Sunday, August 3, 2014

મોદીનું પાશુપતાસ્ત્ર નેપાળમાં ચીનના દોરીસંચાને ખતમ કરવામાં સફળ થશે?

આનંદ શુક્લ

17 વર્ષ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાઠમંડૂમાં મહત્વના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારશે. પરંતુ 17 વર્ષના ગાળામાં વિદેશનીતિમાં માહેર ગણાતા અટલ બિહારી વાજપેયી અને તેમના અનુગામી પીએમ મનમોહનસિંહ ચીન ગયા પણ નેપાળ ગયા નથી.

 ભારત-નેપાળ વચ્ચેના સદીઓ જૂના પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધો છતાં બંને વચ્ચે અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવને ઘટાડીને ભારતના સામરિક હિતોની સુરક્ષા થાય તેના માટે મોદીની કાઠમંડૂની મુલાકાત મહત્વની છે. ભારતના બોલીવુડ સ્ટાર અને ફિલ્મોનો વિરોધ.. પાશુપતિનાથના મંદિરમાં દક્ષિણ ભારતીયોની પૂજાનો મામલો.. ભારતીય મૂળના મધેશીનો મામલો.. બિહાર સરહદે ભારતની છ હજાર એકર જમીન પર કબજાનો મામલો... ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ ઝા દ્વારા હિંદીમાં શપથ લેવાનો વિવાદ.. ઉકેલવા પણ એટલા જ જરૂરી છે.

1815-16માં એંગ્લો-નેપાળ યુદ્ધ બાદ સુગૌલી સંધિ થઈ. નેપાળને બટવાલનો વિસ્તાર મળ્યો હતો.  1949માં માઓના કુખ્યાત પુસ્તક ચાઈનિઝ રિવોલ્યૂશન એન્ડ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીમાં નેપાળને ચીનના એક રાજ્ય તરીકે ગણાવવામાં આવ્યું હતું. 1950માં ભારત-નેપાળ વચ્ચે શાંતિ અને મૈત્રીની મહત્વપૂર્ણ સમજૂતી થઈ. 1951-59 દરમિયાન ભારત-નેપાળ સંબંધોમાં સરકારી દબાણ હેઠળ તબક્કાવારપરિવર્તન થયા. ચીન અને સોવિયત સંઘ સહીત અનેક દેશો સાથે કૂટનીતિક સંબંધોમાં પરિવર્તન કરવા નેપાળ તરફથી પ્રયત્ન કરાયા હતા. 1955માં નેપાળને સંયુક્તરાષ્ટ્રનું સભ્યપદ પ્રાપ્ત થતા વિદેશ અને સંરક્ષણ ક્ષેત્રે કૂટનીતિક પરિવર્તનો વધુ ઝડપી બન્યા હતા. નવેબર-1959માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં કહ્યુ કે નેપાળ પર કોઈપણ પ્રકારનો હુમલો ભારત પર કરવામાં આવેલો હુમલો માનવામાં આવશે. તો તેને જવાબમાં બી. પી. કોઈરાલાએ જવાબ આપ્યો કે ભારત નેપાળની વિનંતી વગર આવું એકપક્ષીય પગલું ભરી શકે નહીં.

1962ના ભારત અને ચીન યુદ્ધમાં નેપાળે પ્રત્યક્ષપણે તટસ્થ નીતિ અપનાવી હતી. પરંતુ જાણકારો પ્રમાણે.. સહાનુભૂતિ પરોક્ષપણે ચીન તરફી હતી.  1962ના ચીનના ભારત પર આક્રમણ અને યુદ્ધ બાદ નેપાળ સાથેના સંબંધો ભારત માટે અતિ મહત્વપૂર્ણ બન્યા હતા. તત્કાલિન ગૃહ પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીને નેપાળની યાત્રા પર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ નેપાળ નરેસ ભારતની 13 દિવસની મુલાકાતે આવ્યા અને પછી તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ નેપાળ ગયા હતા. આ સમયગાળા દરમિયાન નેપાળ સાથે સંબંધો એટલી હદે સુધર્યા કે નેપાળની રાષ્ટ્રીય પંચાયતના અધ્યક્ષ સૂર્યબહાદૂર થાપાએ કહ્યુ કે જ્યાં સુધી એકપણ નેપાળી જીવિત છે.. ત્યાં સુધી નેપાળના રસ્તે કોઈપણ શક્તિને ભારત પર આક્રમણ કરવાની મંજૂરી મળી શકશે નહીં.  23 સપ્ટેમ્બર, 1964ના રોજ ભારતીય વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ પણ નેપાળ જઈને એક સમજૂતી કરી આવ્યા હતા. કોસી યોજનાની નહેરનું ઉદ્ઘાટન 24 એપ્રિલે, 1965ના રોજ તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ કરી હતી. ડિસેમ્બર-1965ના રોજ નેપાળના મહારાજા ફરીથી ભારતના પ્રવાસે આવ્યા હતા. નેપાળ નરેશે સ્વીકાર કર્યો હતો કે ભારતની મદદથી નેપાળમાં પુરતી પ્રગતિ સાધી શકાઈ છે.

1964માં ચીન અને નેપાળ વચ્ચે એક વ્યાપારીક સંધિ થઈ હતી. નેપાળના વડાપ્રધાન સૂર્યબહાદૂર માર્ચ-1966માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેના થોડા સમય બાદ સાડા ચાર ચોરસ માઈલ લાંબા સુસતા નામના ક્ષેત્ર બાબતે વિવાદ પેદા થયો હતો. 22 ઓક્ટોબર-1967ના રોજ તત્કાલિન નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈએ નેપાળની યાત્રા દરમિયાન આર્થિક અને તકનીકી મદદનું વચન આપ્યું હતું. તો 5થી 9 જૂન 1968 દરમિયાન તત્કાલિન વિદેશ પ્રધાન દિનેશસિંહે સુસ્તા વિસ્તાર અને પશ્ચિમી કોસી નહેર સંદર્ભે વાતચીત કરી હતી. તે સમયે પશ્ચિમી કોસી નહેર યોજનાને નેપાળે મંજૂરી આપી ન હતી.

1968માં ચીન અને નેપાળે સાંસ્કૃતિક તથા વૈજ્ઞાનિક સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. નેપાળ અને ચીન વચ્ચે આ સમયગાળા દરમિયાન જ કાંઠમંડૂ-કોંડારી રાજપથ નિર્માણ માટે સમજૂતી થઈ હતી. તેના કારણે ભારતની ઉત્તરીય સરહદે સુરક્ષા સંકટ પેદા થઈ ગયું છે. 1969માં ભારત યાત્રા દરમિયાન નેપાળના વિદેશ પ્રધાને આ મામલો ઉઠાવ્યો હતો અને બંને દેશો વચ્ચે પશ્ચિમી સરહદના પુનર્નિર્ધારણ કરવાની માગણી કરી હતી.. 22 જૂને-1969ના રોજ નેપાળના તત્કાલિન વડાપ્રધાને ભારત વિરોધી ગણી શકાય તેવું નિવેદન આપ્યું હતું. કાર્તિનિધિ બિષ્ટે કહ્યુ હતું કે ભારત અને નેપાળ વચ્ચે કોઈ વિશેષ સંબંધ નથી. તથાકથિત ભારતીય સુરક્ષા માટે નેપાળ પોતાના સાર્વભૈમત્વને મર્યાદિત કરી શકે નહીં. કીર્તિનિધિએ શસ્ત્રસરંજામ પુરવઠાની સમજૂતી રદ્દ કરાય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

ભારત સરકારે જુલાઈ-1970માં પોતાના સૈન્ય દળોને પાછા ફરવા આદેશ આપ્યા હતા.  ફેબ્રુઆરી-1973માં ઈન્દિરા ગાંધી નેપાળ ગયા હતા. ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે નેપાળ એક સાર્વભૌમ રાજ્ય છે અને ભારત તેના પર કંઈપણ થોપવા માટેની ઈચ્છા ધરાવતું નથી. 10 મે-1973ના રોજ નેપાળી એરલાઈન્સનું એક વિમાન કેટલીક વ્યક્તિઓએ હાઈજેક કર્યું હતું. ફારસીગંજ નામની ભારતીય સરહદ નજીક આ વિમાનને ઉતરાણ માટે મજબૂર કરાયું હતું. અફવાઓ તેજ બની હતી કે ભારતની ઈચ્છાને કારણે જ વિમાન હાઈજેક થઈ શક્યું છે. નેપાળે ભારતને અપહરણકર્તાઓની ભાળ મેળવવા જણાવ્યું હતું. ભારતને આ વિમાન અપહરણ મામલે કેટલાંક તથ્યો પ્રાપ્ત થયા હતા અને તેને નેપાળ સરકારને સોંપવામાં આવ્યા હતા.
1975માં તત્કાલિન નેપાળ નરેશ વીરેન્દ્ર વીર વિક્રમ શાહ દેવે નેપાળને આંતરરાષ્ટ્રીય શાંતિ ક્ષેત્ર તરીકે માન્યતા મળે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ચીન અને પાકિસ્તાને ટેકો આપ્યો હતો.

1976માં બને દેશો વચ્ચેના સંબંધોમાં નક્કર કાર્ય થયું હતું. રાજકીય અને સરકારી સ્તરે ઘણી યાત્રાઓ થઈ હતી. તેનાથી બંને સરકારો વચ્ચે સતત વાતચીત અને સંપર્ક જળવાયો હતો. ભારતે એ નિશ્ચય કર્યો કે નેપાળના જે નાગરિક ભારતના સંરક્ષિત પ્રતિબંધિત વિસ્તારોમાં આવવા ઈચ્છે તેમને પણ અન્ય વિદેશી રાષ્ટ્રોની સમકક્ષ માનવામાં આવશે અને પ્રવાસ માટે પરમિટ મેળવી પડશે.

માર્ચ-1977માં ભારતમાં નવી સરકાર બનતા વાતાવરણ વધુ સુખદ બન્યું હતું. પાડોશી દેશો સાથે મિત્રતા વધારવાના હેતુથી તત્કાલિન ભારતીય વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નેપાળની યાત્રા કરીને બંને દેશો વચ્ચેની ઘણી સમસ્યાઓને ઉકેલી હતી.

બાદમાં એપ્રિલ-1977ના રોજ નેપાળ નરેશ વીરેન્દ્રએ પણ ભારતનો પ્રવાસ કર્યો હતો. એક સમજૂતી પ્રમાણે- ભારતે નેપાળને બાંગ્લાદેશ સાથે વેપાર કરવા માટે ભારતમાં થઈને જવાની સુવિધા પ્રદાન કરી હતી. તેનાથી સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો. 1977માં ભારતીય જનમતે જે. પી.ની સાથે જ રાજા વીરેન્દ્રને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન જી. પી. કોઈરાલાને જેલમાંથી છોડવાની અપીલ કરી હતી. તેનું અનુકૂળ પરિણામ આવ્યું.

ડિસેમ્બર-1977માં તત્કાલિન વડાપ્રધાન મોરરાજી દેસાઈએ નેપાળનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા ઘણી સફળ રહી હતી. આ પ્રસંગે નેપાળના તત્કાલિન વડાપ્રધાન કીર્તિનિધિ વિષ્ટે કહ્યુ કે ભારત સરકારની નીતિઓમાં એક નવો દ્રષ્ટિકોણ દેખાઈ રહ્યો છે. તેના માટે પરિસ્થિતિઓને વધારે ગંભીર અને પરિપકવ ઢંઘથી સમજવાની ભાવના છે. આ યાત્રામાં બંને દેશોના સામૂહિક પ્રયત્નોથી વીજ પરિયોજનાઓ અને બંને દેશો વચ્ચે પાણીનાસ્ત્રોતના ઉપયોગની અન્ય સમસ્યાઓ પર પણ સંમતિ સાધી શકાઈ છે. આ યોજનાઓ કરનાલી.. પંચેશ્વર અને રષ્પી સાથે સંબંધ ધરાવે છે. દેવીઘાટ વીજ પ્રોજેક્ટ પર ભારત લગભગ 32 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું હતું. તેવી રીતે દુલાલઘાટ ધાનકુટ્ટા પર્વતીય માર્ગ પર પણ કામ થવાનું હતું. આ વિરાટ પરિયોજના પાછળ 2 અબજ રૂપિયાનો ખર્ચ આવ્યો.

1984માં નેપાળે ફરથી આંતરરાષ્ટ્રીય શાંતિક્ષેત્ર ઘોષિત કરવાના પ્રસ્તાવનું પુનરાવર્તન કર્યું હતું. પણ ભારતે પ્રતિક્રિયા આપી નહીં. નેપાળ ચીનની મદદથી આ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય મંચો પર આગળ વધારતુંગયું અને 1990માં તેને આ મામલે 112 દેશોનો ટેકો પણ મળ્યો હતો. 1988માં વેપાર-પરિવહન સંધિ મામલે વિવાદ પેદા થયો હતો. તેમા નેપાળે 1988માં ચીન પાસેથી શસ્ત્રો આયાત કરતા મામલો વધુ વણસ્યો હતો. નેપાળની આ હરકતને ચીન સાથે સૈનિક સંબંધોની સ્થાપનાનો સંકેત માનવામાં આવ્યો હતો. 23 માર્ચ, 1989ના રોજ બે વખત મર્યાદા વધાર્યા બાદ વેપાર અને પરિવહન સંધિઓ સમાપ્ત થઈ હતી. એપ્રિલ-1990માં ભારતે નેપાળ સાથે આર્થિક સહયોગ પણ સમાપ્ત કરીદીધો હતો

 જૂન-1990માં નેપાળના તત્કાલિન વડાપ્રધાન કૃષ્ણાપ્રસાદ ભટ્ટરાયે બંને દેશના આર્થિક અને રાજકીય સંબંધોની પુનર્સ્થાપનાનું મહત્વ સમજીને ભારતના તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સાથે નવી દિલ્હી ખાતેના સંમેલનમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધોની નવેસરથી શરૂઆત કરી હતી.ડિસેમ્બર-1991માં નેપાળી વડાપ્રધાન ગિરિજાપ્રસાદ કોઈરાલાની ભારત યાત્રા બંને દેશોએ નેપાળને વધારે આર્થિક લાભ માટે નવી અને અલગ વ્યાપારિક અને પરિવહન સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

એપ્રિલ-1995માં નેપાળના વડાપ્રધાન મનમોહન અધિકારીએ નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય વાતચીતમાં 1950ની શાંતિ-મૈત્રી સંધિની વ્યાપક સમીક્ષાનો આગ્રહ કર્યો હતો. 1990ના દશકના અંતમાં ભારતની આર્થિક ઉદારીકરણની નીતિઓ અને ગુજરાલ ડોક્ટ્રિને ભારત-નેપાળ સંબંધો પર અસર પેદા કરી હતી. જૂન-1997માં વૈશ્વિક પરિવર્તનોના તબક્કામાં વડાપ્રધાન આઈ. કે. ગુજરાલે નેપાળની યાત્રા કરીને નવાયુગની શરૂઆત કરી હતી. ગુજરાલે બાંગ્લાદેશ થઈને નવા વ્યાપારીક માર્ગની નેપાળની માગણી સ્વીકારી લીધી.

1998માં બોલીવુડ સ્ટાર માધુરી દિક્ષિત નેપાળ ગયા હતા. ત્યાં તેમણે કથિતપણે નેપાળ ભારતનો ભાગ હોવાનું નિવેદન કર્યું હતું. તેના કારણે ઉગ્ર ભારત વિરોધી દેખાવો થયા હતા. તો 2000માં ફિલ્મ સ્ટાર રીતિક રોશનની એક કથિત મુલાકાતમાં નેપાળ અને નેપાળીઓને ધિક્કારતા હોવાના કથિત નિવેદન મામલે કાઠમંડૂમાં હિંસક ભારત વિરોધી દેખાવો થયા હતા. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ ભારત વિરોધી દેખાવ પાછળ માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમના હાથની આશંકાઓ પ્રદર્શિત કરાઈ હતી.

2003માં ભારતના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ કે નેપાળના માઓવાદીઓ અને ભારતના નક્સલીઓ ભારતીય ઉપખંડમાં નેપાળથી આંધ્રપ્રદેશ સુધી એક રેડ કોરિડોર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 2008માં પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ ચીનની પહેલી વિદેશ યાત્રા કરીને ભારત કરતા ચીનને વધારે મહત્વ આપવાની નીતિ અખત્યાર કરી હતી. તેમમે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને બિનફાયદાકારક ગણાવ્યા છે. 18-22 ઓગસ્ટ, 2009ના રોજ નેપાળના વડાપ્રધાન માધવકુમાર નેપાલે ભારતની ચાર દિવસીય યાત્રા કરી હતી.

નેપાળમાં ચીનની યોજનાઓ અને ચીનના પ્રભાવથી થયેલા રાજકીય પરિવર્તનો છેલ્લા ઘણાં સમયથી ભારતીય હિતો માટે જોખમી બન્યા છે. તો પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈનું ભારત વિરોધી નેટવર્ક પણ અહીં ખૂબ જ સક્રિય છે. આઈસી-814 ઈન્ડિયન એરલાઈન્સના અપહરણની ઘટના પણ કાઠમંડૂથી થઈ હતી.

ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સુધારવા માટે વિશેષ પ્રયત્ન બંને દેશો તરફથી થઈ રહ્યા છે. તો ભૂટાન બાદ મોદીની નેપાળની વિદેશ યાત્રા હિમાલયન વિસ્તારમાં ચીનની જોહૂકમીને રોકવાના એક વિશિષ્ટ પ્રયાસ તરીકે પણ જોવાઈ રહી છે. જાણકારો પ્રમાણે... નેપાળ સાથે ભારતના ઉપેક્ષિત સંબંધોને દ્રઢ બનાવવાની પ્રક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીન સામેનું પાશુપતાસ્ત્ર છે.


No comments:

Post a Comment