મંગળવાર, 26 મે, 2015

દર વર્ષે 1.20 કરોડ નોકરીઓ પેદા કરવા ભારતને રોજગારલક્ષી આર્થિક નીતિ જરૂરી

- આનંદ શુક્લ
મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વકાંક્ષા ધરાવે છે. તેના સંદર્ભે કરતા દાવામાં દર વર્ષે 1 કરોડ 20 લાખ લોકોને રોજગાર પુરા પાડવાની વાતો ચર્ચાઈ રહી છે. પરંતુ 1991-92થી ઉદારવાદના વાવાઝોડામાં ભારતની આજ સુધીની સરકારો રોજગાર આપી શકે તેવી આર્થિક નીતિનું નિર્ધારણ કરી શકી નથી. ત્યારે મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા અને એક કરોડથી વધારે લોકોને દર વર્ષે રોજગારી આપવાની વાત કરે છે.. ત્યારે આર્થિક નીતિમાં પાયગત ફેરફારો વગર આ વાતો હથેળીમાં ચાંદ જોવા બરાબર જ ભાસી રહી છે.

8મી એપ્રિલે યોજના પંચને વિખેરી નાખીને નીતિ પંચને અમલી બનાવવામાં આવ્યું છે. નીતિ પંચના અધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ ઉદ્યોગગૃહની સીસીઆઈઆઈની વાર્ષિક સભામાં જણાવ્યું હતું કે વધુ મજૂરોને રોજગારી આપે તેવા ઉદ્યોગોમાં ઔદ્યોગિક ગૃહો તરફથી રોકાણ શા માટે કરાતું નથી? પનાગરિયાના સંબોધન પ્રમાણે.. દર વર્ષે ભારતની વસ્તીમાં એક કરોડ 20 લાખ લોકો રોજગારીને લાયક બને છે અને તેમને રોજગારી પુરી પાડવાની જરૂરી છે. તેમણે ભારતના ઔદ્યોગિક ગૃહોને ફૂડ પ્રોસેસિંગ.. ઈલેક્ટ્રોનિક એસેમ્બલી અને ચર્મ ઉદ્યોગમાં મોટું રોકાણ કરવા માટે સુચવ્યું છે.

પરંતુ મોદી સરકારના મેક ઈન ઈન્ડિયાના લક્ષ્ય અને નીતિ પંચના પહેલા અધ્યક્ષ અરવિંદ પનાગરિયાની વાતમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે ભારતીય તેમજ વિદેશી મૂડીરોકાણમાં મોટો વધારો કરવાનું છે. આખા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોદીની મનસા ઘેલછાની હદે ઉછળી રહી છે. જો કે આમા ઔદ્યોગિક વિકાસનો વિરોધ કરવાની કોઈ લાગણી નથી. માત્ર વાત એટલી જ છે કે ઔદ્યોગિક વિકાસમાં કેટલાંક દેશી-વિદેશી ઉદ્યોગગૃહોનો જ વિકાસ નહીં.. પણ લોકોને પણ તેના ફળ ચાખવા મળે.. ભારતની વસ્તીના 65 ટકા લોકો યુવાવર્ગના છે. ત્યારે તેમને સતત રોજગારી મળી રહે તેની તાતી જરૂરિયાત છે. પરંતુ માત્ર દેશીવિદેશી મૂડીરોકાણોના વધવાથી જ દેશમાં રોજગારી વધી જશે.. તેવી કોઈ શક્યતા ચોક્કસ નીતિ વગર હકીકત બનવાની નથી.

છેલ્લા 10 વર્ષના વિકાસની હકીકતો જોતા દર વર્ષે એક કરોડ 20 લાખ નોકરીઓ પેદા કરવાની વાત અત્યંત અઘરી લાગી રહી છે. 1999થી 2009-10 વચ્ચેના સમયગાળામાં જાહેર અને ખાનગી ક્ષેત્રોએ સાથે મળીને રોજગારી વર્ષે માત્ર એક ટકાના દરે વધી શકી છે. 2011માં ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ 5.6 ટકાના દરે વધી હતી. બીજી તરફ ખેતીનો જીડીપીમાં હિસ્સો ઘટીના માત્ર 14 ટકા થઈ ગયો છે. પરંતુ ભારતના અર્થતંત્રમાં રોજગારી પેટે ખેતી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રો દ્વારા ભારતની 58 ટકા રોજગારી આપી રહી છે.

1991-92થી ઉદારીકરણના યુગની શરૂઆતથી જ દેશના લગભગ પોણા ભાગની રોજગારી આપતા ખેતીના ક્ષેત્રની ઘોર અવગણના કરાઈ છે. જેના કારણે છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં અંદાજે સાડા ત્રણ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા છે. તાજેતરમાં કમોસમી વરસાદમાં બરબાદ થયેલા પાકને કારણે ફરીથી ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠયો છે. તો તેમાં જમીન સંપાદન બિલ સંદર્ભેની આશંકાઓ વચ્ચે ખેડૂતો વધુ ચિંતાતુર બન્યા છે. ત્યારે ખેતી પર ગમે તેવી રીતે નભતા 58 ટકા લોકોને તેના પ્રત્યે ઉપેક્ષિત વલણ સરકાર ઉદ્યોગ તરફી હોવાનું લાગવું સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ હોય તેવું પણ પ્રતિપાદીત લાગે છે.

હાલ ખેતીમાં મનરેગા કે ટૂંકી રોજગારી પર નભતી ભારતની જનતાને ગામડું છોડીને વધતી મોંઘવારી વચ્ચે શહેરોમાં હિજરત કરવાની ફરજ પડે છે. આજે ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શહેરોનો હિસ્સો છે. અહીં ગરીબો ગંદી વસ્તી અને ફૂટપાથ પર દિવસો કાઢી રહ્યા છે. તેમને કોઈ પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. હવે પાછું ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શાસકોને ખંટાઈ રહી છે. મોદી સરકાર હવે 500 સ્માર્ટ સિટી બનાવવાના લક્ષ્ય પર આગળ વધવા માંગે છે. 100 સ્માર્ટ સિટીની યોજનાને કેબિનેટની મંજૂરી પણ મળી ચુકી છે.

પરંતુ સવાલ એ છે કે આવી સ્માર્ટ સિટીમાં ભારતના ગરીબોને કેવી રીતે વસાવવામાં આવશે? બાકી શહેરમાં પલાયન નહીં કરનારા શ્રમજીવીને ઓછામાં ઓછું સ્વચ્છ હવા તો મળે છે... બાકી માની લેવામાં આવે કે વધુ રોજગારી તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રથી મળશે અને તેના કારણે ગામડામાં જમીન પરનું ભારણ ઓછું કરવા જમીન સંપાદન સરળ બનાવવું જોઈએ.. પરંતુ મેક ઈન ઈન્ડિયામાં કમ સે કમ ખેડૂતના સંતાનને પટાવાળા.. કલાર્ક અને ચોકીદારની નોકરી મળશે તેવી ગણતરી રાખવામાં આવે તો પણ ઔદ્યોગિક ઉત્પાદન નોકરીઓ ઉભી કરવાનું લક્ષ્યાંક પાર પાડશે તેવું શેના આધારે માની શકાય?

અત્યારે મેન્યુફકચરિંગક્ષેત્રનો જીડીપીનો હિસ્સા માત્ર 16 ટકા છે. 2014ના જૂન ત્રિમાસિક પરિણામો પ્રમાણે ભારતના 50 શહેરોમાંના 4500 ઉદ્યોગગૃહોએ 16 લાખ 64 હજાર 670 રોજગારી ઊભી કરી હતી. તે સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામોમાં ઘટીને 1 લાખ 31 હજાર 983 થઈ હતી. ટૂંકમાં,ઔદ્યોગિક ઉત્પાદનની હાલત સફળ થશે એવું કયા આધારે માનવું? લાંબા ગાળાની વાત કરીએ તો, છેલ્લા 10 વરસમાં ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રનો સરેરાશ ઉત્પાદન વૃદ્ઘિદર માત્ર 6થી 8 ટકા રહ્યો છે. આને 10 વર્ષમાં ત્રણ ગણો કરવો કોઈ સરળ બાબત નથી.

1991ની નવી આર્થિક નીતિના અમલ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે 70 ટકાથી વધુ મૂડીરોકાણ થયું છે. પરંતુ તેનાથી ધાર્યા લક્ષ્યાંકો પાર પાડી શકાયા નથી. જો કે આ આર્થિક નીતિઓએ ખેતી ક્ષેત્રની હાલત બગાડવામાં સફળ રહી છે. તેનો સીધો ફાયદો ડબલ્યૂટીઓમાં સામેલ દેશોને થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ભારતની આર્થિક નીતિઓ શું માત્ર દેશના જ નીતિનિર્ધારકોના હાથમાં છે કે તેમના પર ઝાકમઝોળ ધરાવતા વિકસિત દેશોના વિકાસથી સરકારો અસરગ્રસ્ત હોવાથી ખેતી વિરોધી વલણ અખત્યાર કરે છે?

એક તરફ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ દેશી-વિદેશી રોકાણ વધારવાની વાતો થઈ રહી છે. વડાપ્રધાન મોદી ઝંઝાવાતી ગગનવિહાર દ્વારા વિશ્વવિહાર કરી રહ્યા છે. પરંતુ એફઆઈઆઈમાંથી વિદેશી રોકાણકારો પોતાના ફંડો પાછા ખેંચી રહ્યા હોવાથી 7 મે-2015ના રોજ રૂપિયો છેલ્લા વીસ માસની સૌથી નીચલી સપાટી સુધી ગગડયો હતો. ત્યારે એક ડોલરનો ભાવ 64 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
તાજેતરમાં ભારત સરકારના ઉદ્યોગ વિભાગે પાછલા 23 વર્ષમાં થયેલા મૂડી રોકાણ અને એના કારણે થયેલા રોજગારીના વધારાની રાજ્યવાર વિગતો આંકડા સાથે બહાર પાડી હતી. તેના પ્રમાણે ગુજરાતમાં એક કરોડ રૂપિયાના રોકાણના કારણે ચાર વ્યક્તિને રોજગારી મળી છે. આનો ખુલાસો નવી આર્થિક નીતિના ટેકેદારો આજ સુધી આપી શક્યા નથી. ઊલટાનું વધુ જોરથી આર્થિક સુધારા અમલમાં મૂકવા વૈશ્વિક દબાણ ઊભું કરે છે. નાણાં પ્રધાન અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ એજન્ડાને લાગુ કરવા માટે તેમના નિર્દેશ પ્રમાણે રોકાણકારોને બધું આપવા કમર કસી રહ્યા છે.

પ્રખ્યાત અર્થશાસ્ત્રી આઈ. એમ. લીટર અને એની ક્રુગરનું કહેવું છે કે ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા દાયકામાં ધીમું પડયું છે. તેનું કારણ સરાકરોએ માત્ર મસમોટા ઉદ્યોગો વિકસિત કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી એની ક્રુગરનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં કારખાના કાં તો એક હજાર કે તેથી વધારે કામદારોવાળા છે. અથવા તો નાના વણનોંધાયેલા એકમોવાળા કારખાનાની ભરમાર ધરાવે છે. વૈશ્વિક વિકાસના ઈતિહાસમાં 100થી 500 સુધીના કામદારોની સંખ્યા ધરાવનારા કારખાના વધુ ઉત્પાદન કરનારા અને વધુ કાર્યક્ષમ સાબિત થતા આવ્યા છે.

મોટા કારખાના તીવ્ર ક્રોની કેપિટાલિસ્ટ એટીટ્યુટ તરફ ઝોંક ધરાવતા હોવાનું દેખાયું છે. તો નાના વણનોંધાયેલા કારખાના શ્રમજીવીના શોષણનો સ્ત્રોત બનતા હોય છે. આવા સંજોગોમાં શ્રમેવ જયતેનો સૂત્રોચ્ચાર મજૂરોનું કલ્યાણ કરી શકશે નહીં.. તેના માટે મજૂર નીતિમાં ધડમૂળના ફેરફારો અને 58 ટકાને રોજગારી આપતી ખેતીને 18મી સદીની અવસ્થામાં રાખતી સરકારી માનસિકતામાં પણ ક્રાંતિકારી ફેરફારની જરૂરિયાત છે. રોજી માટે ગામડાના ગરીબોને શહેરો તરફ ધકેલવાને બદલે કસ્બાઓમાં ખેતી આધારિત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઊભા કરવા તરફ ધ્યાન આપવું જરૂરી છે. રોજગારલક્ષી રોકાણ વધુ કરાય તેવી નવી આર્થિક નીતિના અમલ મારફત વધુ રોજગારી પેદા થઈ શકશે.

ચીનની ભારતના ભૂરાજનીતિક હિતોને નુકસાન પહોંચાડવાની રણનીતિ, વ્યાજબી જવાબ માટે સમુદ્રી શક્તિ જરૂરી

- આનંદ શુકલ
ચીન પોતાના જીઓપોલિટિકિલ હિતોની પૂર્તિ માટે અને અમેરિકા સામે બીજા ધ્રુવ તરીકે સ્થાપિત થવા માટે સમુદ્રી સિલ્ક માર્ગની વેતરણમાં છે. તેની હિંદ મહાસાગરમાં સક્રિયતા અને દક્ષિણ ચીન સાગરમાં દાદાગીરી ભારત અને વિશ્વ માટે તેના વિસ્તારવાદી વલણ સંદર્ભે ચિંતા ઉપજાવનારું છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેની વધતી ઘનિષ્ઠતા.. ભારતના બાંગ્લાદેશ અને ઈરાન સાથેના સારા સંબંધો બીજિંગની મહત્વકાંક્ષાઓ પર અંકુશ લગાવી શકે તેમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં અમેરિકા દ્વારા વીઝા આપવા બાબતે ઉઠેલા વિવાદની કડવાશને ભૂલાવીને યુનોની મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના આમંત્રણથી તેઓ વ્હાઈટ હાઉસની મુલાકાતે પણ ગયા હતા. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન પણ બન્યા હતા. સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ અને સ્ટ્રેટજીક પાર્ટનરશિપ મજબૂત કરવાની બંને દેશો વચ્ચેની સમજૂતીથી સ્પષ્ટ થયું છે કે અમેરિકા ભારતને બદલાયેલા વૈશ્વિક પરિવેશમાં મહત્વનું ગણી રહ્યું છે.

ઓબામાએ ભારત મુલાકાતમાં એશિયા-પેસિફિકમાં ભારતની ભૂમિકાને આવકારવા સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ટેકો પણ આપ્યો છે. ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાથી ચીન ચોક્કસપણે ધુંધવાયું હોવાનું માનવામાં આવે છે. તેના કારણે પાકિસ્તાન દિવસની પરેડમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પણ મુખ્ય મહેમાન બન્યા અને માતબાર મદદ પણ જાહેર કરી છે.

જી-20 દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા હતા. ઓસ્ટ્રેલિયા પણ ચીનના વિસ્તારવાદી વલણનો વિરોધ કરી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સારા સંબંધોના નવા પ્રકરણને પણ ચીન સામેની કથિત રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની સક્રિયતા છેલ્લા દોઢ દશકથી તબક્કાવાર વધી રહી છે. ત્યારે મોદીએ 2015ના વર્ષમાં હિંદ મહાસાગરીય દેશો મોરેશિયસ.. સેશલ્સ અને શ્રીલંકાની યાત્રા કરી હતી. ચીન નકારી રહ્યું હોવા છતાં હિંદ મહાસાગરમાં પોતાના કાયમી નૌસૈન્ય થાણા સ્થાપવાની વેતરણમાં હોવાનું માનવામાં આવે છે. સેશલ્સ અને મોરેશિયસ જેવા દેશોને ચીન આસાનીથી છેલ્લા કેટલાંક સમયથી પોતાના વર્ચસ્વમાં લાવી રહ્યું છે.

આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશલ્સની મુલાકાત અને અહીં રડારની સ્થાપના કરવાથી ચીનને સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ હિંદ મહાસાગરમાં ભારતના વર્ચસ્વને પડકારે નહીં. તો શ્રીલંકામાં એલટીટીઈ સામેના યુદ્ધમાં ચીનની મદદ પછી બંને વચ્ચે ઘનિષ્ઠતા બની છે. કોલંબો ખાતે અવારનવાર ચીનના જહાજો અને સબમરીનો લાંગરવાથી ભારતની સામરિક ચિંતાઓ વધી છે. ત્યારે ત્રીસ વર્ષ બાદ શ્રીલંકાની ભારતીય વડાપ્રધાનની મુલાકાતથી ચીનનો પ્રભાવ ઘટાડવા માટેની કોશિશો તેજ બનવાના સંકેત મળી રહ્યા છે. યુનોમાં એલટીટીઈ સામેની લશ્કરી કાર્યવાહીના મામલે માનવાધિકાર ભંગના શ્રીલંકા વિરોધી ઠરાવને તમિલનાડુના રાજકારણથી પર રહીને ભારત સરકારે ટેકો આપ્યો ન હતો.

આસિયાન સંમેલનમાં મ્યાનમાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. અહીં તેમણે મ્યામારની મિલિટ્રી જુન્ટાની સરકાર પ્રત્યે પરંપરાગત ભારતીય ડિપ્લોમેટિક વલણમાં સૂચક ફેરફારના સંકેત પણ આપ્યા હતા. તેમણે લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં ફેરવવાની વાત કરીને આસિયાન દેશોમાં પણ ભારત સારા સંબંધો ઉચ્ચકક્ષાએ લઈ જવા ઈચ્છુક હોવાનો સ્પષ્ટ મેસેજ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીન મ્યામારને 90 ટકાથી વધારે શસ્ત્રસરંજામની આપૂર્તિ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ મુલાકાતમાં 36 રફાલ યુદ્ધવિમાનો ખરીદવાનો સોદો કર્યો છે. રફાલ ફાઈટર જેટની શક્તિને જોતા ચીનના એરપાવરને સંતુલિત કરવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે. રફાલની 3700 કિલોમીટરની રેન્જ અને 10 કલાક સતત ઉડ્ડયન કરવાની ક્ષમતાને કારણે તેની રેન્જમાં આખું પાકિસ્તાન અને અડધું ચીન આવી જાય છે. તેને વિમાનવાહક યુદ્ધજહાજ પરથી પણ ઓપરેટ કરી શકાય છે. તો મોદીની ચીન યાત્રા પહેલા ગોવાના સમુદ્રી તટ નજીક ભારત અને ફ્રાન્સની નૌસેના વચ્ચે વરુણ નામની લશ્કરી કવાયત કરવામાં આવી છે. 10 દિવસ ચાલેલી આ નૌસેના કવાયતના સામરિક અર્થો છે.

21મી સદીના સામુદ્રિક સિલ્ક માર્ગની પહેલ આખરે ચીનથી દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા સુધી પહોંચશે. ચીન સ્પષ્ટપણે એશિયાના નેતૃત્વ પર આસિન થવા ઈચ્છે છે. ભારત અને ફ્રાન્સની નેવી વચ્ચેના યુદ્ધાભ્યાસને પણ આના સંદર્ભે જોવો જોઈએ. ચીનની વધી રહેલી ગ્રીન વોટર નેવીને બ્લૂ વોટર નેવીમાં બદલવાની મનસા સામે ભારત માટે મહત્વનું છે કે તે પોતાના મિત્રવત દેશોની નૌસેના સાથે સંબંધ બનાવે અને તેમની સાથેની કવાયતમાં પોતાનું કૌશલ વધુ ધારદાર બનાવે.

બાંગ્લાદેશ સાથેના 41 વર્ષ જૂના સીમા વિવાદના ઉકેલ માટે ભારતીય સંસદે જમીન સીમા સમજૂતી-1974ને લાગુ કરતા ખરડાને મંજૂરી આપી છે. જેના કારણે બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધોમાં સુધારો થાય તેવી શક્યતા છે. ચીન બાંગ્લાદેશના ચિતાગોંગ અને ઢાકા ખાતેના પોર્ટોના વિકાસમાં ખૂબ સક્રિય છે. બાંગ્લાદેશના 80 ટકા શસ્ત્રસરંજામ ચીન દ્વારા પુરો પાડવામાં આવે છે. બાંગ્લાદેશ જમીન અને દરિયાઈ સરહદથી ભારત સાથે અતિ વ્યૂહાત્મક રીતે જોડાયેલું છે.

આવા સંજોગોમાં ચીનના કોઈપણ પ્રકારના વર્ચસ્વને બાંગ્લાદેશમાં અવકાશ મળવો જોઈએ નહીં તે ભારતના હિતમાં છે. મોદી સરકાર આ દિશામાં કામ કરી રહી છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ઢાકાની મુલાકાતે પણ જઈ આવ્યા છે અને તેમને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ ખૂબ ઉષ્માભર્યો આવકાર પણ મળ્યો હતો.

પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની ચીનને સોંપણી કરાઈ છે. આવા સંજોગોમાં અરબ સાગરમાં કંડલા સહીતના મહત્વના વ્યૂહાત્મક સ્થાનો સુધી ચીનની નેવીની પહોંચ વધે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં ભારતે ઈરાનના ચાબહર પોર્ટને વિકસિત કરવાનો એક કરાર કર્યો છે. ચાબહર પોર્ટ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રોવિન્સ ખાતે ઈરાનના દક્ષિણ-પૂર્વ સમુદ્ર તટ પર આવેલું છે. અહીંથી ભારત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનને બાયપાસ કરીને પહોંચ બનાવી શકે છે. આ ઈરાની પોર્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની પણ નજીક છે.

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે કે નહીં.. પણ હકીકત સપાટી પર આવી રહી છેકે ભારત ભૂરાજકીય મહત્વકાંક્ષાઓ આગળ વધારવાની નીતિ પર ચાલી રહ્યું છે. વૈશ્વિક મહત્વકાંક્ષાઓ સાથેના શક્તિશાળી દેશો માટે બ્લૂ વોટર નેવી પોતાની તાકાત દર્શાવવા માટે જરૂરિયાત છે. ત્યારે ભૂરાજનીતિક હિતોને નુકસાન પહોંચાડવાની કોઈપણ હરકતને પહોંચી વળવા માટે દરિયાઈ શક્તિ ખૂબ જરૂરી છે.

લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોને અનુલક્ષીને આગળ વધવા માટે ચીન માટે હિંદ મહાસાગર મહત્વનું ક્ષેત્ર છે. આવા સંજોગોમાં ચીનની નૌસેનાની હિંદ મહાસાગરીય વિસ્તારોમાં સક્રિયતાનો અર્થ ભારતના સામુદ્રિક હિતોને આગામી સમયમાં પડકાર તરીકે જ જોવામાં આવે છે. ત્યારે ભારત માટે પણ વ્યાજબી પ્રતિક્રિયા માટેની તૈયારી જરૂરી બની જાય છે.

મોદીની ચીન નીતિનું ડોકોડિંગ, સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો જવાબ રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ..

- આનંદ શુક્લ 
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિનું ડિકોડિંગ ઘણું રસપ્રદ છે. ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો જવાબ આપવા માટે જાણે કે મોદી રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સની કોઈ રણનીતિ પર કામ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. મોદીની લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં ફેરવવાની મનસાના ગૂઢાર્થો હિંદ મહાસાગરમાં ચીનનો પ્રભાવ રોકીને તેની ઘેરાબંધી કરવાનો હોય તેવું પણ પ્રતિપાદિત થઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ભારતના સૌથી વફાદાર પાડોશી દેશ ભૂટાનની પહેલી વિદેશ યાત્રા કરી હતી. ભૂટાન વ્યૂહાત્મક રીતે અરુણાચલ પ્રદેશ.. સિક્કિમ અને ઈશાન ભારત સાથે જોડાયલું છે. ભૂટાનનો એક છેડો ચીનને પણ સ્પર્શે છે. ચીન અને ભૂટાન વચ્ચે સીમા વિવાદ છે. જેમાં ચીન ભારતની ચિકન નેક નામના સ્ટ્રેટજિકલી મહત્વના ક્ષેત્ર નજીકનો ભૂટાનનો હિસ્સો આપવા માટે દબાણ કરી રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ભૂટાન મુલાકાત કરીને તેના પર ચીનના આવા કોઈપણ દબાણ વિરુદ્ધ ડિપ્લોમેટિક મેસેજ આપ્યો છે.

ભારતનું સદીઓથી સાંસ્કૃતિક સાથીદાર નેપાળ વિશિષ્ટ દરજ્જો ધરાવતું પાડોશી રાષ્ટ્ર છે. નેપાળના નાગરિકો ભારતીય સેનામાં સામેલ થઈ શકે છે. ભારતીય સેનામાં ગુરખા રેજિમેન્ટ ગૌરવમય ઈતિહાસ ધરાવે છે. ભારત અને નેપાળના નાગરિકો એકબીજાના દેશમાં રોકટોક વગર જઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે નેપાળના નાગરિકો વોટિંગ સિવાયના મોટાભાગના તમામ અધિકારો ભારતમાં ભોગવી શકે છે. પરંતુ નેપાળમાં રાજાશાહીના અંત અને માઓવાદી પ્રભુત્વમાં ચીનની એક મોટી ભૂમિકા રહી છે.

ચીને અહીં મોટા પ્રોજેક્ટો અને રેલ લિન્ક્સ પર કામ કર્યું છે. વળી ભારત વિરોધી લાગણીઓને હવા આપવાનું કામ પણ ચીનના દોરીસંચારથી થતું રહ્યું છે. ત્યારે 17 વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે મોદી નેપાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે વિકાસના મામલે નેપાળને સંપૂર્ણ સહકારની ખાતરી આપી અને ત્યાંની સંસદને સંબોધિત કરી હતી. તો સાર્ક દેશનો બેઠકમાં પણ ફરીથી કાઠમંડૂની મુલાકાત લીધી હતી.
તેમણે તાજેતરમાં નેપાળમાં આવેલા ભૂકંપમાં ભારતીય સેના અને સંસાધનોને રાહત અને બચાવ કાર્યમાં મોટા પ્રમાણમાં ઉતારી હતી. તેની પાછળનો સ્પષ્ટ હેતુ નેપાળને ભારતની વધુ નજીક લાવીને ચીનનું વર્ચસ્વ ઘટાડવાનો પણ છે.

બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રાઝિલ.. ચીન.. રશિયા.. દક્ષિણ આફ્રિકાના નેતાઓની સાથે મોદીએ મુલાકાત કરી હતી. બ્રિક્સમાં વડાપ્રધાન મોદીએ બ્રિક્સ દેશ માટેની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં મોદીને ચીન પર ડિપ્લોમેટિક સરસાઈની તક મળી હતી. બ્રિક્સ દેશોની બેન્કમાં ચાઈનિઝ ચલણનો ઉપયોગ કરવાની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મનસા બર આવવા દેવાઈ નહીં.

સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. અહીં મોદીએ સીમા પર શાંતિ અને સ્થિરતાની જાળવણીની વાત સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. તો ચીન સાથે આર્થિક સંબંધો વધારવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જિનપિંગની ભારત મુલાકાત વખતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વિયેતનામના સત્તાવાર પ્રવાસે હતા. દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામે ભારતીય કંપનીઓને ઓઈલ બ્લોક્સ ક્ષરણ માટે આપ્યા છે. જો કે ચીન આ ક્ષેત્ર પર પોતાનો દાવો કરીને ભારતને દૂર રહેવા જણાવી રહ્યું છે. દક્ષિણ ચીન સાગરમાં ભારતીય નૌસેનાના જહાજો સાથે પણ ચીન દ્વારા ગેરવર્તુણકના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે વિયતનામના પ્રવાસે પ્રણવ મુખર્જીની મુલાકાતના દક્ષિણ ચીન સાગર સંદર્ભે બીજિંગને કેટલાંક ડિપ્લોમેટિક મેસેજ પણ મોકલવામાં સફળતા મળી હતી.

જાન્યુઆરી માસમાં જાપાનના વિદેશ પ્રધાને અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ ભારતીય ઉપખંડ બહાર મોદીએ વડાપ્રધાન તરીકે સૌથી પહેલી મુલાકાત જાપાનની લીધી છે. અહીં તેમણે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે ખૂબ જ ઉમળકાથી મુલાકાત કરી અને ભારતના વિકાસ માટે સહયોગ માંગ્યો હતો. તો જાપાનમાં ભારતીય સમુદાયની સાથેની વાતચીતમાં તેમણે ચીનનો ઉલ્લેખ કર્યા વગર તેના વિસ્તારવાદી વલણની ટીકા કરી હતી. જાપાન-અમેરિકા અને ભારત વચ્ચે સંયુક્ત નૌસૈન્ય કવાયતો છેલ્લા કેટલાંક સમયથી થઈ રહી છે. એશિયા-પેસિફિકમાં જાપાન સાથે ભારતના વધી રહેલા સહયોગ પાછળ દક્ષિણ ચીન સાગરમાં તેની દાદાગીરી ઘટાડવાની યોજના પણ મુખ્ય પ્રેરકબળમાંથી એક હોવાનું માનવામાં આવે છે.

ચીનના પીપલ્સ લિબરેશન આર્મીની ઘૂસણખોરીથી LAC સંભવિત મિલિટ્રી કોન્ફલિક્ટ ઝોન

- આનંદ શુક્લ 
ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદમાં પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા થતી ઘૂસણખોરીથી તણાવ સર્જાય છે. પરંતુ ભારતની સરકારો હંમેશા ચીનની ઘૂસણખોરીને ખૂબ હળવાશથી લેતા હોય છે અથવા તો તેને ડાઉન પ્લે કરવાનો પ્રયત્ન પણ કરતી રહી છે. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ.. ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપુરથી માંડીને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સુધીના વ્યક્તિઓનું માનવું છે કે ભારત માટે ખરો સામરિક પડકાર ચીન છે.

મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે.. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ઉત્તર લડાખના બુરત્સે અને દિપસાંગ ખાતે 20 અને 28 માર્ચ-2015ના રોજ બે વખત ઘૂસણખોરી કરી હતી. ભારતીય સેના દ્વારા ચીનના સૈનિકોને પડકારવામાં આવતા તેઓ એલએસીમાં ચીનના ક્ષેત્રમાં ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે 14 મેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ચીન પ્રવાસ પહેલા પીએલએ દ્વારા ઘૂસણખોરી તેમની જિનપિંગની ભારત મુલાકાત વખતે કહેવામાં આવેલી વાત માનવાનો લાલસેનાનો ઈન્કાર જ ગણી શકાય.

ભારત અને ચીનની સરહદે છેલ્લા 25 વર્ષથી એકંદરે ગંભીર લશ્કરી સંઘર્ષની ઘટનાઓ વગર શાંત રહ્યા છે. છેલ્લે 1987માં ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશની સુમડોરોંગ ચુ વેલી ખાતે મોટો તણાવ સર્જાયો હતો. તેના પહેલા ચીનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડેંગ શીઓપિંગે ઓક્ટોબર-1986માં ભારતને બોધપાઠ ભણાવવાનું આક્રમક નિવેદન કર્યું હતું. જો કે 1987થી 2015 સુધી ચીનની સેનાની ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ચીની સેનાની ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીની ઘટનાના આંકડાઓ પર નજર કરીએ તો.. 2010માં 228 વખત ઘૂસણખોરીની ઘટના બની હતી. 2011માં 213 વખત.. 2012માં સૌથી વધારે વખત 426 વખત ઘૂસણખોરી કરાઈ હતી. તો 2013માં 411 વાર અને 4 ઓગસ્ટ-2014 સુધીના આંકડા પ્રમાણે 334 વાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરી હતી.

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ મુદ્દે કેટલીક મોટી ઘટનાઓની જાણકારી તેની દિશા અને બીજિંગના વલણનો ઉઘાડું કરનારી છે.





ભારત અને ચીનના શીર્ષસ્થ નેતાઓ વચ્ચેની મુલાકાત વખતે એલએસી પર પીએલએ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓ વકરતી હોય છે. તેની પાછળ ચીન પોતાનો વિવાદીત ક્ષેત્ર પરનો દાવો મજબૂત હોવાનું દર્શાવવા માગતું હોવાની માન્યતા છે. વળી દ્વિપક્ષીય વાતચીતમાં સામરિકા મામલાઓમાં ભારત સંરક્ષણાત્મક રહે તેવો પણ તેનો હેતુ હોય છે.

ચીનની ઘૂસણખોરી બિનવિવાદીત ક્ષેત્રોમાં પણ થાય છે. જેનાથી તેઓ આવા ક્ષેત્રોને વિવાદીત બનાવીને પોતાનો સરહદી વિસ્તારોમાં દાવામાં સામેલ કરે છે. 2012થી ચીનની ઘૂસણખોરીની 90 ટકા ઘટનાઓ પશ્ચિમી સરહદે થઈ છે. તેનો અર્થ છે કે ચીન માટે પીઓકે અને તેની સાથે સંકળાયેલા વિસ્તારનું પૂર્વી સેક્ટરોથી વધારા મહત્વ છે. આની પાછળ પહેલેથી ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીનને પણ જાળવી રાખવાની એક વ્યૂહરચના છે.

ઉલ્લેખનીય છે કે અક્સાઈ ચીન પર ભારતનો દાવો છે.
દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધી રહેલી દાદાગીરી સામે અમેરિકા ભારત ચીન સામે ઉભું રાખવા માટે સ્ટ્રેટજીક સપોર્ટ આપી રહ્યું છે. જાપાને પણ પ્રથમ વખત અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ત્યારે ચીન પણ હવે ભારતની મજબૂત થતી ભૂરાજકીય સ્થિતિથી સંપૂર્ણપણે અવગત છે.

ચીન ઈંચ ટુ ઈંચ પોલિસી હેઠળ એલએસી પર ઘણી જગ્યાએ અતિક્રમણ કર્યું હોવાની પણ એક માન્યતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ ચીનની સેનાને પ્રાદેશિક યુદ્ધ માટે તૈયાર રહેવાની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની હાકલ અને બદલાતી સામરિક નીતિઓ સાથે જોડીને પણ જોવામાં આવે છે. તેને કારણે જાણકારો આને સંભવિત મિલિટ્રી કોન્ફ્લિક્ટ ઝોન તરીકે જોઈ રહ્યા છે.


પાંચ ફ્લેશ પોઈન્ટ અને ચીનની મિલિટ્રી પ્રેશરની નીતિ, ભારતની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ સ્ટ્રેટજી હેઠળ ઘેરાબંધી

- આનંદ શુક્લ
ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્યત્વે ચાર વિવાદના મુદ્દાઓ છે. જેના કારણે બંને દેશો વચ્ચે વૈશ્વિક કૂટનીતિક શતરંજમાં શેહ અને મ્હાતનો ખેલ ચાલી રહ્યો છે. જેમાં સીમા વિવાદ.. ભારતની ચીન દ્વારા ઘેરાબંધી.. તિબેટ અને જળવિવાદની મોટી ભૂમિકા છે.

પોતાની લશ્કરી ક્ષમતાથી દબાણ ઉભું કરવા માટે ચીને હિંદ મહાસાગર ખાતે ભારતની ઘેરાબંધી કરી છે. જેમાં મ્યામારથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી ચીને પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ અને મિલિટરી લિન્ક્સ દ્વારા હિંદ મહાસાગરમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની કોશિશો કરી છે. ચીન દ્વારા ભારતની ઈરાદાપૂર્વકની ઘેરબંધીને અમેરિકાના વિશ્લેષક રોબર્ટ કેપ્લાને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ તરીકે પરિભાષિત કરી છે. ભારતના રાજદ્વારીઓ દ્વારા પણ ચીનના ફંડથી પાડોશી દેશોમાં ઉભી થઈ હેલી સુવિધાઓને ચિંતાનો વિષય ગણવામાં આવી છે. તાજેતરમાં શ્રીલંકાના કોલંબો ખાતે બે વખત ચીનની સબમરીનો લાંગરવાની ઘટના બની ચુકી છે. તો દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગોમાંથી એક એડનની ખાડીમાં પણ ચીને પોતાના યુદ્ધજહાજો તેનાત કર્યા છે. ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ.. શ્રીલંકામાં હબનટોટા અને કોલંબો પોર્ટ.. બાંગ્લાદેશમાં ચિતાગોંગ પોર્ટ, મ્યામારમાં સિતવે પોર્ટને વિકસિત કર્યા છે. તો સેશલ્સ ખાતે ચાંચિયાઓ વિરુદ્ધ સુરક્ષાના નામે ચીનનું નેવલ બેસ સ્થાપિત કરવાની ગતિવિધિઓ પણ તેજ બની છે. માલદીવ્સ ખાતે પણ ચીન કાયમી નૌસેનાનું થાણું નાખવા પ્રયત્ન કરી રહ્યું છે. મોરેશિયસમાં પણ ચીનના સત્તાવાર ફંડથી 47 પ્રોજેક્ટો ચાલી રહ્યા છે.


ચાર હજાર કિલોમીટર જેટલી લાંબી સરહદ મામલે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેના કારણે ભારત પર ચીને 1962માં આક્રમણ કરીને એક મોટો ભૂભાગ પોતાના કબજામાં લઈ લીધો છે. અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ મામલે બંને દેશો વચ્ચે જલદ મતભેદો છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે ચીનની સેના દ્વારા અવારનવાર ઘૂસણખોરીની ઘટનાઓ બનતી રહે છે. જો કે 25 વર્ષથી એલએસી પર બંને દેશો વચ્ચે એકપણ વખત ગોળીબારની ઘટના નહીં બની હોવાનું માનવામાં આવે છે.

ભારત અને ચીન વચ્ચે 1950 સુધી તિબેટ બફર સ્ટેટ તરીકે અસ્તિત્વમાં હતું. 1950માં ચીને તિબેટ પર આક્રમણ કરીને તેના પર કબજો જમાવ્યો હતો. જેના કારણે ભારત અને તિબેટ સરહદે જ્યાં પાંચ હજાર સૈનિકોથી રખેવાળી કરાતી હતી.. ત્યારે હવે અહીં સેના અને આઈટીબીપીના લગભગ પાંચ લાખ સૈનિકોથી કામ ચલાવવું પડે છે. 1959માં તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારતે રાજકીય શરણ આપ્યું હતું. તેઓ હાલ હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે નિવાસ કરે છે અને અહીંથી તિબેટની એક્સાઈલ ગવર્મેન્ટ પણ ચાલી રહી છે. તિબેટને ચીને સ્વાયત્તત રાજ્ય તરીકે દરજ્જો આપ્યો છે. પરંતુ તિબેટના 60 લાખ લોકોનું ચીન દ્વારા દમન થઈ રહ્યું હોવાના મામલો પણ વિશ્વમાં વિવાદનું કારણ છે. તો ચીન દલાઈ લામા અને તેમને શરણ આપવા બદલ ભારત પર તિબેટમાં ભાગલાવાદી પ્રવૃત્તિ ભડકાવાનો આરોપ મૂકી રહ્યું છે.

તિબેટના હજારો હિમખંડો દક્ષિણ એશિયાની મોટી નદીઓના જળસ્ત્રોત છે. એશિયાના અન્ય દેશોની જેમ ભારત પણ ચીન દ્વારા પાણીની આપૂર્તિમાં ચીન દ્વારા અડચણ ઊભી કરાતી હોવાનો મામલો ઉઠાવે છે. બ્રહ્મપુત્રા નદી પર ડેમોનું બાંધકામ અને અન્ય નદીઓના પાણીના વહેણ બદલવાની મનસાને કારણે પણ ભારત સાથેના ચીનના સંબંધોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મચેલાની તો ત્યાં સુધી કહે છે કે ભવિષ્યમાં ભારત અને ચીન વચ્ચે જળ વિવાદ મામલે ઘર્ષણની શક્યતા છે.

ચીનમાં બનતો માલસામાન ભારતમાં ડમ્પિંગ કરવાનો મામલો પણ સ્વદેશી કુટિર ઉદ્યોગો માટે મોટો પડકાર છે. સાથે બંને દેશો વચ્ચે અપ્રમાણસરનો વ્યાપાર પણ એક મોટો મુદ્દો છે. ભારતમાં ચીનની નિકાસ તેની અહીંથી આયાત કરતા સાડા ત્રણ ગણી વધારે છે. ભારતની લોકશાહીની અવાર-નવાર ટીકા કરવી અને ચીનની થિન્ક ટેક્સ ભારતને અનેક ભાગમાં ભાગલા કરવાના હોકારા-પડકારા કરતી રહે છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે ઘણાં મુદ્દે નક્કર કામગીરીની જરૂરિયાત છે.


4,057 કિલોમીટર લાંબી સરહદે વિવાદને કારણે ચીન ભાવિ નહીં પણ તાત્કાલિક જોખમ

- આનંદ શુક્લ
ચીન સાથેના સરહદી વિવાદના તણાવમાં કોઈપણ પ્રકારનો સંઘર્ષ પોતાની રણનીતિક સ્વતંત્રતાના મંત્રોચ્ચાર કરતા ભારત માટે પ્રાદેશિક ભૂમિકા નિભાવવામાં પણ અડચણ પેદા કરી શકે તેમ છે. તેવા સંજોગોમાં ભારત માટે વૈશ્વિક મંચ પર પોતાનો પ્રભાવ દર્શાવવા માટે કોઈ ખાસ બાબત રહેશે નહીં. તેથી ચીન સાથેનો સીમા વિવાદ ઝડપથી ઉકેલીને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર કોઈ સમજૂતી થવી અથવા તો સરહદોને બંને દેશો રિડિફાઈન કરવા કોઈ નક્કર પગલા ભરે તે બેહદ જરૂરી છે.

ચીને અક્સાઈ ચીનનો વિસ્તાર તિબેટ પર હુમલો કર્યા બાદ કબજે કર્યો હતો. તો 1962માં ચીને યુદ્ધ કરીને ભારતની ઘણી મોટી જમીનને દબાવી રાખી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો એક ભાગ 1963માં પાકિસ્તાને ચીનને સોંપી દીધો છે. ભારત અને તિબેટ વચ્ચેની 1914માં મેકમોહન લાઈન સંદર્ભેની સમજૂતીને ચીન માનવાનો ઈન્કાર કરતું હોવાથી લગભગ ત્રણ હજાર કિલોમીટરથી વધારે મોટી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર વિવાદ ચાલી રહ્યો છે.

માર્ચમાં યોજાયેલી બંને દેશો વચ્ચેની 18મા તબક્કાની સીમા વાટાઘાટોમાં કેટલીક સમજૂતી થઈ છે. વિવાદાસ્પદ સીમાનો મામલો હવે બંને દેશો રણનીતિક સંચાર તરીકે સંબોધિત કરશે. 1954. 1993...1996.. 2005 અને 2013ની સમજૂતીઓ પ્રત્યે પરસ્પર પ્રતિબદ્ધતાઓ પ્રગટ કરતા બંને પક્ષો વચ્ચે લડાખમાં ઘણાં બિંદુઓ પર સંમતિ સાધી શકાય તેવી આશા સેવવામાં આવી છે. બંને પક્ષોમાં 1995માં ઓળખ કરાયેલા વાસ્તવિક નિયંત્રણ રેખાવાળા 12 વિવાદીત ક્ષેત્રો આવેલા છે. ત્યારે એકમાત્ર સંમતિવાળા ચુશૂલ બિંદુથી બંને પક્ષો લડાખના ટ્રેક જંકશન.. પેગાંગ સો.. ચુમાર અને દેમચોકમાં સંમતિ બિંદુઓની સંભાવના શોધવાની કોશિશોમાં છે.

તાજેતરમાં અરુણ શૌરીએ વિચાર વ્યક્ત કર્યા છે કે ભારત માટે ચીન લાંબાગાળાનો મુખ્ય પડકાર છે. તો ભૂતપૂર્વ રાજદ્વારી શ્યામશરણનું માનવું છે કે જેટલો લાંબો સમય એલએસી પર યથાસ્થિતિ રહેશે.. તેટલી પ્રબળ સંભાવના ઉભી થશે કે વાસ્તવિક નિયંત્રણ રેખા જ નિર્ધારીત સરહદમાં બદલાઈ જાય. તો કેટલાંક વિશ્લેષકો માની રહ્યા છે કે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક હિતોના વધવાથી ચીનની સત્તા અને વર્ચસ્વની ભૂખ પર અંકુશ લાગી શકે છે.

સૈન્ય બાબતોના વિશ્લેષકોનું કહેવું છે કે ચીન એક ભાવિ જોખમ છે. 1962ના યુદ્ધ જેવા અપમાનનો ફરીથી સામનો કરવો પડે નહીં તેવી ઈચ્છાથી વધુ વિશ્વાસ બહાલી ઉપાયોથી એલએસી પર શાંતિ જાળવી રાખવી જરૂરી છે... કારણ કે હાલની ચીનની સૈન્ય ક્ષમતાઓ ભારત પર મોટી સરસાઈ ધરાવે છે. જો કે ભારતે પણ પ્રતિરોધક ક્ષમતામાં ખાસો વધારો કરીને 1962 જેવી સ્થિતિનું પુનરાવર્તન ટાળવા માટે ઘણી તૈયારી કરી હોવાની વાત પણ ચીન નજરઅંદાજ કરી શકે તેમ નથી.

એક અંદાજ પ્રમાણે.. ભારતને સરહદે ચીન જેવી વાયુસેનાલક્ષી મારકક્ષમતાઓ વિકસિત કરવામાં હજી લગભગ 10 વર્ષ લાગશે. આ અનુમાન ચીન દ્વારા સંરક્ષણ મામલે રજૂ કરાયેલા શ્વેતપત્રના આધારે લગાવવામાં આવ્યું છે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ-2025 સુધી સંક્ષિપ્ત.. તીવ્ર અને પ્રબળ પ્રાદેશિક યુદ્ધ માટે તેઓ પોતાનું મશીનીકરણ અને દૂરસંચાર તંત્ર મજબૂત કરી લેશે. જેમાં મોબાઈલ રેપિડ રિએક્શન ફોર્સની રચના અને તમામ સૈનિક સંસાધનોનું નેટવર્ક બનાવવાની યોજનાઓ પણ સામેલ છે.

તેના કારણે ભારતીય સેના 90 હજાર સૈનિકોવાળી માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ તૈયાર કરી રહી છે અને વાયુસેનાની સત્તાવાર ફાઈટર સ્ક્વોર્ડન્સની ક્ષમતા 39.5થી વધારીને 42 કરી દેવામાં આવી છે. દરેક સ્ક્વોર્ડનમાં 20 યુદ્ધવિમાનો હોય છે. વાયુસેનાના મામલાને ઘણાં નિષ્ણાતો યુદ્ધવિમાનોની 55 સ્ક્વોર્ડન હોવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તો ચીન અને પાકિસ્તાન બંને મોરચે એકસાથે યુદ્ધ લડવાની ક્ષમતા વિકસિત કરવાની વાત 2010થી સતત થઈ રહી છે.

ચીન અને પાકિસ્તાન સાથે વિવાદીત સીમાઓ જોતા ઉત્તરમાં જીઓપોલિટિકલ મામલાને પ્રભાવિત કરવાની ભારતની પસંદગી મર્યાદીત છે. પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતીય નૌસેના પાસે લગભગ બે દશકોથી ક્ષમતા છે કે તે પીપલ્સ લિબરેશન આર્મીની નૌસેનાને મલક્કા સુધી મર્યાદીત રાખી શકે છે. સ્ટ્રેટજીક એનાલિસ્ટ અને ચીન મામલાના જાણકાર બ્રહ્મચેલાનીએ લખ્યું છે કે સમુદ્રી સંચાર વિકસિત કરવાથી ભારતીય નૌસેના પ્રમુખ દરિયાઈ માર્ગો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે અને હિમાલયમાં પણ ચીનની સેનાના વ્યવહાર પર અંકુશ કરવામાં સુધારો લાવી શકાય છે.

પરંતુ સરકાર દ્વારા ડિફેન્સ અને સિક્યુરિટીના મામલાને કોઈ અંતર કરાતું નથી અને બંનેને એકસરખા મહત્વના માને છે. જેને કારણે સૈન્ય આકલનોને સરકાર ખાસ મહત્વ આપી રહી નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર નક્શા અથવા જમીની સ્તર પર સંમતિ બની નહીં હોવાના કારણે ચીન દ્વારા લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલને મિલિટ્રી લાઈનમાં ફેરવવાની ચીનની હરકતોને પણ સરકારમાં ઉચ્ચસ્તરે ડાઉન પ્લે કરાતી હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે. પરંતુ ચીન ભારતની દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય સરહદોમાં ફરેફાર કરવા ચાહે તો તેને ચોક્કસ યુદ્ધની કાર્યવાહી માનવી જોઈએ.

કોઈ દેશ રાજકીય અથવા લશ્કરી લક્ષ્ય નિર્ધારીત કર્યા વગર યુદ્ધ કરતો નથી. સાથે હકીકત એ પણ છે કે વિવાદીત સરહદ મામલે યુદ્ધ કરવાના વિકલ્પ સામે હાલ ચીન ભારતને સૈન્ય દબાણથી નમાવવાની અને સરસાઈને અનેકગણી વધારી રહ્યું છે. ચીનના વ્યૂહરચનાકારો પ્રમાણે.. ભારત પર સૈન્ય દબાણ જ ભવિષ્યનું યુદ્ધ છે. તેણે એપ્રિલ- મે- 2013માં સફળતાપૂર્વક લડાખના દિપસાંગ ખાતેના મેદાનામોમાં શક્તિશાળી યુદ્ધક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તો જિનપિંગની ભારત મુલાકાત વખતે પણ ચુમાર ખાતે તેણે ગત વર્ષોમાં વિકસિત કરેલી સૈન્ય ક્ષમતાઓ દ્વારા મિલિટ્રી પ્રેસર ઉભું કર્યું હતું.

ચીનની નૌસેના શ્રીલંકા અને પાકિસ્તાન સહીતના હિંદ મહાસાગરના ક્ષેત્રમાં એડનની ખાડી સુધી સક્રિય દેખાય છે. આવા સંજોગોમાં ભારતીય નૌસેના ચીનના સમુદ્રી જહાજોના આવાગમનમાં આઈઓઆરના એસએલઓસીમાં રોકે છે.. ચીન જમીન.. સમુદ્ર.. હવા.. અવકાશ.. સાઈબર અને પાકિસ્તાનમાં રોકેલી પોતાની સૈન્ય ક્ષમતાઓથી પુરી શક્તિથી જવાબી કાર્યવાહી કરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ચીને પાકિસ્તાન સાથે સૈન્ય અને પરમાણુ સમન્વય સ્થાપિત કરી લીધો છે. તેથી ભારતીય વિશ્લેષકો આવા પરિદ્રશ્યની કલ્પના કરે તેમાં આશ્ચર્યચકિત થવાનું કોઈ કારણ નથી.

વિશ્લેષકો ચીનને ભલે ભાવિ જોખમ ગણતા હોય.. પરંતુ હકીકત એ છે કે ભારત માટે તે તાત્કાલિક ખતરો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘણાં ઊંચા સ્થાનો પર તેનાત ભારતીય સૈનિકોને પીપલ્સ લિબરેશન આર્મી નિયમિતપણે ઘૂસણખોરી કરીને મનોવૈજ્ઞાનિક રીતે પરાજિત કરી રહ્યા છે. તેનો વિરોધ કરવાના સ્થાને ભારત સરકાર ચીનના સૈનિકોની ઘૂસણખોરીને ખૂબ હળવાશથી લઈ રહી છે. સંસદમાં પણ સરકાર દ્વારા જણાવવામાં આવે છે કે આવું સરહદ નિર્ધારીત નહીં હોવાથી બંને પક્ષો તરફથી થતું હોય છે. પરંતુ આ હકીકતમાં સચ્ચાઈ નહીં હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. પરંતુ ભારતની સરકારો દ્વારા ચીનના લશ્કરી દબાણને વધુ મહત્વ આપવામાં આવતું નથી. દુર્ભાગ્યે ભારતની સરકારો દ્વારા શાંતિ અને આર્થિક લાભની વાટાઘાટો જ થતી રહી છે.. જેમાં ભારતે સૈન્ય ક્ષમતામાં વધારો કરીને મોટું પરિવર્તન કરવાની તાતી જરૂરિયાત છે.

મોદી @ 365 : સારી શરૂઆત પણ ચાલાક ચીનથી ચેતવું જરૂરી, મોદીજી જરા સંભલના

- આનંદ શુક્લ
ભારત અને ચીન બદલાતા વૈશ્વિક પરિવેશમાં એકબીજા પ્રતિસ્પર્ધી અને વ્યૂહાત્મક પડકારોનું કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન નીતિમાં બીજિંગની સ્ટ્રીંગ ઓફ પર્લ્સની વ્યૂહરચનાનો તોડ શોધવા માટેની કોશિશ દેખાઈ રહી છે. ચીનની ભારતની આસપાસ કરાયેલી ઘેરાબંધીને તોડીને ચીનને વ્યાજબી સામરિક જવાબ આપવામાં અત્યાર સુધી મોદી સફળ દેખાય છે.

ભાજપના વરિષ્ઠ નેતા અરુણ શૌરીએ પણ મોદીની ચીન નીતિ પ્રત્યે સકારાત્મકતા પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂમાં દર્શાવી છે. જો કે તેમ છતાં ચીન પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં કોઈ ધાર્યું કામ કરાવી શક્યા નથી... તે પણ એક હકીકત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ચીનની વિસ્તારવાદી નીતિઓને નિશાના પર લીધી હતી. તો મોદીએ જાપાનની વડાપ્રધાન તરીકેની પહેલી મુલાકાતમાં પણ ચીનનો ઉલ્લેખ કર્યા વગર વિસ્તારવાદી હરકતો માટે દક્ષિણ ચીન સાગરની સમસ્યાનો ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું હતું. જો કે મોદીના વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ.. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે ટેલિફોન પર તેમને સૌથી પહેલા શુભેચ્છાઓ પાઠવી હતી.
તો ચીનના વિદેશ પ્રધાને પણ ભારતની તાત્કાલિક દિલ્હીની મુલાકાત લઈને ભારત અને ચીન વચ્ચે મોદી સરકારના કાર્યકાળમાં સારા દ્વિપક્ષીય સંબંધોની આશા વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે અમદાવાદથી ભારતની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન તેમનું લાલ જાજમ બિછાવીને અતિભવ્ય સ્વાગત કરાયું હતું.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન મોદીની ખાસ સૂચના પ્રમાણે જિનપિંગ સાથે વાટાઘાટો કરવા ખાત તામજામ કરાયો હતો. રિવરફ્રન્ટ પર બંને નેતાઓએ વોક-ધ-ટોક કરી અને મોદીએ જિનપિંગને ઝુલે બેસાડીને જુલાવ્યા પણ ખરા. વડાપ્રધાન મોદી જિનપિંગને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. અહીં બંને નેતાઓએ આશ્રમના ઓટલે બેસીને મહાત્મા ગાંધીની વૈશ્વિક શખ્સિયતની વાતો કરી હતી. જિનપિંગે જ્યારે સાબરમતી આશ્રમમાં પોતાનો મહાત્મા ગાંધી સંદર્ભે મેસેજ લખ્યો ત્યારે પણ વડાપ્રધાન મોદી તેમની પાછળ ઉભેલા જ દેખાયા હતા.
જિનપિંગનું અમદાવાદની હોટલ હયાત ખાતે સ્વાગત કરતી વખતે મોદી તેમને મંડેરિન ભાષામાં આવકારવા માટે ચિઠ્ઠી કાઢીને કંઈક યાદ કરતા પણ દેખાયા હતા. તો દિલ્હી ખાતે પણ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો અને કેટલાંક કરારો થયા હતા. જો કે બંને દેશો વચ્ચે આશા કરવામાં આવતી હતી તેટલા મોટા રોકાણના કરારો થયા નહીં. પણ જિનપિંગ અને મોદી વચ્ચે કોઈ સારી કેમેસ્ટ્રી રચાશે તેવી આશા જરૂરથી ઉભી થઈ હતી. મોદીએ જિનપિંગને તેમના હોમટાઉન વડનગર ખાતે ચીની તીર્થયાત્રી યુ-એન-સાંગની સદીઓ પહેલાની મુલાકાતની વાત યાદ કરાવી હતી. ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની વાત પણ ભગવાન બુદ્ધને યાદ કરીને વડાપ્રધાન મોદીએ કરી હતી.

ત્રણ દિવસ બાદ જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજિંગ આવવાનું આમંત્રણ આપીને ચીન જવા રવાના થયા હતા. પરંતુ જિનપિંગની ભારત મુલાકાત વખતે જ ચુમાર ખાતે પીપલ્સ લિબરેશન આર્મીના ત્રણસો જેટલા સૈનિકોની ઘૂસણખોરીની ઘટનાની કડવાશથી મુલાકાતનો સ્વાદ બગડી ગયો હતો. લગભગ એક માસ સુધી ભારત અને ચીન વચ્ચે ચુમાર ખાતે ઘૂસણખોરીના મુદ્દે તણાવ રહ્યો હતો. યોગાનુયોગ પંચશીલના 60 વર્ષની ઉજવણીમાં પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ભાગ લીધો હતો.. ત્યારે પણ ચીનની સેનાએ ઘૂસણખોરી કરીને સરહદી તણાવ ઉભો કર્યો હતો. ચુમાર ખાતેની ચીન સૈનિકોની વાપસી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય વાતચીત બાદ જ થઈ શકી હતી.

કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ વડાપ્રધાન મોદીની ચીન મુલાકાતની પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે બીજિંગનો પ્રવાસ કર્યો હતો. જેમાં કૈલાસ માનસરોવરની યાત્રા માટે વૈકલ્પિક માર્ગ ખોલવા માટે ચીને સંમતિ દર્શાવી હતી. તો પ્રોટોકોલ તોડીને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે સુષ્મા સ્વરાજ સાથે વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ સહીતના મુદ્દે કેટલીક વાતચીત કરી હોવાનું પણ માનવામાં આવે છે.

મોટાભાગે ચીનના શીર્ષસ્થ નેતાઓ ભારત મુલાકાત બાદ પાકિસ્તાન પણ જતા હોય છે. પરંતુ જિનપિંગે ભારતની મુલાકાત પછી પાકિસ્તાન જવાનું ટાળ્યું હતું. એક વખત ચીનના રાષ્ટ્રપ્રમુખે ઈસ્લામાબાદની મુલાકાતને રદ્દ પણ કરી હતી. પરંતુ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા.. ત્યારે ચીન ફરીથી અમેરિકા-ભારતના મજબૂત થઈ રહેલા સ્ટ્રેટજીક રિલેશન્સથી ધુંધવાયું હતું.

ઉલ્લેખનીય છે કે તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશ ખાતેની મુલાકાતનો પણ ચીને વિરોધ કર્યો હતો. મોદીની લિંક વેસ્ટ નીતિ પ્રમાણે યોજાયેલી જર્મની.. ફ્રાન્સ અને કેનેડાના પ્રવાસ પહેલા બીજિંગે અરુણાચલ પ્રદેશ પર દાવો કરીને ભારત સાથેના સરહદી વિવાદ પર નિવેદન પણ આપ્યું હતું. તો તાજેતરમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાન દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. અહીં જિનપિંગે પાકિસ્તાનને ચીનનું સદાબહાર મિત્ર ગણાવ્યું હતું. ચીને પાકિસ્તાનમાં 46 અબજ ડોલરના 51 જેટલા કરારો કર્યા હતા. જેમાં સિલ્ક રુટ સાથે જોડતો ઈકોનોમિક કોરિડોર ત્રણ વર્ષમાં પુરો કરવાના કેટલાંક મહત્વના કરારો થયા છે.
તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ ચીનની હાજરી અને પકડ વધુ મજબૂત થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. પાકિસ્તાન જતા પહેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પોતાના નાનાભાઈના ઘરે જતા હોય તેવી લાગણી થતું હોવાનું નિવેદન પ કર્યું હતું. ચીને તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આર્થિક રોકાણ કરનારા કરારોમાં અમેરિકાને પણ ધોબીપછાડ આપ્યો છે. ચીન પાકિસ્તાનને અત્યાધુનિક 8 સબમરીન અને પાંચમી પેઢીના 55 યુદ્ધવિમાનો જેએફ-17 આપવાના કરારો પણ થયા છે.

જિનપિંગની પાકિસ્તાન મુલાકાત બાદ મોદીનો ચીન પ્રવાસ પણ સૂચક છે. ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ છે કે ભારત અને ચીન સરહદ 25 વર્ષથી સંપૂર્ણપણે શાંત છે અને એકપણ ગોળી બંને દેશો તરફથી ચલાવવામાં આવી નથી. જો કે તેમણે સરહદે શાંતિ અને સ્થિરતા જળવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે સરહદી વિવાદ સંદર્ભે દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં ચીનની ત્રણ વખત મુલાકાત લઈ ચુક્યા છે. ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર પણ ચીન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. એસ. જયશંકર ઘણાં લાંબા સમય સુધી ચીન ખાતે ભારતના રાજદૂત તરીકે કાર્યરત રહ્યા છે. સક્ષમ રાજદ્વારી તરીકે મોદીનું ચીન નીતિને એસ. જયશંકર આગળ વધારી રહ્યા છે. ત્યારે તેમણે પણ ચીન સામેની કૂટનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચોક્કસ રજૂઆત કરી હશે કે બીજિંગ સાથેનો કડક વ્યવહાર કરવાથી ભારતને વૈશ્વિક શક્તિ બનવામાં મદદ મળશે નહીં. સાથે ચીન સાથેના સીમા વિવાદની અણદેખીથી તેની વધારે છૂટ લઈને આક્રમક ઘૂસણખોરીની રણનીતિને અવકાશ મળશે. તેની સાથે ચીનના પીછલગ્ગુ બનીને પણ ભારત કામ કરી શકે નહીં.. ભારતે વૈશ્વિક સ્તરે મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત થવામાં આવી નીતિ પણ પીછેહઠ જ ગણાશે.

તેવી જ રીતે ઈન્ટરનેશનલ ડિપ્લોમસીના દાવપેચ પ્રમાણે.. ચીનની વધી રહેલી પકડવાળા પાકિસ્તાન સાથે વાટાઘાટા નહીં કરવાથી પ્રાદેશિક સ્તરે સ્થિતિ વધુ ખતરનાક બની શકે તેમ છે. તો અફઘાનિસ્તાન.. ઈરાન.. મધ્ય  એશિયાના ગણતંત્રો તથા મધ્ય-પૂર્વમાં પાકિસ્તાન સાથેના તણાવના પરિણામે ભારત પોતાની પ્રાદેશિક ભૂમિકા ગુમાવે તેવી પણ એક પ્રબળ સંભાવનાની રજૂઆત પણ મુત્સદી રાજદ્વારી તરીકે એસ. જયશંકરે કરી જ હશે. જેના કારણે મોદીની ચીન નીતિમાં વ્યાપક ગતિશીલતા દેખાઈ રહી છે.

પરંતુ હકીકત એ પણ છે કે ચીન ભારતને પાકિસ્તાનની સરખામણીએ વધુ મહત્વ આપતું નથી. પાકિસ્તાન ચીન માટે ભારત વિરુદ્ધનું વ્યૂહાત્મક હથિયાર છે. પાકિસ્તાનના ભારત વિરુદ્ધના આતંકવાદને પણ ચીન નજરઅંદાજ કરવાની નીતિઓ ધરાવે છે. તો પીઓકે વિવાદીત ક્ષેત્ર હોવા છતાં અહીં ચીન ડેરાતંબુ નાખી રહ્યું છે. બલુચિસ્તાન ખાતેના પાકિસ્તાની પોર્ટ ગ્વાદર ખાતે પણ ચીન ભારત માટે મેરીટાઈમ પડકારો ઉભા કરીને હિંદ મહાસાગરમાં પોતાની નૌસૈનિક ગતિવિધિઓ વધારી રહ્યું છે. આવા સંજોગોમાં 1962ના યુદ્ધ અને પંચશીલ નીતિઓની ચીન સાથે દોસ્તીમાં નિષ્ફળતાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરથી ધ્યાનમાં રાખવી પડશે.