શનિવાર, 4 માર્ચ, 2017

આતંક મામલે પાકિસ્તાનની બેમોંઢાળી નીતિથી અમેરિકા નારાજ

અમેરિકાના સેનેટરોમાં પાકિસ્તાનના આતંકના ખેલ સામે અણગમો છે. અમેરિકાના ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નરે કહ્યુ છે કે પાકિસ્તાન આતંક મામલે દહીં અને દૂધ એમ બંને તરફ પગ રાખી શકે નહીં. પાકિસ્તાન એક તરફ આતંકવાદને ખતમ કરવાની વાતો કરે છે અને બીજી તરફ ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડે છે. 

અમેરિકાના ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નરે આતંકવાદની પાકિસ્તાનની બેમોંઢાવાળી નીતિની ઝાટકણી કાઢી છે. વોર્નરે કહ્યુ છે કે પાકિસ્તાન આતંક મામલે દહીં અને દૂધ એમ બંને તરફ પગ રાખી શકે નહીં. પાકિસ્તાન એક તરફ આતંકવાદને ખતમ કરવાની વાતો કરે છે અને બીજી તરફ ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડે છે. 

સિંધના સેહવાન ખાતેની લાલ શાહબાજ કલંદરની દરગાહ ખાતે આઈએસના આતંકવાદીના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ પાકિસ્તાને આતંકના ખાત્માની વાત ફરીથી શરૂ કરી છે. તાલિબાનો સામે પાકિસ્તાને ઝર્બે અજ્બ નામનું કથિત સૈન્ય અભિયાન ચલાવ્યું છે. હવે પાકિસ્તાની સેનાએ આતંકના ખાત્મા માટે કથિત રાદ-ઉલ-ફસાદ નામનું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. પરંતુ પાકિસ્તાની સેના અને સરકારની આતંકનો ખાત્મો કરવાની વાર્તાઓ અમેરિકાને ગળે ઉતરે તેવી શક્યતાઓ ખૂબ પાંખી છે. અમેરિકાના ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નરે આતંકવાદ મામલે પાકિસ્તાનની બેમોંઢાવાળી નીતિની ઝાટકણી કાઢી છે. વોશિંગ્ટન ખાતેના વિડ્રોવ વિલસન સેન્ટરના કાર્યક્રમમાં વોર્નરની સાથે રિપબ્લિકન સેનેટર ડેન સુલીવાન પણ હતા. 

આ કાર્યક્રમમાં વોર્નરે કહ્યુ છે કે પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવવામાં ભૂમિકા છે. પાકિસ્તાનની માત્ર કાશ્મીરમાં હિંસા ફેલાવવામાં જ ભૂમિકા નથી... પરંતુ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને પણ પોતાના દેશમાં આશ્રય આપી રહ્યું છે. પાકિસ્તાનની આતંકવાદ મામલે બેમોંઢાવાળી વાત કરવી ખોટી છે. એક તરફ પોતાની જમીન પર આતંકી જૂથોને ખતમ કરવાની પાકિસ્તાન વાત કરે છે. તો બીજી તરફ ગુપચુપ રીતે ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાને પોતાને ત્યાંના આતંકી સંગઠનોને મદદ કરવાનું બંધ કરવું જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

અમેરિકામાં હાલ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ છે.  રિપબ્લિકન સેનેટર ડેન સુલીવાને પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદ મામલે ભારત અને અમેરિકાના સમાન હિત હોવાની અને બંને દેશો વચ્ચે આ મામલે મજબૂત સહયોગ ઉભો થવાની સંભાવના વ્યક્ત કરી છે. સુલીવાને ભારત અને અમેરિકા દ્વારા સમાન હિતના ક્ષેત્રોમાં સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરવાનું સૂચન પણ કર્યું છે. જો કે ભારતે ભૂતકાળમાં આવા પ્રસ્તાવોને ટાળ્યા છે. 

બરાક ઓબામાના કાર્યકાળમાં ભારતને મેજર ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ટ્રમ્પના શાસનકાળમાં પણ ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઘનિષ્ઠ બને તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પરંતુ ભારત દ્વારા મેરીટાઈમ સર્વિલાન્સ માટે ગાર્ડિયન ડ્રોન ખરીદવા માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. પરંતુ હજી તેમા થોડી અડચણો હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગાર્ડિયન ડ્રોન સંદર્ભેની ભારતની પ્રપોઝલને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રાલય દ્વારા મહત્વ નહીં આપવા બાબતે સેનેટર વોર્નરે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના બંને સેનેટરે ભારપૂર્વક જણાવ્યુ છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ માત્ર એશિયા-પેસિફિક ક્ષેત્ર પુરતો જ નહીં.. પણ દક્ષિણ ચીન સાગર માટે પણ જરૂરી છે. 

ટ્રમ્પની ઈચ્છા રેડિકલ ઈસ્લામિક આતંકવાદને ખતમ કરવાની

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રેડિકલ ઈસ્લામિક ટેરરીજમના ખતરાથી પોતાના દેશને સુરક્ષિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેના માટે તેમણે ઈમિગ્રેશનની નીતિમાં ફેરફાર જરૂરી હોવાનું ગણાવ્યું હતું. 

વિવાદોના વંટોળ વચ્ચે અમેરિકાની જનતાએ આઠમી નવેમ્બર-2016ના રોજ ચુકાદો ફરમાવ્યો હતો. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી-2017થી અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે પદાસિન થયા છે. પદ પર આવ્યા બાદ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરીકોના અમેરિકામાં પ્રવેશ પર હંગામી પ્રતિબંધ લગાવ્યો અને શરણાર્થીઓ પર પણ રોક લાગવી. અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પરંતુ અમેરિકાની કોંગ્રેસના સંયુક્ત સત્રને કરેલા પહેલા સંબોધનમાં ટ્રમ્પે પોતાની વિવાદીત ઈમિગ્રેશન પોલિસીનું સમર્થન કર્યું છે. તેમણે 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ અમેરિકામાં થયેલા હુમલાની ઘટનાઓ પણ આના સંદર્ભે ટાંકી હતી. 

ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસમાં પોતાના સંબોધનમાં અમેરિકાને રેડિકલ ઈસ્લામિક ટેરરીજમથી ખતરો હોવાનું પણ જણાવ્યું છે. તેમણે અમેરિકાની સુરક્ષા માટે ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરવાની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું છે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મેરિટ આધારીત ઈમિગ્રેશન પોલિસી બનાવવાની વાત કરીને તેને વધુ કડક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. 

ટ્રમ્પે પોતાના ભાષણમાં ઈસ્લામિક ટેરરીજમ નહીં પણ રેડિકલ ઈસ્લામિક ટેરરીજમ શબ્દ વાપર્યો છે. આ શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેકમાસ્ટરે અભિપ્રાય આપ્યો હતો. છતાં તેમણે ચૂંટણી પ્રચાર અભિયાનમાં વાપરેલા શબ્દને અમેરિકન કોંગ્રેસમાં પણ વાપર્યો છે. અમેરિકન કોંગ્રેસમાં તેમણે ઈમિગ્રેશન પર નવો હુકમ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત પણ કરી છે. માનવામાં આવે છે કે ટ્રમ્પ ઈમિગ્રેશન પોલિસીના ફેરફાર લાગુ કરવા માટે કાયદાકીય અડચણોને દૂર કરવા માંગે છે. તેની સાથે તેઓ ઈસ્લામિક દેશોમાંથી આવતા લોકો પર પણ આતંકવાદના મામલે કોઈ જોખમ લેવા માગતા નથી. 

અમેરિકાની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના ખાત્મા માટેની પ્રતિબદ્ધતા દ્રઢતાપૂર્વક વ્યક્ત કરી છે. તેમણે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી અમેરિકાની સુરક્ષા કરવા માટે કઠોર પગલા ઉઠાવાઈ રહ્યા હોવાનું પણ અમેરિકન કોંગ્રેસને જણાવ્યું છે. 
અમેરિકાએ ડબલ્યૂટીઓ એટેક બાદ અલકાયદા અને તાલિબાનોના ખાત્મા સાથે શરૂ કરેલું વોર ઓન ટેરર હવે સીરિયા અને ઈરાક તરફ કેન્દ્રીત થઈ ચુક્યું છે. અહીં આઈએસઆઈએસ નામના અલકાયદામાંથી પેદા થયેલા આતંકી સંગઠન દ્વારા વૈશ્વિક ખતરો પેદા કરવામાં આવ્યો છે. અમેરિકા આઈએસનું પહેલું નિશાન માનવામાં આવે છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પોતાની સંસદ સમક્ષ આઈએસના ખાત્માની ફરી એકવાર પ્રતિજ્ઞા કરી છે. ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકાને કટ્ટરપંથી આતંકવાદીઓનું આશ્રય સ્થાન બનાવા દેવાશે નહીં. 

ટ્રમ્પે અમેરિકાના સહયોગી મુસ્લિમ દેશોને પણ આતંકવાદ અને કટ્ટરવાદને ખતમ કરવા માટે હાકલ કરી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદાર છે અને વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્રબિંદુ પણ પાકિસ્તાન છે. ત્યારે સવાલ એ છે કે શું આ નિવેદન પાછળ પાકિસ્તાનને કોઈ કૂટનીતિક સંદેશો આપવામાં આવ્યો છે? 

અમેરિકામાં અલકાયદા દ્વારા 2001માં કરવામાં આવેલા સૌથી મોટા આતંકી હુમલા બાદ છેલ્લા કેટલાક સમયથી આઈએસના સમર્થક આતંકીઓ દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. આઈએસ દ્વારા અમેરિકાને ઘણી વખત ધમકીઓ આપવામાં આવી છે. હવે ટ્રમ્પે આઈએસને ખતમ કરવા માટે સંકલ્પ તો વ્યક્ત કર્યો છે.. પરંતુ સવાલ એ છે કે આવા સેંકડો આઈએસ પેદા કરી ચુકેલા પાકિસ્તાનમાંથી આતંકવાદની સાફસફાઈ કર્યા વગર શું ટ્રમ્પ અમેરિકાને સુરક્ષિત કરી શકશે?

અમેરિકાના દબાણ સામે કાર્યવાહીની પાકિસ્તાનની લાચારી

દુનિયામાં આતંકવાદ અને હિંસા સામે જનમત તૈયાર થઈ રહ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદો વચ્ચેની જીત પણ આતંકવાદને સહન નહીં કરવા માટેના દુનિયામાં બની રહેલા જનમતનું એક કારણ માનવામાં આવે છે. ત્યારે આતંકના એપી સેન્ટર પાકિસ્તાનમાં ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે આસિન થયા બાદ ખળભળાટનો માહોલ છે. કેટલીક ઘટનાઓ પણ પાકિસ્તાનને દબાણમાં આતંકનો ખેલ છૂપાવવા માટેની મજબૂરીની ચાડી ખાઈ રહી છે. 

20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા હતા. ટ્રમ્પે પોતાના પહેલા ભાષણમાં જ રેડિકલ ઈસ્લામિક ટેરરિજમને ખતમ કરવાની વાત કરી છે. અમેરિકન કોંગ્રેસમાં પણ પોતાના પહેલા ભાષણમાં તેમણે આઈએસના ખાત્મા અને આતંકને નાબૂદ કરવાની વાત કરી છે. 

31 જાન્યુઆરી-2017ના રોજ પાકિસ્તાની સેનાએ પોતાના બગલબચ્ચા આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને નજરકેદ કર્યો હતો. 
તો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બીજી સ્ટ્રેટજીક એસેટ ગણાતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએનમાં પ્રતિબંધિત કરવાનો મામલો પણ અમેરિકાએ પોતાના હાથમાં લીધો છે. 7 ફેબ્રુઆરી-2017ના રોજ અમેરિકાના યુએન ખાતેના કાયમી પ્રતિનિધિ નિક્કી હેલીએ યુએનએસસીમાં મસૂદને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ આગળ વધાર્યો છે. મહત્વપૂર્ણ છે કે પઠાનકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરને યુએનમાં પ્રતિબંધિત બનાવવાની ભારતે કોશિશો કરી છે. પરંતુ તેમા ચીને અડંગો લગાવ્યો છે. 

16 ફેબ્રુઆરી-2017ના રોજ સિંધના સેહવાનમાં લાલ શાહબાજ કલંદરની દરગાહ ખાતે આઈએસના આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી વિસ્ફોટમાં એકસોથી વધુ લોકોના જીવ ગયા હતા. 22 ફેબ્રુઆરીથી પાકિસ્તાની સેનાએ આઈએસના આતંકીઓ સામે રાદ-ઉલ-ફસાદ નામથી સૈન્ય અભિયાનની શરૂઆત કરી છે. પરંતુ આમા પણ પાકિસ્તાન ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટનો ભેદભાવ કરીને જ કાર્યવાહી કરશે તેવું નક્કી માનવામાં આવે છે. 
19થી 24 ફેબ્રુઆરી દરમિયાન પેરિસમાં ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની પાંચ દિવસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેરર ફંડિંગના મામલે વાટાઘાટો હાથ ધરાઈ હતી. પાકિસ્તાનને અમેરિકા અને ભારતે ટેરર ફંડિંગના મામલે ઘેર્યુ હતું. બેઠકના છેલ્લા દિવસે ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાનને નોટિસ ફટકારવામાં આવી હતી અને નેવું દિવસની અંદર લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ટેરર ફંડિંગ સામે નક્કર કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. નહીંતર એફએટીએફની મર્યાદામાં કાર્યવાહી કરવાની ચિમકી પણ પાકિસ્તાનને આપવામાં આવી છે. 

ત્યારે પાકિસ્તાને હાફિઝ સઈદ સામે મજબૂરીમાં કાર્યાવાહી કરી હોવાનુ માનવામાં આવે છે. પાકિસ્તાનના એક એનાલિસ્ટે હાફિઝને અફઘાની આતંકીઓથી જોખમ હોવાને કારણે કાર્યવાહી કરાઈ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જો કે હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આનું કારણ ગણાવી રહ્યો છે. અમેરિકાના એક ઉચ્ચ રાજદ્વારીએ ભૂતકાળમાં પાકિસ્તાન ખાતેની દેવબંધી મદરસાઓને બંધ કરવાની સલાહ આપી હતી. 

તાજેતરમાં અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત રહેલા હક્કાનીએ ટ્રમ્પ વહીવટી તંત્રને સલાહ આપી છે કે પાકિસ્તાનને આતંકવાદ સામેના યુદ્ધમાં મદદના નામે લશ્કરી અને આર્થિક સહાય પર કાપ મૂકવો જોઈએ અથવા તેને બંધ કરવી જોઈએ. ત્યારે આશા સેવાઈ રહી છે કે શું પાકિસ્તાનના આતંકના સામ્રાજ્યને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખતમ કરી શકશે?  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેડિકલ ઈસ્લામિક ટેરરિજમ સામે લડવાની વાત કરી છે. પરંતુ પાકિસ્તાનમાં થઈ રહેલી કટ્ટરપંથની ખેતી અને તેમાથી પેદા થતા આતંકવાદને સમાપ્ત કર્યા વગર ટ્રમ્પને આ લડાઈમાં જીત મળી શકશે?  

અમેરિકાની બીકે આતંકી હાફિઝ સઈદના સૂર બદલાયા

ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યાના 21મા દિવસે પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદને નજરકેદ કરવામાં આવ્યો અને તેના અમેરિકા વિરોધી સૂર પણ બદલાયા હતા. 31 જાન્યુઆરીએ નજરકેદ કરાયેલા હાફિઝ સઈદના વીડિયો મેસેજમાં અમેરિકાને કારણે ફફડાટ પણ વ્યક્ત થઈ રહ્યો છે. 

આ પાકિસ્તાની આતંકવાદીને ભારત અને અમેરિકા વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો હતો. આતંકવાદી સંગઠનો લશ્કરે તૈયબા અને જમાત ઉદ દાવાનો ચીફ હાફિઝ સઈદ અમેરિકા સામે બેફામ બોલી રહ્યો છે. તેના અલકાદાના ચીફ ઓસામા બિન લાદેન સાથે પણ સંબંધો રહ્યા છે.. આ પાકિસ્તાની આતંકવાદીને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ  ઉછેર્યો છે. 9-11 બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાની કાર્યવાહીને કારણે આતંકવાદીઓનો ગરાસ લૂંટાયો હતો અને તેને કારણે હાફિઝ સઈદ ઝેર ઓકી રહ્યો છે. અમેરિકાએ યુએનમાં પ્રતિબંધિત આતંકવાદી પર 10 મિલિયન ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે. પરંતુ પાકિસ્તાનમાં આ આતંકવાદી 31 જાન્યુઆરી-2017 પહેલા બેખોફ આતંકી પ્રવૃત્તિ ચલાવતો હતો. 

પાકિસ્તાને 31 જાન્યુઆરી-2017ના રોજ હાફિઝ સઈદને નજરકેદ કર્યો અને તેને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને પણ સમાજ માટે ખતરો માનીને આતંકી ગણાવ્યો હતો. પાકિસ્તાનમાં થયેલી આ કાર્યવાહી ટ્રમ્પના 20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે શપથગ્રહણ કર્યાના 21મા દિવસની છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ માટે સ્ટ્રેટજીક એસેટ ગણાતા હાફિઝ સામે કાર્યવાહીનો દેખાડો કરવાની નવાઝ શરીફ સરકારને અમેરિકાના દબાણમાં ફરજ પડી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જો કે પાકિસ્તાનની કાર્યવાહી પર ભારતે નક્કર પરિણામ દેખાય નહીં ત્યાં સુધી વિશ્વાસ કરવાને કોઈ કારણ નથી. 2008ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને હાફિઝ સઈદને જેલમાં મોજમજા કરાવીને મુક્ત કરી દીધો હતો. જોવો નજરકેદ થયા બાદ આતંકવાદી હાફિઝ સઈદે કેવા સૂર બદલ્યા છે. હવે આતંકી હાફિઝ સઈદ માટે અમરિકા નહીં માત્ર ભારત કાશ્મીરના કારણે દુશ્મન છે.. 

આઈએસપીઆરના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે પાકિસ્તાની સેના વતી જણાવ્યુ કે હાફિઝ સઈદ સામેની કાર્યવાહી નવી રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય હિતને કારણે કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે હવે હાફિઝ સઈદ સામેની કાર્યવાહીમાં પાકિસ્તાનને ક્યું રાષ્ટ્રીય હિત દેખાઈ રહ્યું છે? શું ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી પાકિસ્તાન પર આતંકવાદ સામે કાર્યવાહી બાબતે દબાણમાં ધરખમ વધારો થયો છે કે ઓસામા બિન લાદેન સામે થઈ હતી તેવી કોઈ કાર્યવાહીનો ડર આનું કારણ હશે?

મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2017

જવાનોના ભોગે કાશ્મીરના પથ્થરબાજો પ્રત્યે હમદર્દી કેમ ?

માનવાધિકારના દંભમાં રાષ્ટ્રીય સુરક્ષા નેવે મૂકી શકાય નહીં

-     પ્રસન્ન શાસ્ત્રી


કાશ્મીરના બાંદીપોરાના પારી મોહલ્લા ખાતે એન્કાઉન્ટર વખતે જ પથ્થરબાજો દ્વારા સેનાના જવાનો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજોના ભારે પથ્થરમારાને કારણે ત્રણ જવાનોને શહીદ થવાનો વારો આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટના કંઈ નવી નથી અને કદાચ છેલ્લી પણ નથી. પરંતુ આમા પથ્થરબાજોનો ઈરાદો બેહદ ખતરનાક હતો. એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડનારી બચાવ ટીમને રોકી રાખવા માટે ભારે પથ્થરમારો થયો હતો. આ જવાનો એટલા માટે શહીદ થયા.. કારણ કે પથ્થરબાજોના પાપે તેમને સમયસર સારવાર મળી શકી નહીં. ભાગલાવાદીઓના પિઠ્ઠુઓ એવા પથ્થરબાજો દ્વારા સેના અને સુરક્ષાદળોની બેહદ મોટી ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેના પરિણામે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને આકરી ચેતવણી આપવી 
પડી છે.

15 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પથ્થરબાજોને ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી હતી. કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાનો દરમિયાન સુરક્ષાદળો પર પથ્થરો ફેંકનારાઓને આતંકવાદી ગણીને તેમની વિરુદ્ધ આતંકીઓ સામે કરાતી કાર્યવાહી કરવામાં આવશે. જનરલ રાવતની ચેતવણીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય,જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી તરફથી સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરન રિજિજૂ દ્વારા ભારતીય સેનાધ્યક્ષની ટીપ્પણીને ટેકો આપતા કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે અને પથ્થરબાજો સામે કાર્યવાહી થવી જોઈએ. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી તરફથી પણ કહેવામાં આવ્યુ છે કે જો પથ્થરબાજો એન્કાઉન્ટરના સ્થળોથી દૂર જવાનું નકારશે તો તેમને પણ ખતમ કરવામાં આવશે. ભારતીય સેનાધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીરના ડીજીપી એકસૂરમાં બોલી રહ્યા છે.. તેનો અર્થ એ છે કે ભાગલાવાદી તત્વો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ અને પથ્થરબાજોના કરતૂતો હદ વળોટી ચુક્યા છે.

બીજી તરફ જનરલ બિપિન રાવતની ચેતવણી ભારતની કથિત મુખ્યપ્રવાહની પાર્ટીઓ અને કાશ્મીરના ભાગલાવાદી તત્વોને પચી નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસિન મલિકે પથ્થરબાજોની તરફદારી કરીને ભારતીય સેનાધ્યક્ષના નિવેદનને તાત્કાલિક પડકાર્યું હતું. ભાગલાવાદી પિઠ્ઠુઓએ એકસૂરમાં જનરલ રાવતના નિવેદનને નાગરિકોની કથિત હત્યાની ધમકી તરીકે જોયું છે અને પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ હિંસાની જમીન તૈયાર કરનારા નાપાક તત્વોએ કાશ્મીરની કથિત આઝાદીની લડાઈ ચાલુ રાખવાની ગુલબાંગો પણ પોકારી છે.

ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને મુખ્ય પ્રવાહની ગણાતી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓનો ટેકો મળ્યો છે. તો જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી ગઠબંધનની આગેવાની કરતી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પણ પથ્થરબાજોનું સમર્થન કરાયું છે. આ સૌથી મોટી આઘાતજનક બાબત છે. નેશનલ કોન્ફરન્સના નેતા દ્વારા પથ્થરબાજોને જાણે કે એન્કાઉન્ટર વખતે પથ્થરો ફેંકવાનો અધિકાર હોય તેવી અદામાં જનરલ બિપિન રાવત સામે અણછાજતી ટીપ્પણી પણ કરવામાં આવી છે.

કોંગ્રેસના દ્રષ્ટિકોણનું સ્પષ્ટીકરણ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ તરફથી આપવામાં આવ્યું છે. ગુલામ નબી આઝાદે પથ્થરબાજોને બાળકો ગણાવ્યા છે. તેની સાથે ભારતીય સેનાધ્યક્ષ દ્વારા એન્કાઉન્ટરો વખતે હસ્તક્ષેપ કરનારા કાશ્મીરના આવા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાના નિર્ણય સામે પણ ગુલામ નબી આઝાદે સવાલ ઉભો કર્યો છે. આઝાદે કહ્યુ છે કે ગત વર્ષ એકસોથી વધારે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે બસ્સોથી વધારે બાળકોએ પોતાની આંખો ગુમાવી છે. બાર હજાર લોકોને જેલમાં ધકેલી દેવાયા હતા. શું કેન્દ્ર સરકાર આનું પુનરાવર્તન કરવા માંગે છે? આઝાદે કાશ્મીરમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાનું જણાવીને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીને કારણે સ્થિતિ વધુ વણસવાની ભવિષ્યવાણી પણ કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે ગઠબંધન સરકારની આગેવાની કરનારી પીડીપી પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસથી પાછળ નથી. પીડીપીએ ભારતીય સેનાને આવી સ્થિતિમાં શિસ્તબદ્ધ ફોર્સની જેમ સંયમ જાળવવાની સલાહ આપી છે. આ સલાહ આપનારા નિઝામુદ્દીન ભટ પીડીપીના મહાસચિવ અને ઉપાધ્યક્ષ છે.

બીજી તરફ પાડોશી દેશની વાત કરીએ. આ પાડોશી દેશ કાશ્મીરની હિંસાનો પ્રાયોજક અને પ્રોત્સાહક છે. તેની એક ઘટનાની વાત કરીએ. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મુસ્લિમ દરગાહ ખાતે આત્મઘાતી હુમલામાં એકસો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ માત્ર ચોવીસ કલાકમાં એકસોથી વધુ આતંકવાદીઓને ઠાર કરવાનો દાવો કર્યો છે. તો અફઘાનિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની સેનાને શૂટ એટ સાઈટના ઓર્ડર આપવામાં આવ્યા છે. જો કે આ પાકિસ્તાનના ચમચા જેવા ભાગલાવાદીઓ અને તેમના આતંકવાદીઓ માટે ભારતમાં માનવાધિકારના હોબાળા કરવામાં આવે છે. 

બુરહાન વાની નામના હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીને જમ્મુ-કાશ્મીર પોલીસે ઠાર કર્યો અને તેના બહાને પાકિસ્તાની આતંકવાદીઓ અને ભાગલાવાદીઓએ કાશ્મીર ખીણને બાનમાં લીધી હતી. માનવાધિકારના નામે આતંકવાદીઓના સમર્થનમાં ભાગલાવાદીઓના એજન્ટો જ નહીં, ભારતની કથિત મુખ્યપ્રવાહની રાજકીય પાર્ટીઓના નાના-મોટા નેતાઓએ સીધી કે આડકતરી રીતે આતંકવાદી બુરહાન વાનીના બહાને ખૂબ રાજકારણ ખેલ્યું છે. હવે તેમણે ભારતીય સેનાધ્યક્ષના જનરલ બિપિન રાવતના નિવેદન પર દેશદ્રોહી “ટોન” અખત્યાર કર્યો છે. શું પાકિસ્તાનમાં આવી સ્થિતિની કોઈ કલ્પના પણ કરી શકે છે? શું 100 આતંકવાદીઓને મારવા બદલ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ બાજવા સામે કોઈએ વાવટા ફરકાવ્યા?  કોઈએ પાકિસ્તાની સેના અને સરકારને માનવાધિકારનો ઉપદેશ આપ્યો છે?

શુક્રવારે 17 ફેબ્રુઆરીએ શ્રીનગરમાં ફરીથી પાકિસ્તાનના વાવટા લહેરાવામાં આવ્યા અને ભાગલાવાદીઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો. તમે ટેલિવિઝન પર આવેલા કેટલાક ફૂટેજ જોવો તો સુરક્ષાકર્મીઓ ગિલોલમાં પથ્થર ભરાવીને ભાગલાવાદી પથ્થરબાજોનો સામનો કરી રહ્યા છે. શું આ પથ્થરબાજોને ગિલોલમાંથી પથ્થર મારવા જોઈએ કે ભડાકે દેવા જોઈએ? આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે જનરલ બિપિન રાવતે પથ્થરબાજોને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ભારત માટે કાશ્મીર એક જમીનનો ટુકડો નથી. ભારત માટે કાશ્મીર દેશની ઓળખ સાથે જોડાયેલો અભિન્ન હિસ્સો છે. કાશ્મીર મજહબી રાહે જોનારા પાડોશી દેશ માટે તે એક જમીનનો ટુકડો છે કે જે તેમણે 1947માં પાકિસ્તાન તરીકે મેળવ્યો છે. પાકિસ્તાની આતંકવાદ અને હિંસાવાદથી ત્રસ્ત કાશ્મીર ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ નિર્ણાયક છે.

જમ્મુ-કાશ્મીરનો મજહબી આતંકવાદ ભારત કોઈપણ હિસાબે ચલાવી શકે નહીં. જેવી રીતે ભારતે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને 1947માં નામંજૂર કર્યો હતો, તેવી જ રીતે ભારતે પાકિસ્તાનના મજહબી આતંકવાદનો પણ અસ્વીકાર કરવો જરૂરી છે. તેના માટે કાશ્મીરના ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને પાકિસ્તાનના મજહબી આતંકવાદની જમીન તૈયાર કરવા માટેની પરિસ્થિતિ પેદા કરવાની મંજૂરી આપી શકાય નહીં. તેના માટે આવા તત્વો સામે ભારતીય સેના અને સુરક્ષાકર્મીઓએ નિશ્ચિતપણે કડક હાથે કામ લેવું પડશે.

માનવાધિકારની વાતો રાષ્ટ્રના ભોગે બોલવી, સાંભળવી કે વ્યવહારમાં ઉતારવી અયોગ્ય પણ છે અને દેશના લોકોની સાથે આવું વર્તન અન્યાય પણ છે. રાષ્ટ્રહિત છે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો અને દેશના ખૂણેખૂણામાંથી મજહબી કટ્ટરવાદની સમાપ્તિ. વિકસિત બનવા તરફ આગળ વધી રહેલા ભારતના વિકાસને ટકાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બેહદ જરૂરી છે. સુરક્ષા વગરના વિકાસનો પણ કોઈ અર્થ રહેશે નહીં. દેશની રાષ્ટ્રીય સુરક્ષા મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ થઈ શકે નહીં. આવી નીતિ સૌના સાથ અને સૌના વિકાસમાં અડચણરૂપ છે.

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2017

પાકિસ્તાન આઈએસઆઈએસથી વધુ ખતરનાક


આતંક સામેની લડાઈ જીતવા પાકિસ્તાનના પાપનો ખાત્મો જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી


અમેરિકાના ઘણાં રાજદ્વારીઓ, સેનેટરો, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ આતંકવાદની સામેની લડાઈમાં પાકિસ્તાનને ડબલ ક્રોસ માને છે. છતાં છેલ્લા અઢી દાયકાથી અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપ્રમુખે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી નથી. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામિક આતંકવાદ અને આઈએસઆઈએસના આતંકવાદના ખાત્માના ઘણાં વાયદા કરીને સત્તામાં આવ્યા છે. ત્ચારે તેમની પાસે આશા રખાઈ રહી છે કે તેઓ દુનિયામાંથી ઈસ્લામિક આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈને નિર્ણાયક મોડ તરફ દોરી જશે અને આતંકનો ખાતમો કરશે. પરંતુ જ્યારે ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવી ત્યારે તેમા આશ્ચર્યજનક રીતે પાકિસ્તાનનો સમાવેશ કરાયો નથી. જો કે ટ્રમ્પના ઓર્ડર પર અમેરિકન કોર્ટે રોક લગાવી છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદની લડાઈમાં પાકિસ્તાનની નકારાત્મક ભૂમિકાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવગણી શકે તેમ નથી. આવી અવગણના આતંકવાદના યુદ્ધમાં જીતના લક્ષ્યને વિલંબમાં નાખી શકે છે. 

અમેરિકાની 2001માં 9/11ની આતંકી હુમલાની ઘટના બાદ આતંકવાદ સામેની લડાઈ શરૂ થઈ હતી. પરંતુ તેના સોળ વર્ષ જેટલા સમયગાળામાં અફઘાનિસ્તાન અને ઈરાકમાં અબજો ડોલરનું આંધણ કરવા છતાં પરિણામ લગભગ શૂન્ય છે. તેનું એકમાત્ર કારણ પાકિસ્તાન નામનું પાપ છે. દુનિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસને સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદને પોતાની વ્યૂહાત્મક નીતિનું માધ્યમ બનાવનારા પાકિસ્તાનનો ખતરો આઈએસ કરતા અનેકગણો વધારે છે. પાકિસ્તાન દુનિયાનો માન્યતા પ્રાપ્ત દેશ છે અને તેની સાથે અમેરિકા અને ચીન જેવી મહાસત્તાનો હજીપણ ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદેશ છે. 

પરંતુ ઈસ્લામિક આતંકવાદની નીતિની રણનીતિથી પાકિસ્તાન અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ લઈ રહ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મજહબી આતંકવાદને પોત્સાહિત કરીને અહીં અસ્થિરતા અને હિંસા પેદા કરવાનું કામ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા થઈ રહ્યું છે. આશંકાઓ તો એવી પણ વ્યક્ત થઈ ચુકી છે કે આઈએસઆઈએસની ફંડિંગ ચેનલની પાછળ પણ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની અગ્રણી ભૂમિકા છે. મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશોના નેતા બનવાની હોડમાં પાકિસ્તાને જ અહીં આતંકની આગ ભડકાવી હોવાના પણ વ્યૂહાત્મક પુરાવાઓની ચર્ચાઓ વૈશ્વિક થિન્ક ટેન્કો દ્વારા થતી રહે છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલકાયદાના આતંકી સામ્રાજ્યને કાયમ કરવાનું કામ તેમના આકાની ભૂમિકામાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ કર્યું હતું. તાલિબાનોને કથિત વૈશ્વિક જેહાદના નામે મજહબી આતંકનું અફીણ પાવાનું કામ આઈએસઆઈ દ્વારા થયું છે. પાકિસ્તાની સેના હજીપણ અફઘાનિસ્તાન અને તેની સરહદ નજીકના વિસ્તારોમાં તાલિબાની આતંકી નેટવર્કને પોષી રહ્યું છે અને તેમને આશ્રય પણ આપી રહ્યું છે. તેમા હક્કાની નેટવર્કની ઘણી કુખ્યાતી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના સંસ્થાનો સાથે ભારતીય મિશનોને પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનો થકી કાબુ મેળવવા માટે પાકિસ્તાન હવે નવી ચાલ હેઠળ ભારતને બહાર રાખવા માટે આઈએસઆઈએસનું કાર્ડ ખેલી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના નબળા પડવાથી તેમનું સ્થાન આઈએસ લઈ લેશે તેવી શક્યતાઓ દર્શાવીને રશિયા અને ચીનને પાકિસ્તાન ભોળવવાની કોશિશ કરી રહ્યું છે. 

