
-આનંદ શુક્લ
આ દેશની પોલીસથી શરીફ અને ભીરુ લોકો જ ડરે છે. આ દેશની પોલીસથી માફિયા, ગુંડા અને આતંકીઓ ક્યારેય ડર્યા નથી અને ડરવાના નથી. કારણ કે આ દેશના રાજનેતાઓમાં આતંક અને આતંકવાદીઓ વિરુદ્ધ લોખંડી ઈચ્છાશક્તિનો સદંતર અભાવ છે. પંજાબના આતંકવાદ અને તેની સમાપ્તિ બાદ 1989થી પહેલા કાશ્મીર બાદમાં સમગ્ર દેશ આતંકની ઝપટમાં આવી ગયો. આ દેશમાં પોલીસ, તંત્ર અને સરકાર કરતા વધારે શક્તિશાળી પાકિસ્તાનના નોન સ્ટેટ એક્ટર હોય તેમ લાગે છે. કારણ કે પાકિસ્તાન પ્રેરીત, પોષિત અને પ્રાયોજીત આતંકવાદી સંગઠનો ભારતમાં જ્યારે ઈચ્છે ત્યારે, જ્યાં ઈચ્છે ત્યાં તેમને મન પડે તેવો વિસ્ફોટ અથવા વિસ્ફોટો કરે છે. પાકિસ્તાનના કરાચીમાંથી છોટા શકીલનો ફોન ભારતમાં રહેલા બિલ્ડરને આવે છે અને તેની હાલત પાતળી થઈ જાય છે. ભારતમાં દરેક જગ્યાએ પાકિસ્તાની તત્વો પોતાની શક્તિઓ તેમને જરૂર પડે ત્યારે નોંધાવતા રહે છે. ભારતીય તંત્ર, સુરક્ષા એજન્સીઓ અને સરકારનો ખોફ દેશમાં આતંકીઓ અને માફિયાઓને હવે રહ્યો નથી. કદાચ ભૂતકાળમાં ક્યારેક આતંકીઓને આવો ખોફ હતો.
દિલ્હીના હાઈકોર્ટ સંકુલમાં વિસ્ફોટ, વિસ્ફોટમાં 13 લોહીથી લથબથ લાશો. આ બધું જાણે કે લોકોને કોઠે પડી ગયું છે. વિસ્ફોટો પછી વિસ્ફોટો થવા છતાં રાજનેતાઓની અસંવેદનશીલતાએ પ્રજામાં મૂઢતા ફેલાવી દીધી છે. રાજકારણીઓની ઉપેક્ષાએ જનતાને એટલી અસંવેદનશીલ બનાવી દીધી છે કે દિલ્હીમાં વિસ્ફોટ બાદ લોકોએ ટ્રાફિક જામને સમસ્યા ગણી. લોકોએ ટીવી-રેડિયો ટ્યૂન કરીને ડાઈવર્ઝન ક્યાં છે, તેની જાણકારી પહેલા મેળવી. બે દશકામાં ભારતમાં સેંકડો આતંકવાદી ઘટનાઓ બની છે. પરંતુ વિસ્ફોટો બાદ વિસ્ફોટો છતાં હજી સુધી ભારતના લોકોએ ક્યારેય આતંકવાદ સામે આંદોલન કર્યું નથી, ક્યારેય માગણી કરી નથી કે આતંકી હુમલા કરનારા ગુનેગારોને તાત્કાલિક ઝડપવામાં આવે અને તેમને તેમના ગુના પ્રમાણે કડકમાં કડક સજા કરવામાં આવે. ક્યારેય કોઈ સામાજીક કાર્યકર્તાને પણ આવો વિચાર સ્ફૂર્યો નથી કે આતંકવાદને દેશમાંથી તડીપાર કરવા માટે અનશન, આંદોલન, જનજાગરણ કરવામાં આવે.
અત્યાર સુધી ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ અને વિસ્ફોટોમાં મકબૂલ બટ્ટ સિવાયના અન્ય કોઈ આતંકવાદીને ફાંસીને માંચડે ચઢાવવામાં આવ્યો નથી. અત્યારના લોકોને કદાચ મકબૂલ બટ્ટ વિશે જાણકારી પણ નહીં હોય. તેવા લોકોને જણાવી દઈએ કે મકબૂલ બટ્ટ જમ્મુ-કાશ્મીરનો પાકિસ્તાન પરસ્ત અલગતાવાદી અને આતંકવાદી હતો. તેને વિમાન અપહરણ કેસ અને અન્ય મામલામાં ફાંસીની સજા આપવામાં આવી હતી. તેની ફાંસી બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસાચાર તીવ્રતાથી ચાલુ થયો. કાશ્મીર ખીણમાંથી આતંકવાદીઓએ 3 લાખ કાશ્મીરી પંડિતોને આઝાદ ભારતમાં જ નિરાશ્રિત બનાવ્યા પણ તંત્ર, સરકાર ખામોશ રહ્યાં. મુંબઈમાં 1993માં વિસ્ફોટો થયા અને તેનો કેસ 14 વર્ષ જેટલો લાંબો ચાલ્યો. આ કેસમાં દાઉદ ઈબ્રાહીમ અને ટાઈગર મેમણ સહીતના મુખ્ય આરોપીઓ તો પોલીસની પકડની બહાર છે. જે લોકોને ફાંસીની સજા થઈ છે, તેમને ભારતના કાયદાઓના પેચમાં તાત્કાલિક ફાંસી મળે તેવી શક્યતા નથી. સંસદ પર હુમલાના કેસમાં ઝડપાયેલા અફઝલ ગૂરુને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે આપી છે. રાષ્ટ્રપતિએ અફઝલની દયા અરજી ફગાવી દીધી છે. પરંતુ હજી સુધી તેની ફાંસીની તારીખ નક્કી થઈ શકી નથી. દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટો પાછળ અફઝલ ગૂરુની ફાંસી રોકવાનો ઉદેશ્ય હોવાનો દાવો તથાકથિત હૂજી અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ઈમેઈલમાં કરાયો છે. જો કે અફઝલે પોતાને વિસ્ફોટ સાથે જોડવા સાથે વાંધો વ્યક્ત કર્યો છે. મુંબઈ પરના આતંકી હુમલા બાદ પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ત્યાંના નોન સ્ટેટ એક્ટર્સે આ હુમલો કર્યો છે. જો કે પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ મુંબઈ પરના આતંકવાદી હુમલા માટે જવાબદાર છે, તે સાબિત કરવા અને તેની પાકિસ્તાન પાસે કબૂલાત કરાવવા માટે હજીપણ ભારતે ઘણી મહેનત કરવાની જરૂર છે. પાકિસ્તાને હાફિઝ સઈદ સહીતના મુંબઈ હુમલાના મુખ્ય આરોપીઓને ક્લિનચીટ આપીને અદાલતોમાંથી બરી કરવા માંડયા છે.
ભારત સરકાર પાસે દેશની જનતાએ જવાબ માગવો જોઈએ કે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા અને વિસ્ફોટોમાં કેટલી ઘટનાઓમાં ક્યાં મુખ્ય આરોપીઓ પોલીસ અને કાયદાની જદ્દની બહાર છે? અત્યાર સુધી આવી ઘટનાઓમાં કેટલા લોકોને ફાંસીની સજા થઈ અને તેમાથી કેટલાને ફાંસી આપવામાં આવી છે? જેમની ફાંસી બાકી છે, તેની પાછળ ક્યાં કારણો જવાબદાર છે? હવે પછી આતંકવાદી હુમલા અને વિસ્ફોટો ન થાય તેના માટે ભારત સરકારનો એક્શન પ્લાન શું છે? જો તેમ છતાં આવા હુમલા થાય, તો આતંકના સ્ત્રોતને સમાપ્ત કરવા માટે કોઈ વ્યૂહરચના તૈયાર છે?
માત્ર કેન્ડલિયા ક્રાઉડ દ્વારા મીણબત્તીઓ સળગાવાથી આતંકવાદીઓ આતંક ફેલાવવાનું કામ છોડવાના નથી કે તેનાથી ગભરાવાના નથી. વિસ્ફોટો બાદ ભારતમાં ભેગા થતાં કેન્ડલિયા ક્રાઉડને ટેલિવિઝનમાં જોઈને આતંકવાદીઓ તેમના કેમ્પોમાં જરૂરથી ભારતના લોકોની મૂર્ખતા પર હસતા હશે. ભારતના લોકોએ આંદોલન દ્વારા સરકાર પાસે આતંકને રોકવા માટે સખત પગલાં લેવા માટે હવે રસ્તા પર ઉતરવું પડશે. સમય પાકી ગયો છે કે જનતા પ્રત્યાઘાત આપે. જે કોમ અને સમાજ મરેલો છે, તે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપતો નથી. પરંતુ જો આપણા ભારતીયોની કોમમાં દમ હોય અને આપણે જીવતા-જાગતા હોઈએ તો હવે શેરીઓ, ગલીઓ અને રસ્તાઓ પર ઉતરવાનો સમય આવી ગયો છે. હાલ આતંકવાદના ખાત્મા માટે ભારતમાં પ્રચંડ જનઆંદોલનની તાત્કાલિક જરૂરત છે.
આતંકવાદી હુમલા અથવા વિસ્ફોટોમાં આપણે બચી ગયા, એટલે આપણે અસંવેદનશીલતાથી વર્તન કરીએ, આપણે મૂઢ બનીને તેના આદિ બની ગયા હોઈએ તેમ વર્તીએ? આ કેટલું વ્યાજબી છે. અમેરિકા અને આપણી વચ્ચે પાયાનો ફરક છે કે ત્યાં 9/11 બાદ તદ્દન શાંતિ છે અને આપણે ત્યાં આતંકનો, વિસ્ફોટનો ઘટનાક્રમ હજી યથાવત છે. શું આપણું સુરક્ષા તંત્ર કમજોર છે? ક્યાંક વોટબેંકની નિર્લજ્જ રાજનીતિએ આતંક સામે લડવાની આપણી ઈચ્છાશક્તિને કરડી ખાધી છે. એક નેતા આદરની સાથે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનના મોત બાદ તેને યાદ કરતાં ઓસામાજી કહે છે અને હિંદુ સંગઠનોનો દોષ કાઢે છે. એક રાજ્યની વિધાનસભા ભૂતપૂર્વ વડાપ્રધાનના હત્યારાઓને ફાંસી ન આપવા માટે પ્રસ્તાવ પારિત કરે છે, તો બીજું રાજ્ય સંસદ પર હુમલો કરનારને રહેમ નજરે જોવાની વાત કરે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આવતીકાલે મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત આતંકી કસાબ માટે પણ કોઈનું દિલ દ્રવી ઉઠશે. એક ઉદાર સજ્જનો વિચાર છે કે ફાંસીની સજા જ ખોટી છે.
દરેક આતંકવાદી હુમલા બાદ સરકાર પોતાનો દ્રઢ નિશ્ચય દોહરાવે છે કે આગળથી આપણે આવું થવા દઈશું નહીં. બધાં વર્દી અને વર્દી વગરના હરકતમાં આવે છે. કોઈ કેન્દ્રીય મંત્રી લોકોની આવી વૃતિ-પ્રવૃતિ જોઈને જ તો બોલવાની હિંમત કરે છે કે લોકો વિસ્ફોટોના આદિ બની ગયા છે. ક્યારેક આપણને એવું પણ લાગે કે આતંકવાદીઓને પણ સરકારની લુખ્ખી ધમકીઓની આદત પડી ગઈ છે અને તેનાથી તેમને બીજી આતંકવાદી ઘટનાઓ કરવાની પ્રેરણા અને હિંમત મળે છે. સંભવ છે કે સરકારને આતંકી હિંસાનો મુકાબલો હિંસાથી કરવામાં કોઈ વિશ્વાસ નહીં હોય. એટલે જ તો સરકાર આતંકવાદીઓ અને આતંકી ઘટનાઓમાં આવી ઢીલી નીતિઓ રાખીને વર્તે છે. તેવામાં એક વિચાર એવો આવે છે કે ભારતમાં ભ્રષ્ટાચાર સામે તાજેતરમાં અન્નાના અનશનમાં લોકોએ ખૂબ આંદોલન કર્યું. તો હવે સરકાર જ અન્નાને અનુરોધ કરીને આતંક વિરુદ્ધ અનશન કેમ કરાવતી નથી!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો