મંગળવાર, 26 મે, 2015

મોદી @ 365 : પાકિસ્તાન નીતિ અસ્પષ્ટ અને કાશ્મીર મામલે વિસંગતતા, ઓબામા ઈફેક્ટની સ્પષ્ટ અસર



- આનંદ શુક્લ
એક વર્ષના ગાળામાં મોદી સરકારની પાકિસ્તાન અને કાશ્મીર નીતિમાં ઘણી અસ્પષ્ટતા અને ગુંચવાડો દેખાય છે. શરૂઆતમાં પુરોગામી મનમોહનસિંહની સરકારથી મોદી સરકારની પાકિસ્તાન અને કાશ્મીર નીતિ અલગ ચિલો ચાતરનારી લાગતી હતી. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા સાથેની દિલ્હી મુલાકાતમાં ચાય પે ચર્ચા બાદ લેવાયેલો મોદી સરકાર દ્વારા લેવાયેલો આ યુટર્ન ખરેખર પાકિસ્તાન-કાશ્મીર મામલે મનમોહનસિંહની સરકારની મિરર ઈમેજ જેવો લાગી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ષના કાર્યકાળમાં ભારતની વિદેશ નીતિ વાઈબ્રન્ટ બની હોવાનું માનવામાં આવે છે. ઘણાં સ્તરે વ્યાપક વિદેશ પ્રવાસો દ્વારા મોદીને ભારતની સાથે પોતાની એક શાખ ઉભી કરવામાં ઘણી મોટી સફળતા પણ મળી છે. જો કે તેમ છતાં ભારત માટે આઝાદીકાળથી માથાનો દુખાવો બનેલા પાકિસ્તાન પ્રત્યેની મોદી નીતિમાં એક વર્ષના અંતે ઘણાં ચઢાવ-ઉતાર અને યુટર્નો જોવા મળી રહ્યા છે. કુલ મળીને પાકિસ્તાન તરફની મોદી સરકારની નીતિમાં સાતત્યનો અભાવ દેખાય છે.

26 મે-2014ના રોજ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના શીર્ષસ્થ નેતાઓ સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પણ બોલાવ્યા હતા. સાર્ક દેશોના અન્ય નેતાઓ સિવાય શરીફ સાથે પણ શરાફતથી મોદીએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. જેમાં આતંકવાદીઓના બોમ્બધડાકામાં શાંતિની વાટાઘાટોનું ગળું ટુંપાઈ જતું હોવાનો સ્પષ્ટ સંદેશ ભારતના વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો હતો.

પાકિસ્તાનની ભારત નીતિમાં કાશ્મીર વિવાદની મોટી ભૂમિકા રહી છે. મોદીના સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાને મુશર્રફના ગયા બાદ મંદ પડેલા રાગ કાશ્મીરને ફરીથી આલાપવાનું શરૂ કર્યું હતું. ગત વર્ષે વિદેશ સચિવ સ્તરની ઈસ્લામાબાદ ખાતે યોજાનારી વાતચીતમાં કાશ્મીર વિવાદને કારણે મોટી અડચણ આવી. વિદેશ સચિવ સ્તરની વાતચીત પહેલા જ ભારત ખાતેના પાકિસ્તાની હાઈકમિશનર અબ્દુલ બાસિતે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળવાની શરૂઆત કરી. જેના કારણે ભારત સરકારે તાત્કાલિક અસરથી વિદેશ સચિવ સ્તરની વાટાઘાટો રદ્દ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શરીફ શપથવિધિમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેમણે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ સાથે મુલાકાત ટાળી હતી. જો કે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનના શીર્ષસ્થ નેતાઓ અને પાકિસ્તાની હાઈકમિશનર મળતા રહ્યા છે. પરંતુ આને મોદી સરકારની પાકિસ્તાન અને કાશ્મીર નીતિમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવ્યું હતું.

તો મોદી સરકારને યુએનના જમ્મુ-કાશ્મીરના મિશન માટે ફાળવેલો સરકારી બંગલો પણ પાછો લઈ લીધો હતો. પરંતુ તેની અસર જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર દેખાઈ. પાકિસ્તાની સેના દ્વારા બેફામ ફાયરિંગ કરીને મોદીના એક વર્ષના કાર્યકાળમાં લગભગ 580 વાર શસ્ત્રવિરામ ભંગ કરાયો છે. પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદે જમ્મુના હિંદુ બહુલ વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હતા. તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે તથા મુફ્તિ સરકારના સત્તામાં આવ્યા બાદ જમ્મુના હિંદુ બહુલ વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ વધ્યું છે.

મોદી સરકારે પાકિસ્તાનના બેફામ ફાયરિંગનો જવાબ બુલેટ વિરુદ્ધ મોર્ટાર સેલથી આપ્યો હતો. આ સંકેત હતો કે હજારો ઘા આપીને ભારતને રક્તરંજિત કરવાની પાકિસ્તાનની વ્યૂહરચનાનો જવાબ હજાર બેન્ડેઝથી હવે દિલ્હીની સરકાર આપશે નહીં. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં નવાઝ શરીફે જમ્મુ-કાશ્મીરમાં જનમત કરાવવાનો મામલો ઉઠાવ્યો હતો. ત્યારે મોદીએ પોતાના ભાષણમાં શરાફત સાથે શરીફને જવાબ આપ્યો હતો કે ભારત પાકિસ્તાન સાથે તમામ મુદ્દે વાટાઘાટો માટે તૈયાર છે. પાડોશી દેશ સાથે સારો સંબંધ બનાવવા ઈચ્છુક છે. પાકિસ્તાને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને બંધ કરવી પડશે.

સરહદી તણાવની અસર સાર્ક દેશોની કાઠમંડૂ ખાતેની મુલાકાતમાં પણ વર્તાઈ હતી. દિલ્હી ખાતે શપથવિધિમાં શરીફને આમંત્રણ આપનારા મોદીએ બેઠકના પ્રથમ દિવસે તેમની સાથે કોઈ દુઆ-સલામનો સિરસ્તો પણ નિભાવ્યો નહીં. શરીફના ભાષણ વખતે મોદીએ તેમની બિલકુલ નોંધ પણ લીધી નહીં અને કોઈ પેમ્ફલેટ ફેરવતા રહ્યા હતા. જો કે સાર્ક દેશોની બેઠકમાં છેલ્લા દિવસે નેપાળના વડાપ્રધાન સુશીલકુમાર કોઈરાલાની કોશિશોને કારણે મોદીએ શરીફ સાથે લાંબુ હસ્તધૂનન કર્યું હતું. સાર્ક બેઠકની ફળશ્રુતિ પણ મોદી-શરીફનું મિલન જ રહી. બાકી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ઘણા મહત્વપૂર્ણ ઠરાવો અટકી ગયા હતા.

ભારતની વિદેશ નીતિ હકીકતમાં દેશમાંથી ઘડાઈ રહી છે? કે વૈશ્વિક મહાસત્તા અમેરિકાનું પ્રભુત્વ છે.. તેનો અહેસાસ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દિલ્હીના મહેમાન બન્યા ત્યારે દેખાયો હતો. કારણ કે મોદીનું પાકિસ્તાન તરફનો છેલ્લા 8 માસ દરમિયાનનો અસહકારભર્યો વર્તાવ માટે બિગ બ્રધર્સ તરફથી મળેલા ઠપકા પછી ભારતનું બદલાયેલું વલણ અને એકાએક પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાનું વલણ ચાય પે ચર્ચા વખતે ઓબામાની સૂચના હોવાનું દિલ્હીના અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મોદી હોય કે મનમોહન.... ભાજપ હોય કે કોંગ્રેસ.. અંતે તો બંનેએ અમેરિકાની સૂચના પછી જ તેમનો પાકિસ્તાન માટેનો વ્યવહાર અને વલણો નક્કી કરવાના હોય છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પાકિસ્તાન સાથે ફરીથી વાટાઘાટો કરવા માટે મજબૂતાઈથી અભિપ્રાય મૂક્યો હતો. વડાપ્રધાન મોદી પર ઓબામાના મજબૂત અભિપ્રાયની ઊંડી અસર થઈ છે.

મોદી સરકારની પાકિસ્તાન નીતિ પર સૌથી મોટી ઓબામા ઈફેક્ટ ફરીથી બિનશરતી દ્વિપક્ષીય વાટાઘાટો માટેની તૈયારી છે. તો પાકિસ્તાની હાઈકમિશનરની હુર્રિયતના ભાગલાવાદી નેતાઓ સાથેની મુલાકાતના મુદ્દે પણ વલણ કૂણું કરવામાં આવ્યું છે. જમ્મુ- કાશ્મીરમાં સેલ્ફરૂલની ટેકેદાર અને ભાગલાવાદીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતી પીડીપી સાથે ભાજપની જોડાણ સરકાર પણ એક મોટું આશ્ચર્ય તો છે જ ..

મોદીએ પાકિસ્તાન નીતિમાં પહેલો યુટર્ન દ્વિપક્ષીય વાટાઘાટોને ફરીથી શરૂ કરવા બાબતે લીધો હતો. તેના માટેના તર્કો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોથી મોદી સરકારની મુશ્કેલીઓ પણ વધી છે. બેફામ ફાયરિંગ કરનારું પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનર્જિવીત કરવાની કોશિશો કરી રહ્યું છે.. ત્યારે મોદી સરકારનો દ્વિપક્ષીય વાટાઘાટો મુદ્દે લેવાયેલો યુટર્ન ખરેખર તેમની પાકિસ્તાન નીતિની પોલખોલનાર છે. ઓબામાની ભારત મુલાકાત બાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી સાર્ક દેશોની ટીમને શુભેચ્છા આપવાના બહાને વડાપ્રધાન મોદીએ સંબંધિત દેશોના પ્રમુખો સાથે વાતચીત કરી હતી. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સાથે પણ મોદીએ ટેલિફોન દ્વારા વાતચીત કરી હતી. તો સાર્ક દેશોની નવનિયુક્ત વિદેશ સચિવ એસ. જયશંકરની મુલાકાત પણ ગોઠવવામાં આવી હતી. ભારતના વિદેશ સચિવ સાથે પીએમ મોદીએ એક પત્ર પણ નવાઝ શરીફને મોકલ્યો હતો. વહેતી થયેલી ચર્ચાઓ પ્રમાણે.. મોદીએ પત્રમાં 2016માં ઈસ્લામાબાદ ખાતે યોજાનારી સાર્ક દેશોની બેઠકમાં ભાગ લેવાનું વિચારતા હોવાનું પણ જણાવ્યું હતું.

મોદી સરકારની પાકિસ્તાન નીતિનો બીજો યુટર્ન પણ કોઈ કોયડાથી કમ નથી. રણનીતિક મામલાના નિષ્ણાત બ્રહ્માચેલાની દ્વારા લખાયેલા એક આર્ટીકલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે દિલ્હી ખાતેના તેના હાઈકમિશનર હુર્રિયતના ભાગલાવાદી નેતાઓને સત્તાવાર વાટાઘાટો શરૂ થવાની હોય તેવા સમયગાળા દરમિયાન મળે નહીં. જો કે તેના સિવાયના સમયગાળામાં પાકિસ્તાની હાઈકમિશનર હુર્રિયતના ભાગલાવાદી નેતાઓને મળી શકશે. ભારત સરકારની એડવાઈઝરી પ્રમાણે.. પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બાસિતે બંને દેશો વચ્ચી વિદેશ સચિવ સ્તરની વાટાઘાટો બાદ પહેલા હુર્રિયતના નેતા સૈયદ અલી શાહ ગિલાની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મીરવાઈઝ ઉમર ફારુકની આગેવાની હેઠળના હુર્રિયતના સાત સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી.

ભૂતપૂર્વ ભારતીય સેનાધ્યક્ષ અને મોદી સરકારમાં વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહ પાકિસ્તાન દિવસની ઉજવણીમાં મોકલવામાં આવ્યા હતા. લીલી કોટીમાં પાકિસ્તાન દિવસની મિજબાનીમાં મહાલવા પહોંચેલા જનરલ વી. કે. સિંહને પાકિસ્તાની હાઈકમિશનમાં યોજાયેલી ઉજવણી વખતે ભાગલાવાદી હુર્રિયત નેતાઓ સાથે ભાગ લેવો પડયો હતો. ત્યાર બાદ તેમણે કેટલાંક શબ્દ દ્વારા નાખુશી વ્યક્ત કરી અને બાદમાં મીડિયા પર વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવી યુટર્ન પણ લીધો હતો.
સૌથી મોટું આશ્ચર્ય અને આઘાત જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી જોડાણ સરકાર પર છે. ભાજપ અહીં કલમ-370ની નાબુદીની માગણી કરતું રહ્યું છે.

ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરથી કલમ-370ની નાબુદી અને દો વિધાન.. દો પ્રધાન વિરુદ્ધ સત્યાગ્રહ કરીને શહીદી વ્હોરી હતી. પરંતુ પીડીપી પર ભૂતકાળમાં ભાગલાવાદીઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવનારું ભાજપ આજે તેમની સાથે રાજ્યમાં સરકાર ચલાવી રહ્યું છે. પીડીપી સેલ્ફ રુલની માગણી કરી રહી છે. તે કલમ-370ની નાબુદીની વિરુદ્ધ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન તરફ પણ કૂણી લાગણી ધરાવે છે. આવા સંજોગોમાં બે વિરુદ્ધ રાજકીય ધ્રુવોના જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકાર બનાવવાની મજબૂરી પણ આંતરરાષ્ટ્રીય ખાસ કરીને અમેરિકાના દબાણમાં કોઈ ખિચડી પાકતી હોવાની છાપ પેદા કરનારી છે.

એક વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને વિરાટ જીત જનતાએ પાકિસ્તાન અને કાશ્મીરની નીતિમાં ગુણાત્મક ફેરફાર માટે આપી હતી. ભારતના મતદારોને મોદી પરિવર્તનકારી નેતા લાગ્યા છે. પરંતુ ઓબામા સાથે ચાય પે ચર્ચા બાદ મોદી સરકારની કાર્યવાહીથી સંકેત મળી રહ્યા છે કે પુરોગામી મનમોહનસિંહ સરકાર પર પાકિસ્તાન સામે સ્વાભિમાન ગિરે મૂકવાના આક્ષેપો લાગ્યા હતા તેવી દિશામાં જ હાલની નીતિ આગળ વધી રહી છે.
વાતચીત માટે આતંકવાદ બંધ કરવો પડશે તેવો સ્પષ્ટ ડિપ્લોમેટિક મેસેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. મુંબઈ હુમલાના ગુનેગાર લખવીની મુક્તિ અટકાવામાં અસફળ રહેલી મોદી સરકાર સંયુક્ત રાષ્ટ્રની સેન્કશન્સ કમિટીમાં ફરિયાદ કરીને સહકારના આશ્વાસનથી વધુ કંઈ મેળવી શકી નથી. ભારતને ઉપદેશ આપતા અમેરિકાએ આતંકની ફેક્ટરી એવા પાકિસ્તાનને એક અબજ ડોલરની મદદ પણ કરી છે. સાથે વાટાઘાટો માટે ભારત પર દબાણ પણ યથાવત રાખ્યું હોવાની એક માન્યતા પ્રવર્તી રહી છે.

એક તરફ ઓબામા નિર્દેશિત અભિપ્રાયો હેઠળ પાકિસ્તાન સાથે પરંપરાગત રીતે વાટાઘાટોની ભારતે તૈયારી કરી છે. ભારતની પરંપરાગત પાકિસ્તાન નીતિમાં તેની યુદ્ધખોરી અને આતંકી પ્રવૃત્તિ સામે પણ વાટાઘાટો બંધ કરવાની રહી છે. 2008ના મુંબઈ હુમલા બાદ તત્કાલિન ભારતીય વડાપ્રધાન મનમોહનસિંહે શર્મ-અલ-શેખ ખાતે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. ત્યારે સંયુક્ત નિવેદનમાં બલુચિસ્તાનમાં ભારત બળવાને ઉશ્કેરી રહ્યું હોવાની પાયાવિહોણી વાત પણ સામેલ કરવામાં આવી હતી. ત્યારે આવા સંજોગોમાં ફરીથી મનમોહનસિંહની રાહે મોદી સરકારની બિનશરતી વાતચીતની તૈયારીઓના સંકેત સ્પષ્ટપણે પાકિસ્તાનને તેની ભારતને રક્તરંજિત કરવાની નીતિ માટે પ્રોત્સાહક જ સાબિત થાય તેવી શક્યતા છે. કારણ કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથેની વાતચીત બંધ કરવાનું પગલું ભરીને ભારત સરકારો અત્યાર સુધી સંતોષ માનતી આવી છે.

તો બીજી તરફ સત્તાવાર વાટાઘાટો સિવાયના સમયમાં પાકિસ્તાનના હાઈકમિશનરને કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળવાની ભારત સરકાર તરફથી આપવામાં આવેલી મંજૂરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોદી સરકારની પાકિસ્તાન નીતિને નિષ્ફળ ગણાવતા પ્રશ્નો પુછાઈ રહ્યા છે કે શું પાકિસ્તાનની એલચીમાં રહેલા કોઈપણ ભારતીય અધિકારીને પાકિસ્તાન બલોચ રાષ્ટ્રવાદીઓ અથવા ગિલગિટ-બાલ્ટિસ્તાનના શિયા ભાગલાવાદીઓને મળવાની મંજૂરી આપે ખરું?

