Tuesday, June 5, 2012

મોદી અને જોશીની રાજકીય ટક્કરથી ‘અંગત’ દુશ્મનીના મૂળિયા ઘણાં ઉંડા


-આનંદ શુક્લ

ગુજરાત ભાજપમાં ચાલી રહેલી હાલની અને ભૂતકાળની ડખાડખી પાછળ નરેન્દ્ર મોદી અને સંજય જોશીના અહમની ટક્કર કારણભૂત છે. ભૂતકાળમાં મિત્રતા સાથે રાજકારણમાં મોદી અને જોશીએ ડગ માંડયા હતા. પરંતુ 1989થી 1995 વચ્ચેના ગાળામાં ગુજરાતના બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં બંનેની મિત્રતામાં પહેલા કડવાશભરી ટક્કર અને પછી અગંત દુશ્મનીના નવા અધ્યાય જોડાવા લાગ્યા. કેશુભાઈ પટેલ જ્યારે પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદી સુપરસીએમની ભૂમિકામાં ધીમેધીમે દેખાવા લાગ્યા હતા. જેના કારણે કેશુભાઈ પટેલ અને ભાજપના તત્કાલિન પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા વચ્ચે ખટાશ પેદા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપના મૂળિયા ઉંડે સુધી નાખવા માટે કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાએ સાથે મળીને ગામડાં ખૂંદયા હતા.
ખજૂરિયા-હજૂરિયા કાંડ અને શંકરસિંહ વાઘેલાના બળવા પછી રચાયેલી રાજપાની ગુજરાતમાં સરકાર આવી. શંકરસિંહ વાઘેલા ભાજપ હાઈકમાનથી એટલા નારાજ હતા કે તેમણે અમદાવાદમાં ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા સામે જાહેરમાં કારણ બતાવો અરજીના લીરેલીરે ઉડાડતા કહ્યુ હતુ કે ઈ હાઈકમાન કે જેની હાઈ પણ નથી અને જેનો કમાન પણ નથી. શંકરસિંહ વાઘેલાનો રોષ કેશુભાઈ કરતા તે વખતે સુપરસીએમ તરીકે વર્તનારા નરેન્દ્ર મોદી તરફ હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. બળવાની ઘટના બાદ તુરંત ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાંથી તડીપાર કરીને હિમાચલ પ્રદેશ મોકલી દીધા. 1995થી ઓક્ટોબર-2001 સુધી નરેન્દ્ર મોદીને ગુજરાતના રાજકીય પરિદ્રશ્યથી દૂર રાખવામાં આવ્યા.
આ સમયગાળા દરમિયાન સંજય જોશીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભાજપના સંગઠન પર સંજય જોશીએ ધીમેધીમે કરીને સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પરિસ્થિતિ એવી હતી કે ગુજરાતમાંથી દેશવટો અપાયેલા નરેન્દ્ર મોદી રાજ્યમાં આવતા તો તેમની ભાજપના સંગઠનમાંથી તેમના અતિવિશ્વાસુ વ્યક્તિઓ સિવાય કોઈ નોંધ પણ લેતુ ન હતું. તે સમયગાળા દરમિયાન સંઘ પરિવારના તમામ મંચ પરથી નરેન્દ્ર મોદી ગાયબ રહ્યા. અમદાવાદમાં આવે તો પોતાના દ્વારા ઉભા કરાયેલા શૈક્ષણિક સંકુલ સંસ્કારધામમાં જ રહીને મોદી પાછા અન્ય સ્થળે ચાલ્યા જતા. 1998માંભાજપની  જીત બાદ કેશુભાઈ પટેલ બીજી વખત મુખ્યપ્રધાન બન્યા ત્યારે મોદીએ ગુજરાતમાં પુનરાગમનની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સંજય જોશીએ મોદીના ગુજરાતમાં પુનરાગમનનો વિરોધ કર્યો હતો. આથી નરેન્દ્ર મોદીને પોતાની થઈ રહેલી ઉપેક્ષા માટે તે વખતે સંજય જોશી જવાબદાર લાગ્યા હતા. ભાજપના પ્રદેશ સંગઠન પર પોતાનું ઓછું થઈ રહેલું નિયંત્રણ મોદીને અકળાવી રહ્યું હતું. વળી સંઘપરિવારમાં પણ મોદીને રાજ્યમાં સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમો માટે મોદી સંજય જોશીને જવાબદાર ગણવા લાગ્યા હતા.
જો કે ભૂકંપ બાદ મંથર રાહત અને પુનર્વસન કામ તથા પેટાચૂંટણીઓમાં થયેલી હારને કારણે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે અસંતોષ વધવા લાગ્યો હતો. ભાજપ, આરએસએસ અને વીએચપીના મોદી તરફી જૂથોએ ત્યારે અમદાવાદ આવેલા સંઘના  તત્કાલિન સરકાર્યવાહ એચ. વી. શેષાદ્રિને કેશુભાઈ પટેલ સરકાર વિરુદ્ધ રજૂઆતો કરી. તેમણે શેષાદ્રિ સામે નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત પણ કરી. જેના પરિણામે ઓક્ટોબર-2001માં ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદીની નિમણૂક સંઘના સીધા દોરીસંચાર નીચે કરવામાં આવી. કેશુભાઈ  પટેલે મુખ્યમંત્રી પદેથી હટતી વખતે કહ્યુ પણ ખરું કે મારો શું વાંક?

મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરતી વખતે નરેન્દ્ર મોદીએ ત્યાં હાજર ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાના આશિર્વાદ લીધા તથા તેમના માર્ગદર્શન નીચે કામ કરવાની વાત જાહેરમાં  કહી હતી. પરંતુ અહીંથી નરેન્દ્ર મોદી અને સંજય જોશીના સમીકરણો બદલાવા લાગ્યા. સંજય જોશીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી પદેથી પ્રમોશન આપીને કેન્દ્રીય સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાતમાંથી સંજય જોશીના દૂર થયા બાદ મોદીએ સંગઠનમાં પોતાના માનીતા લોકોને ગોઠવવાની રાજકીય ચાલો શરૂ કરી દીધી. જેના પરિણામે 2004 સુધીમાં ભાજપના સંગઠન અને સરકારમાં અસંતોષનો પવન જોરશોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ 2002ની ઘટનાઓ બાદ મોદીનો સિતારો તેમની આગવી રાજનીતિને કારણે બુલંદ પર હતો. પ્રજામાં મોદીની ઈમેજ ખૂબ હિંદુહ્રદય સમ્રાટની બની ચુકી હતી. મોદીની લોકપ્રિયતાને કોઈ ટપી શકે તેવી સ્થિતિમાં હતું નહીં. જો કે અસંતુષ્ટોની કામગીરીના પરિણામે 2004ની લોકસભાની ચૂંટણીમાં મોદીની લોકપ્રિયતા છતાં ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.
2004ની લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ અસંતુષ્ટો દ્વારા કરવામાં આવેલી કામગીરીને પરિણામે મોદીએ તેમને સંગઠન અને સરકારમાંથી દૂર કરવાનો તખ્તો ગોઠવી નાખ્યો હતો. ત્યાર બાદ તેમણે એક-એક કરીને આ અસંતુષ્ટોને દૂર કર્યા. જેમાં ધારાસભ્ય રમીલા દેસાઈથી માંડીને ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાનો સમાવેશ થાય છે. 2007ની  વિધાનસભા ચૂંટણી આવતા ફરીથી અસંતુષ્ટોએ જૂથબંધી આકરી કરી. પટેલ સંમેલનો બોલાવાયા. મોદીને ચૂંટણીમાં નુકસાન થાય તેવો તખ્તો ઘડાયો અને તેમના વિરુદ્ધ ગુપ્ત પત્રિકાઓ પણ ફરવા લાગી.
મોદી સામેના અસંતુષ્ટોના યુદ્ધમાં પણ સંજય જોશીની ભૂમિકા હોવા સંદર્ભે શંકા સેવવા લાગી હતી. જેના પરિણામે નરેન્દ્ર મોદી સંજય જોશી માટે વધારે આકરેપાણીએ હતા. આ સમગ્ર ઘટનાઓ દરમિયાન કેન્દ્રીય સ્તરે એક ઘણી સૂચક ઘટના બની. ભાજપના તત્કાલિન કેન્દ્રીય મહામંત્રી સંજય જોશીએ તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીનું રાજીનામું માંગી લીધું. અડવાણીની  પાકિસ્તાનથી મોકલવામાં આવેલી પ્રેસનોટને સંજય જોશીએ પ્રસારીત પણ થવા દીધી નહીં. મામલો એવો હતો કે પાકિસ્તાનમાં કટાસરાજ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ગયેલા ભાજપના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ત્રણ ભૂલો કરી હતી. પહેલી તો તેમણે પાકિસ્તાન બનવા માટે જવાબદાર ગણાતા તેના સંસ્થાપક મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા. બીજું, તેમણે પાકિસ્તાનમાં ઝીણાની મજાર પર માથું ટેકવીને ચાદર ચઢાવી. ત્રીજું, તેમણે પાકિસ્તાનની ધરતી પર બાબરી ધ્વંસની ઘટનાના દિવસ 6 ડીસેમ્બર, 1992ને પોતાના જીવનનો સૌથી વધારે દુ:ખદ દિવસ ગણાવ્યો.
જેના પરિણામે સંઘપરિવારમાં કથિત કટ્ટરવાદીઓમાં સળવળાટ થયો. વીએચપીએ અડવાણી સામે ખૂબ કડક વલણ અખત્યાર કર્યું. વીએચપીના તત્કાલિન આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ અડવાણીને લાલમહંમદ અડવાણી પણ કહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે અડવાણી  નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ ગણાય છે. 2002ની ગોધરાકાંડ પછીની ઘટનાઓમાં ગોવા ખાતેની ભાજપની બેઠકમાં મોદીના રાજીનામાનો તખ્તો ઘડાય ચૂક્યો હતો. પરંતુ અડવાણીએ મોદીને બચાવ્યા હોવાની વાત હવે જગજાહેર છે. ત્યારે સંજય જોશીના અડવાણીનું રાજીનામું લેવાની ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના તરફ વધારે નારાજ થયા હતા. તેવામાં મુંબઈ ખાતે રાષ્ટ્રીય કારોબારી વખતે જ સંજય જોશીની કથિત સેક્સ સીડી જાહેર થઈ હતી. જેના પરિણામે સંજય જોશીને પ્રચારક પદેથી અને ભાજપની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા. જો કે પાછળથી સીડી નકલી પુરવાર થતાં જોશીને ફરીથી ભાજપમાં લેવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર સીડી પ્રકરણ બાબતે જોશીના જૂથ તરફથી સીધી મોદી તરફ આંગળી ચિંધાઈ હતી. જો કે આ  સંદર્ભે વધારે કોઈ વાત સામે આવી શકી નથી.
પરંતુ મામલો વધારે ગરમ ત્યારે બન્યો કે જ્યારે સંજય જોશી અને ઉમા ભારતીને ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ ફરીથી પાર્ટીમાં સામેલ કરીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનો પ્રભાર સોંપ્યો. સંજય જોશીના ભાજપમાં પુન:પ્રવેશથી મોદી નારાજ થયા હોવાની ચર્ચા પુરજોરમાં ચાલી. જોશીના પુનરાગમન પછી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં નવરાત્રિના ઉપવાસમાં બહાર નહીં નીકળતા હોવાના બહાના નીચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગેરહાજર રહ્યા. નરેન્દ્ર મોદી આમ તો ભાજપના ચાર-પાંચ વડાપ્રધાન પદના ઉમેદવારોમાંના એક છે. તેમની લોકપ્રિયતા હાલ ભાજપના અન્ય તમામ નેતાઓ કરતા સૌથી વધારે છે. તેમ છતાં યૂપીના ચૂંટણી પ્રભારી સંજય જોશી સામેની નારાજગીને કારણે તેમણે યૂપીમાં પ્રચાર અભિયાન ટાળવા માટે અન્ય રાજ્યોમાં જવાનું પણ ટાળ્યુ હતુ.
ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સાથે પણ સંજય જોશીને કારણે મોદીના સંબંધો તંગ બન્યા હતા. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારોમાંના એક નરેન્દ્ર મોદી વચ્ચે સાત માસ સુધી કોઈ વાતચીત થઈ ન હતી! જો કે મુંબઈ ખાતે તાજેતરમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મોદી હાજર રહેશે કે નહીં તેના સંદર્ભે પહેલેથી જ ચર્ચાઓ ચાલી હતી. પરંતુ જ્યારે રાષ્ટ્રીય કારોબારીના થોડા કલાક પહેલા સંજય જોશીએ કારોબારીમાંથી રાજીનામું આપ્યું, ત્યારે સમગ્ર મામલો લોકો સામે આવ્યો. મોદીએ કારોબારીમાં હાજર રહેવા માટે જોશીનું રાજીનામું લઈ લેવાની શરત કરી હતી. કહેવામાં આવે છે કે મોદીએ જોશી હાજર રહેશે, ત્યાં સુધી કારોબારીમાં આવવાનો નનૈયો ભણ્યો હતો. જોશીના કારોબારીમાંથી યૂપી જવાની ગડકરી દ્વારા જાહેરાત થઈ, ત્યાર બાદ જ મોદી રાજસ્થાનથી મુંબઈ ખાતે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા.
મોદી અને જોશીનો અહીં સમાપ્ત થતો નથી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કેશુભાઈના નેતૃત્વમાં અસંતુષ્ટો જૂથબંધી કરી રહ્યા છે, ત્યારે પોસ્ટર સ્વરૂપે યુદ્ધ ગુજરાતની ગલીઓમાં પહોંચી રહ્યું છે. ગુજરાતના ભાજપ કાર્યાલય અને અમદાવાદના ઘણાં સ્થાનો પર કોઈ અજ્ઞાત લોકો દ્વારા સંજય જોશીની તરફેણમાં અને મોદીની વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કાવ્યપંક્તિ છોટ મન સે કોઈ બડા નહીં હોતા, તૂટે મન  સે કોઈ ખડા નહીં હોતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં છેલ્લે લખવામાં આવ્યું છે કે કહો દિલ સે, સંજય જોશી ફિર સે.

તો દિલ્હીમાં અડવાણી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓના ઘરની આસપાસ- ભાજપા કી ક્યાં મજબૂરી, નહીં ચલેગી યે દાદાગીરી. એક નેતા કો ખુશ કરે, દૂસરે  કા ઈસ્તીફા માંગે. ક્યાં યહી ભાજપા કી નીતિ? લખેલા હોર્ડિંગો લગાવી દેવામાં  આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજય જોશીના રાજીનામા બાદ ભાજપ અને સંઘપરિવારમાં પણ મોદી મુદ્દે તિરાડ સ્પષ્ટ દેખાય રહી છે. ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદીનું નામ લીધા વગર તંત્રીલેખમાં તેમની ટીકા કરી હતી. તો આરએસએસના મુખપત્ર પાંચજન્યની મંથન કોલમમાં સંઘના  પ્રતિષ્ઠિત વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની ટીકા કરી છે. જો કે સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં રાજકીય વિશ્લેષક નરસિંમ્હાએ મોદીની  પ્રશંસા કરી છે.
ત્યારે સંજય જોશીના રાજીનામાની આગ ગુજરાતથી લઈને ભાજપમાં કેન્દ્ર સુધી લાગી ગઈ છે. ઘટનાક્રમો પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપની કેન્દ્રીય નેતાગીરીની  સંજય જોશી તરફ સિમ્પથી છે. તો ગુજરાતમાં પણ ભાજપની અંદર મોદી સામે પડેલા સંજય જોશી જૂથના નેતાઓ અને કાર્યકર્તાઓ ફરીથી સક્રિય થઈ રહ્યા છે. જો કે સંજય જોશીએ હોર્ડિંગ મામલે  પોતાની સામેલગીરીનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. તો ભાજપે આ હોર્ડિંગ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે જોશીના રાજીનામા બાદ ગુજરાતની ગલીઓમાં શરૂ થયેલું હોર્ડિંગ યુદ્ધ ક્યાં સુધી પહોંચે છે?

No comments:

Post a Comment