બુધવાર, 20 જુલાઈ, 2022

સ્વતંત્ર ભારતે લડેલા 5 યુદ્ધોની શૌર્યગાથા-

 ભારતે સ્વતંત્રતા બાદ પોતાના બે પાડોશી દેશો સાથે કુલ પાંચ યુદ્ધો લડયા છે. જેમા ચાર યુદ્ધો પાકિસ્તાન સાથે અને એક યુદ્ધ ચીન સાથે ભારતને લડવું પડયું છે. આ યુદ્ધના સંક્ષિપ્ત વિવરણ પર એક નજર કરીએ-

1)    1947-48નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ:  22 ઓક્ટોબર, 1947

અંત : 5 જાન્યુઆરી, 1949

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 441 દિવસ

ભારતની જાનહાનિ: 1104 મૃત્યુ, 3154 ઘાયલ

પાકિસ્તાન ખુવારી: 6000 મૃત્યુ, 14000 ઘાયલ

યુદ્ધનું વિવરણ-

બંને દેશો વચ્ચે સ્વતંત્રતા સાથે જ કાશ્મીર સમસ્યા કેન્દ્રમાં હતી. ભાગલા બાદ મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રિયાસતના હિંદુ શાસક મહારાજા હરિસિંહે સ્વતંત્ર રહેવાનું સપનું જોયું હતું. સપ્ટેમ્બર-1947માં કાશ્મીરના પશ્ચિમ વિસ્તારોમાં વિદ્રોહ દ્વારા આઝાદ કાશ્મીર સરકારની ઘોષણા કરવામાં આવી હતી. પાકિસ્તાને તકનો લાભ ઉઠાવતા કબાયલીઓને અહીં મોકલ્યા અને તેઓ રાજધાની શ્રીનગરથી માત્ર 15 માઈલ દૂર હતા. મહારાજા હરિસિંહે ભારતની મદદ માંગી હતી. ત્યારે તેમને સરકાર તરફથી વિલિનીકરણ માટેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા જણાવાયું હતું. મહારાજા હરિસિંહે હસ્તાક્ષર કર્યા અને નેશનલ કોન્ફરન્સ ઓફ કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાએ આના પર સંમતિ આપી હતી. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના વિલયને માન્યતા આપી હતી. બાદમાં ભારતે કાશ્મીરમાં પોતાની સેના મોકલી હતી. પાકિસ્તાને આઝાદ કાશ્મીર આંદોલનને મદદ કરવા માટે સૈન્ય સહાયતા કરી હતી. ભારતીય સેનાઓ આગળ વધી રહી હતી.. ત્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનની અનિયમિત સેનાઓને પાછી બોલાવવા માટેની કોશિશ માટે નવનિર્મિત સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી રાજદ્વારી સંશાધનોનો આદર્શવાદી માર્ગ અપનાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના પ્રસ્તાવ-39 અને 47 ભારતની તરફેણમાં ન હતા અને પાકિસ્તાને આ પ્રસ્તાવોને માનવાનો ઈન્કાર કર્યો હતો. 1947-48માં થયેલું કાશ્મીર માટેનું યુદ્ધ ભારતીય સેનાઓની પાકિસ્તાન પર સરસાઈ સ્થપાવા છતાં અનિર્ણાયક રહ્યું અને મામલો સ્વતંત્રતાના સાત દાયકાથી પણ વધુ સમયથી લટકેલો છે.

પરિણામ:

પાકિસ્તાને મહારાજા હરિસિંહના તાબા હેઠળની રિયાસત-એ-જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પોતાના ગેરકાયદેસર કબજા હેઠળ લીધો હતો. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ગિલગિત અને બાલ્તિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતે રિયાસત-એ-જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલંબથી થયેલા વિલિનીકરણ છતાં સેનાના શૌર્યથી જમ્મુ,કાશ્મીર ખીણ અને લડાખને પાકિસ્તાનના કબાઈલીઓ અને રેગ્યુલર્સના કબજામાં જતું બચાવ્યું હતું. આ યુદ્ધમાં 1 જાન્યુઆરી, 1949ના રોજ યુદ્ધવિરામનું યુએન દ્વારા એલાન કરાયું હતું.

-------------------------------0---------------------------------------

2)  2)1962નું યુદ્ધ

શત્રુ: ચીન

પ્રારંભ: 20 ઓક્ટોબર, 1962

અંત : 21 નવેમ્બર, 1962

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 32 દિવસ

ભારતની જાનહાનિ: 1383 મૃત્યુ, 548થી 1047 ઘાયલ

ચીનની ખુવારી: 722 મૃત્યુ, 1647 ઘાયલ

યુદ્ધનું વિવરણ-

ભારતની સ્વતંત્રતા બાદ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન સાથે મિત્રતાભર્યા સંબંધો રાખવા માટે પુરતી કોશિશ કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સુરક્ષા  પરિષદમાં ચીનના કાયમી સભ્યપદ માટે પણ 1950માં સમર્થન કર્યુ હતું. પરંતુ તિબેટ પર કબજો કર્યા બાદ ચીને મેકમોહન લાઈનને માનવાનો ઈન્કાર કરીને દાદાગીરી શરૂ કરી હતી. 1954માં ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર થયા અને હિંદી-ચીની ભાઈ ભાઈના સૂત્રો ગાજવા લાગ્યા હતા. 1959માં દલાઈ લામા ચીનના અત્યાચારોથી તંગ આવીને ભારતમાં રાજ્યાશ્રય માટે આવ્યા હતા. તેના પછી ચીન એક તરફ પંચશીલના કરારો કરતું રહ્યું અને બીજી તરફ 1959થી 1962 વચ્ચે ભારત અને ચીન વચ્ચે નાનામોટા ઘર્ષણો થતા રહ્યા હતા. 10 જુલાઈ-1962નારોજ 350 ચીની સૈનિકોએ ચુશુલ ખાતેની ભારતીય ચોકીને ઘેરી લીધી હતી. 20 ઓક્ટોબર, 1962ના રોજ ચીને લડાખ અને નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સીમાં મેકમોહન લાઈન પાર કરીને હુમલા કર્યા હતા. ભારતના તત્કાલિન સત્તાધીશો આ યુદ્ધમાં ઉંઘતા ઝડપાયા હતા અને ચીને દોસ્તીનો રાગ આલાપતા દોસ્તીની પીઠમાં ખંજર ભોંક્યું હતું. ભારતે યુધ ક્ષેત્રમાં માત્ર બે ટુકડીઓની તહેનાતી કરી હતી અને ચીને ત્યાં ત્રણ રેજિમેન્ટ્સ તહેનાત કરી હતી. ચીની સૈનિકોએ ભારતીય ટેલિફોનલાઈન કાપી નાખી હતી અને તેથી ભારતીય સૈનિકો માટે મુખ્યમથકનો સંપર્ક કરવો મુશ્કેલ થયો હતો. 24 ઓક્ટોબર સુધીમાં ચીની સેના ભારતીય ક્ષેત્રમાં 15 કિલોમીટર અંદર સુધી આવી ગઈ હતી. ચીનના તત્કાલિન વડાપ્રધાન જો ઈનલાઈએ નહેરુને પત્ર લખીને સંઘર્ષવિરામનો પ્રસ્તાવમૂક્યો હતો. જેમાં નેફામાંથી ચીને પાછા હટવાનો અને અક્સાઈ ચીનમાં યથાસ્થિતિ બનાવી રાખવાની વાત કહી હતી. નહેરુએ ચીનનો પ્રસ્તાવ નકારીને કહ્યુ કે અક્સાઈ ચીન પર ચીનનો દાવો ગેરકાયદેસર છે. તો તત્કાલિન સોવિયત યૂનિયને પોતાનું વલણ બદલતા ચીનને સમર્થન આપતા કહ્યુ હતુ કે મેકમોહન લાઈન બ્રિટિશ સામ્રાજ્યવાદનું ખતરનાક પરિણામ છે. ભારતીય સંસદે ભારતની પવિત્ર ભૂમિ પરથી આક્રમણકારીઓને ખદેડવા માટે એક પ્રસ્તાવ પારીત કર્યો હતો. 14 નવેમ્બરથી ફરીથી બંને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં એક સપ્તાહ બાદ ચીને એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી દીધી હતી. પરંતુ ચીન અક્સાઈ ચીન પર કબજો કરીને પૂર્વોત્તરના વિસ્તારોમાંથી પાછું હટી ગયું હતું.

પરિણામ:

ચીને અક્સાઈ ચીનનો 1960માં ક્લેમ લાઈન સુધીનો વિસ્તાર કબજે કર્યો. ચીને 1962ના યુદ્ધમાં ભારતનો 38 હજાર વર્ગ કિલોમીટરનો વિસ્તાર ચીને દબાવી દીધો હતો. આ યુદ્ધમાં ચીને એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી હતી.

--------0-----------

3)1965નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 5 ઓગસ્ટ, 1965

અંત:  23 સપ્ટેમ્બર, 1965

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 50 દિવસ

ભારતની જાનહાનિ: 3000 મૃત્યુ

પાકસ્તાનની ખુવારી: 3800 મૃત્યુ

યુદ્ધનું વિવરણ-

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં બીજું યુદ્ધ થયું હતું. આ યુદ્ધની પાછળ ઘણાં વિવાદો કારણભૂત હતા. જેમાં વિભાજન વખતે ભારતમાંથી પસાર થતી સિંધુ, ચિનાબ, સતલજ, બિયાસ અને રાવીના પાણીની વહેંચણીનો વિવાદ હતો. 1948માં ભારતે આ નદીઓના પાણી બંધ કર્યા હતા. 1960માં જવાહરલાલ નહેરુ અને અયૂબખાન વચ્ચે સિંધુ જળ સંધિ દ્વારા આ વિવાદનો અંત થયો હતો. પાકિસ્તાન ઝેલમ, ચિનાબ, સિંધુના પાણી અને ભારત સતલજ, બિયાસ અને રાવીના પાણીનો ઉપયોગ કરી શકશે તેવી સંધિ થઈ હતી. જળ વિવાદ બાદ સીમા આયોગ દ્વારા સીમા વિવાદને ઉકેલવાની કોશિશો થઈ હતી. 1965માં કચ્છ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના પરિણામે વિવાદ શરૂ થયો હતો. ભારતે આ મામલો યુએનમાં ઉઠાવ્યો હતો. આને ભારતની કમજોરી સમજીને પાકિસ્તાને કાશ્મીરમાં ઉપદ્રવ મચાવવાની કોશિશ કરી હતી.

5 ઓગસ્ટ, 1965ના રોજ પાકિસ્તાને અંકુશ રેખા પર સેનાની મોટી તહેનાતી અને આક્રમણ શરૂ કર્યું હતું.જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના અનિયમિત જેહાદી દળોની ઘૂસણખોરી અને તેના ઓપરેશન જિબ્રાલ્ટર સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી. 1965ના યુદ્ધમાં ભારતીય સેનાઓ લાહોરના સીમાડાઓ સુધી પહોંચી ચુકી હતી. યુએન નિર્દિષ્ટ યુદ્ધવિરામ બાદ લડાઈ સમાપ્ત થઈ હતી. તાશ્કંદમાં ભારતના તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અયૂબ ખાને 10 જાન્યુઆરી-1966ના રોજ સોવિયત સંઘની મધ્યસ્થતામાં વિવાદોના દ્વિપક્ષીય વાટાઘાટોથી ઉકેલ અને શાંતિ જાળવવા મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાશ્કંદમાં લાલબહાદૂર શાસ્ત્રીનું રહસ્યમયી સંજોગોમાં નિધન થયું હતું.

પરિણામ-

1965ના યુદ્ધમાં ભારતના સૈન્યની સરસાઈ રહી હતી. આ યુદ્ધમાં ભારતે 3000 સૈનિકો ગુમાવ્યા હતા. તેની સાથે 150થી 190 ટેન્કો, 60થી 75 યુદ્ધવિમાનો પણ ગુમાવ્યા હતા. પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં હુમલો કરીને 540 વર્ગ કિલોમીટરનો વિસ્તાર પોતાના કબજામાં લીધો હતો. તો સામે પક્ષે પાકિસ્તાનને પણ મોટી ખુવારી થઈ હતી અને તેના 3800 સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાની 200થી 300 ટેન્કો, 20 એરક્રાફ્ટ્સ પણ બરબાદ કરવામાં ભારતીય સેનાને સફળતા મળી હતી. ભારતીય સેનાએ સિંધ, લાહોર, સિયાલકોટ અને કાશ્મીર સેક્ટરમાં પાકિસ્તાનનો કુલ 1840 વર્ગ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. જો કે તાશ્કંદ કરાર બાદ ભારત અને પાકિસ્તાને એકબીજાના વિસ્તારો પરત કર્યા હતા.

-------------0----------------------------

4) 1971નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 3 ડિસેમ્બર, 1971

અંત:  16 ડિસેમ્બર, 1971

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 13 દિવસ

ભારતની જાનહાનિ: 2500થી 3843ની વીરગતિ, 9851થી 12000 ઘાયલ

પાકસ્તાનની ખુવારી: 9000 મૃત્યુ, 25000 ઘાયલ

પાકિસ્તાનનું ઢાકામાં જાહેરમાં આત્મસમર્પણ : 93000 પાકિસ્તાની સૈનિકોનું સરન્ડર

 યુદ્ધ વિવરણ-

1965ના અનિર્ણાયક યુદ્ધનો આંશિક ફેંસલો 1971ના ત્રીજા યુદ્ધમાં થયો હતો. માત્ર 13 દિવસના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા થયા હતા. તેની સાથે મજહબી રાષ્ટ્રવાદનો પાકિસ્તાનનો વિચાર પણ ખોખલો સાબિત થયો હતો. મજહબી ઝનૂનથી અસ્તિત્વમાં આવેલા પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન 1947માં અસ્તિત્વમાં આવ્યા હતા. બંને ભાગ વચ્ચે ભારત હતું અને 1200 માઈલોનું અંતર હતું. આ સિવાય પૂર્વ પાકિસ્તાનમાં પંજાબી મુસ્લિમોનું વર્ચસ્વ હતું અને ઉર્દૂ ભાષાને પૂર્વ પાકિસ્તાનના બંગાળી ભાષી મુસ્લિમો પર થોપી દેવામાં આવી હતી.

પૂર્વ પાકિસ્તાનના નેતા શેખ મુજીબુર રહમાનને ચૂંટણી જીતવા છતાં સત્તાની સોંપણી નહીં કરવાનો મામલો બાંગ્લાદેશના નિર્માણ માટેનો ટર્નિંગ પોઈન્ટ હતો. રહમાનની પાર્ટીએ 1970માં 300માંથી 160 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને રાષ્ટ્રપ્રમુખ યાહ્યા ખાને મુજીબુર રહમાનને સત્તા સોંપણીનો ઈન્કાર કર્યો હતો. 26 માર્ચ-1971ના રોજ રાત્રે 1-15 કલાકે શેખ મુજીબુર રહમાનને પાકિસ્તાની સેનાની ત્રણ કમાન્ડો યુનિટ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા હતા. પૂર્વ પાકિસ્તાનમાં જનરલ યાહ્યાખાને દમનચક્ર ચલાવ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધમાં 70 લાખ યહૂદીઓની હત્યા કરનારા એડોલ્ડ હિટલર સાથે તેઓ સ્પર્ધામાં ઉતર્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા શરૂ કરાયેલા દમનચક્રમાં ત્રીસ લાખથી વધુ બંગાળીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તો 1971ના નવ માસમાં પૂર્વ પાકિસ્તાનમાં બે લાખથી વધુ મહિલાઓના પાકિસ્તાની સેના દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા બંગાળી મહિલાઓ પર સામુહિક બળાત્કારની કરુણતા પણ હ્રદય કંપાવનારી હતી...પૂર્વ પાકિસ્તાનમાં અત્યાચારોને કારણે શરણાર્થીઓના ધાડેધાડા ભારતમાં ઉતરી આવ્યા હતા. જેના કારણે ભારતને આના માટે પગલા ભરવા જરૂરી હતા.

3 ડિસેમ્બર-1971ના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સાથે યુદ્ધ શરૂ થયું હતું અને તેના 13 દિવસમાં 16 ડિસેમ્બર-1971ના રોજ પાકિસ્તાનના વિભાજન સાથે બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો... શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તો પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ઝુલ્ફિકારઅલી ભુટ્ટો જૂન-1972માં ભારત આવ્યા હતા. સિમલા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બહાલી માટે કરાર થયો હતો. સિમલા કરાર મુજબ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા વિવાદો અને સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલની સંમતિ સધાઈ હતી. બંને દેશ પ્રવર્તમાન સ્થિતિને એકતરફી રીતે બદલવાની કોશિશ નહીં કરે તેવી પણ સંમતિ બની હતી. જો કે પાકિસ્તાને સિમલા કરાર બાદ પણ પોતાની હરકતો ચાલુ રાખી છે.

પરિણામ-

પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ઢાકામાં જાહેરમાં ભારતીય સેના સમક્ષ હથિયાર નાખીને નામોશી સાથે આત્મસમર્પણ કર્યું હતું. 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર પણ થયો હતો. ભારતે 15010 વર્ગ કિલોમીટરનો પાકિસ્તાનનો વિસ્તાર કબજે કર્યો હતો અને તેને સિમલા કરાર બાદ પાકિસ્તાનને પાછો સોંપી દેવામાં આવ્યો હતો.પાકિસ્તાને બાંગ્લાદેશનો બદલોલેવા બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ પહેલા પંજાબ અને બાદમાં જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદ અને આતંકવાદને ઉછેરવાનું શરૂ કર્યું હતું.

----0-------

5) 1999નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 3 મે, 1999

અંત: 26 જુલાઈ, 1999

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 85 દિવસ

ભારતની જાનહાનિ: 527ની વીરગતિ, 1363 ઘાયલ

પાકિસ્તાનની જાનહાનિ: 737થી 1200ના મોત, 1000થી વધુ

યુદ્ધ વિવરણ-

જમ્મુ-કાશ્મીરના કારગીલ જિલ્લા અને નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સૈનિકો અને પાકિસ્તાનના ઉછેરેલા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ભારતીય સેના દ્વારા શિયાળામાં ખાલી કરવામાં આવેલી પોઝિશનો પર ઘૂસણખોરી કરીને નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાની કેપ્ટન સૌરભ કાલિયાની પેટ્રોલિંગ પાર્ટી સાથે પાકિસ્તાની સેના અને આતંકીઓએ બર્બરતાપૂર્ણ વ્યવહાર કરીને તેમના જીવ લીધા હતા. ભારતીય સેના અને સરકારને સમગ્ર હકીકતની જાણકારી મળ્યા બાદ કારગીલના ક્ષેત્રો પાછા લેવા માટે ઓપરેશન વિજય હાથ ધરાયું હતું. ભારતીય વાયુસેનાએ પણ ઓપરેશન વિજયમાં મિરાજ-2000 અને મિગ શ્રેણીના વિમાનો સાથે ભાગ લીધો હતો. 85 દિવસ ચાલેલા કારગીલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ શૌર્ય અને બલિદાનોની હેલી લગાવીને પાકિસ્તાની ઘૂસણખોરોને વીણીવીણીને ખદેડી મૂક્યા હતા.  મહત્વપૂર્ણ છે કે કારગીલ યુદ્ધ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી લાહોર બસ લઈને ગયા હતા અને પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે 21 ફેબ્રુઆરી, 1999ના રોજ લાહોર ડેક્લેશન પર બંનેએ હસ્તાક્ષર કર્યા હતા. વાજપેયીની લાહોર મુલાકાત વખતે પાકિસ્તાની સેનાના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફે અટલજીને સેલ્યૂટ કરી ન હતી. પાકિસ્તાની સેનાધ્યક્ષના દિમાગમાં ચાલતા ખુરાફાતના આનાથી સંકેત મળ્યા હતા. જો કે કારગીલ યુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાનમાં તખ્તાપલટ બાદ 2001માં જનરલ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે અટલ બિહારી વાજપેયી સાથે વાટાઘાટો કરવા માટે આગ્રા આવ્યા હતા.

પરિણામ-

ઓપરેશન વિજયને પાકિસ્તાની ઘૂસણખોરોને કારગીલમાંથી હાંકી કાઢવા સુધી ચાલુ રાખવામાં આવ્યું અને ભારતીય સેનાને આમા મોટા-મોટા બલિદાનો આપ્યા બાદ સફળતા મળી હતી. પાકિસ્તાની સેનાની પણ મોટી ખુવારી થઈ હતી. પાકિસ્તાની સેના પોતાના સૈનિકોની લાશો લેવા માટે પણ તૈયાર ન હતી. જનરલ મુશર્રફે કારગીલ યુદ્ધને લઈને મોટામોટા દાવા કર્યા અને તખ્તાપલટ કરીને નવાઝ શરીફને પાકિસ્તાનમાંથી દેશવટો આપ્યો હતો.

--------0--------

ભારત V/S પાકિસ્તાન સૈન્યશક્તિની તુલના

ગ્લોબલ ફાયર પાવર 2021 પ્રમાણે, વિશ્વના 140 દેશોમાં સૈન્યશક્તિના મામલે ભારત ચોથા સ્થાને છે અને પાકિસ્તાન 10મા ક્રમાંકે છે. ભારતીય સેનામાં પાકિસ્તાન કરતા 791000 વધુ સૈનિકો સાથે કુલ 1445000 નિયમિત સૈનિકો છે. જ્યારે પાકિસ્તાનની સેનામાં 654000 નિયમિત સૈનિકો છે. નિયમિત સૈનિકોના મામલે ભારત વિશ્વમાં બીજું અને પાકિસ્તાન વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે. ભારતીય રિઝર્વ સૈનિકોની સંખ્યા 1155000 અને પાકિસ્તાનના રિઝર્વ સૈનિકોની સંખ્યા તેનાતી 605000 ઓછી એટલે કે 550000 છે. રિઝર્વ સૈનિકોના મામલામાં ભારતનું વર્લ્ડ રેન્કિંગ છઠ્ઠું અને પાકિસ્તાનનું દશમું સ્થાન છે. ભારતનું ડિફેન્સ બજેટ 73.65 અબજ ડોલર સાથે વિશ્વમાં ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ 12.27 અબજ ડોલર સાથે દુનિયામાં 24મા ક્રમાંકે છે.

ભારત-પાકિસ્તાનની એરફોર્સની તુલના-

ભારતીય એરફોર્સ 2119 એરક્રાફ્ટ્સ સાથે વિશ્વમાં ચોથા સ્થાને છે અને પાકિસ્તાનની એરફોર્સ 1364 એરક્રાફ્ટ્સ સાથે દુનિયામાં સાતમા ક્રમાંકે છે. ભારતની પાસે 542 અઅને પાકિસ્તાનની પાસે 357 ફાઈટર એરક્રાફ્ટ્સ છે. ભારતની પાસે 130 અને પાકિસ્તાની પાસે 90 એટેક એરક્રાફ્ટ્સ છે. ભારત પાસે 251 અને પાકિસ્તાન પાસે માત્ર 48 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સ છે. ભારતની પાસે 345 અને પાકિસ્તાનની પાસે 510 ટ્રેનર એરક્રાફ્ટ્સ છે. ભારત પાસે 70 અને પાકિસ્તાન પાસે 24 સ્પેશયલ મિશન માટેના એરક્રાફ્ટ્સ છે. ભારત પાસે 775 અનેપાકિસ્તાન પાસે 331 હેલિકોપ્ટરો છે. ભારત પાસે 37 અને પાકિસ્તાન પાસે 53 એટેક હેલિકોપ્ટરો છે.

ભારત-પાકિસ્તાનની ભૂમિસેનાની તુલના-

ભારતીય ભૂમિસેનાનું વર્લ્ડ રેન્કિંગ ચોથું અને પાકિસ્તાનનું અગિયારમું છે. ભારતીય ભૂમિસેના પાસે 4730 અને પાકિસ્તાન પાસે 2680 ટેન્કો છે. ભારત પાસે 10 હજાર અને પાકિસ્તાન પાસે 9635 આર્મર્ડ વ્હીકલ્સ છે. ભારત પાસે 100 અને પાકિસ્તાન પાસે 429 સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી છે. ભારત પાસે 4040 અને પાકિસ્તાન પાસે 1690 ટોવ્ડ આર્ટિલરી છે. ભારત પાસે 374 અનેપાકિસ્તાન પાસે 330 મોબાઈલ રોકેટ પ્રોજેક્ટર્સ છે.

ભારત-પાકિસ્તાનની નૌસેનાની તુલના-

ભારતીય નૌસેના દુનિયામાં નવમા સ્થાને અને પાકિસ્તાની નૌસેના 26મા સ્થાને છે. ભારત કુલ 285 અને પાકિસ્તાન કુલ 100 યુદ્ધજહાજો ધરાવે છે. ભારતીય નૌસેના પાસે એક એરક્રાફ્ટ કેરિયર છે અને પાકિસ્તાન પાસે હાલ એકપણ વિમાનવાહક જહાજ નથી. ભારત પાસે 17 અને પાકિસ્તાન પાસે 9 સબમરીનો છે. ભારત પાસે 10 ડિસ્ટ્રોયર્સ છે અનેપાકિસ્તાન પાસે આવા એકપણ જહાજ હાલ ઉપલબ્ધ નથી. ભારત પાસે 13 અને પાકિસ્તાન પાસે 8 ફ્રિગેટ્સ છે. ભારત પાસે 23 અને પાકિસ્તાન પાસે 2 કૉર્વેટ્સ છે. ભારત પાસે 139 અને પાકિસ્તાન પાસે 49 પેટ્રોલ વેસલ્સ છે. ભારતની પાસે માઈન વૉરફેર માટેનું એકપણ જહાજ નથી અને પાકિસ્તાન પાસે 3 માઈન વૉર ફેર યુદ્ધજહાજો ઉપલબ્ધ છે.

---------0-------

ભારત V/S ચીનની સૈન્યશક્તિની સરખામણી

ગ્લોબલ ફાયર પાવર 2021 પ્રમાણે, ભારત સૈન્યશક્તિના મામલામાં વિશ્વના 140 દેશોમાં ચોથા સ્થાને છે અને ચીન ત્રીજા સ્થાને છે. નિયમિત સૈનિકોની સંખ્યાની દ્રષ્ટિએ બીજા સ્થાને રહેલા ભારતના સૈન્યમા 1445000 નિયમિત સૈનિકો છે અને તેના કરતા 740000 વધુ સૈનિકો સાથે પ્રથમ ક્રમાંકે રહેલા ચીનની સેનામાં નિયમિત સૈનિકોની સંખ્યા 2185000 છે. રિઝર્વ સૈનિકોની સંખ્યાના મામલામાં ભારત વિશ્વમાં છઠ્ઠા સ્થાને અને ચીન અગિયારમા સ્થાને છે. ભારતના રિઝર્વ સૈનિકો 1155000 અને તેના કરતા 645000 ઓછા રિઝર્વ સૈનિકો સાથે ચીનના અનામત દળમાં 510000 રિઝર્વ સૈનિકો છે. ભારતની પાસે 2527000 અર્ધલશ્કરી દળના જવાનો છે અને ચીન પાસે માત્ર 660000 અર્ધલશ્કરી દળના જવાનો છે.

73.65 અબજ ડોલરના ડિફેન્સ બજેટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને અને 178.20 અબજ ડોલરના ડિફેન્સ બજેટ સાથે ચીન વિશ્વમાં બીજા સ્થાને છે.

ભારત અને ચીનની વાયુશક્તિની તુલના-

ભારત વાયુસેનાની શક્તિમાં વિશ્વમાં ચોથા સ્થાને છે અને ચીન ત્રીજા સ્થાને છે. ભારત પાસે કુલ 21119 અને ચીન પાસે 3260 એરક્રાફ્ટ છે. જેમાંથી ભારત પાસે 542 અને ચીન પાસે 1200 ફાઈટર એરક્રાફ્ટ છે. ભારત પાસે 130 એટેક એરક્રાફ્ટ છે અને ચીન પાસે 371 એટેક એરક્રાફ્ટ છે. ભારત પાસે 251 અને ચીન પાસે 264 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. ભારત પાસે 345 અને ચીન પાસે 405 ટ્રેનર એરક્રાફ્ટ છે. ભારત પાસે સ્પેશયલ મિશન માટેના 70 અને ચીન પાસે 115 એરક્રાફ્ટ છે. ભારત પાસે 775 અને ચીન પાસે 902 હેલિકોપ્ટરો છે. ભારત પાસે 37 એટેક હેલિકોપ્ટરો છે અને ચીન પાસે આવા 327 હેલિકોપ્ટરો છે.

ભારત-ચીનની ભૂમિસેનાની સરખામણી-

ભારત ભૂમિસેનાની શક્તિના મામલે ચોથા સ્થાને અને ચીન વિશ્વમાં બીજા સ્થાને છે. ભારત પાસે 4730 અને ચીન પાસે 3205 ટેન્કો છે. ભારત પાસે 10 હજાર અને ચીન પાસે 35 હજાર આર્મર્ડ વ્હીકલ્સ છે. ભારત પાસે 100 અને ચીન પાસે 1970 સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી છે. ભારત પાસે 4040 અને ચીન પાસે 1234 ટોવ્ડ આર્ટિલરી છે. ભારત પાસે 374 અને ચીન પાસે 2250 મોબાઈલ રોકેટ પ્રોજેક્ટર્સ છે.

ભારત-ચીનની નૌસૈન્ય શક્તિની સરખામણી-

ભારતીય નૌસેના ફ્લિટ સ્ટ્રેન્થના હિસાબથી વિશ્વમાં નવમા સ્થાને અને ચીનની નૌસેના વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ગ્લોબલ ફાયર પાવર 2021ના આંકડા પ્રમાણે, ભારતની પાસે 285 અને ચીન પાસે 777 યુદ્ધજહાજો છે. જેમાં ભારત પાસે 1 અને ચીન પાસે 2 વિમાનવાહક જહાજો છે. ભારત પાસે 17 અને ચીન પાસે 79 સબમરીનો છે. ભારત પાસે 10 અને ચીન પાસે 50 ડિસ્ટ્રોયર છે. ભારત પાસે 13 અને ચીન પાસે 46 ફ્રિગેટ્સ છે. જ્યારે ભારત પાસે 23 અને ચીન પાસે 72 કૉર્વેટ્સ છે. ભારત પાસે 139 અને ચીન પાસે 123 પેટ્રોલ વેસલ્સ છે. માઈન વોરફેર માટેના ચીન પાસે 36 યુદ્ધજહાજો છે. પરંતુ ભારત પાસે માઈન વોરફેર માટેના એકપણ જહાજ હાલ ઉપલબ્ધ નથી.

--------0-------------

ભારતની સૈન્ય શક્તિ

 

ભારતની સશસ્ત્ર સેનાઓ-

ભારતીય સૈન્યની ત્રણ પાંખ છે, ભૂમિસેના, નૌસેના અને વાયુસેના. ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડર દેશના રાષ્ટ્રપતિ છે. ભારતીય સશસ્ત્ર સેનાઓના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ 1 જાન્યુઆરી, 2020ના રોજ બનાવવામાં આવ્યું હતું. ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ બિપિન રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. સીડીએસ ભારતીય સશસ્ત્ર સેનાઓના પ્રોફેશનલ ટ્રાય સર્વિસ ચીફ છે અને ભારત સરકારના સૌથી વરિષ્ઠ ગણવેશધારી સૈન્ય સલાહકાર પણણ છે. 24 ડિસેમ્બર, 2019ના રોજ ભારતની સુરક્ષા મામલાની મંત્રીમંડળીય સમિતિએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદના સર્જનની ઘોષણા કરી હતી. આ પદ માટે કારગીલ યુદ્ધ બાદ સમીક્ષા સમિતિ દ્વારા સત્તાવાર રીતે ભલામણ કરાઈ હતી.

ભારતીય ભૂમિસેના-

ભારતીય સેનાની સ્થાપના 1 એપ્રિલ, 1895ના રોજ બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સ્વતંત્ર ભારતમાં સેના દિવસની ઉજવણી 15 જાન્યુઆરીએ કરવામાં આવે છે. ભારતીય સેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે. ભારત કરતા વધુ સારી ભૂમિસેનામાં અમેરિકા, રશિયા અને ચીનના સ્તાન છે. જ્યારે ભારતનું પાડોશી પાકિસ્તાન ભૂમિસેનાની શક્તિમાં છેક 13મા ક્રમાંકે છે. ભારીતય સેનાની ઉત્પતિ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાઓમાંથી થઈ હતી. તે આગળ જતા બ્રિટિશ ભારતીય સેના કહેવાઈ અને આઝાદી બાદ તે રાષ્ટ્રીય સેના બની ગઈ. 15 ઓગસ્ટ-1947ના રોજ સ્વતંત્રતા બાદ પણ 14 જાન્યુઆરી, 1949 સુધી ભારતીય સેનાના કમાન્ડર જનરલ રૉય ફ્રાંસિસ બૂચર હતા. પરંતુ 15 જાન્યુઆરી, 1949ના રોજ ફીલ્ડ માર્શલ કે. એમ. કરિઅપ્પા સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય સેનાધ્યક્ષ બન્યા અને આ દિવસને ભારતીય સેના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્રતા સમયે ભારતીય સેનામાં 2 લાખ સૈનિકો હતા, પરંતુ હાલ ભારતીય સેનાના સક્રિય સૈનિકોની સંખ્યા 14 લાખથી પણ વધારે છે.

ગ્લોબલ ફાયર પાવરના 2021ના રિપોર્ટ મુજબ, ભારતીય સેનામાં 14,45,000 નિયમિત સૈનિકો છે. જ્યારે 11, 55, 000 રિઝર્વ સૈનિકો છે. ભારત પાસે 25,27,000ના અર્ધલશ્કરી દળોના સૈનિકો પણ ઉપલબ્ધ છે. આમ ભારતમાં જરૂર પડે યુદ્ધમાં લડી શકે તેવા કુલ તાલીમબદ્ધ લશ્કરી-અર્ધલશ્કરી દળોના 51,27,000 સૈનિકો છે. ભારતીય ભૂમિસેનાની શક્તિ પણ તેના આકારને અનુરૂપ છે. ભારતીય ભૂમિસેના પાસે 4730 ટેન્કો, 10000 આર્મ્ડ વ્હીકલ્સ, સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી 100, ટોવ્ડ આર્ટિલરી 4040 અને રોકેટ પ્રોજેક્ટર્સ 374 છે.

ભારતીય વાયુસેના-

ભારત પાસે વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે. ભારતીય વાયુસેનાની સ્થાપના બ્રિટિશકાળમાં 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. તેને એરફોર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. સ્વતંત્રતા પહેલા ભારતીય વાયુસેના રોયલ ઈન્ડિયન એરફોર્સ તરીકે ઓળખાતી હતી. પરંતુ સ્વતંત્રતા બાદ તેમાથી રોયલ શબ્દ હટાવીને ઈન્ડિયન એરફોર્સ નામકરણ કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ દ્વિતિય વિશ્વયુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય વાયુસેના પાંચમાંથી ચાર યુદ્ધોમાં મહત્વની કાર્યવાહી કરી ચુકી છે. જ્યારે 1962ના ચીનયુદ્ધમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ થયો ન હતો. ભારતીય વાયુસેના ઓપરેશન વિજય- ધ એનેક્શેસન ઓફ ગોવા,ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન પૂમલાઈ, મ્યાંમાર અને પાકિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી કાર્યવાહીઓમાં પોતાના પરાક્રમ દેખાડી ચુકી છે.

ભારતીય વાયુસેનામાં રફાલ, સુખોઈ-30-એમકેઆઈ, તેજસ, મિરાજ-2000, મિગ-29 મિગ-27, મિગ-21 બાઈસન, જગુઆર જેવા ફાઈટર જેટ્સ છે. જ્યારે ચિનૂક અને અપાચેથી માંડીને ચેતક-ચીત્તા જેવા હેલિકોપ્ટરો છે. ગ્લોબમાસ્ટર, સી-130-જે, સી-17, આઈએલ-76, એએ-32 અને બોઈંગ-737 જેવા ટ્રાન્સપોર્ટ પ્લેન અને અવાક્સ સિસ્ટમ પણ સામેલ છે.

ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી એરફોર્સ છે અને તેમા 139576 નિયમિત અને 140000 રિઝર્વ વાયુસૈન્યકર્મીઓ છે. ગ્લોબલ ફાયર પાવરના 2021ના રિપોર્ટ પ્રમાણે, ભારતીય વાયુસેનામાં કુલ 2119 એરક્રાફ્ટસ છે. જેમાં ફાઈટર્સ અથવા ઈન્ટરસેપ્ટર્સ એરક્રાફ્ટ 542, એટેક એરક્રાફ્ટની સંખ્યા 130, સ્પેશ્યલ મિશન માટેના 70 એરક્રાફ્ટ, 251 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સ, 6 ટેન્કર ફ્લીટ અને 345 ટ્રેનર એરક્રાપ્ટ છે. જ્યારે ભારતીય વાયુસેના પાસે 775 હેલિકોપ્ટરો છે અને 37 એટેક હેલિકોપ્ટર્સ છે.

ભારતીય નૌસેના-

ભારતીય નૌસેનાના મૂળિયા ઈતિહાસના પૌરાણિક કાળ સુધી જાય છે. ભારતીય નૌસેનાના આધુનિક સ્વરૂપની સ્થાપનાના મૂળિયા 1612ના વર્ષ સાથે સંબંધિત છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની મેરીન સ્વરૂપે સેનાની રચના કરી હતી. તેને બાદમાં બોમ્બે મરીને અને પછી રોયલ ઈન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું હતું.

18 ફેબ્રુઆરી, 1946ના રોજ એચઆઈએમએસ તલવાર નામના જહાજથી ભારતીય નૌસૈન્યકર્મીઓએ અંગ્રેજો સામે સ્વતંત્રતા યુદ્ધનું એલાન કર્યું હતું અને તેની અંગ્રેજોના ભારત છોડવામાં મોટી ભૂમિકા હતી. આ યુદ્ધમાં 1946ની રોયલ ઈન્ડિયન નેવીના 78 જહાજો અને 20 સમુદ્રીતટો પરના 20 હજાર ભારતીય નાવિકો સામેલ થયા હતા. સ્વંત્રતા પ્રાપ્તિ બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ રોયલ ઈન્ડિયન નેવીનું નામ બદલીને ભારતીય નૌસેના કરવામા આવ્યું હતું. જો કે ભારતીય નૌસેના દિવસની ઉજવી 4 ડિસેમ્બરે કરવામાં આવે છે. આની પાછળ એવું કારણ છે કે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનારી નૌસેનાએ ઓપરેસન ટ્રાઈડન્ટ હેઠળ 4 ડિસેમ્બર, 1971ના રોજ કરાચી નેવલ બેસને તબાહ કર્યું હતું. આ વિજયની યાદગીરી સ્વરૂપે દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નૌસૈન્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતીય નૌસેનામાં 67252 નિયમિત અને 75000 રિઝર્વ સૈનિકો છે. યુદ્ધજહાજોની કુલ સંખ્યાના મામલામાં ભારતીય નૌસૈના ગ્લોબલ ફાયર પાવર 2021 પ્રમાણે, વિશ્વમાં નવમા સ્થાને છે. ગ્લોબલ ફાયર પાવર 2021 પ્રમાણે, ભારતીય નૌસેના પાસે કુલ 285 યુદ્ધજહાજો છે. જેમાં 1 એરક્રાફ્ટ કેરિયર, 10 ડિસ્ટ્રોયર, 13 ફ્રિગેટ્સ, 23 કૉર્વેટ, 17 સબમરી,  અને 139 પેટ્રોલ વેસલ્સ છે.  

 

----0--------------

ભારતની સરહદોનું વિહંગાવલોકન

ભારતની ભૌગોલિક સ્થિતિ-

ભારત એક મોટા ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. ભારત ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. ભારતનું ક્ષેત્રફળ 3287263 વર્ગ કિલોમીટર છે. ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધીના ભારતનો વિસ્તાર 3200 કિલોમીટર અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં કચ્છ સુધીનો ભારતનો વિસ્તાર 2900 કિલોમીટર છે. ભારત ઉત્તરીય ગોળાર્ધમાં આવેલું છે. કર્કવૃત્ત ભારતની મધ્યમાં થઈને પસાર થાય છે.

ભારતની સમુદ્રી સીમા-

ભારત ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. ભારતના સમુદ્રતટની લંબાઈ 7516.6 કિલોમીટર છે. ભારતીય મુખ્ય ભૂમિનો તટવર્તી વિસ્તાર 6300 કિલોમીટર અને અંદમાન-નિકોબાર તથા લક્ષદ્વીપનો સંયુક્ત તટવર્તી વિસ્તાર 1216.6 કિલોમીટર છે. ભારતના તાબા હેઠળના આર્થિક ક્ષેત્રનું કુલ ક્ષેત્રફળ 2.02 મિલિયન વર્ગ કિલોમીટર છે. ભારતીય સમુદ્ર તટ પર 9 રાજ્ય અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. જેમાં ગુજરાતને સૌથી વધુ 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. ભારતની પાસે 1197 ટાપુઓ છે. ભારતીય તટવર્તી સીમા પર 11 મોટા, 20 મધ્યમ અને 144 નાના પોર્ટ આવેલા છે. ભારતની સમુદ્રી સરહદો પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમરા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાને સ્પર્શે છે. હાલમાં ભારતનો માત્ર પાકિસ્તાન સાથે સરક્રીક ક્ષેત્રની સમુદ્રી સીમાને લઈને વિવાદ છે અને તેને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ ચાલુ છે.

ભારતની જમીની સરહદ-

ભારતની તમામ સરહદો માનવનિર્મિત છે. ભારતની જમીની સીમાની કુલ લંબાઈ 15106.7 કિલોમીટરની છે. ભારતની જમીની સરહદો સાત પાડોશી દેશોને સ્પર્શે છે. જેમા પાકિસ્તાન સાથે 3323 કિલોમીટર, ચીન સાથે 3428 કિલોમીટર, નેપાળ સાથે 1751 કિલોમીટર, ભૂટાન સાથે 699 કિલોમીટર, મ્યાંમાર સાથે 1643 કિલોમીટર અને બાંગ્લાદેશ સાથે સૌથી વધુ 4097.7 કિલોમીટરની સીમા લાગે છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્તિસ્તાન પણ ભારતના અભિન્ન અંગ 1947ની સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રિયાસતનો ભાગ છે. પીઓકેની 106 કિલોમીટરની સરહદ અફઘાનિસ્તાનને સ્પર્શે છે.

ભારત-પાકિસ્તાન બોર્ડર-

ભારત અને પાકિસ્તાન સીમાની કુલ લંબાઈ 3323 કિલોમીટર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બોર્ડરને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. જેમાં પહેલી આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે રેડક્લિફ લાઈન, તેની લંબાઈ 2308 કિલોમીટર છે અને તે ગુજરાતથી લઈને જમ્મુ-કશ્મીર સુધી ફેલાયેલી છે. બીજી લાઈન ઓફ કંટ્રોલ- તે 1948 અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધો બાદ અસ્તિત્વમાં આવી છે. એલઓસીની લંબાઈ 776 કિલોમીટર છે અને તે રાજૌરી, પુંછ, બારામુલા, કુપવાડા, કારગીલ, લેહના કેટલાક વિસ્તારો અને જમ્મુના કેટલાક ભાગ સુધી છે. જ્યારે ત્રીજી સહહદનો પ્રકાર વાસ્તવિક ગ્રાઉન્ડ પોઝિશનિંગ લાઈન એટલે કે એજીપીએલ છે અને તેની લંબાઈ 110 કિલોમીટર છે. એજીપીએલ એનજે-9842ની ઉત્તરમાં ઈન્દિરા કેનાલ સુધી ફેલાયેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના સીમાવિવાદની સાથે સમુદ્રી સીમા નિર્ધારણ અને સરક્રીકના 96 કિલોમીટર લાંબા નદીના ત્રિકોણને લઈને વિવાદ છે. આ સિવાય ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઘણાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થાય છે. જેમાં આતંકવાદી ઘૂસણખોરી, ડ્ર્ગ્સ અને હથિયારોની તસ્કરી અને મની લોન્ડ્રિંગ જેવા મામલા મુખ્ય છે.

ભારતીય સીમાઓ પર સૌથી મોટા વ્યૂહાત્મક પડકાર તરીકે પાકિસ્તાન અને ચીનની જુગલબંધી અસ્તિત્વમાં છે. પાકિસ્તાને ચીન સાથે 1963થી મિલિટ્રી ગઠજોડ કરેલો છે. ચીન છેલ્લા ઘણાં વર્ષોથી હિંદ મહાસાગરમાં ઘણું સક્રિય છે. ચીને મ્યાંમારના હેંગ્યીમાં નેવલ બેઝ બનાવ્યો છે અને અંદમાન-નિકોબાર નજીક કોકો ટાપ પર લિસનિંગ પોસ્ટ સ્થાપિત કરી છે. ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ, શ્રીલંકાનું હંબનટોટા અને બાંગ્લાદેશના ચિટગાંવમાં વિભિન્ન પ્રકારની નૌસૈન્ય સુવિધાઓ ઉભી કરીને બેસ બનાવ્યા છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભારત સામે આનો ઉપયોગ કરવાની પણ વ્યૂહાત્મક ગણતરી ચીન ધરાવે છે.

ગુજરાતના સરહદી જિલ્લા-

ગુજરાત રાજ્ય પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની સીમા ધરાવે છે. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય જમીની સરહદ ધરાવે છે. જ્યારે ગુજરાતના કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ભરૂચ જિલ્લાઓ પાકિસ્તાન સાથેની સમુદ્રી સીમા ધરાવે છે.

----0-------------

હિંદુ જનાક્રોશ સામે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીને માગવી પડી હતી માફી........

આનંદ શુક્લ

--------0----------

ખામ થિયરી: માધવસિંહ સોલંકીને હાથના કર્યા હૈયે વાગ્યા-------

ભાગલાની પીડામાંથી પસાર થયેલા ભારત અને ભારતના લોકોને ખંડિત સ્વતંત્રતાના માત્ર 30 વર્ષ જેટલા ઓછા સમયમાં વોટબેંકની રાજનીતિના માઠાં પરિણામો અનુભવાયા હતા. વિભાજનની વિભિષિકામાંથી પસાર થયેલા દેશવાસીઓને જાતિવાદનું ધીમું ઝેર રાજકારણીઓ દ્વારા પીવડાવાય રહ્યું હતું. આજે જે ગુજરાતને હિંદુત્વની રાજનીતિની પ્રયોગશાળા તરીકે સ્યૂડો-સેક્યુલર પક્ષો અને સંગઠનો દ્વારા ઓળખાવામાં આવે છે, તે ગુજરાત નવું રાજ્ય બન્યા બાદથી છેક 1989 સુધી જ્ઞાતિવાદી રાજકારણની પ્રયોગશાળા બનાવી દેવાયું હતું. ગુજરાતમાં વોટબેંકની રાજનીતિના પ્રયોગો કરનારાઓમાં કૉંગ્રેસના તત્કાલિન નેતાઓ ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતા હતા. તેમણે દેશમાં કટોકટી બાદની ગુજરાતની ચૂંટણીમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) જ્ઞાતિસમીકરણનો એક પ્રયોગ કર્યો હતો. આ વોટબેંકના પ્રયોગને કારણે રાજ્યમાં હિંદુ સમાજમાં વૈમનસ્યની સ્થિતિ પેદા થઈ હતી. 1981માં માધવસિંહ સોલંકી ખામ થિયરીના પ્રયોગથી સત્તામાં આવ્યા અને તેની સાથે અનામત અને અનામત વિરોધી આંદોલન શરૂ થયા હતા. જોકે માધવસિંહ સોલંકીએ પાંચ વર્ષની ટર્મ પુરી કરી હતી.

1985ની વિધાનસભાની ચૂંટણીમાં ખામ થિયરીના વધુ જલદ પ્રયોગે ગુજરાતમાં હિંદુ સમાજમાં વધુ જ્ઞાતિગત વૈમનસ્ય પેદા કર્યું હતું. પરંતુ જ્ઞાતિવાદી સમીકરણોને સાધીને માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાં કૉંગ્રેસે 149 બેઠકો પ્રાપ્ત કરી હતી. પરંતુ તેની સાથે જ જ્ઞાતિવાદી વોટબેંકની પ્રયોગશાળા બનેલા ગુજરાતમાં ફરી એકવાર અનામત અને અનામત વિરોધી આંદોલનો શરૂ થયા હતા. શરૂઆતમાં જ્ઞાતિવાદી આંદોલનો બાદમાં હિંદુ-મુસ્લિમ રમખાણોમાં બદલાયા હતા. 20 જૂન, 1985ના રોજ પ્રતિબંધ છતાં અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. જો કે આખરે રાજ્યમાં બેકાબુ હિંસાની સ્થિતિને જોતા 6 જુલાઈ, 1985ના રોજ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના નિર્દેશ પ્રમાણે માધવસિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1985માં હિંસાની ઘટનાઓ ઓગસ્ટ માસ સુધી ચાલુ રહી હતી.

વોટબેંકની રાજનીતિએ ગુજરાતની શાંતિ ભરખી----------

ખામ થિયરીના જ્ઞાતિવાદી રાજકારણે ગુજરાતની શાંતિને જાણે કે ભરખી લીધી હતી. આવી સ્થિતિનો ફાયદો લઈને મુસ્લિમ સમુદાયના અસામાજીક તત્વોની ગુંડાગીરી પણ વધી હતી. મુસ્લિમ બુટલેગરો દ્વારા દારૂ સહીતના ગેરકાયદેસર ધંધાઓ પર દાદાગીરી ચાલતી હતી.તેને કારણે તો 26 જુલાઈ,1985ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ ઘોષણા કરી હતી કે જે પોલીસ અધિકારીઓના અધિકાર ક્ષેત્રમાં બુટલેગરો પોતાના કારોબાર કરતા હશે, તેના માટે તેમને (સંબંધિત પોલીસ અધિકારીને) જવાબદાર ઠેરવીને તેમને સજા કરવામાં આવશે. જેને કારણે હંગામી ધોરણે ત્યારે પોલીસ, રાજકારણીઓ અને ગેરકાયદેસર કારોબારીની પ્રવૃત્તિ પર લગામ લાગી હતી. પોલીસે ઘણાં ગેંગસ્ટર્સની ધરપકડ કરી હતી અને શસ્ત્રો પણ ઝડપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 8 મે, 1985ની રાત્રિએ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં પોલીસ સબઈન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણા કોમવાદી હુમલો ખાળવાની કાર્યવાહી દરમિયાન ગોળી વાગવાથી વીરગતિ પામ્યા હતા. મહેન્દ્રસિંહ રાણાના બલિદાન માટે બુટલેગર અબ્દુલ લતીફની ગેંગ પર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
જો કે કૉંગ્રેસના નેતાઓની ખામ થિયરીના પરિણામે ગુજરાત કોમવાદી હિંસાની આગમાં ઝોકાયું હતું. 9 જુલાઈ, 1986ના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી, ત્યારે તેના પર હુમલો કરાયો હતો. રથયાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 11 લોકોના જીવ ગયાનું નોંધાયું હતું. જ્યારે અન્ય કેટલાકે ગણતરીના દિવસોમાં જીવ ગુમાવ્યો હતો. તેની સાથે હુલ્લડની શરૂઆત પણ થઈ હતી.

હુલ્લડખોરો સામે હિંદુ જનાક્રોશ-----

રથયાત્રા પર હુમલાના પગલે થયેલી હિંસાના વિરોધમાં હિંદુ રક્ષા સમિતિ દ્વારા 12 જુલાઈ, 1986ના રોજ ગુજરાત બંધની ઘોષણા કરવામાં આવી હતી. હિંદુ રક્ષા સમિતિના બંધના એલાનની અસર મુખ્યત્વે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં થઈ હતી. અમદાવાદની કપડાં મિલો સહીત શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત પણ સજ્જડ બંધ રહ્યું હતું. જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાં બંધની મિશ્ર અસર રહી હતી. આ બંધ દરમિયાન હિંસક ઘટનાઓમાં 24 લોકોના જીવ ગયા હતા. 1986માં થયેલા હુલ્લડમાં 80 જેટલા લોકોના મોત નીપજ્યા અને એક સપ્તાહની હિંસામાં 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

જો કે 1985ની સરખામણીએ 1986ની કોમવાદી હિંસાને ઝડપથી ડામી દેવામાં આવી હતી. તત્કાલિન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી પી. ચિદમ્બરમ અમદાવાદ દોડી આવ્યા હતા. એસઆરપી, સીઆરપીએફ, બીએસએફની 54 કંપનીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓની તહેનાતી કરી દેવામાં આવી હતી. આંતરીક સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી પી. ચિદમ્બરમે 24 કલાકમાં સ્થિતિ પર કાબુ મેળવ્યાનો દાવો કર્યો હતો. કાર્યવાહીમાં 3401ની ધરપકડ કરાય હતી અને તેમા 61 લોકોને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

શોભાયાત્રા-જુલૂસ પર પ્રતિબંધ-----

અમરસિંહ ચૌધરીની સરકાર સામે તત્કાલિન પરિસ્થિતિઓમાં હિંસા રોકવી સૌથી પહેલી પ્રાથમિકતા હતી. તેના કારણે રાજ્યમાં શોભાયાત્રાઓ અને જુલૂસ કાઢવા પર રોક લગાવાય હતી. 1986માં 27 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાઓ કાઢવાની કોશિશો થઈ હતી. જેમા ફરીથી હિંસા થવાની આશંકાઓએ પણ આકાર લીધો હતો. હિંદુ સુરક્ષા સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાની ઘોષણાઓ થઈ હતી. પોલીસે આવા શોભાયાત્રા કાઢવાના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. જેમાં ઘણાં લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

જન્માષ્ટમીની શોભાયાત્રા રોકવા બેફામ બળપ્રયોગ-

અમદાવાદ ખાતેના શાહપુરમાં આવેલા અદ્વૈત આશ્રમ તરફથી જન્માષ્ટમીના રોજ શોભાયાત્રા કાઢવાની ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલે કરી હતી. ઘોષણાના પગલે કાર્યવાહીની ચિમકી આપતી નોટિસ પોલીસ દ્વારા અદ્વૈત આશ્રમ ખાતે ચોંટાડવામાં આવી હતી. જો કે અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલ અને ડૉ. પ્રવીણ તોગડિયા સહીતના નેતાઓ શાહપુરમાં શોભાયાત્રા કાઢવા માટે મક્કમ હતા. જેને ધ્યાનમાં રાખીને પોલીસે અમરસિંહ ચૌધરીની સરકારના આદેશથી અદ્વૈત આશ્રમની 10 સ્તરીય ઘેરાબંધી કરી હતી.

આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પર કાર્યક્રમ બંધ રાખવા સરકાર- પોલીસ દ્વારા દબાણ કરાયું હતું. સંન્યાસ આશ્રમના મહંત સહીતના લોકોએ તેમને શોભાયાત્રા બંધ રાખવા સમજાવવાની કોશિશો કરી જોઈ હતી. તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહના દબાણમાં તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ મોહનભાઈ સાથે કાર્યક્રમ રોકવા મામલે વાતચીત કરી હતી. મોહનભાઈ પંચાલ આ ઘટનાને યાદ કરતા જણાવે છે કેચારથી પાંચ વખત આવી વાતચીત થઈ હતી. શોભાયાત્રાને લઈને અડગતાને જોતા પોલીસ ફોર્સ વધારવામાં આવી અને શાહપુરમાં 25 હજાર પોલીસકર્મીઓની તહેનાતી કરાય હતી. તત્કાલિન મુખ્યમમંત્રી અમરસિંહ ચૌધરીના કહેવાથી દ્વારકાના તત્કાલિન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ મોહનભાઈને ફોન કરીને કાર્યક્રમ રોકવા જણાવ્યું અને સંદેશાવાહકોને પણ મોકલ્યા હતા.

જો કે જન્માષ્ટમીના દિવસે પોલીસ ફોર્સની તહેનાતી વચ્ચે શોભાયાત્રા કાઢવાનું નિર્ધારીત કરાયું હતું. જન્માષ્ટમીના દિવસે મોહનભાઈ અને તેમના ધર્મપત્નીને આશ્રમના દરવાજે પોલીસે રોકયા હતા. પરંતુ તેમણે ટ્રસ્ટી હોવાનું જણાવીને અંદર જવા માટે ખાસી રકઝક કરી હતી. બાદમાં તેમને પોલીસે અંદર દીધા હતા..

મંદિરમાં ગયા બાદ મોહનભાઈ પંચાલ અને તેમના ધર્મપત્નીએ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાને હાથલારીમાં મૂકીને પૂજા કરી હતી અને અદ્વૈત આશ્રમમમાં જ શોભાયાત્રાની શરૂઆત કરી હતી. જ્યારે તેઓ પગથિયાં તરફ આગળ વધ્યા તો આસપાસ એકઠાં થયેલા સેંકડો લોકોમાંથી કોઈએ દરવાજો ખોલી નાખ્યો હતો. જેને કારણે રસ્તા પર પ્રતિમા સાથે હાથલારી લઈને મોહનભાઈ અને તેમના ધર્મપત્ની પહોંચ્યા હતા. લોકો સ્વયંભૂ શોભાયાત્રામાં જોડાવા લાગ્યા હતા.

આને જોતો પોલીસે બેફામ બળપ્રયોગ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને મોહનભાઈ, તેમના ધર્મપત્ની સહીતના શોભાયાત્રામાં સામેલ થયેલા લોકોને ખૂબ માર્યા હતા. મૂર્તિને અદ્વૈત આશ્રમમાં પાછી મૂકવામાં આવી હતી. 25 હજાર જેટલા લોકોની સ્ટેડિયમ ખાતે અટકાયત કરાય હતી. જો કે બાદમાં સાંજે તમને છોડી મૂકવામાં આવ્યા હતા.

હિંદુ આક્રોશ સામે ઝુક્યા CM, અમરસિંહ ચૌધરીને માગવી પડી માફી----

પરંતુ શોભાયાત્રા રોકયા બાદ મંદિરમાં પોલીસ જોડાં પહેરીને ગર્ભગૃહમાં ગઈ હોવાના મામલે જનાક્રોશ હતો. આ સિવાય મંદિરની અંદર પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને કારણે આક્રોશિત લોકોએ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી માફી માંગે તેવી માગણી કરી હતી. આ માગણી સાથે હજારો લોકો એકઠા થયા હતા.

જ્યારે પોલીસની કાર્યવાહી અને વ્યાપેલા જનાક્રોશની જાણ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને થઈ, તો તેઓ પરિસ્થિતિનો તાગ પામી ગયા હતા. અમરસિંહ ચૌધરીએ આખા મામલામાં અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલ સાથે 10 વખત ચર્ચા કરી હતી. મોહનભાઈ પંચાલે ઘટનાને યાદ કરતા કહ્યુ હતુ કે માફી માંગવા માટે અમરસિંહ ચૌધરી તૈયાર થઈ ગયા હતા. તેમને માફી માંગવાનો ડ્રાફ્ટ લખીને અપાયો હતો. આના માટે રાત્રિના 11 વાગ્યાનો સમય નિર્ધારીત કરાયો હતો. આની પાછળનું કારણ એવું હતું કે રાત્રિના 11 વાગ્યે ભીડ પ્રમાણમાં ઓછી હશે.

જો કે જનાક્રોશિત ભીડ રાત્રિના 11 વાગ્યે પણ મંદિરમાં હાજર હતી. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી રાત્રે 11 વાગ્યે નક્કી કર્યા મુજબ આવ્યા અને આક્રોશિત ભીડ વચ્ચે મંદિરના મુખ્ય દરવાજાથી જ અંદર પ્રવેશ્યા હતા. અમરસિંહ ચૌધરીએ માફી માંગી હતી. પરંતુ લોકો વધુ ઉત્તેજીત થયા હોવાનું દેખાતા તેમને પાછલા દરવાજેથી સુરક્ષાકર્મીઓ લઈ ગયા હતા. જો કે આ દરમિયાન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી સાથે ટપલીદાવ થયો હતો. તેઓ રાત્રે 12 વાગ્યે અહીંથી નીકળી શક્યા હતા. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી દ્વારા માફી મંગાયા બાદ લોકો વિખરાયા હતા. પરંતુ જનાક્રોશને શાંત થવામાં અઠવાડિયાનો સમય લાગ્યો હતો.

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં હિંદુત્વની લાગણીઓ આસમાને હતી. અબ્દુલ લતીફ સહીતના મુસ્લિમ બુટલેગરો સાથેની રાજકારણીઓની સાઠગાંઠ સામે પણ જનાક્રોશ વધી રહ્યો હતો. આ ઘટના બાદ યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની જીત થઈ હતી. આ આખી ઘટના ગુજરાત માટે મહત્વના ટર્નિંગ પોઈન્ટ હતી, કારણ કે જ્ઞાતિવાદ કરનારા રાજકારણીઓને હિંદુ લાગણીઓ સામે ઝુકવું પડયું હતું.