Sunday, August 3, 2014

જગત જમાદારી માટે અમેરિકાને પણ છે ભારત સાથે સારા સંબંધોની જરૂરત

- આનંદ શુક્લ

દુનિયામાં જગત જમાદાર તરીકે પોતાના રાષ્ટ્રીય અને સામરિક હિતોની પૂર્તિ માટે યુદ્ધો ખેલવાની તાસિર ધરાવતા અમેરિકા સામે હાલ ઘણાં મોટા રણનીતિક પડકારો છે. સોવિયત સંઘના તૂટયા બાદ હવે ચીન પડકાર છે, તો ઈસ્લામિક દેશોમાં હસ્તક્ષેપને કારણે અમેરિકા સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. તો મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં હિંસક કાર્યવાહીમાં ટેકો આપવાના કારણે આરબ દેશોમાં અમેરિકા વિરોધી લાગણીઓ જોર મારી રહી છે. આવા સંજોગોમાં અમેરિકાની પણ ભારત પાસે ઘણી મોટી અપેક્ષાઓ છે.

ઈરાકમાં બે વખત સૈન્ય કાર્યવાહી અને 9-11ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન-અલકાયદાને ખતમ કરવા માટેના આતંકવાદ સામેના યુદ્ધને કારણે અમેરિકાની આર્થિક સ્થિતિ કથળી છે. અમેરિકા ઘરઆંગણે બેરોજગારીના પડકારનો પણ સામનો કરી રહ્યું છે. તો ઈસ્લામિક દેશોમાં અમેરિકી હસ્તક્ષેપથી ઈજીપ્ત, લીબિયા, ઈરાન સહીતના દેશોમાં આક્રોશનું વાતાવરણ છે. આવા સંજોગોમાં અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર સામરિક પડકારો ઉભા થયા છે. ત્યારે અમેરિકાને દક્ષિણ એશિયામાં પોતાના હિતોની પૂર્તિ માટે અને ચીનની આક્રમકતાને કાબુમા રાખવા માટે ભારત તરીકે મજબૂત રણનીતિક સાથીદાર જોઈએ છે. 2016 સુધીમાં અફઘાનિસ્તાનમાં નાટો અને અમેરિકી સેનાની વાપસી બાદ આતંકવાદી પરિબળોને નાથવા ભારત સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયારી દાખવે તેવી અમેરિકાને અપેક્ષા રહેશે.

તો ભારત સંરક્ષણ અને વીમા સહીત ઘણાં ક્ષેત્રોમાં એફડીઆઈને મંજૂરીની મર્યાદા વધારી છે. તેવા સંજોગોમાં અમેરિકા પોતાના દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે ભારતમાં આવા ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા માટે પુરજોર કોશિશ કરવા ઈચ્છે છે. ભારત અમેરિકા માટે એક ઘણું મોટું બજાર છે. તેવા સંજોગોમાં અમેરિકા ભારત સાથે પ્રગાઢ સંબંધો વધારીને પોતાના આર્થિક હિતોની પણ પૂર્તિ કરવા ઈચ્છે છે.

આવા સંજોગોમાં અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીની ભારત યાત્રામાં અમેરિકી અપેક્ષાઓ પણ સ્પષ્ટ બની છે. ડૉ. મનમોહનસિંહના કાર્યકાળમાં થયેલા નાગરિક પરમાણુ ઊર્જા કરારના મામલે ભારત આગળ  વધે. પરમાણુ વીજ સંયંત્રમાં રોકાણ માટે સાર્થક આશ્વાસન આપે. ભારત વિશ્વમાં શસ્ત્રનું સૌથી મોટું ખરીદાર છે. ત્યારે સંરક્ષણ સોદાઓમાં અમેરિકાને પ્રાથમિકતા મળે અને ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં અમેરિકાને સ્થાન મળે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારીક સંબંધો માટે ઓબામા વહીવટી તંત્રને ખૂબ આશા છે,

હાલ બંને દેશ વચ્ચે 100 અબજ ડોલરનો વાર્ષિક વેપાર થાય છે. અમેરિકાને ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર 400થી 500 અબજ ડોલર સુધી લઈ જવો છે. અમેરિકા ભારત સાથેના રણનીતિક સંબંધો વધુ પ્રગાઢ બનાવવા ઈચ્છે છે. દક્ષિણ એશિયા અને ચીન સામે સામરિક હિતોની સુરક્ષા માટે અમેરિકા ભારત સાથેના રણનીતિક સંબંધોને સક્રિય સૈન્ય સંબંધો સુધી વિકસિત કરવાની મનસા ધરાવે છે. સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દાઓ પર સંમતિ સાધી શકાય તેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી શકાય. તો ડબલ્યૂટીઓની તાજેતરની બેઠકમાં સબસિડીની કપાતના મામલે ભારત તરફથી દર્શાવાયેલી અસંમતિ બાદ અમેરિકા મોદી સરકારને તેના માટે રાજી કરવા ઈચ્છે છે.

અમેરિકાએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ સાથે અન્ય દેશોના સંસાધનોનું અને બજારનું મોટું આર્થિક શોષણ કર્યું હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. ત્યારે અમેરિકા કોઈપણ દેશ સાથે પોતાના સામરિક અને આર્થિક હિતોના આધારે જ સંબંધો વધારતું હોવાનું માનવામાં આવે છે. પરંતુ 9-11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલા બાદ અમેરિકાના સામરિક દ્રષ્ટિકોણમાં ઘણો મોટો ફેરફાર થયો છે અને તેમાં ભારતના રાષ્ટ્રીય હિતોની પૂર્તિ થાય તેવી કેટલીક શક્યતાઓ પણ ઉભી થઈ છે. ત્યારે બંને દેશો વચ્ચેના પ્રગાઢ સંબંધો ખરેખર પારસ્પરિક જરૂરિયાત છે.


No comments:

Post a Comment