ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011

બંધારણની આડમાં મોદીને ઘેરવાનો પેંતરો


-આનંદ શુક્લ

ગુજરાતને કોંગ્રેસ અને ડાબેરીઓ હિંદુત્વની લેબોરેટરી કહે છે. પરંતુ હકીકત એ છે કે ગત એક દશકથી ગુજરાત રાજકારણ, કોમવાદ, વિકાસ, કેન્દ્ર-રાજ્ય સંબંધ અને માનવાધિકારવાદીઓની પ્રયોગશાળા બની ગયું છે. ગુજરાતમાં રામલહેર અને ગોધરાની ઘટના બાદ ભાજપની અભેદ્ય કિલ્લાબંધી થઈ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રજાએ 2002 અને 2007ની ચૂંટણીમાં અઢળક મતો આપીને ચૂંટયા છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું લક્ષ્ય 150 બેઠકો લાવવાનું છે. પરંતુ કોંગ્રેસ અવનવા પ્રયોગો કરે છે. રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ કોંગ્રેસના આવા જ એક ખતરનાક પ્રયોગનો હિસ્સો છે. કોંગ્રેસનું દુર્ભાગ્ય છે કે 2002ના ગુજરાતના રમખાણો બાદ જ્યારે તેણે નરેન્દ્ર મોદી પર રાજકીય-વ્યક્તિગત હુમલા કર્યા છે, ત્યારે તે વધારે શક્તિશાળી બનીને સામે આવ્યા છે. જો કે રાજભવનનો પોતાની રાજનીતિ માટે ઉપયોગ કરવો કોંગ્રેસની જૂની અને જાણીતી આદત છે. જો રાજ્યપાલ ચૂંટણી જીતાડી શકતા હોત, તો કોંગ્રેસ કોઈ રાજ્યમાં ક્યારેય હારત નહીં. પરંતુ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકનો વિવાદ દેશના બંને રાષ્ટ્રીય પક્ષોની રાજકીય શૈલી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

ગુજરાતમાં ગત સાડા સાત વર્ષથી કોઈ લોકાયુક્ત નથી. આ સુશાસનનો દાવો કરનારા નરેન્દ્ર મોદીની સરકાર માટે કોઈ ગર્વની વાત હોઈ શકે નહીં. નરેન્દ્ર મોદી દેશના એવા થોડા મુખ્યમંત્રીઓમાં છે કે જેમના પર ભ્રષ્ટાચારના કોઈ આરોપો લાગ્યા નથી. (જો કે રાજ્યના અખબારોએ નરેન્દ્ર મોદીને પસંદગીના ઉદ્યોગપતિઓને મદદ કરવાના મુદ્દે ઘેર્યા છે.) નરેન્દ્ર મોદી અવાર-નવાર કહેતા આવ્યા છે કે તેઓ ખાતા નથી અને ખાવા દેતા નથી. ત્યારે સવાલ એ થાય કે તેમના રાજ્યમાં લોકાયુક્ત કેમ નથી, આ માત્ર મુખ્યમંત્રીએ જ નહીં, પણ ભાજપે પણ વિચારવું જોઈએ.

ગુજરાતના લોકાયુક્ત કાયદા પ્રમાણે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લોકાયુક્તની નિમણૂક માટે નામની ભલામણ કરે છે અને રાજ્યપાલ મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતા સાથે વિચાર-વિમર્શ કરીને નિર્ણય લે કરે છે. મુખ્ય ન્યાયાધીશે હાઈકોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ આર. એ. મેહતાના નામની ભલામણ કરી હતી. રાજ્ય સરકારે જસ્ટિસ આર. એ. મેહતાના નામ પર વાંધો ઉઠાવ્યો હતો. મોદી સરકારનું કહેવું હતું કે મેહતા રાજ્ય સરકાર વિરુદ્ધ કોઈક પ્રદર્શનમાં ભાગ લઈ ચુક્યા છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ રાજ્ય સરકાર વિરુદ્ધ હોય, તો તેની પાસે નિષ્પક્ષતાની આશા કેવી રીતે રાખી શકાય? જો કે મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારના વાંધાને ફગાવી દીધો. ત્યાર બાદ રાજ્યપાલ કમલા બેનીવાલે અચાનક આર. એ. મેહતાની નિમણૂકની ઘોષણા કરી દીધી. ગુજરાત સરકાર રાજ્યપાલની આ કાર્યવાહીને બંધારણ વિરુદ્ધની ગણાવે છે અને તેની વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. લોકાયુક્તની રાજ્ય સરકારને નજરઅંદાજ કરીને રાજ્યપાલ દ્વારા નિમણૂકને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભારતના સંઘીય માળખા પર આઘાત ગણાવ્યો છે. સંસદમાં પણ ભાજપનું આ મુદ્દે આક્રમક વલણ રહ્યું હતું, મંગળવારે સંસદની કાર્યવાહી લોકાયુક્ત મુદ્દે ભાજપ દ્વારા કરવામાં આવેલા હોબાળાથી સ્થગિત રહી હતી.

કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર ગુજરાતના લોકાયુક્ત કાયદાઓની જોગવાઈઓના અર્થઘટનો દ્વારા રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ કાયદામાં મુખ્યમંત્રી અથવા મંત્રીમંડળ સાથે મંત્રણા કરવાની કોઈ વ્યવસ્થા નથી. ભાજપનો તર્ક છે કે રાજ્યપાલ કેટલીક ખાસ પરિસ્થિતિ સિવાય મંત્રીમંડળની સલાહ પર કામ કરવા માટે બંધારણીય રીતે બાધ્ય છે. એ પણ સાચું છે કે રાજ્યપાલ પ્રવર્તમાન કાયદા છતાં 2003 સુધી લોકાયુક્તની નિમણૂક મામલે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરતા રહ્યા છે.

ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક મામલે રાજ્યપાલ, કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ એકસરખો મત ધરાવે છે. કાયદાકીય અને બંધારણીય રીતે કોણ સાચું છે અને કોણ ખોટું તે તો કોર્ટ નક્કી કરશે. પરંતુ કેન્દ્ર સરકારે અને કોંગ્રેસે એક સવાલનો જવાબ આપવો પડશે. સંસદ અત્યારે લોકપાલ બિલનો ખરડો તૈયાર કરી રહી છે. શું આ ખરડામાં એવી વ્યવસ્થા હશે કે લોકપાલની નિમણૂકમાં વડાપ્રધાન અથવા કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ ધ્યાનમાં લેવામાં ન આવે. શું આવી કોઈ જોગવાઈની માગણી કોંગ્રેસ પાર્ટીને સ્વીકાર્ય હશે? શું સરકાર લોકપાલ કાયદમાં આવી વ્યવસ્થાથી સંમત થશે જે લોકપાલની નિમણૂકના અધિકારને માત્ર રાષ્ટ્રપતિને સોંપી દે? કોંગ્રેસ અથવા અન્ય કોઈપણ પાર્ટી આવી કોઈ જોગવાઈઓ માટે ક્યારેય તૈયાર થશે નહીં. પાર્ટી અને સરકારને ખબર છે કે એક ચૂંટાયેલી સરકારના અસ્તિત્વમાં હોવા છતાં તેની ઉપેક્ષા કરીને રાજ્યમાં આવી નિમણૂક દેશના સંઘીય માળખા પર ખરાબ અસર કરશે. તેમ છતાં જો તે આવું કરી રહી છે, તો માત્ર એટલા માટે કે રાજકીય રીતે નરેન્દ્ર મોદી સામે નવા મુદ્દે નવો મોરચો ખોલી શકાશે.

નિયમ-કાયદો, બંધારણ અને પરંપરાઓ તો માત્ર બહાના છે. કોંગ્રેસ અને કેન્દ્ર સરકારનું એકમાત્ર મિશન છે કે નરેન્દ્ર મોદીને ગમે તેમ કરીને ઘેરવા. એટલે તો ક્યારેક કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહે છે, તો ક્યારેક રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને તેમની માઓ-ત્સે-તુંગ સાથે સરખામણી કરે છે. તો કોંગ્રેસના પ્રદેશ એકમના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ કહે છે કે વિકાસ તો રાવણની લંકામાં પણ થયો હતો. પણ એક વાત નક્કી છે કે ગુજરાતમાં હુલ્લડો થવા છતાં જનતા મોદી વિરુદ્ધ કંઈપણ સાંભળવા માટે હજી સુધી તૈયાર થઈ નથી. કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા શંકરસિંહ વાઘેલાને મોદી સામે મોરચા સંભાળવા કમાન પણ આપી જોઈ. રાજકારણના અખાડામાં કોંગ્રેસે તમામ ઉપાયો અજમાવ્યા છે. પણ હજી સુધી કોઈ ઉપાયમાં તેમને ધાર્યું પરિણામ મળ્યું નથી, ઉલટું તેમના દાવ ઉંધા પડયા છે અને મોદીને વધારે લોકપ્રિયતા સાંપડી છે. જો કે કેન્દ્ર સરકારે હવે રાજ્યપાલ કમલા બેનીવાલના ખભા પરથી બંદૂક ફોડી છે. કોંગ્રેસ દ્વારા રાજ્યપાલોના રાજકીય ઉપયોગનો રામલાલ ઠાકુર, બૂટાસિંહ, હંસરાજ ભારદ્વાજ સુધીનો લાંબો ઈતિહાસ છે. હવે તેમા ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલનું નામ પણ ઉમેરાયું છે.

કોંગ્રેસના દરેક રાજકીય હુમલાને પડકાર સમજીને મોદી તેને અવસરમાં પલટતા રહ્યાં છે. અત્યાર સુધી તો તેઓ દરેક મુકાબલામાં હાવી રહ્યાં છે. પણ લોકાયુક્તના મામલે મોદી કોર્ટના ચુકાદાની રાહ જોવા માટે પણ તૈયાર નથી. તેમણે જંગના મંડાણ કરી દીધા છે. ભાજપના પ્રદેશ એકમે આખા રાજ્યમાં રાજ્યપાલને પાછા બોલવવા માટે આંદોલનનું એલાન કર્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં દેખાવો પણ થયા. જો કે એ વાત અલગ છે કે દેખાવોમાં માત્ર 300-400 લોકો જ હતા. પરંતુ હવે રાજ્ય સરકાર વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે રાજ્યપાલ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આવશે.

કોંગ્રેસ સિવાય વધુ એક મોરચો પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખુલ્યો છે. મોદી વિરુદ્ધ આક્ષેપ કરતાં ભાજપના ભૂતપૂર્વ મહામંત્રી અને રાષ્ટ્રીય સ્વાભિમાન આંદોલનના નેતા ગોવિંદાચાર્યે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સત્તાનું કેન્દ્રીયકરણ કરી રહ્યાં છે. આ એવો આરોપ છે કે તેનાથી ભાજપના મોટાભાગના નેતાઓ સંમત હશે, પરંતુ જાહેરમાં કંઈપણ બોલવાથી બચશે. ત્યારે સવાલ એ પણ ઉભો છે કે શું ગુજરાતમાં છેલ્લા સાડા સાત વર્ષથી લોકાયુક્ત એટલા માટે નથી કે મુખ્યમંત્રી ઈચ્છતા નથી કે તેમની સત્તાને પડકારનારી કોઈ સંસ્થા હોય? જો કે એક હકીકત એ છે કે ભાજપ અને સંઘપરિવારમાં નરેન્દ્ર મોદીને કોઈપણ પ્રકારનો નિર્દેશ આપવાની સ્થિતિમાં કોઈ જ નેતા નથી.

રાજ્યપાલ કમલા બેનીવાલના પગલાં પાછળ કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પાર્ટી ઉભા છે. તો સામે પક્ષે નરેન્દ્ર મોદીના રાજ્યપાલને પાછા બોલાવવાન અભિયાનમાં ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ ઉભું છે. આ રાજકીય ટક્કરને રોકવા માટે કોઈના તરફથી કોઈ પહેલ થતી દેખાતી નથી. મોદી આ લડાઈ હારી જશે તો કોંગ્રેસને મનોવૈજ્ઞાનિક જીત હાસિલ થશે અને 2012ની ચૂંટણીઓમાં મોદીનો મુકાબલો કરવામાં કંઈક આત્મવિશ્વાસ આવશે. પરંતુ વિચાર કરો કે મોદી જીતી ગયા તો? શું કોંગ્રેસ આના માટે તૈયાર છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો