રવિવાર, 26 ફેબ્રુઆરી, 2012

...તો ગોધરાકાંડ બાદના રમખાણોનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત!


pakistan might take advantage of gujarat riots after gadhra carnage

સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતીય સેના પાકિસ્તાન સરહદે પહોંચી ગઈ અને પાકિસ્તાન સામેના લશ્કરી ઓપરેશનના આદેશની રાહ જોવા લાગી.

તેવા વખતે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા જંકશન પાસે સિગ્નલ ફળિયા નજીક ટોળા દ્વારા અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં 58 કારસેવકોના સ્થળ પર જ આગમાં ભડથું થઈ જવાથી મોત નીપજ્યા. પાછળથી વ્યક્તિ મૃત્યુ પામી. આ આગ એટલી વિકરાળ હતી કે ગુજરાતમાં ઠેરઠેર કોમી હુતાસણો ફેલાયા.

ગુજરાતના 151 શહેરો અને 993 ગામડાંઓમાં કોમી હિંસાની આગ ફેલાઈ. રાજ્યના 25 જિલ્લામાંથી 15થી 16 જિલ્લામાં નાનામોટા પ્રમાણમાં કોમી છમકલા થયા. જેમાં 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં કોમી હિંસાની તીવ્રતા સૌથી વધારે હતી. જેની મોટી અસર 15 માર્ચ સુધી ફેલાયેલી રહી. જો કે સમગ્ર કોમી છમકલાં જૂનના મધ્ય ભાગ સુધી ચાલુ રહ્યા. આ કોમી રમખાણોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર પહોંચી હતી. કારણ કે મોટાભાગના કારસેવકો આ બંને વિસ્તારોમાંથી આવતા હતા. મૃત્યુ પામેલા કારસેવકોમાં પણ તેમની સંખ્યા મોટી હતી. આ સિવાય ઉત્તર-પૂર્વની ગોધરા નજીકની આદિવાસી પટ્ટીમાં કોમી રમખાણોની તીવ્રતા મોટી હતી. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ અપવાદરૂપ છમકલાંને બાદ કરતાં એકંદરે શાંત રહ્યા હતા.

ગુજરાતમાં 2002ની રમખાણોની ઘટનાનમાં 790 મુસ્લિમો અને 254 હિંદુઓ માર્યા ગયા હતા, જ્યારે 200થી વધારે લોકોને ગુમ થયેલા ગણાવાયા છે. ગોધરાકાંડ બાદ ભડકેલા હુલ્લડોમાં 500થી વધારે સ્થાનો પર તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 298 દરગાહો, 205 મસ્જિદો, 17 મંદિરો અને 3 ચર્ચોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 61 હજારથી વધારે મુસ્લિમો અને લગભગ 10 હજાર હિંદુઓ પોતાના ઘરમાંથી બેઘર બન્યા હતા. હુલ્લડો બાદ 27901 હિંદુઓ અને 7651 મુસ્લિમોને તોફાનો માટે જવાબદાર ગણીને જેલમાં નાખી દેવાયા હતા. હુલ્લડોને નિયંત્રિત કરવા માટે પોલીસે 10 હજાર રાઉન્ડ ફાયર કર્યા હતા. પોલીસ ગોળીબારમાં 93 મુસ્લિમો અને 77 હિંદુઓના મોત નીપજ્યા હતા.

આ કોમી રમખાણોને ડામવા માટે રાજસ્થાન અને અન્ય સરહદે યુદ્ધની તૈયારી કરીને ઉભેલા સૈનિકોને બોલાવવા પડયા. આ ઘટનાની તીવ્રતા અને સંવેદનશીલતાને જોતા આખા ઉત્તર ભારતમાં કોમી હુતાસણો ફેલાવવાની શક્યતાઓને જોતા સરકારે અન્ય વિશેષ વ્યવસ્થાઓ કરવી પડી હતી. જો કે સદભાગ્યે કોમી હિંસાની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત રહી.

પરંતુ વિચાર કરો કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હોત અને કોમી હિંસા ગુજરાત સુધી જ સીમિત ન રહી હોત, તો દેશ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોત? શું આવી ઘટનાનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો ન હોત? શું દેશના પાંચમી કતારીયાને આવી ઘટનાઓ વધારે સબળ બનવા મૂળિયા મજબૂત કરવામાં મદદરૂપ બની ન હોત? આજે પણ ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટે ગુજરાતના રમખાણોને યાદ કરવામાં આવે છે. તો સરહદપાર ચાલતા આતંકવાદી કેમ્પોમાં ભારત વિરુદ્ધ જેહાદ માટે કટ્ટરવાદીઓ દ્વારા મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણી કરીને બ્રેઈન વોશ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રમખાણો બાદ ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો અને 2008માં અમદાવાદમાં 20 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાને આતંકવાદી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે. ગુજરાત હજીપણ આતંકવાદી હુમલાઓ અને ઘટનાઓ સંદર્ભે સંવેદનશીલ ક્ષેત્રની શ્રેણીમાં ગણવામાં આવે છે.

ગોધરાકાંડના 10 વર્ષ પછી રાજકીય પ્રવાહ બદલાયો છે


Gujarat Modi Godhara: 10 years on, Riot-hit survivors await justice

ગુજરાતના ઈતિહાસમાં ગોધરાકાંડની ઘટના એવી મોટી ઘટનાઓમાંની એક છે કે જેમણે રાજ્યના સમાજજીવન અને રાજકીય જીવનના પ્રવાહને બદલી નાખ્યો છે. 27મી ફેબ્રુઆરી, 2012ના રોજ ગોધરાકાંડને પુરા દસ વર્ષ થશે. પરંતુ આ 10 વર્ષે પણ ગોધરાકાંડના કેટલાંક ગુનેગારોને ફાંસી અને કેદની સજાઓ બાદ પણ પ્રશ્નો તો ઉભા જ રહે છે. ગોધરાકાંડની દસમી વરસીએ આ સવાલોના જવાબ મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું ક્યાંય દેખાતું નથી. સવાલ છે કે એક દાયકાના સમયથી ભગવા રંગમાં રંગાયેલા ગુજરાતમાં ગોધરાકાંડની ઘટના બની.

આ ઘટના આઝાદ ભારતમાં ટ્રેન પર હુમલો કરીને તેને સળગાવી 58 લોકોના જીવ લઈ લેનારી પહેલી ઘટના હતી. આ ઘટનાના પડઘા ગુજરાતમાં ખૂબ ઘેરા પડયા અને ગુજરાતની સદભાવના ખોરવાઈ ગઈ, ગુજરાત કોમી હુતાસણમાં સપડાઈ ગયું. ગુજરાતમાં લગભગ 1 માસ જેટલો લાંબો સમય સુધી ચાલેલા કોમી દંગલોમાં લગભગ 1200 માણસો મોતને ભેટ ચઢયા. આ કોમી રમખાણોની ઘટનાને પરિણામે ગુજરાતને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કલંક લાગ્યું. આ કલંકના ડાઘ હજીપણ ધોવાયા નથી.

પરંતુ તાજેતરમાં સીટની પુછપરછમાં ગુજરાત રમખાણો માટે જેમના પર આરોપો મૂકાય રહ્યા છે, તેવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 71 સવાલ-જવાબ લિક થયા છે. મુખ્યમંત્રી મોદીએ ગત વર્ષ સાડા નવ કલાક ચાલેલી સીટની પુછપરછમાં અધિકારી અશોક મલ્હોત્રાના સવાલોના જવાબ આપતા કહ્યુ હતુ કે ગુજરાત માટે રમખાણો નવી વાત નથી. ગુજરાતમાં રમખાણો 1714ની સાલથી થતા રહ્યા છે. આ રમખાણો મારા જન્મ પહેલા ઘણાં વખતથી થતા રહ્યા છે.

ટીકા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા થઈ શકે છે. તેઓ જવાબદારીમાંથી છટકવા માટે કોમી રમખાણ જેવી ગંભીર ઘટનાને ડાઉન પ્લે કરી રહ્યા હોવાની વાત પણ આમાંથી છલકે છે. પરંતુ એક હકીકત એ છે કે મોદી પહેલાના શાસકોએ છેક 1714થી હંમેશા પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો છે. મોટાભાગે અત્યાર સુધીના તમામ શાસકો તેમા સફળ પણ થયા છે.

ત્યારે ગુજરાતના સોશ્યલ એન્જિનિયરીંગની પેટર્નમાં કોઈ આમૂલ પરિવર્તનની જરૂરિયાત હવે વર્તાઈ રહી છે. જેથી અમુક વર્ષોના અંતરાલથી થતી કોમી રમખાણોની ઘટના રાજ્યની સદભાવનાને બગાડે નહીં. જો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના છેલ્લા દસ વર્ષના શાસનમાં 2002ની કમનસીબ ઘટનાઓ બાદ અમુક અપવાદોને બાદ કરતા આવી ઘટનાઓને ડામવામાં સફળ રહ્યા છે. તેમણે તાજેતરમાં પોતાના સદભાવના મિશન અંતર્ગત 36 ઉપવાસ કર્યા છે. પરંતુ સદભાવના મિશન 36 ઉપવાસે પુરું થઈ શકે તેમ નથી.

સદભાવના મિશનની જરૂરિયાતોમાં ઉપવાસ સિવાયની ઘણી બધી વાતોની દરકાર કરવી પડશે. હિંદુ-મુસ્લિમની જોડાજોડ વસ્તીવાળા લોકો પોતપોતાની રીતે સમસ્યાઓ આવે તેનો હલ કરતા હોય છે. પરંતુ સેક્યુલારિઝમના નામે હાસ અને આવકાર જેવા આસિયાનાઓમાં 100 ટકા હિંદુ વસ્તીમાં બેસીને હિંદુ-મુસ્લિમ એકતાની વાતો કરનારા ટોળાની ગુજરાતમાં કમી નથી. આવા લોકોના કમીનાપનને કારણે ગુજરાતની શાંતિને સૌથી વધારે જોખમ છે.

ગુજરાતને જોખમ છે, સતત આ ઘટનાઓમાંથી રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરનારા નપાવટ રાજકારણીઓથી. આ રાજકારણીઓને ઈંજન આપવાનું કામ સેક્યુલારિઝમના નામે રાડો પાડનારી કમીનાપનથી છલકતી ટોળકી કરી રહી છે. આ કમીનાપણાએ 10 વર્ષના ગાળામાં ગોધરાકાંડના અંડરકરંટને ગુજરાતના સમાજજીવનમાંથી ક્યારેય દૂર થવાનો મોકો આપ્યો નથી.

તો બીજી તરફ ગોધરાકાંડની વરસીએ તેનો ભોગ બનેલા કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં પણ આત્મમંથન કરવાની જરૂરિયાત છે કે ગોધરાકાંડની ઘટના શા માટે બની? ગુજરાતના રાજકારણમાં કોણે તેનો લાભ લીધો? તેનાથી ગુજરાતના લોકોને શું નુકસાન થયું? ગુજરાતના ભવિષ્ય પર છેલ્લા દસ વર્ષના આધારે ક્યાં અને કેવા પડઘાં પડી રહ્યાં છે? સમાજમાં તેના સહિયારા તલસ્પર્શી અને હ્રદયસ્પર્શી ચિંતન અને મંથનની જરૂરિયાત છે. કારણ કે ગોધરાકાંડ જેવી ઘટનાઓ બનશે નહીં, તો ગોધરાકાંડ પછીના કોમી હુતાસણો પણ થશે નહીં.

તેના માટે સમાજજીવનમાં પડેલી હિંદુ અને મુસ્લિમ સંસ્થાઓએ કોઈપણ રાજકારણીના હાથા બન્યા વગર સામુહિક ચિંતન કરવા માટે એકઠા થવું જોઈએ. તેમણે પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મતભેદોને સમાજજીવનથી અળગા રાખવા માટે કોઈ ચોક્કસ એક્શન પ્લાન બનાવવો જોઈએ. વળી ધાર્મિક અને સાંસ્કૃતિકમાંથી સામાજિક બનેલા પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે પણ સાથે મળીને પરિણામજનક વિચાર કરવો જોઈએ.

ભારતની સંસ્કૃતિ સહજીવનમાં માને છે, ભારતની સંસ્કૃતિ કલ્યાણમાં માને છે. ભારતનો હિંદુ હોય કે મુસલમાન, ભારતનો શીખ હોય કે ઈસાઈ કે અન્ય કોઈ ધર્મી વ્યક્તિ તે સહજીવન અને કલ્યાણની વિભાવનાનો એક યા બીજી રીતે સ્વીકાર કરે છે. જે આ સંસ્કૃતિના સંસ્કાર છે. આ સંસ્કારોના ધોવાણને અટકાવા માટે સમાજજીવનમાં કામ કરતાં અગ્રણી લોકોએ સામાજિકમાંથી રાજકીય બનેલા પ્રશ્નોને ઉકેલવાનો દોર પોતાના હાથમાં લઈ લેવો જોઈએ.

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

વિકાસના વાયરામાં વકરેલા ‘સ્ટેટ’ને સમાજ નિયંત્રિત કરે


-ક્રાંતિવિચાર
દેશને આઝાદ થયાને 65 વર્ષ થશે. દેશમાં 65 વર્ષમાં ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. સમાજજીવનની અંતરંગ વાતો બદલાઈ છે, આર્થિક વ્યવહારો બદલાયા છે, ધંધા-વેપારની વાતોમાં મોટા ફેરફારો થયા છે. તેની સાથે રાજકારણના અનેક રંગો પણ આપણે ભારતના લોકોને જોવા મળ્યા છે. આ 65 વર્ષોની ભારતની આઝાદીની યાત્રા 1000 વર્ષની ગુલામીના તબક્કાથી પણ વરવી રહી છે. આ 65 વર્ષમાં ભારતના સમાજનું સતત નબળું બનવું અને ભારતમાં સ્થપાયેલું રાજ્ય સમાજ પર જોહુકમી કરતું નજરે પડયું છે. પછી તે સામાજિક સુધારાની વાત હોય કે સામાજિક સુધારાના નામે સમાજને વકરાવી નાખવાની વાત હોય. કાયદાના નામે ભારતીય સમાજની આગવી બાંધણીને તોડવાના ભરચક પ્રયત્નો ભારતીય રાજ્ય થકી થયા છે. ભારતમાં રાજ્ય અત્યારે સમાજ કરતાં બળવાન દેખાઈ રહ્યું છે અને સમાજ નબળો દેખાઈ રહ્યો છે.

હકીકતમાં આ માનો કે ન માનો ભારતમાં પાછલા બારણે પગપેસારો કરેલા કમ્યુનિઝમનું પરિણામ છે. કમ્યુનિઝમમાં સ્ટેટ હંમેશા બળવાન હોય છે અને એટલી હદે બળવાન થતું જાય છે કે તે દરેક વાતમાં તાનાશાહી ચલાવે છે. કમ્યુનિસ્ટ સ્ટેટમાં સમાજ અને માનવીની કોઈ ગણના હોતી નથી. સ્ટેટ રાજસત્તા પર એકહથ્થું નિયંત્રણ ચલાવે છે. ભારતમાં આગામી પચ્ચીસ વર્ષમાં આ પરિસ્થિતિ આવી જશે. આ દેશનો સમાજ આઝાદી પહેલા અને આઝાદી વખતે જેટલો એકજૂટ અને શક્તિશાળી હતો, તેટલો એકજૂટ અને શક્તિશાળી આઝાદીના 65 વર્ષે રહ્યો નથી. સમાજથી ચાલતા સેવાકાર્યો અને સમાજકાર્યો આઝાદી વખતે જેટલા પ્રમાણમાં ચાલતા હતા, તેમા ઘટાડો અને ભ્રષ્ટતા આજનું ભાગ્ય બની ગયું છે. આઝાદી વખતે સત્તાને સમાજ નિયંત્રિત કરતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. સમાજને સત્તા અનામત, આર્થિક લાભો, નોકરીની લાલચો અને નીતનવા ઉધામા કરીને નિયંત્રિત કરે છે. ભારતીય સમાજને સત્તા જોડતી હોય તેવું લાગી રહ્યું નથી, પરંતુ જાતિ-ધર્મ-ભાષા-પ્રાંત-વર્ગના જુદાંજુદાં ઓઠાં નીચે સમાજને તોડતી હોય તેવું વધારે પ્રતિપાદિત થઈ રહ્યું છે. ભારતીય સ્ટેટ સમાજના ભોગે વધારે શક્તિશાળી બની ગયું છે. જેના કારણે ભારતીય સ્ટેટ પર અત્યારે સૌથી વધારે બોજો છે. તેની પાછળનું કારણ એટલું છે કે સમાજની કલ્યાણ વૃતિ ભારતીય સ્ટેટની કથની અને કરણીમાં ધોવાઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે ભારતીય સ્ટેટને તમામ કલ્યાણકારી કામોનો બોજો ઉઠાવવો પડે છે. તેના માટે તે નવી વ્યવસ્થાઓ પણ કરી રહી છે. પરંતુ જે વ્યવસ્થામાં સમાજ ભાગ ન લે અને જે વ્યવસ્થામાં સમાજનો હિસ્સો ન હોય તે વ્યવસ્થા ક્યારેય સફળ થતી નથી.

ભારતમાં કલ્યાણકારી યોજના તરીકે મનરેગાની ગણના થાય છે. પરંતુ સૌથી વધારે ભ્રષ્ટાચારના આક્ષેપો મનરેગાની યોજના સામે થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એનએચઆરએમ યોજનાના કૌભાંડ અને અનાજ કૌભાંડ આના ઉદાહરણો છે. ગરીબોને મફત કે સસ્તા ભાવે અનાજ આપવાની યોજનાઓમાં પણ અઢળક ભ્રષ્ટાચાર થયો છે અને થઈ રહ્યો છે. દેશમાં હાલ ભારતીય સ્ટેટ એવી વ્યવસ્થા બની ગયું છે કે જેમાં 545 વ્યક્તિઓની સામુહિક તાનાશાહી ચાલી રહી છે. તેમની નીચે રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની પણ સામુહિક તાનાશાહી ફૂલીફાલી રહી છે. દેશમાં વિરોધી મત, અલ્પ મત અને અલગ મતને કોઈ સ્થાન મળી રહ્યું હોય તેવું લાગતું નથી. જે પણ કોઈ વાત કરવામાં આવી રહી છે, તેમાં પોતાની સામુહિક તાનાશાહી ચાલે તેવી વ્યવસ્થા સામુહિક પણે ભારતીય સ્ટેટની બનાવટની ભ્રષ્ટ બનેલી વ્યવસ્થામાં સામેલ લોકો કરી રહ્યા છે. ભારતના ભ્રષ્ટાચાર અને વધી રહેલા ભ્રષ્ટાચારનું આ એકમાત્ર કારણ છે. આ ભારતીય સ્ટેટની પ્રવર્તમાન ભ્રષ્ટતાએ આઝાદીના 65 વર્ષે ભારતીય સમાજની ઘણી સારી અને કલ્યાણકારી બાબતોનું ધોવાણ કર્યું છે.

ભારતીય સમાજે રોટલે અને ઓટલે ક્યારેય આજે ચાલી રહી છે, તેવી ચોરી કરી નથી. ભારતમાં 33 કરોડ વસ્તી હતી, ત્યારે પણ 75 લાખ સાધુ-સંન્યાસીઓની સંખ્યા હતી. આજે પણ દેશમાં સાધુ-સંન્યાસીની એક કરોડથી વધારે સંખ્યા છે. સાધુ-સંન્યાસીને રોટલો અને ઓટલો આપવાની સમાજની આગવી વ્યવસ્થા હતી. આ સાધુ-સંન્યાસી થકી ગરીબ-ગુરબાઓ સુધી અન્ન પહોંચે તેવા અન્નક્ષેત્રોની પણ આગવી વ્યવસ્થા હતી. આજે પણ સૌરાષ્ટ્ર જેવા દેશના ઘણાં વિસ્તારોમાં સમાજના માન્યતા પ્રાપ્ત સંતો અને સંસ્થાઓ થકી અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે. ભારતમાં અન્નદાનને મહાદાનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે આવા દેશમાં ગરીબો કુપોષણ રાષ્ટ્રીય શરમ હોવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે કરવી પડે છે. આઝાદીના 65 વર્ષે ભારતે અને ભારતના લોકોએ સામુહિકપણે વિચાર કરવો પડે કે દેશમાં આટલી દુર્ગતિનું કારણ શું છે અને તેનું તાત્કાલિક અને લાંબા ગાળાનું પરિણામ શું આવી શકે?

ભારતનું સમાજદર્શન કેવું હતું અને કેવું થઈ રહ્યું છે? તેનો ગંભીરતાથી વિચાર કરવાનો અત્યારે સમય છે અને વિચારના અંતે એક ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવાનો વખત છે. જો આ છેલ્લી ટ્રેન ચુકી ગયા, તો ભારત પણ યુનાન, મિસર અને રોમના માર્ગે ઈતિહાસ બની જશે. સામાજિક સ્તરે દયા, કરુણા, કલ્યાણ, ઉદ્ધાર, એકતા જેવી ઉદાત ભાવના જેટલી વધારે તીવ્ર પ્રમાણમાં હોય છે, તેટલો જ સમાજ વધારે સુદ્રઢ, મજબૂત અને શક્તિશાળી બને છે. સમાજની વીરતા સમાજની કરુણામાં રહેલી છે. ભારતમાં ગાયોને બચાવવા, બ્રાહ્મણોને બચાવવા, ગરીબોને બચાવવા અનેક વીરોએ પોતાના માથા ઉતારીને આપી દીધા છે. સામાજિક દયા અને કરુણાએ સમાજને વીરતા માટે બાધ્ય કર્યો છે. ભારતના રાજાઓને ગૌબ્રાહ્મણ પ્રતિપાળ કહેવામાં આવતા તેની પાછળનો તર્ક છે. ભારતમાં ગાય અને બ્રાહ્મણ એટલે વિદ્વાન વ્યક્તિ સંરક્ષણના અધિકારી છે, કરુણાને પાત્ર છે. તેનો રંઝાડ રોકવો રાજ્યની ફરજ ગણાય છે. પરંતુ આજના રાજ્યમાં ગાયો લાખોની સંખ્યામાં કપાઈ રહી છે અને બ્રહ્મત્વ ધરાવતા વિદ્વાન પુરુષોનો રંજાડ પણ વધી રહ્યો છે.

ભારતમાં અત્યારની વ્યવસ્થા એવી બની રહી છે કે સ્ટેટની રાજસત્તા સમગ્ર દેશ પર નિયંત્રણ કરવામાં સફળ થઈ રહી હોય તેમ મહેસૂસ થઈ રહ્યું છે. સ્ટેટ ભારતના અર્થતંત્ર, સમાજતંત્ર, ન્યાયતંત્ર, રાજતંત્ર, સંસ્કૃતિ સુદ્ધાંને નિયંત્રિત કરવામાં સફળ થઈ રહ્યું છે. હંમેશા નિયંત્રણમાં આવનારી વસ્તુ નિયંત્રક વસ્તુ કરતા દુર્બળ હોય છે. નિયંત્રક હંમેશા પ્રભાવી હોય છે. ભારતમાં સ્ટેટ અત્યારે પ્રભાવી અને શક્તિશાળી છે. સ્ટેટ ચલાવનારા લોકો સ્ટેટમાં રહેતા લોકો કરતાં વધારે શક્તિશાળી થઈ રહ્યા છે. તેમની સંપત્તિઓ દિવસે વધતી નથી તેટલી રાત્રિના અંધકારમાં વધી રહી છે. સમાજની સમૃદ્ધિ નષ્ટ થઈ રહી છે. વિકાસ કાર્યોના નામે સમાજના બહુ જૂજ લોકો સંપત્તિવાન બની રહ્યા છે. દેશના સાડા આઠ હજાર લોકો પાસે દેશની બે તૃતિયાંશ સંપત્તિ સંઘરાયેલી પડી છે. આ દેશની વસ્તી 122 કરોડ છે. જેમાંના 42 ટકા લોકોને રોજના 32 રૂપિયા પણ કમાવવાની તક મળતી નથી. સ્ટેટ અંત્યોદય નહીં, પણ અમીરોદયનું સાધન બની રહ્યું છે. સમાજના છેડાનો માનવી વધારે છેડે ધકેલાઈ રહ્યો છે.

ભારતે પોતાની દુર્ગતિ ટાળીને સદગતિના પંથે જવું હશે તો જનકલ્યાણનો માર્ગ અપનાવો પડશે. અત્યારે વિકાસની વાતો ઘણી ચાલે છે. વિકાસ એટલે મોટા રોડ, પુલ-બંધો, વીજળી, ઊર્જા, મોબાઈલ, હોટલ, ખૂબ ખર્ચો કરી શકવાની ક્ષમતા વગેરે છે. પરંતુ આ વિકાસની પરિભાષામાં જનકલ્યાણને સ્થાન નથી. જનકલ્યાણ આજના વિકાસમાં ગેરહાજર છે. જનકલ્યાણની ગેરહાજરી હોય તેવા વિકાસથી દેશ દુર્ગતિના માર્ગે ધકેલાય રહ્યો છે. ત્યારે સ્ટેટનો અભિગમ બદલાય તેવી કોઈ વાત થવી જોઈએ. અભિગમ કલ્યાણનો થવો જોઈએ કે જેનો એક ભાગ વિકાસ છે. ભારતમાં કલ્યાણરાજ સ્થાપનારા રાજાઓને ભારતની જનતા આજે પણ યાદ રાખે છે. પછી તે રાજા રામચંદ્ર હોય કે ધર્મરાજ યુધિષ્ઠિર હોય કે પ્રજાકલ્યાણક વિક્રમાદિત્ય હોય કે છત્રપતિ શિવાજી મહારા હોય કે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી હોય કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ હોય. આ તમામ રાજાઓએ પોતે સુખનો ઉપભોગ કર્યો નથી, પરંતુ પોતાના કર્મો થકી પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી છે. પોતાની વિશાળ દ્રષ્ટિ અને કલ્યાણકારી અભિગમે પ્રજાને જીવનસ્તર સહીતની બાબતોમાં ખાસી ઊંચાઈ આપી છે. શું ભારતના હાલના વિકાસના નામે ચાલતા સરકારના વહેપારમાં પ્રજાને આવી ઊંચાઈ પ્રાપ્ત થઈ રહી છે?

ભારતમાં હવે સમય આવી રહ્યો છે, સમાજને શક્તિશાળી કરવા કલ્યાણકારી સુદ્રઢીકરણ કરવાનો. સમાજને દેશના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી સ્થાપિત કરવામાં અને સમાજને ભારતીય સ્ટેટ પર પુન: નિયંત્રણ સ્થાપિત કરવા જેટલો શક્તિશાળી બનાવવા માટે સમાજિક નેતૃત્વે પ્રયત્નો તીવ્ર બનાવવા પડશે. ભારતીય સ્ટેટ વિશ્વના શક્તિશાળી સ્ટેટમાં સમાવિષ્ટ બને. તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ભારતીય સ્ટેટની શક્તિના અનુપાતમાં ભારતીય સમાજની શક્તિ ક્ષીણ ન થવી જોઈએ. ભારતીય સમાજની શક્તિ પણ સ્ટેટ સાથે વધવી જોઈએ અને તેના કરતા વધારે સમાજ શક્તિશાળી બને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ભારતીય સમાજમાં સુધારવાદી પગલા ભારતીય સ્ટેટ દ્વારા નહીં પણ સમાજના નેતૃત્વ દ્વારા લેવાવા જોઈએ. ભારતીય સમાજ ફરીથી ભારતીય સ્ટેટને ચલાવવા માટેની ડ્રાઈવિંગ સીટમાં આવવો જોઈએ. ભારતીય સમાજ ભારતીય સ્ટેટના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી પુનર્પ્રસ્થાપિત થઈ જશે તો ભારતના લોકો માટે સ્ટેટને ફરીથી કલ્યાણકારી બનાવી શકાશે.

રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

ભારતમાં ફરીથી વિકાસ-સમૃદ્ધિના ‘અમૃત મહામંથન’ની જરૂરિયાત


democratic formate of india should be formated there should be amrut manthan of development

લોકશાહીનું પ્રવર્તમાન સ્વરૂપ દેશને ચૂંટણીના ચક્કરમાં નાખીને સમાજના ભાગલા કરનારું સાબિત થઈ રહ્યું છે, નાના અને ક્ષુલ્લક રાજકીય સ્વાર્થોની પૂર્તિ માટે રાજકીય પક્ષો જુદીજુદી સમાજને તોડનારી નીતિઓને આગળ વધારે છે

સત્તા વેશ્યા જેવી હોય છે. આજે કોઈની જોડે તો કાલે કોઈ અન્યની જોડે હોય છે. સત્તા તેની પાસે જ હોય છે, જેનામાં તેને જિરવવાનો દમખમ હોય છે. કમજોરોની પાસે સત્તા રહેતી નથી. કમજોરોની પાસે રહેલી સત્તા વ્યવસ્થા, તંત્ર અને સમાજને નુકસાન કરે છે. અંતે કમજોર વ્યવસ્થામાંથી જન્મેલા કમજોર તંત્રને કારણે પેદા થનારી સત્તાની કમજોરીઓ દેશને લાંબાગાળાનું નુકસાન કરે છે. દેશમાં અત્યારે કહેવા માટે તો લોકશાહી પ્રવર્તી રહી છે. પરંતુ તેને બીજી રીતે જોવો તો લોકશાહીનું પ્રવર્તમાન સ્વરૂપ દેશને ચૂંટણીના ચક્કરમાં નાખીને સમાજના ભાગલા કરનારું સાબિત થઈ રહ્યું છે. નાના અને ક્ષુલ્લક રાજકીય સ્વાર્થો અને હિતોની પૂર્તિ માટે રાજકીય પક્ષો જુદીજુદી સમાજને તોડનારી, દેશને તોડનારી નીતિઓને આગળ વધારે છે. આ તમામ વાતોથી અંતે તો દેશને પુરી ન શકાય તેવું મોટું નુકસાન થાય છે.

ભારતનું રાજકારણ ચૂંટણીકારણ છે. ચૂંટણી જીતો જોડતોડ કરીને સંસદ-વિધાનસભાઓમાં બહુમતી સાબિત કરો અને દેશને બેહદ બેઅદબીથી લૂંટવાનો પરવાનો મેળવો. તેના માટે બકાયદા મૂડીપતિઓ, કોર્પોરેટ સમૂહો ચૂંટણીમાં ફંડફાળો આપીને ઈન્વેસ્ટમેન્ટ કરે છે. ચૂંટણીમાં પોતાના નાણાંની વસૂલાત માટે તેઓ પોતાના તરફી નીતિઓ બનાવવામાં સફળતા પણ મેળવી લે છે. બસ બસી ભ્રષ્ટાચારનું અવિરત ચક્ર સતત ચાલતુ રહે છે. આમ આદમીને ખબર પડતી નથી કે તે કેવી રીતે લૂંટાઈ રહ્યો છે, કેવી રીતે પિંખાઈ રહ્યો છે. પરંતુ મોંઘવારીના દાવાનળમાં આમ આદમી કકળી ઉઠે છે, સળગી ઉઠે છે. તેને ખબર પડતી નથી કે કાળાબજારિયા અને ભ્રષ્ટાચારીઓનું એક તંત્ર તેમના હકના રોટલા પર તરાપ મારી રહ્યા છે, તેમના હકની સંપત્તિ પોતાના કબજે કરી રહ્યા છે, તેમના હકની સુખસુવિધા અંકે કરી રહ્યા છે. આ દેશની બે તૃતિયાંશ સંપત્તિ અંદાજે માત્ર સાડા આઠ હજાર લોકો પાસે છે. વિચાર કરો આટલી સંપત્તિની વહેંચણીમાં અસમાનતા માટે ક્યું તંત્ર જવાબદાર છે, કઈ વ્યવસ્થા જવાબદાર છે?

સીબીઆઈના નિદેશકે તાજેતરમાં કહ્યુ કે ભારતીયોના સાડા ચોવીસ લાખ કરોડ રૂપિયા એટલે કે પાંચસો અબજ ડોલર દુનિયાના ટેક્સ હેવન દેશોની બેંકોમાં જમા છે. આ સાડા ચોવીસ લાખ કરોડ રૂપિયા પર આ દેશના આમ આદમીનો અધિકાર છે કે નહીં? પરંતુ આ દેશની વ્યવસ્થા અને તેનું તંત્ર સમગ્ર રીતે કાળાબજારિયાઓ અને ભ્રષ્ટાચારીઓને બચાવવાની રીતો શોધતું ફરે છે. દેશની લોકશાહી લોકોની, લોકો માટે લોકો દ્વારા ચાલતી લોકશાહી રહી નથી. હવે આ લોકશાહી ભ્રષ્ટાચારીઓની, ભ્રષ્ટાચારીઓ માટેની અને ભ્રષ્ટાચારીઓ માટેની લોકશાહી થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સામે આવેલા દેશના જુદાંજુદાં કૌભાંડોનો સરવાળો કરીએ તો અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાનો સીધો ભ્રષ્ટાચાર ચર્ચામાં રહ્યો છે. તેમાં 2જી સ્પેક્ટ્રમ કાંડ, સીડબલ્યૂજીનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટી કાંડ, કર્ણાટક માઈનિંગ કૌભાંડ, કેગ રિપોર્ટ પ્રમાણેની ગુજરાતની કેટલીક અનિયમિતતા, ઉત્તર પ્રદેશનું અનાજ કૌંભાડ અને એનએચઆરએમ ગોટાળો વગેરે વગેરે. હજુ આ સિવાય ભૂગર્ભમાં રહેલા કૌભાંડો અને ગોટાળાઓ અનેક હશે.

આજે દેશના 42 ટકા લોકો ગરીબી રેખાની નીચે છે. દેશના 24 ટકા બાળકોને રોજ ભૂખ્યા સુવું પડે છે. દેશમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘણું ઉંચુ છે. દેશના વડાપ્રધાનને પણ કહેવુ પડયું છે કે કુપોષણ દેશની શરમ છે. પરંતુ દેશના આમ આદમીના હકની સંપત્તિ પર તરાપ મારીને ભ્રષ્ટાચારીઓ અને કાળાબજારિયાઓનું તંત્ર તેમની થાળીના રોટલા છીનવી રહ્યું છે. આ દેશના નાગરીકોને લૂંટવા માટે તેમને આ દેશના રાજકારણે ભારતીય રહેવા દીધા નથી. તેમને હિંદુ બનાવ્યા, તેમને મુસ્લિમ બનાવ્યા, શીખ, ખ્રિસ્તી બનાવ્યા. તો કોઈએ વળી પાછું અલગ રીતનું વિભાજન કરીને તેમને દલિત બનાવ્યા, તો કોઈએ મહાદલિત બનાવ્યા, કોઈએ ઓબીસી બનાવ્યા, કોઈએ સવર્ણ બનાવ્યા, કોઈએ બ્રાહ્મણ બનાવ્યા, તો કોઈએ ક્ષત્રિય બનાવ્યા. જેને જેવી રીતે દેશના નાગરીકને લૂંટવામાં સહૂલિયત મળી તેવી રીતે તેમણે દેશમાં રીતસરનું નવું વિભાજન ઉભું કર્યું. કોઈએ વંચિત, શોષિત અને સાધાનસંપન્નના ભેદ કરીને રાજનીતિ કરી. ભારતની કમનસીબી છે કે ભારતના લોકોને સમાન માનવીય હેસિયતથી જોનારી દેશની રાજનીતિ ક્યારે સામે આવી નથી.

ભારતની રાજનીતિની અપરિપક્વતાએ ભારતની લોકશાહીને પણ પરિપક્વ બનવા દીધી નથી. આ અપરિપક્વતાનું પરિણામ છે કે ચૂંટણી વખતે રાહતો ઘોષિત કરવી પડે છે, ચૂંટણી વખતે કર્જા માફ કરવા પડે છે, ચૂંટણી વખતે અનામતના ગાજર લટકાવા પડે છે, ચૂંટણી વખતે હુલ્લડોની રાજનીતિ કરવી પડે છે, ચૂંટણી વખતે ગરીબોની ગરીબી યાદ આવે છે, ચૂંટણી વખતે રાજકારણીઓને દેશની જરૂરિયાત સિવાયની પોતાની રાજકીય જરૂરિયાતની તમામ વાતો યાદ રહે છે.

શું એવી વ્યવસ્થા શક્ય નથી કે જેમાં બધાંને બધી જ વસ્તુ મળી શકે? જેની અંદર બધાંને દરેક પ્રકારની સ્વતંત્રતા હોય અને તેની સ્વતંત્રતાની મર્યાદા જાણે તેટલો ભારતીય નાગરીક પરિપક્વ પણ હોય? દેશ વિભક્ત કુટુંબની જેમ નહીં, પણ સંયુક્ત પરિવારના ભાવથી એકબીજા સાથે જોડાય અને આ જોડાણો એટલા મજબૂત બને કે દુનિયાની ખરા અર્થમાં મહાશક્તિ બને. આ દેશમાં એવી વ્યવસ્થા લાવી ન શકાય કે જે પોતાનામાં જ સંપૂર્ણ હોય અને શક્તિશાળી હોય કે તેની સામે દુનિયા આપમેળે જ નતમસ્તક થઈ જાય, તેને કોઈને નતમસ્તક કરવા માટે જવાની જરૂર ન પડે.

પરંતુ ભારતના હાલના વામણા રાજકારણીઓમાં આટલી વિશાળ દ્રષ્ટિની અપેક્ષા કરવી રણમાં મીઠી વીરડીની અપેક્ષા સમાન છે. પરંતુ ભારતે હવે રાજકારણના ક્ષીરસાગરમાં પેદા થયેલા વિષનું કોઈ વાસુકી અને મેરુ પર્વત શોધીને મંથન કરવું જ પડશે. વિષના મહામંથન વગર અમૃત મળવાનું નથી અને આ અમૃત દેવત્વવાળા લોકો સુધી પહોંચે તે પણ જોવું પડશે. વિકાસ અને સમૃદ્ધિના અમૃતની ચાહતમાં નાના રાજકીય હિતસાધક રાજનેતાઓ અને દેશહિતચિંતક દેવત્વવાળા લોકો વચ્ચે ફરી એક દેવાસુર સંગ્રામની જરૂર છે. સોનાની ચીડિયા ભારતને પહેલા વિદેશીઓએ લૂંટ્યું પરંતુ વિદેશી સત્તાના કાળાપાણી છતાં તેમના સંસ્કારોથી સત્તામાં ગયેલા દેશી લોકોએ પણ લોકશાહીના રૂપાળા આંચળા નીચે લૂંટતંત્ર કાયમ કર્યું છે. વિદેશીઓના હાથે લૂંટાયેલો આ દેશ હવે દેશી દરિંદાઓ દ્વારા લૂંટાય રહ્યો છે. આ લૂંટ અને આ પીડામાંથી છૂટકારો મેળવવા માટે વિકાસ-સમૃદ્ધિના અમૃતનું મહામંથન અને ત્યાર બાદ રાજકીય હિતસાધકો અને દેશહિતચિંતકો વચ્ચેના દેવાસુર સંગ્રામની તાતી જરૂરિયાત છે.

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

મોદીની ભૂમિકાવાળા SIT રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં ઉપયોગ થશે નહીં


sit report which investigate role of cm modi in riots will not be use in up election

ગુજરાતની 2002ના વર્ષમાં ઘટેલી ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોની ઘટના આજે પણ દીલમાં દર્દ બનીને ઉભરી આવે છે. પરંતુ આ કમનસીબ ઘટનાઓના દસ વર્ષ બાદ તે હવે ભૂતકાળ નથી, પરંતુ વોટ લણવાની ફેકટરી છે. જ્યારે મુસ્લિમ મતોની વાત હોય અને મુસ્લિમોને કોઈ ચોક્કસ પાર્ટી સામે ઉશ્કેરવાનો મામલો હોય, ત્યારે ગુજરાતની કમનસીબ ઘટનાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત ચર્ચામાં રહે છે.

કેટલાંક અહેવાલો પ્રમાણે, યૂપીની ચૂંટણીમાં અંદરખાને ગુજરાત રમખાણોની સીડીઓનો મુસ્લિમ વિસ્તારોમાં મતદાતાઓને ચોક્કસ દિશામાં પ્રેરીત કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે 15મી ફેબ્રુઆરીએ યૂપીમાં ત્રીજા તબક્કાના મતદાન વખતે જ ગુજરાત રમખાણોમાં મોદી અને અન્ય પ્રભાવી વ્યક્તિઓની ભૂમિકાનો તપાસ કરતો રિપોર્ટ યોગાનુયોગ કોર્ટે જાકિયા જાફરી સહીતના અન્ય અરજદારો તીસ્તા સેતલવાડ અને મુકુલ સિંહાને હાલના તબક્કે આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સંદર્ભે નિર્ણાયક સુનાવણી 29 ફેબ્રુઆરી અને 15 માર્ચે થશે.

જો ગુજરાત રમખાણોના મામલે એસઆઈટીની તપાસનો આખરી રિપોર્ટ કે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કથિતપણે ક્લિનચીટ આપવામાં આવી છે, તે જાહેર થઈ જાત તો તેના કેટલાંક ભાગોને મુસ્લિમ મતોના રાજકારણમાં રાજકીય ઉપયોગની સંભાવનાને નકારી શકાય તેમ નથી. ત્યારે હવે સીટના રિપોર્ટને સાર્વજનિક કરવો કે નહીં અને વકીલોને વાંચવા માટે આપવો કે નહીં તેની સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. સીટ 15મી માર્ચ સુધીમાં બાકીના તમામ દસ્તાવેજો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરશે.

up votersબીજી તરફ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં થઈ રહી છે. જેમાં જાકિયા જાફરીની સીટનો રિપોર્ટ માંગતી અરજીની બુધવારની સુનાવણીના દિવસે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું. જ્યારે એસઆઈટીના સીલબંધ કવરમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિપોર્ટ સંદર્ભે સુનાવણી વખતે 8મી ફેબ્રુઆરીએ યૂપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 11 ફેબ્રુઆરીમાં યૂપીમાં બીજા તબક્કાનું મતદાન થયું અને જાકિયા જાફરી તથા અન્યોને રિપોર્ટની નકલ આપવાની સુનાવણી 13મી માર્ચે થઈ. પરંતુ ત્યારે પણ કોર્ટે યોગાનુયોગ નિર્ણય આપ્યો નહીં અને સુનાવણી 15 ફેબ્રુઆરીએ કરવાનું ઠેરવ્યું.

જો કે 15 ફેબ્રુઆરીએ કોર્ટે કાયદાકીય અને ટેકનિકલ કારણોને ધ્યાનમાં રાખીને અરજદારોને રિપોર્ટ માંગવાની અરજી ફગાવી દીધી. હવે તમામ નિર્ણય 29 ફેબ્રુઆરી અને 15 માર્ચની તારીખો પર છે. 29 ફેબ્રુઆરી બાદ 3 માર્ચે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે યૂપી સહીત પાંચ રાજ્યોમાં મતગણતરી 6 માર્ચે પૂર્ણ થવાની છે. ત્યારે ગુલમર્ગ કાંડના ફરીયાદી જાકિયા જાફરીને એસઆઈટીમાં મોદીની કથિત ભૂમિકાવાળો રિપોર્ટ આપવા સંદર્ભે 15 માર્ચ પછી કોર્ટ નિર્ણય કરશે.

કોર્ટની કાર્યવાહીને કારણે યોગાનુયોગ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ગુલમર્ગ કાંડ અને ગુજરાત રમખાણો પરના એસઆઈટી રિપોર્ટનો ઉપયોગ રાજકીય કારણોસર કોઈના પક્ષમાં કે વિપક્ષમાં કોઈ વ્યક્તિ, સંગઠન કે પક્ષ દ્વારા થઈ શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે યૂપીની ચૂંટણી દરમિયાન 139 બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં રહેલા રાજ્યના 19 ટકા મુસ્લિમ મતોને દરેક રાજકીય પક્ષ ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. જયપુરના સાહિત્ય ઉત્સવમાં પ્રતિબંધિત સેતાનિક વર્સિસના લેખક સલમાન રશ્દીને નહીં આવવા દેવાની વાત, મુસ્લિમોને અનામત સંબંધી નિવેદનો, બટલા હાઉસ એન્કાઉન્ટરના મામલે નિવેદનબાજી અને ગુજરાત રમખાણો હજી પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટેના મોટા હથિયાર સાબિત થાય તેવી પરિસ્થિતિ છે. તેમાં વિશિષ્ટ ઈમેજ સાથે પ્રચારીત કરાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સંડોવતો એસઆઈટીનો રિપોર્ટ યૂપીના ચૂંટણી રાજકારણમાં રાજકીય રોટલા શેકતા પક્ષો માટે મોટું હથિયાર સાબિત થઈ શકે તેમ હતું. પરંતુ હવે યોગાનુયોગ તે રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં રાજકીય ઉપયોગ થઈ શકશે નહીં.

ભાજપ-શિવસેનાના જોડાણ માટે મહારાષ્ટ્રમાં ફરી આશાનું કિરણ


bjp-shivsena has hpe for 2014 assembly election

મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા બીએમસી સહીતની 10 મહાનગરપાલિકા અને 27 જિલ્લાપરીષદોના ચૂંટણી પરિણામો અને વલણો ભાજપ-શિવસેના ગઠબંધન માટે ફીલગુડ કરાવનારા સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસ-એનસીપી ગઠબંધનનો 2014ના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલમાં ભાજપ-શિવસેના-આરપીઆઈ ગઠબંધન સામે હાર થઈ છે. જો કે હાલ રાજ ઠાકરે ન તો કિંગ બન્યા છે અને ન તો કિંગ મેકર બન્યા છે.


આ ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે શિવસેના પ્રમુખ બાલ ઠાકરે સામે કેટલીક કઠોર ટીપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મોટી જીત મેળવશે અને બાલ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં અપ્રાસંગિક થઈ જશે.

પરંતુ મતદાતાઓની ગત ન્યારી હોય છે, મતદાતાએ શુક્રવારે આપેલા ચુકાદા બાદ મહારાષ્ટ્રની રાજનીતિ નવી દિશા તરફ જઈ રહી છે. બાલ ઠાકરે ઢળતી ઉંમરે છે, પરંતુ તેઓ હજી પણ રાજ્યના મતદાતાઓ માટે શિવસેના થકી પ્રાસંગિક છે. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ ઠાકરેના નેતૃત્વમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી છે. રાજ ઠાકરેએ શિવસેનાની મતબેંકો અને કિલ્લાઓમાં સેંઘ મારવામાં 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ સફળતા મેળવી હતી અને અત્યારે પણ સારા પ્રમાણમાં સફળ થયા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રની રાજનીતિ દ્વિધ્રુવીય રહી છે. જેમાં એક ધ્રુવ કોંગ્રેસ-એનસીપી અને બીજો ધ્રુવ ભાજપ-શિવસેના રહ્યા છે. 17 વર્ષથી રાજ્યની સત્તામાંથી દૂર રહેલી ભાજપ-શિવસેનાની ધરી માટે આ વખતે આશાના કિરણો ફૂટયા છે. રાજ્યની 10માંથી 8 મહાનગરપાલિકામાં ભગવા જોડાણ સૌથી આગળ રહ્યું છે. જો કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનું રાજકારણ દ્વિધ્રુવીયની જગ્યાએ ત્રિકોણીય બની જશે, તેવા પણ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આમ તો બૃહદમુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ-શિવસેનાને સૌથી વધારે બેઠકો મળી છે, પરંતુ તેને બહુમતી માટે હજી 8 કોર્પોરેટરોનો જુગાડ કરવો પડશે. જ્યારે કોંગ્રેસ-એનસીપીના જોડાણને 66 બેઠકો મળી છે. જો કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ શિવસેનાના ગઢ દાદર અને માહિમના કાંગરા ખેરવીને 28 બેઠકો પર જીત હાંસલ કરી છે. મુંબઈના 34 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો એમએનએસના છે. જો એક ધારાસભ્ય નીચે 6 કોર્પોરેટરોની ગણતરી કરવામાં આવે તો એમએનએસના 36 કોર્પોરેટરો જીતવા જોઈએ. તેમ છતાં પણ શિવસેનાના ગઢના કાંગરા ખેરવવાનો સંતોષ રાજ ઠાકરેને થઈ રહ્યો છે.

ઠાણેમાં પણ ભાજપ-શિવસેના ગઠબંધન કોંગ્રેસ-એનસીપીથી આગળ છે. અહીં એમએનએસનો દેખાવ સારો થયો નથી. જેના કારણે રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે ઠાણેમાં એમએનએસનો દેખાવ ખરાબ રહ્યો છે અને અહીં પાર્ટીમાં ફેરફારો થશે. જો કે એનસીપીએ શિવસેનાને ઠાણેમાં સારું એવું નુકસાન કર્યું છે. પરંતુ તેમ છતાં ભગવા ગઠબંધન ઠાણેમાં પણ સત્તા કબજે કરી શકે તેવા સ્પષ્ટ સમીકરણો બન્યા છે.

જો કે પુણે મહાનગરપાલિકામાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન ફરી સત્તા કબજે કરતું દેખાય રહ્યું છે. અહીં એમએનએસનો દેખાવ પણ ઘણો સારો રહ્યો છે. પુણેમાં એમએનએસને 27 અને નાસિકમાં 36 બેઠકો મળી છે. નાસિકમાં એમએનએસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ ઠાકરેએ પુણે અને નાસિકમાં પાર્ટીને સારા મત આપવા બદલ અહીંની જનતાનો આભાર માન્યો છે. જો કે પિંપરી-ચિંચવડમાં એનસીપી 68 બેઠકો સાથે પોતાના દમ પર મહાનગરપાલિકામાં કાબિજ થઈ ગઈ છે.

કોંગ્રેસ માટે આઘાતજનક ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસી નેતા નારાયણ રાણે પાર્ટી પર જ વરસી પડયા છે, તેમણે હાર માટે કોંગ્રેસી નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે કોંગ્રેસી નેતા સંજય નિરુપમ પ્રમાણે એનસીપીને આપેલી 5 બેઠકો પર ગઠબંધન હાર્યું છે. તો રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે શિવસેના ગઠબંધનને ભાજપ અને આરપીઆઈ સાથેના જોડાણને કારણે બેઠકો મળી છે.

હાલ આવેલા ચૂંટણી પરિણામો 2014ની વિધાનસભાની સેમીફાઈનલ બાદ રાજ્યની દ્વિધ્રુવીય રાજનીતિ ત્રિકોણીય થવા તરફ સ્પષ્ટ સંકેત કરી રહી છે. રાજ ઠાકરેએ કહ્યુ છે કે તેઓ મહારાષ્ટ્રમાં અન્ય ક્ષેત્રોમાં પાર્ટીનો વિસ્તાર કરશે. પરંતુ તેનાથી સ્વાભાવિક પણે શિવસેનાને થતું નુકસાન તેને કેટલું થાય છે, તેના પર પણ રાજકીય સમીકરણોનો મોટો આધાર રહેશે.

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન શિવસેનામાંથી અલગ પડેલા રાજ ઠાકરેની એમએનએસે 21 ટકા મતો મેળવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેએ 45 બેઠકો પર ભાજપ-શિવસેના ગઠબંધનને ભારે નુકસાન પહોંચાડયું છે. ત્યારે 2014ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રના રાજકારણમાં “રાજ ફેક્ટર” ઘણું મોટું અને મહત્વનું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે શરદ પવાર એલાન કરી ચુક્યા છે કે હવે તેઓ કોઈ ચૂંટણી લડશે નહીં, બીજી તફ બાલ ઠાકરે ઢળતી ઉંમરને કારણે રાજકીય રીતે સક્રિય રહી શકતા નથી અને તેનો લાભ રાજ ઠાકરેને મરાઠી માનૂષની રાજનીતિ કરવામાં મળી રહ્યો છે. ત્યારે તેમનો રાજકીય વારસો સંભાળનારાઓ માટે પણ આ ચૂંટણી સેમીફાઈનલ છે.

ઉલ્લેખનીય છેકે મહાનગરપાલિકાના પરિણામો પહેલા બાલ ઠાકરેએ ઉદ્ધવ અને રાજ ઠાકરેના એક થવા સંદર્ભેનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તેમના મતે બંનેને એક થઈ જવું જોઈએ. ત્યારે રાજ ઠાકરેએ ઉદ્ધવ સાથેના મતભેદો કાયમ રાખતા પ્રતિક્રિયા આપી હતી કે તેઓ કાકા બાલ ઠાકરે માટે 100 પગલા ચાલવા માટે તૈયાર છે, પરંતુ ઉદ્ધવ માટે તેઓ આમ કરશે નહીં. તેથી મહારાષ્ટ્રની રાજનીતિમાં બાલ ઠાકરેના વારસોના એક થવાની સંભાવના ઘણી પાંખી છે. પરંતુ ભવિષ્યમાં તેમની વચ્ચે કોઈ સંબંધો ઉભા થઈ શકે છે.

શનિવાર, 11 ફેબ્રુઆરી, 2012

રાજકીય વ્યવસ્થા દેશના શાસન-સત્તામાં ગરીબોને પ્રતિનિધિત્વ આપે

political system should give representation to poors in power
વ્યવસ્થા જ્યારે કંઈ સુધારો કે પરિવર્તન કરી શકતી નથી, ત્યારે તેના પર પ્રશ્નાર્થ લાગવા સ્વાભાવિક છે. ભારતમાં પણ વ્યવસ્થા દ્વારા કોઈ મોટા પાયાના જલદ પરિવર્તનો થયા નથી. ભારતમાં વ્યવસ્થાનું પરિણામ જ છે કે 32 રૂપિયા રોજના માંડમાંડ કમાનારા લોકોની સંખ્યા 42 ટકા છે. તેમા વધારો થવાની પણ સંભાવના દર્શાવાય છે. જ્યારે બીજી તરફ દેશમાં અબજોપતિની સંખ્યા વધી રહી છે. એટલે કે સીધી સમજ પ્રમાણે દેશના લોકોમાં સંપત્તિની વહેંચણીમાં ઘણી મોટી ખામી છે. કરોડો લોકોની સંપત્તિ આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો પાસે પહોંચી રહી છે. તેમ છતાં ભારતમાં અમીર વધારે અમીર થાય અને ગરીબ વધારે ગરીબ થાય તેવી વ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને સુદ્રઢ થઈ રહી છે.

તેની પાછળ સૌથી મોટું કારણ છે, દેશની રાજકીય વ્યવસ્થા. દેશની રાજકીય વ્યવસ્થા શરૂઆતથી ગરીબો માટેની વ્યવસ્થા રહી નથી. દેશની ભૂતકાળની સંસદો અને વિધાનસભાઓથી માંડીને પ્રવર્તમાન સંસદ અને વિધાનસભાનો સર્વે કરવામાં આવે તો તુરંત માલૂમ પડશે કે દેશના ધારાસભ્યો અને સાંસદો બનવામાં ધનકુબેરો અગ્રસ્થાને છે. દેશમાં 32 રૂપિયા રોજના ન કમાઈ શકનારો વ્યક્તિ ક્યારે દેશની સંસદ અથવા વિધાનસભામાં બેઠો હોય તો તેઓ કિસ્સો અમુક અપવાદોને બાદ કરતા બન્યો નથી અને બની રહ્યો નથી.

દેશમાં દરેક જાતિ-ધર્મ-વર્ગને પ્રતિનિધિત્વ આપવા માટે અનામત (શિક્ષણ અને નોકરીમાં)આપવામાં આવી રહ્યું છે. એસસી-એસટીને અનામત, મહિલાઓને અનામત, ઓબીસીને અનામત, મુસ્લિમોને અનામત, ખ્રિસ્તીઓને અનામત.જો કે આમાથી એસસી અને એસટીને બાદ કરતા અન્ય કોઈ વર્ગ-જાતિ-ધર્મને રાજકીય અનામત નથી. પણ આ બધાં અનામતમાં ગરીબોને દેશની સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું નથી. દેશમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકો 42 ટકા છે, તો ગરીબીની રેખા ઉપર જીવતા અને ગરીબ એવા લોકોની સંખ્યા પણ એટલા જ ટકા છે. ત્યારે આવા આર્થિક રીતે વિપન્ન વર્ગોને દેશની સંસદ-વિધાનસભામાં બિલકુલ પ્રતિનિધિત્વ મળતું નથી. આ કેવી વ્યવસ્થા છે કે જેમાં દેશના લગભગ 70 ટકા લોકોનું પ્રતિનિધિત્વ ગેરહાજર હોય.

એક એવો પણ અભ્યાસ કરવો જોઈએ કે દેશમાં ગરીબોની વાત કરનારા લોકો આર્થિક અને રાજકીય રીતે કેટલા આગળ વધ્યા છે અને તેના પ્રમાણમાં કેટલું કામ થયું છે. કારણ કે દેશમાં ગરીબી ઘટવાને બદલે વધી છે. અને પરિસ્થિતિ ત્યારે ભયંકર બની છે કે દેશના અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધારે ઉંડી થઈ છે. ત્યારે દેશના ગરીબોને દેશની કાર્યપાલિકાઓમાં પ્રતિનિધિત્વ મળે તેના માટે કોઈ પ્રયત્ન ક્યારે થશે?

એક ધારાસભ્ય અથવા સાંસદને બિનઆધિકારીક રીતે ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ટિકિટ મેળવવાથી લઈને ચૂંટણી જીતવા સુધી તમામ સ્તરે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. શું આ દેશનો ગરીબ આટલો ખર્ચો કરીને શાસનનો ભાગીદાર બની શકે છે? આ દેશમાં મુસ્લિમો વોટબેંક છે, એસસી વોટબેંક છે, ઓબીસી વોટબેંક છે, એસટી વોટબેંક છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પણ વોટબેંક છે. પરંતુ ગરીબ હજી સુધી આ દેશમાં વોટબેંક બની શક્યો નથી. ગરીબને બ્રાહ્મણ, એસસી, એસટી, મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-વર્ગમાં વહેંચી દેવામાં આવ્યો છે. અને વ્યવસ્થામાં આ પંથ-વર્ગમાં ધનકુબેર લોકો જ શાસનના ભાગીદાર બની શકે છે અને તેઓ જ આ વર્ગ-પંથનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

શું આ રાજકીય વ્યવસ્થાના સ્વરૂપથી આશ્ચર્ય ઉપજતું નથી? શું આ વ્યવસ્થા ભારતના લોકોની વ્યવસ્થા છે? શું આ વ્યવસ્થા ભારતના એક મોટા ઉપેક્ષિત વર્ગ એવા ગરીબ લોકોને સત્તાની ભાગીદારીમાંથી દૂર રાખી રહી નથી? શું આવી વ્યવસ્થામાં ગરીબોની ભાગીદારી માટે કોઈ વ્યવસ્થા થવી જોઈએ નહીં? પરંતુ ગરીબો માટે દિલથી વિચારવાની કોઈને દરકાર નથી, કારણ કે તેઓ ગરીબ નથી એટલે કે ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા નથી. પછી ગરીબો માટે કંઈ કરવાનો તો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

એક બાબત એ પણ છે કે ગરીબને ભીખારી બનાવતી યોજનાઓની દેશમાં કોઈ જરૂર નથી. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપવા માટે માત્ર તેનું સસ્તા અનાજથી પેટ ભરવું કે તેને 365 દિવસમાંથી 100 દિવસ ડેલી વેજિસ કરતા પણ ઓછી કિંમતે મજૂરી કામ આપવું પુરતું નથી. તેના માટે એવી વ્યવસ્થાની જરૂર છે કે જેનાથી તેની જિંદગી સ્વાભિમાનપૂર્ણ બને.

તેના માટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે તેનું જીવનસ્તર તબક્કાવાર ઉપર આવે, અમીર તેના ભાગની સંપત્તિ પર વધારે કબજો કરે નહીં, અમીર-ગરીબ વચ્ચેની ખાઈ પુરાય. પરંતુ આવી વ્યવસ્થા કરવા માટે મૂડીપતિઓનું ફંડ લેનારા રાજકીય પક્ષોને કોઈ દરકાર હોય તેમ લાગતું નથી. દેશના કરોડો-અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં દર પાંચ વર્ષે મોટો વધારો થાય છે. પરંતુ દેશમાં તેટલા જ મોટા પ્રમાણમાં ગરીબોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે દેશની અને દેશના ગરીબોની ગરીબી ઓછી થાય તેના માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર કોઈ ક્રાંતિ બનીને દેશની સામે આવશે? શું ગરીબોને દેશના શાસન અને સત્તામાં તેમની સંખ્યાના પ્રમાણમાં ભાગીદારી મળશે?