અમેરિકા આ વિસ્તારમાં છેલ્લા દોઢ દાયકાથી લશ્કરી રાહે સક્રિય છે. તેથી તેમની ગુપ્તચર સંસ્થા સીઆઈએના એજન્ટ્સ આઈએસઆઈના કારનામાઓથી સારી રીતે વાકેફ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા અફઘાનિસ્તાનમાં આતંકનો ખેલ ચાલુ રાખીને અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ ઓકાવી રહી છે. તો બીજી તરફ પોતાનું વ્યૂહાત્મક વર્ચસ્વ વિસ્તારવા માટે આતંકનો ખેલ અફઘાનિસ્તાન અને કાશ્મીર એમ બંને ઠેકાણે ખેલી રહ્યું છે. 

ડબલ ક્રોસ પાકિસ્તાન અને તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈની કરમકુંડળીથી ઘણાં અમેરિકન સેનેટેરો હવે વાકેફ થઈ ચુક્યા છે. આવા અમેરિકન સેનેટરોનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકી જૂથોને સમર્થન બંધ નહીં કરે, ત્યાં સુધી અમેરિકા વોર ઓન ટેરર જીત જીતી નહીં શકે. પાકિસ્તાનમાં જમાત-ઉદ-દાવાના આતંકી ચીફ હાફિઝ સઈદની કથિત નજરકેદને ડોનાલ્ડ ટ્રમ્પની અસર તરીકે જોવામાં આવે છે. તો અમેરિકાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરને યુએનમાં આતંકવાદી જાહેર કરાવવાની ભારતની પહેલને પોતાના હાથમાં લઈ લીધી છે. તો તાજેતરમાં પાકિસ્તાનની સેનેટના ડેપ્યુટી સ્પીકરને અમેરિકાએ વીઝાઆપવાનો ઈન્કાર કર્યો છે. 

પરંતુ આવી કેટલીક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચુકી છે. ત્યારે વ્યૂહાત્મક અને સંરક્ષણ બાબતોના જાણકારોનો અભિપ્રાય છે કે જ્યાં સુધી પાકિસ્તાનને સામરિક અને નાણાંકીય મદદ બંધ કરવામાં નહીં આવે..ત્યાં સુધી પાકિસ્તાનની સેનાના ટોચના કમાન્ડરોના વલણમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. પરંતુ અમેરિકાની હંમેશા દુવિધા રહીછે કે પાકિસ્તાનનો હક્કાની નેટવર્ક અને તાલિબાનો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનો ઈન્કાર તેને શકમંદ બનાવી દે છે. પરંતુ બીજી તરફ લેન્ડ-લૉક અફઘાનિસ્તાનમાં શાંતિઅને સ્થિરતા માટે અમેરિકાને પાકિસ્તાનનો સહયોગ જરૂરી પણ લાગે છે. આ સિવાય દુનિયા અને દક્ષિણ એશિયાના ઈસ્લામિક જગત પર પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે અમેરિકાને પાકિસ્તાનને પોતાની અસર હેઠળ રાખવું જરૂરી દેખાઈ રહ્યું છે. 

તેને કારણે પરમાણુ હથિયારોથી સજ્જ પાકિસ્તાન બાબતે અમેરિકા કોઈ નિર્ણય લઈ શકતું નથી. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાનના અસ્તિત્વ વગરની દુનિયા ખરેખર વધુ શાંતિ ધરાવતી બની શકે છે. પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન.. મુલ્લા ઓમર જેવા અલકાયદા અને તાલિબાની આતંકવાદીઓને વર્ષો સુધી છુપાવીને રાખવામાં આવ્યા હતા. તો અલકાયદાનો નવો પ્રમુખ અલ ઝવાહીરી પણ પાકિસ્તાનમાં છૂપાયો હોવાની આશંકા છે. આ સિવાય 2015માં કેટલાંક આઈએસઆઈએસના ટોચના આતંકવાદીઓને પાકિસ્તાનમાં આશ્રય મળે તેવી શક્યતાઓ વહેતી થઈ હતી. આવા સંજોગોમાં આતંકના જનક પાકિસ્તાનનું વિખંડન એક ઉકેલ હોવા બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે. આ દિશામાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહીતની વૈશ્વિક શક્તિઓએ વિચારવી જરૂરી છે. દક્ષિણ એશિયામાં સંતુલન સ્થાપિત કરવા માટે પાકિસ્તાનની વ્યૂહાત્મક ઓકાત ઘટાડવી જરૂરી છે. ભારતને પ્રાદેશિક અને ગ્લોબલ પાવર તરીકે અમેરિકા સહીતના સુપરપાવરોએ વધુ વ્યૂહાત્મક મજબૂતાઈ આપવાની જરૂર છે. આના માટે અમેરિકાએ પોતાના વૈશ્વિક વર્ચસ્વનો નિર્ણાયક ઉપયોગ કરવાની પણ જરૂર છે. 

અમેરિકા ખાતેના પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ પાકિસ્તાનની દશકાઓ જૂની કાશ્મીર નીતિને નિશાને લેતા તેના વ્યૂહાત્મક હથિયાર સમા ઈસ્લામિક આતંકવાદ પર સવાલ પણ ઉઠાવ્યા છે. હુસૈન હક્કાનીનું માનવું છે કે કાશ્મીરનો મામલો ઉકેલાવાથી પણ મજહબી આતંકવાદ અને કોમવાદી ઘર્ષણોના પડકારો યથાવત રહેવાના છે. તાલિબાનો અફઘાનિસ્તાનમાં પોતાની જૂની ઈસ્લામિક વ્યવસ્થા કાયમ કરવાનું લક્ષ્ય છોડવાના નથી. તેમણે કહ્યુ છે કે મજહબી આતંકવાદનો અર્થ છે કે તમારા ધાર્મિક પંથમાં નહીં માનનારા લોકોની હત્યા કરવી. પાકિસ્તાનમાં મજહબી આતંકવાદને એક અતિ-રાષ્ટ્રવાદી દલીલ તરીકે રજૂ કરીને તેનું સમર્થન પણ કરવામાં આવે છે. તેથી આવા દ્રષ્ટિકોણના ચરમસીમા તરફ આગળ વધવાની સ્થિતિ પાકિસ્તાનના ખતરાનો સામનો કરવાનો યુદ્ધ એકમાત્ર વિકલ્પ રહી જશે. 

ભારત વિરોધી માનસિકતા અને આતંકની નીતિને કારણે પાકિસ્તાનનું વ્યૂહાત્મક ચિંતન ન તો અમેરિકાના હિતોની પૂર્તિ કરીરહ્યું છે અને ન તો તેનાથી પ્રાદેશિક સ્થિરતાનું લક્ષ્ય પૂર્ણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને આતંકવાદની તેની નીતિ છોડવા માટે બાધ્ય કરવા માટે આર્થિક-રાજદ્વારી-કૂટનીતિક અને જરૂરપડે લશ્કરી દબાણોની વળતી રણનીતિ જરૂરી બની જાય છે. 

અમેરિકા દ્વારા દાયકાઓથી પાકિસ્તાની સેનાને મજબૂત કરવાની એક નીતિ અપનાવવામાં આવી છે. તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે કાશ્મીરને બળપૂર્વક તફડાવી લેવાની શેખી મારનારા આતંકી જૂથોની શક્તિમાં વધારો થયો છે. આવા સંજોગોમાં ઈરાક-સીરિયા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાન સામે ટ્રમ્પ વહીવટી તંત્રે વધુ કડક બનીને કાર્યવાહી કરવી પડશે. આના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે પોતાના દેશની બેવડી નીતિ છોડવાના સંકેત આપતા પાકિસ્તાનનનો મેજર નોન-નાટો એલાયનો દરજ્જો લઈ લેવાની અને તેને તેની હરકતો બદલ આતંકવાદી દેશ જાહેર કરાવવાના પગલા પણ ભરવાની તૈયારી રાખવી પડશે. 

બુધવાર, 14 ડિસેમ્બર, 2016

રાષ્ટ્રીય ઓળખ ગુમાવવાના ડરને કારણે યુરોપે પકડી દક્ષિણપંથની દિશા

-   પ્રસન્ન શાસ્ત્રી

યુરોપ અને અમેરિકામાં રાષ્ટ્રીય ઓળખ સામે ઉભા થયેલા જોખમોના પરિણામે ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટ વધારેમાં વધારે મજબૂત બની રહી છે. ફાર રાઈટ પોપ્યુલિટ મૂવમેન્ટને એવું કહી શકાય કે દેશ-રાષ્ટ્રની ઓળખ સામેના જોખમો સામેની જનતાની ચિંતાને કારણે દક્ષિણપંથી લાગણીઓની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયા.

2016માં આવી બે આશ્ચર્યજનક પરંતુ લોકપ્રિય વિજયની ઘટનાઓ જોવા મળી છે. જૂન માસમાં યુનાઈટેડ કિંગ્ડમ એટલે કે બ્રિટનમાં આવેલું જનમત સંગ્રહનું પરિણામ આવી પહેલી આશ્ચર્યજનક ઘટના હતી. જેમાં બ્રિટનના લોકોએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવા માટેનો બ્રેક્ઝિટ તરીકે જાણીતો બનેલો ચુકાદો ફરમાવ્યો હતો. 

બીજી ઘટના ડિસેમ્બર માસમાં અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામોમાં સામે આવી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. આ બંને જનચુકાદાઓ અમેરિકા અને બ્રિટન જેવા બે તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક સમાજો માટે દુનિયાના અન્ય દેશો અને ખાસ કરીને ભારત ખાતે ઉદારવાદનો આડંબર કરનારા રાજકીય, સામાજિક સંગઠનો માટે આઘાતજનક રહ્યા છે. વિસ્થાપિતોને આશ્રય સહીતના ઈમિગ્રેશન માટેના નીતિગત ખુલ્લાપણાના મતભેદો, વિવિધતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુદ્દાઓને કારણે યુરોપ અને અમેરિકામાં ઘણી મોટી હદે રાષ્ટ્રીય ઓળખ અને અસ્તિત્વ બાબતે સ્થાનિક લોકોના અંતરમનમાં ઘૂઘવાટ અને ઉકળાટની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયાનો સંકેત આપી રહ્યા છે. 

બ્રેક્ઝિટ બાદ ફ્રેક્ઝિટની માગણી થઈ ચુકી છે. તો યુરોપની ત્રીજી એક મોટી ઘટનાની પણ ચર્ચા કરવી પડે તેમ છે. ઈટાલીને પરંપરાગત રીતે યુરોપીયન યુનિયનનું કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેમ છતાં ઈટાલીમાં પણ યુરોપિયન યુનિયનથી વિરુદ્ધના વલણોની શરૂઆત થઈ ચુકી છે. તાજેતરમાં ઈટાલીએ પણ એસ્ટાબ્લિશમેન્ટને નામંજૂર કર્યું છે. ઈટાલીના જનમત સંગ્રહના પરિણામો અહીં દક્ષિણપંથી લાગણીઓ માટે આશાસ્પદ માનવામાં આવે છે. આવા જ વલણો ઘણાં યુરોપીયન દેશોમાં ચરમસીમા તરફ આગળ વધી રહ્યા છે.

અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીનેગંભીરતાથી લેવામાં આવતી ન હતી.  અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પ્રચાર વખતે સ્થાનિક મીડિયા જૂથો, નીતિ-રાજકારણ સંબંધિત સંસ્થાનોએ ટ્રમ્પને બિલકુલ ગંભીરતાથી લીધા ન હતા. પરંતુ તેમ છતાં અમેરિકાના મતદાતાઓની ભીતરના ઉંડાણમાં સામાજિક પરિવર્તનો સંદર્ભેની ગંભીર ચિંતાઓને કારણે ટ્રમ્પની ઉમેદવારી તેમના માટે બેહદ ગંભીર હતી. જેને કારણે અમેરિકાના તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક મૂલ્યોની પરવાહ કર્યા વગર અમેરિકનોએ અમેરિકાના હિતોની પરવાહ સાથે ટ્રમ્પને જીતાડયા છે. ભારત માટે અમેરિકા ખાતે સામે પ્રવાહે તરીને ટ્રમ્પે મેળવેલી જીત કોઈ આશ્ચર્ય પમાડનારી વાત નથી. ભારતમાં ગુજરાતમાં વિધાનસભાની ત્રણ ચૂંટણીઓમાં અને 2014ની લોકસભાની ચૂંટણીમાં મીડિયા અને કથિત થિંક ટેન્કો-બૌદ્ધિક સંગઠનોની લાગણીઓ વિરુદ્ધ ભારતની જનતા પોતાનો ચુકાદો ફરમાવી ચુકી છે. આવા પરિણામો માટે પણ ગુજરાત અને ભારતના લોકોના હ્રદય-મનમાં રાષ્ટ્ર સામેના ખતરાઓ અને પડકારો સંદર્ભે દશકાઓથી ધરબાયેલી ચિંતાઓ જ કારણભૂત હતી. 

અમેરિકનો જેવી જ ચિંતા અંગ્રેજોના દિલમાં પણ હતી. તેના કારણે મધ્ય-એશિયામાંથી આવી રહેલા મુસ્લિમ શરણાર્થીઓને આશ્રય આપવાના પ્રમાણમાં ઘટાડો કરવા માટે બ્રિટિશ મતદાતાઓએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો ચુકાદો આપ્યો હતો. બ્રેક્ઝિટ ફરમાવતો જનમત બ્રિટનના રાજકીય નેતાઓને વિસ્થાપિતોને આવતા અટકાવવા માટેની નીતિના વાસ્તવિક અમલીકરણનો માર્ગ મોકળો કરવાની લાગણી ધરાવતો હતો. 2016માં અમેરિકા અને બ્રિટનના બંને વિજયો ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટના હાથમાં સાંકેતિક રીતે સત્તાના હસ્તાંતરણો દર્શાવનારા છે. 

