Tuesday, June 5, 2012

ભારતની આર્થિક સમસ્યાની જડ અણઘડ આર્થિક ઉદારીકરણ


-આનંદ શુક્લ
1991-92માં તત્કાલિન નાણાંપ્રધાન ડૉ. મનમોહન સિંહના માર્ગદર્શન નીચે દેશ વૈશ્વિકરણ હેઠળ ઉદારીકરણના રસ્તે સરપટ દોડવા માટે તૈયાર થયો. ઉદારીકરણના તબક્કમાં ભારતે વિકાસના ઘણાં ઉચ્ચ માપદંડો સિદ્ધ કર્યા. વૈશ્વિક મંદીમાં પણ દેશ પ્રખર અર્થશાસ્ત્રી એવા વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં 2008માં ઉગરી ગયો. પરંતુ 2010-11ના 8.4 ટકાના જીડીપી વિકાસ દરમાં ઘટાડો થઈને 2011-12માં વિકાસ દર 6.5 ટકાએ પહોંચ્યો છે. જ્યારે 2012ના પહેલા ક્વાર્ટરમાં માત્ર 5.3 ટકાનો વિકાસ દર નોંધાયો છે. પ્રખર અર્થશાસ્ત્રી ગણાતા વડાપ્રધાન મનમોહન સિંહ પાસે પણ હાલ એ વાતનો જવાબ નથી કે જ્યારે અમેરિકાની ખુદની અર્થવ્યસ્થા ઘણાં પડકારો સામે ઝઝુમી રહી છે, ત્યારે રૂપિયો ડોલર સામે કેમ ઘસાઈ રહ્યો છે? ભારત છેલ્લા એક દશકાથી ફૂગાવાના ઉંચા દરનો સામનો કરી રહ્યું છે. ફૂગાવાનો દર ડબલ ડિઝિટમાં છેલ્લા દશકામાં ઘણી વખત પહોંચ્યો છે. 2002માં 30 રૂપિયા આસપાસ લિટર પેટ્રોલનો ભાવ હાલ 76 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ સ્થિર થયો છે.
આવી પરિસ્થિતિમાં ખરેખર પ્રશ્ન ઉપસ્થિત થાય કે  છેલ્લા 20 વર્ષથી જે ઉદારીકરણ હેઠળ આપણી અર્થવ્યવસ્થા વિકાસના ગાણાં ગાતી થઈ છે, તેમાં કંઈક ખામી છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું  કામ થયું છે. જો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાડા છ લાખ ગામડાંને સ્થાને 400 શહેરો સુધી જ કેન્દ્રીત હોય તેવું પણ લાગ્યા વગર રહેતું નથી. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લોકો ઉપયોગ કરે છે, પરંતુ તેના કરતાં વધારે એવું પ્રતિપાદિત થઈ રહ્યું છે કે દેશમાં આવેલા ઔદ્યોગિક કોર્પોરેટ સમૂહોની સવલત વધારે સચવાય રહી છે.
આજે પણ દેશમાં આમ આદમી માટે જીવનજરૂરિયાતોની વસ્તુઓ, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ તેમને પોષાય તેવા દરે ઉપલબ્ધ નથી. ફૂગાવાને કારણે જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ સાથે તમામ સેવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજી, અનાજ, કઠોળના ભાવ દેશના 32 રૂપિયા રોજ કમાનારા વ્યક્તિની પહોંચની બહાર થઈ રહ્યા છે. શિક્ષણમાં સેલ્ફ ફાયનાન્સને પ્રોત્સાહનને કારણે ગરીબી રેખા નીચે જીવનાર વ્યક્તિ માટે ઉચ્ચ શિક્ષણ દીવાસ્વપ્ન સમાન જ બની રહ્યું છે. જ્યારે આરોગ્ય સુવિધાઓ દેશના સાડા છ લાખ ગામડાં સુધી હજી સુધી પહોંચી શકી નથી. આરોગ્ય સુવિધાનું સરકારી તંત્ર દેશના આમ આદમીને સવલતો પુરી પાડવામાં ઉણું ઉતરી રહ્યું છે. જ્યારે આમ આદમી મોંઘીદાટ પ્રાઈવેટ-કોર્પોરેટ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતો નથી.
ત્યારે પ્રશ્ન જરૂરથી થાય કે શું ભારતે ખરેખર ઉદારીકરણમાં વિકાસ કર્યો છે? હકીકતમાં ભારતનો વિકાસ જરૂરથી થયો છે, પરંતુ તે અસંતુલિત થયો છે. દેશમાં સવા લાખની આસપાસ કરોડ-અબજપતિઓ  છે. અંબાણી બંધુઓ સહીતના દેશના  ઘણાં ઉદ્યોગપતિઓ દુનિયાના અમીરોની યાદીમાં સ્થાન પામે છે. દેશમાં 1990ની સરખામણીએ હાલ અમીરોની સંખ્યા ઘણી વધારે છે.
પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે ગરીબોની ગરીબી અને તેમની સંખ્યામાં પણ ભારતે ઉદારીકરણના સમયગાળામાં ઘણો વિકાસ કર્યો છે. હાલ દેશમાં 42 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. આ એવા લોકો છે કે જેઓ શહેરી વિસ્તારમાં 32 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં 26 રૂપિયા રોજના મેળવે છે. જો કે બીજી હકીકત એ છે કે સારી બ્રાન્ડના એક લિટર પાણીના બોટલની કિંમત 15થી 20 રૂપિયા છે! ભારતમાં અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ ઉદારીકરણના દોરમાં છ ગણી વધી છે. અમીરો-ગરીબો વચ્ચે આવકનો તફાવત છ ગણો વધ્યો છે.
દેશની 70 ટકા સંપત્તિ પર દેશના અમીરોનો કબજો છે. દેશની લોકસભા અને  રાજ્યોની ધારાસભાઓમાં કરોડપતિ સાંસદો અને ધારાસભ્યોની  અછત નથી. દેશની લોકસભા અને ધારાસભામાં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા ગરીબી રેખાની નીચે જીવનારો એકપણ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે  પહોંચ્યો નથી. દેશના 82 કરોડ લોકોને એક ટંકનું ખાવાનું  માંડમાંડ મળી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવ વિકાસના તાજેતરના ઈન્ડેક્સ પ્રમાણે, 187 દેશોની યાદીમાં ભારત 134મા સ્થાન પર છે. તેનો ક્રમાંક પાકિસ્તાન, બાંગ્લાદેશ અને રવાંડા જેવા દેશોથી પણ નીચે છે. લૈંગિક વિષમતાના માપદંડ પર 147 દેશોની યાદીમાં ભારત 129મા સ્થાને છે. ભારત સર્વાધિક બાળ મૃત્યુ દરવાળા દેશોની યાદીમાં સામેલ છે. ભારતની લગભગ 15.8 કરોડ વસ્તી શહેરોમાં એવી ઝૂંપડીઓમાં વસવાટ કરે છે કે તેને જોયા પછી સ્લમડોગ મિલિયનિયર ફિલ્મના દ્રશ્યો ઝાંખા પડે.
બાળકોના કુપોષણને વડાપ્રધાન મનમોહન સિંહે ખુદ રાષ્ટ્રીય શરમ ગણાવી છે. પરંતુ  ખરેખર વડાપ્રધાન તરીકે તેમને પણ શરમ આવવી જોઈએ કે વિકાસના ગાણાં ગાવા છતાં બાળકો માટે યુપીએ-1 અને યુપીએ-2 સરકાર કંઈ કરી શકી નથી. સંયુક્ત રાષ્ટ્રના સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના 42 ટકા બાળકોનું વજન લઘુત્તમ માપદંડથી નીચે છે અને 59 ટકા બાળકો રોગિષ્ટ છે. પર્યાવરણીય સંતુલનના માપદંડ પર 132 દેશોમાં ભારતનો ક્રમ 125મો છે. આ ક્રમાંક પાકિસ્તાન, માલદીવ અને કિર્ગિજસ્તાનથી પણ ઉતરતો છે. ત્યારે આર્થિક ઉદારીકરણના દેશના હિતને જોખમાવતા રસ્તા પર 19 વર્ષ ચાલેલા ભારતના કર્ણધારોએ વિચાર કરવો જોઈએ કે શું આ તમામ લક્ષણો દેશને આર્થિક મહાશક્તિ બનાવવાના દાવાનો સ્વીકાર કરનારા લાગે છે?

ભારતમાં લોકશાહી છે. પરંતુ લોકશાહી હવે લોકોની, લોકોથી અને લોકો માટેની વ્યવસ્થા રહી નથી. કારણ કે ભારતની લોકશાહીમાં ગરીબીની નહીં, પણ ગરીબોની બાદબાકી થઈ રહી છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવનારા 42 ટકા લોકો છે. જ્યારે અન્ય 82 કરોડ લોકો દારૂણ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. ભારતની વ્યવસ્થામાં હવે તો મીડલ ક્લાસ પણ બાદબાકી થવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતની લોકશાહી અમીરોની, અમીરો માટે અને અમીરો દ્વારા ચાલતી વ્યવસ્થા ઉદારીકરણના તબક્કામાં બની  ચૂકી છે!
ત્યારે યુપીએ સરકારા વડાપ્રધાન તરીકે પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે જવાબ આપવો જોઈએ કે તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામના વિઝન-2020ના ડોક્યુમેન્ટ પર કેટલું કામ  કર્યું છે? ગરીબોની સંખ્યા ઘટાડવાના બે રસ્તા છે. ગરીબોની ગરીબી ઘટાડવી અથવા તો ગરીબોને મૃત્યુ તુલ્ય જીવન  આપીને ખતમ કરવા. ત્યારે યુપીએ સરકારે સ્પષ્ટતા  કરવી જોઈએ  કે તેઓ ક્યાં રસ્તે ગરીબી ખતમ કરશે? ગરીબી હટાવો સૂત્રો આ દેશમાં 80ના દાયકાથી લલકારવામાં આવે છે. પરંતુ ગરીબી હટતી નથી, ગરીબો હટાવાનો પ્રયત્ન થાય છે. જો કે આ પ્રયત્ન છતાં ગરીબોની  ગરીબી અને તેમની સંખ્યા સતત વધતી રહી છે. ત્યારે ભારતના નીતિ-નિર્ધારકો દેશની આર્થિક નીતિઓની સમીક્ષા દેશહિત, લોકહિતમાં ફરીથી કરી શકે નહીં?

No comments:

Post a Comment