મંગળવાર, 26 મે, 2015

મોદીનું બુદ્ધમ શરણમ્ ગચ્છામિ, કલ્ચરલ ડિપ્લોમસીથી લુક ઈસ્ટને એક્ટ ઈસ્ટ પોલિસીમાં બદલવાની કવાયત


- આનંદ શુક્લ
ભારતને એશિયામાં પાવરફુલ દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટે વડાપ્રધાન મોદીએ છેલ્લા એક વર્ષના વિદેશ પ્રવાસમાં બુદ્ધ ડિપ્લોમસીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બૌદ્ધ ગતિવિધિઓ પર મોદી સરકારના વધતા ધ્યાનને તેમની વિદેશ નીતિનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે. મોદીના બુદ્ધમ્ શરણમ ગચ્છામિના ઘણાં બહોળા કૂટનીતિક અર્થો છે...

એશિયામાં ચીન અને પાકિસ્તાનના સામરીક પડકારોને પહોંચી વળવા અને ચીનની નજીક જવા માટે એક ચોક્કસ સાંસ્કૃતિક નીતિનો મોદી સરકાર દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસી તરફ દોરી જઈ રહ્યા છે. જેમાં બૌદ્ધ ડિપ્લોમસીના ડોઝ દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા માટે તેઓ એક સાંસ્કૃતિક પુલ બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં 31 દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. દિલ્હીનું તાલકટોરા સ્ટેડિયમ બૌદ્ધ મતના અનુયાયીઓથી ખીચોખીચ ભરેલું હતું. સરકાર દ્વારા બુદ્ધ પૂર્ણિમાના દિવસે આવા વિશાળ આયોજન પાછળ એશિયામાં ભારતને સૌથી મોટા બૌદ્ધ કેન્દ્ર તરીકે પ્રચારીત કરવાની મોદીની ઈચ્છા કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

તેમની આ મુત્સદી વિદેશ નીતિ પ્રભાવી બનાવવાની સાથે ટૂરિઝમ દ્વારા દેશની આવકમાં વધારો કરવાની પણ છે. મોદીએ આ કાર્યક્રમમાં કહ્યુ કે 21મી સદી એશિયાની સદી હશે. તેમાં કોઈ પણ શંકા નથી. ત્યાર બાદ તેમણે કહ્યુ કે બુદ્ધ વગર આ સદી એશિયાની સદી બની શકે નહીં. મોદી સરકાર સ્પષ્ટપણે બૌદ્ધધર્મને વિદેશનીતિના કેન્દ્રમાં રાખીને સમગ્ર ક્ષેત્રમાં કામ કરી રહી છે. સંકેત મળી રહ્યા છે કે મોદી રાજકીય અને ઈકોનોમિક ડિપ્લોમસીમાં બુદ્ધપુલ દ્વારા ભારતને સોફ્ટ પાવર તરીકે રજૂ કરવા ઈચ્છે છે. તેનાથી ચીન સાથે મુકાબલો કરવામાં મદદ મળશે.. તો મ્યાંમાર.. થાઈલેન્ડ.. કમ્બોડિયા અને શ્રીલંકા જેવા દેશોમાં મઠોના નિર્માણ અને સંરક્ષણ દ્વારા બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.

ભારત બૌદ્ધ ધર્મનું સ્વાભાવિક ઠેકાણું છે. માનવામાં આવે છે કે નેપાળના લુમ્બિની ખાતે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. પરંતુ તેમણે બોધગયા ખાતે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. ભારતમાં એક સમયે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું. તો દલિતોના મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના ટેકેદારો સાથે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. એટલે મોદીની આ બૌદ્ધ ડિપ્લોમસી ઘરઆંગણાના રાજકારણમાં બૌદ્ધ બની ચુકેલા દલિત વર્ગને પણ આકર્ષી શકે છે. વળી સંઘની વિચારધારા પ્રમાણે બૌદ્ધ અને હિંદુ ધર્મને અલગ માનવામાં આવતા નથી. વળી હિંદુ-બૌદ્ધ સમન્વય માટે આયોજનબદ્ધ કોશિશો પ્રભાવીપણે આગળ વધારવામાં આવી છે. ત્યારે બૌદ્ધ ડિપ્લોમસીને લઈને મોદી સરકારની મોટી યોજનાઓ સમજી શકાય તેમ છે.

ભારતને એશિયા ખાતે બૌદ્ધ ડિપ્લોમસીનો બેવડો ફાયદો થઈ શકે છે. તેનાથી ડિપ્લોમસી સિવાય પર્યટકોને આકર્ષિત કરવામાં મોટી મદદ મળી શકે છે. દુનિયાના મોટામોટા નેતાઓને બોધગયા અને સારનાથ જેવા બૌદ્ધ ધર્મના આસ્થા કેન્દ્રો સુધી લાવી શકાય છે. મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે.. ત્યારે બૌદ્ધ ધર્મના મહત્વના સ્થાનો ધરાવતા દેશોમાં બૌદ્ધ મંદિરોના દર્શને અવશ્ય જાય છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં જાપાન પ્રવાસ દરમિયાન તેમણે મશહૂર બૌદ્ધ મંદિરો તોજી અને કિનુકાકુજીમાં પ્રાર્થના કરી હતી. તો શ્રીલંકાના વિદેશ પ્રવાસમાં તેમણે કોલંબોના મહાબોધિ મંદિરમાં બૌદ્ધ સંન્યાસીઓને સંબોધિત કર્યા હતા અને અનુરાધાપુરા ખાતે મહાબોધિ વૃક્ષ નીચે પ્રાર્થના પણ કરી હતી. નેપાળ અને ભૂટાનના પ્રવાસ દરમિયાન પણ મોદી ત્યાંની સંસદોને સંબોધિત કરતી વખતે ભગવાન બુદ્ધને યાદ કરવાનું ચુક્યા ન હતા.

તો ચીન,મંગોલિયા અને સાઉથ કોરિયાના વિદેશ પ્રવાસમાં પણ મોદીની બુદ્ધ ડિપ્લોમસી નજરે પડી છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હોમ ટાઉન શિયાનમાં ગ્રેટ વાઈલ્ડ ગુજ પેગોડા છે. તે પ્રખ્યાત બૌદ્ધ તીર્થયાત્રી યુ-એન-સાંગને સમર્પિત છે. કહેવમાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરનો પણ બૌદ્ધ ધર્મ સાથે ખૂબ મજબૂત નાતો રહ્યો છે અને યુ-એન-સાંગે ભારત પ્રવાસમાં વડનગરની પણ મુલાકાત લીધી હતી. શિયાનના બૌદ્ધ મઠમાં યુ-એન-સાંગે 1400 વર્ષ પહેલા પોતાની ભારત યાત્રાનું વિવરણ લખ્યું હતું. ભારતે ગત વર્ષ માર્ચ માસમાં બૌદ્ધ વૃક્ષનો છોડ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ મોકલ્યો હતો. તે હવે 160 સેન્ટિમીટર ઉંચો થઈ ગયો છે. દક્ષિણ કોરિયા આ બૌદ્ધ વૃક્ષ લગાવવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી આમ તો ઈશ્વર તરફ પહેલેથી જ ભક્તિભાવ ધરાવે છે. મોદીનો ઈશ્વર તરફનો આ ભક્તિભાવ તેમની આધ્યાત્મિક પ્રકૃતિનો પુરાવો છે કે લોકચાહના પ્રાપ્ત કરવાની ઘેલછા છે? તાજેતરમાં તેમના બુદ્ધમ શરણ ગચ્છામિ કરવા પાછળનું રહસ્ય પણ ખૂબ જ રસપ્રદ છે. જેમાં ચીન સાથે સારા સંબંધો બનાવવા માટેની એક સંભાવના પણ તેઓ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બુદ્ધ પૂર્ણિમા દિવસ સમારંભનું દિલ્હી ખાતે સરકાર દ્વારા આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમ માટે સરકારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજૂના વડપણ હેઠળ એક આયોજન સમિતિની રચના કરી હતી. આ આયોજનને ખાસ માનવામાં આવે છે. માત્ર બે વખત સરકારી સ્તરે આવા કાર્યક્રમો આયોજિત થયા છે. સૌથી પહેલા જવાહરલાલ નહેરુની સરકારમાં 2500મી બુદ્ધ જયંતી નિમિત્તે બોધગયામાં મોટા સરકારી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ કુશીનગર ખાતે 2007માં તત્કાલિન મનમોહનસિંહની સરકારે ભગવાન બુદ્ધના 2550મા પરિનિર્વાણ દિવસે સરકારે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવે આઠ વર્ષ બાદ મોદી પણ ભગવાન બુદ્ધની શરણમાં પહોંચી ગયા છે. મોદી સરકાર દ્વારા બુદ્ધ પૂર્ણિમાનું આટલા મોટા સ્તરે આયોજન કરવાનો ઉદેશ્ય પણ ઘણો રોચક છે.

મોદીએ પોતાના જન્મસ્થાન વડનગર સાથે બૌદ્ધ ધર્મના સંબંધની વાત એક મોટા મકસદ સાથે રજૂ કરી છે. આ ઉદેશ્ય પાછળ 9 વર્ષ પહેલા ચીનના હાંગ્જોઉ ખાતે યોજાયેલા એક કાર્યક્રમની વિગતો જાણવી જરૂરી છે. ચીનના હાલના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ત્યારે રાષ્ટ્રપ્રમુખ ન હતા. પરંતુ બૌદ્ધ ધર્મને માનનારા જિનપિંગે એક મોટી યોજના ચીનની સામે રજૂ કરી હતી. તેમની ઈચ્છા ચીનને બૌદ્ધ ધર્મના એક મોટા કેન્દ્ર તરીકે રજૂ કરવાની છે. તેના કારણે 2009 અને ત્યાર બાદ 2012માં ચીને વર્લ્ડ બુદ્ધિસ્ટ ફોરમનું આયોજન પણ કર્યુ હતું. તેથી દુનિયામાં ચીનને બૌદ્ધ ધર્મના સૌથી મોટા અને મહત્વના કેન્દ્ર તરીકે પ્રચાર મળવો શરૂ થઈ ગયો હતો. આ મામલે ભારત ચીનથી પાછળ પડવા લાગ્યું. આ એ જ ભારત છે કે જ્યાં અઢી હજાર વર્ષ પહેલા ભગવાન બુદ્ધે જ્ઞાનની પ્રાપ્તિ કરીને બૌદ્ધ ધર્મનો પાયો પણ નાખ્યો હતો. ચીનની બૌદ્ધ કેન્દ્ર તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત થવાની હિલચાલથી ભારત સરકાર સફાળી જાગી અને આયોજનો શરૂ કર્યા. જેના કારણે બુદ્ધ પૂર્ણિમા પર એક આયોજનની કોશિશ 2011માં યુપીએ સરકારે પણ કરી હતી.

જો કે મનમોહનસિંહની સરકારે મ્યાંમારમાં બૌદ્ધ ચિંતનનો અભ્યાસ કરનારાઓનો સૌથી મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં મદદ કરી હતી. પરંતુ તેની મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય બુદ્ધ પૂર્ણિમા સમારંભના આયોજન જેવી નોંધ લેવાઈ ન હતી. મોદીએ સત્તામાં આવ્યા બાદ ચીનની આ કોશિશોનો જવાબ આપવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ભારતને બૌદ્ધ ધર્મના સૌથી મોટા કેન્દ્ર તરીકે રજૂ કરવા માટે વડાપ્રધાન મોદીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા બૌદ્ધ ધર્મીઓની બહુમતી ધરાવતા સૌથી વફાદાર પાડોશી દેશ ભૂટાનની કરી.. તો દક્ષિણ એશિયા બહાર તેમણે પહેલો પ્રવાસ જાપાનનો કર્યો હતો.

જિનપિંગની ભારત મુલાકાતમાં અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે પોતાના હોમટાઉન વડનગરનું બૌદ્ધ ધર્મ સાથેનું કનેક્શન રજૂ કરીને તેને આંતરરાષ્ટ્રીય મીડિયાના એજન્ડામાં લાવવાની કોશિશ કરી હતી. ચીન પ્રવાસ દરમિયાન મોદી જિનપિંગના હોમટાઉન ખાતે બૌદ્ધ પેગાડાની મુલાકાત લઈને બંને નેતાઓના વ્યક્તિગત સંબંધોમાં એક નવું આયામ જોડી રહ્યા છે.

ટૂરિઝમના વિકાસ માટે કોશિશો કરી રહેલી મોદી સરકારને બુદ્ધ ડિપ્લોમસીથી પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં પણ મોટો ફાયદો થવાની આશા છે. એશિયામાં હિંદુ.. મુસ્લિમ.. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ રહે છે. તેઓ પોતાના ધર્મોના મૂળિયા સાથે જોડાવા માટે તીર્થયાત્રી તરીકે આસ્થાકેન્દ્ર સુધી જાય છે. ભારતમાં હિંદુઓ બાદ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટેના મહત્વના વારસાનું અસ્તિત્વ છે.

મોદી સરકાર બૌદ્ધ ટૂરિજ્મ સર્કિટ વિકસિત કરવા ઈચ્છે છે. જેમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે બોધગયા.. સારનાથ જ્યાં તેમને પહેલું શિક્ષણ મળ્યું... રાજગીર જ્યાં તેઓ રહ્યા અને ભિક્ષાટન કરતા હતા. નાલંદામાં બૌદ્ધ સાહિત્યનો મોટો ભંડાર હતો. કુશીનગર ખાત ભગવાન બુદ્ધે પોતાનો આખરી જીવનકાળ વ્યતિત કર્યો હતો. કપિલવસ્તુમાં ભગવાન બુદ્ધે બાળપણ વિતાવ્યું હતું. વૈશાલી ખાતે બુદ્ધે પોતાનો આખરી ઉપદેશ આપ્યો હતો. તો શ્રાવસ્તી ખાતે તેમણે પોતાના જીવનકાળના 24 વર્ષ વીતાવ્યા હતા.

આવી મહત્વની 10 જગ્યાઓ પર મોદી સરકાર દુનિયાભરના બૌદ્ધ તીર્થયાત્રીઓને બોલાવવા ઈચ્છે છે અને તેના માટે બજેટમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. મોદી સરકાર બુદ્ધ ટૂરિજ્મ સર્કિટ માટે ફેઝ ટુમાં 17 રાજ્યોના બૌદ્ધ સ્મારકોને પણ જોડવાની યોજના પર કામ કરવાની છે. મહત્વપૂર્ણ છે કે 2013માં ચીનને 2014ની સરખામણીએ ટૂરિજ્મથી થયેલી કમાણીમાં 14 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ 2010થી 2015 વચ્ચે પ્રવાસીઓથી ભારતની આવકમાં માત્ર 8 ટકાનો ફાયદો થવાનું અનુમાન છે. એટલે કે ચીનના મુકાબલે ભારતને અડધી કમાણી થઈ છે. ત્યારે દક્ષિણ એશિયામાં બૌદ્ધ ટૂરિસ્ટોને ભારત પોતાને ત્યાં ખેંચીને ચીનને એક મોટો ધોબીપછાડ આપવા ઈચ્છી રહ્યું છે.

આંકડા દર્શાવી રહ્યા છે કે બૌદ્ધ તીર્થયાત્રીઓને આકર્ષવામાં ભારત ઘણું પાછળ છે. થાઈલેન્ડમાં 33 ટકા.. નેપાળમાં 13 ટકા.. ચીનમાં 13 ટકા બૌદ્ધ તીર્થયાત્રીઓ જાય છે. તો જાપાનમાં 10 ટકા અને કમ્બોડિયામાં સાત ટકા બૌદ્ધ શ્રદ્ધાળુઓ પહોંચે છે. ગત વર્ષના આંકડા પ્રમાણે ચીનમાં લોકોની આવક વધતા હવે તેઓ વધુ નાણાં ખર્ચી રહ્યા છે. ગત વર્ષે 10 કરોડ ચીની પર્યટકોએ દુનિયાભરના દેશોનો પ્રવાસ કર્યો હતો. ત્યારે બૌદ્ધ ધર્મમાં માનતા કમ્યુનિસ્ટ ચીનના આવા પ્રવાસીઓને પણ ભારત ખાતેના બૌદ્ધ વારસા સુધી આકર્ષિત કરવાની મનસા મોદી સરકાર ધરાવે છે.

મોદી સરકારને માત્ર તીર્થયાત્રીઓ જ જોતા નતી. પરંતુ એશિયામાં સૌથી વધુ બૌદ્ધ ધર્મી લોકો ધરાવતા જાપાન.. ભૂટાન.. મ્યાંમાર.. શ્રીલંકા.. થાઈલેન્ડ સહીતના દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ શરૂ કરવા ઈચ્છે છે. વાજપેયીની લુક ઈસ્ટ પોલિસીને મોદી એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવા માંગે છે. તેના માટે સંયુક્ત સાંસ્કૃતિક વારસાની ડોરથી બંધાયેલી મોદીની અત્યાર સુધીની વિદેશ નીતિમાં બુદ્ધ ડિપ્લોમસીની એક મોટી ભૂમિકા રહેલી છે.

મોદી @ 365 : ઈન્ડિયન ઈકોનોમીનો કાડિયોગ્રામ, તબિયત સુધારા પર પણ સારવાર જરૂરી

- આનંદ શુક્લ
વાજપેયી સરકારમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ખાતાના કેબિનેટ પ્રધાન રહેલા જાણીતા પત્રકાર અરુણ શૌરીના મતે મોદી સરકારની આર્થિક નીતિ એટલી આશાજનક રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ષના સમયગાળામાં ઈન્ડિયન ઈકોનોમીનો મળી રહેલો કાડિયોગ્રામ દર્શાવે છે કે અર્થતંત્રનું આરોગ્ય પહેલાની સરખામણીએ ચોક્કસ સુધર્યું છે. પરંતુ તેમ છતાં નિરાશાજનક સ્થિતિ પેદા થવાના કેટલાંક નક્કર કારણો પણ છે. મોદી સરકારની એટલા માટે પણ ટીકા થઈ રહી છે કે જેટલી ઝડપની આશા રાખવામાં આવી હતી તેટલી ગતિથી અર્થતંત્રની હાલત સુધારવા માટે ઘણાં નક્કર કામ કરવાના હજી બાકી છે.

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળને વિકાસ માટેના સુવર્ણકાળ તરીકે ભારતભરમાં અને દુનિયામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા પ્રચારીત કરાયો છે. મોદીના મુખ્યપ્રધાનથી વડાપ્રધાન થવા સુધીની સફરમાં વિકાસના ગુજરાત મોડલનો ઘણો મોટો ફાળો છે. આવા સંજોગોમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું એક વર્ષ વિકાસના મામલે પણ સમીક્ષકોના અભ્યાસનો વિષય છે. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ દ્વારા ભારતના ઔદ્યોગિક વિકાસ અને તેના માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવવાની મોદી સરકારની મનસા છે. જો કે તેમાંથી ઘણી બધી બાબતો હજી ખૂબ પ્રાથમિક સ્તરે છે. પરંતુ મોદી સરકાર વિકાસનો નક્શો અમલી બનાવવામાં કામિયાબ થાય તો આગામી દશકામાં ભારત મોટી હરણફાળ ભરી શકે તેમ છે.

મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા વેન્ટિલેટર પર પહોંચી હોવાની ટીપ્પણીઓ મોદી અને ભાજપના નેતાઓ કરતા રહ્યા છે. અત્યારે મોદી સરકારને એક વર્ષમાં ઘણું બધું કર્યું છે.. આર્થિક નીતિને સ્થિર કરવા માટે સારા પ્રયત્નો કર્યા છે. રૂપિયો હવે ડોલર સામે સ્થિર થઈ રહ્યો છે. પણ મનમોહનસિંહના કાર્યકાળ કરતા ઘણો મોટો ફરક હજી સુધી દેખાયો નથી. આવા સંજોગોમાં મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં વિકાસ દર ગતિ પકડતો દેખાયો છે. આંકડા પર નજર કરીએ તો...વર્ષ- 2012-13માં ભારતનો વિકાસ દર 5.1 ટકા હતો. 2013-14માં 6.9 ટકા અને 2014-15માં વિકાસ દર 7.4 ટકા રહેવાનું અનુમાન છે. હકીકતમાં આ અનુમાનો વાસ્તવિક નથી.. પરંતુ માત્ર પ્રચાર છે.. તેવું ભાજપના જ વરિષ્ઠ નેતા અરુણ શૌરીએ એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે અને ગ્રોથ રેટ ન હોવાના કારણે નાણાં પ્રધાન અરુણ જેટલી અને આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન વચ્ચે મતભેદોના કારણે વ્યાજદરો ઘટતા નથી.

મોંઘવારી તાજેતરના વર્ષોમાં ભારતની જનતા માટે મોટી મુસીબત છે. યુપીએ સરકારના કાર્યકાળમાં પણ ફૂગાવામાં બેફામ વધારાથી જનતાને મહામુસીબતોનો સામનો કરવો પડયો છે. મોદી સરકાર પાસે મોંઘવારી પર કાબુ મેળવવાની મોટી અપેક્ષા જનતા રાખી રહી છે. આંકાડ જોઈએ તો મોંઘવારી અને ફૂગાવાનો દર ઘટયો છે. કન્ઝયૂમર પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે ગત એક વર્ષમાં ફૂગાવાનો દર 6.8 ટકાથી ઘટીને 5.2 ટકા થયો છે. તો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે ગત એક વર્ષમાં ફૂગાવાનો દર 5.7 ટકાથી – 2.3 ટકા થયો છે. આ આંકડાઓ સરકારી ફાઈલોમાં ચોક્કસ ઘટયા છે... પરંતુ ફાઈલોમાં ઘટેલી મોંઘવારીથી જનતાને કોઈ રાહતનો અનુભવ થઈ રહ્યો નથી.

વહીવટીય ખર્ચને કારણે દર વર્ષે નાણાંકીય ખાદ્ય થતી હોય છે. સરકાર આવી નાણાંકીય ખાદ્યને જીડીપીના ચાર ટકાથી નીચે લઈ જવાનું લક્ષ્ય રાખે છે. આંકડા જોઈએ તો... 2014ના નાણાંકીય વર્ષમાં નાણાંકીય ખાદ્ય જીડીપીના 4.4 ટકા હતી. જ્યારે 2015માં નાણાંકીય ખાદ્ય જીડીપીના 4.1 ટકા રહી છે. જ્યારે 2016ના વર્ષમાં નાણાંકીય ખાદ્ય જીડીપીના 3.9 ટકા સુધી લઈ જવાની સરકારની ગણતરી છે. પરંતુ ખુદ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો અને ઓબામા.. જિનપિંગ જેવા વિદેશી મહેમાનોની આગતા-સ્વાગતામાં કરતા ખર્ચીલા તામજામનો ફાળો પણ વહીવટીય ખર્ચમાં નાણાંકીય ખાદ્યને વધારવામાં કારણભૂત છે.

મોદી સરકારના એક વર્ષના ગાળામાં બહારી આર્થિક પરિવર્તનો સામે પ્રતિરોધક ક્ષમતા ભારતે સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરી લીધી છે. આંકડો જોઈએ તો... 2013ના નાણાંકીય વર્ષમાં વિદેશી હૂંડિયામણનું ભંડોળ 292.6 અબજ ડોલર હતું. 2014માં 303.7 અબજ ડોલર અને 2015માં વિદેશી હૂંડિયામણનું ભંડોળ 343.9 અબજ ડોલરનું રહ્યું છે.  2013ના વર્ષમાં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના 4.7 ટકા, 2014માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના 1.7 ટકા અને 2015માં તે 1.3 ટકા રહ્યું છે. જો કે ભારતનું ચલણ રૂપિયો ડોલરની સરખામણીએ જેટ સ્પીડથી ઘટી રહ્યો હોવાનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો. 1 જાન્યુઆરી-2015માં એક ડોલરની કિંમત 63.164 રૂપિયા.. 1 ફેબ્રુઆરી-2015ના રોજ એક ડોલરની કિંમત 62.097 રૂપિયા, 1 માર્ચ-2015ના રોજ ડોલરનો ભાવ 61.644 રૂપિયા, 1 એપ્રિલ-2015ના રોજ ડોલરની કિંમત 62.32 રૂપિયા અને 6 મે-2015ના રોજ ડોલરની કિંમત 63.35 રૂપિયા હતો. જો તેની સરખામણી મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં આ સમયગાળા સાથે કરવામાં આવે.. તો 1 જાન્યુઆરી-2014ના રોજ ડોલરના 61.905 રૂપિયા હતા. 1 ફેબ્રુઆરી-2014ના રોજ ડોલરના 62.5 રૂપિયા, 1 માર્ચ-2014ના રોજ ડોલરના 61.831 રૂપિયા, 1 એપ્રિલ-2014ના રોજ ડોલરના 59.96 રૂપિયા ચુકવવા પડતા હતા. જો કે 6 મે-2014ના રોજ ડોલરના 60.20 રૂપિયા હતા.  આમ મોદી હોય કે મનમોહન  રૂપિયાની તબિયતમાં કોઈ મોટો સુધારો દેખાયો નથી.

મોદી સરકારના એક વર્ષના કાર્યકાળ દરમિયાન રોકાણમાં તબક્કાવાર ઝડપ આવી રહી છે. 2013માં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન -0.3 ટકા, 2014માં 3.0 ટકા અને 2015માં 4.1 ટકા રહ્યું છે. મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા જેવા પ્રોજેક્ટ સાથે ઔદ્યોગિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છે છે. પરંતુ માંદુ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે ચિંતાનો વિષય બની ચુક્યું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો દર મે-2014માં 5.6 ટકા હતો. ઓક્ટોબર-2014માં – 2.7 ટકા અને ફેબ્રુઆરી-2015માં 5.0 ટકા રહ્યો છે.

ભારતના અથતંત્રનો મોટો આધાર સેવા ક્ષેત્રો પર છે અને નિશ્ચિતપણે સારા ચોમાસાથી કૃષિ ક્ષેત્ર પણ ઓક્સિજન પુરું પાડતું રહે છે. ભારતીય અર્થતંત્રના વિકાસની પ્રક્રિયાની આગેવાની કરી શકે તેવો ઔદ્યોગિક વિકાસ દર હજી સુધી પ્રાપ્ત કરી શકાયો નથી. તેના માટે કારોબાર સ્થાપિત કરવામાં મુશ્કેલી.. મોટા રોકાણની જરૂરિયાત.... રોકાણકારોનો ઓછો ભરોસો.. મૂળભૂત માળખાગત સુવિધાનો અભાવ અને વર્ક કલ્ચરનો અભાવ પણ કારણભૂત છે. સાથે સ્કિલ્ડ લેબરની અછતે પણ ઔદ્યોગિક વિકાસના પાછળ રહેવામાં મોટી ભૂમિકા ભજવી છે.

મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના માપદંડો તરીકે કેટલાક કેન્દ્રીય ઉદ્યોગોના દેખાવને ધ્યાન પર લેવામાં આવે છે. આવા કેન્દ્રીય ઉદ્યોગમાં સિમેન્ટ.. સ્ટીલ.. ખાતર.. કોલસો, ક્રૂડ ઓઈલ.. નેચરલ ગેસ.. રિફાઈનરી ઉત્પાદનો અને વીજળીનો સમાવેશ થાય છે. માર્ચ-2015ના આંકડા દર્શાવે છે કે આ સેક્ટરનો વિકાસ હકીકતમાં 0.1 ટકા સાથે સમેટાયો છે. આ દેખાવ ઓક્ટોબર-2013 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

ફેબ્રુઆરી-2014માં વિકાસ દર 6.1 ટકા હતો અને ફેબ્રુઆરી-2015માં 1.4 ટકાના વધારા સાથે આગળ વધી રહ્યો છે. 2014-15ના નાણાંકીય વર્ષમાં ઉદ્યોગોના આ સેક્ટરમાં 3.5 ટકાનો વિકાસ દર નોંધાયો હતો. આ ઔદ્યોગિક વિકાસ દર ગત 6 વર્ષમાં સૌથી નીચો છે. કોર ઈન્ડસ્ટ્રીનું ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં યોગદાન 38 ટકા જેટલું છે. માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ઉદ્યોગોનું મહત્વ અને જરૂરિયાતને જોતા તાજેતરના આંકડા ચિંતા ઉપજાવનારા છે. તેનાથી આ સેક્ટરોમાં સૂચક મંદીનો સંકેત મળે છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને ફરીથી ચેતનવંતુ બનાવવા માટે રોકાણકારોને પ્રોત્સાહનની તાતી જરૂરિયાત છે. કાચામાલની સપ્લાઈમાં અડચણ, તેના માટે અપુરતી માંગ અને સંબંધિત આર્થિક નીતિના મુદ્દાઓને સારી રીતે સમજવા જરૂરી છે અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે ઉદ્યોગોવાર પગલા લેવા જરૂરી છે. તો બીજી તરફ ભારતીય રિઝર્વ બેન્ક પર વ્યાજદરો ઘટાડવા માટેનું દબાણ વધી રહ્યું છે. પરંતુ આરબીઆઈનો સંરક્ષણાત્મક સૂર અને ફૂગાવાના દરને કાબુમાં રાખવાની પ્રાથમિકતાને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા હાલ દેખાતી નથી. જો કે એક વર્ષના આંકડા અને એક માસના તાજેતરના ડેટા કોઈપણ સંપૂર્ણ નીતિગત નિષ્કર્ષ સુધી પહોંચવા માટે પુરતા નથી. પ્રવર્તમાન ટ્રેન્ડથી સંકેત મળી રહ્યા છે કે મંદી તરફ ઔદ્યોગિક ક્ષેત્ર આગળ વધી રહ્યું છે અને આવા સંજોગોમાં ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટજી પર પુનર્વિચારણા દેશના અર્થતંત્રના સારા આરોગ્ય માટે જરૂરી છે.


સૌનો સાથ સૌનો વિકાસનું સૂરસૂરિયું: મૌસમને નહીં મૌસમ કી બહારોને લૂંટા, હમે કશ્તીને નહીં, કિનારોને લૂંટા..

- આનંદ શુક્લ
સૌનો સાથ અને સૌનો વિકાસના સૂત્ર સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું છે. પરંતુ આ એક વર્ષ દરમિયાન ઈન્ડિયા ફર્સ્ટને પોતાની સરકારનો ધર્મ ગણાવનારા મોદીને અવાર-નવાર પોતાના નેતાઓ.. સાથીપક્ષો અને પ્રધાનો દ્વારા વિવાદીત નિવેદનોને કારણે મુશ્કેલીમાં મૂકાવું પડયું છે. ભારતને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા ધાર્મિક સહિષ્ણુતાનો ઉપદેશ આપી ચુક્યા છે. તો અમેરિકાએ ધાર્મિક આઝાદી સંદર્ભેના એક રિપોર્ટમાં મોદી સરકારની ટીકા કરી છે. જો કે બિનસાંપ્રદાયિકતા સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ મોદી સરકારની આવા મામલે નિષ્ક્રિયતાને વિરોધીઓ સમાજમાં વિઘટનકારી રાજકારણનું નામ આપી રહ્યા છે.

નરેન્દ્ર મોદીનું ચૂંટણી પ્રચાર અભિયાન વિકાસ પર કેન્દ્રીત રહ્યું હતું. મોદીના સબ કા સાથ.. સબ કા વિકાસ સૂત્રની ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પણ કરી છે. પરંતુ સાથે યાદ રાખવું જોઈએ કે મોદીએ પ્રચાર અભિયાનોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાના અને પિન્ક રિવોલ્યૂશન સહીતના ઘણાં સંવેદનશીલ મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. આ મુદ્દાઓ ભારતના રાષ્ટ્રીય હિત અને મૂળ સ્વભાવ માટે અતિમહત્વના હોવા છતાં.. તેના ઉદેશ્યો પર વિરોધીઓ આશંકાઓ વ્યક્ત કરતા રહ્યા છે. કડક હિંદુત્વવાદી નેતાની છાપ ધરાવતા મોદી આવા મુદ્દા ઉઠાવીને પરોક્ષપણે ધ્રુવીકરણનું રાજકારણ ખેલ્યા હોવાનું પણ ટીકાકારોનું માનવું છે. આજે એક વર્ષ થવા આવ્યું.. ત્યારે આ બંને મુદ્દે સરકારનું પરફોર્મન્સ ઝીરો છે. અંદાજ પ્રમાણે... અઢી કરોડ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો હજી પણ ભારતની ધરતી પર યથાવત છે. તો પિન્ક રિવોલ્યૂશનના નામે માતબાર વોટો મેળવનારા મોદી હજી સુધી ગૌહત્યાઓ અટકાવી શક્યા નથી. તો માંસની નિકાસમાં પણ ગત સરકાર કરતા વધારો થયો હોવાના કેટલાંક આકલનો વહેતા થયા છે.

મોદી સરકારની નીતિઓમાં સંઘ પરિવારના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાનું ખુલ્લેઆમ પ્રગટીકરણ પણ થયું છે. 26 જાન્યુઆરી-2015ના રોજ પ્રજાસત્તાક દિને સરકાર દ્વારા જારી કરાયેલી જાહેરાતમાં બંધારણના આમુખમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો ગાયબ હતા. કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ગીતા જયંતીના પ્રસંગે શ્રીમદ ભગવદ ગીતાને રાષ્ટ્રીય પુસ્તકનો દરજ્જો આપવાની માગણી કરી હતી. એક કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ દિલ્હી ચૂંટણીના પ્રચારમાં રામજાદાની સરકાર જોઈએ કે હરામજાદાઓની જેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.

તો કેન્દ્રીય લઘુમતી કાર્ય પ્રધાન નજમા હેપતુલ્લાહે પણ ફરમાવ્યું કે મુસ્લિમો લઘુમતી નથી. દેશમાં મુસ્લિમોની ઘણી મોટી વસ્તી છે. તો ભારતમાં રહેનારા તમામ હિંદુ હોવાની વાત પણ નજમા હેપતુલ્લાહથી માંડીને સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સુધીના નેતાઓએ કરી હતી. જો કે હેપતુલ્લાએ હિંદુના સ્થાને હિંદી કહ્યું હોવાનું પણ બાદમાં ફેરવી તોળ્યું હતું.

પૌરાણિક કથાઓને ઐતિહાસિક ગણાવવાની કોશિશો થઈ રહી છે. મુંબઈમાં એક આધુનિક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી અને માનવ શરીર પર જાનવરોનું માથું પ્રત્યાર્પિત કરવાની તકનીક પણ ઉપલબ્ધ હતી. તો આ વર્ષે આયોજિત કરાયેલી ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસમાં પણ ઘણાં રિસર્ચ પેપર્સમાં ઈતિહાસને ફેન્ટસી બનાવવાની કોશિશ કરવામાં આવી છે.

વાજપેયીના વડપણ હેઠળની એનડીએ સરકારના કાર્યકાળમાં શિક્ષણના ભગવાકરણની કોશિશ કરાઈ હતી. ઐતિહાસિક ઘટનાઓનું પ્રસ્તુતિકરણ માત્ર અને માત્ર ધાર્મિક તથા કોમવાદી દ્રષ્ટિકોણથી થયું હોવાના તત્કાલિન માનવ સંસાધન વિકાસ પ્રધાન મુરલી મનોહર જોશી પર આક્ષેપો પણ લાગ્યા હતા. હવે ફરી એકવાર શિક્ષણના ભગવાકરણની વાત ઉઠી રહી છે.
આ સંદર્ભે દેશની શીર્ષસ્થ શૈક્ષણિક સંસ્થાઓમાં આરએસએસ અને હિંદુ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલા લોકોની નિમણૂકોનો મુદ્દો પણ વિવાદનું કારણ બન્યો છે. ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદના પ્રમુખ પદે પ્રોફેસર સુદર્શનરાવની નિમણૂક તેનું ઉદાહારણ છે.

પ્રોફેસર રાવના એકેડેમિક ક્ષેત્રમાં કોઈ યોગદાન નહીં હોવાનો વિવાદ થયો છે. તેમનું લેખન માત્ર કેટલાંક બ્લોગો સુધી મર્યાદા છે અને તેઓ જાતિપ્રથાને ન્યાયપૂર્ણ તથા યોગ્ય ઠેરવતા રહ્યા હોવાનો વિવાદ પણ ઉઠ્યો છે. તેઓ પૌરાણિક કથાઓને તેઓ ઈતિહાસના રૂપમાં પ્રસ્તુત કરવા ઈચ્છતા હોવાનું પણ ટીકાકારો તરફથી જણાવાય છે. આ સમગ્ર મામલો આવનારી પેઢીઓની વૈજ્ઞાનિક વિચારશૈલી અને તર્કબદ્ધતા પર પ્રહાર સમાન હશે. આવા સંજોગોમાં સંસદમાં પ્રવર્તમાન માનવ વિકાસ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શિક્ષણનું ભગવાકરણ નહીં થાય તેવું નિવેદન આપવું પડયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પરિવાર અને ભાજપના કેટલાંક નેતાઓની બેફામ નિવેદનબાજીથી ગત એક વર્ષથી ખાસા પરેશાન છે. એમાય એનડીએના ઘટકદળ શિવસેનાએ પણ આક્રમક નિવેદનબાજી મુખપત્ર સામના દ્વારા શરૂ કરી છે. આવા સંજોગોમાં લોકસભાની ચૂંટણીમાં જ્વલંત જીત મેળવનારા મોદી માટે એ વાત સાચી સાબિત થઈ રહી છે કે — હમે તો અપનોને લૂંટા ગૈરો મેં કહા દમ થા.. અપની કશ્તી ડૂબી વહાં જહા પાની કમ થા..

વિચારધારાના સ્તરે ભાજપના સાસંદો ભારતીય રાષ્ટ્રવાદના સિદ્ધાંતો અને મૂલ્યો વિરુદ્ધ બેફામ નિવેદનબાજી કરતા પણ દેખાયા છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવીને બાદમાં આવું નિવેદન આપ્યાનો ઈન્કાર કર્યો હતો. કેરળના એક ભાજપના નેતાએ કહ્યુ હતુ કે ગોડસેએ ગાંધીજીના સ્થાને નહેરુની હત્યા કરવી જોઈતી હતી. હિંદુ મહાસભા દ્વારા ગોડસેની મૂર્તિઓ સ્થાપિત કરવાની કોશિશો પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંદર્ભે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે રંગભેદી ટીપ્પણી કરીને હદ વટાવી દીધી. ગિરિરાજસિંહે લોકસભાની ચૂંટણી વખતે વિવાદીત નિવેદન આપ્યું હતું કે જે લોકો મોદીને વોટ આપવા ઈચ્છતા ન હોય.. તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.
ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ નફરતનો માહોલ સતત એક વર્ષથી વધુ પ્રદૂષિત બન્યો છે. પુણેમાં બાલાસાહેબ ઠાકરેના કેટલાંક વિવાદીત કાર્ટૂનો સોશલ મીડિયા પર અપલોડ કરાયા બાદ મોહસિન શેખ નામના યુવાનની માર મારીને હત્યા કરવામાં આવી હતી.

સાધ્વી પ્રાચી અને સાક્ષી મહારાજ સહીતના ઘણાં નેતાઓ હિંદુ મહિલાઓએ ચારથી માંડીને દશ સુધીના બાળકો પેદા કરવા જોઈએ તેવી સલાહો પણ આપી. ભાજપના સાંસદ મહંત આદિત્યનાથ અવાર-નવાર ઉશ્કેરણીજનક નિવેદનો આપવા માટે જાણીતા છે. તેમણે ધાર્મિક લઘુમતીઓને હરિદ્વારમાં હિંદુઓના પવિત્રસ્થાન પર જવા પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરી છે. જ્યારે સાનિયા મિર્ઝાને તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી ત્યારે ભાજપના કેટલાંક નેતાઓએ તે પાકિસ્તાની ક્રિકેટરને પરણી હોવાનો મુદ્દો ઉઠાવીને વિરોધ કર્યો હતો. ભાજપના સાથીપક્ષ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મુસ્લિમોના મતાધિકારને છીનવી લેવાની વાત કરી હતી. જો કે પાછળથી ફેરવી તોળ્યુ હતું કે તેમણે મુસ્લિમ વોટબેંકના રાજકારણનો મામલો ઉઠાવ્યો હતો.

આ એક વર્ષ સંઘ પરિવાર સાથે જોડાયેલા ઘણાં નેતાઓ લવજેહાદ અને ઘરવાપસી જેવા મામલે કોમી તણાવનું કારણ પણ બનતા રહ્યા છે. દિલ્હી, મુંબઈની નજીક પનવેલ, હરિયાણા સહીત દેશભરમાં ઘણાં સ્થાનો પર ચર્ચો પર હુમલાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ હુમલાના દોષિતોને પકડવા માટે સરકાર અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાની એક લાગણી પણ ખ્રિસ્તી સમુદાયમાં પ્રવર્તી રહી છે.

ગત એક વર્ષમાં કોમી હિંસાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થયો છે. જો કે એક ફરક દેખાયો  અને તે એ કે આવી કોમી હિંસા ઘણાં નાના સ્તરે કરવામાં આવે છે. ક્યાંક એક દુકાન સળગાવી દેવામાં આવે છે.. તો ક્યાંક ધાર્મિક સ્થાન પર પથ્થરબાજી થાય છે. જો કે આવી ઘટનાઓથી સમાજના જુદાજુદા ધાર્મિક સમુદાયો વચ્ચે વિઘટનકારી માનસિકતા પેદા થાય છે.

ધાર્મિક આધારે સમાજનું વિભાજન મજબૂત.. સમર્થ અને સમૃદ્ધ ભારત માટે એક મોટી અડચણ છે. ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતોમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યોનો સમાવેશ થાય છે. પરંતુ આવો પ્રદૂષિત માહોલ ભારતીય બંધારણની ભાવનાનો પણ છેદ ઉડાડનારો સાબિત થઈ રહ્યો છે.

એક તરફ સંઘ પરિવારના ઘરવાપસી જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે.. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા ભારત સાથે વ્યૂહાત્મક સંબંધો વધારવાની સાથે પાકિસ્તાન સહીતના મુસ્લિમ દેશો સાથે સંબંધોનું સંતુલન પણ કરવા ઈચ્છે છે. આવા સંજોગોમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય હિતો માટે કદાચ મોદીના મિત્ર બરાક દ્વારા ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે ઉપદેશ અપાયો છે. મોદી સરકાર સમક્ષ ગત વર્ષ અને આગામી કાર્યકાળમાં આ મામલો એક આંતરરાષ્ટ્રીય કૂટનીતિક પડકાર સાબિત થવાનો છે. ત્યારે મોદી સરકાર માટે એવી સ્થિતિ હશે કે – મૌસમને નહીં મૌસમ કી બહારોને લૂંટા.. હમે કશ્તીને નહીં.. કિનારોને લૂંટા..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબામા પછી જ અજમેર શરીફ ખાતે ચાદર પેશ કરી હતી. તો ઓબામાએ દિલ્હીમાં સિરીફોર્ટ ખાતે ભારતમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા મામલે ઉપદેશ આપ્યો હતો. અમેરિકા પાછા ગયા બાદ પણ આ મુદ્દે ઓબામાએ ફરીથી ચિંતા વ્યક્ત કરી હતી. તો અમેરિકાના ધાર્મિક આઝાદી સંદર્ભેના રિપોર્ટમાં મોદી સરકાર દરમિયાન ચર્ચો પર હુમલા અને ઘરવાપસી જેવા કાર્યક્રમોના આધારે કેટલીક આકરી ટીપ્પણીઓ કરવામાં આવી છે. જો કે કોઈ બિનજવાબદાર નફરતભર્યું નિવેદન થાય.. ત્યારે ભાજપના પ્રવક્તા તેને સંબંધિત વ્યક્તિનું અંગત નિવેદન ગણાવીને પાનિયું છોડાવની કોશિશ કરતા હોય છે. ભાજપના નેતાઓ તરફથી દાવા થાય છે કે વિશ્વ હિંદુ પરિષદ.. વનવાસી કલ્યાણ આશ્રમ અને બજરંગદળ જેવા સંગઠનો સ્વતંત્ર છે અને તેમના પર તેમનું કોઈ નિયંત્રણ નથી. તેથી આવા સંગઠનોના નેતાઓ દ્વારા કરાતી નિવેદનબાજી માટે ભાજપ જવાબદાર નથી.

પરંતુ કેટલાંક જાણકારોનું માનવું છે કે ભાજપ અને આ તમામ સંગઠનો પર આરએસએસનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ સંગઠનો સંઘ પરિવારના સભ્ય છે. તેઓ ભાજપ સાથે મળીને હિંદુ રાષ્ટ્રના એજન્ડાને સાકાર કરવા માટે વ્યવસ્થિત અને આયોજનબદ્ધ કોશિશોને ઝડપી બનાવી રહ્યા છે. આ માત્ર યોગાનુયોગ કેવી રીતે હોઈ શકે કે જે સંગઠનો તથાકથિત રૂપથી સ્વતંત્ર છે.. તેવો આવી સમાન હરકતો અને નિવેદનબાજી કરી રહ્યા છે.. સંઘ પરિવારના તમામ સંગઠનો ભાજપના સત્તામાં આવ્યા બાદ ખૂબ આક્રમક વલણ સાથે કામ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં ઘરવાપસીના કાર્યક્રમો નહીં અટકે તેવી વાત સંઘ સુપ્રીમો મોહન ભાગવત સહીતના નેતાઓ કરી ચુક્યા છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે ધર્માંતરણ અટકાવતો કાયદો બનાવવામાં આવે.

મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં ભારતીય રાષ્ટ્રવાદી વિભૂતીઓને પોતાની વિચારધારાની હોવાનું પ્રસ્થાપિત કરવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે. જેમાં મદન મોહન માલવીયાથી માંડીને સરદાર પટેલ સુધીની વિભૂતિઓનો સમાવેશ થઈ જાય છે. સંઘનો દાવો રહ્યો છે કે વર્ધાની શિબિરમાં મહાત્મા ગાંધી આરએસએસથી ઘણાં પ્રભાવિત થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ડૉ. આંબેડકરને પણ પોતાના ગણાવવા માટેની કોશિશો કરી છે.

ટીકાકારોનું સ્પષ્ટ માનવું છે કે આ સમગ્ર મામલો સુનિયોજિત રીતે પ્લાન્ટ કરવામાં આવે છે. હકીકત એ છે કે ડૉ. હેડગેવાર જેવા અપવાદરૂપ નેતાઓને બાદ કરતા ભારતની આઝાદીની લડાઈમાં આરએસએસનું કોઈ ઉલ્લેખનીય યોગદાન રહ્યું નથી. મહાત્મા ગાંધીને માત્ર સ્વચ્છતા અભિયાનના પ્રતીક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારીત કરી રહ્યા છે. જો કે હિંદુ-મુસ્લિમ એકતા અને ધાર્મિક સહિષ્ણુતાના મામલે ગાંધીજીના વિચારોનો ઉપયોગ તદ્દન બંધ કરાયો છે.

ભારતની સુપ્રીમ કોર્ટના અવલોકન પ્રમાણે.. હિંદુ એ કોઈ સંપ્રદાયનું નામ નથી.. ભારતની જીવનશૈલી છે. જીવનશૈલીમાં પંથનિરપેક્ષતા પાયાગત સિદ્ધાંત હોય છે. હિંદુ પરંપરા વસુધૈવ કુટુમ્બકમ અને સહિષ્ણુતા સહીતના માનવમૂલ્યો માટે જગવિખ્યાત છે. આવા સંજોગોમાં સમાજમાં વિઘટનકારી એજન્ડાને વિકાસના એજન્ડા પર હાવી થવા દેવો મોદી સરકારની શાખ સાથે ભારતની એક રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા માટે પણ જોખમકારક છે.

વિશ્વમાં જે ખરેખર કોમવાદી અને મજહબી આતંકવાદ ચલાવી રહ્યા છે.. તેવા દેશોની સરખામણીએ ભારતને આવા મુદ્દે અમેરિકા સહીતના દેશો અને આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાનો પક્ષ મજબૂતાઈથી મુકવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત મજહબી આતંકવાદનો અઢી દાયકાથી ભોગ બન્યું છે. મજહબી આતંકવાદના મનસૂબા આનાથી પણ વધારે ખતરનાક છે. આવા સંજોગોમાં યુગોથી ચાલતી ભારતની પરંપરાગત જીવનશૈલી સાથેનું સેક્યુલર ભારત જ વિશ્વ સમક્ષ મજહબી આતંકવાદનો મજબૂતાઈથી સામનો કરી શકે તેમ છે.

મોદી @ 365 : મનમોહનને સારા કહેવડાવશે મોદી? વિકાસની વાતોના વડાંથી આગળ વધવું જરૂરી..


- આનંદ શુક્લ

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું એક વર્ષ પૂર્ણ થયું છે. મોદીને ઉત્સાહપૂર્વક વોટ આપનારા લોકોને પણ એક વર્ષના અંતે અહેસાસ થઈ રહ્યો છે કે સરકાર હજીપણ વધુ સારી રીતે કામ કરી શકી હોત. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીના લોભામણા વાયદાઓ પર આશાના કિલ્લા બાંધ્યા હતા. હવે એક વર્ષે જનતા કરાયેલા વાયદાને વાસ્તવિક બનતા જોવા પણ ઈચ્છે છે. ઘણાં મોહભંગ પામેલા લોકો તો એક વર્ષમાં અપેક્ષાના ભાર તળે દબાયેલા વડાપ્રધાન મોદીને વાયદાના મોટા ખેલાડી અને કામ કરી દેખાડવામાં ફસકી ગયેલી લાગી રહી છે. જ્યારે સિક્કાની બીજી બાજુમાં મોદીભક્તોનો એવો પણ અભિપ્રાય છે કે એક વર્ષમાં મોદીએ કરેલા કાર્યોની મુલવણી કરવી યોગ્ય નથી.

લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનોમાં નરેન્દ્ર મોદીએ ત્રણ વાયદા કર્યા હતા. જેમાં પહેલો વાયદો હતો કે 100 દિવસોમાં વિદેશોમાં જમા કાળા નાણાંની ભારત વાપસી કરાવવી. બીજો વાયદો કરાયો હતો કે એક વર્ષમાં એક કરોડ રોજગાર આપવા. તો ત્રીજો વાયદો કરાયો હતો કે બિનસાંપ્રદાયિક નીતિઓનું સંપૂર્ણપણે અમલીકરણ કરાશે. જો કે મોદી સરકારના એક વર્ષના કાર્યકાળને જોતા કેટલીક ભાષણબાજી અને કોશિશો અવશ્ય થઈ છે. પરંતુ આ તમામ વાયદા પુરા કરવા અને ધાર્યા પરિણામો મેળવવા માટે નક્કર પ્રયત્નો કરાયા નથી.

આટલા સમયગાળામાં ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે સમાપ્ત કરવા અને મોટા પ્રમાણમાં રોજગારોની તક પુરી પાડવી એ સહેલું કામ નથી. જો કે ફરિયાદ એ પણ ઉઠી રહી છે કે એક વર્ષમાં આ વાયદાઓ પુરા નહીં કરવાની વાત તો સમજી શકાય તેવી છે. પરંતુ જે પ્રકારે સરકાર કામ કરી રહી છે...તેનાથી બીજા વર્ષે પણ આ વાયદામાંથી કેટલા પુરાં થશે તેના સંદર્ભે આશંકાઓ તો ચોક્કસ પ્રવર્તી રહી છે. જ્યારે મોદી પ્રચાર અભિયાનમાં વાયદાઓ કરી રહ્યા હતા.. ત્યારે જનતાએ તેમની ઈમાનદારી અને નિષ્ઠા પર ખૂબ મોટો ભરોસો મૂક્યો હતો. પરંતુ મોદીની બહુપ્રચારીત નેતૃત્વ ક્ષમતા છતાં જનતાના હાથમાં હજી કંઈ નક્કર પરિણામ હાથ લાગ્યું નથી.

ઘણાં વિવાદો વચ્ચે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં ગતિશીલ વિકાસના વાહક  તરીકેની છબી ઉભારવામાં સફળ રહ્યા હતા. પરંતુ એક વર્ષના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં મોદીને તેમના વૈચારીક પરિવાર અને ભાજપના પાર્ટી સંગઠનના કેટલાંક નેતાઓની બેહુદી નિવેદનબાજીના પડકારનો સામનો કરવો પડયો છે. તો કેન્દ્રીય કેબિનેટના જ કેટલાંક પ્રધાનોના વિવાદીત નિવેદનોને કારણે મોદીને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડયો છે. પ્રધાનમંડળના સહયોગીઓની અપરિપક્વ અને અશોભનીય ભાષા બદલ વડાપ્રધાન તરફથી કોઈ કડક કાર્યવાહી પણ થતી લાગતી નથી. સાધ્વી નિરંજના જ્યોતિ હોય.. ગિરિરાજસિંહ હોય કે વિમાનમાં માચિસ સાથે પહોંચી જનારા નાગરિક ઉડ્ડયન પ્રધાન હોય. આવા વ્યવહાર બદલ મોદીની જાહેર ખામોશી આવા વ્યવહારને સંરક્ષણ આપનારી છે અથવા કાર્યવાહી માટે કડક પ્રશાસક તરીકેની છાપ ધરાવતા મોદી નબળા પડી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેને પણ આશંકાની નજરે જોવામાં આવે છે. આવી જ એક બાબત જમીન સંપાદન બિલની છે. આ બિલને વિપક્ષ અને ખેડૂતોનો મોટો વર્ગ ઘણી આશંકાઓથી જોઈ રહ્યો છે. દુર્ભાગ્યની વાત એ છે કે મોદી સરકાર અથવા સંગઠનમાં એકપણ એવા નેતા નજરે પડતા નથી કે જેના પર લોકો ભરોસો કરી શકે અને તેઓ લોકોને આવી યોજનાઓના કોઈ ફાયદા હોય તો તેની જાણકારી અસરકારક રીતે લોકોને આપી શકે. આ મામલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી વાત.. પણ ખેડૂતોના દિલ સુધી પહોંચી શકી નથી. આશ્ચર્યની વાત છે કે વિરોધો અને વિવાદોના માહોલમાં આવી રહેલી કેટલાંક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ છતાં મોદી આને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને કોઈપણ ભોગે જમીન સંપાદન બિલને લાગુ કરાવવા આગળ વધવા માગતા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આવી સ્થિતિ હકીકતમાં આગામી સમયના રાજકીય પરિદ્રશ્યમાં ચૂંટણીઓ અને અન્ય બાબતોમાં મોદી સરકાર સામે મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.

દેશનો સામાન્ય માણસ સરકારના નીચલા સ્તરમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી ખૂબ જ પરેશાન છે. આ સમસ્યાઓથી લોકોનો દરરોજ આમનો-સામનો થાય છે.. ત્યારે તેઓ સીધા તેના માટે મોદીના નેતૃત્વથી મોહભંગ થતા નજરે પડે છે. તેનું પણ કારણ છે.. મોદીએ ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવાનો વાયદો કર્યો હતો. તેમની પાસેથી જનતાની સૌથી મોટી અપેક્ષા ભ્રષ્ટાચારની જડમૂળથી સમાપ્તિની છે. ઉચ્ચ રાજકીય સ્તરે અને વહીવટીય તંત્રમાં ભ્રષ્ટાચાર હજીપણ મોટાપ્રમાણમાં અસ્તિત્વમાં છે. ત્યારે લોકોને લાગી રહ્યું છે કે વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારી તત્વોમાં ભય પેદા કરવામાં સંપૂર્ણપણે સફળ થયા નથી.

મોદી લોભામણા સપના દેખાડવામાં માહેર છે અને તેઓ હંમેશા વિકાસ પર ભાર મૂકતા ભાષણો કરે છે. પરંતુ વિકાસ માટે માત્ર આટલું જ તો પુરતું નથી જ. વાસ્તવિક વિકાસ થતો હોવાનો અહેસાસ પણ થવો જોઈએ. ફૂગાવાનો દર ઘટયો હોવાના દાવા થઈ રહ્યા છે. આંકડામાં ફૂગાવો ઘટી પણ રહ્યો છે.. પણ મોંઘવારીનો ગાળિયો જનતાની ગરદનની આસપાસ એવો જ કસોકસ કસાયેલો છે. આવા સંજોગોમાં મોદી સરકારનું બીજું વર્ષ વધુ પડકારજનક સાબિત થશે. લોકો હવે ચોક્કસ ઈચ્છશે કે દેખાડવામાં આવેલા સપનાઓ પર કામ થાય અને તેના પરિણામ પણ મીઠા ફળની જેમ ખાવા ના મળે તો ... કંઈ નહીં પણ ચાખવા તો મળે. આમ તો મોદી સરકાર પર હજી ચાર વર્ષનો કાર્યકાળ બાકી છે. કરેલા વાયદા તેમણે તેમની પાંચ વર્ષની ટર્મમાં પુરા કરવાના છે. ચોક્કસપણે વિકાસ રાતોરાત થતો નથી. પણ તબક્કાવાર થઈ રહેલી કોશિશોનો અનુભવ ચોક્કસ થઈ શકે છે. આવી કોશિશો જનતા સુધી પહોંચવી પણ જરૂરી છે.

મોદી @ 365 : પાકિસ્તાન નીતિ અસ્પષ્ટ અને કાશ્મીર મામલે વિસંગતતા, ઓબામા ઈફેક્ટની સ્પષ્ટ અસર



- આનંદ શુક્લ
એક વર્ષના ગાળામાં મોદી સરકારની પાકિસ્તાન અને કાશ્મીર નીતિમાં ઘણી અસ્પષ્ટતા અને ગુંચવાડો દેખાય છે. શરૂઆતમાં પુરોગામી મનમોહનસિંહની સરકારથી મોદી સરકારની પાકિસ્તાન અને કાશ્મીર નીતિ અલગ ચિલો ચાતરનારી લાગતી હતી. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા સાથેની દિલ્હી મુલાકાતમાં ચાય પે ચર્ચા બાદ લેવાયેલો મોદી સરકાર દ્વારા લેવાયેલો આ યુટર્ન ખરેખર પાકિસ્તાન-કાશ્મીર મામલે મનમોહનસિંહની સરકારની મિરર ઈમેજ જેવો લાગી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ષના કાર્યકાળમાં ભારતની વિદેશ નીતિ વાઈબ્રન્ટ બની હોવાનું માનવામાં આવે છે. ઘણાં સ્તરે વ્યાપક વિદેશ પ્રવાસો દ્વારા મોદીને ભારતની સાથે પોતાની એક શાખ ઉભી કરવામાં ઘણી મોટી સફળતા પણ મળી છે. જો કે તેમ છતાં ભારત માટે આઝાદીકાળથી માથાનો દુખાવો બનેલા પાકિસ્તાન પ્રત્યેની મોદી નીતિમાં એક વર્ષના અંતે ઘણાં ચઢાવ-ઉતાર અને યુટર્નો જોવા મળી રહ્યા છે. કુલ મળીને પાકિસ્તાન તરફની મોદી સરકારની નીતિમાં સાતત્યનો અભાવ દેખાય છે.

26 મે-2014ના રોજ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના શીર્ષસ્થ નેતાઓ સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પણ બોલાવ્યા હતા. સાર્ક દેશોના અન્ય નેતાઓ સિવાય શરીફ સાથે પણ શરાફતથી મોદીએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. જેમાં આતંકવાદીઓના બોમ્બધડાકામાં શાંતિની વાટાઘાટોનું ગળું ટુંપાઈ જતું હોવાનો સ્પષ્ટ સંદેશ ભારતના વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો હતો.

પાકિસ્તાનની ભારત નીતિમાં કાશ્મીર વિવાદની મોટી ભૂમિકા રહી છે. મોદીના સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાને મુશર્રફના ગયા બાદ મંદ પડેલા રાગ કાશ્મીરને ફરીથી આલાપવાનું શરૂ કર્યું હતું. ગત વર્ષે વિદેશ સચિવ સ્તરની ઈસ્લામાબાદ ખાતે યોજાનારી વાતચીતમાં કાશ્મીર વિવાદને કારણે મોટી અડચણ આવી. વિદેશ સચિવ સ્તરની વાતચીત પહેલા જ ભારત ખાતેના પાકિસ્તાની હાઈકમિશનર અબ્દુલ બાસિતે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળવાની શરૂઆત કરી. જેના કારણે ભારત સરકારે તાત્કાલિક અસરથી વિદેશ સચિવ સ્તરની વાટાઘાટો રદ્દ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શરીફ શપથવિધિમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેમણે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ સાથે મુલાકાત ટાળી હતી. જો કે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનના શીર્ષસ્થ નેતાઓ અને પાકિસ્તાની હાઈકમિશનર મળતા રહ્યા છે. પરંતુ આને મોદી સરકારની પાકિસ્તાન અને કાશ્મીર નીતિમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવ્યું હતું.

તો મોદી સરકારને યુએનના જમ્મુ-કાશ્મીરના મિશન માટે ફાળવેલો સરકારી બંગલો પણ પાછો લઈ લીધો હતો. પરંતુ તેની અસર જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર દેખાઈ. પાકિસ્તાની સેના દ્વારા બેફામ ફાયરિંગ કરીને મોદીના એક વર્ષના કાર્યકાળમાં લગભગ 580 વાર શસ્ત્રવિરામ ભંગ કરાયો છે. પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદે જમ્મુના હિંદુ બહુલ વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હતા. તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે તથા મુફ્તિ સરકારના સત્તામાં આવ્યા બાદ જમ્મુના હિંદુ બહુલ વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ વધ્યું છે.

મોદી સરકારે પાકિસ્તાનના બેફામ ફાયરિંગનો જવાબ બુલેટ વિરુદ્ધ મોર્ટાર સેલથી આપ્યો હતો. આ સંકેત હતો કે હજારો ઘા આપીને ભારતને રક્તરંજિત કરવાની પાકિસ્તાનની વ્યૂહરચનાનો જવાબ હજાર બેન્ડેઝથી હવે દિલ્હીની સરકાર આપશે નહીં. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં નવાઝ શરીફે જમ્મુ-કાશ્મીરમાં જનમત કરાવવાનો મામલો ઉઠાવ્યો હતો. ત્યારે મોદીએ પોતાના ભાષણમાં શરાફત સાથે શરીફને જવાબ આપ્યો હતો કે ભારત પાકિસ્તાન સાથે તમામ મુદ્દે વાટાઘાટો માટે તૈયાર છે. પાડોશી દેશ સાથે સારો સંબંધ બનાવવા ઈચ્છુક છે. પાકિસ્તાને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને બંધ કરવી પડશે.

સરહદી તણાવની અસર સાર્ક દેશોની કાઠમંડૂ ખાતેની મુલાકાતમાં પણ વર્તાઈ હતી. દિલ્હી ખાતે શપથવિધિમાં શરીફને આમંત્રણ આપનારા મોદીએ બેઠકના પ્રથમ દિવસે તેમની સાથે કોઈ દુઆ-સલામનો સિરસ્તો પણ નિભાવ્યો નહીં. શરીફના ભાષણ વખતે મોદીએ તેમની બિલકુલ નોંધ પણ લીધી નહીં અને કોઈ પેમ્ફલેટ ફેરવતા રહ્યા હતા. જો કે સાર્ક દેશોની બેઠકમાં છેલ્લા દિવસે નેપાળના વડાપ્રધાન સુશીલકુમાર કોઈરાલાની કોશિશોને કારણે મોદીએ શરીફ સાથે લાંબુ હસ્તધૂનન કર્યું હતું. સાર્ક બેઠકની ફળશ્રુતિ પણ મોદી-શરીફનું મિલન જ રહી. બાકી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ઘણા મહત્વપૂર્ણ ઠરાવો અટકી ગયા હતા.

ભારતની વિદેશ નીતિ હકીકતમાં દેશમાંથી ઘડાઈ રહી છે? કે વૈશ્વિક મહાસત્તા અમેરિકાનું પ્રભુત્વ છે.. તેનો અહેસાસ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દિલ્હીના મહેમાન બન્યા ત્યારે દેખાયો હતો. કારણ કે મોદીનું પાકિસ્તાન તરફનો છેલ્લા 8 માસ દરમિયાનનો અસહકારભર્યો વર્તાવ માટે બિગ બ્રધર્સ તરફથી મળેલા ઠપકા પછી ભારતનું બદલાયેલું વલણ અને એકાએક પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાનું વલણ ચાય પે ચર્ચા વખતે ઓબામાની સૂચના હોવાનું દિલ્હીના અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મોદી હોય કે મનમોહન.... ભાજપ હોય કે કોંગ્રેસ.. અંતે તો બંનેએ અમેરિકાની સૂચના પછી જ તેમનો પાકિસ્તાન માટેનો વ્યવહાર અને વલણો નક્કી કરવાના હોય છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પાકિસ્તાન સાથે ફરીથી વાટાઘાટો કરવા માટે મજબૂતાઈથી અભિપ્રાય મૂક્યો હતો. વડાપ્રધાન મોદી પર ઓબામાના મજબૂત અભિપ્રાયની ઊંડી અસર થઈ છે.

મોદી સરકારની પાકિસ્તાન નીતિ પર સૌથી મોટી ઓબામા ઈફેક્ટ ફરીથી બિનશરતી દ્વિપક્ષીય વાટાઘાટો માટેની તૈયારી છે. તો પાકિસ્તાની હાઈકમિશનરની હુર્રિયતના ભાગલાવાદી નેતાઓ સાથેની મુલાકાતના મુદ્દે પણ વલણ કૂણું કરવામાં આવ્યું છે. જમ્મુ- કાશ્મીરમાં સેલ્ફરૂલની ટેકેદાર અને ભાગલાવાદીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતી પીડીપી સાથે ભાજપની જોડાણ સરકાર પણ એક મોટું આશ્ચર્ય તો છે જ ..

મોદીએ પાકિસ્તાન નીતિમાં પહેલો યુટર્ન દ્વિપક્ષીય વાટાઘાટોને ફરીથી શરૂ કરવા બાબતે લીધો હતો. તેના માટેના તર્કો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોથી મોદી સરકારની મુશ્કેલીઓ પણ વધી છે. બેફામ ફાયરિંગ કરનારું પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનર્જિવીત કરવાની કોશિશો કરી રહ્યું છે.. ત્યારે મોદી સરકારનો દ્વિપક્ષીય વાટાઘાટો મુદ્દે લેવાયેલો યુટર્ન ખરેખર તેમની પાકિસ્તાન નીતિની પોલખોલનાર છે. ઓબામાની ભારત મુલાકાત બાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી સાર્ક દેશોની ટીમને શુભેચ્છા આપવાના બહાને વડાપ્રધાન મોદીએ સંબંધિત દેશોના પ્રમુખો સાથે વાતચીત કરી હતી. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સાથે પણ મોદીએ ટેલિફોન દ્વારા વાતચીત કરી હતી. તો સાર્ક દેશોની નવનિયુક્ત વિદેશ સચિવ એસ. જયશંકરની મુલાકાત પણ ગોઠવવામાં આવી હતી. ભારતના વિદેશ સચિવ સાથે પીએમ મોદીએ એક પત્ર પણ નવાઝ શરીફને મોકલ્યો હતો. વહેતી થયેલી ચર્ચાઓ પ્રમાણે.. મોદીએ પત્રમાં 2016માં ઈસ્લામાબાદ ખાતે યોજાનારી સાર્ક દેશોની બેઠકમાં ભાગ લેવાનું વિચારતા હોવાનું પણ જણાવ્યું હતું.

મોદી સરકારની પાકિસ્તાન નીતિનો બીજો યુટર્ન પણ કોઈ કોયડાથી કમ નથી. રણનીતિક મામલાના નિષ્ણાત બ્રહ્માચેલાની દ્વારા લખાયેલા એક આર્ટીકલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે દિલ્હી ખાતેના તેના હાઈકમિશનર હુર્રિયતના ભાગલાવાદી નેતાઓને સત્તાવાર વાટાઘાટો શરૂ થવાની હોય તેવા સમયગાળા દરમિયાન મળે નહીં. જો કે તેના સિવાયના સમયગાળામાં પાકિસ્તાની હાઈકમિશનર હુર્રિયતના ભાગલાવાદી નેતાઓને મળી શકશે. ભારત સરકારની એડવાઈઝરી પ્રમાણે.. પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બાસિતે બંને દેશો વચ્ચી વિદેશ સચિવ સ્તરની વાટાઘાટો બાદ પહેલા હુર્રિયતના નેતા સૈયદ અલી શાહ ગિલાની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મીરવાઈઝ ઉમર ફારુકની આગેવાની હેઠળના હુર્રિયતના સાત સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી.

ભૂતપૂર્વ ભારતીય સેનાધ્યક્ષ અને મોદી સરકારમાં વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહ પાકિસ્તાન દિવસની ઉજવણીમાં મોકલવામાં આવ્યા હતા. લીલી કોટીમાં પાકિસ્તાન દિવસની મિજબાનીમાં મહાલવા પહોંચેલા જનરલ વી. કે. સિંહને પાકિસ્તાની હાઈકમિશનમાં યોજાયેલી ઉજવણી વખતે ભાગલાવાદી હુર્રિયત નેતાઓ સાથે ભાગ લેવો પડયો હતો. ત્યાર બાદ તેમણે કેટલાંક શબ્દ દ્વારા નાખુશી વ્યક્ત કરી અને બાદમાં મીડિયા પર વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવી યુટર્ન પણ લીધો હતો.
સૌથી મોટું આશ્ચર્ય અને આઘાત જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી જોડાણ સરકાર પર છે. ભાજપ અહીં કલમ-370ની નાબુદીની માગણી કરતું રહ્યું છે.

ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરથી કલમ-370ની નાબુદી અને દો વિધાન.. દો પ્રધાન વિરુદ્ધ સત્યાગ્રહ કરીને શહીદી વ્હોરી હતી. પરંતુ પીડીપી પર ભૂતકાળમાં ભાગલાવાદીઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવનારું ભાજપ આજે તેમની સાથે રાજ્યમાં સરકાર ચલાવી રહ્યું છે. પીડીપી સેલ્ફ રુલની માગણી કરી રહી છે. તે કલમ-370ની નાબુદીની વિરુદ્ધ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન તરફ પણ કૂણી લાગણી ધરાવે છે. આવા સંજોગોમાં બે વિરુદ્ધ રાજકીય ધ્રુવોના જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકાર બનાવવાની મજબૂરી પણ આંતરરાષ્ટ્રીય ખાસ કરીને અમેરિકાના દબાણમાં કોઈ ખિચડી પાકતી હોવાની છાપ પેદા કરનારી છે.

એક વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને વિરાટ જીત જનતાએ પાકિસ્તાન અને કાશ્મીરની નીતિમાં ગુણાત્મક ફેરફાર માટે આપી હતી. ભારતના મતદારોને મોદી પરિવર્તનકારી નેતા લાગ્યા છે. પરંતુ ઓબામા સાથે ચાય પે ચર્ચા બાદ મોદી સરકારની કાર્યવાહીથી સંકેત મળી રહ્યા છે કે પુરોગામી મનમોહનસિંહ સરકાર પર પાકિસ્તાન સામે સ્વાભિમાન ગિરે મૂકવાના આક્ષેપો લાગ્યા હતા તેવી દિશામાં જ હાલની નીતિ આગળ વધી રહી છે.
વાતચીત માટે આતંકવાદ બંધ કરવો પડશે તેવો સ્પષ્ટ ડિપ્લોમેટિક મેસેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. મુંબઈ હુમલાના ગુનેગાર લખવીની મુક્તિ અટકાવામાં અસફળ રહેલી મોદી સરકાર સંયુક્ત રાષ્ટ્રની સેન્કશન્સ કમિટીમાં ફરિયાદ કરીને સહકારના આશ્વાસનથી વધુ કંઈ મેળવી શકી નથી. ભારતને ઉપદેશ આપતા અમેરિકાએ આતંકની ફેક્ટરી એવા પાકિસ્તાનને એક અબજ ડોલરની મદદ પણ કરી છે. સાથે વાટાઘાટો માટે ભારત પર દબાણ પણ યથાવત રાખ્યું હોવાની એક માન્યતા પ્રવર્તી રહી છે.

એક તરફ ઓબામા નિર્દેશિત અભિપ્રાયો હેઠળ પાકિસ્તાન સાથે પરંપરાગત રીતે વાટાઘાટોની ભારતે તૈયારી કરી છે. ભારતની પરંપરાગત પાકિસ્તાન નીતિમાં તેની યુદ્ધખોરી અને આતંકી પ્રવૃત્તિ સામે પણ વાટાઘાટો બંધ કરવાની રહી છે. 2008ના મુંબઈ હુમલા બાદ તત્કાલિન ભારતીય વડાપ્રધાન મનમોહનસિંહે શર્મ-અલ-શેખ ખાતે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. ત્યારે સંયુક્ત નિવેદનમાં બલુચિસ્તાનમાં ભારત બળવાને ઉશ્કેરી રહ્યું હોવાની પાયાવિહોણી વાત પણ સામેલ કરવામાં આવી હતી. ત્યારે આવા સંજોગોમાં ફરીથી મનમોહનસિંહની રાહે મોદી સરકારની બિનશરતી વાતચીતની તૈયારીઓના સંકેત સ્પષ્ટપણે પાકિસ્તાનને તેની ભારતને રક્તરંજિત કરવાની નીતિ માટે પ્રોત્સાહક જ સાબિત થાય તેવી શક્યતા છે. કારણ કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથેની વાતચીત બંધ કરવાનું પગલું ભરીને ભારત સરકારો અત્યાર સુધી સંતોષ માનતી આવી છે.

તો બીજી તરફ સત્તાવાર વાટાઘાટો સિવાયના સમયમાં પાકિસ્તાનના હાઈકમિશનરને કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળવાની ભારત સરકાર તરફથી આપવામાં આવેલી મંજૂરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોદી સરકારની પાકિસ્તાન નીતિને નિષ્ફળ ગણાવતા પ્રશ્નો પુછાઈ રહ્યા છે કે શું પાકિસ્તાનની એલચીમાં રહેલા કોઈપણ ભારતીય અધિકારીને પાકિસ્તાન બલોચ રાષ્ટ્રવાદીઓ અથવા ગિલગિટ-બાલ્ટિસ્તાનના શિયા ભાગલાવાદીઓને મળવાની મંજૂરી આપે ખરું?

મોદીની પાકિસ્તાન નીતિ પર ઓબામા ઈફેક્ટ ઘણી વ્યાપક છે. પાકિસ્તાનના પેશાવરની સૈનિક સ્કૂલ પર તાલિબાની આતંકીઓએ હુમલો કર્યો અને દોઢસોથી વધુ વિદ્યાર્થીઓની કત્લેઆમ કરી હતી. પાકિસ્તાન પેશાવરના હુમલા પાછળ ભારતની ગુપ્તચર સંસ્થા રૉને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનવીય સંવેદનાઓ હેઠળ ભારતની તમામ શાળાઓમાં મૌન પાળવાના નિર્દેશ આપીને આતંકવાદનો વિરોધ કર્યો હતો. જો કે પાકિસ્તાને તેનો જવાબ બેફામ ફાયરિંગ અને મુંબઈ હુમલાના ગુનેગાર લશ્કરે તોઈબાના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીને જેલમાંથી મુક્ત કરીને આપ્યો છે.

આતંકવાદની લડાઈમાં ઓબામા-મોદીએ સાથ-સાથ હોવાના સૂર તાણ્યા.. તો ઓબામાએ બે વખત ભારતને ધાર્મિક સહિષ્ણુતાની સલાહ પણ આપી. દિલ્હીમાં સિરી ફોર્ટ ખાતે અને અમેરિકામાં ધાર્મિક નેતાઓ સાથેની બેઠકમાં ઓબામાએ ભારતને સહિષ્ણુતા મામલે ઉપદેશ આપ્યા હતા. તાજેતરમાં અમેરિકાના ધાર્મિક આઝાદી પરના રિપોર્ટમાં પણ મોદી સરકારની ટીકા કરાઈ છે. જાણકારો પ્રમાણે.. અમેરિકાની આ હરકત પાકિસ્તાન સાથે સંબંધોને સંતુલિત કરવા અને મોદી સરકારને ઈસ્લામાબાદ સાથે વાતચીત કરવા મજબૂર બનાવવાની વ્યૂહરચનાનો ભાગ છે. મોદીની વિદેશ નીતિ ચપળ ગણાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ન તો ઓબામાને અને ન તો પાકિસ્તાન જેવા દેશને બિન-સુન્ની લઘુમતીઓની કનડગત અને હત્યાઓના મુદ્દે મોદી સરકારે કોઈ જવાબ આપ્યો નથી.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ઘરઆંગણે પાકિસ્તાની સેના પ્રેરીત આંદોલનોના પડકારોનો સામનો કરી ચુક્યા છે. તેઓ પાકિસ્તાની સેનાના એજન્ડાને અવગણવાની સ્થિતિમાં બિલકુલ નથી. આવા સંજોગોમાં કમજોર શરીફ સરકાર સાથે વાટાઘાટો માટે મજબૂત મોદી સરકારની મજબૂરીનું કારણ ઓબામા ઈફેક્ટ સિવાય બીજું કંઈ નહીં હોવાનું જાણકારોનું માનવું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો અનુભવ રહ્યો છે કે પીસ પ્રોસેસ પુનર્જિવીત કરવાથી શાંતિ તો નથી આવતી પણ ભારતીય પક્ષની પ્રોસેસ વધી જાય છે. આવા સંજોગોમાં ભારત ઉદયને રોકવામાં લાગેલા પાકિસ્તાન માટે આતંકવાદ ચોક્કસપણે એક સ્ટ્રેટજિક વેપન છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ દલબીરસિંહ સુહાગ પણ ચેતવણી આપી ચુક્યા છે કે પાકિસ્તાનમાં આતંકવાદનું માળખું યથાવત છે.

મોદીની ગતિશીલતા અને ચાલકબળને કારણે ભારતીય વિદેશ નીતિ અને કૂટનીતિમાં અલગ જીઓસ્ટ્રેટજિક છાપ તથા દિશા મળવાની આશા પેદા થઈ છે. પરંતુ પાકિસ્તાન તથા કાશ્મીર નીતિ સંદર્ભે મોદી સરકારની અનિર્ણાયત્મક સ્થિતિ લાંબાગાળાના રાષ્ટ્રહિતો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

મોદી @ 365 : ગાજ્યા મોદી કેટલાં વરસ્યા, અચ્છે દિન તુમ કબ આયોંગે?

- આનંદ શુક્લ

લગભગ તમામ મોરચે રહેલા પડકારો સામે ડૉ. મનમોહનસિંહની સરકારને મજબૂર માનવામાં આવી હતી. મજબૂર સરકારના સ્થાને મજબૂત સરકારની અપેક્ષા સાથે નરેન્દ્ર મોદીની સરકારને જનતાએ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રની સત્તા સોંપી છે. પરંતુ પ્રચાર અભિયાનમાં મોદીના વાયદાઓથી ઉભી થયેલી અપેક્ષાને કારણે જનાકાંક્ષાઓના બોજ હેઠળ સત્તામાં આવેલી સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષના કાર્યકાળમાં મોદી સરકાર ક્યાં મોરચે મજબૂત અને ક્યાં મોરચે મજબૂર દેખાઈ છે... તેના પર સમીક્ષાઓ થઈ રહી છે. જો કે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે જનાકાંક્ષાઓનું વજન ઘણું વધારે છે.. તેથી મોદી સરકાર જેટલું પણ કરશે તે ઉમ્મિદોના ત્રાજવે ઓછું જ સાબિત થવાનું છે.

ભારતનું આઝાદી પછીનું રાજકારણ મર્યાદિત રાજકીય વિકલ્પો ધરાવે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં દેશની મંથર બનેલી અર્થગતિ, આતંક સામેની ઢીલી નીતિ, આભને આંબતી મોંઘવારી, સરહદે ચીન અને પાકિસ્તાનના સામરિક પડકારોમાં પીછેહઠની સ્થિતિ, ઉદ્યોગો અને રોકાણકારો તરફથી ઉભી થયેલી નિરાશાના પડકારો હતા. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના મતદારો સામે એકમાત્ર મજબૂત વિકલ્પ તરીકે હતા. મતદારોની અપેક્ષાઓ, આશાઓ હતી કે દેશને એક મજબૂર સરકારને સ્થાને મજબૂત સરકાર મળે. ત્રીસ વર્ષ બાદ પહેલી વખત ભારતના મતદારોએ એ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સત્તા સોંપી. ચૂંટણી જીત્યા પછી પ્રચાર અભિયાનમાં કરેલા અચ્છે દિનના વાયદાને જાહેરસભામાં મોદીએ યાદ પણ કરાવ્યો અને લોકોએ પણ માન્યુ હવે અચ્છે દિન આ ગયે..

પરંતુ હવે મોદી સરકારનું એક વર્ષ પૂર્ણ થઈ ચુક્યું છે. સરકારનો હનિમૂન પિરીયડ પૂર્ણ થઈ ચુક્યો છે. હવે લોકો પરિણામ માંગી રહ્યા છે. પરંતુ પ્રચાર અભિયાનમાં વાયદાનો વરસાદ કરવો અલગ વાત છે અને સત્તામાં આવ્યા બાદ તેનું અમલીકરણ ઘણું અઘરું હોવાની હકીકતનો પણ મોદી સરકારને સામનો કરવો પડયો છે.

ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે શાસન કરનાર નરેન્દ્ર મોદી માટે એક વર્ષમાં વડાપ્રધાન તરીકે આશાઓ.. નિરાશાઓ.. સિદ્ધિઓ અને નાકામિયાબી જેવા તમામ પાસાઓ સાથે રૂબરૂ થવું પડયું છે. જ્યારે લોકોને પરિવર્તનની તક સાંપડે છે.. ત્યારે તેઓ સામુહિક રીતે આ અવસરનો ઉપયોગ કરે છે. તેઓ ઉમ્મિદોના આસમાનમાં ઉડાણો કરતા ઈચ્છતા હોય છે કે તેમની જિંદગી નાટકીય રીતે બદલાઈ અને બહેતર બની જાય. તેમની પાસે ખર્ચ કરવા વધુ નાણાં હોય..

તેમની પાસે બહેતર સુરક્ષા હોય અને સુવિધાઓ પણ વધે. દરેક લોકશાહી દેશમાં દરેક ચૂંટણીઓ જનતા માટે એક આશાનું કિરણ હોય છે અને મતદારો તેમાં છેતરાવા માટે પણ તૈયાર હોય છે. તેથી જ તેઓ સારા વિકલ્પની આશામાં સત્તા પરિવર્તનો પણ કરતા હોય છે.

જો કે સત્તા પરિવર્તનના થોડા દિવસોમાં પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં વર્તાય તેમ સરકાર બાબતે પણ બનતું હોય છે. મતદારોને અહેસાસ થવા લાગે છે કે પરિવર્તન ઈચ્છયું હતું તેવું થવાનું નથી અને જો થોડું-ઘણું થશે પણ ખરું તો તેનાથી કોઈ મોટો ફરક પડવાનો નથી. ત્યારે ત્રીસ વર્ષ બાદ પહેલીવાર સિંગલ પાર્ટીની બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર આવેલી મજબૂત સરકારના એક વર્ષ બાદના કોન્ફિડન્સ ઈન્ડેક્સ વિચારણા માંગી લે તેવો છે.

સત્તાનું વિકેન્દ્રીકરણ ભારતના સમવાયી તંત્રનો હાર્દ છે. પરંતુ મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં તમામ સત્તાઓ વડાપ્રધાન કાર્યાલય ખાતે કેન્દ્રીત થઈ ચુકી છે. કેટલીક મહત્વની સંસ્થાઓ તેના પ્રમુખો વગર ચાલી રહી છે. આવી સ્થિતિને દુરસ્ત કરવાની કોઈ મોટી ઉતાવળ એક વર્ષના ગાળમાં જોવા મળી નથી. જૂની સરકારોના વહીવટીય માળખાને ખતમ કરવા માટે પણ મોદી સરકારે એક વર્ષમાં ઘણું મોટું કામ કર્યું છે. આઝાદી બાદ વિકાસ માટે ગુમાવવામાં આવેલા અવસરો પર જોરશોરથી દેશ-વિદેશમાં અફસોસ વ્યક્ત કરવામાં આવે છે. વિપક્ષો પ્રમાણે.. હજી પણ એક વર્ષના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અભિયાનના મોડમાંથી બહાર આવ્યા નથી.

પરંતુ પ્રવર્તમાન સરકારે એક વર્ષમાં ઝડપી કામગીરી કરવાના મોકાનો ઉપયોગ કર્યો કે નહીં.. તેના બાબતે ચર્ચાઓ હવે તેજ બની છે. ભારતના સારા ભવિષ્ય માટે મોદી સરકાર યોગ્ય દિશામાં આગેવાની કરી રહી છે કે કેમ.. તેના પર પણ સૌની નજર છે. મહેસૂલી સંકટ સામે ઝઝૂમી રહેલી સરકારે સામાજિક ક્ષેત્રમાં ખર્ચાઓ પર મોટો કાપ મૂક્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રાયોજિત રુરલ ડ્રિન્કિંગ વોટર પ્રોગ્રામમાંથી હાથ પરોક્ષપણે ખેંચી લેવામાં આવ્યો છે.

મોદી સરકારે આરોગ્ય ખર્ચમાં 15 ટકાનો ધરખમ કાપ મૂક્યો છે. ગ્રામીણ વિકાસ વિભાગના બજેટમાં 10 ટકાનો મોટો ઘટાડો કરાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું બજેટ ઘટાડીને અડધું કરી દેવામાં આવ્યું છે. આર્થિક સલાહકારના આર્થિક સર્વેક્ષણના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા છતાં સાક્ષરતા ઘણી ઓછી છે. તેમ છતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ શિક્ષણ બજેટમાં 16 ટકાનો કાપ મૂક્યો છે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં મોટી સમસ્યા છે કે પાંચમા ધોરણમાં ભણતા ગ્રામીણ બાળકો મુશ્કેલીથી બીજા ધોરણના પુસ્તકને વાંચી શકે છે. ત્યારે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્તિના મિશનની આકાંક્ષા રાખતા ભારત જેવા દેશ માટે આવી ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

2014ના લેબર બ્યૂરો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્કિલ્ડ વર્કફોર્સનો પ્રવર્તમાન આકાર 2 ટકા છે. જ્યારે સાઉથ કોરિયામાં 96 ટકા સ્કિલ્ડ કર્મચારી છે.. જાપાનમાં સ્કિલ્ડ વર્કફોર્સ 80 ટકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા... જેવા પ્રોજેક્ટો સાથે કૌભાંડોથી સ્કેમ ઈન્ડિયા તરીકેની બદનામીને સ્કિલ ઈન્ડિયાની શાખમાં ફેરવવા ઈચ્છે છે. પરંતુ માત્ર વાતો અને ભાષણો કરવાથી દેશમાં સ્કિલ્ડ વર્કફોર્સ પેદા થઈ શકતો નથી. તેના માટે સરકારની એક ચોક્કસ.. નીતિ-અભિગમ અને વ્યવસ્થા હોવી જોઈએ. તેનું નિર્માણ એક વર્ષના શાસન બાદ પણ થયાનું લોકોના ધ્યાનમાં નથી. ઈકોનોમિક સર્વેમાં સ્કિલ્ડ વર્કર્સનો સરકારી ટાર્ગેટ પ્રાપ્ત થાય તેવી સંભાવનાઓ ઘણી ઓછી હોવાનું જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ... મોદી સરકારના કેટલાંક પ્રધાનો અને સંઘ પરિવાર તરફથી હિંદુઓને વધુમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ થઈ રહી છે. જેથી હિંદુઓની વસ્તી ઝડપથી વધારી શકાય. દેશમાં મુસ્લિમોની વધતી વસ્તીવૃદ્ધિના દરને દેશ માટે ચિંતાજનક ગણાવાઈ રહ્યો છે. જો કે સેક્યુલર ભારતમાં તમામ ધર્મ... વર્ગ.. સમુદાયોના લોકોને વસ્તીવૃદ્ધિ દર નિયંત્રિત કરવા માટે પરિપકવ બનાવવા માટે કોઈ પ્રોગ્રામની હજી સુધી ચર્ચા પણ થઈ નથી. એક તરફ સરકાર તમાકુ અને તેના ઉત્પાદનો પર પ્રતિબંધો મૂકી રહી છે.. તો બીજી તરફ તેમના કેટલાંક સાંસદો તમાકુ સેવન અને કેન્સરના રોગ વચ્ચે કોઈ સંબંધ હોવાના મામલે પ્રશ્નો ઉઠાવતા દેખાય છે.

પિન્ક રિવોલ્યૂશનના નામે પુરોગામી યુપીએ સરકારને પ્રચાર અભિયાનમાં ભાંડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં માંસની નિકાસ વધી હોવાનું પણ સામે આવ્યું છે. જો કે ગૌહત્યા અને ગૌમાંસ પર પ્રતિબંધના કાયદા ઘડવાના મામલે ભાજપ અને એનડીએની સરકારો ઘણી સક્રિય દેખાઈ છે. પરંતુ ગુજરાત સહીતના રાજ્યોમાં કાયદાના અમલીકરણના મામલે ઉદાસિનતાથી હજી સુધી ગૌહત્યાઓ અને ગૌમાંસનો વેપલો સંપૂર્ણપણે અટકાવી શકાયો નથી. તો આઝાદીના આટલા સાડા 6 દશકાઓ બાદ પણ નાગરિકોને રોટી.. કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હજી સુધી કોઈ નક્કર આયોજનબદ્ધ કાર્યવાહી થતી હોવાનું લોકોને મહેસૂસ થયું નથી..

મંગળવાર, 19 મે, 2015

ઈસ્લામિક સ્ટેટ (ISIS) એટલે આતંકી હિંસાચારથી ઈસ્લામિક સામ્રાજ્યવાદને પુનર્જીવિત કરવાના ઉધામા


- પ્રસન્ન શાસ્ત્રી

મધ્ય-એશિયામાંથી ઉઠેલી આતંકની આંધી હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે સ્થિર થઈ છે. આ આંધી ચોક્કસપણે ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓ દ્વારા વધુ ઘાતક બનીને આ બંને દેશને વધુ અસ્થિર, અશાંત અને અરાજક બનાવશે. પણ તેની સાથે 18 કરોડ જેટલી મુસ્લિમ વસ્તી ધરાવતા ભારત માટે પણ સીમી-ઈન્ડિયન મુજાહિદ્દીન અને મુસ્લિમ ગુંડાઓના પ્રભુત્વવાળા અંડરવર્લ્ડના આતંકી નેટવર્ક સાથે સાંઠગાંઠથી ગંભીર પ્રકારના બાહ્ય અને આંતરીક  જોખમો પેદા કરશે તેવું આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાતો પરોક્ષપણે જણાવી રહ્યા છે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના 9/11ના હુમલા બાદ અમેરિકાએ 15 વર્ષ પહેલા અફઘાનિસ્તાન પર હુમલો કરીને તાલિબાનોને સત્તામાંથી પદભ્રષ્ટ કર્યા હતા. પરંતુ આજે પણ અહીંથી અમેરિકા અને નાટો સેનાની વાપસીના કાઉન્ટડાઉન વચ્ચે તાલિબાની આતંકવાદી હુમલા, રાજકીય અસ્થિરતા, અંકુશરહીત ભ્રષ્ટાચાર, આર્થિક અનિશ્ચિતતાઓ અને નિરાશ્રિતો દ્વારા ઉભી થનારી સમસ્યાઓ પણ અસ્તિત્વ છે.

પરંતુ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસના નેજા હેઠળ વધુ ખતરનાક રાજકીય-ધાર્મિક હિંસા અહીંની સામાજિક ક્ષિતિજ પર આકાર લઈ રહી છે. આઈએસઆઈએસ હવે પોતાને ઈસ્લામિક સ્ટેટ તરીકે ઓળખાવે છે. દાઈશ તેનું અરેબિક નામ છે.

અફઘાનિસ્તાનમાં હાલના સમયમાં ઘણાં ધાર્મિક આતંકવાદી જૂથો છે. આ આખા ક્ષેત્રમાં ઈસ્લામના નામે રાજકીય હિંસાચારનો સદીઓ જૂનો ઈથિહાસ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હાલની સરકારો અને તંત્રના વિરોધી એવા ઘણાં ઈસ્લામિક આતંકવાદી જૂથો છે. આઈએસના નેજા હેઠળ આવા ધાર્મિક આતંકવાદી જૂથો ઈસ્લામના નામે નવા ધર્મઝનૂનથી હિંસાચાર આચરીને ક્ષેત્ર પર વર્ચસ્વ હાંસલ કરવાની સંભાવનાઓ શોધી રહ્યા છે. દોઢ દાયકા સુધી તાલિબાનોના ઝંડા નીચે ચાલેલી ઈસ્લામ આધારીત રાજકીય વિદ્રોહની લડાઈમાં આવા જૂથો મોટા શહેરો અને જિલ્લાઓને લાંબા સમય સુધી પોતાના કબજા હેઠળ રાખવામાં નિષ્ફળ ગયા હતા.

આઈએસઆઈએસ સાથે રાજનિષ્ઠા વ્યક્ત કરીને અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ઈસ્લામિક આતંકવાદીઓ નવા ટેકેદારો, ફંડિંગને આકર્ષીને મોટું નામ કમાઈને ઈતિહાસની નિષ્ફળતાઓને બદલવા ઈચ્છે છે. આઈએસઆઈએસએ ઉત્તર-પશ્ચિમ ઈરાક અને ઉત્તર-પૂર્વ સીરિયા ખાતે મોટા વિસ્તાર પર છેલ્લા ઘણાં વર્ષોથી કબજો જમાવ્યો છે. અહીં આ ઈસ્લામિક આતંકવાદી જૂથે રાજકીય-ધાર્મિક ઝનૂનથી વંશીય અને બર્બર હિંસાનું જાહેરમાં પાશવી પ્રદર્શન કરીને પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે. ઈસ્લામિક સ્ટેટના આ કરતૂતથી અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ઈસ્લામિક આતંકવાદીઓ પોતાની અસરકારકતાની સમીક્ષા કરી રહ્યા છે.

મીડિયા અહેવાલો પરથી જોઈએ તો અફઘાનિસ્તાનમાં આઈએસની સક્રિયતા સૌથી પહેલા સપ્ટેમ્બર-2014માં ગઝની પ્રાંતના અર્જેસ્તાન જિલ્લામાં કરેલા હુમલાથી સપાટી પર આવ્યા હતા. અર્જેસ્તાન જિલ્લાની ધરતી છેલ્લા ઘણાં વર્ષોથી તાલિબાનોના આતંકથી રક્તરંજિત છે. 2014માં આઈએસના આતંકવાદીઓએ અહીં સ્થાનિક પોલીસ અધિકારીઓના 15 પરિવારજનોના સિર કલમ કર્યા હતા. સાથે તેમણે 60 મકાનોને પણ આગચંપી પણ કરી હતી.

જાન્યુઆરી-2015માં અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં વર્ચસ્વ ધરાવતા તાલિબાની કમાન્ડર મુલ્લા રઉફ ખાદિમે પોતાની રાજનિષ્ઠા આઈએસ પ્રત્યે વ્યક્ત કરીને સ્થાનિકોને ઈસ્લામિક સ્ટેટની આતંકી પ્રવૃત્તિમાં સામેલ કરવાનું કામ શરૂ કર્યું હતું. અફઘાનિસ્તાનના મીડિયાએ આ પ્રકારના અહેવાલો આપતા અમેરિકાની સેનાની વાપસીના કાઉન્ટડાઉન વચ્ચે નવી ઘાતક પરિસ્થિતિના અંદેશાથી ખળભળાટ મચી ગયો હતો. અફઘાનિસ્તાનની લથડિયા ખાતી રાજકીય સ્થિરતા માટે પહેલા જ ઈસ્લામિક સ્ટેટનો વિચાર અને તેને મધ્ય એશિયામાં મળેલી સફળતાએ ગંભીર જોખમ પેદા કર્યું છે.

મુલ્લા ખાદીમ મોબાઈ રિજર્વ ફોર્સને કમાન્ડ કરતો હતો. તેને અમેરિકાએ ગ્વાન્ટનામો ખાતેની જેલમાં વર્ષ-2001માં મોકલી દીધો હતો અને 2007માં તેને મુક્ત પણ કર્યો હતો. ખાદીમના ટેકેદારો અને આઈએસના આતંકીઓએ હેલમંદ પ્રાંતના કજાકી જિલ્લા ખાતેની ચેકપોસ્ટ પર કબજો મેળવવા માટે લડાઈ પણ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે ત્યારે અહીં ઈસ્લામિક સ્ટેટના આગમન થયાના અહેવાલોને રદિયો આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ વિસ્તારો પર અફઘાનિસ્તાનની હાલની સરકારને ક્યારેય નિયંત્રણ પ્રાપ્ત કરવાનું નસીબ થયું નથી.

જો કે આઈએસના અફઘાનિસ્તાનમાં પગરણ સંદર્ભેનો તેમને રદિયો અલ્પજીવી રહ્યો. 9 ફેબ્રુઆરી-2015ના રોજ અફઘાન અને અમેરિકાની સેનાના ટોચના અધિકારીએ મુલ્લા ખાદીમને આઈએસનો ટોપ રિક્રૂટર ગણાવીને તેનો ડ્રોન હુમલામાં સફાયો કરાયો હોવાની જાહેરાત પણ કરી હતી.

આ સમયગાળામાં જ એક જેહાદી જૂથોનો વીડિયો સામે આવ્યો.. જેમાં પાકિસ્તાનના 10 તાલિબાની કમાન્ડરો અને અફઘાનિસ્તાનના કુનાર, લોગાર અને નિન્ગરહાર પ્રાંતના તાલિબાની કમાન્ડરોએ પોતાની રાજનિષ્ઠા આઈએસ માટે વ્યક્ત કરી હતી.

આમા સૌથી ધ્યાન ખેંચનારું નામ તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર શહીદુલ્લાહ શહીદનું છે. શહીદુલ્લા પાકિસ્તાનમાં સૌથી વધારે સરકાર વિરોધી હિંસાચાર અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં આતંકી હુમલાઓ માટે જવાબદાર છે.

અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ શિયાપંથી હઝરા સમુદાયના લોકોનું અપહરણ અને તેમના સિર કલમ કરીને હિંસાચારનું તાંડવ શરૂ કર્યું છે. ઈસ્લામિક સ્ટેટે આ પ્રકારનો વંશીય હિંસાચાર ઈરાક અને સીરિયામાં કર્યો છે અને હજીપણ ચાલુ છે. અફઘાનિસ્તાન માટે વંશીય હિંસાની તીવ્રતા ભૂતકાળની સરખામણીએ કંઈક નવી છે.

23 ફેબ્રુઆરી-2015ના રોજ અફઘાનિસ્તાનના ઝાબુલ પ્રાંત ખાતે ઈરાનથી પાછી ફરી રહેલી બસને રોકીને શિયા અને સુન્નીને અલગ કર્યા હતા. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ હઝરા સમુદાયના 31 શિયાપંથી મુસ્લિમોની કરપીણ હત્યા કરી છે. ગત વર્ષે પણ આવી જ રીતે 15 હઝરા સમુદાયના લોકોને કતારબંધ ઉભા રાખીને ઠાર કરાયા હતા.

આ ઘટનાના ત્રણ સપ્તાહ બાદ 10થી વધુ હઝરા સમુદાયના લોકોનું ગઝની પ્રાંતના જાઘોરી જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

તેના બીજા દિવસે 17 માર્ચ-2015ના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત-ફરાહ હાઈવે ખાતે હથિયારબંધ લોકોએ 6થી વધારે હજરા સુમદાયના લોકોને લઈ જઈને હત્યા કરી નાખી હોવાનું માનવામાં આવે છે.
એપ્રિલ માસની શરૂઆતમાં ગઝની પ્રાંતમાં એક પેસેન્જર વાન પસાર થતી વખતે રોડની બાજુમાં વિસ્ફોટ થયો અને 13 હજરા મુસાફરો માર્યા ગયા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ગઝનીના અજરેસ્તાન જિલ્લામાંથી 15 એપ્રિલ-2015ના રોજ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ હજરા સમુદાયના પાંચ ખેડૂતોનું અપહરણ કર્યું હતું. તેના ત્રણ દિવસ બાદ પાડોશી દૈકુંદી પ્રાંતના અન્ય છ હજરા સમુદાયના લોકો સાથે સિર કલમ કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આઈએસના હિંસાના ખેલમાં હજરા સમુદાયના લોકોની હત્યા માત્ર એક પાસું છે. આ સિવાય તેઓ તાલિબાનો સાથે મળીને સરકાર અને નાગરિકોને દેશભરમાં કરપીણતાથી નિશાન બનાવી રહ્યા છે. તેના કારણે દર વર્ષે વધુમાં વધુ લોકોના મોતના રેકોર્ડ કરતું એક ચક્રીય હિંસાતંત્ર પેદા થઈ રહ્યું છે.
એપ્રિલ-2015ના છેલ્લા સપ્તાહમાં જલાલાબાદ ખાતે કાબુલ બેન્કની શાખા પર આત્મઘાતી હુમલામાં 35 લોકોના મોત નીપજ્યા અને 125 ઈજાગ્રસ્ત થયા હતા. પહેલા પાકિસ્તાન બેસ્ડ હક્કાની નેટવર્ક અને તાલિબાનો પર તેનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘાનીએ હુમલા માટે ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે.

જો કે તેના માટે એવી પણ ધારણા પ્રવર્તી રહી છે કે તાલિબાનોની સમસ્યાના ઉકેલ માટે ઘાની ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની હિંસાચારમાં સામેલગીરીની વાત કરીને વ્યૂહરચના હેઠળ તાલિબાનોને રાજકીય ઉકેલ માટે વાટાઘાટો માટેના મેજ પર લાવવા દબાણમાં લાવી શકાય.

સીરિયા અને ઈરાકની યુફ્રેટિસ અને તિગ્રિસ નદીથી કાબુલ અને કંદહાર સુધી આઈએસ કેવી રીતે પોતાનું હિંસાતંત્ર સ્થાપિત કરશે તેના વિશે હાલ કંઈપણ કહેવું વહેલું ગણાશે. અફઘાનિસ્તાનના યુદ્ધમાં ઈસ્લામિક સ્ટેટ આતંકની નવી બ્રાન્ડ.. નવી પદ્ધતિઓ અને વંશીય ફિરકાપરસ્ત લોહિયાળ ખેલનું પરિમાણ પણ ઉમેર્યું છે. અફઘાનિસ્તાનમાં પ્રમાણમાં સુરક્ષા કરવાના મામલે ઓછા અસરકાર હજરા સમુદાયના લોકો આઈએસ માટે મોટી અડચણ નથી. પરંતુ તેમના માટે મોટો પડકારો તાલિબાન.. હજ્બ-એ-ઈસ્લામી અને હક્કાની જૂથ જેવા ઈસ્લામિક આતંકવાદી જૂથો પર વર્ચસ્વ સ્થાપવું છે.

ઈસ્લામિક સ્ટેટની નેતાગીરી, હાર્ટલેન્ડ અને તેનું સમર્થનનું માળખું મધ્ય-એશિયામાં છે. પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ખાતેની સ્થાનિક નેતાગીરીમાં આઈએસ ઓછું પ્રિય છે. તાલિબાનો માટે પાકિસ્તાનમાંથી ભરતીઓ કરાય છે અને ફંડ માટેનું માળખું પણ અહીં છે. આઈએસ પાસે સ્થાનિક નેતાગીરીનો અભાવ હોવાની સાથે પાકિસ્તાની સેના અને તેની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સમાં તાલિબાન જેટલું સમર્થન પણ નથી.

તાલિબાન છાપ ઈસ્લામિક વિચારધારા અફઘાનિસ્તાનને ઈસ્લામિક અમીરાત ગણાવે છે. જ્યારે તાલિબાનની સ્થાનિક અને પ્રાદેશિક રાજકીય અસ્તિત્વની ઈસ્લામિક વિચારધારા સામે ઈસ્લામિક સ્ટેટ ખિલાફતની પાન-ઈસ્લામિક વિચારધારામાં વિશ્વાસ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ઈસ્લામના પ્રાદૂર્ભાવ બાદ સાતમી અને આઠમી સદીના ટૂંકાગાળાને બાદ કરતા અફઘાનિસ્તાન ક્યારેય બૃહદ ઈસ્લામિક ખિલાફતનો ભાગ રહ્યું નથી. તેથી ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાનને ખિલાફતના એક પ્રાંત તરીકે સ્થાપિત કરવાની ઈચ્છા અહીંના રાજકીય ઈતિહાસ સાથે બંધબેસતી નથી. પરંતુ નવી-નવી બાબતો બાદમાં ઈતિહાસ બની જાય છે.. તેવો કોઈ નવો ચિલો-ચાતરવાની વાત પણ ઈસ્લામિક સ્ટેટની કોશિશોથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં નવી સામાજિક-રાજકીય અને ધાર્મિક ઉથલ-પાથલોને આકાર આપશે.

ઈસ્લામિક સ્ટેટના મધ્ય એશિયામાં વર્ચસ્વનું કારણ સીરિયાની સેક્યુલર તાનાશાહી અને ઈરાક તથા સીરિયામાં શિયા સમુદાયના સરકારમાં પ્રભાવ સામેની પ્રતિક્રિયા ગણાય છે. તો તેની સામે અફઘાનિસ્તાન ઈસ્લામિક રાજ્ય રહ્યું છે. અહીં સુન્ની અને શિયાપંથીઓની માન્યતા પ્રમાણેનું ન્યાયતંત્ર છે.

અફઘાનિસ્તાનના બંધારણે તેને ઈસ્લામિક રાજ્ય જાહેર કર્યું છે. તેના બંધારણ પ્રમાણે કોઈપણ કાયદો અને તેની જોગવાઈ ઈસ્લામની ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાઓ વિરુદ્ધ હોઈ શકે નહીં. તેથી ઈસ્લામિક સ્ટેટને સીરિયાના સેક્યુલર તાનાશાહો સામે ઈસ્લામિક રાજ્યના વિચાર હેઠળ ટેકો મળ્યો હોઈ શકે.. પણ અફઘાનિસ્તાન માટે તેમને શરિયા અને ઈસ્લામના નામે ટેકો મળે તેવી શક્યતા તાલિબાનોના વર્ચસ્વ સામે થોડી ઝાંખી લાગે છે. તેથી તેમની પાસે તાલિબાનો કરતા પણ વધુ જલદ ઈસ્લામને આગળ લઈ જવાનો એક વિકલ્પ બચે છે. ઈસ્લામિક સ્ટેટના મુખ્ય આતંકવાદી અબુ-બકર-અલ-બગદાદીએ પણ તાજેતરમાં ઈસ્લામને અમનનો ધર્મ નહીં.. પણ ઈસ્લામ યુદ્ધનો ધર્મ હોવાનું જણાવીને તેના સંકેતો આપી દીધા છે.
ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાનોમાં હિંસાચારની પદ્ધતિઓમાં મોટી સમાનતા છે. 1994માં તાલિબાનોના જન્મ અને તેમના સત્તામાં આવ્યા બાદ ચાલેલી સામુહિક હત્યા.. લઘુમતી અને વંશીય સમુદાયોના નરસંહારો.. ઈસ્લામ પહેલાના સાંસ્કૃતિક વારસાનો નેસ્તોનાબૂદ કરવું, હરીફ જૂથો સાથે બર્બર વ્યૂહરચનાથી નિર્દયતાથી વ્યવહાર કરવું એ અજમાવાયેલી વસ્તુ છે.

અફઘાનિસ્તાન અને ઈરાકમાં પશ્ચિમ અને અમેરિકાની નીતિઓના દુષ્પરિણામથી ઉભા થયેલા રાજકીય શૂન્યાવકાશનો ફાયદો અનુક્રમે તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટે ઉઠાવ્યો છે. સોવિયત સંઘ વિરોધી અમેરિકા પ્રેરીત જેહાદના અંતે તાલિબાનોનો જન્મ અને તેમના દ્વારા 90 ટકા જેટલા અફઘાનિસ્તાનને કબજે કરવા માટે બર્બર નાગરિક યુદ્દ અને સોવિયત સંઘના અફઘાનિસ્તાનમાંથી હટયા બાદ રાજકીય શક્તિની ગેરહાજરીમાં તેઓને સફળતા મળી હતી.

તો ઈસ્લામિસક સ્ટેટના પેદા થવા માટે ઈરાકમાં બાથિસ્ટ શાસનને ઉથલાવીને અમેરિકા દ્વારા અપનાવાયેલી કેટલીક ખોટી વ્યૂહચના જવાબદાર છે. અમેરિકાએ સદ્દામ હુસૈનને ફાંસી આપ્યા બાદ ઈરાકમાં શિયાઓને રાજકીય વર્ચસ્વ આપતી વ્યવસ્થા ઉભી કરી છે. જેના કારણે અહીં શિયા અને સુન્ની વચ્ચે નાગરિક યુદ્ધ ચાલતું રહ્યું છે અને તેમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને સમર્થન પણ પ્રાપ્ત થયું છે.

ઈરાન દ્વારા શિયાપંથી હજરા સમુદાયના નિરાશ્રિતોને મોટી સંખ્યામાં સીરિયામાં પ્રોક્સિ વોર માટે નાણાં અને આશરાની લાલચ આપીને મોકલવામાં આવે છે. ઈસ્લામિક સ્ટેટના ઉદભવને આ સંદર્ભમાં જોતા અફઘાનિસ્તાનમાં તેમના દ્વારા હજરા સમુદાયને નિશાન બનાવવાની વાત એક ખતરાની ઘંટડી સમાન છે.
ત્યારે શક્ય છે કે સીરિયા ગયેલા ઈરાન પ્રેરીત હજરા સમુદાયના શિયાપંથી લડાકૂઓ પાછા ફરશે પછી અફઘાનિસ્તાનમાં શિયાપંથી કટ્ટરપંથ પણ હિંસક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અફઘાનિસ્તાનમાં ઉજબેક..તાજિક.. હજરા.. પઠાણ સહીતની ઘણી વંશીય વિવિધતા જોવા મળે છે. ત્યારે અહીં વંશવાદી ઘર્ષણોની તીવ્રતા ઉચ્ચસ્તરે પહોંચવાની સંભાવનાને ઈસ્લામિક સ્ટેટ દ્વારા અફઘાનિસ્તાનમાં ઉભું થનારા ગંભીર જોખમ તરીકે જોવામાં આવે છે.

ઈસ્લામિક સ્ટેટ ક્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી એવા તાલિબાનોના રહેતા અફઘાનિસ્તાનના મુખ્ય રાજકીય પ્રવાહમાં મુખ્ય ખેલાડી બને તેના માટે ઘણી લાંબી લોહિયાળ મજલ કાપવાની રહેશે. પરંતુ અહીં ઈસ્લામિક સ્ટેટ જે રીતે માથું ઉંચકી રહ્યું છે તેનાથી કહી શકાય કે અફઘાનિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં અર્થસૂચક અને નોંધનીય આતંકવાદી સંગઠન તરીકેની છાપ ઉપસાવી ચુક્યું છે. નોટા અને અમેરિકાની સેનાની વાપસી બાદ ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં વધુ બેફામ બનીને વર્ચસ્વ માટે રક્તસ્નાન કરશે. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો પહેલા જ ત્યાંની રાજકીય અસ્થિરતાને ડગમગાવી રહ્યા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે ઈસ્લામિક સ્ટેટના કેમ્પના અહેવાલો પણ ચિંતા ઉપજાવે તેવા છે. મે માસની શરૂઆતમાં કરાચીમાં 47 ઈસ્માઈલિયા સમુદાયના શિયાપંથીઓની હત્યા કરવામાં આવી છે. તેના માટે તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટ બંનેએ જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો હોવાથી રાજકીય શૂન્યાવકાશની સ્થિતિ કદાચ અમેરિકા-નાટો સેનાની વાપસી બાદ નહીં હોય. પરંતુ તહેરીકે તાલિબાન પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ હિંસાચાર પર ઉતરી આવ્યું છે.

પાકિસ્તાનમાં સરકારી તંત્ર અને સેના સામે આક્રોશિત લોકોને ઈસ્લામના નામે ઈસ્લામિક સ્ટેટ પોતાના તરફ ખેંચી શકે તેવી એક સંભાવના જોવાઈ રહી છે. તહેરીકે તાલિબાન પાકિસ્તાનના સરકારી તંત્રને ઉથલાવા ઈચ્છે છે અને ઈસ્લામિક સ્ટેટને પાકિસ્તાનના પરમાણુ હથિયાર જોઈએ છે. તેના દ્વારા ઈસ્લામિક સ્ટેટ ખિલાફતને આગળ વધારવાના નામે સાઉદી અરેબિયાથી માંડીને ભારત સુધીના વિસ્તારમાં આતંકની આગ ભડકાવીને વિસ્તારો કબજે કરવાના મનસૂબા સેવી રહ્યું છે.

આવા સંજોગોમાં પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની સુન્ની સમુદાય કેન્દ્રીત અને ભારત વિરોધી રણનીતિ ઈસ્લામિક સ્ટેટને મોકળું મેદાન આપશે. અફઘાનિસ્તાનના ચોક્કસ વિસ્તારો અને પાકિસ્તાનમાં વર્ચસ્વ જમાવ્યા બાદ ઈસ્લામિક સ્ટેટ ભારતમાં પણ સક્રિય થવાની કોશિશ કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ઈસ્લામિક સ્ટેટ સાથે ભારતના કેટલાંક મુસ્લિમ યુવકોના જોડાવાની ઘટના ભારતના લોકો સામે લાલબત્તી ધરે છે. આવા સંજોગોમાં ઈસ્લામિક સ્ટેટ અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે કૂણી લાગણી વ્યક્ત કરનારા લોકો પર પણ સરકારી તંત્રે કડક હાથે કામ લેવું જરૂરી બની જાય છે.

છેલ્લા બસ્સો વર્ષમાં ઈસ્લામના નામે અસ્તિત્વમાં આવેલું રાજ્ય પાકિસ્તાન છે. 14 ઓગસ્ટ-1947ના રોજ મુસ્લિમ લીગે ભારતની આઝાદીની લડાઈ લડયા વગર ઈસ્લામિક સ્ટેટ પાકિસ્તાનને સ્વતંત્રતા પહેલા આપણી પાસેથી છીનવી લીધું. પાકિસ્તાનની રચના એક રાજકીય ચળવળ સ્વરૂપે કટ્ટરપંથની રાહે આગળ ચાલી હતી. તો સીરિયા અને ઈરાકમાં આજે ઈસ્લામિક સ્ટેટ નામના આતંકવાદી સંગઠને એક મોટા ભૂભાગને પોતાના નિયંત્રણમાં આણી દીધું છે.

દુનિયાએ માન્યતા આપી નથી.. પણ અહીં ઈસ્લામિક સ્ટેટ એક દેશ તરીકે ઓપરેટ કરે છે. તેઓ બજેટિંગ કરે છે.. વિભાગોની જવાબદારી વહેંચવામાં આવી છે. ફંડિંગના અલગ-અલગ પદ્ધતિઓ વિકસિત કરી છે. એક દેશ તરીકે ઈસ્લામિક સ્ટેટે આ આખા વિસ્તારમાં કબજો જમાવીને ખિલાફતની જાહેરાત કરી છે. તેમનો ઈરાદો ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાકમાંથી હવે ખિલાફતના નામે ઈસ્લામિક સ્ટેટ બનવાનો છે. જેને કારણે દુનિયા અને ખાસ કરીને ભારતીય ઉપખંડમાં અફઘાનિસ્તાન.. પાકિસ્તાન વધુ પોલિટિકલ-રિલિજયસ હિંસાચારમાં ધકેલાશે અને ભારતમાં આતંકની આગ ઉગ્ર બને તેવી પણ શક્યતા નકારી શકાય નહીં.

આવા સંજોગોમાં ભારત, ભારતના લોકો અને ભારતની સરકાર કોઈ આતંક સામેના યુદ્ધને ટાળી શકે તેમ નથી. ઈસ્લામિક સામ્રાજ્યવાદી ખિલાફતની વિચારધારાથી મુસ્લિમ જગતમાં વર્ચસ્વ જમાવવા ઉધામ કરતા ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનો માથું ઉંચકે નહીં તેના માટે કટ્ટરપંથી વિચારધારા અને આતંકવાદીઓને મૂળમાં જ જનોઈવઢ ઘા મારીને નેસ્તોનાબૂદ કરીને ભારતના બંધારણ અને કાયદાનું સમ્માન કરવા માટે મજબૂર કરીને વોટબેંકના રાજકારણથી ઉભા થયેલા અન્ય તમામ વિકલ્પો બંધ કરી દેવા જોઈએ.