
-આનંદ શુક્લ
આમ તો નરેન્દ્ર મોદીએ જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી અને કઠલાલ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ પોતાના સેક્યુલારિઝમના પ્રયોગો ચાલુ કરી દીધા હતા. ભારતીય રાજનીતિની પહેલી જરૂરિયાત છે કે વ્યક્તિએ રાષ્ટ્રવ્યાપી માન્યતા પ્રાપ્ત કરવા માટે સેક્યુલર દેખાવું પડે છે અને સેક્યુલર દેખાવા માટે મુસ્લિમો પોતાની સાથે હોવાનું બતાવવું પડે છે. મુસ્લિમોને પોતાની સાથે હોવાનું દેખાડવા માટે રાજકારણીઓ જુદાંજુદાં પ્રકારે તુષ્ટિકરણનો સહારો લે છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં મુસ્લિમો ઉમેદવારોને ભાજપની ટિકિટ આપવામાં આવી. પરંતુ પરિણામ આવ્યું કે જૂનાગઢમાં ભાજપના તમામ મુસ્લિમો હારી ગયા. જો કે મુસ્લિમો પોતાની સાથે હોવાનું દેખાડવું રાષ્ટ્રીય સ્તરે એનડીએમાં સ્વીકૃતિ મેળવવા માટે નરેન્દ્ર મોદી માટે રાજકીય મજબૂરી સુધીનું કારણ બની ગયું હતું. કઠલાલની પેટાચૂંટણીમાં ભાજપને 65 ટકા મુસ્લિમોના મતો મળ્યા હોવાની જાહેરાત ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યાર બાદ યોજાયેલી છ શહેરોની મહાનગરપાલિકામાં મુસ્લિમોના ત્રીસ ટકા વોટ મળ્યા હોવાનો ભાજપે દાવો કર્યો હતો. તો ત્યાર બાદ પંચાયતી ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાજપે મુસ્લિમ ઉમેદવારો ઉભાં રાખ્યા હતા અને તેમાંથી માત્ર 200 મુસ્લિમ ઉમેદવારો ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. જમાલપુર, કાળુપુર, દરિયાપુર, શાહપુર, ભરૂચ, જામનગર, સૂરતની મુસ્લિમ બહુલ વિસ્તારની વોટિંગ પેટર્ન જોવામાં આવે, તો ભાજપને તેમણે પસંદ કર્યા હોય તેમ લાગતું નથી. છતાં ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ગુજરાતના મુસ્લિમો તેમના તરફ વળી રહ્યાં છે અને માટે વિકાસ તરફ વળી રહ્યાં હોવાની જોરશોરથી જાહેરાતો કરવામાં આવી છે.
તાજેતરમાં અમદાવાદના ગુલમર્ગ સોસાયટી કાંડમાં સુપ્રીમ કોર્ટે મામલો અમદાવાદના મેજીસ્ટ્રેટને સોંપ્યો છે અને પોતે કોઈ ચુકાદો આપવાનું ટાળ્યું છે. નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી તાત્કાલિક રાહતને તેમના દ્વારા ક્લિન ચીટ તરીકે પ્રચારીત કરવામાં આવી છે. તો પહેલી સપ્ટેમ્બરે અમેરિકન કોંગ્રેસની એજન્સી દ્વારા નરેન્દ્ર મોદીના ગુજરાતમાં વિકાસોન્મુખ શાસનની પ્રશંસા કરીને તેમને 2014માં વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની દાવેદારી મજબૂત કરવામાં માટે જ સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસનું રાજકીય પાસું ફેંક્યુ હતું. સદભાવના મિશનના તડક-ભડકવાળા આયોજનમાં મુસ્લિમોને ટોપીમાં સજ્જ કરીને મોટી સંખ્યામાં લાવવા માટે ભાજપના પ્રદેશ એકમે સૂચનાઓ આપી હતી. ભાજપના લઘુમતી સેલે મુસ્લિમોને ત્રણ દિવસના ઉપવાસ આયોજનમાં મુસ્લિમોને રાજ્યભરમાંથી સારી એવી સંખ્યામાં લાવ્યા હતા.
આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કોઈ કાર્યક્રમમાં જય શ્રીરામ અને અલ્લાહુ અકબરના સૂત્રો એકસાથે લાગ્યા. નરેન્દ્ર મોદીએ તેનાથી સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેમણે પણ હવે પોતાનો રાજકીય કાયાકલ્પ કરવા માટે કટ્ટર હિંદુવાદી નેતાની છાપ ધીમેધીમે છોડવાની તૈયારી કરી દીધી છે. જો કે નરેન્દ્ર મોદીના આવા પ્રયત્ની સફળતા તરફ આશંકા યથાવત છે અને ભાજપ-એનડીએના તડા વધારે ખુલી ગયા હોય તેવો માહોલ બન્યો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને ઉપવાસ મંચ પર આવીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી એક સારા વડાપ્રધાન બની શકે છે. પરંતુ ભાજપના સૌથી જૂના સહયોગી શિવસેનાને નરેન્દ્ર મોદીના મંચ પર તેમને છોડી ગયેલા રાજ ઠાકરેની ઉપસ્થિતિ ખૂંચી છે. શિવસેના સુપ્રિમો બાલ ઠાકરેએ સેક્યુલારિઝ્મના પ્રયોગો કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રામસેવકોની યાદ અપાવતા કહ્યું છે કે ગોધરાકાંડમાં હિંદુ રામસેવકો માર્યા ગયા હતા, જેથી આક્રોશિત થઈને હિંદુઓ જાગી ઉઠયા હતા. હવે તેમને ધર્મનિરપેક્ષતા અને સર્વધર્મ સદભાવનું ઝેર પીવડાવીને મારો નહીં.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન કટ્ટરવાદી હિંદુ નેતાની છબીને કારણે નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાન માટે ત્યાં આવવાની મનાઈ ફરમાવી હતી. પહેલા તો નરેન્દ્ર મોદીના સદભાવના મિશન સંદર્ભેના પ્રશ્નનો બે હાથ જોડીને ચાલ્યા જઈને સ્પષ્ટ સંદેશ આપ્યો. ત્યાર બાદ મોદીના ત્રણ દિવસના ઉપવાસ પૂરા થયા બાદ તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી જનતાદળ-યૂનાઈટેડ નરેન્દ્ર મોદીને ક્યારેય કોઈપણ હિસાબે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારશે નહીં. બિહારમાં 18 ટકા મુસ્લિમો છે અને જનતાદળ-યૂનાઈટેડના નીતિશ કુમાર સેક્યુલર છબી ધરાવે છે. નીતિશ કુમારને બિહારની રાજનીતિ કટ્ટરવાદી હિંદુનેતાની છબીમાં કેદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવાની પરવાનગી આપતી નથી. આમ એનડીએમાં ભાજપના સૌથી મોટા સાથીદળ જનતાદળ-યૂનાઈટેડના વલણની મોદીની વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે સ્વીકૃતિ સંદર્ભે મોટી અસર પડશે. આ સિવાય નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેક ક્ષેત્રોમાં નંબર વન કર્યું છે. પરંતુ અટલ-અડવાણી બાદ ભાજપના દ્વિતિય પંક્તિના નેતાઓમાં નરેન્દ્ર મોદી હજીપણ આધિકારીક રીતે નંબર વન બની શક્યા નથી. તેના કારણે નરેન્દ્ર મોદી પોતાની હિંદુવાદી નેતાની છબીમાંથી છટકવા માટે વિકાસપુરુષની ઈમેજને હંમેશા આગળ કરતાં નજરે પડે છે અને હવે મુસ્લિમો સાથે હોવાનું દેખાડીને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વીકૃતિ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.
એઆઈએ-ડીએમકેના સુપ્રીમો અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના બે પ્રતિનિધિઓ મોદીના સદભાવના ઉપવાસમાં ગયા. જયલલિતાએ મોદીના ઉપવાસને સદભાવનાનું પ્રતિક તો ગણાવ્યા, પરંતુ તેમણે અત્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાતના કોમી રમખાણોને પરિણામે ઓરિસ્સાના નવીન પટનાયક, આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડી ગયા હતા. જયલલિતા પણ પહેલા એનડીએ સાથે હતા. અત્યારે તેઓ મોદીના સદભાવના મિશનને ટેકો આપી રહ્યાં છે, પરંતુ એનડીએ સાથે નથી.
એટલું જ નહીં, ઉપવાસના પહેલા દિવસે નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરનારા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હવે પોતાની 11 ઓક્ટોબરથી પ્રસ્તાવિત ભ્રષ્ટાચાર વિરોધી રથયાત્રાને ગુજરાતના સ્થાને બિહારથી કાઢવાના છે. નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના દરેક જીલ્લામાં જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસ કરવાની જાહેરાત બાદ અડવાણી માટે ફરીથી ગુજરાતમાંથી રથ પર ચઢવું અઘરું બની ગયું હતું. હવે તેઓ જયપ્રકાશ નારાયણની જન્મજયંતીએ બિહારમાં લોકનાયકના જન્મસ્થળ સિતાબદિયારથી રથયાત્રા કાઢશે.
નરેન્દ્ર મોદીએ 55 કલાકના ઉપવાસના પારણાં બધાં ધર્મના સંતો-મહંતો અને ધર્મગુરુઓ દ્વારા કર્યા. પરંતુ ઉપવાસના બીજા દિવસે ઠાસરાના ઈમામ શાહી સૈયદે મંચ પર આવીને મોદીને આશિર્વાદ આપીને ટોપી પહેરાવાની કોશિશ કરી. પરંતુ અન્ય પંથ-સંપ્રદાયોની પાઘડીઓ પહેરનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમામની ટોપી પહેરવાનો સ્પષ્ટ ઈન્કાર કરીને તેમને શાલ ઓઢાડવા માટે કહ્યુ હતુ.
ઈમામે મોદીને શાલ ઓઢાડવાનું સ્વીકારી લીધું. પરંતુ બાદમાં તેમણે કહ્યુ કે મોદી દ્વારા તેમના દ્વારા લાવવામાં આવેલી ટોપીને પહેરવાનો ઈન્કાર હકીકતમાં તેમનું વ્યક્તિગત નહીં, પણ ઈસ્લામનું અપમાન છે. મોદીનો ઈમામની ટોપી પહેરવાના વિવાદે દેશના મુસ્લિમોમાં ખોટો સંદેશ પ્રસારીત કર્યો છે. નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને ટોપી વિવાદથી ખાસ્સું નુકસાન ગયું છે. ધાર્મિક રીતે સંવેદનશીલ મુસ્લિમ સમાજમાં ગોધરાકાંડ બાદના રમખાણો માટે દુષ્પ્રચારથી બદનામ મોદી વધારે બદનામ થયા છે.
તો બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના કલ્બે જાવેદે પણ મોદીના ઉપવાસને છેતરપિંડી ગણાવીને મુસ્લિમોને હાકલ કરી છે કે તેઓ મોદીના રાજકીય પતન માટે રોજા કરે અને દુઆઓ માંગે.
અમદાવાદની એક સમાજસેવી સંસ્થાએ નરેન્દ્ર મોદીના ઉપવાસ તેમની વ્યક્તિગત બાબત હોવાથી તેમાં થયેલો ખર્ચો મોદી પાસેથી વસૂલવામાં આવે, તેવી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.
સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસના ઘટનાક્રમને જોતાં લાગી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના નિર્ણય બાદ નરેન્દ્ર મોદી ચુપચાપ બેઠાં રહ્યાં હોત, તો તેમને વધારે ફાયદો થયો હોત. કારણ કે તેમના ઉપવાસો દરમિયાન તેમની સાથે જોડાયેલા વિવાદો વધારે તીવ્ર બન્યા છે.
હા, નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે સફળ શક્તિ પ્રદર્શન માની શકાય. પરંતુ આનો ફાયદો નરેન્દ્ર મોદીને ગુજરાતમાં જ થશે, દેશભરમાં તેમને સદભાવનાના ફળ ચાખવા મળશે નહીં. હાલના ઘટનાક્રમથી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની દાવેદારીને એનડીએ અને ભાજપમાં ધક્કો જ લાગ્યો છે. પ્રવર્તમાન સંકેતોથી સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીને ન તો સુપ્રીમ કોર્ટે ક્લિન ચીટ આપી છે અને ન તો તેમને સમગ્ર એનડીએનો ટેકો પ્રાપ્ત થયો છે.
નરેન્દ્ર મોદીના સેક્યુલારિઝ્મના પ્રયોગો સદભાવના મિશન થકી દેશમાં મહાત્મા ગાંધીના સમયથી ચાલી આવતી મુસ્લિમ તુષ્ટિકરણની પરંપરા આગળ વધી છે. મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતાના નામે મુસ્લિમોને વિશેષ દરજ્જો આપીને તુષ્ટિકરણ કર્યું, આઝાદ ભારતમાં ધર્મનિરપેક્ષતાના નામે લઘુમતી મુસ્લિમ સમાજનું કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું, હિંદુત્વ એ જ રાષ્ટ્રવાદ હોવાનું કહેનારા ભાજપે પણ સેક્યુલર દેખાવાની ચાહતમાં મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું, નરેન્દ્ર મોદીના સદભાવના મિશન દ્વારા પણ જાણે-અજાણે, પ્રત્યક્ષ-પરોક્ષ રીતે મુસ્લિમ તુષ્ટિકરણની પરંપરા આગળ વધી રહી છે. કદાચ નરેન્દ્ર મોદી માટે મુસ્લિમ તુષ્ટિકરણનો અર્થ સદભાવના થતો હશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો