Friday, May 27, 2011

ભ્રષ્ટાચારના ભોરિંગનો ભારતના વિકાસને ઝેરીલો ડંખ!

શું આપણે ત્યાં પ્રમાણિકતા દંભ બની ગઈ છે? શું આપણાં દેશમાં પ્રમાણિકતા, ઈમાન-ધરમ ખાલી પુસ્તકમાં જ રહેલી વાતો છે? હાલ કૌભાંડો, ભ્રષ્ટાચાર, લાંચના એક પછી એક બહાર આવી રહેલા પ્રકરણો અને ખુલાસાઓ બાદ આવું જ લાગી રહ્યું છે. સત્તા વ્યક્તિને ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા વ્યક્તિને સંપૂર્ણપણે ભ્રષ્ટ બનાવે છે. ભારતના રાજકારણીઓ અંગ્રેજોના ગયા બાદ સત્તા ભોગવી રહ્યાં છે અને સત્તા ભોગવતા ભોગવતા પોતાના માટે સંપૂર્ણ સત્તા ભોગવવાની વ્યવસ્થા પણ જાણે કે કરી ગયા છે. દેશના રાજનેતાઓના દાવા છે કે દેશમાં વિકાસ થયો છે. દેશના વિકાસથી કોઈ ઈન્કાર નથી. પરંતુ સાથે ભ્રષ્ટાચારનો એનાથી વધારે વિકાસ થયો છે, તેનું શું કરવાનું? ભારતના ટકાઉ વિકાસ માટે અને વિકાસના ફળો ભારતના નીચલા વર્ગ અને ગરીબોને મળે તેના માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત એક પ્રાથમિક જરૂરત છે. આ વાત પણ વિકાસની વાતો કરનારા કેવી રીતે ઈન્કાર કરી શકશે?

આશ્ચર્ય લાગે તેવી વાત છે કે ભારતના રાજકારણીઓ અને મૂડીપતિઓ સહીતના ધનિક લોકોના 65 હજાર અબજ રૂપિયા માત્ર સ્વિસ બેંકોમાં જમા થયા છે. આ નાણાંમાં વધારો 90ના દાયકામાં થયેલા ઉદારીકરણ અને વૈશ્વિકરણ બાદ થયો હતો. આ સિવાય વિશ્વના સ્વિસ સહતીના દેશોમાં પણ ભારતને અઢળક રૂપિયો રાખવામાં આવ્યો છે. આને કાળું નાણું કહેવામાં આવે છે, બરાબર છે. પરંતુ તે હકીકતમાં ભારતના ગરીબોના હકને મારીને ભેગુ કરાયેલું ભ્રષ્ટાચારનું નાણું છે. આ ભ્રષ્ટાચારના નાણાંને ભારતમાં પાછું લાવવામાં આવે, તો ભારતની ગરીબી છૂ થઈ જાય તેવી શક્યતાઓ અને દાવાઓ બાબા રામદેવ સહીતના વ્યક્તિઓ કરી રહ્યાં છે.

બીજી તરફ તાજેતરમાં ચર્ચામાં રહેલા 2જી સ્પેક્ટ્રમ, આદર્શ સોસાયટી, કોમનવેલ્થ ગેમ્સ, કર્ણાટકમાં જમીન ફાળવણી અને માઈનિંગ કૌભાંડ જેવા ગોટાળાઓ ચર્ચામાં રહ્યાં છે. કારગીલના શહીદો અને નાયકો માટે બનાવવામાં આવેલી મુંબઈના કોલાબાની આદર્શ હાઉસિંગ સોસાયટીમાં તેમના હકોને મારીને રાજનેતાઓ અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ તથા નોકરશાહોને ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. 6 માળની બનનાર ઈમારતને ગેરકાયદેસર રીતોથી 31 માળની બનાવવાની વાત પણ સામે આવી રહી છે. તેના કારણે અશોક ચવ્હાણને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડયું છે. ત્યાર બાદ કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં લગભગ 1 લાખ કરોડના તથાકથિત કૌભાંડમાં આયોજન સમિતાના ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની થયેલી પૂછપરછમાં કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી તરફ પણ આંગળી ચિંધાય રહી છે. લંડન ખાતેની બે કંપનીઓ વિરુદ્ધ સીબીઆઈએ કેસ પણ દાખલ કર્યો છે.

તો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2જી સ્પેક્ટ્રમ કાંડમાં 1.76 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં વડાપ્રધાન કાર્યાલયને ચુપ રહેવા માટે સુપ્રિમ કોર્ટે લેખિત જવાબ માંગતા કડક વલણ અખત્યાર કર્યું છે. તો આ પહેલા દૂરસંચાર મંત્રી પદેથી ડીએમકેના એ. રાજાને કૌભાંડોના રાજા બનવા બદલ રાજીનામું આપવું પડયું છે. આ મામલે વડાપ્રધાન શનિવાર સુધીમાં સુપ્રિમ કોર્ટમાં જવાબ આપશે અને સંસદમાં પણ નિવેદન આપે તેવી પ્રબળ સંભાવના છે. શિયાળુ સત્ર શરૂ થયા બાદ 2જી સ્પેક્ટ્રમ અને અન્ય ગોટાળાના મુદ્દે સંસદની કાર્યવાહી ચાલી શકી નથી. વિપક્ષ 2જી સ્પેક્ટ્રમ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની માગણી કરી રહ્યું છે. તો કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા સામે પણ 6 હજાર કરોડ રૂપિયાની જમીન ફાળવણી સંદર્ભે આંગળી ચિંધાય છે. આજે તેમના ભવિષ્યનો ફેંસલો કરવામાં આવે તેવી સંભાવના છે.

ગોટાળા કાંડો પરથી એટલું તો સ્પષ્ટ છે કે કાજળની કોટડીમાં બધાં કાળાં છે. ગોટાળા કરવા કોઈ એક પક્ષનો જ ઈજારો હવે રહ્યો નથી. કોઈપણ મોટા માણસને તેમાથી બાકાત રાખી શકાય તેવી પણ સ્થિતિ નથી. કારણ કે તાજેતરમાં ટાટા ઔદ્યોગિક સમૂહના રતન ટાટાએ કહ્યું હતું કે તેમને વિદેશી કંપની સાથે એરલાઈન્સ ચાલુ કરવા માટે 10-12 વર્ષ પહેલા એક મંત્રીને 15 કરોડ રૂપિયાની લાંચ આપવાની વાત કહેવામાં આવી હતી. જો કે તેમણે મંત્રીનું નામ જણાવ્યું નથી. તો અન્ય ઉદ્યોગપતિ રાહુલ બજાજે પણ ઔદ્યોગિક ગૃહોને લાંચ આપવી પડતી હોવા સંદર્ભેની વાત કરી છે. તેમણે પણ આ સંદર્ભે અન્ય ખુલાસા કર્યા નથી. ગુરુવારે બાબા રામદેવે પણ કહ્યું હતું કે તેમની પાસેથી એક મંત્રી અને મુખ્યમંત્રીએ બે કરોડ રૂપિયાની લાંચ માગી હતી. આ તમામ મહાનુભાવોએ લાંચ માગનારાઓના નામ આપ્યા નથી કે આ સંદર્ભે કોઈ ખુલાસો કર્યો નથી.

આ તમામ બાબતો પરથી કેટલીક વાતો સ્પષ્ટ બને છે કે પ્રામાણિકતા, ઈમાન-ધરમ જેવા મુલ્યો હવે પોથીમાંના રિંગણાં જ સાબિત થઈ રહ્યાં છે. આર્થિક લાભ માટે ભ્રષ્ટાચાર એક ‘વ્યવહાર અને વહીવટ’ બની ગયો છે. તેના પ્રત્યે સમાજમાં કોઈ જાગૃતિ જોવા મળતી નથી. મોટાભાગના લોકો આ વ્યવહારને તાબે થઈ જતાં જ નજરે પડયા છે. કેટલાંક લોકો તેને તાબે થયા નથી, પણ આવી ઘટનાઓનો તેઓ ખુલાસો કરવા માટે રાજી નથી. હકીકતમાં રાષ્ટ્રનિર્માણ માટે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ થઈ શક્યું નથી. ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ’ની વાત કરીને અગ્રણી સ્થાનો પર પહોંચેલા કેટલાંક લોકો પર પણ ભ્રષ્ટાચારના છાંટા ઉડયા છે. ત્યારે હકીકતમાં વ્યક્તિ નિર્માણમાં રહી જતી કમીઓ સંદર્ભે ભારત સરકાર અને આની સાથે સંબંધિત સંસ્થાઓએ પણ વિચારવું જોઈએ. ભ્રષ્ટાચારના મામલે ભારતે ઘણી પ્રગતિ કરી છે. જેટલો વિકાસ વધ્યો છે, તેટલો ભ્રષ્ટાચાર પણ વિકસ્યો છે. આ હકીકતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. વિકાસના નવા આયામો સાથે ભ્રષ્ટાચારની નવી પદ્ધતિઓ પણ વિકસાવી દેવાય છે.

`ગરીબી હટાવો’ જેમ નારો બનીને રહી ગયો, તેવી રીતે ભ્રષ્ટાચાર સામેની મુહિમો પણ સૂત્રો બનીને રહી ન જાય તેવો પ્રયત્ન પણ આ સંદર્ભે કામે લાગેલા લોકોએ કરવો પડશે. પ્રમાણકિતા હકીકતમાં એક સંસ્કાર છે કે જેને વ્યવહાર બનાવવાના છે. પરંતુ ભ્રષ્ટાચારના કુસંસ્કાર વ્યવહાર બની ગયા છે. તેનાથી વધારે દુ: ખની લાગણી શું હોઈ શકે છે? ભ્રષ્ટાચારના ભોરિંગે ભારતને ભરડામાં લઈને ઝેરીલો ડંખ માર્યો છે. ત્યારે આ ભ્રષ્ટાચારના ઝેર સામે લડવાની પ્રતિકાર શક્તિ ભારતે વિકસાવી પડશે અને ત્યાર બાદ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે પ્રયત્ન કરવો પડશે. અત્યારે તો પહેલી પ્રાથમિકતા ભ્રષ્ટાચારના ભોરિંગના ડંખથી ફેલાયેલા વિષવમનને જ આપવી પડે તેવી સ્થિતિ છે.

ત્યારે જરૂર છે કે ભ્રષ્ટાચાર માત્ર સત્તાકારણ માટેના રાજકારણના માત્ર મુદ્દાઓ ન બને. પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે વ્યવસ્થા સાબદી બને. તેના માટે લોકો જાગૃત બને. ન્યાયતંત્ર દ્રઢતાથી આવા મામલામાં આગળ પણ વર્તે કે જેમ અત્યારે વર્તી રહ્યું છે. આવા મામલાઓની તપાસ ઝડપી બને અને ઝડપી ટ્રાયલના અંતે દેશનો હક મારનારા, ગરીબોનો હક મારનારા ગુનેગારોને દાખલારૂપ કડક સજા થાય.

વાચકમિત્રો ભ્રષ્ટાચાર દેશ સામેના સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર છે. દેશ સામેની ઘણી સમસ્યાનું કારણ પણ ભ્રષ્ટાચાર છે. ત્યારે ભ્રષ્ટાચારના મુદ્દે ભારતે શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ અને લોકોએ શું કરવું જોઈએ? આપના વિચારો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી આપો.

No comments:

Post a Comment