મોદીની પાકિસ્તાન નીતિ પર ઓબામા ઈફેક્ટ ઘણી વ્યાપક છે. પાકિસ્તાનના પેશાવરની સૈનિક સ્કૂલ પર તાલિબાની આતંકીઓએ હુમલો કર્યો અને દોઢસોથી વધુ વિદ્યાર્થીઓની કત્લેઆમ કરી હતી. પાકિસ્તાન પેશાવરના હુમલા પાછળ ભારતની ગુપ્તચર સંસ્થા રૉને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનવીય સંવેદનાઓ હેઠળ ભારતની તમામ શાળાઓમાં મૌન પાળવાના નિર્દેશ આપીને આતંકવાદનો વિરોધ કર્યો હતો. જો કે પાકિસ્તાને તેનો જવાબ બેફામ ફાયરિંગ અને મુંબઈ હુમલાના ગુનેગાર લશ્કરે તોઈબાના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીને જેલમાંથી મુક્ત કરીને આપ્યો છે.

આતંકવાદની લડાઈમાં ઓબામા-મોદીએ સાથ-સાથ હોવાના સૂર તાણ્યા.. તો ઓબામાએ બે વખત ભારતને ધાર્મિક સહિષ્ણુતાની સલાહ પણ આપી. દિલ્હીમાં સિરી ફોર્ટ ખાતે અને અમેરિકામાં ધાર્મિક નેતાઓ સાથેની બેઠકમાં ઓબામાએ ભારતને સહિષ્ણુતા મામલે ઉપદેશ આપ્યા હતા. તાજેતરમાં અમેરિકાના ધાર્મિક આઝાદી પરના રિપોર્ટમાં પણ મોદી સરકારની ટીકા કરાઈ છે. જાણકારો પ્રમાણે.. અમેરિકાની આ હરકત પાકિસ્તાન સાથે સંબંધોને સંતુલિત કરવા અને મોદી સરકારને ઈસ્લામાબાદ સાથે વાતચીત કરવા મજબૂર બનાવવાની વ્યૂહરચનાનો ભાગ છે. મોદીની વિદેશ નીતિ ચપળ ગણાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ન તો ઓબામાને અને ન તો પાકિસ્તાન જેવા દેશને બિન-સુન્ની લઘુમતીઓની કનડગત અને હત્યાઓના મુદ્દે મોદી સરકારે કોઈ જવાબ આપ્યો નથી.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ઘરઆંગણે પાકિસ્તાની સેના પ્રેરીત આંદોલનોના પડકારોનો સામનો કરી ચુક્યા છે. તેઓ પાકિસ્તાની સેનાના એજન્ડાને અવગણવાની સ્થિતિમાં બિલકુલ નથી. આવા સંજોગોમાં કમજોર શરીફ સરકાર સાથે વાટાઘાટો માટે મજબૂત મોદી સરકારની મજબૂરીનું કારણ ઓબામા ઈફેક્ટ સિવાય બીજું કંઈ નહીં હોવાનું જાણકારોનું માનવું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો અનુભવ રહ્યો છે કે પીસ પ્રોસેસ પુનર્જિવીત કરવાથી શાંતિ તો નથી આવતી પણ ભારતીય પક્ષની પ્રોસેસ વધી જાય છે. આવા સંજોગોમાં ભારત ઉદયને રોકવામાં લાગેલા પાકિસ્તાન માટે આતંકવાદ ચોક્કસપણે એક સ્ટ્રેટજિક વેપન છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ દલબીરસિંહ સુહાગ પણ ચેતવણી આપી ચુક્યા છે કે પાકિસ્તાનમાં આતંકવાદનું માળખું યથાવત છે.

મોદીની ગતિશીલતા અને ચાલકબળને કારણે ભારતીય વિદેશ નીતિ અને કૂટનીતિમાં અલગ જીઓસ્ટ્રેટજિક છાપ તથા દિશા મળવાની આશા પેદા થઈ છે. પરંતુ પાકિસ્તાન તથા કાશ્મીર નીતિ સંદર્ભે મોદી સરકારની અનિર્ણાયત્મક સ્થિતિ લાંબાગાળાના રાષ્ટ્રહિતો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો