ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011

હિંદુ અંતરમનની વેદનાનો જ્વાળામુખી


-આનંદ શુક્લ

ભારતમાં દુનિયાના સૌથી વધારે હિંદુઓ વસે છે. ભારત એક રાષ્ટ્ર તરીકે સદાકાળથી હિંદુ રહ્યું છે. જો કે ભારતના હિંદુઓનું દુર્ભાગ્ય છે કે તે હિંદુ રાજ્ય નથી. ભારતમાં હિંદુઓની રાજકીય આકાંક્ષાઓની પૂર્તિ માટે 64 વર્ષ પહેલા મળેલી ખંડિત આઝાદીથી અત્યાર સુધી કોઈ વ્યવસ્થા નથી. ભારતમાં હિંદુત્વનો ઝંડો લઈને ફરનારા થોડા રાજકીય પક્ષોનો ઉદય થયો અને તેમાનો એકાદ પક્ષ અત્યારે પણ જીવિત છે. ભારતીય જનસંઘની સ્થાપના હિંદુત્વની વિચારધારાને આધારે કરવામાં આવી. તો કટોકટી પછી જનતા પાર્ટીમાંથી બેવડા સભ્યપદના વિવાદથી છૂટા પડેલા જનસંઘીઓએ ભાજપની સ્થાપના કરી. પરંતુ ભાજપ પણ ગાંધીવાદી સમાજવાદ અને પછી હિંદુત્વના વૈચારીક માર્ગો પર અસ્પષ્ટતાઓ સાથે આગળ વધ્યો. રામજન્મભૂમિ આંદોલને ભારતીય રાજકારણમાં હિંદુકરણનું કામ કર્યું.

પરંતુ ભાજપના સેક્યુલર દેખાવાના શોખના કારણે અત્યારે હિંદુઓના મુદ્દાઓ અને તેની રાજકીય અભિવ્યક્તિને ભારતના રાજકારણમાં કોઈ જગ્યા નથી. જો કે ભાજપે એનડીએ હેઠળ સત્તાના ભોગવટા બાદ જાહેરાત કરી છે કે તેમની વિચારધારા હિંદુત્વની છે. પરંતુ સત્તાના ભોગવટાના વર્ષો દરમિયાન ભાજપે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી, દેશમાં સમાન નાગરીક ધારાને લાવવાના મુદ્દાને કોમન મિનિમમ પ્રોગ્રામના નામે પોતાનાથી દૂર રાખ્યા હતા. જો કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એક ખૂણામાં આ મુદ્દાઓ જરૂરથી હતા. પરંતુ રામજન્મભૂમિ મંદિર મુદ્દાને સુષ્મા સ્વરાજે વટાવાયેલો ચેક કહીને હાથ ખંખેરી નાખ્યા છે. તો મુખ્તાર અબ્બાસ નક્વીએ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના સવાલના જવાબમાં કહ્યું હતું કે ભાજપ કોઈ કન્સ્ટ્રક્શન કંપની નથી. ભાજપના નેતાઓના રામજન્મભૂમિ સંદર્ભેના વિચારો અને મંતવ્યો પરથી તેમનો હિંદુત્વ માટેનો ઘટી રહેલો આગ્રહ સ્પષ્ટપણે અભિવ્યક્ત થાય છે.

કેટલાંક સંતો અને હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તાઓને બળાપો કાઢતા સાંભળ્યા છે કે ભાજપ કોંગ્રેસમાં અને કોંગ્રેસ મુસ્લિમ લીગમાં ફેરવાઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની કથની-કરણી પરથી હિંદુ સમાજના બળાપાને કોઈ ઈન્કારી શકે તેમ નથી. ભાજપના કોંગ્રેસીકરણની વાત તો ઘણાં રાજકીય સમીક્ષકો વર્ષોથી કહેતા આવ્યા છે. પાર્ટી વિથ ડિફરન્સ મુસ્લિમ તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, ઉદારવાદ, વિનાશ લઈ જતી વિકાસની અવધારણાના મુદ્દા પર કોંગ્રેસ જેવો મત ધરાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક મા.ગો.વૈદ્યે ખરેખર ભાજપ અને કોંગ્રેસને ભેગા મળીને સરકાર બનાવવાનું પણ તત્કાલિન સંદર્ભો હેઠળ કહ્યું હતું. સતત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરીકેની નબળી ભૂમિકાને કારણે ભાજપને હારનો સામનો કરવો પડયો છે. હિંદુ વિચારધારાના હાલના પાવર હાઉસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સુકાન સંભાળતા સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરપી આપવાની અને સર્જરી કરવાની વાત પણ કરી હતી. જો કે સરસંઘચાલક મોહન ભાગવતે નવી રાજકીય પાર્ટી બનાવવાની વાત પર એક સેમિનારમાં એમ કહીને પૂર્ણવિરામ મૂક્યું હતું કે હાલ દીનદયાળ ઉપાધ્યાય જેવાં ઉંચા કદના નેતાઓ નથી. માટે ભાજપને સુધારીશું. ચર્ચા એવી પણ છે કે નવો પક્ષ બનશે, તો નવો પક્ષ પણ ભાજપની જેમ બની નહીં જાય તેની કોઈ ખાતરી આપી શકે?

પરંતુ હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તાઓની વ્યથા એવી છે કે હિંદુ સંગઠનો સક્રિય બનીને જે કોઈ કામ કરે, તેનો રાજકીય લાભ ભાજપને જ થવાનો છે. હિંદુવાદી સંગઠનોનું કામ ભાજપ માટે મતોમાં રૂપાંતરિત થશે. પરંતુ તેની કોઈ રાહત હિંદુવાદી સંગઠનોને થતી નથી. કોંગ્રેસ કરતાં પણ ખરાબ વર્તન જેમની મહેનતથી ભાજપ સત્તામાં આવતું હોય છે, તેવા હિંદુવાદી સંગઠનો સાથે થાય છે. ત્યારે સામાન્ય કાર્યકર્તા એવી ભાવના દાખવે છે કે ગાયને દોહીને કૂતરીને દૂધ પીવડાવાનું અને એ કૂતરી આપણને જ કરડે, તો...તેનો ઈલાજ શું? હાલમાં પ્રવર્તી રહેલી રાજકીય પરિસ્થિતિમાં હિંદુત્વવાદી સંગઠનો અને હિંદુ જનતા પોતાને રાજકીય ક્ષેત્રમાં અનાથ સમજી રહ્યાં છે. આ પરિસ્થિતિ કોંગ્રેસ અને ડાબેરીઓ સહીતના સેક્યુલર હોવાનો દમ મારતા અને દંભ ભોગવતા નાના-મોટા પક્ષો માટે ઘણી મદદગાર છે. તેમ છતાં હિંદુવાદી સંગઠનોમાં સૌથી પ્રભાવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિણામદાયક કેમોથેરપી અથવા સર્જરી કરી શક્યું હોય તેમ દેખાય રહ્યું નથી.

હિંદુ સમાજના વિશ્વાસ અને લાગણીઓનો રાજકીય લાભ મેળવી સત્તાસુખ ભોગવ્યા બાદ તેમની સાથે છેતરપિંડી કરવી કોઈ નવી વાત નથી. આઝાદી પહેલા કોંગ્રેસને હિંદુઓનું સૌથી વધારે સમર્થન હતું. કોંગ્રેસ 1935 અને 1946ની પ્રાંતીય ચૂંટણીઓમાં ઘણાં પ્રાંતોમાં સત્તામાં આવી તેના માટે હિંદુ જનસમુદાયનો પ્રખર ટેકો હતો. મુસ્લિમ લીગના નેતા મહંમદઅલી ઝીણા કોંગ્રેસને હિંદુ પાર્ટી અને મહાત્મા ગાંધીને હિંદુ નેતા કહેતા હતા. જો કે મહાત્મા ગાંધીને હિંદુ-મુસ્લિમ એકતાના નિષ્ફળ પ્રયોગો કરવામાં અને કોંગ્રેસને મુસ્લિમોના પણ ટેકાવાળી પાર્ટી તરીકે ઓળખાવામાં ઉંડો રસ હતો. તેના કારણે ભારતને જે નુકસાન ગયું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. સનાતન કાળથી અખંડ હિંદુ રાષ્ટ્ર કોંગ્રેસ અને મહાત્મા ગાંધીની હિંદુઓનું હિત સાચવી ન સકનારી નીતિઓને કારણે વિભાજન થયું. ભારતના ટુકડા કરીને પાકિસ્તાન નામનું મુસ્લિમ રાષ્ટ્ર બન્યું, તો ખંડિત ભારતને હિંદુ રાજ્ય બનાવવાની જગ્યાએ તત્કાલિન નેતાઓએ તેને સેક્યુલર રાજ્ય બનાવ્યું. હિંદુ મનની વેદાના છે કે સેક્યુલારિઝમની માળા જપનારા નેતાઓએ પોતાના દંભને જીવિત રાખવાના અભરખામાં ભારતને હિંદુ રાજ્ય કેમ બનવા દીધું નહી? ભારતને હિંદુ રાજ્ય બનાવવું કે કેમ તેના માટે જનતાનો કોઈપણ પ્રકારનો જનમત લેવાની દરકાર તત્કાલિન નેતાઓએ કરી ન હતી?

મહત્મા ગાંધીએ નેહરુ-સરદારને પાકિસ્તાનના આક્રમક વલણ છતાં 55 કરોડ રૂપિયા આપવા માટે બાધ્ય કર્યા. આના માટે તેમણે આમરણાંત ઉપવાસ કર્યા. ગાંધીજીએ પોતાના ઉપવાસ છોડવા માટે બીજી પણ એક શરત મૂકી હતી કે દિલ્હીની મસ્જિદોમાં શરણ લીધેલા હિંદુ-શીખ શરણાર્થીઓએ તેનો કબજો મુસ્લિમોને આપી દેવો. હિંદુ અંતરમનની વ્યથા કેટલી વિચલિત કરનારી હશે કે નાથૂરામ ગોડસે નામના વ્યક્તિએ ગાંધીજીની ત્રણ ગોળીઓ મારીને હત્યા કરી? (અહીં ગાંધીજીની હત્યાને યોગ્ય ઠેરવવાનો કોઈ પ્રયાસ નથી, પણ હિંદુઓના હિતોને નુકસાન પહોંચતી વાતો ખુલ્લી પડી જતાં શું પરિણામ આવ્યું, તે દર્શાવવાનો જ હેતુ છે.)

સરદાર પટેલના મૃત્યુ બાદ દેશમાં કોંગ્રેસે મુસ્લિમોને વોટબેંકની ટ્રીટમેન્ટ આપી. મુસ્લિમોના થોકબંધ મતો મેળવવા માટે તેમણે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સેક્યુલારિઝમના આંચળા નીચે ખુલ્લેઆમ ચાલુ કરી. મદરેસાઓની સ્થાપના હોય, મુસ્લિમોને હજયાત્રામાં સબસિડી આપવાની હોય, મુસ્લિમો ગુંડાઓની અસમાજીક પ્રવૃતિ સામે આંખ આડા કાન કરવાના હોય, કાશ્મીરમાં અલગતાવાદને માથુ ઉંચકવા દેવાની ઢીલાશ આપવાની હોય, કોંગ્રેસ હંમેશા અવ્વલ રહી છે. મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી માનસિકતામાં આવનારું અધ:પતન કૂદકેને ભૂસકે વધતું ગયું છે.

અત્યારે મુસ્લિમ-ખ્રિસ્તી સહીતની લઘુમતીઓને ધર્મના આધારે અનામત આપવાની પેરવી કરવી, બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આંખ આડા કાન કરવા, આતંકવાદ સામે કડક કાયદો ન આવવા દઈને રાજકારણ કરવું, હિંદુ આતંકવાદની વાત કરીને હિંદુ સંગઠનોને લશ્કરે તોઈબાથી વધારે ખતરનાક ગણાવવા, કોમવાદી હિંસા રોકવા માટે હિંદુ વિરોધી કાયદાનું બિલ તૈયાર કરવું, રામસેતુ તોડવા માટે સેતુસમુદ્રમ્ પ્રોજેક્ટ માટે ધમપછાડા કરવા, કાશ્મીરમાં અલગતાવાદીઓને દિલ્હીમાં સેમિનારો કરવા દેવા, પાકિસ્તાન સામે અસ્પષ્ટ નીતિ અપનાવવી, અફઝલ ગૂરુ જેવા આતંકવાદીને સંસદ પરના હુમલા કેસમાં ફાંસીની સજા મળી હોવા છતાં કંઈ ન કરવું- જેવી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ કોંગ્રેસ સોનિયા ગાંધીની પ્રેરણા અને કેટલાંક દંભી સેક્યુલરોના જૂથના સીધા દોરીસંચાર નીચે આગળ વધારી રહી છે.

હિંદુઓમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાષ્ટ્રવિરોધી કોંગ્રેસી-સેક્યુલર નીતિઓ સામે રાખ નીચે અંગારા સળગી રહ્યાં છે. પરંતુ ભાજપ એકંદરે આ તમામ મુદ્દાઓ પર ખૂબ સેક્યુલર બનીને વર્તી રહ્યો છે. મુસ્લિમો પણ ભાજપ સાથે છે, તેવું બતાવવા માટે ભાજપના દિગ્ગજ અને કેન્દ્રીય નેતાઓ ભરપૂર પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે હિંદુ અંતરમનમાં વેદના થાય, તે સ્વાભાવિક છે. કોંગ્રેસે તો રાષ્ટ્રવિરોધીઓ સંદર્ભે હિંદુ અંતરમનને હંમેશા અવગણ્યું છે. પરંતુ હિંદુ અંતરમનની અવગણના પોતાને હિંદુત્વવાદી ગણાવતા ભાજપ દ્વારા થાય, તો તેની વેદના વિરાટ હિંદુ સમાજના રુંવાડે-રુંવાડે થાય તે અવશ્યભાવી છે. પણ રાજકીય છેતરપિંડીઓથી બળેલા વિરાટ હિંદુ સમાજની વેદનાને રાજકીય વાચા આપવા માટે અત્યારે કોઈ સાધન ઉપલબ્ધ નથી. ત્યારે આવી સ્થિતિ ભારત માટે અને વિરાટ હિંદુ સમાજ માટે બેહદ ખતરનાક છે. કેટલાંક હિંદુત્વવાદી વિચારકોનું કહેવુ છે કે આવી સ્થિતિમાં હિંદુ સંગઠનોના નેતાઓએ હિંદુઓની રાષ્ટ્રીય સ્તરે રાજકીય અભિવ્યક્તિ માટેના એકમાત્ર સાધન જેવા ભાજપને સીધું અલ્ટીમેટમ આપી દેવું જોઈએ કે હિંદુઓની લાગણી અને માગણીઓની ઈજ્જત કરો. જો તેમ છતાં ભાજપ પોતાના માર્ગમાંથી પાછો ન ફરે, તો હિંદુઓની રાજકીય અભિવ્યક્તિ સંદર્ભે હિંદુ અંતરમનની વેદનાઓને ધ્યાનમાં રાખીને હિંદુ સંગઠનો અને નેતાઓએ અન્ય વિકલ્પોનો વિચાર કરવો જોઈએ.

ભારતમાં હિંદુ ઓળખને પ્રસ્થાપિત કરવા, દ્રઢીભૂત કરવા, જાળવી રાખવા માટે રાજકીય બળની જરૂર રહેવાની છે. જો રાજકીય બળ નબળું હશે કે બેવડા ચરિત્રવાળું હશે, તો સરવાળે નુકસાન હિંદુ ઓળખને થવાનું છે. ભારતનો આત્મા હિંદુત્વ છે, હિંદુને અને હિંદુત્વને નુકસાન આખરે ભારતને નુકસાન છે. ત્યારે હિંદુત્વના મુદ્દાઓમાં કોઈપણ પ્રકારનું સમાધાન કુલડીમાં ગોળ ભાંગીને થાય નહીં, તે જોવું આવશ્યક છે. પોતાના હિતો હિંદુ સમાજે કોઈ સંગઠન, સંસ્થા, પક્ષ અથવા નેતાને ક્યારેય લખી આપ્યા નથી. પોતાના હિતોને નુકસાન થાય તેવી સ્થિતિમાં હિંદુ સમાજે સ્વયંભૂ આંદોલનો માટે કમાન પોતાના હાથમાં લેવી આવશ્યક છે. પણ આવી વ્યવસ્થાના વિકલ્પ માટે પણ કાર્યકર્તાઓ, નેતાઓ, સંગઠન, પક્ષની આવશ્યકતાઓ રહેશે.

જો હિંદુ સમાજ આવી રીતે સ્વયંભૂ પોતાને અભિવ્યક્ત કરશે, તો હિંદુત્વના નામે સત્તા પર આવીને કોઈ રામમંદિર નિર્માણમાં અખાડા કરી શકશે નહીં, કોઈ ગોહત્યાનો કાયદો ઘડીને તેનો અમલ કરવાનું ભૂલી નહીં જાય, કંદહારકાંડની જેમ કોઈ આતંકવાદીઓને મુક્ત કરવાની હિંમત કરશે નહીં, સંસદ પર હુમલા બાદ આરપારની લડાઈની માત્ર કવિતાઓ કરવાની હિમાકત કોઈ કરશે નહીં, કોઈ પાકિસ્તાનને પાઠ ભણાવવાની જગ્યાએ વાતચીતના ડાયલોગ નહીં મારે, કોઈ હિંદુ મંદિરોના વહીવટ લઈને મુસ્લિમોને સબસિડી આપવાની નીચતા નહીં કરી શકે, કોઈ થોકબંધ ઉર્દૂ શિક્ષકોની ભરતી નહીં કરી શકે, કોઈ હજ સબસિડીમાં ભરપૂર વધારો અને સુવિધા કરવાની હિંમત નહીં કરી શકે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો