Friday, June 15, 2012

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાજરમતે 1969ની યાદ તાજી કરી!


-આનંદ શુક્લ
2012માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભે થઈ રહેલો સત્તાસંઘર્ષ બરાબર 43 વર્ષ પહેલા 1969ની રાજરમતની  યાદ અપાવે છે. 1969ની રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવાર વી. વી. ગિરિની જીતે સાબિત કરી દીધુ હતુ કે રાષ્ટ્રપતિ ભવનનો રસ્તો વડાપ્રધાન કાર્યાલય થઈને જાય છે. વી. વી. ગિરિની જીત શરૂઆતના તબક્કામાં ગુંગી ગુડિયા તરીકે જાણીતાં બનેલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સંગઠનમાં વર્ચસ્વ ધરાવતી સિન્ડિકેટ પરની પહેલી જીત હતી. અહીંથી ઈન્દિરા ગાંધીએ શક્તિશાળી વડાપ્રધાન તરીકે માન્યતા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી હતી.

1969માં નીલમ સંજીવ રેડ્ડી કોંગ્રેસ સિન્ડિકેટના ઉમેદવાર હતા. અપક્ષ તરીકે વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના ટેકાવાળા વી. વી. ગિરિ ઉમેદવાર હતા. કોંગ્રેસ પર તે જમાનામાં એક સિન્ડિકેટ હાવી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ કે. કામરાજ, મોરારજી દેસાઈ, નીલમ સંજીવ રેડ્ડી, નિજલિંગપ્પા અને એસ. કે. પાટિલ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના સોવિયત રશિયાના તાશ્કંદમાં થયેલા અવસાન બાદ સિન્ડિકેટે જાન્યુઆરી-1966માં ઈન્દિરા ગાંધીને વડાંપ્રધાન બનાવ્યા હતા. શરૂઆતના તબક્કામાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને સિન્ડિકેટના સભ્યોની મહેરબાનીથી ગુંગી ગુડિયા તરીકે ઓળખવામાં આવતા હતા.

1969માં કોંગ્રેસ પાર્ટીમાં સિન્ડિકેટના વર્ચસ્વના જંગમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ડૉ. જાકિર હુસૈનના અવસાન બાદ ઉપરાષ્ટ્રપતિ વી. વી. ગિરિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરી રહ્યા હતા. સિન્ડિકેટના વર્ચસ્વવાળી કોંગ્રેસ કાર્યસમિતિએ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે ચર્ચાવિચારણા કર્યા વગર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નીલમ સંજીવ રેડ્ડીના નામની જાહેરાત કરી હતી.

ઈન્દિરાએ સિન્ડિકેટની આ હરકતને વડાપ્રધાન પદની શક્તિ સામેનો પડકાર માન્યો. તેમણે પાર્ટીનો નિર્ણય માનવાનો ઈન્કાર કરી દીધો. ઈન્દિરાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અંતરાત્માના અવાજ પર વોટ કરવાની હાકલ કરી હતી. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની મદદથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અપક્ષ તરીકે વી. વી. ગિરિએ ઝુકાવ્યુ હતુ.

70ના દાયકામાં કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનને સર્વોચ્ચ માનનારાઓની સંખ્યા વધારે હતી, જેના કારણે 1969માં રાષ્ટ્રપતિ  પદની ચૂંટણીથી પાર્ટીમાં મહાભારતની  શરૂઆત થઈ અને આ મુકાબલો ઘણો રસાકસીભર્યો બન્યો.

પહેલી પ્રાથમિકતાના મતોની ગણતરીમાં કોઈને બહુમતી મળી નહીં. વી. વી. ગિરિને 4,01, 515 મતો મળ્યા હતા, જે બહુમતીથી 15,654 ઓછા હતા. નીલમ સંજીવ રેડ્ડીને પણ પહેલી પ્રાથમિકતાના 3,13, 548 મતો જ મળી શક્યા હતા. તેવામાં બીજી પ્રાથમિકતાના મતોની ગણતરી થઈ. હવે વી. વી. ગિરિના મતો 4, 20, 077 જ્યારે નીલમ સંજીવ રેડ્ડીના કુલ મતોની સંખ્યા 4,05, 427 સુધી જ પહોંચી શકી. 14, 650 મતોથી વી. વી. ગિરિ વિજયી જાહેર થયા.

વી. વી. ગિરિ ખુદ સ્વતંત્રતાસેનાની હતા અને મજૂરો માટે તેમણે ઘણું કામ કર્યુ હતુ. વ્યક્તિગત રીતે તેઓ રાષ્ટ્રપતિભવન માટે ખુબ યોગ્ય વ્યક્તિ હતા. પરંતુ 1969માં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં વી. વી. ગિરિની જીત હકીકતમાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો વિજય હતો. વી. વી. ગિરિ રાષ્ટ્રપતિ બનતા કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થયું. અહીંથી રાષ્ટ્રપતિભવનનો રસ્તો વડાપ્રધાન કાર્યાલય તરફ જતો હોવાની વાત સ્પષ્ટ બની. પહેલી વખત દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે રાજકીય રસાકસીની સ્થિતિ પેદા થઈ. ઈન્દિરા ગાંધીએ દેશના સૌથી શક્તિશાળી વડાંપ્રધાન બનવાનો માર્ગ પણ આ ચૂંટણી થકી કંડાર્યો હતો.

રાષ્ટ્રપતિનું સ્થાન સંસદમાં સૌથી ઉંચુ છે. દેશમાં કોઈપણ ખરડો રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વગર કાયદો બની શકતો નથી. પરંતુ 1969માં પહેલીવાર લાગ્યું કે ભારતનું રાષ્ટ્રપતિ પદ પણ અપનાવાયેલા બ્રિટિશ સંસદીય લોકશાહીના મોડેલમાં સત્તા સંઘર્ષનો ભાગ છે. બરાબર 43 વર્ષ બાદ ફરીથી 13મા રાષ્ટ્રપતિને લઈને દિલ્હીમાં આવો ખેલ થઈ રહ્યો છે. આ એક એવી રમત છે કે જેમા રાષ્ટ્રપતિ પદ જેવા સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમા ઝાંખી પડી રહી છે. પરંતુ રાજનીતિમાં મર્યાદા, સાફ નિયત અને ઈમાનદારીની હંમેશા ગેરહાજરી રહી છે, તેથી લોકશાહીમાં ગૌરવમય પદની થઈ રહેલી મજાક પર દુ:ખ વ્યક્ત કરવા સિવાય હાલ અન્ય વિકલ્પ નથી.

No comments:

Post a Comment