યુરોપમાં કથિત ઈસ્લામફોબિક અતિવાદી દક્ષિણપંથી રાજકીય પક્ષોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓમાં મોટા ફાયદાઓ થયા છે. જર્મનીમાં રાજકીય તાસિરમાં ધરખમ ફેરફારોના સંકેત મળી રહ્યા છે. જર્મનીમાં દક્ષિણપંથી રાજકીય પક્ષ અલ્ટરનેટિવ ફોર જર્મની એટલે કે એએફડી 16 જર્મન સ્ટેટ પાર્લામેન્ટ્સમાંથી દશમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. 2017માં અલ્ટરનેટિવ ફોર જર્મનીને પહેલી ફેડરલ વિકટ્રીની આશા છે. 

શરણાર્થીઓ વિરોધી નીતિઓ ધરાવતી ડેનિસ પીપલ્સ પાર્ટી ડેનમાર્કમાં 2015ની ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી બની છે. ડેનમાર્કની સંસદમાં શરણાર્થીઓ વિરોધી ખરડાને પસાર કરવામં ડેનિસ પીપલ્સ પાર્ટીના સમર્થન પર સત્તાધારી ગઠબંધનને આધારીત રહેવાની રાજકીય મજબૂરી છે. 

તો 2015માં સ્વીડન ખાતે મોટી સંખ્યામાં શરણાર્થીઓના આવ્યા બાદ અહીંના લોકોએ ઐતિહાસિક ચુકાદાના સંકેત આપ્યા છે. તાજેતરના ઓપનિયન પોલ્સમાં અતિવાદી દક્ષિણપંથી સ્વીડન ડેમોક્રેટ્સને 20 ટકાથી વધારે મત મળ્યા છે. 

ફ્રાન્સમાં પણ મરીન લે પેન દ્વારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સંસ્કૃતિને સંપૂર્ણપણે આત્મસાત કરવા માટેની કરેલી હાકલે ઘણી મોટી અસર પેદા કરી છે. લા પેન ફ્રાન્સમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ યુરોઝોન છોડીને ફ્રેન્ચ ફ્રાન્કને તાત્કાલિક અમલી બનાવવાનું જણાવી ચુક્યા છે. યુરોપ અને અમેરિકામાં મુસ્લિમ લઘુમતી અને મધ્ય-પૂર્વ એશિયામાંથી આવતા મુસ્લિમ શરણાર્થીઓને લઈને પેદા થયેલી જનતાની ચિંતાઓની અવગણના કરનારા રાજનેતાઓ હારી રહ્યા છે અથવા તો નબળા થવા લાગ્યા છે. 

યુરોપમાં 80ના દાયકાથી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓએ સ્થાન જમાવ્યું છે. પરંતુ આવી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓને યુરોપમાં સાતત્યપૂર્ણ અને સાર્વત્રિક રાજકીય ફાયદો મળ્યો નથી. ઓસ્ટ્રિયામાં બીજા વિશ્વયુદ્ધ બાદ અતિવાદી દક્ષિણપંથીઓના સત્તામાં આવવાની પ્રબળ આશંકાઓ પ્રવર્તી હતી. પરંતુ ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના મે માસના પ્રથમ રાઉન્ડમાં દક્ષિણપંથી ફ્રીડમ પાર્ટીના ઉમેદવારોને માત્ર એક ટકાની સરસાઈથી જીત મળી હતી. તો ડિસેમ્બર માસમાં ફ્રીડમ પાર્ટીને ઓસ્ટ્રિયાની ગ્રીન પાર્ટીથી સાત પોઈન્ટથી હારી ગઈ હતી. જો કે ઓસ્ટ્રિયામાં ફ્રીડમ પાર્ટીની લોકપ્રિયતા ત્રીસ વર્ષથી નીચેની વયજૂથના મતદાતાઓમાં વધી રહી છે. તો સ્વિટ્ઝરલેન્ડમાં પણ શરણાર્થીઓનો વિરોધ કરનારી સ્વિસ પીપલ્સ પાર્ટી 1999થી તમામ ફેડરલ ઈલેક્શનમાં વીસ ટકાથી વધારે મત પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. 

દક્ષિણપંથી શક્તિઓના ઉભારને કારણે યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ સંદર્ભે નીતિગત પરિવર્તનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ રહ્યા છે. યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડિપેન્ડન્સ પાર્ટીની સંસદમાં એક જ બેઠક હોવા છતાં બ્રેક્ઝિટ જનમત દરમિયાન તેની હાકલોની અસરકારક ભૂમિકા રહી છે. આ એક સૂચક ઉદાહરણ છે. 2017માં ફ્રાન્સની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટના લા પેનને એક મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. માર્ચ-2017માં યોજાનારીચૂંટણીઓ માટે ગીર્ટ વાઈલ્ડર્સની આગેવાનીવાળી ડચ ફ્રીડમ પાર્ટીની સરસાઈમાં વધારો થયો છે. ગીર્ટ વાઈલ્ડર્સે -મેક ધ નેધરલેન્ડ્સ ગ્રેટ અગેઈનની વાત કરી છે.

યુરોપ અને અમેરિકામાં આગામી ચૂંટણીના પરિણામો કોઈપણ હોય, પરંતુ શરણાર્થીઓ સામેની લાગણીઓ નક્કરપણે સામાન્યીકરણ તરફ આગળ વધી રહી છે. અમેરિકામાં મુખ્ય પાર્ટીના ઉમેદવારોએ ક્યારેય ખુલ્લેઆમ ઈસ્લામફોબિયાને પ્લેટફોર્મ બનાવીને રાષ્ટ્રીય હિતો માટે મત માંગીને ટ્રમ્પ પહેલા ક્યારેય જીત મેળવી નથી. ટ્રમ્પે પણ પ્રચાર વખતે ગેરકાયદેસર મુસ્લિમ ઈમિગ્રેન્ટ્સને સામુહિકપણે હાંકી કાઢવાની અને તેમના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.

જર્મનીના ચાન્ચેસલર એન્જેલા મર્કેલને શરણાર્થીઓ માટે ઉદારતા દર્શાવનારા નેતા તરીકે યુરોપિયન યુનિયનમાં ઓળખવામા આવે છે. પરંતુ મર્કેલે પણ કાયદેસર રીતે શક્ય હોય તેવા તમામ સ્થાનો પર બુરખા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. સરહદ વગરના યુરોપની કલ્પનામાંથી જન્મેલા યુરોપિયન યુનિયનના ઉદારવાદી મૂલ્યો ધરાવતા સંસ્થાપક દેશો- ઈટાલી, જર્મની, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને ફ્રાન્સ 2017માં ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટની ચરમસીમા તરફ આગળ વધે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે ચૂંટણીઓમાં ઈમિગ્રેશન પોલિસી જ એક માત્ર મુદ્દો નથી. પરંતુ યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ માટેની પ્રવર્તમાન નીતિઓને લઈને જનતાની અંદર ધરબાયેલી દહેશત અને ચિંતાઓ એક ચહેરો ચોક્કસપણે છે.