મંગળવાર, 26 મે, 2015

મોદી @ 365 : ગાજ્યા મોદી કેટલાં વરસ્યા, અચ્છે દિન તુમ કબ આયોંગે?

- આનંદ શુક્લ

લગભગ તમામ મોરચે રહેલા પડકારો સામે ડૉ. મનમોહનસિંહની સરકારને મજબૂર માનવામાં આવી હતી. મજબૂર સરકારના સ્થાને મજબૂત સરકારની અપેક્ષા સાથે નરેન્દ્ર મોદીની સરકારને જનતાએ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રની સત્તા સોંપી છે. પરંતુ પ્રચાર અભિયાનમાં મોદીના વાયદાઓથી ઉભી થયેલી અપેક્ષાને કારણે જનાકાંક્ષાઓના બોજ હેઠળ સત્તામાં આવેલી સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષના કાર્યકાળમાં મોદી સરકાર ક્યાં મોરચે મજબૂત અને ક્યાં મોરચે મજબૂર દેખાઈ છે... તેના પર સમીક્ષાઓ થઈ રહી છે. જો કે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે જનાકાંક્ષાઓનું વજન ઘણું વધારે છે.. તેથી મોદી સરકાર જેટલું પણ કરશે તે ઉમ્મિદોના ત્રાજવે ઓછું જ સાબિત થવાનું છે.

ભારતનું આઝાદી પછીનું રાજકારણ મર્યાદિત રાજકીય વિકલ્પો ધરાવે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં દેશની મંથર બનેલી અર્થગતિ, આતંક સામેની ઢીલી નીતિ, આભને આંબતી મોંઘવારી, સરહદે ચીન અને પાકિસ્તાનના સામરિક પડકારોમાં પીછેહઠની સ્થિતિ, ઉદ્યોગો અને રોકાણકારો તરફથી ઉભી થયેલી નિરાશાના પડકારો હતા. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના મતદારો સામે એકમાત્ર મજબૂત વિકલ્પ તરીકે હતા. મતદારોની અપેક્ષાઓ, આશાઓ હતી કે દેશને એક મજબૂર સરકારને સ્થાને મજબૂત સરકાર મળે. ત્રીસ વર્ષ બાદ પહેલી વખત ભારતના મતદારોએ એ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સત્તા સોંપી. ચૂંટણી જીત્યા પછી પ્રચાર અભિયાનમાં કરેલા અચ્છે દિનના વાયદાને જાહેરસભામાં મોદીએ યાદ પણ કરાવ્યો અને લોકોએ પણ માન્યુ હવે અચ્છે દિન આ ગયે..

પરંતુ હવે મોદી સરકારનું એક વર્ષ પૂર્ણ થઈ ચુક્યું છે. સરકારનો હનિમૂન પિરીયડ પૂર્ણ થઈ ચુક્યો છે. હવે લોકો પરિણામ માંગી રહ્યા છે. પરંતુ પ્રચાર અભિયાનમાં વાયદાનો વરસાદ કરવો અલગ વાત છે અને સત્તામાં આવ્યા બાદ તેનું અમલીકરણ ઘણું અઘરું હોવાની હકીકતનો પણ મોદી સરકારને સામનો કરવો પડયો છે.

ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે શાસન કરનાર નરેન્દ્ર મોદી માટે એક વર્ષમાં વડાપ્રધાન તરીકે આશાઓ.. નિરાશાઓ.. સિદ્ધિઓ અને નાકામિયાબી જેવા તમામ પાસાઓ સાથે રૂબરૂ થવું પડયું છે. જ્યારે લોકોને પરિવર્તનની તક સાંપડે છે.. ત્યારે તેઓ સામુહિક રીતે આ અવસરનો ઉપયોગ કરે છે. તેઓ ઉમ્મિદોના આસમાનમાં ઉડાણો કરતા ઈચ્છતા હોય છે કે તેમની જિંદગી નાટકીય રીતે બદલાઈ અને બહેતર બની જાય. તેમની પાસે ખર્ચ કરવા વધુ નાણાં હોય..

તેમની પાસે બહેતર સુરક્ષા હોય અને સુવિધાઓ પણ વધે. દરેક લોકશાહી દેશમાં દરેક ચૂંટણીઓ જનતા માટે એક આશાનું કિરણ હોય છે અને મતદારો તેમાં છેતરાવા માટે પણ તૈયાર હોય છે. તેથી જ તેઓ સારા વિકલ્પની આશામાં સત્તા પરિવર્તનો પણ કરતા હોય છે.

જો કે સત્તા પરિવર્તનના થોડા દિવસોમાં પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં વર્તાય તેમ સરકાર બાબતે પણ બનતું હોય છે. મતદારોને અહેસાસ થવા લાગે છે કે પરિવર્તન ઈચ્છયું હતું તેવું થવાનું નથી અને જો થોડું-ઘણું થશે પણ ખરું તો તેનાથી કોઈ મોટો ફરક પડવાનો નથી. ત્યારે ત્રીસ વર્ષ બાદ પહેલીવાર સિંગલ પાર્ટીની બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર આવેલી મજબૂત સરકારના એક વર્ષ બાદના કોન્ફિડન્સ ઈન્ડેક્સ વિચારણા માંગી લે તેવો છે.

સત્તાનું વિકેન્દ્રીકરણ ભારતના સમવાયી તંત્રનો હાર્દ છે. પરંતુ મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં તમામ સત્તાઓ વડાપ્રધાન કાર્યાલય ખાતે કેન્દ્રીત થઈ ચુકી છે. કેટલીક મહત્વની સંસ્થાઓ તેના પ્રમુખો વગર ચાલી રહી છે. આવી સ્થિતિને દુરસ્ત કરવાની કોઈ મોટી ઉતાવળ એક વર્ષના ગાળમાં જોવા મળી નથી. જૂની સરકારોના વહીવટીય માળખાને ખતમ કરવા માટે પણ મોદી સરકારે એક વર્ષમાં ઘણું મોટું કામ કર્યું છે. આઝાદી બાદ વિકાસ માટે ગુમાવવામાં આવેલા અવસરો પર જોરશોરથી દેશ-વિદેશમાં અફસોસ વ્યક્ત કરવામાં આવે છે. વિપક્ષો પ્રમાણે.. હજી પણ એક વર્ષના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અભિયાનના મોડમાંથી બહાર આવ્યા નથી.

પરંતુ પ્રવર્તમાન સરકારે એક વર્ષમાં ઝડપી કામગીરી કરવાના મોકાનો ઉપયોગ કર્યો કે નહીં.. તેના બાબતે ચર્ચાઓ હવે તેજ બની છે. ભારતના સારા ભવિષ્ય માટે મોદી સરકાર યોગ્ય દિશામાં આગેવાની કરી રહી છે કે કેમ.. તેના પર પણ સૌની નજર છે. મહેસૂલી સંકટ સામે ઝઝૂમી રહેલી સરકારે સામાજિક ક્ષેત્રમાં ખર્ચાઓ પર મોટો કાપ મૂક્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રાયોજિત રુરલ ડ્રિન્કિંગ વોટર પ્રોગ્રામમાંથી હાથ પરોક્ષપણે ખેંચી લેવામાં આવ્યો છે.

મોદી સરકારે આરોગ્ય ખર્ચમાં 15 ટકાનો ધરખમ કાપ મૂક્યો છે. ગ્રામીણ વિકાસ વિભાગના બજેટમાં 10 ટકાનો મોટો ઘટાડો કરાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું બજેટ ઘટાડીને અડધું કરી દેવામાં આવ્યું છે. આર્થિક સલાહકારના આર્થિક સર્વેક્ષણના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા છતાં સાક્ષરતા ઘણી ઓછી છે. તેમ છતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ શિક્ષણ બજેટમાં 16 ટકાનો કાપ મૂક્યો છે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં મોટી સમસ્યા છે કે પાંચમા ધોરણમાં ભણતા ગ્રામીણ બાળકો મુશ્કેલીથી બીજા ધોરણના પુસ્તકને વાંચી શકે છે. ત્યારે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્તિના મિશનની આકાંક્ષા રાખતા ભારત જેવા દેશ માટે આવી ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

2014ના લેબર બ્યૂરો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્કિલ્ડ વર્કફોર્સનો પ્રવર્તમાન આકાર 2 ટકા છે. જ્યારે સાઉથ કોરિયામાં 96 ટકા સ્કિલ્ડ કર્મચારી છે.. જાપાનમાં સ્કિલ્ડ વર્કફોર્સ 80 ટકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા... જેવા પ્રોજેક્ટો સાથે કૌભાંડોથી સ્કેમ ઈન્ડિયા તરીકેની બદનામીને સ્કિલ ઈન્ડિયાની શાખમાં ફેરવવા ઈચ્છે છે. પરંતુ માત્ર વાતો અને ભાષણો કરવાથી દેશમાં સ્કિલ્ડ વર્કફોર્સ પેદા થઈ શકતો નથી. તેના માટે સરકારની એક ચોક્કસ.. નીતિ-અભિગમ અને વ્યવસ્થા હોવી જોઈએ. તેનું નિર્માણ એક વર્ષના શાસન બાદ પણ થયાનું લોકોના ધ્યાનમાં નથી. ઈકોનોમિક સર્વેમાં સ્કિલ્ડ વર્કર્સનો સરકારી ટાર્ગેટ પ્રાપ્ત થાય તેવી સંભાવનાઓ ઘણી ઓછી હોવાનું જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ... મોદી સરકારના કેટલાંક પ્રધાનો અને સંઘ પરિવાર તરફથી હિંદુઓને વધુમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ થઈ રહી છે. જેથી હિંદુઓની વસ્તી ઝડપથી વધારી શકાય. દેશમાં મુસ્લિમોની વધતી વસ્તીવૃદ્ધિના દરને દેશ માટે ચિંતાજનક ગણાવાઈ રહ્યો છે. જો કે સેક્યુલર ભારતમાં તમામ ધર્મ... વર્ગ.. સમુદાયોના લોકોને વસ્તીવૃદ્ધિ દર નિયંત્રિત કરવા માટે પરિપકવ બનાવવા માટે કોઈ પ્રોગ્રામની હજી સુધી ચર્ચા પણ થઈ નથી. એક તરફ સરકાર તમાકુ અને તેના ઉત્પાદનો પર પ્રતિબંધો મૂકી રહી છે.. તો બીજી તરફ તેમના કેટલાંક સાંસદો તમાકુ સેવન અને કેન્સરના રોગ વચ્ચે કોઈ સંબંધ હોવાના મામલે પ્રશ્નો ઉઠાવતા દેખાય છે.

પિન્ક રિવોલ્યૂશનના નામે પુરોગામી યુપીએ સરકારને પ્રચાર અભિયાનમાં ભાંડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં માંસની નિકાસ વધી હોવાનું પણ સામે આવ્યું છે. જો કે ગૌહત્યા અને ગૌમાંસ પર પ્રતિબંધના કાયદા ઘડવાના મામલે ભાજપ અને એનડીએની સરકારો ઘણી સક્રિય દેખાઈ છે. પરંતુ ગુજરાત સહીતના રાજ્યોમાં કાયદાના અમલીકરણના મામલે ઉદાસિનતાથી હજી સુધી ગૌહત્યાઓ અને ગૌમાંસનો વેપલો સંપૂર્ણપણે અટકાવી શકાયો નથી. તો આઝાદીના આટલા સાડા 6 દશકાઓ બાદ પણ નાગરિકોને રોટી.. કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હજી સુધી કોઈ નક્કર આયોજનબદ્ધ કાર્યવાહી થતી હોવાનું લોકોને મહેસૂસ થયું નથી..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો