Monday, June 11, 2012

મોદી સામેની ટીપ્પણીઓ ફરીથી કોંગ્રેસ માટે ‘મોત કા સોદાગર’ બનશે?


-    આનંદ શુક્લ
ગુજરાત હવે સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયું છે. ભાજપની પ્રદેશ કારોબારીની રાજકોટ ખાતેની બેઠકમાં 2012ની વિધાનસભાની ચૂંટણીઓ જ્વલંત દેખાવ સાથે જીતવાનો પાર્ટીએ નિર્ધાર કર્યો છે. પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના મોદી વિરોધી વલણથી રાજકીય પરિસ્થિતિઓમાં મોટું પરિવર્તન આવશે તેવી ગણતરીઓ થઈ રહી છે. વડાપ્રધાન બનવા માટે થનગનતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશ કારોબારીના સમાપન પ્રસંગે હિંદીમાં આક્રમક ભાષણ કર્યું. તેમણે કોંગ્રેસને ડૂબતી નાવ કહીને વડાપ્રધાન પર આકરા વાકપ્રહારો કર્યા.
કોંગ્રેસે પણ તેના પગલે વળતા શાબ્દિક હુમલા શરૂ કરી દીધા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ મોદીને રાજકીય આતંકવાદી ગણાવીને તેમના પર ગુજરાતની પ્રજાનું વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી નારાયણ સામીએ પણ મોદીને નિશાન બનાવીને કહ્યુ છે કે ગુજરાતમાં જ ઘણું ખોટું થઈ રહ્યું છે, ત્યારે મોદીને કેન્દ્રની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. સામીએ મોદીને કોમવાદી આતંકી ગણાવીને તેમને પહેલા કમ્યુનલ કાર્ડમાંથી બહાર આવવાની સલાહ પણ આપી છે.
આવનારા દિવસોમાં મોદી સામેના કોંગ્રેસી નેતાઓના હુમલા વધુ ઉગ્ર બનશે. ભૂતકાળની ઘટનાઓમાંથી કોંગ્રેસે કોઈ બોધપાઠ લેવાની જરૂર છે. મોદી માટે 2007ની વિધાનસભા ચૂંટણી જેટલી સરળ સ્થિતિ 2012માં દેખાઈ રહી નથી. ગુજરાતના વિરોધ પક્ષ કોંગ્રેસ કરતાં મોદીના પક્ષના વિરોધીઓ અત્યારે વધારે જોરમાં છે, કારણ કે તેમની આગેવાની પાર્ટીના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે લીધી છે. આ વખતે કેશુભાઈ પણ મોદી સામે 2007ની વિધાનસભા ચૂંટણીની જેમ પારોઠના પગલા ભરવા માટે તૈયાર નથી. વળી સંજય જોશીએ પહેલા ભાજપની રાષ્ટ્રીય કારોબારી અને પછી પક્ષની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપવાની ઘટનાએ પક્ષમાં કેન્દ્રીય સ્તરે પણ મોદી વિરોધી વાતાવરણને હવા આપી છે.
સંજય જોશી પ્રકરણમાં મોદીની ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં નામ લીધા વગર ટીકા કરવામાં આવી છે. મોદીની કાર્યપદ્ધતિ પર પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ ચિંતક દેવેન્દ્ર સ્વરૂપે ટીકા કરી છે. તરુણ ભારતમાં એમ. જી. વૈદ્યે મોદીને સલાહ આપી છે કે વ્યક્તિ નહીં, સંગઠન મહાન છે. આ ઘટનાક્રમો  પરથી લાગી રહ્યું છે કે મોદી હાલ પક્ષમાં જ ઘેરાયેલા છે અને તેમના માટે પરિસ્થિતિ પહેલા જેવી સરળ દેખાતી નથી. તેવા સમયમાં મોદીને રાજકીય આતંકવાદી અથવા કોમવાદી આતંકી કહેવા તેમના ફાયદામાં જઈ શકે છે.
ભૂતકાળની ઘટનાઓ સાક્ષી છે કે મોદીનો વિરોધ મોદીને વધારે મજબૂત બનાવે છે. 2002ની ગોધરાકાંડ બાદની ઘટનાઓ વખતે મોદી પર માછલા ધોવામાં આવ્યા હતા. જો કે ડીસેમ્બર-2002ની ચૂંટણીમાં ગૌરવરથ પર સવાર મોદીને જનતાએ જ્વલંત જીત અપાવી હતી.
2007માં તેમની સામે વિરોધનું  વાતાવરણ જામ્યુ હતુ, ત્યારે દિગ્વિજય સિંહે પહેલા હિંદુ આતંકવાદની વાત કરી અને સોનિયા ગાંધીએ 2002ની ઘટનાઓ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સંદર્ભે મોદીને મોતના સોદાગર ગણાવ્યા હતા. આ ઘટના 2007ની ચૂંટણીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ગુજરાતની જનતાએ ફરીથી મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ મોદી જરૂરથી આવા કોઈ મુદ્દાની તલાશમાં હશે. મોદી સામે 2002ની ઘટનાઓ અથવા તો એન્કાઉન્ટરો સંદર્ભે કરવામાં આવતી આકરી ટીપ્પણીઓ અને નિવેદનો કોંગ્રેસ માટે હંમેશા બૂમરેંગ સાબિત થાય છે.
તાજેતરમાં મોદી સામે શરૂ થયેલી આકરી કોંગ્રેસવાણી ભાન ભૂલશે, તો તેનો સીધો રાજકીય ફાયદો મોદીને થશે. કોંગ્રેસ 2012માં મોદીને ગુજરાત ફરી તાસક પર સજાવીને સોંપી દેશે. મોદી પર 2002ની પૃષ્ઠભૂમિમાં ટીપ્પણીઓ કરીને મોદીને ફાયદો કરવા કરતાં કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. મોદીની 2002ની ઘટનાઓમાં શું ભૂમિકા હતી? તેઓ તેના માટે જવાબદાર હતા કે નહીં ? આ તમામ બાબતોની સંપૂર્ણ તપાસ કરીને કોર્ટ જ કોઈ તાર્કિક અંત પર આવીને નિષ્કર્ષ આપે તે યોગ્ય છે. કાયદાકીય રીતે આવા મામલાનો તાર્કિક અંત આવે નહીં, ત્યાં સુધી તેમને રાજકીય ચર્ચામાંથી બહાર રાખવા જોઈએ.
લોકશાહી વિવિધ વિચારધારાના સહઅસ્તિત્વનું નામ છે. ભારતમાં બંધારણ દ્વારા પ્રસ્થાપિત લોકશાહી છે. ગુજરાતની ગાદી પર 11 વર્ષથી નરેન્દ્ર મોદી લોકતાંત્રિક  રીતે મુખ્યમંત્રી પદે સત્તારૂઢ છે. નરેન્દ્ર મોદી એક જનપ્રતિનિધિ છે. જનપ્રતિનિધિઓ લોકોનું અને તેમની ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે જનપ્રતિનિધિઓની ટીકા કરતી વખતે પ્રજાની ઉપેક્ષા કે અપમાન કરનારી ટીપ્પણીઓ પણ ટાળવી હિતાવહ હોય છે. મોદી હંમેશા પોતાના સંદર્ભે આપવામાં આવેલા નિવેદનોને ગુજરાતની અસ્મિતા સાથે જોડતા આવ્યા છે. ત્યારે કોંગ્રેસે રાજ્યની પ્રજા માટે સંવેદનશીલ બની ચુકેલા મુદ્દાઓ પર ટીપ્પણી કરતી વખતે મોદી રાજકીય લાભ ખાટી જાય નહીં તે માટે વિશેષ સાવધાની રાખવી પડશે.

No comments:

Post a Comment