Monday, June 4, 2012

સામાજિક શરમ: કોર્ટમાં પુત્ર પાસે ભરણપોષણ માંગતી મજબૂર મા!


-આનંદ શુક્લ
જનનીની જોડ દુનિયામાં ક્યાંય મળતી નથી. ભીને સુઈને પોતાના બાળકને સુકામાં સુવડાવીને રાત રાત જાગતી માતાના બલિદાનની સરખામણી થઈ શકે તેમ નથી. બાળક જન્મ પછી જો કોઈ પહેલી વ્યક્તિને હ્રદયના ધબકારથી ઓળખતું હોય તો તે માતા છે. મા તે મા.. બીજા બધાં વગડાંના વા.. આપણે ત્યાં માતાનો મહિમા દર્શાવતી અનેક કહેવત છે. બાળકના જતન માટે માતાએ કરેલું  કાર્ય અને તેનો ભાવ હંમેશા માટે નિર્દોષ છે. પરંતુ જ્યારે બાળક જુવાન થાય અને ઘરડી માતાને તરછોડે છે, ત્યારે ધરતી પરના ભગવાનનો અંતરાત્મા કકળી ઉઠે છે.
દિલ્હીની એક અદાલતે બીમાર માતાને ગુજારા ભથ્થું આપવાની આનાકાની  કરનારા એક શખ્સને ફટકાર લગાવી છે. કોર્ટે આ શખ્સના વલણને અમાનવીય અને શરમજનક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ વ્યક્તિ પોતાને જન્મ આપનારી મહિલા પ્રત્યે જવાબદારી સમજવામાં નિષ્ફળ ગયો છે.
કોર્ટે કહ્યું છે કે આ વ્યક્તિએ સીઆરપીસીની  કલમ-125 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા ત્યાં સુધી આરોપ લગાવ્યો છે કે ગુજારાં ભથ્થાં માટે તેની માતા તેની પાસેથી નાણાંની વસૂલી કરવા માંગે છે. આ વ્યક્તિએ પોતાની દલીલમાં કહ્યુ હતુ કે તેને પોતાની પત્ની અને ત્રણ બાળકોની દેખભાળ કરવાની છે. તેની એક પુત્રી લગ્ન કરવાને લાયક છે, જ્યારે તેની પત્ની  ઘણી બીમારીઓથી પરેશાન છે.
જો કે કોર્ટે ઠેકો લઈને કામ કરનારા  વ્યક્તિને ઠપકો આપીને કહ્યું છે કે તેના પર ભલે  પત્ની અને ત્રણ બાળકોની દેખભાળની જવાબદારી હોય, પરંતુ તે તેની બીમાર માતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે માતાની દેખભાળની આનાકાની કરનારા કપૂતને 800 રૂપિયા પ્રતિ માસ ભથ્થું આપવાનો આદેશ કર્યો છે.
પતિ-પત્નીના ઝગડામાં પત્ની દ્વારા ભરણપોષણ માટે નાણાં માંગવાના કિસ્સા સામાન્ય રીતે જોવા મળે છે. ક્યારેક ક્યારેક પતિ પણ પત્ની પાસે ભરણપોષણ માંગતો નજરે પડે છે. પરંતુ ભારતની કોર્ટોમાં માતા-પિતા ભરણ-પોષણ માટે પોતાના  કપૂતો  પાસે ભથ્થું માંગતી અરજી કરવી પડે તેનાથી વિકટ સામાજિક પરિસ્થિતિ અન્ય કોઈ ન હોઈ શકે. ભારતમાં માતા-પિતાની આમાન્યા અને મર્યાદા જાળવવાની  પુરાતનકાળની  પરંપરા રહેલી  છે. ભગવાન  રામે તેના વનવાસ માટે કારણભૂત સાવકી માતા કૈકયી સાથે પણ ક્યારેય દુર્વ્યવહાર કર્યો ન હતો. તેમણે પિતાના વચન ખાતર રાજગાદી છોડીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો.
આટલી ઉચ્ચ પરંપરાઓ ઘરાવતા  ભારતીય સમાજના સંસ્કારોનું હાલ ધોવાણ થઈ રહ્યું છે. ભારતમાં બિલાડીના ટોપની જેમ વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. માતા-પિતા પોતાના બાળકોને નાનપણમાં સાચવતા હોય છે. પરંતુ પોતાના સુખને દૂર રાખીને સંતાનોને સાચવનારા માતાપિતા સાથે તેમના ઘડપણમાં  સંતાનો દ્વારા કોઈ  જવાબદાર વર્તન થતું નથી. જેને કારણે વૃદ્ધાશ્રમો ઘડપણમાં અનાથ બનેલા માતાપિતાઓના આશ્રયસ્થાન બની રહ્યા છે. વૃદ્ધાશ્રમો ભારતીય સમાજની સામાજિક શરમ છે. તો સમાજમાં માતાપિતાનું ભરણ-પોષણ કરવામાં આનાકાની કરનારા અને બેદરકારી દાખવનારા સંતાનો તેનાથી પણ મોટી સામાજિક શરમ છે. જ્યારે દર દરની ઠોકર ખાતા માતાપિતાને મજબૂર બનીને નિર્લજ્જ સંતાનો સામે ભરણપોષણ માટે કોર્ટનો સહારો લેવો પડે છે, તે પરિસ્થિતિ ખુદ માતા-પિતા માટે પણ દુ:ખદાયી હોય છે.
પણ માતાપિતાનું આ દુ:ખ અને સંતાનોની કુપાત્રતાથી છલકતી નિર્લજ્જતા વિકાસના નામે વકરી ગયેલા લોકોની સૌથી મોટી સામાજિક શરમ છે. જ્યારે વૃદ્ધ વ્યક્તિ આંખમાં લાચારી લઈને બસ સ્ટેશન કે રેલવે  સ્ટેશન પર ભીખ માંગતી હોય છે, ત્યારે તમને વિચાર નથી આવતો કે આ વૃદ્ધ વ્યક્તિની લાચારી પાછળ તેમના સંતાનોની બેશરમી જવાબદાર છે? સમાજ આવી બેશરમીમાં વધુ ધસે નહીં તેના માટે બાળકના મનમાં માતાપિતા માટે નવી આવી રહેલી જીવનશૈલીમાં યોગ્ય સ્થાન રહે તેના માટે પણ શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષકોએ વિશેષ પ્રયત્ન કરવા પડશે.

No comments:

Post a Comment