- આનંદ શુક્લ
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું એક વર્ષ પૂર્ણ થયું છે. મોદીને ઉત્સાહપૂર્વક વોટ આપનારા લોકોને પણ એક વર્ષના અંતે અહેસાસ થઈ રહ્યો છે કે સરકાર હજીપણ વધુ સારી રીતે કામ કરી શકી હોત. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીના લોભામણા વાયદાઓ પર આશાના કિલ્લા બાંધ્યા હતા. હવે એક વર્ષે જનતા કરાયેલા વાયદાને વાસ્તવિક બનતા જોવા પણ ઈચ્છે છે. ઘણાં મોહભંગ પામેલા લોકો તો એક વર્ષમાં અપેક્ષાના ભાર તળે દબાયેલા વડાપ્રધાન મોદીને વાયદાના મોટા ખેલાડી અને કામ કરી દેખાડવામાં ફસકી ગયેલી લાગી રહી છે. જ્યારે સિક્કાની બીજી બાજુમાં મોદીભક્તોનો એવો પણ અભિપ્રાય છે કે એક વર્ષમાં મોદીએ કરેલા કાર્યોની મુલવણી કરવી યોગ્ય નથી.
લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનોમાં નરેન્દ્ર મોદીએ ત્રણ વાયદા કર્યા હતા. જેમાં પહેલો વાયદો હતો કે 100 દિવસોમાં વિદેશોમાં જમા કાળા નાણાંની ભારત વાપસી કરાવવી. બીજો વાયદો કરાયો હતો કે એક વર્ષમાં એક કરોડ રોજગાર આપવા. તો ત્રીજો વાયદો કરાયો હતો કે બિનસાંપ્રદાયિક નીતિઓનું સંપૂર્ણપણે અમલીકરણ કરાશે. જો કે મોદી સરકારના એક વર્ષના કાર્યકાળને જોતા કેટલીક ભાષણબાજી અને કોશિશો અવશ્ય થઈ છે. પરંતુ આ તમામ વાયદા પુરા કરવા અને ધાર્યા પરિણામો મેળવવા માટે નક્કર પ્રયત્નો કરાયા નથી.
આટલા સમયગાળામાં ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે સમાપ્ત કરવા અને મોટા પ્રમાણમાં રોજગારોની તક પુરી પાડવી એ સહેલું કામ નથી. જો કે ફરિયાદ એ પણ ઉઠી રહી છે કે એક વર્ષમાં આ વાયદાઓ પુરા નહીં કરવાની વાત તો સમજી શકાય તેવી છે. પરંતુ જે પ્રકારે સરકાર કામ કરી રહી છે...તેનાથી બીજા વર્ષે પણ આ વાયદામાંથી કેટલા પુરાં થશે તેના સંદર્ભે આશંકાઓ તો ચોક્કસ પ્રવર્તી રહી છે. જ્યારે મોદી પ્રચાર અભિયાનમાં વાયદાઓ કરી રહ્યા હતા.. ત્યારે જનતાએ તેમની ઈમાનદારી અને નિષ્ઠા પર ખૂબ મોટો ભરોસો મૂક્યો હતો. પરંતુ મોદીની બહુપ્રચારીત નેતૃત્વ ક્ષમતા છતાં જનતાના હાથમાં હજી કંઈ નક્કર પરિણામ હાથ લાગ્યું નથી.
ઘણાં વિવાદો વચ્ચે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં ગતિશીલ વિકાસના વાહક તરીકેની છબી ઉભારવામાં સફળ રહ્યા હતા. પરંતુ એક વર્ષના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં મોદીને તેમના વૈચારીક પરિવાર અને ભાજપના પાર્ટી સંગઠનના કેટલાંક નેતાઓની બેહુદી નિવેદનબાજીના પડકારનો સામનો કરવો પડયો છે. તો કેન્દ્રીય કેબિનેટના જ કેટલાંક પ્રધાનોના વિવાદીત નિવેદનોને કારણે મોદીને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડયો છે. પ્રધાનમંડળના સહયોગીઓની અપરિપક્વ અને અશોભનીય ભાષા બદલ વડાપ્રધાન તરફથી કોઈ કડક કાર્યવાહી પણ થતી લાગતી નથી. સાધ્વી નિરંજના જ્યોતિ હોય.. ગિરિરાજસિંહ હોય કે વિમાનમાં માચિસ સાથે પહોંચી જનારા નાગરિક ઉડ્ડયન પ્રધાન હોય. આવા વ્યવહાર બદલ મોદીની જાહેર ખામોશી આવા વ્યવહારને સંરક્ષણ આપનારી છે અથવા કાર્યવાહી માટે કડક પ્રશાસક તરીકેની છાપ ધરાવતા મોદી નબળા પડી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેને પણ આશંકાની નજરે જોવામાં આવે છે. આવી જ એક બાબત જમીન સંપાદન બિલની છે. આ બિલને વિપક્ષ અને ખેડૂતોનો મોટો વર્ગ ઘણી આશંકાઓથી જોઈ રહ્યો છે. દુર્ભાગ્યની વાત એ છે કે મોદી સરકાર અથવા સંગઠનમાં એકપણ એવા નેતા નજરે પડતા નથી કે જેના પર લોકો ભરોસો કરી શકે અને તેઓ લોકોને આવી યોજનાઓના કોઈ ફાયદા હોય તો તેની જાણકારી અસરકારક રીતે લોકોને આપી શકે. આ મામલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી વાત.. પણ ખેડૂતોના દિલ સુધી પહોંચી શકી નથી. આશ્ચર્યની વાત છે કે વિરોધો અને વિવાદોના માહોલમાં આવી રહેલી કેટલાંક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ છતાં મોદી આને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને કોઈપણ ભોગે જમીન સંપાદન બિલને લાગુ કરાવવા આગળ વધવા માગતા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આવી સ્થિતિ હકીકતમાં આગામી સમયના રાજકીય પરિદ્રશ્યમાં ચૂંટણીઓ અને અન્ય બાબતોમાં મોદી સરકાર સામે મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.
દેશનો સામાન્ય માણસ સરકારના નીચલા સ્તરમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી ખૂબ જ પરેશાન છે. આ સમસ્યાઓથી લોકોનો દરરોજ આમનો-સામનો થાય છે.. ત્યારે તેઓ સીધા તેના માટે મોદીના નેતૃત્વથી મોહભંગ થતા નજરે પડે છે. તેનું પણ કારણ છે.. મોદીએ ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવાનો વાયદો કર્યો હતો. તેમની પાસેથી જનતાની સૌથી મોટી અપેક્ષા ભ્રષ્ટાચારની જડમૂળથી સમાપ્તિની છે. ઉચ્ચ રાજકીય સ્તરે અને વહીવટીય તંત્રમાં ભ્રષ્ટાચાર હજીપણ મોટાપ્રમાણમાં અસ્તિત્વમાં છે. ત્યારે લોકોને લાગી રહ્યું છે કે વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારી તત્વોમાં ભય પેદા કરવામાં સંપૂર્ણપણે સફળ થયા નથી.
મોદી લોભામણા સપના દેખાડવામાં માહેર છે અને તેઓ હંમેશા વિકાસ પર ભાર મૂકતા ભાષણો કરે છે. પરંતુ વિકાસ માટે માત્ર આટલું જ તો પુરતું નથી જ. વાસ્તવિક વિકાસ થતો હોવાનો અહેસાસ પણ થવો જોઈએ. ફૂગાવાનો દર ઘટયો હોવાના દાવા થઈ રહ્યા છે. આંકડામાં ફૂગાવો ઘટી પણ રહ્યો છે.. પણ મોંઘવારીનો ગાળિયો જનતાની ગરદનની આસપાસ એવો જ કસોકસ કસાયેલો છે. આવા સંજોગોમાં મોદી સરકારનું બીજું વર્ષ વધુ પડકારજનક સાબિત થશે. લોકો હવે ચોક્કસ ઈચ્છશે કે દેખાડવામાં આવેલા સપનાઓ પર કામ થાય અને તેના પરિણામ પણ મીઠા ફળની જેમ ખાવા ના મળે તો ... કંઈ નહીં પણ ચાખવા તો મળે. આમ તો મોદી સરકાર પર હજી ચાર વર્ષનો કાર્યકાળ બાકી છે. કરેલા વાયદા તેમણે તેમની પાંચ વર્ષની ટર્મમાં પુરા કરવાના છે. ચોક્કસપણે વિકાસ રાતોરાત થતો નથી. પણ તબક્કાવાર થઈ રહેલી કોશિશોનો અનુભવ ચોક્કસ થઈ શકે છે. આવી કોશિશો જનતા સુધી પહોંચવી પણ જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો