Friday, June 8, 2012

હવે મોદી ઈઝ બીજેપી, બીજેપી ઈઝ મોદી?


-આનંદ શુક્લ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થક એવા મરાઠી અખબાર તરુણ ભારતે સંજય જોશીને દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા તથા મોદીને અડિયલ ગણાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ કારોબારી વખતે સંજય જોશીને લઈને અપનાવામાં આવેલા વલણની તરુણ ભારત અખબારમાં સંઘના ચિંતક એમ. જી. વૈદ્યે ટીકા કરી છે. તેમણે મોદીના વલણ પર પરોક્ષ ટીપ્પણી કરતા લખ્યુ છે કે વ્યક્તિ નહીં, પણ સંગઠન મોટું છે.

અત્યારે ભાજપની રાજકીય પક્ષ તરીકે એવી પરિસ્થિતિ ઉભી થતી દેખાય રહી છે કે ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ. એક વખતના ભાજપના શક્તિશાળી કેન્દ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીએ યૂપીનું પ્રભારી પદ અને પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે ગડકરીને આગ્રહ કરવો પડયો છે. માનવામાં આવે છે કે સંજય જોશી તેમના પ્રત્યેના નરેન્દ્ર મોદીના કડવા વલણથી છેલ્લા કેટલાંક વખતથી પરેશાન હતા. ગત સપ્ટેમ્બર માસમાં છ વર્ષ નિર્વાસિત રહ્યા બાદ સંજય જોશીને મોદીના વિરોધ છતાં સંઘના આશિર્વાદથી પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ પક્ષમાં ફરીથી સામેલ કર્યા હતા.

સંજય જોશીના ભાજપમાં પુનરાગમનથી સૌથી વધારે નારાજ કોઈ વ્યક્તિ હતી, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. યૂપીના પ્રભારી પદે સંજય જોશીની વરણી બાદ મોદી એટલા નારાજ હતા કે દિલ્હી ખાતેની ભાજપની મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં નવરાત્રિના ઉપવાસનું કારણ આગળ ધરીને સામેલ થયા ન હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સંજય જોશીને કારણે યૂપીના ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહેવા માટે ભાજપના વડાપ્રધાન પદના ચાર-પાંચ ઉમેદવારો પૈકીના એક નરેન્દ્ર મોદી અન્ય ચાર રાજ્યોમાં પણ પ્રચાર કરવા ગયા નહીં!

સંજય જોશીને પાર્ટીમાં લેવા માટે પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીથી મોદી સખત નારાજ રહ્યા. ભાજપ કદાચ એવી પહેલી પાર્ટી હશે કે જ્યાં પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન પદના સંભવિત ચાર-પાંચ ઉમેદવારોમાંના એક વચ્ચે સતત સાત માસથી વાતચીત થઈ ન હોય! મુંબઈ ખાતેની ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગડકરીને અધ્યક્ષ તરીકે બીજી ટર્મ માટે ચાલુ રાખવા માટે પક્ષના બંધારણમાં સુધારો કરવાનો હતો. તે વખતે અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓની નારાજગીને કારણે નરેન્દ્ર મોદીના ટેકાની ગડકરીને જરૂરિયાત હતી. ગડકરીએ મોદીનો ટેકો મેળવવા માટે રાષ્ટ્રીય કારોબારીના થોડા કલાક પહેલા આપવામાં આવેલું સંજય જોશીનું રાજીનામું સ્વીકારવું પડયું. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપની જન્મજયંતીમાં સામેલ થયેલા મુખ્યમંત્રી મોદીએ પોતાના કટ્ટર રાજકીય હરીફ ગણાતા સંજય જોશીના કારોબારીમાં હાજર રહેવાને પોતાની ગેરહાજરીનું બહાનું બનાવ્યું હતું. સંજય જોશી કારોબારીમાંથી રાજીનામું આપીને યૂપી જવા માટે નીકળ્યા, ત્યાર પછી જ મોદી મુંબઈમાં પ્રવેશ્યા.

જો કે મોદીના કારોબારી આવ્યાના અડધા કલાકમાં અડવાણી, સુષ્મા અને મુરલી મનોહર જોશી સ્થાન છોડી ગયા હતા. બેઠક બાદ યોજાયેલી જાહેરસભામાં પણ આ નેતાઓ હાજર રહ્યા ન હતા. મુંબઈ રાષ્ટ્રીય કારોબારી બાદ અડવાણીએ ગડકરી પર અને ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદી પર પરોક્ષ નિશાન તાક્યા. પેટ્રોલના જંગી ભાવવધારા સામે આપવામાં આવેલા ભારત બંધના એલાનના દિવસે જ અડવાણીએ ગડકરીને નિશાન બનાવીને બ્લોગ લખ્યો. તો ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદીનું નામ લીધા વગર તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાની ઉતાવળ પર કટાક્ષ કર્યો. પ્રભાત ઝાના તંત્રીલેખનો ટોન હતો કે મોદીની વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની ઉતાવળથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.

સંઘના હિંદી મુખપત્ર પાંચજન્યમાં વરિષ્ઠ ચિંતક દેવેન્દ્ર સ્વરૂપે પોતાની કોલમ મંથનમાં મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા. દેવેન્દ્ર સ્વરૂપે ત્યાં સુધી લખ્યુ કે મોદીએ પોતાની કાર્યપદ્ધતિ અને સંગઠન ક્ષમતા સંદર્ભે ફરીથી વિચાર કરવાની જરૂરત છે. બીજી તરફ અમદાવાદ અને નવી દિલ્હી ખાતે રસ્તાઓ પર મોદીનું નામ લીધા વગર તેમની ટીકા કરતા અને જોશીની તરફેણમાં પોસ્ટરો લાગ્યા.

અમદાવાદ ખાતે લાગેલા પોસ્ટરોમાં અટલ બિહારી વાજપેયીની કાવ્યપંક્તિઓ- છોટે મન સે કોઈ ખડા નહીં હોતા, તૂટે મન સે કોઈ ખડા નહીં હોતા, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં છેલ્લે લખવામાં આવ્યું હતું કે કહો દિલ સે સંજય જોશી ફિરસે. તો દિલ્હી ખાતે લાગેલા પોસ્ટરમાં સંજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરવા પર નારાજગી વ્યક્ત કરીને ભાજપની નીતિ પર સવાલ કરવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર સંજય જોશી પ્રકરણ પર મોઢું ખોલતા કહ્યુ છે કે કોઈને પાર્ટી હાઈજેક કરવા દેવામાં આવશે નહીં.

અમદાવાદમાં ફરીથી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે રાજધર્મનું પાલન કરો, પ્રજાનો ધર્મ નિભાવો, પાર્ટી ધર્મને અપનાવો. આ પોસ્ટર યુદ્ધ માટે મોદી જૂથ તરફથી અંદરખાને જોશીના પ્રશંસકો તરફ શંકા કરવામાં આવી છે. જો કે હજી સુધી તેમને આ સંદર્ભે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેવામાં સંજય જોશીએ રાજીનામું આપીને પોતે પાર્ટી હિતમાં પોતાનું બલિદાન આપી રહ્યા હોવાની  અદાથી શહીદ થઈને ઉભરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે સંજય જોશીના રાજીનામાથી તેમના પ્રશંસકોને આંચકો લાગ્યો છે.

સંજય જોશી ભાજપ છોડી હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરવા પાછા ફરે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવાય રહી છે. જો કે ચૂંટણીના સારા રણનીતિકાર ગણાતા સંજય જોશીના 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી ગેરહાજર રહેવાની અસરોને પણ પાર્ટી હાઈકમાન જરૂરથી તપાસશે.

પરંતુ સમગ્ર પ્રકરણમાં હાલપુરતા નરેન્દ્ર મોદી સૌથી વધારે શક્તિશાળી નેતા તરીકે પાર્ટીમાં ઉભરી આવ્યા છે. જોશીના લિટમસ ટેસ્ટ પછી મોદી પાર્ટીમાં અન્ય રાજકીય વિરોધીઓને કોરાણે મૂકવાની પ્રક્રિયા હાથ ધરશે, કારણ કે જોશી સંઘ અને ગડકરીના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. કેટલાંક લોકો નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિને હિટલર સાથે સરખાવે છે. પરંતુ તેમની કાર્યપદ્ધતિ હિટલર જેવી હોય કે ન હોય, ઈન્દિરા ગાંધી જેવી હોવાનું ઘણાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ગુજરાતમાં જે પ્રકારે ભાજપ સંગઠન પર મોદીએ પકડ જમાવી છે અને જે પ્રકારે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થતા પહેલા ભાજપમાં કેન્દ્રીય સ્તરે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે, તેના પરથી તેઓ ઈન્દિરા ગાંધી જેવો વટ પોતાની પાર્ટી પર પાથરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાગપુરથી ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનારા સંજય જોશી મુંબઈની રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું આપ્યા બાદ રેલવે માર્ગે રાજ્યમાંથી પસાર પણ થઈ શક્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જોશીને રેલવે માર્ગેના સ્થાને હવાઈ માર્ગે દિલ્હી જવા માટે મોદીના દબાણમાં ફરમાન કરવામાં આવ્યું હતું.


No comments:

Post a Comment