Sunday, August 3, 2014

1768માં શાહ વંશી રાજાશાહી દ્વારા એકીકૃત નેપાળ બન્યા બાદ 1991માં આંશિક લોકશાહી આવી

આનંદ શુક્લ

હિમાલયના પહાડી વિસ્તારોમાં આવેલું નેપાળ તેની રાજકીય તવારીખની તારીખમાં ઘણાં ઉતાર-ચઢાવ જોઈ ચુક્યું છે. નેપાળમાં ગોરખા શાસકોના પ્રભુત્વ બાદ દુનિયાના એકમાત્ર હિંદુ રાજ્ય તરીકે આધુનિક સમયમાં પોતાની સફર શરૂ કરી હતી. પરંતુ આજે નેપાળમાં સંપૂર્ણ રાજાશાહીના સ્થાને સંપૂર્ણ લોકશાહી છે. તો હિંદુ રાજ્યના સ્થાને હવે તે ધર્મનિરપેક્ષ પ્રજાતાંત્રિક રાજ્ય બન્યું છે.

1768માં ગુરખા શાસક પૃથ્વી નારાયણ શાહે કાઠમંડૂ જીતીને એકીકૃત નેપાળનો પાયો નાખ્યો હતો. 1792માં તિબેટમાં ચીનના હાથે હાર ખાધા બાદ નેપાળનું વિસ્તરણ અટક્યું હતું. 1814થી 1816 સુધી ચાલેલા એન્ગ્લો નેપાળ યુદ્ધ બાદ તેને બ્રિટિશરો સાથે સંધિ કરવી પડી. આ સંધિ દ્વારા નેપાળની પ્રવર્તમાન સરહદો નક્કી થઈ છે. 1846માં નેપાળની સત્તા વંશાનુગત રાણા વંશના મુખ્યમંત્રીઓ હસ્તગત હતી. રાણાઓએ નેપાળના રાજતંત્ર પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે નેપાળને દુનિયાથી અલગ પાડી દીધું હતું. 1923માં બ્રિટિશરોએ નેપાળની સાર્વભૌમતાને સંધિ દ્વારા સ્વીકારી હતી.

સંપૂર્ણ રાજાશાહી તરફ પગરણ માંડતા 1950માં રાણાઓ વિરુદ્ધ ભારત તરફી શક્તિઓએ રાજાશાહી સાથે જોડાણ કર્યું. 1951માં નેપાળમાં રાણાઓનું વર્ચસ્વ ખતમ થયું. નેપાળ નરેશની પ્રભુસત્તા ફરીથી સ્થપાઈ હતી. રાણાઓ સામે બળવો કરનારા નેતાઓના વર્ચસ્વવાળી નેપાળી કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી.

1953માં ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમંડ હિલેરી અને નેપાળી શેરપા તેન્ઝિંગ નોર્ગેગ્વેએ માઉન્ટ એવરેસ્ટ સૌ પ્રથમ સર કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 1955માં નેપાળ યુનોનું સભ્ય બન્યું હતું. તો તે વર્ષે નેપાળ નરેશ ત્રિભુવનનું નિધન તથા મહેન્દ્ર નવા રાજા બન્યા હતા.

1959માં નેપાળે બહુપક્ષીય બંધારણીય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હતો. 1960માં નેપાળી કોંગ્રેસ પાર્ટીની જીત બાદ બી. પી. કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. નેપાળ નરેશ મહેન્દ્રએ બંધારણ અને સંસદ સ્થગિત કર્યા હતા. 1962માં નેપાળમાં નવું બંધારણ લાગુ થયું હતું. પક્ષવિહીન રાષ્ટ્રીય પંચાયતની રચના થઈ હતી.

નેપાળ નરેશે સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. 1963માં રાષ્ટ્રીય પંચાયતની પ્રથમ ચૂંટણી થઈ હતી. 1972માં નેપાળ નરેશ મહેન્દ્રનું નિધન થયું. તેમના પુત્ર બીરેન્દ્રનો નેપાળના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો.

નેપાળમાં બહુપક્ષીય રાજકારણના તબક્કામાં 1980માં આંદોલનોને કારણે બંધારણીય જનમત લેવાયો. તેમાં રાષ્ટ્રીય પંચાયત પદ્ધતિને ખૂબ ઓછું સમર્થન મળ્યું. નેપાળ નરેશે નેશનલ એસેમ્બલીમાં પક્ષવિહીન પદ્ધતિથી સીધી ચૂંટણીને સંમતિ આપી દીધી હતી. 1985માં એનસીપીએ બુહપક્ષીય પદ્ધતિ લાગુ કરવા માટે સવિયન કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું હતું. 1986માં નેપાળી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 1989માં ભારત સાથે વ્યાપારિક અને પરિવહન મામલે વિવાદ સર્જાયો. જેના કારણે લેન્ડલોક નેપાળની નાકાબંધી કરાઈ હતી. તેનાથી નેપાળમાં આર્થિક સંકટ પેદા થયું હતું.

1990માં એનસીપી અને ડાબેરી પક્ષોના ટેકાથી લોકશાહી માટે આંદોલને જોર પકડયું હતું. રોયલ નેપાળ આર્મીએ આંદોલન કચડવા સેંકડો લોકોની હત્યાઓ કરી હતી. જનઆંદોલનના દબાણને કારણે નેપાળ નરેશ બીરેન્દ્ર નવા બંધારણ માટે સંમત થયા હતા. 1991માં નેપાળી કોંગ્રેસે પ્રથમ બહુપક્ષીય લોકશાહી ઢબની ચૂંટણીમાં જીત મેળવી હતી. ગિરિજાપ્રસાદ કોઈરાલા નેપાળના વડાપ્રધાન બન્યા હતા.

ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક એવા લેન્ડલોક નેપાળની આંતરીક સમસ્યાઓ વિશિષ્ટ પ્રકારની હતી. નેપાળમાં 1949થી 1991ના સમયગાળામાં અનેક રાજકીય ઉતાર-ચઢાવ આવ્યા. તેમાં ભારત સાથેના સંબંધોમાં મીઠાશ-કડવાશ અને ચીન સાથે સંબંધો વધારવાની ફિરાકમાં ભારત સાથે સંબંધો બગાડવાની હદે કૂટનીતિક ભૂલો કરાઈ હતી. તો રાજાશાહી સામે લોકશાહી માટેની ઈચ્છાશક્તિ પ્રબળ બનવા લાગી હતી. તેથી નેપાળ આ તબક્કામાં સંપૂર્ણ રાજાશાહીથી આંશિક લોકશાહી મેળવવામાં સફળ થયું હતું.

No comments:

Post a Comment