Sunday, August 3, 2014

ચીન-નેપાળના દોરીસંચાર હેઠળ નેપાળમાંથી ભારત માટેની ઉષ્મામાં ઘટાડો રાષ્ટ્રીય હિતો માટે જોખમી

આનંદ શુક્લ
નેપાળના રાજકીય ઈતિહાસમાં અનેક ઉથલ-પાથલો બાદ રાજાશાહીથી લોકશાહીના માર્ગે ચાલવા લાગ્યું છે. પરંતુ ભારત માટે અતિ મહત્વના પાડોશી દેશ પ્રત્યે છેલ્લા 17 વર્ષથી ઉપેક્ષિત વલણ અપનાવાયું છે. 1997માં તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ કાઠમંડૂ ગયા હતા. પરંતુ ત્યાર બાદ ભારતના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહનસિંહ નેપાળની મુલાકાતે ગયા નથી. પણ નેપાળના રાજકીય ઘટનાક્રમ પ્રત્યેનું દુર્લક્ષ્ય ભારત માટે ખતરનાક નીવડી શકે છે....
મે-2009માં વડાપ્રધાન પ્રચંડે રાષ્ટ્રપ્રમુખ રામ બરન યાદવ સાથેના વિવાદમાં રાજીનામું આપી દીધું. માઓવાદીઓને નેપાળી સેનામાં સામેલ કરવાના મામલે મતભેદ સર્જાયા હતા. માઓવાદીઓએ સરકાર છોડી દીધી હતી. કમ્યુનિસ્ટ નેતા માધવ કુમાર નેપાળ નવા વડાપ્રધાન બન્યા હતા. તે જ સમયે બ્રિટિશ સેનામાં ચાર વર્ષ ફરજ બજાવનારા ગુરખા સૈનિકોને ઈંગ્લેન્ડમાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ડિસેમ્બર-2009ના રોજ માઓવાદીઓ દ્વારા બળપૂર્વક જમીન કબજે કરવાના મામલે ચાર લોકોની હત્યા કરાઈ હતી. તેના કારણે ફરીથી શાંતિ પ્રક્રિયા પર જોખમ પેદા થયું હતું.
મે-2010માં નવા બંધારણના મુસદ્દાને તૈયાર કરવા માટે મે-2011 સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જૂન-2010માં વડાપ્રધાન માધવકુમાર નેપાળે માઓવાદીઓના દબાણમાં સરકાર છોડી હતી. જાન્યુઆરી-2011માં યુએસ પીસ મોનિટરિંગ મિશનને પોતાનું નેપાળ ખાતેનું અભિયાન સમાપ્ત કર્યું.. ફેબ્રુઆરી-2011ના રોજ જ્હાલનાથ ખનાલ નેપાળના વડાપ્રધાન બન્યા હતા. મે-2011માં બંધારણીય સભામાં નવા બંધારણના મુસદ્દાની રચના માટેની ડેડલાઈન જાળવી શકાય નહીં. ઓગસ્ટ-2011માં નવા બંધારણના વિરોધ મામલે ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયેલા પીએમ ખનાલે રાજીનામું આપ્યું હતું.
માઓવાદી પાર્ટીના બાબુરામ ભટ્ટારી નવા વડાપ્રધાન બન્યા હતા. તેમણે માઓવાદી બળવાખોરોને સેનામાં સામેલ કરવા અને નવા બંધારણના મુદ્દે સંમતિ સાધવા તબક્કાવાર કોશિશો કરવાનું વચન આપ્યું હતું. મે-2012માં ભટ્ટારીએ નવા બંધારણ સંદર્ભે સંમતિ નહીં સધાતા સંસદ ભંગ કરીને નવેમ્બરમાં ચૂંટણી જાહેર કરી હતી. તેઓ કાર્યવાહક સરકારના વડાપ્રધાન તરીકેના પદભાર પર યથાવત રહ્યા હતા.

માર્ચ-2013માં મુખ્ય ન્યાયાધીશ ખિલરાજ રેજ્મીને વચગાળાની એકતા સરકારની નેતાગીરી સોંપવામાં આવી હતી. એપ્રિલ-2013માં નાગરિક યુદ્ધમાં ગુનાઓની તપાસ માટે સરકારની યોજનાને નેપાળની સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરી હતી. મે-2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરાયાની સાઠમી વરસીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવેમ્બર-2013માં નવી બંધારણીય સભાની ચૂંટણી યોજાઈ હતી.

નેપાળી કોંગ્રેસ પાર્ટીને મોટાભાગની બેઠકો જીતવામાં સફળતા મળી હતી. માઓવાદીઓએ ચૂંટણીના પરિણામો સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી હતી. 26 મે-2014ના રોજ નેપાળના વડાપ્રધાન સુરેશ કુમાર કોઈરાલાએ પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હાજરી આપી હતી. 26 જુલાઈ-2014 ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ નેપાળની ત્રણ દિવસીય યાત્રાએ ગયા હતા. અહીં ભારત અને નેપાળના સંયુક્ત પંચની 23 વર્ષ બાદ બેઠક પણ યોજાઈ હતી.
ઉતાર-ચઢાવવાળા ભારત અને નેપાળના સંબંધોમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ઉષ્મા ગાયબ છે. ત્યારે મોદી સરકાર નેપાળ સાથે સંબંધો સુધારીને ભારતના સામરિક હિતોને ક્ષેત્રીય સ્તરે સાધવા ઈચ્છે છે. વળી પરંતુ વાજપેયી અને મનમોહનસિંહના 15 વર્ષ જેટલા કાર્યકાળમાં નેપાળની ઉપેક્ષા થઈ હોય તેવી એક લાગણી બંને દેશોમાં પ્રવર્તી રહી છે. ત્યારે નેપાળમાં ચીન અને પાકિસ્તાનની સક્રિયતા જોતા આતંકવાદ અને નકલી ભારતીય ચલણ તથા ચીનના માલના ડમ્પિંગને અટકાવવા માટે જરૂરી સમજૂતીઓની મોટી જરૂરી છે. 

No comments:

Post a Comment