Sunday, August 3, 2014

નેપાળમાં રાજાશાહીને રૂખસદ લોકશાહીનું આગમન, માઓવાદી પ્રચંડ વડાપ્રધાન બન્યા

આનંદ શુક્લ

નેપાળમાં લોકોની લોકશાહી માટેની આકાંક્ષાઓ વધી રહી હતી. તો નેપાળની રાજાશાહી લોકલાગણીને કચડવા માટે લશ્કરી શક્તિનો બેફામ ઉપયોગ કરવાનું વલણ ધરાવતી હતી. ત્યારે હિંસાચાર અને ચીન તરફી વલણ ધરાવતા માઓવાદીઓને લોકોનું પણ ઘણું મોટું સમર્થન મળવા લાગ્યું હતું. જેના કારણે નેપાળના રાજાના વિશેષાધિકારો ખતમ થયા અને માઓવાદી નેતા પ્રચંડ વડાપ્રધાન બન્યા હતા.

ઓગસ્ટ-2003માં માઓવાદી બળવાખોરોએ સરકાર સાથે વાતચીત બંધ કરી. તો ફરી હિંસાચાર શરૂ કરતા સાત માસ જૂનો યુદ્ધવિરામ કરાર પણ પડતો મૂક્યો હતો. બાદમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બેફામ હિંસક ઘર્ષણો શરૂ થયા અને માઓવાદીઓએ લાશોની ખેતી શરૂ કરી હતી. એપ્રિલ-2004માં નેપાળ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થયું હતું. મે-2004માં લોકશાહીને ફરીથી લાગુ કરવાની માગણી સાથે જનઆંદોલન ઉગ્ર બન્યા હતા. જેના કારણે રાજાશાહીના ટેકેદાર વડાપ્રધાન સૂર્યબહાદૂરસિંહ થાપાને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ફેબ્રુઆરી-2005માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ સરકારને બરખાસ્ત કરી. સત્તાના સૂત્રો હસ્તગત કર્યા. માઓવાદીઓના ખાત્મા માટે ફરીથી કટોકટીની જાહેરાત પણ કરી હતી. એપ્રિલ-2005માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ રાજા જ્ઞાનેન્દ્રને કટોકટી હટાવી લેવી પડી હતી. નવેમ્બર-2005માં માઓવાદીઓ અને વિપક્ષી દળો વચ્ચે લોકશાહીના પુનર્સ્થાપન માટે સમજૂતી સધાઈ હતી. એપ્રિલ-2006માં નેપાળી સંસદે સર્વસંમતિથી રાજા જ્ઞાનેન્દ્રના તમામ રાજકીય વિશેષાધિકારો અને સત્તાને ખતમ કરી હતી.

નવેમ્બર-2006માં સરકાર અને માઓવાદીઓ વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. વ્યાપક શાંતિ કરાર હેઠળ 10 વર્ષ જૂની બળવાખારીની ઔપચારીક સમાપ્તિ થઈ હતી. જાન્યુઆરી-2007માં હંગામી બંધારણ પ્રમાણે માઓવાદીઓ નેપાળની સંસદમાં પ્રવેશ્યા હતા.

એપ્રિલ-2007માં નેપાળના મુખ્ય રાજકીય પ્રવાહમાં માઓવાદી બળવાખોરો પ્રવેશ્યા હતા. ત્યાર બાદ તેઓ વચગાળાની સરકારમાં પણ જોડાયા હતા. સપ્ટેમ્બર-20087માં માઓવાદી હિંસાની સમાપ્તિની ઘોષણા બાદ પહેલીવાર કાંઠમંડૂમાં ત્રણ બોમ્બ વિસ્ફોટો થયા હતા. રાજાશાહીને પ્રતીકાત્મક રીતે પણ અસ્તિત્વમાં નહીં રહેવા દેવાની માગણી સાથે માઓવાદીઓએ સરકાર છોડી હતી. જેના કારણે નવેમ્બર માસમાં યોજનારી બંધારણીય સભાની ચૂંટણીઓ રદ્દ કરવી પડી હતી

 ડિસેમ્બર-2007માં શાંતિ કરાર હેઠળ માઓવાદીઓ સરકારમાં ફરીથી જોડાવા રાજી થયા હતા. તેમની સાથેની સમજૂતી પ્રમાણે નેપાળી સંસદે રાજાશાહીને સંપૂર્ણપણે રૂખસદ આપવાની મંજૂરી આપી હતી. જાન્યુઆરી-2008માં દક્ષિણ તરાઈના મેદાન પ્રદેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. જેમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા. તરાઈમાં આંદોલનકારીઓ પ્રાદેશિક સ્વાયત્તાતાની માગણી કરી રહ્યા હતા.

એપ્રિલ-2008માં ભૂતપૂર્વ માઓવાદી બળવાખોરો બંધારણીય સભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમને સ્પષ્ટ બહુમતી મળી નહીં. મે-208માં નેપાળ પ્રજાતાંત્રિક દેશ બન્યું. જૂન-2008માં નવા રાષ્ટ્રપ્રમુખ સંદર્ભે ઉભા થયેલા વિવાદને કારણે માઓવાદી પ્રધાનોએ રાજીનામા ધરી દીધા હતા. જુલાઈ-2008માં રામબરન યાદવ નેપાળના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.

ઓગસ્ટ-2008માં માઓવાદી નેતા પ્રચંડે ગઠબંધન સરકારની રચના કરી હતી. નેપાળી કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું.

ચીન તરફી ગણાતા માઓવાદીઓ નેપાળના રાજકારણના મુખ્યપ્રવાહમાં સામેલ થતા જ નેપાળમાં ભારત વિરોધી લાગણીઓ વધુ ઉગ્ર બનવા લાગી હતી. નેપાળમાં ભારતીય હિતોને માઓદીઓની સરકાર નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ હતી. તો માઓવાદી નેતા પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પરંપરા તોડીને ચીનની સૌ પ્રથમ વિદેશ યાત્રા કરી હતી. પ્રચંડ ભારત પણ આવ્યા હતા. પરંતુ તેમણે ભારત વિરોધી વલણ સહેજ પણ ઢીલું કર્યું નહીં.


No comments:

Post a Comment