Sunday, August 3, 2014

2001થી 2003 દરમિયાન નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર અને રાજકીય અસ્થિરતા

આનંદ શુક્લ

નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર... 2001માં નેપાળના લોકપ્રિય રાજા બીરેન્દ્ર અને તેમના રાજપરિવારની હત્યાને કારણે રાજકીય અસ્થિરતાએ વેગ પક્ડયો હતો. તો નવા રાજા જ્ઞાનેન્દ્રને માઓવાદીઓ તરફથી મોટા રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.

1994થી 2001 સુધી નેપાળમાં રાજકીય અસ્થિરતાઓ અવાર-નવાર સપાટી પર આવી હતી. 1994માં કોઈરાલા સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. નવી ચૂંટણીમાં ડાબેરીઓની સરકાર સત્તા પર આવી હતી. 1995માં ડાબેરી પક્ષોની સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી. 1995થી ચીન તરફી વિચારધારાવાળા માઓવાદી ડાબેરીઓએ નેપાળમાં એક દાયકા જેટલી લાંબી લડાઈ શરૂ કરી હતી. આ હિંસામાં એક અંદાજ પ્રમાણે.. 20 હજારથી વધારે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. 1997માં શેર બહાદૂર દેઉબાની સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. વારંવાર વડાપ્રધાનો બદલાતા નેપાળમાં રાજકીય અસ્થિરતા શરૂ થઈ હતી. 2000માં ગિરિજાપ્રસાદ કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. તેઓ નેપાળમાં 10 વર્ષમાં સત્તા પર આવેલી નવમી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.

જૂન.. 2001ના રોજ નેપાળ નરેન્દ્ર બિરેન્દ્ર.. મહારાણી ઐશ્વર્યાદેવી અને રાજપરિવારના અન્ય સભ્યોની રહસ્યમયી સામૂહિક હત્યા થઈ હતી. દાવા પ્રમાણે- આ હત્યાઓ યુવરાજ દીપેન્દ્રએ દારૂના નશામાં બેફામ ગોળીબાર કરીને કરી હતી. બાદમાં યુવરાજ દીપેન્દ્રએ પણ આત્મહત્યા કરી હતી. 2001માં બીરેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્ર નેપાળ નરેશ બન્યા હતા. જુલાઈ-2001માં માઓવાદી હિંસામાં બેફામ વધારો થયો હતો. તેને કાબુમાં નહીં કરી શકવાને કારણે ગિરિજાપ્રસાદ કોઈરાલાને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું. તેમના સ્થાને શેર બહાદૂર દેઉબાને વડાપ્રધાન બનાવાયા હતા. નવેમ્બર-2001માં માઓવાદીઓએ શાંતિવાર્તાને નિષ્ફળ ગણાવી હતી. તેમણે ચાર માસ જૂનો યુદ્ધવિરામ પણ રદ્દ કર્યો હતો. ત્યાર બાદ માઓવાદીઓએ નેપાળી સેના અને પોલીસ પર ભીષણ હુમલા શરૂ કર્યા હતા.

નવેમ્બર-2001માં બેફામ હિંસાચાર વચ્ચે માત્ર ચાર દિવસમાં 100 લોકોની કરપીણ હત્યા કરાઈ હતી. જેના કારણે નેપાળમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ માઓવાદીઓને કચડી નાખવાના કડક આદેશ જારી કર્યા હતા. નેપાળી સેના અને માઓવાદીઓ વચ્ચેની લડાઈમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મે-2002માં નેપાળી સંસદ ભંગ કરાઈ હતી. વચગાળાની સરકારમાં શેર બહાદૂર દેઉબા વડાપ્રધાન બન્યા હતા. કટોકટીને લંબાવવાની તેમણે મંજૂરી આપી હતી. ઓક્ટોબર-2002માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ દેઉબા સરકારને બરખાસ્ત કરી હતી. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાના આદેશ પણ આપ્યા હતા. જાન્યુઆરી-2003માં નેપાળી સરકાર અને માઓવાદીઓએ યુદ્ધવિરામ પણ જાહેર કર્યો હતો.

નેપાળની અશાંતિની આગમાં ચીન તરફી તત્વોએ ઘી હોમ્યુ હોવાની આશંકાઓ તેજ બની હતી. તેવા સંજોગોમાં નેપાળની અસ્થિરતાથી વિશિષ્ટ સંબંધો ધરાવતા પાડોશી દેશ ભારતની ચિંતામાં વધારો થયો હતો. જો કે ભારતે નેપાળમાં અસ્થિરતામાં કોઈ નકારાત્મક ભૂમિકા અપનાવવાની જગ્યાએ લોકશાહીની માગણીને ટેકો આપીને સમગ્ર મામલે તટસ્થ રહેવાની નીતિ અખત્યાર કરી હતી.

No comments:

Post a Comment