તેમનું નબળું અંગ્રેજી હોવાની એક માન્યતા છે. ખડગે જે કોંગ્રેસ નેતૃત્વના વર્ષોથી સંપર્કમાં છે અને જે રાજ્ય કેરલની વાત કરે છે, ત્યાં અંગ્રેજી ભાષાનું ચલણ પણ ઘણું વધારે છે. અંગ્રેજી આવડવું ખોટું કે ખરાબ નથી. પણ અંગ્રેજી આવડે તે જ સાક્ષર તેવી માનસિકતા એક રોગ છે અને અંગ્રેજો ગયા પછી સાપ ગયા એન લિસોટા રહી ગયા જેવી સ્થિતિ છે.
રાહુલ ગાંધી ક્યારેક સૂટ-બૂટની સરકારની વાતો મોદી સરકારને નિશાને લેવા માટે કરતા હતા. પણ હકીકત એ છે કે સૂટ-બૂટની માનસિકતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સાહેબની છે, કારણ કે લાગે છે કે તેમના મતે અંગ્રેજી આવડવું એટલે જ સાક્ષર અને અંગ્રેજી જેને આવડતું હોય તેને મૂર્ખ બનાવી શકાય નહીં. જો આવી માનસિકતા હોય તો તો ગુજરાતીઓ અને ભારતીય ભાષાઓ માટે સ્વાભિમાન ધરાવતા લોકોએ ખરેખર કૉંગ્રેસની આવી માનસિકતાનો રાજકીય હિસાબ તાળા સાથે કરવો જોઈએ.
ખડગે સાહેબને ગુજરાતના કોંગ્રેસી નેતાઓએ કહેવું જોઈએ કે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત હોય છે. ગુજરાતીઓ વિશ્વના 129 દેશોમાં વસવાટ કરે છે. જો તેઓ અભણ હોય તો આટલા બધાં દેશોમાં કેવી રીતે વસવાટ કરી શકે. અમેરિકામાં વસતા દર પાંચ ભારતીયોએ 1 ગુજરાતી છે. ભારત બહાર વસતા કુલ ભારતીયોમાંથી ગુજરાતીનું પ્રમાણ 33 ટકા જેટલું છે. એટલે કે દર 3 પ્રવાસી ભારતીયોમાંથી 1 ગુજરાતી હોય છે. અમેરિકામાં 15 લાખથી વધુ, યુકેમાં 8.60 લાખથી વધુ, કેનેડામાં 2.10 લાખથી વધુ, આફ્રિકામાં 2 લાખથી વધુ અને ઓસ્ટ્રેલિયામાં 1.10 લાખથી વધુ ગુજરાતીઓ વસવાટ કરે છે. આમાના મોટાભાગના દેશોમાં વ્યવહાર અંગ્રેજી ભાષામાં થાય છે.
ખડગે સાહેબને ખબર છે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પિતા ગુજરાતી મૂળના છે. હોલિવુડના અભિનેતા બેન કિગ્સલેના પિતા ગુજરાતી હતા. ઝાંઝીબારમાં જન્મેલા ગુજરાતી પારસી ફ્રેડી મર્ક્યુરી બ્રિટિશ સિંગર તરીકે નામ રોશન કરી ચુક્યા છે. શું આ બધાં ગુજરાતીઓ અભણ છે?
મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા સ્વતંત્રતાસેનાનીઓ બેરિસ્ટર હતા. ખડગે સાહેબ ગુજરાતીઓને અભણ કહે છે, ત્યારે ગાંધીજી અને સરદાર પટેલ ગુજરાતી હોવાનું ગાંધી-નહેરુ પરિવારની ભક્તિમાં કેમ ભૂલી જતા હશે?
હવેલી લેતા ગુજરાત ખોઈ જેવો ઘાટ થવાનો.... હિસાબ તો થવાનો...
ખડગે સાહેબ ગુજરાતની વિધાનસભામાં 182 બેઠકો છે. જ્યારે કેરલની વિધાનસભામાં 140 બેઠકો છે. ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ગાંધીનગરની ગાદી સુધીનો માર્ગ હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી જાય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કોંગ્રેસને 17 વિધાનસભા બેઠકો જ પર જ જીત મળી હતી. આના પહેલા કોંગ્રેસનો 148 વિધાનસભા બેઠકો જીતવાનો રેકોર્ડ હતો, તેને ભાજપે 2022માં 156 બેઠકો જીતીને તોડયો હતો. ગુજરાતમાં કોંગ્રેસના હાલ 2027માં પણ બેહાલ જ રહે તેવી ખડગે સાહેબની કોઈ રાજકીય ગણતરી તો નથી ને? કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાતમાં કૉંગ્રેસને સત્તાવાપસી કરાવવી તેમની રાજકીય પ્રોફાઈલનો ભાગ છે. પણ હંમેશા કૉંગ્રેસના નેતાઓના નિવેદનોથી ભાજપને જાણે-અજાણે ફાયદો થતો રહે છે. દિગ્વિજયસિંહ (Digvijay singh) હોય કે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અર્જૂનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) ના નિવેદનો હોય કે કૉંગ્રેસમાં હતા ત્યારના નરહરિભાઈ અમીન (Narhari Amin) ના નિવેદનો હોય આવા નિવેદનોનો ફાયદો તો ભાજપને જ થયો હતો. 'મોત કા સોદાગર' (Mot Ka Saudagar) જેવી ટીપ્પણીને લઈને સોનિયા ગાંધીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. હવે ખડગેસાહેબનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ચુક્યું છે.
ભાગલા કરો-રાજ કરોની માનસિકતાનો વાગવાનો છે મૃત્યુઘંટ
લોકશાહી એટલે ભાગલા કરો અને રાજ કરો જેવી વાત થોડી ચાલે. એક રાજ્ય જીતવા બીજા રાજ્યના લોકોને નીચું દેખાડવું એક રીતે પ્રાદેશિકતાને પ્રોત્સાહન આપીને ભારતના મૂળિયાને નબળા પાડવા જેવી હરકત છે.
ભૂતકાળમાં કોંગ્રેસના સાથીપક્ષો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને આરજેડીના તેજસ્વી યાદવે (Tejaswi Yadav) પણ ગુજરાત-ગુજરાતીઓ પર બેફામ વાણીવિલાસ કર્યો હતો. શું ખડગેસાહેબ આવી કૉંગ્રેસી નેતાઓની પરંપરાને આગળ વધારી રહ્યા નથી? તો ડી. કે. સુરેશ (D.K. Suresh) જેવા કોંગ્રેસના નેતાઓએ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજન જેવી ટીપ્પણીઓ પણ કરી હતી. ખડગેસાહેબ કે કોંગ્રેસ હાઈકમાન્ડે ડી. કે. સુરેશ સામે શા માટે કાર્યવાહી કરી નહીં? આનો અર્થ તો એ થયો કે કોંગ્રેસનું નેતૃત્વ સત્તા મેળવવા માટે કોઈપણ હદે જઈ શકે છે. કોંગ્રેસને જ્યાં વોટ નથી મળતા ત્યાં જનાદેશનો આદર કરવાના સ્થાને ત્યાંના લોકોને અપશબ્દો કહેશે? શું ગુજરાત અને ઉત્તર ભારત ભારતના ક્ષેત્રો નથી? કે કોંગ્રેસના અધ્યક્ષ ખડગેસાહેબ કેરળ જીતવા આવું ઓરમાયું વર્તન કરે છે. ગુજરાત કૉંગ્રેસના કોઈ નેતા ખરેખર ખડગેસાહેબને સમાજવો કે આવી માનસિકતાને કારણે જ ગુજરાત-ગુજરાતીઓમાં ક્યારેક વર્ચસ્વ ધરાવતી કોંગ્રેસ હવે રાજ્યમાં રાજકીય વનવાસ ભોગવી રહી છે અને હજીપણ ભોગવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો